ત્રિઉંડ ટ્રેક અહેવાલ – મીરા જોશી 39


ધર્મશાલા- હિમાચલનું આધ્યાત્મિક નગર!

જેમ લાગણીનું સ્થાન હ્રદય મનાય છે, બુદ્ધિનું સ્થાન મસ્તિષ્ક ગણાય છે તેમ માનવજાતિના આત્માનું સ્થાન હિમાલય છે. માનવ સંસ્કૃતિનો પ્રાણ જો કોઈ ચોક્કસ ઠેકાણે વિશેષરૂપે સ્ફૂરતો હોય તો તે હિમાલયમાં છે. – આજે પણ કાકા કાલેલકરના આ શબ્દો હિમાલયના અદ્ભુત મહત્વની સાક્ષી પૂરે છે.

હિમાલય, હિમાચલપ્રદેશ પોતાનામાં જ વિશાળ અને સંપૂર્ણ છે. એ જ હિમાચલ પ્રદેશના કાંગ્રા જીલ્લામાં આવેલ અને બ્રિટીશરોએ જ્યાં ધામા નાખ્યા હતાં, દલાઈ લામાએ જ્યાં બૌદ્ધ તિબેટિયન સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો એ હિલ સ્ટેશન એટલે ધર્મશાલા. જેનો ઈતિહાસ વર્ષો જુનો છે.

Triund Himachal Pradesh Meera Joshi

 ‘A forest bird, never wants a cage’ વાક્યની જેમ ફરી એકવાર આ કોન્ક્રીટના જંગલોનું પક્ષી કુદરતના જંગલોને મળવા જઈ રહ્યું હતું. સહેલી ડીમ્પલ જે હવે દરેક પ્રવાસની સહયાત્રી બની ગઈ છે, તેની સાથે નવા એડવેન્ચરની રોમાંચક સફર ખેડવા મે મહિનાની ગરમીને ટાટા કહેતા અમે નીકળી પડ્યા. હિમાચલ પ્રદેશનો કાંગરા જીલ્લો ચીડ, પાઈન અને દેવદારની હરિયાળીથી અને ધલોન્ધર રેંજના બરફ આચ્છાદિત પહાડોથી છવાયેલો છે. 

સુરતથી પઠાણકોટ કાન્ટની ૨૪ કલાકની ટ્રેનયાત્રા બાદ પઠાણકોટથી ધર્મશાલાની બસમાં બેઠા ત્યારે બસમાંથી દેખાતા કાંગરા જીલ્લાના ધલોન્ધર રેંજના દૂર સુધી ફેલાયેલા પહાડોએ પઠાણકોટની ગરમીને ભૂલાવી અમારી તરસી આંખોને ઠંડક આપી દીધી! ધર્મશાલા કાંગરા જીલ્લાનું મુખ્ય શહેર છે જેની આસપાસ મેકલીઓડગંજ, ભાગ્સુ, નડી, ધર્મકોટ, પાલમપુર, બીર જેવા સુંદર ગામ આવેલા છે. ટ્રેકિંગ પોઈન્ટ અને ફરવાના સ્થળો મેકલીઓડગંજથી નજીક હોવાથી દર વખતની જેમ જ અમે ‘એમએમટી’ (મેકમાયટ્રીપ) પરથી ઓછા ભાવની પણ સુંદર હોટેલ ‘મેકલીઓડગંજ હોમસ્ટે’ બુક કરાવી હતી.

ફ્રેશ થઈ હોટેલની બહાર નીકળતા જ અમારી જ રાહ જોઈ રહેલી ઠંડીએ અમને પોતાના બાહુપાશમાં જકડી લીધા! પરંતુ આજુબાજુ ફેલાયેલા દેવદાર, પાઈન ને ચીડના વૃક્ષો, રંગબેરંગી મકાનોથી ઘેરાયેલા શહેરની શાંતિ તેમજ બૌદ્ધ ધર્મના તિબેટિયન લામાઓના દર્શન કરતાં કરતાં નવા શહેરની હવાને જોવા-માણવામાં ઠંડી વિસરાઈ ગઈ. પહેલા દિવસે અમે સાંજે પહોંચ્યા હોવાથી માત્ર મેકલીઓડગંજ માર્કેટ જે માર્કેટ સ્ક્વેર તરીકે ઓળખાય છે તેની જ મુલાકાત લઈ શકાઈ.

Triund Himachal Pradesh

ધર્મશાલા શબ્દ સંસ્કૃત લીપીમાંથી લેવામાં આવ્યો છે, ધર્મ- અને શાલા. આધ્યાત્મિક અર્થમાં આ શબ્દને ધર્મની શાળા તરીકે ઓળખી શકાય. ખરેખર આ જગ્યાના પવિત્ર શિખરો અને ઊંચેરા વૃક્ષોમાંથી મળતી શાંતિ, આભા અને પવિત્ર સકારાત્મક કંપનો કોઈ મંદિરની પવિત્રતાથી ઓછી અસર નથી કરતાં. જે જગ્યાએ પગ મૂકતાં જ હ્રદયમાં શાંતિ અને સકારાત્મકતા પથરાઈ જાય એ જગ્યામાં ખરેખર કોઈક અદ્ભુત આધ્યાત્મિક તત્વ વસતું હોય.

બ્રિટીશ રાજ સુધી ધર્મશાલા અને તેની આજુબાજુના વિસ્તારમાં કાંગરાના રાજા કાટોચનું શાશન ચાલતું હતું. જેમણે લગભગ બે સદી સુધી ધર્મશાલામાં શાશન કર્યું. સંશોધકોના મતાનુસાર માત્ર ભારતનું નહિ પણ દુનિયાના સહુથી જુના શાશક હોવામાં આ શાશક નામના ધરાવે છે. જેના વંશજો આજે પણ ધર્મશાલામાં રહે છે.

વર્ષ ૧૯૦૫ માં કાંગરા જીલ્લાએ ભયંકર ધરતીકંપનો સામનો કરવો પડ્યો હતો, જેણે ૨૦,૦૦૦ લોકોનો ભોગ લીધો હતો. અમે મેકલીઓડગંજ માર્કેટમાં ફર્યા. દરેક સ્થળની જેમ અહીં પણ પ્રવાસીભોગ્ય વસ્તુઓ, વિશેષ તો કાંગરા ચાનું વેચાણ થાય છે. એક સુંદર સાંજ માણીને જયારે હોટેલ પર આવ્યા ત્યારે સાંજને ‘વેલકમ’ કહેતો સૂરજ ક્યારનો પહાડો પાછળ સંતાઈ ગયો હતો ને ચારે તરફ અંધારું પથરાઈ ગયું હતું.

Triund Himachal Pradesh

દિવસ ૨

જીવનની કોઈપણ અનુભૂતિથી હ્રદય ક્યાં તો સમૃદ્ધ થાય છે અથવા હ્રદયમાં ઉઝરડા પડે છે. સમૃદ્ધ હ્રદય સર્જન તરફ વળે છે તો પીડાથી ઉઝરડાયેલું હ્રદય પણ સર્જન તરફ વળી શકે છે અને કલાના કોઈને કોઈ માધ્યમથી એ સર્જનનું પ્રતિબિંબ ઝળકાય છે.

આ લખાણ સમૃદ્ધ હ્રદયનું પ્રતિબિંબ છે. ધર્મશાલાની અદ્રિતીય શાંતિ, હવામાં રેલાતું સકારાત્મક કંપન અને ઠંડીમાં ઝબોળાયેલું આહ્લાદક વાતાવરણ..  એક જ રાતમાં ૩૦ કલાકની મુસાફરીનો થાક ઉતરી ગયો અને મન-હ્રદય આનંદથી સમૃદ્ધ થઈ ગયું. બીજા દિવસે શહેરના જોવાલાયક સ્થળોને જોવા નીકળ્યા.

મેકલીઓડગંજ માર્કેટની સામે એક રસ્તો પડે છે જ્યાં ડાબી તરફ એક રેલીંગ છે, રેલીંગની નીચે આખા રસ્તા પર લોખંડની બેંચો મૂકેલી છે જેની સામેની તરફ ચા અને નાસ્તાની દુકાનો છે. અમે અહીં રોકાયા ત્યાં સુધી સવારે ને સાંજે અહીં બેસીને પહાડોને નિહાળતાં ચા પીતાં ત્યારે કોઈ હિન્દી ફિલ્મના સીન જેવો રમણીય નજારો દેખાતો – ટી સ્ટોલ પર ઉકળી રહેલી ચાની વરાળ, સામે અડીખમ ઉભેલા પહાડો, લીલા રંગની ચૂનર ઓઢેલી ખીણ, મરુન પહેરવેશમાં બેંચ પર બેસેલા તિબેટીઅન લામાઓ અને તેમનું નિર્મળ સ્મિત, ટેક્સીઓ અને ફોરેઈનરોનું આવન-જાવન.. અહીં પસાર થતી ક્ષણોમાં દિવસનો બધો જ થાક જાણે કે ગાયબ થઈ જતો. અહીં કોફીનું ખાસ ચલણ નથી. ધર્મશાલામાં મુખ્યત્વે ચા, ઘઉં અને ચોખાની ખેતી થાય છે. ચાના બગીચા અહીં બસ-ટેક્સીમાંથી પણ જોવા મળે એટલા બધા છે, જે પ્રખ્યાત કાંગરા ટીનું ઉત્પાદન કરે છે. બ્લેક ટી, રોઝ ટી ને ગ્રીન ટી ઉપરાંત કાશ્મીરી કાહવા અને મસાલા ચાનું પણ અહીં ઉત્પાદન થાય છે. મને ચાનું વ્યસન નથી, પણ અહીંની ચાના સ્વાદે જીભને ચાની આદત પાડી જ દીધી.

સૌપ્રથમ માર્કેટ સ્ક્વેરમાં આવેલ નામગ્યાલ મોનેસ્ટરી જોવા ગયાં. વર્ષ ૧૯૫૯માં જયારે દલાઈ લામાને તિબેટ છોડવું પડ્યું ત્યારે તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી જવાહરલાલ નહેરુજીએ તેમને ધર્મશાલા આવવાની અનુમતિ આપી અને ત્યારથી દલાઈ લામા તેમજ તેમના અનુયાયીઓએ પોતાની મોનેસ્ટરીઓ સ્થાપી ધર્મશાલામાં બૌદ્ધ તિબેટિયન ધર્મનો પ્રચાર કર્યો. જેમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ગુરુકુળ હોય છે તેમ બૌદ્ધ ધર્મના સંતો માટે મોનેસ્ટરી હોય છે, જ્યાં સંતો, લામાઓ પ્રાર્થના, ધ્યાન કરે છે અને રહે છે. ૧૬મી સદીમાં બનેલી આ નામગ્યાલ મોનેસ્ટરી એ ૧૪ માં દલાઈ લામાની પોતાની મોનેસ્ટરી છે.

ને ત્યારબાદ જોયું ભાગ્સુ વોટરફોલ. મેકલીઓડગંજ માર્કેટથી ૩ કિમી દૂર ભાગ્સુ મંદિર આવેલું છે અને તેની ઉપર ૨ કિમી પથ્થરોના દાદરવાળા રસ્તાથી ચાલીએ એટલે ધોધ આવે. ડાબી બાજુ ધલોન્ધર રેંજના બરફઆચ્છાદિત શિખરો ને ખીણ છે તો જમણી બાજુએ અલગ જ અદાથી વહી રહેલો ભાગ્સુ ધોધ છે. સફેદ ચાંદની જેવા પાણીમાં નીતરતા ધોધે આંખો અને હ્રદયમાં અલગ જ નશો ભરી દીધો. આવા અદ્રિતીય, આનંદ ઝળકતા વાતાવરણ વચ્ચે કલાક પસાર કર્યા બાદ, કેમેરાને ન્યાય આપ્યા બાદ નીચે ઉતરીને મોમોઝ અને પાણીપૂરીનો ટેસ્ટ માણ્યો. ને ફરી ૫ કિમી જેટલું ચાલીને પરત હોટેલ પહોંચ્યા.

મારા દરેક પ્રવાસોમાં અનિર્વાર્ય ન હોય ત્યાં સુધી ચાલીને જ જે-તે સ્થળે જવાનું પસંદ કરું, જેથી ટેક્સી-બસના પૈસા પણ બચે, અને ત્યાંના સ્થાનિક લોકોને જોવાનો, તેમની સંસ્કૃતિને નજીકથી જાણવાનો ‘ફ્રી’માં લાભ મળે! ઠંડા પ્રદેશમાં ચાલીને ફરવાથી ભૂખ પણ લાગે અને સાંજે થાક લાગવાથી ઊંઘ પણ સરસ આવે. આમ હોટેલમાં રેસ્ટ કરી ફરી માર્કેટ સ્ક્વેર પહોંચ્યા. જ્યાંથી હવે અમારે સેન્ટ જોહનસ ચર્ચ અને દાલ લેક જોવા ટેક્સી કરવાની હતી.

અઢારસોની સદીમાં વિક્ટોરીઅન કારીગરીથી બનાવેલું, વિશાળ મેદાન પર ઉભેલું આ ચર્ચ આજે પણ ઉત્તમ કારીગરીના નમૂના સમાન છે. ચર્ચ જોયા બાદ ક્ષણભર લાગ્યું જાણે અમે ગોઆમાં તો નથી! બહાર નીકળી બ્રેડપાઉંમાંથી બનાવેલી સ્વાદિષ્ટ આઈટમનો નાસ્તો કર્યા બાદ ટેક્સી કરી ડાલ લેક જોવા નીકળ્યા. ડાલ લેકનો રસ્તો સીધી સડકવાળો નથી પણ ઊંચાઈવાળો છે. ‘ડાલ લેક’ નામ વાંચી-સાંભળી દરેકને મનમાં પહેલો વિચાર કાશ્મીરનો જ આવે, ને ખરેખર ધર્મશાલાના આ લેકનું નામ કાશ્મીરના ‘ડાલ લેક’ પરથી જ પાડવામાં આવ્યું છે. ચારેય બાજુથી દેવદારના ઊંચા વૃક્ષોથી ઘેરાયેલું, ઉપર સ્વચ્છ વાદળી આકાશ ઓઢેલું, ને બહુ ડહોળું ન કહી શકાય એવા આ તળાવનું શાંત નીર.. જેની બાજુમાં ઉભેલું શિવ મંદિર. મંદિરે દર્શન કર્યા. અમુક તમુક પ્રવાસીઓના હોવા છતાં મંદિરની શાંતિ અલૌકિક હતી. શિવ મંદિરની બરાબર સામે જ માતાજીનું પણ મંદિર છે. અમે તળાવની ફરતે ફરી ડાલ લેક પર ઢળતી બપોરના મનોહર દ્રશ્યને કેમેરામાં કેદ કરી પરત મેકલીઓડગંજ આવ્યા.

મેકલીઓડગંજ પહોંચીને ત્રીઉન્ડ ટ્રેક વિશે લોકલ ટુર ઓપરેટર પાસેથી માહિતી મેળવી. ઓનલાઇન બુકિંગ કરવા કરતાં, લોકલ કંપની પાસેથી બુક કરીએ તો સસ્તું પડશે એ વિચારે અમે બધાના ભાવો સરખાવ્યા, અને ખરેખર વિચાર્યું હતું એમ જ થયું.

ધર્મશાલા-મેકલીઓડગંજમાં બીજા અનેક જોવાલાયક સ્થળો છે- નડી ગામ, કાંગરા ફોર્ટ, દુર્ગામાતા મંદિર, તિબેટિયન મ્યુઝીયમ, ધર્મશાલાનું પ્રખ્યાત ક્રિકેટ સ્ટેડીયમ, વગેરે. પણ સમયના અભાવના કારણે અમે સંતોષકારક રીતે આટલા જ સ્થળો જોયા.

Triund Himachal Pradesh

દિવસ ૩

હિમાચલના ઘણા ટ્રેક માટેનું પ્રસ્થાન કેન્દ્ર ધર્મશાલા છે. આશરે ૨૮૫૦ મીટરની ઊંચાઈ પર આવેલ ત્રીઉન્ડ ટ્રેક સિવાય અહીંથી તોરલ પાસ, કારેરી પાસ, લાકા ગ્લેસિયર જેવા ૨-૩ દિવસના ટ્રેકિંગ કરી શકાય છે. દિલ્હી અને પંજાબના લોકો માટે વિકેન્ડ- વેકેશન પસાર કરવા માટે હિમાચલનો સુંદર પ્રદેશ સાવ નજીક કહેવાય એટલો છે.

ગલુ ટેમ્પલ ત્રીઉન્ડ ટ્રેકનો સ્ટાર્ટટીંગ પોઈન્ટ છે. જોગાનુજોગ એ જ દિવસે ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ હોવાથી રાજકારણમાં અત્યંત રૂચી ધરાવનાર સહેલી ડીમ્પલને હ્રદય અને મગજ પર પથ્થર મૂકીને ટ્રેકિંગ પર આવવું પડ્યું. હાસ્યાસ્પદ લાગશે પણ ગુજરાતથી માઈલો દૂર હોવા છતાં અમે રસ્તામાં આવતાં જતાં સહુને ‘ગુજરાત મેં કિતની શીટ આઈ..’ ‘મોદી હી જીતેગા’ જેવા પ્રશ્નો પૂછતાં આગળ વધતા જતાં હતાં. આખરે જેમ-જેમ ઊંચાઈ પર આવતાં ગયાં તેમ નેટવર્ક આવવાનું બંધ થયું અને પછી બચ્યા માત્ર અમે, અમારી આંખ સામે ફેલાયેલા ધલોન્ધરના પહાડો અને લીલીછમ હરિયાળીથી મઘમઘતો પ્રદેશ.

પહાડ ચઢતી વખતે વાદળાંઓની શોભા અનેરી જ હોય છે. મોરપીંછ રંગનું આકાશ, સૂરજની આરપાર સંતાકૂકડી રમતાં રૂ જેવા મખમલી વાદળો ને ઊંડી ખીણને નિહાળતાં, કેમેરામાં કેપ્ચર કરતાં ગીતો ગાતા અમે આગળ વધતાં હતાં.

અસંખ્ય ખીણો અને પહાડોથી ઘેરાયેલો આ કાંગરા જીલ્લો અનેક પ્રવાસીઓને આકર્ષે છે. તેમ છતાં હિમાચલ પ્રદેશના મનાલી, શિમલા, ડેલ્હૌઝી, નૈનીતાલ, લેહ, લડાખ જેવા જાણીતા સ્થળો કરતાં ધર્મશાલાનું નામ હજુ ઘણા પ્રવાસીઓ માટે નવું છે. જ્યાં બધા જાય છે ત્યાં જવામાં આપણને સહેલાઈ લાગે છે, પણ એ સહેલા, મુશ્કેલી વિનાના પ્રવાસ પ્રયોજનમાં જોવા જેવું (ને જીવવા જેવું) બીજું ઘણું સુંદર છૂટી જાય છે. પ્રવાસીઓનો રાફડો જયારે મનાલી જેવા હિલસ્ટેશનને બજાર જેવું સ્થળ બનાવીને મૂકી દે ત્યારે આપણે સમજવું જોઈએ કે હવે સમય આવી ગયો છે, હાથમાં નકશો પકડવાનો ને ભારતની ભૂમિમાં દટાયેલા મોતી જેવા સુંદર સ્થળોના નામ શોધી કાઢવાનો..!

Triund Himachal Pradesh

ચાર કલાકના ટ્રેકિંગ બાદ જયારે ટોપ પર પહોંચ્યા ત્યારે આંખોને વિશ્વાસ નહોતો થતો કે ખરેખર અમે અહીં આવ્યા છીએ કે કોઈ જાદુગરે સ્વિત્ઝરલેન્ડ પહોંચાડી દીધા?!  સ્વિત્ઝરલેન્ડ જોયું તો નથી પણ પ્રકૃતિનું રૂપ જોયા પછી હું ખાતરીથી કહી શકું કે અહીંનો નજારો જોઈને કોઈને પણ ત્યાં છેક જવાની ઈચ્છા ન થાય! બરફ અને ઘુમ્મસ આચ્છાદિત સ્થિર યોગીની જેમ ઉભેલા શિખરોની હારમાળાને આટલી નજીકથી જોવામાં નજર ખસતી જ નહોતી. દૂર સુધી ફેલાયેલું વિશાળ લીલુંછમ મેદાન, હ્રદયને વશ કરી દે તેવા હિમઆચ્છાદિત પહાડોનો રૂઆબ, થોડા થોડા અંતરે લાગેલા ટેન્ટ, પહાડમાંથી છુટ્ટા પડેલા મોટા પત્થરો અને આહ્લાદક ઠંડી.. પળભરમાં અમારું સમગ્ર અસ્તિત્વ એ પ્રદેશને વરી ગયું.

અડધો દિવસ અને એક આખી રાત ત્રીઉન્ડ ટોપ પર વિતાવ્યા બાદ બીજા દિવસે સવારે આંખો ખોલી તો ગઈકાલનું કોરુંકટ્ટ આસમાન નહોતું, આખો પ્રદેશ વરસાદી ઘુમ્મસમાં છવાયેલો હતો, અને રાજાની જેમ રુઆબદાર ઉભેલા પહાડો જાણે બરફમાં પીગળી રહ્યા હતાં! એની પણ શોભા અદ્ભુત હતી. આવી વિરલ ભૂમિ પર ફરી વખત પગલાં પાડવાનું વચન આપતાં ઠંડી અને વરસાદ વચ્ચે અમે પરત ટ્રેકિંગ શરુ કર્યું. અમારા ગ્રુપમાં બધા આનંદના ઉપાસકો હતાં. વરસાદ, ભૂખ, તરસ, થાક, હોવા છતાં અંતાક્ષરી રમતા, જુના ગીતો અને પ્રસંગોને મમળાવતાં અમે પરત મેકલીઓડગંજ આવ્યા.


ભાગ્સુ ધોધની છટામાં નહાયા બાદ, ડાલ સરોવરની અરીસા જેવી શાંતિ પામ્યા બાદ, ધ્યાનગંભીર યોગીની જેમ ઉભેલા ત્રીઉંડના ઉત્તુંગ શિખરોમાં જાતને ઝીલ્યાં બાદ પાલમપુર પહોંચ્યા. મેકલીઓડગંજથી ૪૫ કિમી દૂર આવેલ કાંગરા જીલ્લાનું પાલમપુર ગામ કાંગરા ચાના ઉત્પાદન માટે જાણીતું છે.

Triund Himachal Pradesh

બીજા દિવસે વહેલી સવારે નીકળ્યા ત્યારે પાલમપુરમાં સૌરભ વન વિહારની અછડતી મુલાકાત લઈ બૈજનાથ મહાદેવ જવા લોકલ બસમાં બેઠા. ભગવાન મહાદેવના નામ ‘વૈદ્યનાથ’ પરથી ‘બૈજનાથ મહાદેવ’ માં રૂપાંતર થયેલું આ મંદિર ૧૬મી સદીમાં બનેલું છે. બાર જ્યોર્તિલિંગ મંદિરોમાં બૈજનાથ મહાદેવ મંદિરનો સમાવેશ થાય છે. ઐતિહાસિક મંદિર હોવા છતાં આજુબાજુ ન કોઈ પૂજાના સમાનની દુકાનો, ન કોઈ વેપારીઓ, કે ફેરિયાઓના ટોળાઓ. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક. જયારે આપણે ત્યાં દરેક ધર્મસ્થાનો પર પુણ્યની કમાણી કરી લેવાનું ચલણ હોય છે! પૂજારીઓથી માંડી પૂજાનો સામાન વેચતા, પ્રસાદી વેચતા વેપારીઓ ઊંચા ભાવતાલ દ્વારા જાણે મંદિરનું ‘મહત્વ’ સિદ્ધ કરતા હોય તેમ એમની બાદબાકી વિનાના ધાર્મિક સ્થળની કલ્પના કરવી જ મુશ્કેલ છે! દરેક ધર્મસ્થાન પર આવા અસંખ્ય પુણ્યના બજારો ભરાયા હોય છે જેના લીધે, એ પવિત્ર સ્થાનની પવિત્રતા વાસ્તવમાં આપણને સ્પર્શતી જ નથી. પણ હિમાચલનું આ ઐતિહાસિક શિવમંદિર એમાં અપવાદ લાગ્યું. ધલોન્ધરના બરફઆચ્છાદિત પહાડોથી ઘેરાયેલા, શાંતિ અને પવિત્રતાથી હ્રદયને સચોટપણે સ્પર્શતા સમગ્ર બૈજનાથ મહાદેવ મંદિરની કોતરણી સુંદર અને ભવ્ય છે. મંદિરના ગર્ભભાગમાં મૂકેલા શિવલિંગની સામે બહાર પત્થરમાંથી બનાવેલ નંદી સુંદર છે.

બીર. ભારત જ નહિ પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે જે પેરાગ્લાડીંગ માટે પ્રસિદ્ધ છે એ બીર-બિલીંગમાં અમે પહેલીવાર પેરાગ્લાડીંગનો અનુભવ લેવા જઈ રહ્યા હતાં. બીરથી એક કલાકની જીપની સફર બાદ ઊંચાઈ પર સ્થિત બિલીંગ પહોંચ્યા ત્યારે અમારા જવા અઢળક સાહસિકો પેરાગ્લાડીંગની મજા લેતાં જોવા મળ્યાં. એમને જોતાં જ અમારા મનમાં ડર અને રોમાંચે એક સાથે સ્થાન લઈ લીધું. વરસાદ, બરફના કરા, અતિશય ઠંડી, જોરશોરમાં ફૂંકાતો પવન બધું પત્યાં બાદ જયારે ફરીથી વાતાવરણ વ્યવસ્થિત થયું ત્યારે પેરાગ્લાડીંગ માટે અમે સજ્જ થયાં.

ભગવાને મનુષ્યને પાંખો નથી આપી, એનું કારણ એજ હશે કે એ સાહસિક બને! ઉડવા માટે આકાશે તરવું પડે, આકાશને સંપૂર્ણપણે ઝીલવું પડે, એની હવામાં ઓગળી જવું પડે. આકાશની ઊંચાઈને સ્પર્શ્યા બાદ એક રોમાંચક અનુભવને જીવ્યા બાદ નીચે આવ્યા ત્યારે શરીરમાં જાણે સવાશેર લોહી વધી ગયું હતું!  

બીજા દિવસે પઠાણકોટથી અમૃતસર પહોંચ્યા. પંજાબનગરી અમૃતસરની આભા પણ અનેરી છે. પોતાનામાં અનેક કાળનો ઈતિહાસ ભરીને ઉભેલા અમૃતસરમાં જલીયાવાલાબાગથી માંડી, શીખોના ધર્મસ્થાન સુવર્ણ મંદિર અને અટારી વાઘા બોર્ડરની મુલાકાત લઈ પરત વતનની ટ્રેનમાં બેઠા ત્યારે હિમાચલની ચિરંજીવ, સૌંદર્યભરપુર યાદોથી અસ્તિત્વ સમૃદ્ધ હતું અને હ્રદય તૃપ્તિની છોળોમાં ભીંજાતું હતું.   

હિમાચલ એને જ બોલાવે છે, જેને ખરેખર એની જરૂર હોય છે. હિમાચલ એ કોઈ હવા ખાવાનું સ્થળ નથી, ફરવાનો પ્રદેશ માત્ર નથી, એ જાતને ઉપર ઉઠાવવા માટેની સાધના છે. આ ભૂમિનો સ્પર્શ કર્યા બાદ વ્યક્તિ પોતાની અંદર થોડોક બદલાય છે. એનો અહં પીગળે છે, એનું સ્વાભિમાન એના અભિમાનમાંથી છૂટ્ટું પડે છે. જીવનના ઝંઝાવાતો સામે લડવાનું મનનું મનોબળ મજબુત બને છે, જાતની શોધ થાય છે.

Triund Himachal Pradesh

હિમાચલના પહાડો આંખોનું સૌન્દર્ય માત્ર નથી, પરંતુ આત્માની શાંતિનું સરનામું છે. યોગ, ધ્યાન ને સમાધિ માટે અહીં બેસવું પડતું નથી, હાલતાં-ચાલતાં, ઊઠતાં-બેસતાં, વિહરતાં હિમાચલનો એક એક કણ આપણી અંદર અલભ્ય સુખનું બીજ ઉમેરે છે. આપણે ખુદને નસીબવાન માનવા જોઈએ કે આવો હિમાલય આપણા ભારતમાં છે અને આપણને આસાનીથી સુલભ છે.

 – મીરા જોશી


આપનો પ્રતિભાવ આપો....

39 thoughts on “ત્રિઉંડ ટ્રેક અહેવાલ – મીરા જોશી