શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૮) 1


હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


પ્રકરણ ૩૮

ઓસ્કરના વક્તવ્ય પછીના એક કલાકમાં જ એસએસનું લશ્કર વિખરાવા લાગ્યું. એ સાથે જ ફેક્ટરીની અંદર, બદઝિનોમાંથી પસંદ કરાયેલા કમાન્ડો અને જેલના કેદીઓમાંથી પસંદ કરાયેલા કેટલાક લોકોને ઓસ્કરે મગાવેલાં હથિયારો સોંપી દેવામાં આવ્યાં. બધાં જ ઇચ્છતાં હતાં કે એસએસ સાથે પદ્ધતિસરના ઘર્ષણમાં ઊતરવાને બદલે તેમની પાસે હથિયારો મૂકાવી દેવામાં આવે! ઓસ્કરે ખુલાસો કરતાં કહેલું કે રોષે ભરાયેલી અને પીછેહઠ કરી રહેલી કોઈ પણ લશ્કરી ટૂકડી પર હુમલો કરવામાં ડહાપણ ન હતું, પરંતુ સુખદ સમાધાન થવા જેવી કોઈક પરિસ્થિતિ ઊભી ન થાય, તો આખરે ટાવરોને હાથગોળા વડે ઊડાડી જ દેવા પડે તેમ હતું.

જો કે હકીકત એ હતી, કે ઓસ્કરે પોતાના વક્તવ્યમાં કહ્યા પ્રમાણે છાવણીના બદઝિન કમાન્ડો દ્વારા જર્મન સૈનિકો પાસે હથિયારો નીચે મૂકાવી દેવાની પ્રક્રિયા માત્ર ઔપચારિક રીતે જ કરવાની હતી! અને તેમને માન આપીને, દરવાજે ઊભેલા ચોકીદારોએ કૃતજ્ઞતાપૂર્વક પોતાનાં હથિયારો સોંપી દીધાં! એસએસની બેરેકો પર અંધારાના ઓળા ઉતરી આવ્યા ત્યારે પોલદેક ફેફરબર્ગ અને જુસેક હોર્ન નામના એક કેદીએ કમાન્ડન્ટ મોતઝેકના હથિયારો પણ લઈ લીધા. ફેફરબર્ગે કમાન્ડન્ટના વાંસા પર આંગળી મૂકી એ સાથે જ, પોતાને ઘેર પાછા ફરવા માગતા કોઈ ડાહ્યા પ્રૌઢ માણસની માફક મોતઝેક પોતાને છોડી દેવાની વિનંતી કરવા લાગ્યો! ફેફરબર્ગે તેની પિસ્તોલ લઈ લીધી! થોડા સમય માટે અટકાયતમાં રાખીને, પોતાને બચાવી લેવા માટે હેર ડિરેક્ટરને બૂમો પાડીને રડી રહેલા મોતઝેકને આખરે છોડી દેવામાં આવ્યો! એ પણ પોતાના ઘર ભણી ચાલ્યો ગયો.

જે બૂરજો પર હાથગોળા છોડવાના વિચારો અને આયોજનો કરવામાં યુરી અને બીજા લોકોએ કલાકો બગાડ્યા હતા એ બૂરજોને તો એસએસ દ્વારા સાવ એમ જ ત્યજી દેવામાં આવ્યા હતા! લશ્કરી ટૂકડી પાસેથી હસ્તગત કરાયેલાં નવાં હથિયારો સાથે થોડા કેદીઓને ટાવર પર બેસાડી દેવામાં આવ્યા, જેથી બહાર આવ-જા કરનાર લોકોને એવું જ લાગે, કે અહીં હજુ જુના હુકમનો જ અમલ થઈ રહ્યો હતો!

અડધી રાત સુધીમાં એસએસનાં એક પણ પુરુષ કે સ્ત્રી છાવણીમાં રહ્યાં ન હતાં. ઓસ્કરે બેન્કરને બોલાવીને એક ચોક્કસ સ્ટોરરૂમની ચાવી આપી. એ ચાવી નેવીના એક ભંડારની હતી. એ ભંડાર સિલેસિયા પર રશિયન હુમલો થયો ત્યાં સુધી તોકેતોવાઇસ વિસ્તારમાં ક્યાંક આવેલો હતો! નદી અને નહેરો પર ચોકી કરતા જર્મન ચોકિયાત દળોને સાધનસામગ્રી પૂરી પાડવા માટે એ ભંડાર બનાવવામાં આવ્યો હોવો જોઈએ! ઓસ્કરને જાણ થઈ હતી કે યુદ્ધ મંત્રાલય પોતાના માલસામાનનો સંગ્રહ કરવા માટે, હુમલો થવાની શક્યતા ઓછી હોય એવી કોઈ જગ્યા ભાડે રાખવા માગતું હતું. એ સ્ટોરેજનો કોન્ટ્રાક્ટ ઓસ્કરને મળી ગયો હતો! “થોડી ભેટો આપવી પડી હતી,” પાછળથી તેણે કહેલું. આમ અઢાર ટ્રકો ભરીને કોટ, ગણવેશ, અંતઃવસ્ત્રો, કાપડ, ઉનનાં વસ્ત્રો ઉપરાંત દોરાનાં પાંચેક લાખ કોકડાં, અને કેટલાયે જોડી જુતાં બ્રિનલિટ્ઝના દરવાજામાં લાવવામાં લાવીને ભંડારમાં સંગ્રહવામાં આવ્યાં હતાં. સ્ટર્ન અને બીજા લોકોના કહેવા મુજબ, યુદ્ધના અંતે એ ભંડાર પોતાના કબજામાં જ રહેવાનો હતો એ ઓસ્કર પહેલેથી જ જાણતો હતો, અને પોતાના કેદીઓ ફરીથી પોતાનું જીવન શરૂ કરે ત્યારે આ બધો માલ તે એમને આપી દેવા માગતો હતો! પાછળથી એક દસ્તાવેજમાં ઓસ્કરે પણ આમ જ કહ્યું હતું. તેને કહેલું, “મેં આ કોન્ટ્રાક્ટ, યુદ્ધના અંતે મારા યહૂદી આશ્રિતોને કપડાં આપવા માટે જ મેળવ્યો હતો. યહૂદી કાપડ નિષ્ણાતોએ મારા એ કાપડનું મુલ્ય ૧૫૦,૦૦૦ અમેરિકન ડૉલર (યુદ્ધના સમયની રકમ) જેટલું આંક્યું હતું.”

આ પ્રકારનો અંદાજ લગાવી શકે તેવા માણસો બ્રિનલિટ્ઝમાં તેની પાસે મોજુદ હતા, દા.ત. જ્યુડા ડ્રેસનર, જેનો સ્ટ્રેડોમ સ્ટ્રીટમાં પોતાનો કાપડનો વ્યવસાય હતો; ઇત્ઝાક સ્ટર્ન, જેણે બ્રિનલિટ્ઝની સામે જ આવેલી ટેક્સ્ટાઇલ કંપનીમાં કામ કર્યું હતું. આટલી કિંમતી ચાવી બેંકરને સોંપતી વેળાએ ઓસ્કરે પોતે અને એમિલિએ પણ કેદીઓનાં પટ્ટીવાળાં વસ્ત્રો પહેરી લીધા હતાં! ડેફની શરૂઆતના દિવસોથી પોતે જે પરિવર્તન લાવવા માટે કામ કરી રહ્યો હતો, તે કામ હવે સ્પષ્ટ રીતે પૂરું થઈ ચૂક્યું હતું. ફેક્ટરીના મેદાનમાં એ બધાની વિદાય લેવા માટે ઊભો રહ્યો, ત્યારે બધા એમ સમજતા હતા કે પોતે ઓળખાઈ ન જાય એ માટેનો આ વેશપલટો હતો! અમેરિકનોને મળ્યા પછી ઓસ્કર તરત જ વસ્ત્રો બદલી શકશે! પરંતુ કેદીઓનાં વસ્ત્રો બદલવાનું એ કાર્ય એમ એટલું સહેલું ન હતું! ઓસ્કર પોતે સાચા અર્થમાં હંમેશને માટે બ્રિનલિટ્ઝ અને એમિલિયાનો કેદી બનીને રહેવાનો હતો!

ઓસ્કર અને એમિલિની સાથે જવા માટે આઠ કેદીઓ તૈયાર થયા હતા. એ બધાં જ યુવાન વયનાં હતાં, પરંતુ તેમાં એક યુગલ પણ સામે હતું, રિચાર્ડ અને એન્કા રેકેન! એડેક રેબિન્સ્કી નામનો ઇજનેર તેમનામાં સૌથી મોટો હતો, પણ ઓસ્કર કરતાં એ દસ વર્ષ નાનો હતો. ઓસ્કર સાથેની તેમની રઝડપાટ બાબતે પાછળથી એણે જ વિગતવાર માહિતી પૂરી પાડી હતી.

એમિલિ, ઓસ્કર અને એક ડ્રાઇવર મર્સિડિઝમાં બેસીને રવાના થવાના હતા. રસ્તામાં કોઈની સાથે લેવડદેવડ કરવા માટે ખાધાખોરાકી, સિગરેટો અને શરાબ એક ટ્રકમાં ભરીને બીજા લોકો તેમની પાછળ-પાછળ જવાના હતા. અહીંથી રવાના થવા બાબતે ઓસ્કર થોડો ચીંતિત હતો. રશિયનો તરફથી સંભવિત ખતરાનો વ્લાસોવ રૂપી એક હાથ ટળી ગયો હતો. થોડા દિવસો પહેલાં જ તેઓ અહીંથી કૂચ કરી ગયા હતા. પરંતુ તેનો બીજો હાથ, બીજા દિવસની સવાર સુધીમાં કે તેથી પણ પહેલાં બ્રિનલિટ્ઝ પહોંચી જવાની શક્યતા હતી. મર્સિડિઝની પાછળની સીટ પર જેલનો પોષાક પહેરીને બેઠેલાં ઓસ્કર અને એમિલિ, કેદી જેવાં લાગવાને બદલે વેશપલટો કરીને કોઈની પાર્ટીમાં જઈ રહ્યા હોય એવું લાગતું હતું! ઓસ્કર હજુ પણ સ્ટર્નને સલાહો આપતો હતો, અને બેંકર અને સાલપિતરને કંઇને કંઈ સૂચનાઓ આપતો હતો. પરંતુ એવું સ્પષ્ટ લાગતું હતું કે એ જેમ બને તેમ જલદી અહીંથી ચાલ્યો જવા માગતો હતો. ડ્રાઇવર દોલેક ગ્રનહોટે મર્સિડિઝ ચાલુ કરવાનો પ્રયત્ન કર્યો ત્યારે એ ચાલુ ન થઈ! પાછલી સીટમાંથી બહાર આવીને ઓસ્કર મર્સિડિઝનું હૂડ ખોલીને જોવા લાગ્યો. અત્યારનો ઓસ્કર, થોડા કલાક પહેલાં જેણે પ્રભાવી ભાષણ આપ્યું હતું એ ન હતો! હવે એ એકદમ સાવચેત થઈ ગયો હતો! “શું થયું છે?” એ પૂછવા લાગ્યો. પરંતુ ઓસ્કર આમ માથે જ ઊભો હોય, ત્યારે ગ્રનહોટ માટે જવાબ આપવો સરળ ન હતો! કારમાં શું ખરાબી હતી તે શોધતાં તેને થોડો સમય લાગ્યો, કારણ કે તે માનતો હતો એવી સામાન્ય પ્રકારની એ ખામી ન હતી! ઓસ્કરના અહીંથી ચાલ્યો જશે એ ડરથી કોઈએ કારના વાયરો કાપી નાખ્યા હતા!

હેર ડિરેક્ટરને વિદાય આપવા એકઠા થયેલા ટોળામાં ઊભેલો ફેફરબર્ગ દોડીને વેલ્ડિંગ શોપમાં ગયો, અને સાધનો લાવીને કામ પર લાગી ગયો! પરસેવાથી એ રેબઝેબ થઈ ગયો હતો. તેના હાથ અણઘડ રીતે ચાલી રહ્યા હતા, કારણ કે ઓસ્કરની ઉતાવળને પારખી જવાને કારણે અંદરથી એ હચમચી ગયો હતો! શિન્ડલર દરવાજા સામે એ રીતે જોતો હતો જાણે રશિયનો અબઘડી આવી પહોંચવાના ન હોય! તેનો ભય સાવ અસ્થાને પણ ન હતો. મેદાનમાં ઊભેલા બીજા લોકો પણ આવી જ કરૂણ શક્યતાને લઈને વ્યથિત હતા! ફેફરબર્ગ સખત મહેનત કરી રહ્યો હતો, અને છતાં ઘણો સમય લઈ રહ્યો હતો. પરંતુ છેવટે ગ્રનહોટે પાગલની જેમ ચાવી ફેરવી અને એ સાથે જ એન્જિન ચાલુ થઈ ગયું.

એંજિન ચાલું થયું કે તરત જ મર્સીડિઝ ચાલતી થઈ. તેની પાછળ-પાછળ ટ્રક પણ રવાના થઈ ગઈ. બધાં એટલા હતોત્સાહ થઈ ગયાં હતાં, કે ઔપચારીક “આવજો-આવજો” જેવું કંઈ પણ ન થયું, પરંતુ હિલ્ફ્સ્ટેન, સ્ટર્ન અને સાલપિટરની સહી કરેલો, ઓસ્કર અને એમિલિ અંગે કરેલી નોંધોને પ્રમાણિત કરતો એક પત્ર શિન્ડલર દંપતિને આપવામાં આવ્યો હતો. શિન્ડલરનો કાફલો દરવાજાની બહાર પહોંચીને ડાબી બાજુએ વળીને પાટાની સમાંતરે હેલિકૂવ બ્રોડ તરફ રવાના થઈ ગયો. ઓસ્કર માટે યુરોપનો એ સુરક્ષિત છેડો હતો. લગ્નવિધિ સાથે સંકળાયેલી કોઈક ઘટના ચાલી રહી હોય એવું લાગતું હતું, કારણ કે કેટલીયે સ્ત્રીઓને બ્રિનલિટ્ઝમાં લઈને આવેલો ઓસ્કર, આજે પોતાની પત્નીની સાથે બ્રિનલિટ્ઝ છોડીને જઈ રહ્યો હતો. સ્ટર્ન અને બીજા લોકો મેદાનમાં જ ઊભા રહ્યા. આટઆટલી ખાતરી મળી ચૂક્યા પછી હવે તેઓ પોતાની રીતે મુક્ત હતા! મુક્તિનું આ ભારણ અને તેની અનિશ્ચિતતાઓને તેમણે હવે જાતે જ વેઠવાં જ પડે તેમ હતાં!

એ અનિશ્ચિતતાનો અંત છેક ત્રણ દિવસે આવ્યો, અને તેના પોતાના આગવા ઇતિહાસ અને જોખમો પણ હતા. એસએસના ચાલ્યા ગયા બાદ બ્રિનલિટ્ઝની અંદર હત્યારા તંત્રનું કોઈ પ્રતિનિધિ બાકી બચ્યું હોય તો એ હતો એક જર્મન સૈનિક, જે ગ્રોસ-રોસેનથી શિન્ડલરના પુરુષ કેદીઓને લઈને આવ્યો હતો. ગ્રોસ-રોસેનમાં ઘાતકીપણાનો વિક્રમ એ માણસના નામે ચડેલો હતો, અને બ્રિનલિટ્ઝમાં આવીને પણ તેણે ઘણા શત્રુઓ બનાવ્યા હતા! કેદીઓનું એક ટોળું તેને પથારીમાંથી ફેક્ટરીના હૉલમાં ખેંચીને લઈ આવ્યું, અને અન્ટરસ્ટર્મફ્યૂહરરે જે બીમ બતાવીને હજુ થોડા દિવસ પહેલાં જ જેલવાસીઓને ધમકી આપી હતી એ બીમ સાથે તેને નિર્દયપણે લટકાવી દીધો! કેટલાક કેદીઓએ વચ્ચે પડવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ કેદીઓ ગુસ્સામાં હતા અને રોક્યા રોકાય તેમ ન હતા! શાંતિ સ્થપાયા પછીના સમયનો આ પહેલો ભોગ હતો, પહેલી હિંસક ઘટના હતી જેને બ્રિનલિટ્ઝના લોકો હંમેશને માટે વખોડતા રહેવાના હતા! એમોને હાજરી પૂરવાના સ્થળે નિર્દોષ યહૂદી ઇજનેર ક્રાઉતવર્તને લટકાવી દીધેલો એ ઘટનાના આ બધા જ કેદીઓ સાક્ષી હતા! એ જર્મન સૈનિકની હત્યા ભલે જુદા કારણસર થઈ હોય, પરંતુ કેદીઓના મનમાં એણે સખત ઘૃણા પેદા કરી દીધી હતી! કારણ કે એમોન તો એમોન હતો, એ બદલાઈ શકે તેમ ન હતો! પરંતુ તેના ફાંસીગરો તો તેમના પોતાનામાંના જ હતા! જર્મન સૈનિકે તરફડિયા મારવાનું બંધ કર્યું ત્યાં સુધી તેને શાંત પડેલા મશીનોની ઉપર લટકાવી રાખવામાં આવ્યો. તેને લટકતો જોઈને કેટલાયે લોકો વ્યગ્ર થઈ રહ્યા હતા. એક જર્મન સૈનિકને લટકતો જોઈને આમ તો લોકો ખુશ થવા જોઈતા હતા, પરંતુ એવું બન્યું નહીં! આખરે તેને લટકાવવામાં સામેલ ન હતા તેવા થોડા લોકોએ દોરડું કાપીને તેને નીચે ઉતાર્યો, અને પછી ભઠ્ઠીમાં બાળી નાખ્યો! બ્રિનિલિટ્ઝની છાવણી કેટલી વિચિત્ર હતી તે આ ઘટના પરથી જણાઈ આવે છે, કે જર્મનોના હુકમ મુજબ મૃત યહૂદીઓને બાળી નાખવા માટે જે માણસની નિમણુંક કરવામાં આવી હતી એ જ અને એ એક જ જર્મન માણસને બ્રિનલિટ્ઝની એ ભઠ્ઠીમાં બાળવામાં આવ્યો હતો!

એ પછીના આખ્ખા દિવસ સુધી નેવીના ભંડારમાંથી આવેલા સામાનની વહેંચણી ચાલી. મોટા તાકાઓમાંથી ઊનનું કાપડ માપી-માપીને કાપવાનું હતું. મોશે બેજસ્કીએ કહ્યું હતું કે દરેક કેદીને ત્રણ યાર્ડ કાપડ આપવામાં આવ્યું હતું, એ સાથે અંતઃવસ્ત્રોની એક જોડી અને સુતરની થોડી આંટીઓ પણ આપવામાં આવી હતી. કેટલીક સ્ત્રીઓએ તો ઘેર જતી વેળાએ પહેરવા માટેનાં કપડાં સીવવાનું એ જ દિવસથી શરૂ કરી દીધું હતું. તો કોઈએ વળી એ કાપડને અકબંધ રાખી મૂક્યું જેથી આવનારા મુશ્કેલી ભરેલા દિવસોમાં કોઈની સાથે તેની લેવડદેવડ કરીને પણ જીવતાં રહી શકાય!

સળગી રહેલા બર્નોમાંથી ઓસ્કરે બચાવેલી ઈજિપ્સ્કી સિગરેટો પણ બધાં વચ્ચે વહેંચી આપવામાં આવી હતી, અને સાલપિટરના ભંદારમાંથી પ્રત્યેક કેદીને વોડકાની એક-એક બોટલ આપવામાં આવી હતી. જો કે તેમાંનું ભાગ્યે જ કોઈ એ વોડકા પીવાનું હતું! કારણ કે કેદીઓના પીવા માટે આ શરાબ બહુ મોંઘી હતી! બીજા દિવસની રાતે અંધારુ થઈ ગયા પછી ઝ્વિતાઉની દિશામાંથી પાનઝરનું એક જર્મન લશ્કરી એકમ છાવણી સુધી આવી પહોંચ્યું હતું.  એકમની પહેલી તોપ છાવણી સામેથી પસાર થઈ ત્યારે દરવાજાની પાસે રાયફલ સાથે ઝાડીની પાછળ સંતાયેલા લ્યુટેક ફિજેનબમને તેમના પર ગોળી છોડવાનું મન થઈ આવ્યું હતું! પરંતુ એવું કરવામાં તેને જોખમ લાગ્યું. તોપ ખડખડાટ કરતી પસાર થઈ ગઈ. હરોળમાં તેની પાછળ આવતી બીજી એક તોપમાં બેઠેલા તોપચીએ વાડ અને ટાવરને જોયાં, અને છાવણીમાં યહૂદી ગુનેગારો છુપાઈને બેઠા હશે એમ માનીને પોતાની તોપનું નાળચું ઘુમાવીને છાવણીમાં બે ગોળા છોડ્યા. એક ગોળો તો મેદાનના પાછલા ભાગમાં પડીને ફૂટ્યો, જ્યારે બીજો ગોળો સ્ત્રીઓની બાલ્કનીમાં જઈને ફૂટ્યો. જર્મન કિન્નાખોરીનું આ ઉદ્દેશ વિહોણું પ્રદર્શન હતું, પરંતુ ડહાપણ બતાવીને કે પછી અચંબામાં પડી જઈને એક પણ હથિયારધારી કેદીએ તેનો જવા આપ્યો નહીં!

છેલ્લી તોપ પણ દેખાતી બંધ થઈ ગઈ ત્યારે કમાન્ડોને મેદાનની પાછળથી અને ઉપરના માળેથી સ્ત્રીઓના સામુહિક રહેઠાણોમાંથી આવતો રોકકળનો અવાજ સંભળાયો. તોપગોળાની કરચ વાગવાથી એક છોકરી ઘવાઈ હતી. એ છોકરી તો માત્ર આઘાતથી જ ડરી ગઈ હતી, પરંતુ તેની ઈજાઓને જોઈને પાછલા કેટલાયે વર્ષોથી સ્ત્રીઓએ રોકી રાખેલી દુઃખની લાગણી વ્યક્ત થઈને બેરોકટોક વહેવા લાગી! સ્ત્રીઓ વિલાપ કરી રહી હતી ત્યારે બ્રિનલિટ્ઝના ડૉક્ટરોએ ઘવાયેલી છોકરીને તપાસીને છોકરીને થયેલી ઈજા બહુ મામુલી હોવાની બધાંને જાણ કરી!

છાવણીમાંથી છટકી ગયા પછીના એક કલાક સુધી ઓસ્કર અને તેની સાથેના લોકો આગળ ચાલી જતી જર્મન ટ્રકોની એક કતારની પાછળ-પાછળ જ મુસાફરી કરતા રહ્યા. આ પ્રકારે સંતાકુકડી કરવી રાતના સમયે બહુ સરળ રહી, અને કોઈએ રસ્તામાં તેમને હેરાન પણ ન કર્યાં. પાછળના ભાગે જર્મન ઇજનેરો દ્વારા ડાઇનેમાઇટથી પોતાની જ સંસ્થાઓને ઊડાડી દેવાના અવાજો આવી રહ્યા હતા. વચ્ચે-વચ્ચે ચેક ભૂગર્ભ ચળવળકારીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓના અવાજો પણ આવી જતા હતા. હાવલિકુવ બ્રોડ નામના ગામની નજીક તેઓ જર્મન ટ્રકોથી ખાસ્સા પાછળ રહી ગયા હોવાને કારણે ચેક બળવાખોરોએ રસ્તાની વચ્ચે ઊભા રહી જઈને તેમને રોકી પાડ્યા! કેદીના સ્વાંગમાં રહેલા ઓસ્કરે તેમની પાસે ખુલાસો કરતાં કહ્યું, “આ બધા માણસો અને હું એક મજૂર છાવણીમાંથી છટકેલા કેદીઓ છીએ. એસએસ અને ફેક્ટરીના હેર ડિરેક્ટર નાસી છૂટ્યા છે, અને આ વાહન હેર ડિરેક્ટરનું છે.”

ચેક બળવાખોરોએ તેમની પાસે કોઈ હથિયાર છે કે નહીં તે પૂછ્યું. ટ્રકમાંથી ઊતરીને કાર પાસે આવેલો રયુબિન્સ્કી પણ વાતોમાં જોડાયો હતો. તેણે પોતાની પાસે એક રાયફલ હોવાનું કબુલ્યું. “ઠીક છે,” બળવાખોરોએ કહ્યું, “તમારી પાસે જે કંઈ છે તે અમને આપી દો તો સારું. રશિયનો જો તમને રસ્તામાં રોકશે અને તમારી પાસે હથિયારો જોશે તો તેનું કારણ તેઓ નહીં સમજી શકે. તમારો જેલનો ગણવેશ એ જ તમારું હથિયાર છે.”

આવાં અસંતુષ્ટ જુથો આગળ પ્રાગના દક્ષિણી છેવાડે ઓસ્ટ્રિયા જતા રસ્તા પરનાં ગામોમાં પણ મળી જવાની શક્યતા હજુ પણ હતી. આથી બળવાખોરોએ ઓસ્કરના જુથને ગામના ચોકમાં આવેલી ચેકોસ્લોવેકિયાની રેડક્રોસની ઑફિસના રસ્તે વાળ્યું. તેમના કહેવા મુજબ ત્યાં તેઓ સુરક્ષિત રીતે રાતવાસો પણ કરી શકે તેમ હતા. પરંતુ તેઓ ગામમાં પહોંચ્યા ત્યારે રેડ ક્રોસના અધિકારીઓ દ્વારા તેમને એવું સૂચન કરવામાં આવ્યું, કે શાંતિના વાતાવરણની અનિશ્ચિતતાને કારણે ગામની જેલમાં તેઓ સુરક્ષિત રીતે રહી શકશે. વાહનોને રેડક્રોસની ઑફિસની સામે ચોકમાં મૂકીને ઓસ્કર, એમિલિ અને તેમના આઠ સાથીદારો થોડો-થોડો સામાન લઈને પોલીસ સ્ટેશનની ખુલ્લી કોટડીઓમાં સુઈ રહ્યાં.

સવારે ચોકમાં પાછાં આવ્યાં ત્યારે તેમણે જોયું કે વાહનોમાંથી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો! મર્સીડિઝની બધી જ સીટો ફાડી નાખવામાં આવી હતી, અને તેમાંથી હીરા ગાયબ થઈ ગયા હતા. ટ્રકમાંથી ટાયરો કાઢીને લઈ જવામાં આવ્યાં હતાં, અને એન્જિનો નકામાં કરી દેવામાં આવ્યાં હતાં. ચેક લોકોને પૂછતાં તેમણે તો ફિલસૂફ જેવું વલણ બતાવ્યું! “આવા સમયમાં તો આપણે બધાએ આવી જ ધારણા રાખવી પડે!” ઓસ્કરની ગોરી ચામડી અને નીલી આંખોને કારણે એ કોઈ નાસી છૂટેલો એસએસનો માણસ હોવાની શંકા પણ તેમને ગઈ હોય એવું બને!

ઓસ્કર શિન્ડલરની ટૂકડી પાસે હવે કોઈ વાહન તો બચ્યું ન હતું, પરંતુ કેદીઓના વેશમાં જ તેમણે કાલ્પાઇસ તરફ દક્ષિણ દિશામાં જતી એક ટ્રેઇન પકડી લીધી. રેબિન્સ્કી જણાવે છે કે જંગલ સુધી તેઓ ટ્રેઇનમાં ગયા હતાં, અને તે પછીની સફર તેમણે પગપાળા કરી હતી. તેમને અપેક્ષા હતી કે લિન્ઝથી ઉત્તરે ખાસ્સા અંતરે જંગલવાળા સીમા વિસ્તારમાં અમેરિકનો ક્યાંક તો મળી જ જવાના! જંગલમાં ચાલતાં જતી વેળાએ રસ્તામાં તેમને બાજુમાં મશીનગન રાખીને ચ્યૂઇંગમ ચાવી રહેલા બે યુવાન સૈનિકો મળી ગયા! ઓસ્કરના એક કેદીએ અંગ્રેજીમાં તેમની સાથે વાતો કરવી શરૂ કરી. બે યુવાનોમાંથી એકે તેમને કહ્યું. “આ રસ્તા પરથી કોઈને પસાર ન થવા દેવાનો અમને હુકમ છે.”

“જંગલની ગોળ ફરતે ફરીને જવાની પણ શું મનાઈ છે?” કેદીએ પૂછ્યું.

અમેરિકન સૈનિક હજુ પણ ચ્યૂઇંગમ ચાવી રહ્યો હતો. કેવી માત્ર ચાવ-ચાવ કરતી વિચિત્ર પ્રજા છે આ! “મને લાગે છે કે ફરીને જવાની મનાઈ તો નહીં હોય!” આખરે એક અમેરિકને કહ્યું. એટલે એમણે જંગલની વાટ પકડી અને અડધા કલાક પછી ફરીથી એ જ રસ્તો પકડી લીધો. આગળ જતાં બેવડી કતારમાં કૂચ કરી રહેલી લશ્કરી કેમ્પની એક ટૂકડી ફરીથી તેમને ભેટી ગઈ! અંગ્રેજી બોલતા દુભાષિયાની મદદથી તેમણે ફરી એક વખત એ ટૂકડીના સૈનિકો સાથે વાત કરવી શરૂ કરી. તેમનો ઉપરી અધિકારી એક જીપમાંથી નીચે ઉતરીને તેમની પુછપરછ કરવા લાગ્યો. કેદીઓએ પેટ છૂટ્ટી વાત વાત કરતાં તેમને જણાવ્યું કે ઓસ્કર તેમનો હેર ડિરેક્ટર હતો અને તેઓ યહૂદી હતા! કેદીઓને તો એમ હતું કે તેઓ સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયા છે, કારણ કે બીબીસી દ્વારા તેમને જાણવા મળ્યું હતું કે અમેરિકન ફોજમાંના ઘણા અમેરિકનો જર્મન અને યહૂદી મૂળના હતા. પરંતુ કેપ્ટને તેમને હુકમ કરતાં કહ્યું “કોઈ અહીંથી હલશે નહીં…” કોઈ જ ખુલાસો કર્યા વગર, એક યુવાન સૈનિકની દેખરેખ હેઠળ તેમને મૂકીને એ અધિકારી જીપમાં બેસીને ચાલ્યો ગયો. એ સૈનિકે તેમને વર્જિનિયા બ્રાંડની સિગરેટો પીવા આપી. મોંઘી ફેક્ટરીમાં બનેલા ભવ્ય, ચળકતા અને અત્યંત કિંમતી દેખાતાં સૈનિકોના સરંજામ, જીપ અને ગણવેશની માફક એ સિગરેટો પણ ખાસ્સી ચળકતી હતી! એમિલિ અને કેદીઓને ડર હતો કે તેઓ કદાચ ઓસ્કરને પકડી લેશે, પરંતુ ઓસ્કર તો નિશ્ચિંત થઈને ઊંચાઈ પર આવેલા એ જંગલની વાસંતી હવાને શાંતિથી શ્વાસમાં ભરી રહ્યો હતો!

તેની પાસે હર્બ્યુ ભાષામાં લખેલો પત્ર હતો. અને એ જાણતો હતો, કે અમેરિકાનો વંશિય સંદર્ભ જોતાં ન્યુયોર્ક શહેરમાં હર્બ્યુ ભાષા સાવ અજાણી તો નહી જ હોય! અડધો કલાક થઈ ગયા પછી થોડા સૈનિકો લશ્કરની રીત મુજબ લપાતા-છુપાતા આવવાને બદલે તેમની પાસે મજાક-મસ્તી કરતાં-કરતાં ટોળામાં આવ્યા.

એ સૈનિકો યહૂદી હતા અને તેમની સાથે એક રેબી પણ હતો! તેમના ચહેરા પર આનંદ તરવરતો હતો. સૈનિકો આવીને બધાંને ભેટી પડ્યા, એમિલિ અને ઓસ્કરને પણ! તેમના કહેવા મુજબ, કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી બચીને આવનારા સૌથી પહેલા લોકોને તેઓ મળી રહ્યા હતા!

સ્વાગત પૂરું થઈ ગયા પછી ઓસ્કરે પોતાની પાસે રહેલો હર્બ્યુ ભાષામાં લખેલો સંપર્કપત્ર બતાવ્યો. રેબી તો એ પત્ર વાંચતાં-વાંચતાં રડવા જ લાગ્યા! પત્રમાં લખેલી વિગતો તેણે બીજા અમેરિકનોને પણ કહી સંભળાવી. બધી વિગતો સાંભળી લીધા પછી તેમના પર ફરીથી તાળીઓનો વરસાદ વરસ્યો, ફરીથી બધાએ હાથ મિલાવીને તેમનું અભિવાદન કર્યું, ફરીથી તેઓ બધાંને ભેટી પડ્યા! યુવાન અમેરિકનો તેમને નિખાલસ, ઘોંઘાટિયા અને સાવ બાળક જેવા લાગ્યા! મધ્ય યુરોપમાંથી તેમના પૂર્વજો બહાર ગયાને એક કે બે પેઢી જ થઈ હશે, અને એટલા સમયમાં તેઓ એટલી હદે અમેરિકન બની ગયા હતા કે શિન્ડલર અને તેના કેદીઓ તેઓને દિગ્મુઢ થઈને જોઈ જ રહ્યા!

આ ઘટનાનું પરીણામ એ આવ્યું, કે ત્યાર પછીના બે દિવસો શિન્ડલર અને તેના સાથીઓએ, રેજિમેન્ટલ કમાન્ડર અને રેબીના મહેમાન બનીને ઓસ્ટ્રિઅન મોરચા પર પસાર કર્યા! તેમના જુથમાં જે ખરેખર કેદીઓ હતા, એમણે તો વસાહતની સ્થાપનાના દિવસ પછી ક્યારેય નહોતી પીધી એવી મજેદાર કોફી પીધી, અને પેટ ભરીને ખાધું! બે દિવસ પછી રેબીએ પોતે કબજે લીધેલી એક એમ્બ્યુલન્સ તેમને આપી દીધી, જેમાં બેસીને બધાં ઓસ્ટ્રિયાના ઉપરી વિસ્તારમાં ખંડેર બની ચૂકેલા ગયેલા લિન્ઝ શહેર તરફ હંકારી ગયા.

શાંતિ સ્થપાયાના બીજા દિવસે પણ રશિયનો બ્રિનલિટ્ઝમાં દેખાયા નહીં! કેદીઓએ બનાવેલા કમાન્ડો દળને ચિંતા એ વાતની હતી, કે તેમણે છાવણીની અંદર ધાર્યા કરતાં વધારે દિવસો રોકાવું પડશે! એક વાત તેમને બરાબર યાદ હતી, કે છેલ્લા થોડા સમય દરમ્યાન મોઝતેક અને તેના સાથિદારો સિવાયના એસએસના માણસોને ટાયફસ ફાટી નીકળ્યો ત્યારે માત્ર એક જ વખત તેમણે ગભરાયેલા જોયા હતા!

આથી યુક્તિ વાપરીને કેદીઓએ તેમણે આ છાવણીમાં ટાયફસ ફેલાયો હોવાનાં પાટિયાં દરવાજાની બહાર મારી દીધા! બપોર પછી ત્રણ ચેક બળવાખોરો છાવણીના દરવાજે આવ્યા, અને વાડની બહાર ઊભા રહીને જ ફરજ પર તૈનાત ચોકીદાર સાથે વાતો કરવા લાગ્યા. તેમણે ચોકીદારને જણાવ્યું કે હવે યુદ્ધ ખતમ થઈ ગયું છે, અને તમે બહાર જ્યાં જવું હોય ત્યાં જઈ શકો છો. જવાબમાં જેલના કમાન્ડોએ તેમને જણાવ્યું કે રશિયનો આવે ત્યાં સુધી અમે બધાને અંદર જ રાખવાના છીએ. ચોકીદારે આપેલા જવાબમાં જેલ સાથે સંકળાઈ ચૂકેલી એક ચોક્કસ ખાસિયત પડઘાતી હતી! વર્ષો સુધી વાડની અંદર રહેવાની આદત પડી ગયા બાદ કેદીઓના મનમાં એક શંકા ઘર કરી ગઈ હતી, કે વાડની બહારનું જગત ભયજનક હતું, અને તેમાં તેમણે ટુકડે-ટુકડે જ ફરીથી પ્રવેશ કરવાનો હતો! એમ કરવામાં જ તેમને ડહાપણ દેખાતું હતું. તેઓ હજુ પણ એ વાત માનવા તૈયાર ન હતા, કે જર્મનોનું છેલ્લું દળ પણ ચાલ્યું ગયું હતું!

ખભા ઊછાળતાં ચેક બળવાખોરો ચાલ્યા ગયા.

એ રાત્રે છાવણીના મુખ્ય દરવાજા પર ચોકીયાતદળના એક ભાગ તરીકે પોલદેક ફેફરબર્ગ ઊભો હતો, ત્યારે રસ્તા પરથી મોટરસાઇકલના એન્જિનોના અવાજ આવતાં સંભળાયા. પેનઝરોની માફક મોટરસાઇકલો પણ આગળ ચાલી જવાને બદલે છાવણી તરફ જ વળી હોય તેવું તેને લાગ્યું. એસએસના ડેથ-હેડના ચિહ્નવાળી પાંચ મોટરસાઇકલો અંધારામાંથી બહાર આવતી દેખાઈ અને મોટા અવાજ સાથે વાડની બાજુમાં ઊભી રહી. એ ઘટનાને યાદ કરતાં પોલદેક કહે છે કે એસએસના એ યુવાનો એન્જિનો બંધ કરીને નીચે ઉતર્યા, અને ચાલતાં-ચાલતાં દરવાજા તરફ આવવા લાગ્યા. એ સાથે જ આ નવાંગતુકોને તરત જ ગોળીએ દઈ દેવા કે કેમ એ બાબતે છાવણીની અંદર બેઠેલા હથિયારધારીઓ વચ્ચે ગરમાગરમ ચર્ચાઓ થવા લાગી!

મોટરસાયકલ જુથનો આગેવાન આવી પરિસ્થિતિ સાથે સંકળાયેલા જોખમને સમજતો હોય એમ લાગ્યું. પોતાના હાથ આગળ કરીને એ વાડથી થોડે દૂર અટક્યો. “અમારે પેટ્રોલ જોઈએ છે,” તેમણે કહ્યું. ફેક્ટરીની છાવણી હોવાને કારણે તેમણે માનેલું કે અહીં પેટ્રોલ હશે જ!

ફેફરબર્ગની સલાહ હતી, કે તેમના પર ગોળીઓ છોડીને મુશ્કેલી ઊભી કરવાને બદલે તેમને પેટ્રોલ આપીને રવાના કરવા યોગ્ય હતા. તેમની રેજિમેન્ટના અન્ય એકમો પણ આ વિસ્તારમાં હોઈ શકે છે! ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ પણ અહીં ખેંચાઈ આવે એ શક્ય હતું.

આખરે એસએસના માણસોને દરવાજામાંથી અંદર આવવા દેવામાં આવ્યા, અને કેટલાક કેદીઓ ગેરેજમાં જઈને પેટ્રોલ લઈ આવ્યા. છાવણીના કમાન્ડોએ ચોકીદારો અથવા જર્મન સૈનિકો જેવા વાદળી રંગના ઓવરઓલ પહેરેલા હતા. એસએસનો એ અધિકારી, છાવણીના કમાન્ડો સાથે વાતચીત કરતી વેળાએ એટલી હદે સાવધ રહેતો હતો, કે હથીયારધારી કેદીઓને અંદરથી પોતાની છાવણીનું રક્ષણ કરતાં જોઈને તેને કોઈ કંઈ આશ્ચર્ય થયું ન હતું! “તમે તો જાણતા જ હશો, કે અહીં ટાયફસ ફેલાયેલો છે.” ચારે બાજુ લગાડેલાં પાટિયાં બતાવતાં ફેફરબર્ગે જર્મન ભાષામાં કહ્યું. એસએસના માણસો એક-બીજાની સામે જોવા લાગ્યા.

“અમારા બે ડઝન માણસો તો તેને કારણે મૃત્યુ પણ પામ્યા છે.” ફેફરબર્ગે કહ્યું. “અને ભોંયરામાં બીજા પચાસ લોકોને તો અમે અલગ રાખ્યા છે.”

તેમના આ દાવાની ડેથ-હેડ સાથે આવેલા લોકો પર બરાબર અસર થઈ હોય એમ લાગ્યું. તેઓ થાક્યા હોય એવું લાગતું હતું. તેઓ ચોક્કસ નાસી જ રહ્યા હતા, અને ટાયફસની આટલી વાત પણ તેમના માટે પૂરતી હતી! પોતાની ઉપર ઝઝૂમતા આટઆટલા જોખમો ઉપરાંતમાં બેક્ટેરિયાનું કોઈ જોખમ નોતરવાની તેમની ઇચ્છા ન હતી!

પાંચ ગેલનના કેનમાં પેટ્રોલ લાવીને તેમને આપવામાં આવ્યું એટલે તેઓ કેદીઓનો આભાર માનવા લાગ્યા. તેમની સામે નીચા નમીને દરવાજામાં થઈને તેઓ પાછા ચાલ્યા ગયા. કેદીઓ તેમને મોટરસાયકલોમાં પેટ્રોલ ભરતાં જોઈ રહ્યા. વધેલો કારબો સાઇડકારમાં મૂકી ન શકાવાને કારણે તેમણે વાડ પાસે મૂકી દીધો, હાથમોજાં પહેરી લીધાં અને એન્જિન ચાલુ કર્યાં. મોટરસાઇકલની ટાંકીઓ ભરેલી હોવા છતાં, પેટ્રોલની અછતને કારણે એન્જિનોને વધારે ધમધમાવવાને બદલે તેઓ ત્યાંથી શાંતિથી ચાલ્યા ગયા. ગામડાની દક્ષિણ-પશ્ચિમ દિશાએ જતાં તેમના અવાજો ધીમા પડી ગયા. દરવાજે ઊભેલા લોકો માટે એસએસ સાથેનું આ મિલન, હેઇનરિક હિમલરના ભ્રષ્ટ લશ્કરી યુનિફોર્મ પહેરેલા કોઈ પણ માણસ સાથેનું છેલ્લું મિલન હતું.

ત્રીજા દિવસે માત્ર એક જ રશિયન અધિકારી આવ્યો, અને તેણે બધાંને મુક્ત જાહેર કર્યાં. રેલવે લાઈન અને રસ્તા પાસે થઈને બ્રિનલિટ્ઝ સુધી પહોંચતી એક સાંકડી ખીણમાં થઈને એ ઘોડા પર બેસીને અહીં સુધી આવ્યો હતો. એ છેક નજીક આવ્યો ત્યારે જ કળાયું કે એક નાનકડા વછેરા પર બેસીને એ આવ્યો હતો! પેગડામાં નાખેલા તેના પાતળા પગ છેક જમીનને અડતા હતા. ઘોડાના પાતળા પેટ નીચે તેના વાંકા વળી ગયેલા પગ જોઈને હસવું આવે તેમ હતું! અંગત રસ લઈને બ્રિનલિટ્ઝની મુક્તિ લઈને અહીં સુધી આવતાં તેને અનેક મુશ્કેલીઓ પડી હોય તેમ લાગતું હતું, કારણ કે એમ કરવામાં તેનો ગણવેશ પણ ઠેકાણે-ઠેકાણેથી ફાટી ગયો હતો! પરસેવો, શિયાળાની ઠંડી અને રઝડપાટને કારણે ક્ષીણ થઈ ગયેલા રાયફલના ચામડાના પટ્ટાની જગ્યાએ તેણે પટ્ટાની જગ્યાએ એણે દોરડું બાંધી દેવું પડ્યું હતું! ધોડાની લગામની જગ્યાએ પણ એણે દોરડું બાંધવું પડ્યું હતું. ગોરી ચામડીનો એ અધિકારી ક્યારેક પરદેશી તો ક્યારેક બહુ જાણીતો હોય એવું લાગતું હતું. આમ પણ પોલિશ લોકોની સરખામણીએ રશિયનો ઉજળા દેખાતા હતા.

પોલિશ-રશિયન મિશ્ર ભાષામાં થોડી વાતચીત કર્યા પછી કમાન્ડોએ તેમને દરવાજામાંથી અંદર પ્રવેશવા દીધો. બીજા માળની બાલ્કનીઓમાં તેના આગમનની અફવાઓ ફેલાઈ ચૂકી હતી. ઘોડા પરથી એ નીચે ઉતર્યો એ સાથે જ શ્રીમતી ક્રમહોઝે તેને એક ચુંબન ચોડી દીધું. સ્મિત સાથે મિશ્ર ભાષામાં વાતચીત કરતાં એ અધિકારીએ એક ખુરસી માગી. એક યુવાને તેને ખુરસી લાવી આપી.

મોટાભાગના કેદીઓની સરખામણીએ તેની ઊંચાઈ એટલી વધારે હતી કે કેદીઓની સામે તેણે ખુરસી પર ઊભા રહેવું પડે તેમ ન હતું. તે છતાં ઉંચાઈનો લાભ લેવા માટે એ ખુરસી ઉપર ઊભો થઈ ગયો. રશિયન ભાષામાં તેણે જે કઈં કહ્યું એ સ્વાધિનતાને લગતું આદર્શ વક્તવ્ય હોય એવું લાગતું હતું. મોશે મેજસ્કી તેના વક્તવ્યનું તાત્પર્ય સમજી શકે તેમ હતો. મહાન સોવિયેતે તેમને આઝાદી અપાવી હતી! તેઓ પોતપોતાને ઘેર જવા માટે, અથવા જ્યાં પણ જવું હોય ત્યાં જવા માટે આઝાદ હતા! કારણ કે, દંતકથાના આવતા સ્વર્ગની માફક સોવિએતમાં પણ, યહૂદી કે જર્મન, પુરુષ કે સ્ત્રી, આઝાદ કે ગુલામ, એવા કોઈ જ ભેદભાવો ન હતા! અહીંની પ્રજા પર કોઈએ બદલો લેવાનો ન હતો. સાથી રાષ્ટ્રો તેમને ગુલામ બનાવનારા લોકોને શોધી કાઢશે, અને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરશે, અને તેમને યોગ્ય સજા પણ આપશે! તેમને આઝાદી મળી ગઈ છે એ હકીકતની સામે, અન્ય કોઈ બાબતને તેમણે ગણતરીમાં લેવી નહીં…

ખુરશી પરથી એ નીચે ઉતર્યો અને સ્મિત કર્યું, જાણે કહેતો ન હોય, કે એક પ્રવક્તા તરીકે મેં મારું કામ પૂરું કર્યું છે અને તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે હવે એ તૈયાર હતો! બેજસ્કી અને અન્ય બીજા લોકોએ તેની સાથે વાતચીત શરુ કરી, એટલે તેણે પોતાની સામે આંગળી ચીંધીને ભાંગી-તૂટી બેલોરશિયન યિદ્દિશ ભાષામાં કહ્યું, કે તે પોતે પણ યહૂદી જ હતો! કેદીઓએ તેની આ ભાષા પોતાનાં મા-બાપ પાસેથી નહીં, પરંતુ વડવાઓ પાસેથી જરૂર સાંભળી હતી!

આ વાતચીત પછી એ રશિયન અધિકારી અને કેદીઓ વચ્ચેની વાતચીતમાં એક પ્રકારની અંગતતા પ્રવેશી રહી હતી.

“તમે પોલેન્ડ ગયા હતા કે?” બેજસ્કીએ તેને પૂછ્યું. એ અધિકારીએ હા પાડતાં કહ્યું. “અત્યારે હું પોલેન્ડથી જ આવી રહ્યો છું.”

“ત્યાં કોઈ યહૂદીઓ બચ્યા છે ખરા કે?”

“મને કોઈ દેખાયું નથી…”

કેદીઓ તેની ફરતે ટોળે વળીને તેણે કહેલી વાતોનું ભાષાંતર કરી-કરીને એકબીજાને કહી રહ્યા હતા. “તમે ક્યાંના છો?” અધિકારીએ બેજસ્કીને પૂછ્યું.

“ક્રેકોવ.”

“હજુ એક અઠવાડિયા પહેલાં જ હું ક્રેકોવમાં હતો.”

“ઓસ્વિટ્ઝ? ઓસ્વિટ્ઝના શું સમાચાર છે?”

“મેં સાંભળ્યું છે ત્યાં સુધી ઓસ્વિટ્ઝમાં હજુ થોડા યહૂદીઓ બચ્યા છે.”

કેદીઓ વિચારમાં પડી ગયા હતા. રશિયનની વાત પરથી લાગતું હતું કે પોલેન્ડમાં તો જાણે શુન્યાવકાશ જ થઈ ગયો હશે! તેઓ હવે જો ક્રેકોવ પાછા જાય તો ત્યાં તો કોઈ મોટી બરણીમાં એકાદ સુકો વટાણો પડ્યો હોય એવું વેરાન દૃશ્ય જોવા મળશે!

“તમારા માટે હું કંઈ કરી શકું તેમ હોઉં, તો મને કહો.” અધિકારીએ કહ્યું.

કેદીઓમાં ભોજન માટે બૂમો પડી રહી હતી. અધિકારીને લાગ્યું કે એ એકાદ ગાડું ભરીને બ્રેડ અને થોડાં માંસની વ્યવસ્થા કરી શકશે! કાલે સવાર પહેલાં એ આવી શકશે. “પણ એ પહેલાં તમારે અહીં નજીકના ગામમાંથી કંઈક મળી શકે તો એની તપાસ કરવી જોઈએ.” અધિકારીએ સૂચન કર્યું.

કેદીઓ દરવાજાની બહાર બ્રિનલિટ્ઝમાં જઈને ખરીદી કરે એ વિચાર જ કેવો નવતર અને અકલ્પનિય હતો! પેમ્પર અને બેજસ્કી જેવા યુવાનો પાછા જઈ રહેલા અધિકારીની પાછળ-પાછળ ગયા. પોલેન્ડમાં પણ જો કોઈ યહૂદી બચ્યા ન હોય તો તેમની પાસે જવા લાયક કોઈ જગ્યા હવે બચી ન હતી! અધિકારીની કોઈ સલાહ હવે તેમને કામ લાગી શકે તેમ ન હતી, પરંતુ પોતાની ડામાડોળ પરિસ્થિતિ અંગે બાબતે તેઓ તેની સાથે ચર્ચા જરૂર કરવા માગતા હતા. રેલિંગ સાથે બાંધેલી વછેરાની લગામ છોડતો અધિકારી ઊભો રહી ગયો.

“મને કંઈ જ સમજાતું નથી,” એને કેદીઓના ચહેરા સામે જોતાં કહ્યું. “તમારે ક્યાં જવું જોઈએ એ બાબતે હું તમને કોઈ સલાહ આપી શકતો નથી; પરંતુ હું તમને એટલું કહી શકું કે પૂર્વ તરફ ન જશો! જો કે એમ તો તમે પશ્ચિમ તરફ પણ નહીં જઈ શકો!” અધિકારી ફરીથી ગાંઠ ખોલવા લાગ્યો. “આપણને કોઈ પસંદ કરતું નથી!”

રશિયન અધિકારીના સૂચન મુજબ આખરે બ્રિનલિટ્ઝના કેદીઓ બહારના જગત સાથે પહેલો સંપર્ક કરવા માટે દરવાજાની બહાર નીકળ્યા! સૌથી પહેલો પ્રયત્ન યુવાનોએ કર્યો. આઝાદી મળ્યાના બીજા જ દિવસે ડેન્કા શિન્ડેલ બહાર નીકળીને છાવણીની પાછળના જંગલથી ભર્યા પહાડો પર ચડી ગઈ. લીલી અને એનિમોન્સનાં ફૂલો ખીલવાં શરૂ થઈ ગયાં હતાં અને માઇગ્રેટરી પંખીઓ આફ્રિકાથી આવી રહ્યાં હતાં. થોડી વાર ટેકરી ઉપર બેસી, દિવસનો આનંદ માણીને એ ટેકરી ઊતરી ગઈ અને તળેટીમાં ઊગેલા ઘાસમાં સૂઈને, શ્વાસમાં ભીની સુગંધ ભરી લેતી એ આકાશ સામે તાકી રહી. એ જગ્યાએ એ એટલી બધી વાર પડી રહી, કે તેનાં માતા-પિતાએ તો એમ જ માની લીધું કે પોતાનું દુઃખ રડવા એ ગામના લોકોની પાસે કે પછી રશિયનો પાસે ચાલી ગઈ હશે!

ગોલ્ડબર્ગ પણ ખૂબ વહેલો, કદાચ સૌથી પહેલો બહાર નીકળી ગયો હતો! ક્રેકોવમાં પડેલો પોતાનો ખજાનો એ જેટલો બને એટલો જલદી મેળવી લેવા માગતો હતો, જેથી બ્રાઝિલ ચાલ્યા જવાની સગવડ કરી શકાય!

બીજા મોટા ભાગના કેદીઓ છાવણીમાં જ રહ્યા હતા. રશિયનો હવે છાવણીમાં રહેવા આવી ગયા હતા. ગામડાની બાજુમાં આવેલી ટેકરી પરની વિલાને તેમણે અધિકારીઓ માટેના રહેણાક તરીકે કબજે લઈ લીધી. એક મરી ગયેલા ઘોડાને તેઓ છાવણીમાં લઈ આવ્યા, જેને કેદીઓ અકરાંતિયાની જેમ ખાઈ ગયા! છેલ્લા કેટલાયે સમયથી બ્રેડ, શાકભાજી, અને એમિલિ શિન્ડલરની પૉરિજ ખાધા પછી, કેટલાકને તો આ ભોજન બહુ જ સ્વાદિષ્ટ લાગ્યું! લ્યુટેક ફિજનબમ, જેનેક ડ્રેસનર અને યુવાન સ્ટર્નબર્ગ ભોજનની શોધમાં ગામમાં જઈ પહોંચ્યા. ચેક ભૂગર્ભવાસીઓ ગામમાં પહેરો દઈ રહ્યા હતા. બ્રિનલિટ્ઝ ગામના જર્મન વંશીઓ આ કારણે જ આઝાદ થયેલા કેદીઓથી સાવચેત રહેતા હતા. એક દુકાનદારે સ્ટોરરૂમમાં સાચવીને રાખેલી ખાંડનો કોથળો લઈ જવા માટે સ્ટર્નબર્ગને આમંત્રણ આપ્યું. યુવાન સ્ટર્નબર્ગ ખાંડ જોઈને કાબુ ન રાખી શક્યો, અને કોથળામાં મોઢું નાખીને એ મૂઠીઓ ભરી-ભરીને એકલી ખાંડ ગળી જ ગયો, જેને કારણે એ ખુબ જ બીમાર પડી ગયો! શિન્ડલરનું જુથ જે સત્યની તલાશ ન્યુરેમ્બર્ગ અને રેવેન્સબર્ગમાં કરી રહ્યું હતું, સ્ટર્નબર્ગને એ સત્ય અહીં જ હાથ લાગી ગયું હતું, કે આઝાદી અને ભરપેટ ખાવાના દિવસો તરફ તેમણે હળવે-હળવે જ જવાનું હતું!

ગામમાં જવાનું મુખ્ય કારણ તો બ્રેડ મેળવવાનું હતું. બ્રિનલિટ્ઝના કમાન્ડો દળના સભ્ય હોવાને કારણે ફિજનબમની પાસે પિસ્તોલ અને રાઇફલ જેવા હથિયારો હતા. બેકરીના માલિકે તેમને બ્રેડ ન હોવાનું કહ્યું ત્યારે તેમનામાંના એકે કહ્યું, “એને રાઇફલથી ડરાવ.” બેકરીનો માલિક પણ માણસ આખરે તો જર્મન વંશનો જ હતો, અને સૈદ્ધાંતિક રીતે તો એ પણ કેદીઓની આ દૂર્દશાનો સમર્થક હતો. ફિજનબમે પોતાની રાઇફલ તેની સામે તાકી. છુપાવી રાખેલો લોટ શોધવા માટે તેઓ દુકાનમાં થઈને તેઓ પાછળ આવેલા ઘરની અંદર દુકાનદારને લઈ ગયો. અંદરના કમરામાં જઈને તેમણે જોયું તો દુકાનદારની પત્ની અને બે પુત્રીઓ આઘાતના માર્યાં એકમેક સાથે લપાઈને બેઠાં હતાં! પોતાની સામેનું આ દૃશ્ય, કેદીઓને ક્રેકોવમાં થયેલી લશ્કરી કાર્યવાહી જેવું જ લાગ્યું! તેમના મોં પર શરમની કાલીમા ફરી વળી! અને પોતે જાણે દુકાનદારના કુટુંબને મળવા આવ્યા હોય એમ સ્ત્રી તરફ મોં હલાવીને તેઓ કંઈ જ લીધા વગર દુકાનની બહાર ચાલ્યા ગયા!

આવી જ શરમની લાગણી મિલા ફેફરબર્ગને ગામડામાં ચાલતાં જતી વેળાએ પહેલી વખત થઈ આવી! ગામના ચોકમાં એ પહોંચી એ સાથે જ ચેક બળવાખોરોએ બે જર્મન યુવતીઓને અટકાવી, અને પગમાં લાકડાની સપાટો પહેરેલી મિલાને તેના માપનાં જુતા મળી શકે એ માટે એ જર્મન યુવતીઓનાં જુતાં ઉતરાવી લીધાં. આવા બળપ્રાબલ્યને કારણે મિલાને શરમ આવી, અને રસ્તાની એક બાજુ બેસીને વ્યાકુળતાપૂર્વક એ જૂતા માપવા લાગી. બળવાખોરોએ પેલી જર્મન યુવતીઓને મિલાની લાકડાની સપાટો આપીને ભગાડી મૂકી હતી! મિલા એ જર્મન છોકરીઓ ગઈ હતી એ જ રસ્તે તેમની પાછળ-પાછળ દોડીને ગઈ, અને તેમનાં જુતાં તેમને પાછાં આપી દીધાં! મિલા યાદ કરે છે કે જવાબમાં પેલી જર્મન યુવતીએ તેનો આભાર પણ નહોતો માન્યો!

રશિયનો એ સાંજે બ્રિનલિટ્ઝની છાવણીમાં સ્ત્રીઓને શોધતાં આવી ચડ્યા હતા. સ્ત્રીઓના રહેઠાણોમાં પહોંચીને એક સૈનિક શ્રીમતી ક્રમહોલ્ઝને ચોંટી પડ્યો હતો. ફેફરબર્ગે એ સૈનિકના માથા પર પિસ્તોલ તાકવી પડી હતી. (શ્રીમતી ક્રમહોલ્ઝ વરસો સુધી ફેફરબર્ગ સામે આંગળી ચીંધીને ફરિયાદ કરતા રહ્યા હતા, કે કોઈ યુવાન સાથે નાસી જવાની જે કોઈ તક તેમની પાસે હતી, એ આ નાલાયક માણસે ખૂંચવી લીધી હતી!) ત્રણ યુવતીઓને, તેમની થોડી ઘણી મરજી સાથે રશિયનોની પાર્ટીમાં લઈ જવામાં આવી હતી. અને ત્રણ દિવસ પછી એ ત્રણેય યુવતીઓ, “મજા આવી!” કહેતી પાછી આવી ગઈ હતી.

બ્રિનલિટ્ઝ પર કબજો રાખવો શક્ય ન હતું, અને એકાદ અઠવાડિયામાં જ કેદીઓ બહાર નીકળી જવા લાગ્યા હતા. જેમના કુટુંબીઓ મરી ચૂક્યા હતા, તેઓ તો ફરી ક્યારેય પોલેન્ડનું મોં પણ ન જોવાની વાત કરતાં સીધા જ પશ્ચિમ દિશા તરફ નીકળી ગયા હતા! બેજસ્કી ભાઈઓ, કાપડ અને વોડકા વેંચી-વેંચીને પોતાનો ખર્ચ કાઢતાં ઈટલી પહોંચ્યા અને એક ઝિઓનિસ્ટ જહાજ પર સવાર થઈને પેલેસ્ટાઇન પહોંચી ગયા! ડ્રેસનર કુટુંબ મોરાવિયા અને બોહેમિયા થઈને જર્મની પહોંચ્યું, જ્યાં જેનેક એ વર્ષમાં પાછળથી ખૂલનારી બાવેરિયન યુનિવર્સિટિ ઑફ એરલેન્જનમાં જોડાનાર પહેલા દસ વિદ્યાર્થિઓમાંનો એક બન્યો હતો. હેનરી સાથે જે જગ્યાએ મળવાનું ઠરાવ્યું હતું એ પોજોર્ઝમાં મેન્સી રોસનર પાછી ફરી હતી. દકાઉથી છૂટીને હેનરી રોસનર એક દિવસ ઓલેકની સાથે મ્યૂનિકમાં એક શૌચાલયમાં ગયો હતો, ત્યારે એણે એક વ્યક્તિને જેલનાં પટ્ટીવાળાં કપડાં પહેરેલાં જોઈને તેને પૂછ્યું, “તમે ક્યાંની જેલમાં હતા?” “બ્રિનલિટ્ઝમાં” એ માણસે જવાબ આપ્યો.

એ માણસે હેનરીને કહ્યું, “એક વૃદ્ધ સ્ત્રી સિવાય, બ્રિનલિટ્ઝના બધા જ કેદીઓ બચી ગયા હતા.” (પાછળથી આ વાત પણ ખોટી પડી હતી.) હેનરી બચી ગયો હોવાની વાત મેન્સીને પણ તેના એક પિતરાઈ દ્વારા જાણવા મળી હતી. મેન્સી રહેતી હતી એ કમરામાં આવીને તેના પિતરાઈએ દકાઉમાંથી મુક્ત થયેલા લોકોના નામ છાપેલું પોલિશ અખબાર તેની સામે ધરીને કહેલું, “મેન્સી, મને એક ચૂમી આપી દે. હેનરી જીવતો છે, અને ઓલેક પણ!”

રેજિના હોરોવિત્ઝની પણ આવી જ કંઈક કહાણી છે. પોતાની પુત્રી નિયુસિયા સાથે બ્રિનલિટ્ઝથી ક્રેકોવ પહોંચતાં તેને ત્રણ અઠવાડિયાં લાગ્યાં હતાં. એક કમરો ભાડે રાખીને એ દોલેકની રાહ જોવા લાગી હતી. નેવી સ્ટોરની લુંટના માલને કારણે આ શક્ય બન્યું હતું. દોલેક મળી ગયા પછી તેમણે રિચાર્ડની તપાસ કરી, પરંતુ તેના કોઈ જ સમાચાર ન હતા! એ ઉનાળે રશિયનો પોતે ઓસ્વિટ્ઝ વિષય પર બનાવેલી ફિલ્મને પોલિશ પ્રજામાં મફત બતાવી રહ્યા હતા, ત્યારે રેજિનાએ એ ફિલ્મ જોઈ! ફિલ્મની અંદર વાડની પાછળના એક દૃશ્યમાં છાવણીના બાળકોને ઓસ્વિટ્ઝની ઈલેક્ટ્રિક વાડ પાસે થઈને એક નન સાથે જતાં બતાવવામાં આવ્યાં હતાં! સાવ નાનકડો અને આકર્ષક લાગતો હોવાને કારણે રિચાર્ડ લગભગ બધા જ દૃશ્યોમાં દેખાતો હતો! ચીસો પાડતી રેજિના ઊભી થઈને થિયેટરની બહાર દોડી ગઈ. થિયેટરનો મેનેજર અને ત્યાંથી પસાર થતાં રાહદારીઓ શેરીમાં ઊભા રહીને તેને સાંત્વન આપવાનો પ્રયત્ન કરવા લાગ્યા. “એ મારો દિકરો છે, એ મારો દિકરો છે!” એ ચીસો પાડતી હતી. રિચાર્ડ જીવતો છે એ જાણ્યા પછી તેને એટલી ભાળ મળી શકી, કે રશિયનોએ રિચાર્ડને મુક્ત કરીને એક યહૂદી બચાવ સંસ્થાના હાથમાં સોંપ્યો હતો. રિચાર્ડનાં મા-બાપ બંને મૃત્યુ પામ્યાં હોવાનું માનીને બચાવ સંસ્થાએ તેને હોરોવિત્ઝ કુટુંબના જ એક જૂના સંબંધી લાઇબલિંગ કુટુંબમાં દત્તક આપી દીધો હતો. રેજિનાને તેનું સરનામું આપવામાં આવ્યું, અને એ લાઇબલિંગ કુટુંબના એપાર્ટમેન્ટમાં પહોંચી ત્યારે ઘરમાં રમી રહેલા રિચાર્ડનો અવાજ તેને બહારથી જ સંભળાઈ ગયો! વાસણ પછાડતો રિચાર્ડ બૂમો પાડી રહ્યો હતો, “આજે બધાને માત્ર સૂપ જ મળશે!” રેજિનાએ દરવાજો ખટખટાવ્યો, ત્યારે રિચાર્ડ પોતે જ દરવાજો ખોલીને શ્રીમતી લાઇબલિંગને બોલાવી રહ્યો હતો!

રિચાર્ડ પણ રેજિનાને આ રીતે મળી ગયો હતો! પરંતુ પ્લાઝોવ અને ઓસ્વિટ્ઝમાં પોતે ફાંસીનાં માંચડાનાં જોયેલાં દૃશ્યોને કારણે રેજિનાને જ્યારે પણ બાળકો માટેના રમવાના મેદાનમાં લઈ જવામાં આવતી, ત્યારે દરેક વખતે ઝૂલાની ફ્રેમ જોઈને તેને મૂર્છા આવી જતી હતી!

લિન્ઝ ખાતે અમેરિકન સતાધારીઓ પાસે ઓસ્કર અને તેનું જુથ હાજર થયાં એ પછી, એમ્બ્યુલન્સ પર ભરોસો રાખી શકાય તેમ ન હોવાથી તેને ત્યાં જ છોડીને તેમને ટ્રક દ્વારા ઉત્તરે ન્યુરેમ્બર્ગમાં એક મોટા શરણસ્થળે લઈ જવામાં આવ્યા, જ્યાં કોન્સન્ટ્રેશન કેમ્પમાંથી નીકળીને રખડી રહેલાં કેટલાયે કેદીઓને રાખવામાં આવ્યા હતા. આઝાદીની પ્રક્રિયા સરળ નહીં હોય એવી શંકા કેદીઓને હતી જ, અને તેની પ્રતિતિ પણ તેઓ અહીં કરી રહ્યા હતા!

રિચાર્ડ રેચેનનાં એક કાકી કોન્સ્ટેન્ઝમાં રહેતાં હતાં. તેઓ સ્વિસ સરહદ પર એક તળાવની નજીક રહેતા હતા. અમેરિકનોએ ઓસ્કરના જુથને તેમની પાસે જઈ શકાય એવું કોઈ સગું છે કે કેમ એ બાબતે પૂછ્યું ત્યારે બધાએ એ કાકીનું જ નામ આપ્યું! આમ કરવા પાછળ બ્રિનલિટ્ઝના આઠેય કેદીઓનો ઈરાદો એવો હતો, કે જો જર્મની સામે અચાનક જ વિરોધનો જુવાળ ભભૂકી ઊઠે, અને અમેરિકન વિસ્તારમાં પણ શિન્ડલર દંપતિને અન્યાયી રીતે સજા કરવામાં આવે, આ બંને શક્યતાઓને કારણે શક્ય હોય ત્યાં સુધી શિન્ડલર દંપતિને સ્વિસ સરહદની પેલે પાર મોકલી આપવામાં આવે!

રયુબિન્સ્કી યાદ કરતાં કહે છે, કે ન્યુરેમ્બર્ગમાં અમેરિકન કમાન્ડન્ટ સાથે તેમના સંબંધો મૈત્રિભર્યા બની રહ્યા હતા, પરંતુ એ માણસ કોન્સ્ટેન્ઝથી ઉત્તરે જવા માટે તેમને કોઈ વાહન આપવા રાજી ન હતો. એટલે બ્લેક ફોરેસ્ટમાં થઈને જે કોઈ રીતે શક્ય બને તે રીતે તેમણે મુસાફરી કરી હતી; થોડી પગપાળા, તો થોડી ટ્રેઇનમાં બેસીને! રેવેન્સ્બર્ગમાં સ્થાનિક જેલ છાવણીમાં જઈને તેમણે યુ.એસ. કમાન્ડન્ટ સાથે વાત કરી. અહીંયા પણ તેઓ મહેમાન તરીકે બે દિવસ રોકાયા, આરામ કર્યો, અને પેટ ભરીને અમેરિકન ભોજન જમ્યા! બદલામાં એમણે મોડે સુધી કમાન્ડન્ટની સાથે બેસીને એમોન અને પ્લાઝોવ, ગ્રોસ-રોસેન, ઓસ્વિટ્ઝ અને બ્રિનલિટ્ઝની વાતો કરી; એ આશાએ, કે કમાન્ડન્ટ તેમને કોઈક વાહન આપે! કમાન્ડન્ટ ટ્રકની વ્યવસ્થા તો ન કરી શક્યા, પરંતુ મુસાફરીમાં કામ લાગે તેવા થોડા સામાન સાથે એક બસ તેમણે જરૂર આપી! ઓસ્કર પાસે હજુ પણ ૧૦૦૦ જર્મન માર્ક જેટલા મુલ્યના હીરા અને થોડી રોકડ રકમ હતી, પરંતુ એવું લાગે છે કે બસ માટે એમણે કંઈ ચૂકવવું પડ્યું ન હતું. બસ તેમને મફતમાં જ આપવામાં આવી હતી! જર્મન અમલદારો સાથે લેતી-દેતી કર્યા પછી આ પ્રકારે નિશુલ્ક લેવડદેવડ કરવામાં ઓસ્કરને મુંઝવણ જરૂર પડી હશે! કોન્સ્તેન્ઝની પશ્ચિમે સ્વિસ સરહદ પર, ફ્રેંચ કબજા હેઠળના વિસ્તારમાં તેમણે ક્રિયુલિંજેન નામના ગામડામાં બસ ઊભી રાખી. ગામના હાર્ડવેર સ્ટોરમાં જઈને રિચાર્ડ વાયર કાપવાની એક કટર લઈ આવ્યો. કટર ખરીદતી વેળાએ તેમની ટોળકી હજુ પણ જેલના ગણવેશમાં જ ફરી રહી હોય એવું લાગે છે! દુકાનદારને બેમાંથી એક વિચાર જરૂર આવ્યો હશ, કે કાં તો આ એક કેદી છે, અને હું જો તેમને આનાકાની કરીશ તો એ કદાચ પોતાના ફ્રેંચ રક્ષકોને બોલાવશે! અથવા તો કદાચ એ જર્મન અધિકારી હોય, જે વેશપલટો કરીને નાસી રહ્યો હોય! અને તો-તો મારે તેની મદદ કરવી જ જોઈએ!

સરહદ પરની તારની વાડ ક્રિયુલિંજેન ગામની વચ્ચે થઈને જતી હતી, અને જર્મન તરફી સુરક્ષાદળોના ફ્રેંચ ચોકીદારો તેનું રક્ષણ કરી રહ્યા હતા. ગામના પાદરે જઈને ઓસ્કરનું જુથ વાડ સુધી પહોંચ્યું અને વાડ કાપી નાખી. વાડની ચોકી કરતો સંત્રી પોતાની ગસ્તના છેક છેડે પહોંચે ત્યાં સુધી રાહ જોઈને આખુંયે જુથ સ્વિત્ઝરલેન્ડમાં સરકી ગયું! પરંતુ ગામની એક સ્ત્રી રસ્તાના વળાંક પરથી આ દૃશ્ય જોઈ ગઈ હતી, અને એણે સરહદ પર જઈને ફ્રેંચ અને સ્વિસ ચોકિયાતોને સાવધ કરી દીધા! જર્મન વિસ્તારના જ એકાદ ગામડાની અદ્દલ પ્રતિકૃતિ જેવા દેખાતા એ સ્વિસ ગામડાના શાંત જણાતા ચોકમાં સ્વિસ પોલીસે તેમને ઘેરી લીધા. રિચાર્ડ અને રેચેન તેમની પકડમાંથી નાસી છૂટ્યા, પરંતુ એક પેટ્રોલકારે પીછો કરીને છેવટે તેમને પણ પકડી પાડ્યા. અડધા જ કલાકમાં ફરીથી તેમને ફ્રેંચ વિસ્તારમાં પાછા મોકલી આપવામાં આવ્યા, જ્યા તરત જ તેમની જડતી લેવામાં આવી અને તેમની પાસેના હીરા અને રોકડ રકમ જપ્ત કરી લેવામાં આવ્યાં. જર્મન જેલની અંદર બધાને અલગ-અલગ કોટડીમાં પૂરી દેવામાં આવ્યાં.

રયુબિન્સ્કીને સમજાઈ ગયું હતું કે તેઓ કોન્સન્ટ્રેશન કેમ્પના ચોકીદાર હોય એવી શંકા સેવવામાં આવી રહી હતી. અમેરિકનોના મહેમાન બનીને તેમણે જે વજન વધાર્યું હતું એ હવે આ સંદર્ભે તેમને જ નડી રહ્યું હતું, કારણ કે હવે તેઓ બ્રિનલિટ્ઝમાંથી નીકળતી વેળાએ હતા એવા દુબળા લાગતા ન હતા! બધાને તેમની મુસાફરી અને તેમની પાસેથી મળી આવેલા કિંમતી સામાન બાબતે અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી. બધાં જ સાચી વાત કહી શકે તેમ હતા, પરંતુ કોઈને એ ખબર ન હતી કે બીજાં બધાં પણ એ જ જુબાની આપી રહ્યાં હશે કે કેમ! બધાં જ ગભરાયેલા દેખાતાં હતાં. અમેરિકનો સાથે સંપર્કમાં આવતી વેળાએ કોઈ આટલા ગભરાયેલા ન હતા. ઓસ્કરની સાચી ઓળખ અને બ્રિનલિટ્ઝમાં તેના કામકાજની વિગતો જાણી જાય તો ફ્રેંચ પોલીસ તો ઓસ્કરને આરોપી બનાવીને જ જંપે!

ઓસ્કર અને એમિલિને ખાતર બધા જ કેદીઓ એક અઠવાડિયા સુધી ત્યાંની જેલામાં રહ્યાં! યહૂદી ધર્મ વિષે ઓસ્કર હવે એટલું બધું જાણતો હતો કે સામાન્ય સાંસ્કૃતિક કસોટીમાં તો એ આસાનીથી ઉત્તિર્ણ થઈ જાય તેમ હતું! પરંતુ ઓસ્કરની રીતભાત અને તેની શારીરિક સ્થિતિને કારણે તેનો દેખાવ તાજેતરમાં જ એસએસના સકંજામાંથી છૂટેલા કોઈ કેદી જેવો લાગતો ન હતો! અને દુઃખદ બાબત એ હતી, કે હર્બ્યુમાં લખેલો પેલો પત્ર તો લિન્ઝમાં અમેરિકનોની ફાઇલમાં જ રહી ગયો હતો! આઠેયના આગેવાન તરીકે એદેક રયુબિન્સ્કીને સતત પૂછપરછ કરવામાં આવતી હતી, અને ધરપકડના સાતમા દિવસે તેને પુછપરછના કમરામાં બોલાવવામાં આવ્યો ત્યારે સાદા કપડામાં પોલિશ ભાષા બોલતો એક નવો માણસ પણ ત્યાં બેઠો હતો, જેને રયુબિન્સ્કીનો પોતે ક્રેકોવથી આવ્યો હોવાનો દાવો સાચો છે કે નહીં એ ચકાસવા માટે બોલાવવામાં આવ્યો હતો!

પોલિશ તપાસકર્તાએ પ્રશ્નો પૂછતી વેળાએ તેની સાથે માયાળુ વર્તન રાખ્યું તેને કારણે, કે પછી પોતાની ભાષા ફરીથી સાંભળવા મળી એ કારણે, પણ રયુબિન્સ્કી ભાંગી પડ્યો, અને પોલિશ ભાષામાં પોતાની પૂરેપૂરી કથની એણે સડસડાટ કહી નાખી! બાકીનાં બધાંને એક પછી એક બોલાવવામાં આવ્યાં, અને રયુબિન્સ્કીને બતાવીને તેણે કબુલાત કરી લીધી હોવાનું જણાવ્યું, અને બધાને પોતપોતાની વાત પોલિશ ભાષામાં કહી દેવા માટે જણાવવામાં આવ્યું. સવાર પૂરી થાય એ પહેલાં તો બધાંની કથની એકબીજા સાથે મેળ બેસતી લાગી, એટલે શિન્ડલરના આખાયે જુથને પુછપરછના કમરામાં એક સાથે એકઠું કરવામાં આવ્યું, અને એ સમયે પુછપરછ કરનારા બંને જણ બધાંને ભેટી પડ્યા! રયુબિસ્કી કહે છે તે પ્રમાણે, તેમાંનો ફ્રેંચ માણસ તો સાચે જ રડી રહ્યો હતો! પુછપરછ કરનાર માણસ રડી રહ્યો હોય એવી ઘટના નિહાળીને બધા જ આનંદિત થઈ ગયા હતા! શાંત થયા પછી ફ્રેંચ માણસે પોતાના બંને માટે અને આઠેય શિન્ડલર માટે ભોજન પણ મગાવ્યું! એ બપોરે એણે કોન્સ્ટેન્ઝના તળાવના કિનારે આવેલી હોટેલમાં બધાંને માટે રહેવાની વ્યવસ્થા કરી આપી. ફ્રાંસની મિલિટરી સરકારના ખર્ચે તેઓ થોડા દિવસ ત્યાં જ રહ્યા.

એ સાંજે એમિલિ, રયુબિન્સ્કી, રેચેન દંપતિ, વગેરેની સાથે ઓસ્કર જમવા બેઠો, ત્યારે ઓસ્કરની જાયદાદ તો રશિયનોના કબજામાં ચાલી ગઈ હતી, અને તેના છેલ્લે બચેલા થોડા હીરા અને રોકડ રકમ મુક્તિદળોની અમલદારશાહી વચ્ચે ક્યાંક અટવાઈ ગયા હતા! એ લગભગ અકિંચન બની ગયો હતો, અને તો પણ શક્ય એટલી સારી હોટેલમાં પોતાના ‘કુટુંબ’ની સાથે બેસીને એ ભોજન આરોગી રહ્યો હતો! આવનારા ભવિષ્યમાં તેના જીવનનો ઘાટ કંઈક આવો જ બની રહેવાનો હતો!


આપનો પ્રતિભાવ આપો....

One thought on “શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૮)