૨૭ સપ્ટેમ્બરને ગુરુવારે સવારે સાડા દસની આસપાસ ઓફિસમાં ચા પીતા પીતા ફેસબુક જોતો હતો ત્યાં ઈન્ડિઆ ફિલ્મ પ્રોજેક્ટ્સનો મેસેજ ઝબક્યો, પચાસ કલાકમાં ફિલ્મ બનાવવાનો પડકાર હતો. પહેલા થયું કે કોણ સતત પચાસ કલાક આ કરી શકે? એને માટે એક પ્રોફેશનલ ટીમ જોઈએ, આયોજન જોઈએ, જરૂરી સાધનો જોઈએ. પછી થયું સર્જનના મિત્રો આવા પડકાર લેવા તો કાયમ તૈયાર હોય છે જ! ગૃપમાં વાત તો કરી જોઉં. એટલે સર્જનના અમદાવાદ ગૃપમાં એ અંગેનો મેસેજ મૂક્યો. બાર વાગતા સુધીમાં ચાર મિત્રોની ઉત્સાહસભર હા આવી ગઈ. અમેચ્યોર કેટેગરીમાં ડી.એસ.એલ.આરથી શૂટિઁગ કરવાનું હતું, અને સ્ક્રિપ્ટ માટેની થીમ પણ પચાસ કલાક શરૂ થવાની સાથે જ મળવાની હતી. રાત્રે ફોર્મ ભરવા બેઠો ત્યારે થયું કે થીમ પરથી વાર્તા અને તેની સ્ક્રિપ્ટ તો જાણે અમે લખી શકીશું, અભિનેતાઓ પણ સ્ક્રિપ્ટ નક્કી થયા પછી શોધી શકીએ પણ સંગીત કોણ આપશે? ને એડિટિંગ મને આવડે છે એટલું પૂરતું થઈ રહેશે? અમદાવાદના સ્ક્રિપ્ટ રાઈટર્સના ગૃપમાં આઈ.એફ.પીમાં ભાગ લઈ રહ્યો છું એવો મેસેજ મૂક્યો હતો, એમાં જયદીપભાઈનો જવાબ આવ્યો કે એ પણ ભાગ લેવા માંગે છે, એમની સાથે એડિટિંગ અંગેની વાત થઈ, સંગીત માટે સ્નેહલ મઝુમદાર સાહેબને ફોન કર્યો તો એમણે પણ તરત જ હા પાડી. ફોર્મ ભર્યું, જરૂરી ફી ભરી, ને બધા તૈયાર થઈ ગયા શુક્રવાર સાંજના આઠ વાગ્યાની રાહ જોતા, જ્યારે અમને થીમ મળવાની હતી.
શુક્રવારે સાંજે સાત વાગ્યાથી સ્વાતિબેન શાહના ઘરે અમે બધા ભેગા થયા અને પ્રાથમિક ચર્ચા કરી, આઈ.એફ.પીની પહેલાની સીઝનની વિજેતા ફિલ્મો જોઈ, અમારી ફિલ્મ વિશે પ્રાથમિક ચર્ચા કરી અને થીમની રાહ જોતા બેઠા. બરાબર સાતને અઠ્ઠાવન મિનિટે ઈ-મેલ આવ્યો. લખ્યું હતું, ‘તમને અને તમારી ટીમને આ ફિલ્મ બનાવવાનો પડકાર ઉપાડી લેવા બદલ અભિનંદન. ૧૫૦૦થી વધુ ટીમ અને ૩૨૦૦૦થી વધુ ફિલ્મકારો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યાં છે.’ એમણે લખ્યું હતું કે આ ૫૦ કલાકની ફિલ્મ બનાવવાની સ્પર્ધાનો ઉદ્દેશ અને તેની ડિઝાઈન એવી રીતે કરાઈ છે કે જેથી મર્યાદિત સમયમાં ટીમવર્કથી સર્જનાત્મક અભિવ્યક્તિને બહાર લાવી શકાય. પચાસ કલાકમાંં ફિલ્મ બનાવવાનો સૌથી મોટો પડકાર ટાઈમ મેનેજમેન્ટનો હતો. પચાસ કલાકને તેમણે અમુક નિશ્ચિત વિભાગમાં વહેંચી આપ્યા હતાં જેમાં,
- ૧૨ કલાક વાર્તા અને સ્ક્રિપ્ટ માટે
- ૧૮ કલાક શૂટિંગની જગ્યાએ આવવા જવા અને શૂટિંગ કરવા માટે
- ૧૦ કલાક એડિટિંગ, ડબિંગ અને પાર્શ્વસંગીત માટે
- ચાર કલાક કલર સુધારણા, બધું વ્યવસ્થિત ગોઠવવા અને ફિલ્મ રેન્ડર કરવા માટે
- ૨ કલાક અપલોડ કરવા માટે અને
- ૪ કલાક અન્ય કાર્યો માટે વધારાના સમય તરીકે હાથમાં રાખવા એમ કહેલું.
નિર્ણાયકો માટેના મુખ્ય મુદ્દા હતા વાર્તા, થીમને ન્યાય આપવો અને ફિલ્મની સર્વાંગી ઓડિયો વિઝ્યુઅલ અપીલ. એમણે ફિલ્મ માટે સંગીત પણ જાત્તે બનાવવાનું સૂચન આપેલું અને અમારી સાથે સ્નેહલ મઝુમદાર સાહેબ હતા એટલે સંગીત વિશેની ચિંતા નહોતી, અમે સ્ક્રીનપ્લે લખીને તેમને આપીએ એટલે સંગીતનું કામ શરૂ થઈ જવાનું હતું. ટીમલીડરનું એગ્રીમેન્ટ પણ પચાસ કલાક પૂરા થતા પહેલા ઓનલાઈન ઓથોરાઈઝ કરીને તેમને મોકલવાનું હતું. તો સાથેસાથે ફિલ્મ બનાવવાની પ્રક્રિયાના ફોટા અને વિડીઓ સતત સોશિઅલ મિડીયા પર અપલોડ પણ કરવાના હતા જેથી આઈ.એફ.પીને ખાત્રી થાય કે ફિલ્મ આ પચાસ કલાકમાં જ બનેલી છે.
અમને મળેલી થીમ આ મુજબ હતી.
Amateur Category
Theme – Experience Change
Theme Description – The need to demand more from Life. Today’s generation of young achievers are always looking to extract more from their life. They are passionate life drivers and ambitious. India is changing and the same old will not suffice for them. They are looking for more from everything they have, more from everything they do, more from everything they share and more from everything that engages them to achieve individual success.
Genres – Experimental, Humour, Mystery, Drama (Choose any one)
Duration – 3 to 6 minutes
મુંબઈથી રાજુલબેનને વિડીઓકોલ પર સંપર્કમાં લીધા અને બધાએ ભેગા મળીને અપાયેલી થીમ વિશે ચર્ચા કરી, એના શક્ય અર્થ તારવ્યા અને પછી બધા પોતપોતાના વિચાર મુજબ વાર્તા લખવા બેઠા.
લગભગ સાડા દસની આસપાસ બધાની વાર્તાઓ લખાઈ રહી, એમાંંથી ત્રણેક વાર્તાઓ ફાઈનલ થઈ. અંતે મારી અને શીતલબેન ગઢવીની એમ બેય વાર્તાઓ ફાઈનલ થઈ, બંને સરસ અને શક્યતાઓથી ભરપૂર હતી, છેલ્લે મારી વાર્તા પરથી ફિલ્મ બનાવવાનું નક્કી થયું. મેં અને જયદીપભાઈએ સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું, સ્વાતીબેન શાહ, પાર્મિબેન દેસાઈ અને શીતલબેન પ્રોડક્શન માટેની વસ્તુઓની પળોજણમાંં પડ્યા, બધું નક્કી થતું રહ્યું. મુખ્ય પાત્ર માટે પ્રિયંકાબેન જોશીની પસંદગી સર્વાનુમતે થઈ અને લગભગ બારેક વાગ્યે અમે છૂટા પડ્યા. સવારે સાડાપાંંચની આસપાસ શૂટિંગ શરૂ કરવાની ગણતરી હતી, એટલે સ્ક્રિપ્ટ લખવામાં ઝડપ કરવી પડી. મારા ઘરે હુંં, જયદીપભાઈ, ધવલભાઈ અને પ્રતિભા – અમે સ્ક્રિપ્ટ ફાઈનલ કરી રહ્યાં ત્યારે સવારના ચાર થયા.
એક કલાક સૂઈને સાડા પાંચે અમે ફરી સ્વાતિબેનને ઘરે પહોંચી ગયા જેમના ઘરે અને ઓફિસે આખી ફિલ્મ બનાવવાની હતી. પ્રકાશની સાથે કેમેરા અને એંગલ, જરૂરી વસ્તુઓ વગેરે ગોઠવી રહ્યાં ત્યાં પ્રિયંકાબેન પણ આવી પહોંચ્યા. છ વાગ્યે શૂટિંગ શરૂ થયુ પછી જાણે સમય સાથે રીતસરની રેસ લાગી. એક પછી એક દ્રશ્યો ફિલ્માવાતા ગયા. સવારના પ્રકાશમાં જે દ્રશ્યો હતા એ પૂરા થયાં ત્યાં દસ વાગી ગયા. મેં બધા માટે વડાપાઉં અને સેન્ડવિચ મંગાવ્યા અને તેને ન્યાય અપાયો પછી સ્વાતિબેનની ઓફિસના દ્રશ્યો લેવા તેમની ઓફિસે પહોંચ્યા ત્યારે સાડા અગિયાર થયા. અહીં ઓફિસના એક દ્રશ્યના છ રીટેક થયા, એ ફાઈનલ કર્યું પછી ખ્યાલ આવ્યો કે પ્રકાશ માટે જે નાઈટલેમ્પ શરૂ કરેલો એ બધી જ ફ્રેમમાં દેખાય છે. એટલે આખું શૂટિંગ નવેસરથી કર્યું. શૂટિંગ કરીને પાછા તેમના ઘરે આવ્યા ત્યારે સાડા ચાર વાગ્યા. પીઝા મંગાવીને ખાવામાં આવ્યા, જનમ જનમનાં ભૂખ્યા હોય એમ બધા પીઝા પર તૂટી પડ્યા. સાંજના દ્રશ્યોનું શૂટિંગ શરૂ થયું, દરમ્યાનમાં મુંંબઈથી સ્નેહલભાઈએ ઓડિયોક્લિપ મોકલી, એ સાંભળીને તો મન બાગ બાગ થઈ ગયું. શૂટિંગ પત્યું ત્યારે રાતના સાડા દસ થયા. અમારી પાસે ફક્ત સાડા ત્રેવીસ કલાક બચ્યા હતા. સ્વાતીબેનના ઘરેથી મારા ઘરે આવતી વખતે મારા ટુ-વ્હીલર પર હું, પ્રતિભા અને ક્વચિત હતા. શૂટિંગમાં ભાગ લીધો હોવાથી થાકને લીધે એ આગળ ઉભો ઉભો જ સૂઈ ગયો, હું પણ તંદ્રાવસ્થામાં હતો એટલે દરેક ખાડા ગણીને એમાંથી પસાર થયા જેથી ઉંઘ ન આવે. ઘરે પહોંચીને એડિટિંગ શરૂ કરવાનું હતું અને એમાં મદદ માટે જયદીપભાઈના જે મિત્ર પર અમને આશા હતી એ આવી શકવાના નહોતા.
ઘરે પહોંચીને ચા પીને અમે એડિટિંગ કરવા બેઠા. અડોબ પ્રિમિઅરમાં મને જેટલો ટપ્પો પડતો હતો એમાં ટ્રેલર પણ ન બને, જયદીપભાઈએ યૂટ્યૂબ પર પ્રિમિઅર શીખવા વિડીઓ જોતા જોતા એડિટિંગ શરૂ કર્યું જે સવારે સાડા છ સુધી ચાલ્યું, દરમ્યાનમાં ત્રણેક વાગ્યે હું ધબાય નમ: થઈ ગયેલો. સવારે મેં એડિટ થયેલ ફિલ્મ જોઈ તો એમાં બે-એક દ્રશ્યોમાં ક્વચિત કેમેરામાં જોતો જોતો જતો હતો કે સંવાદ બોલતો હતો. એના સ્ટોક ફૂટેજ કાઢ્યા, એમાંથી નાના ભાગ કટ કરીને દ્રશ્ય બનાવ્યું અને ગોઠવ્યું ત્યાં સુધીમાં સાડા દસ થઈ ગયેલા. ડબિંગ માટે સ્વાતીબેન, ધવલભાઈ, પાર્મિબેન, શીતલબેન, પ્રિયંકાબેન વગેરે બધા આવી પહોંંચ્યા, કોઈએ જમવાની તૈયાર થાળી મંગાવી અને અમે જમ્યા, ડબિંગ પૂરું થતા અને એના ઓડિયો જયદીપભાઈને આપતા ચાર વાગ્યા અને હવે અમને ભયાનક ઉતાવળ હતી. એ ડબ સંવાદો ગોઠવતા, પાર્શ્વસંંગીત ગોઠવતા, અન્ય અવાજો મૂકતા અને આખી ફિલ્મ તૈયાર કરતા સાડા આઠ થયા. જયદીપભાઈ લેપટોપ પર મૂવી એક્સપોર્ટ કરતા હતા ત્યારે હવે અપલોડ માટે મેંં ડેસ્કટોપમાંં ફોર્મ ખોલ્યું તો તેમાં સબટાઈટલ પણ અપલોડ કરવાના હતા કારણ કે અમારી ફિલ્મ ગુજરાતી હતી. એ પણ ક્યાં કોઈને આવડતું હતું? એટલે ટાઈટેનિકની સબટાઈટલ ફાઈલ નેટ પરથી શોધીને ડાઊનલોડ કરી, એમાં અમારી ફિલ્મના સંવાદ ટાઈમલાઈન મુજબ મૂક્યા ને તપાસ્યું તો બરાબર થઈ ગયું. ફિલ્મ પણ તૈયાર થઈ રહી હતી. ગ્રુપમિત્રોએ ટૂંકમાં અને લંબાણથી ફિલ્મની સિનોપ્સિસ આપી એ પણ ફોર્મમાં મૂકી, અને ફિલ્મ અપલોડ કરવા મૂકી. અપલોડ થઈ રહી ત્યારે સમય પૂરો થવાને રોકડી અઢાર મિનિટ બાકી હતી. પણ અંતે સૌ સારાવાનાંં થયા.
આ શૂટિંગ દરમ્યાનનો વિડીઓ..
આ ફિલ્મે ઘણુંબધું શીખવ્યું, ફિલ્મ માટે ટીમવર્ક જોઈએ, એમાં અંગત તકલીફો અને જરૂરતોનો ભોગ આપવો પડે છે એ પણ બતાવ્યું અને સતત એકસાથે મહેનત કરવી પડે તોય ખૂબ મજા આવે છે એ પણ બતાવ્યું. આવતા વર્ષે ફરીથી ભાગ લેવાના નિર્ધાર સાથે અમે છૂટાં પડ્યા.
આ રહી અમે બનાવેલી એ ફિલ્મ – ધ ડીવિઅન્ટ
IFP8, India Film Projects 2018, The Deviant, Sarjan
Feeling proud to be part of this
સહયોગ અને સંઘર્ષ, વળી છેલ્લે સરસ સંદેશ… આખી ટીમને અભિનંદન….
Really a wonderful Effort and co ordination. Please keep this fire and go ahead. Jai Ho team.
સૌ ટીમ મેમ્બરોને હાર્દિક અભિનંદન .
મને લગભગ ૧૦ વર્ષ આ ક્ષેત્ર સાથે જોડાઈ રહેવાની તક સાંપડી છે. એટલે પડદા પાછળની અથાગ મહેનત અને રચનાત્મક સંઘર્ષને ખુબ સારી રીતે સમજી શકું છું. ભવિષ્યમાં જો તક મળશે તો ચોક્કસ સહયોગ આપવામાટે તત્પર હોઈશ. આનંદ થયો.
આખી ટીમ ને શુભકામનાઓ.
-ચિંતન
નવા ક્ષેત્રનો નવો અનુભવ ! શાબાસ !!
ખૂબ મહેનત, અત્યંત ધીરજ અને અઢળક અનુભવ માગી લે તેવું કાર્ય. કામ કામને શીખવે એ ન્યાયે તમારા સહુની મહેનત સખત છે. એ આગળ વધવાની સીડીનું એક પગથીયું છે. તમે હિંમત અને ઉત્સાહ ટકાવી રાખશો તો સફળતા બહુ દૂર નથી.
જોરદાર