દિલ્હી ટુ દેવળિયા : ખમ્મા ગીરને! – ગોપાલ ખેતાણી 33


“માતા કા બુલાવા આયેગા,
તબ જા પાયેંગે વૈષ્ણોદેવી!”

“ઇ તો મારો ધોળી ધજાનો ધણી હાક પાડે તંયે દવારીકા પોગી હકાય બાપલિયા!”

આવા સંવાદ આપણે સાંભળ્યા જ હશે, બરોબરને?

તો પછી હું શા માટે બાકાત રહું?

“ગિરનારનો જોગંદર કેસરી જ્યારે ગરજીને આહ્વાન આપે ને ત્યારે જ બાપલિયા ઇ ના રંગ જોવા પોગી હકાય!”

લ્યો, આ આપણી વાત!

આ વર્ષે (૨૦૧૯) જૂનમાં બે અઠવાડિયાની રજા મળી એટલે હરખભેર હું, મારી ‘ઈ” અને અમારી ‘ઈવડી ઈ” (અઢી જણ) દિલ્હીથી ગુજરાત જવા રવાના થયા. છેલ્લી કેટલીક મુસાફરીમાં મારું સદ્‍નસીબ છે કે મને ભારતીય સેનાના વીર જવાનનો ભેટો થઈ જ જાય. આ વખતે પણ સિયાચીનમાં બબ્બે વખત (એક વખત સ્વૈચ્છિક) ફરજ નિભાવનાર વીર જવાન મળી ગયા. બહુ આનંદ અને ગર્વ થયો તેમની વાતો સાંભળીને.

ગુજરાતમાં ગરમીએ “માઝા” મૂકી હતી (કેસર કેરી બહુ થયેલી ને!) પણ “વાયુ”ની કૃપાથી અમે પહોંચ્યા ત્યારે વાતાવરણ સારું થઈ ગયેલું. રાજકોટમાં થોડા દિવસનો આનંદ માણી જૂનાગઢ તરફ રવાના થયા.

દૂરથી ગિરનાર નજરે ચડતાં જ ગુજરાત પ્રવાસન ખાતાની જાહેરાતવાળું એ પ્રખ્યાત ગીત યાદ આવી ગયું.

હે ધીર ધીર ધીર ધા ધીલાંગ,
ખીણ કોતર ગઢ ‘ને કાંગ,
રા’ રાણક ‘ને રાંગ,
ડાલામથ્થા ‘ને ડાંગ,
નરસૈ નાચે ‘ને તાંગ,
સમદરનો સોમ સ્વાંગ,
જિન જોગી બુદ્ધ ભાંગ
ગબ્બરથી ખલક ખાંગ,

નુગરાથી નાથ અકળ,
રોગ તણાં કાપ તુ તો
શરણે ભરણે મરણે તાર તાર તાર…
નમીએ ગિરનાર તુ ને નમીએ ગિરનાર..!

જૂનાગઢથી સાવરકુંડલા કામ માટે જવાનું થયું. મારા સાળા સાહેબનો આગ્રહ હતો કે કારની વ્યવસ્થા થઈ છે તો સાથે સાથે કોઈ સ્થળ ફરી લઈએ. વિચારને તરત જ મેં વધાવી લીધો. મનમાં વનરાવનના રાજાને જોવાની ઇચ્છા થઈ આવી. ગુગલ દેવતા હાથ વગા હતાં પણ આ દેવતા સહદેવ જેવા જ છે! આથી સચોટ માહિતી માટે મેં મારા પરમ મિત્ર જીજ્ઞેશભાઇ અધ્યારુને પૂછ્યું કે “ભાઈ, સિંહ દર્શન માટે શું કરવું? ગીર જવું કે આંબરડી?” (વળી, આંબરડી માટે મેં અમારા વડીલ સાહિત્યકાર ભારતીબેન ગોહીલને પણ હેરાન કરેલા.)

જીજ્ઞેશભાઈએ ચોખ્ખું જ કહી દીધું કે “હાલ, સાવજનો મેટીંગ પિરિયડ શરુ થતો હોવાથી ચાર મહિના બન્ને જગ્યાઓ બંધ જ રહેશે. પણ તમે દેવળિયા ઇન્ટરપ્રિટેશન ઝોન ચાલ્યા જાઓ. ત્યાં તમને સિંહ દર્શનની એકસો એક ટકાની ગેરંટી.”

અમે સવારે ભવનાથ મહાદેવનું નામ લઈ દેવળિયા જવા રવાના થયા. જૂનાગઢથી દેવળિયાનું અંતર અડતાળીસ કિ.મી. જેટલું છે. કારમાંથી બન્ને બાજુ લીલી છમ્મ હરિયાળીને જોતાં જ અમારા “દિલ ગાર્ડન ગાર્ડન હો ગયા!” સાડાનવની આસપાસ અમે દેવળિયા પહોંચ્યા. સાસણગીરથી માત્ર પાંચ કિ.મી. પહેલાં જ આવેલો આ દેવળિયા ગીર ઇન્ટરપ્રિટેશન ઝોન પ્રવાસીઓ માટે ગુજરાત સરકારે કરેલો સરાહનીય પ્રયાસ છે.

પ્રવેશદ્વાર જોઈને આનંદ થયો. અંદર જતાં જ તમને જૂનાગઢ જંગલ ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત હોટેલ અને રિસોર્ટની યાદી જોવા મળશે. ગીરમાં ઘણી હોટેલ અને રિસોર્ટ ગેરકાયદે સિંહદર્શન કરાવવાની લાલચ આપે છે, તેમાં ફોસલાઈ જવું નહીં!

ઇન્ટરપ્રિટેશન ઝોનની ઓફીસમાંથી અમે સફારી વિઝિટની ટિકીટ મેળવી. અહીં તમને મિનિ બસ દ્વારા જંગલની સફર કરાવાય છે.. સવારે આઠ થી અગિયાર અને સાંજે ત્રણથી પાંચમાં જ તમે (બસ દ્વારા) ફરી શકો. બુધવારે આ ઝોન બંધ હોય છે. હાલ પ્રતિ વ્યક્તિ બસની ટિકીટ એકસો નેવુ રૂપિયા છે.

અમે લોકો બસમાં ગોઠવાઈ ગયા. અમારી સાથે બિનગુજરાતી મુલાકાતીઓ પણ ઘણા હતાં. ઇન્ટરપ્રિટેશન ઝોન એક નાનકડું જંગલ જ છે. પણ તેમાં બસ અને જીપ એક નિશ્ચિત માર્ગ પર સફર કરી શકે તેવો સિમેન્ટેડ રોડ બનાવ્યો છે. ઝોનમાં પ્રવેશતાં પહેલાં આકર્ષક અને મજબૂત પ્રવેશદ્વાર છે. ઝોનમાં પ્રવેશતાંની સાથે જ એક રોમાંચની લાગણી તન મનને ઝંકૃત કરી ગઈ. હરણ અને નિલગાયને વિચરતાં જોઈ બાળકો અને મોટેરાંઓને પણ મજા પડી. જ્યાં પણ હરણ, નિલગાય, મોર, શિયાળ નજરે ચડે ત્યાં બસ થોભાવે. થોડાં મન મસ્તિષ્કમાં તો ઘણાં કેમેરા – મોબાઈલમાં દ્ર્શ્યો અંકિત કરે.

બધાં જ સાવજને જોવા ઉત્સુક હતાં ત્યાં જ ડ્રાઈવરે બસ થોભાવી. ઘટાદાર ઝાડનાં છાંયે સિંહ યુગલ ઊંઘી રહ્યું હતું. ઊંઘતા સિંહ જોઈને પણ બધાં ખુશ થઈ ગયા. જો કે વસવસો હતો કે “બાપુ, જાગતાં હોત તો થોડી વધુ મજા આવત. બે – ચાર વાતું થાત.. એનેય કંઈક દિલ્હી કે’વડાવું હોત તો તે મને ભલામણ કરત!”

સૂતેલા સિંહને જોતાં જોતાં પણ ચારણ કન્યા તો યાદ આવી જ ગયું. રાષ્ટ્રીય શાયર ‘ને ગુજરાતના પનોતાં પુત્ર શ્રી ઝવેરચંદ મેઘાણીની સદાબહાર રચના એટલે ચારણ કન્યા.

સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોધ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે?
બાવળના જાળામાં ગરજે
ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઊગમણો આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે…. (બાકીનું ગુગલ કરી લેજો! અક્ષરનાદની લિંક આવશે)

સિંહ-સિંહણના ધરાઈને ફોટો લીધાં પછી બસ આગળ વધી. પ્રાણી સંગ્રહાલયની જેમ દીપડા માટે દિવાલ ચણીને મોટો ઝોન બનાવ્યો છે. બસનો રસ્તો ઊંચાઈએ છે માટે બારીમાંથી આ ઝોન જોઈ શકાય. દીપડાને જોયા. અને ફરી આ નાનકડા જંગલને માણતાં બહાર નીકળ્યા. ઓફીસની સામે એકદમ સરસ બગીચો છે. જ્યાં બાળકો માટે હીંચકા, લપસીયા બનાવેલા છે. સોવેનિયર શોપ છે. બે ત્રણ ફૂડ ઝોન છે જ્યાં નાસ્તો, ઠંડા પીણા, ચા વગેરેની સગવડ છે. અમે બગીચામાં થોડો સમય વિતાવ્યો. ફરી ફોટો પ્રણાલી(!)ને ન્યાય આપ્યો અને એક સંતોષની લાગણી સાથે બહાર નીકળ્યા. દેવળિયાથી પરત ફરીએ ત્યારે ઝોનથી નજીક જ રસ્તાની બન્ને બાજુ તમને કાઠિયાવાડી ભોજન કાઠિયાવાડી સ્ટાઇલમાં મળી શકે છે. સમય હોય તો એનો આનંદ લેવો.

દેવળિયા ઝોનની આ સફરનો બાળકોએ તો લહાવો લીધો જ પણ કોંક્રીટના જંગલમાં અટવાયેલાં અમારા તન – મન તો આ ગીરના જંગલમાં રિફ્રેશ થઈ ગયા. આ એક નાનકડી મુલાકાત પણ મન પર અજબ અસર કરી ગઈ. અને એટલે તો “આનંદબાબુ”એ ગાયું હતું કે

छोटी बातें, छोटीछोटी बातों की हैं यादें बड़ी
भूले नहीं, बीती हुई एक छोटी घड़ी।

છેલ્લે એટલું જ કહીશ કે થોડીક ક્ષણો ચોરીને, થોડું સ્વાર્થી બનીને પોતાના માટે, પરિવાર માટે સમયાંતરે પ્રવાસનું આયોજન કરતાં રહેવું. તમારાં નોકરી, ધંધા, ગૃહકાર્યને લીધે આવતાં ડિપ્રેશન અને ફસ્ટ્રેશન માટે તમારી આ ‘એકશન’ ખૂબ સરસ ‘રિએક્શન’ આપશે એની સો ટકા ગેરંટી!

“No one realizes how beautiful it is to travel until he comes home and rests his head on his old, familiar pillow.”   Lin Yutang


આપનો પ્રતિભાવ આપો....

33 thoughts on “દિલ્હી ટુ દેવળિયા : ખમ્મા ગીરને! – ગોપાલ ખેતાણી