ટેબલ – ઉષા પંડ્યા 9


ઘણીવાર ઋતાને લાગતું કે આ ઘરમાં જો સહુથી નજીકનો સબંધ તેને કોઈ સાથે હોય તો તે છે – આ ઘરનું મલ્ટી પર્પઝ ટેબલ! તેની કલ્પનાના ડીઝાઇનર ડાઈનીંગ ટેબલથી ક્યાંય અલગ, એક સીધું સાદું લાકડાનું ખોખું જે બંને બાજુથી ફોલ્ડ થઇ જઈને ઘરના કોઈ પણ ખૂણે ગોઠવાઈ જતું, તેના કમનીય વ્યક્તિત્વની જેમ જ!

એક મહેલ હો સપનોંકા… તેનું પ્રિય ગીત અને તેના નસીબમાં લખાયું હતું એક બેડરૂમ કિચનવાળું ઈકોનોમિકલ ઘર. જેમાં સાસુ-સસરા, દિયર-નણંદ અને પિયુનો હર્યોભર્યો પરિવાર વસતો હતો. કંસાર પછીના સંસારનો મોટો હિસ્સો સંયુક્ત હોય છે. તેના કહેવાતા બેડરૂમ પર તેનો કોઈ આગવો હક્ક નહોતો. દિવસના સમયે તે ઘરના કોઈ પણ સભ્ય માટેનું આરામગૃહ હતું. તેનું આગવું કંઈ હોય તો તે હતું રસોડું, એનું જ જાણે.. કોઈ પણ સમયે..જ્યાં તે મોટા ભાગનો સમય ઊભા ઊભા જ વિતાવતી. એમાંથી જ વિકસ્યું હતું એક ડીઝાઇનર ડાઈનીંગ ટેબલનું સ્વપ્ન, જે તેણે પિયુજીના બોસના ઘરે પાર્ટી હતી ત્યારે જોયું હતું. તે પછી ઘણી ડિઝાઈનો જોઈ પણ મન તો તે જ ટેબલમાં મોહ્યું હતું!

થોડા સમય પછી વૃદ્ધ સાસુ-સસરાને ઊઠવા-બેસવાનો પ્રોબ્લેમ થવાથી એક ડાઈનીંગ ટેબલની જરૂરત ઊભી થઇ પણ જગ્યાનો અભાવ સમજીને તેના સ્થાને બે સ્ટૂલ ગોઠવાઈ ગયા! ઓકે ..કહી તેણે મન વાળી લીધું. વર્ષો વીતતાં ચાલ્યાં.. દિયર લગ્ન કરીને અલગ થઇ ગયા, નણંદને સાસરે વળાવ્યા, સસરા ગુજરી ગયા. ઘરમાં રહ્યાં પોતે, પિયુ અને સાસુમા. પગલીનો પાડનાર આવી ચુક્યો હતો. રસોડાની મોકળાશમાં રમ્યા કરતો. તે હવે દીવાનખંડ અને રસોડા વચ્ચે દોડીને થાકી હતી. એક દિવસ ગરમ દાળની તપેલીમાં લાડલાએ હાથ બોળી દીધો. ઘરમાં બધાંએ સાથે મળીને નક્કી કર્યું કે હવે એક ડાઈનીંગ ટેબલ લઇ આવવું જેથી લાડલો ગરમ રસોઈથી દૂર રહે. ઋતાને લાગ્યું કે તેનું ડીઝાઇનર ડાઈનીંગ ટેબલનું સ્વપ્ન ટૂંક સમયમાં સાકાર થશે! ’ચાલોને ટેબલ જોઈ આવીએ.’ એવું એણે બે – ત્રણ વાર પિયુજીને કહ્યું પણ મારા ધ્યાનમાં એક ટેબલ છે, એમ કહી પિયુજીએ વાત ટાળી.

થોડા દિવસ પછી એક સાંજે પિયુજી એક ટેમ્પો લઈને ઘરે આવ્યા. અહા.. આખરે ટેબલ આવ્યું. તેણે ઝટપટ કિચનમાં જગ્યા કરી. માણસો ટેબલ લઈને દાખલ થયા. મુગ્ધભાવે ઋતાએ ટેબલ સામે નજર કરી પણ આ શું ? કોડભરી કન્યા આધેડ ઉમરનાં વરને પહેલીવાર જોઇને ડઘાઈ જાય તેમ તે ડઘાઈ ગઈ. પિયુજી તેની ઓફિસનું મલ્ટી પર્પઝ ટેબલ કબાડીના ભાવે ઘર માટે લઇ આવ્યા હતા. તેનું સ્વપ્ન રોળાઈ ગયું. તેને થયું હમણાં જ ના પાડી દેય ..નથી જોઈતું મારે.. પણ તે બોલી ન શકી. બધાં માટે ચા બનાવીને સૂકો નાસ્તો કાઢી જ્યારે ટેબલ પર ગોઠવ્યો ત્યારે તેના મનના એક ખૂણામાં હકીકતનો સ્વીકાર થઇ ચુક્યો હતો. ખુરશીઓ મુકવાની જગ્યા જ નહોતી, પિયુજીએ હસીને પેલા બે સ્ટૂલ ગોઠવી દીધાં અને પ્યુનને એવા જ બીજા બે સ્ટૂલ લાવવાનો ઓર્ડર આપી દીધો. એટલામાં તે સ્વસ્થ થઇ ચુકી હતી. બધાનાં ગયાં પછી જયારે ટેબલ પર તે અને પિયુજી ગોઠવાયા ત્યારે પિયુજીની ખુશીમાં તેની ખુશી શામેલ હતી અને તેમનો લાડકો જે ડાહ્યોડમરો બનીને ટેબલ પર ગોઠવાયો હતો તેના બંને ગાલ પર માબાપનું એક-એક ચુંબન હતું! સીધું સાદું ખોખું, નામે ટેબલ- સીધી સાદી જિંદગીની રોનક પર મલકાતું હતું.

ટેબલે પોતાનું સ્થાન જમાવી દીધું હતું. રસોડામાં અને ઋતાના દિલમાં પણ! રસોઈના સમયે તે જાત સંકોરી લેતું અને ઋતાની રસોઈ પર મુક દેખરેખ રાખતું, જમણના સમયે ફેલાઈ જઈને ઋતાની રસોઈનો આસ્વાદ સહુને કરાવતું. ધીરે ધીરે તેણે પોતાની ઉપયોગીતા સહુને સમજાવી દીધી. સાસુમાના ઠાકોરજી પણ તેના પર વિરાજીને પૂજા અર્ચન અને ભોજન પામતા. પિયુજી અહીં જ બેસી ઋતા સાથે હસી મજાક કરતા કે પછી વધારાનું ઓફીસ કામ પતાવતા. ડાઈનીંગ ટેબલ પર રમતો લાડલો અહીં જ બેસીને સ્કુલનું ઘરકામ કરતાં કરતાં ક્યારે મોટો થઈને ઓફીસ જવા લાગ્યો તેની ઋતા કે તેના પિયુજીને ખબર પણ ના પડી. સાસુમા સ્વર્ગે સિધાવી ગયાં. તે અને પિયુજી ઘણો સમય હવે આ ટેબલ પર પસાર કરતાં થઇ ગયાં હતાં. હા, સ્ટૂલનું સ્થાન સીધી સાદી ત્રણ ખુરસીઓએ લીધું હતું. હવે ચોથી ખરસી જે વર્ષોથી મહેમાનો માટે પડી રહેતી’તી તેનું સ્થાન પણ ભરાઈ જવાનું હતું! ઘરમાં વહુનું આગમન થયું. ભણેલી ગણેલી અને લાડલાની જ ઓફીસમાં કામ કરતી રુચા! હાશ ..હવે નિરાંત! ઋતા અને પિયુજી બંને ખુશ હતાં.

અને અચાનક એક દિવસ.. વર્ષોથી ટૂંટિયું વાળીને સુતેલી ડીઝાઇનર ડાઈનીંગ ટેબલની કલ્પના આળસ મરડીને બેઠી થઇ જયારે લાડલાએ કહ્યું કે તેણે તેઓની ઓફીસ નજીકની બહુમાળી ઈમારતમાં બે બેડરૂમ કિચનનો ફ્લેટ બૂક કરાવ્યો છે ! હોંશે હોંશે બધાએ ભેગા મળીને તેનો પ્લાન જોયો. ડાઈનીંગ માટેની અલગ જગ્યા જોઈ ઋતા તરત જ બોલી કે આમાં તે એક ડીઝાઇનર ડાઈનીંગ ટેબલ મુકાવશે. દીકરા વહુએ હસીને હા કહી..તે રાત્રે તે બહુ જ ખુશ હતી..આખરે તેનું સ્વપ્ન સાકાર થવાનું હતું.  આશ્ચર્યની વાત એ હતી કે વહુએ બતાવેલી  ડીઝાઇનર ડાઈનીંગ ટેબલની તસ્વીર તેની કલ્પનાનાં ડીઝાઇનર ડાઈનીંગ ટેબલ સાથે ઘણો મેળ ખાતી હતી.

થોડા દિવસ પછી જયારે કુંભ મુકવાના મૂહર્તની વાત થઇ ત્યારે ઋતાને તાલાવેલી ડીઝાઇનર ડાઈનીંગ ટેબલના મુકવાની હતી. ધીરે ધીરે ચર્ચા રંગ પકડી રહી હતી. નવા ફ્લેટમાં બધું જ નવું આવશે એવું દીકરા વહુએ જણાવી દીધું હતું. હવે ઋતાને સવાલ જાગ્યો કે અહીં જે જુનું છે તેનું શું કરીશું ?તેણે સહજ ભાવે પુછ્યું પણ જવાબ સાંભળીને તેના પગ નીચેથી ધરતી સરકી ગઈ. ‘એ બધું તમને કામનું જ છે ને ?’ વહુ બોલી. ’અમને એમાંથી કશું નથી જોઈતું.’..ઓહ ..!!? તો વાત એમ હતી કે નવા ઘરમાં ફક્ત દીકરો અને વહુ જ જવાના હતાં. તેઓ બંને અહીં જ રહેવાના હતાં. બધાના ગયા પછી ઋતા આ જુના ડાઈનીંગ ટેબલ પર માથું ઢાળીને ખૂબ રડી હતી. જાણે તેના મનોભાવ સમજી ગયું હોય તેમ જૂના ડાઈનીંગ ટેબલે તેના અત્યાર સુધી વાળી રાખેલાં બંને બાહુઓ ફેલાવી તેને પોતાનાં આગોશમાં સમાવી લીધી. બધો ડૂમો આંસુઓ વાટે ઠલવાઈ ગયા પછી ઋતાએ માથું ઊંચું કરી જોયું તો પિયુજી તેની પીઠ પર હાથ પસરાવતા ઊભા હતા. ‘સાંભળ.. આ નિર્ણય દીકરા વહુનો નથી, મારો છે. એમણે જ્યાં ઘર લીધું છે તે પોશ એરિયા છે. આપણાથી સાવ અલગ સંસ્કૃતિ ત્યાં વિકસી છે. તને કે મને ત્યાં નહિ જામે. વળી અહીં તો જાણીતો એરિયા અને બધું જ નજીક છે. અહીંના રસ્તા આપણાં પગ તળે છે. ત્યાંની ગગનચુંબી ઈમારતમાંથી તું નીચે ઉતરીશ તો ચાલતી ક્યાંય નહીં જઇ  શકે. ડગલે ને પગલે બીજાની મદદ લેવી પડશે..’ પિયુજી આગળ બોલવા માંગતા હતા પણ ઋતાએ એમ કહી ચુપ કરી દીધા કે તમારો નિર્ણય મને મંજુર છે. ને ફરી એકવાર જુનું  ડાઈનીંગ ટેબલ હસી પડ્યું.. તેનું સ્થાન અચળ હતું!  

– ઉષા પંડ્યા

લેખિકા ઉષા પંડ્યાએ કવિતા, વાર્તા, નિબંધ જેવા અનેક સાહિત્ય સ્વરૂપોમાં ખેડાણ કર્યું છે. મૂળ માધવપુર અને હાલમાં મુંબઈમાં વસતા ઉષાબહેન આમ તો ગૃહિણી છે પણ લેખન અને કળા ક્ષેત્રને પણ કેળવ્યું છે. એમના લખાણમાં જીવનમાંથી જડેલી વાતો પડઘાતી હોય છે. તેમણે વાંચન, ગીત, સંગીત, નૃત્ય અને ચિત્રકામને રોજિંદા જીવન સાથે વિચરવા દીધા છે. શાળા કોલેજમાં તેમના લખાણોને ઇનામો પ્રાપ્ત થયા એ એમના માટે પ્રેરકબળ સાબિત થયું. ઉષાબહેને લખેલી ‘ટેબલ’ વાર્તા આજે પ્રસ્તુત કરી છે.


આપનો પ્રતિભાવ આપો....

9 thoughts on “ટેબલ – ઉષા પંડ્યા

 • hiteshv2

  Welcome Ushaben. Thanks for bringing out topic – Attachment. Every one of us has those dreams and passion to attach to some thing similar to ‘Table’.
  Ofcourse, I liked the O Henry kind of twist in tale at climax and bringing another aspect of human being to compromise /accept in case of adversity.

  Happy Writing and like to read more of your work. Bless you.

 • સુરેશ

  અહીં તમારા પ્રવેશ માટે અભિનંદન. વાર્તા સરસ છે. એક ઓશો વાણી …
  જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે
  તેને
  પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા
  હાંસલ કરવા જેટલો વિકાસ
  તમે કરી શકો -તે
  તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.

  ***
  જીવનની પ્રત્યેક ઘડી
  પૂર્ણ ધ્યાન અને શક્તિ સાથે ગાળી,
  એક સાથે માત્ર એક જ ડગલું ભરવાની કળા
  તમારા જીવનને
  નવી તાજગી,
  નવી તાકાત
  અને
  સર્જનાત્મકતાથી
  સભર કરી દેશે.
  ———————
  – ઓશો

 • નાગરભાઇ

  સામપ્રત સમય ની લાગણી સભર વાર્તા રહ્દયને સ્પર્શતી બહુ જ ગમી…

  • DINESH CHAUHAN

   વાર્તા ના પહેલા ફકરામાં ત્રીજી લીટીમાં વપરાયેલ શબ્દ “કમનીય ” ક્યાં અર્થમાં “તેના વ્યક્તિત્વ ની જેમ વપરાયેલ છે ? તે સ્પષ્ટ થતું નથી . કારણકે વપરાયેલ શબ્દ “કમનીય ” ઘણા અર્થમાં પ્રયોજી શકાય છે! આ શબ્દનો અર્થ = વપરાયેલ શબ્દ “કમનીય ” = કમનીય =

   = ૧. વ્યાકરણ: वि.
   અર્થ: . અભાગિયું; કમનસીબ.

   = ૨. વ્યાકરણ: वि.
   અર્થ: . ઇચ્છા કરવા જેવું.

   = ૩. વ્યુત્પત્તિ: [ સંસકૃત શબ્દ = કમ્ ( ચાહવું ) + અનીય ( જેવું ) ] વ્યાકરણ: वि.
   અર્થ: . ચાહવા જેવું; પ્રીતિને લાયક.

   = ૪. વ્યાકરણ: वि.
   અર્થ: . મનોહર; મોહક; રૂપાળું; સુંદર.
   ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
   જેટલા અર્થ સભરથી ભરપુર છે!
   ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
   આ ટુંકી વાર્તા સરસ રીતે જીવનમાં ઉદ્ભવી અને મનમાં ઘર કરી જતી લાગણીઓનું પ્રતિબિંબ પાડતી વાર્તા છે! આ વાર્તા નો પ્લોટ ” બાલમુકુન દવે ” નું કાવ્ય ” જુનું ઘર ખાલી કરતા ” માં મૃત પુત્રની લાગણીઓ સ્થળાંતર કરતા થતી વ્યથા અને લાગણી નુ સરસ આલેખન. … કરી, ત્યાં જ બાલમુકુંદ દવેની કવિતા યાદ આવી, ‘જુનું ઘર ખાલી કરતાં’ – {અને એની સર્વ સંવેદનાઓ જાણે મારામાં આવી ભરાણી…} પ્રસંગ આપણને સૌને પરિચિત છે – મધ્યમવર્ગની ઘરબદલીનો. છેલ્લે જતાં જતાં, કાંઈ રહ્યું તો નથી, ને એ વિચારે ખાલી થયેલા ઘર પર નજર ફરે છે, ને ત્યાં કવિતાની શરૂઆત થાય છે.

   મધ્યમવર્ગના કુટુમ્બની ઘરવખરીમાં બીજું હોય શું? ને છતાં ય જે હોય તેની માયા કેટલી! માટે કવિ યાદી આપે છે: જૂનું ઝાડું, ટૂથબ્રશ, સાબુની ગોટી, બોખી શીશી, ટિનનું ડબલું, તળિયેથી કાણી ને માટે લગભગ નકામી થઈ ચૂકેલી બાલદી, તૂટેલાં ચશ્માં, ક્લિપ, બટન, ટાંકણી ને સોયદોરો, આ બધું પણ સાથે લઈ લીધું; છેલ્લે બારણે લટકતું નામનું પાટિયું, તેય ઊંધું વાળીને – કારણ કે આ બધી ઘરવખરીની માલિકીની જાહેરાત આખે રસ્તે કરવા જેવું કાંઈ હતું નહીં – લારીમાં મૂકી દીધું.

   “માણસ જેના જેના સમ્પર્કમાં આવે તે બધાની એને માયા લાગે. એ માયાને કારણે તુચ્છ ને નિરુપયોગી થઈ ગયેલી વસ્તુઓને પણ એ છોડી શકતો નથી; દારિદ્ર્ય જ માત્ર એ વસ્તુઓને લઈ જવાનું કારણ નથી.”

   આહી રજુ થયેલ આ વાર્તા માં બીજી રીતે કથાવસ્તુ વળાંક પામે છે અને તેનું સમાધાન પણ અંતે ” સાંભળ .. એ નિર્ણય મારો છે” ! અંતે પત્ની અને ટેબલ બંને હસી પડતા હોય તે રીતે વાર્તાનો સુખાંત આવે છે. જેમ પ્રભુ ની મરજીમાં આપણી મરજી ભેળવીને રહેવાનું છે તેમ પત્ની પણ પતિની મરજીમાં પોતાની મરજી ભેળવીને સ્વસ્થ બની જાય છે. એ વાર્તાનો છેડો લેખિકા ની વાર્તા લેખન નું સાફલ્ય દર્શાવતું જમા પાસુ બની જાય છે. ચોટદાર વાર્તા લેખન માટે લેખિકા “ઉષા પંડ્યા” ને અભિનંદન !