શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૭)


હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.


પ્રકરણ ૩૭

ઓસ્કરનો સાડત્રીસમો જન્મદિવસ તેના કેદીઓ દ્વારા ધામધુમથી ઉજવવામાં આવેલો.

એક મેટલવર્કરે બટન અને કફ-લિંક્સ મૂકવા માટે એક નાનકડું બોક્સ બનાવ્યું હતું. હેર ડિરેક્ટર વર્કશોપના ફ્લોર પર આવ્યા ત્યારે તેની સામે ગોખી રાખેલું ભાષણ જર્મન ભાષામાં આપવા માટે બાર વર્ષની નિયુસિયા હોરોવિત્ઝને મોકલવામાં આવી. “હેર ડિરેક્ટર,” તેના ધીમા અવાજે કરેલા ભાષણને સાંભળવા માટે ઓસ્કરે નીચા નમવું પડ્યું હતું. “બધા જ કેદીઓ તરફથી આપને આપના જન્મદિવસની શુભેચ્છાઓ.”

એ દિવસ શબ્બાતનો દિવસ હતો, અને આ દિવસ એટલા માટે યોગ્ય હતો કે બ્રિનલિટ્ઝના લોકો તેને એક તહેવારના દિવસ તરીકે યાદ રાખવાના હતા. વહેલી સવારે ઓસ્કરે માર્ટેલ કોગ્નેક વડે જન્મદિવસની ઉજાણી શરૂ કરી હતી અને સાથે-સાથે જ, બર્નોના ઇજનેર તરફથી મળેલા પેલા અપમાનજનક તારની ઉજવણી પણ એણે ત્યારે જ કરી હતી! અને બરાબર ત્યારે જ બે ટ્રકો ભરીને સફેદ બ્રેડ ફેક્ટરીના ફળિયામાં આવી પહોંચી હતી. એમાંની થોડી બ્રેડ તો સૈનિકોની ટૂકડીને, અને મોડે સુધી જાગ્યા પછી ગામમાં પોતાને ઘેર જઈને સૂઈ ગયેલા લિઓપોલ્દને પણ મોકલવામાં આવી હતી. હેર ડિરેક્ટર તરફથી કેદીઓની બહુ તરફેણ થઈ રહી હોવાની ફરિયાદો કરી રહેલી એસએસને પણ શાંત રાખવાની જરૂર હતી. કિલોના ત્રીજા ભાગ જેટલી બ્રેડ પ્રત્યેક કેદીઓને આપવામાં આવી હતી. બ્રેડને ધ્યાનથી ચકાસતાં કેદીઓ તેનો સ્વાદ માણી રહ્યા હતા. ઓસ્કરે આ બ્રેડ ક્યાંથી મેળવી હશે એ બાબતે જાતજાતની ધારણાઓ બાંધવામાં આવી રહી હતી. બ્રિનલિટ્ઝના કેદીઓ પોતાના પેન્ટમાં ઠાંસી-ઠાંસીને ઓટમીલ લઈ આવતા હતા, તે વેળાએ જે મેનેજર આંખ આડા કાન કરતો હતો એ દાઉબેકની ભલમનસાઈ કદાચ આનો આંશિક ખુલાસો આપી શકે તેમ હતી. પરંતુ શનીવારની એ બ્રેડને ખરેખર તો કોઈ જાદુઈ ઘટના તરીકે માણવામાં આવી હતી! એ દિવસને ભલે આનંદોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હોય, હકીકતે આવી ઉજવણી માટે કોઈ કારણ ન હતું! હજુ ગયા અઠવાડિયે જ તો ગ્રોસ-રોસેનના કમાન્ડન્ટ હેસીબ્રૂક દ્વારા એક લાંબો તાર કરીને લિઓપોલ્દને સૂચના આપવામાં આવી હતી, કે જો રશિયનો નજીક આવી પહોંચે તો બ્રિનલિટ્ઝની છાવણીના કેદીઓને ખતમ કરી નાખવા! હેસીબ્રૂકના તારમાં લખેલું હતું કે એ પહેલાં એક છેલ્લી વખત પસંદગીની પ્રક્રિયા કરી લેવાની હતી. ઉંમરલાયક અને ઘવાયેલાઓને તો તત્કાલ ઠાર કરી દેવાના હતા. ફેક્ટરી ફ્લોર પર કામ કરતા કેદીઓને તો આ તાર બાબતે કંઈ જ જાણકારી ન હતી. તેમને તો હજુ કંઈક અજુગતું થવાનો ડર જ હતો! આખા અઠવાડિયા દરમ્યાન એવી અફવાઓ ઊડતી રહી હતી કે બ્રિનલિટ્ઝની બહારના જંગલોમાં સામુહિક કબરો ખોદવા માટે પોલેન્ડના લોકોને બોલાવવામાં આવી રહ્યા હતા. આ અફવાઓના મારણ તરીકે, અને આવનારા ભવિષ્યની ખાતરી આપવા માટે જ ઓસ્કરે સફેદ બ્રેડ મંગાવી હોય એવું લાગે છે. અને છતાંયે બધા જ એક વાત જાણતા હોય એવું લાગતું હતું, કે ભૂતકાળ કરતા ઘણો વધારે જોખમી સમય શરૂ થઈ ચૂક્યો હતો!

ઓસ્કરની ફેક્ટરીના કામદારોની માફક હેર કમાન્ડન્ટ લિઓપોલ્દ પોતે પણ આ તાર બાબતે કંઈ જાણકારી ધરાવતો ન હતો! તાર સૌથી પહેલાં લિઓપોલ્દની ઑફિસના સ્ટાફ મિતિક પેમ્પરના હાથમાં આવ્યો હતો. પેમ્પરે વરાળની મદદથી તારને ખોલી નાખીને વાંચી લીધો, અને સીધા જ જઈને ઓસ્કરને તેના સમાચાર કહી સંભળાવ્યા હતા. શિન્ડલર તાર વાંચતો પોતાના ટેબલ પાસે ઊભો હતો. પાછળ વળીને એણે મિતિકને કહ્યું. “ઠીક છે, આપણે હવે અન્ટર્મસ્ટર્મફ્યૂહરર લિઓપોલ્દને વિદાય કરી દેવા પડશે!”

ઓસ્કર અને પેમ્પર બંનેને લાગતું હતું, કે એસએસની ટૂકડીમાં લિઓપોલ્દ એક માત્ર એવો હતો જે આ તાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓનો અમલ કરી શકે. કમાન્ડન્ટના મદદનીશ તરીકે ઓબરર્સ્કારફ્યૂહરર મોતઝેક નામનો ચાલીસેકની વયનો એક માણસ હતો. એવું બને, કે મોતઝેક ગભરાટમાં આવી જઈને નાની-મોટી હત્યા કરી બેસે, પરંતુ ૧૩૦૦ માણસોની ઠંડા કલેજે હત્યા કરી નાખવી એ તેની તાકાત બહારની વાત હતી.

જન્મદિવસ પહેલાં ઓસ્કરે હેર કમાન્ડન્ટ લિઓપોલ્દના વધુ પડતાં ખરાબ વર્તન અંગે ખાનગીમાં હેસીબ્રૂકને ઘણી વખત ફરિયાદો કરી હતી. બર્નોના વગદાર પોલિસવડા રાશની મુલાકાતો પણ તેણે લીધી હતી અને તેમની પાસે પણ લિઓપોલ્દ વિરુદ્ધ આવી જ ફરિયાદો નોંધાવી હતી. ઓરેઇનબર્ગમાં જનરલ ગ્લક્સને પોતે લખેલા પત્રોની નકલ પણ ઓસ્કરે હેસીબ્રૂક અને રાશને બતાવી હતી. ભૂતકાળમાં પોતે દાખવેલી ઉદારતા અને ભવિષ્ય માટે તેણે આપેલાં વચનોને કારણે ઓસ્કર એવું માનવા પ્રેરાયો હતો, કે લિઓપોલ્દને હટાવવા માટે તેણે ઊભા કરેલા દબાણોની ઓરેઇનબર્ગ અને બર્નો ખાતે નોંધ લેવામાં આવશે, અને બ્રિનિલિટ્ઝના કેદીઓ સાથે અન્ટસ્ટર્મફ્યૂહરરે કરેલા ગેરવર્તનની ઊંડી તપાસ કરાવ્યા વગર જ લિઓપોલ્દની બદલી કરી નાખવામાં આવશે!

શિન્ડલરની ચાલની આ એક ખાસિયત હતી, એમોન ઓસ્કર વચ્ચે રમાયેલી બ્લેકજેકની રમત અહીં ખૂલીને બહાર આવી હતી. બ્રિનિલિટ્ઝના એક-એક કેદીની જિંદગી જોખમમાં હતી! હર્ષ ક્રિશર, કેદી નંબર ૬૮૮૨૧, ૪૧ વર્ષના ઓટો મિકૅનિકથી લઈને, જારુમ કૈફ, કેદી નંબર ૭૭૧૯૬, સત્યાવીસ વર્ષના મજૂર અને ગોલેઝોવના ડબ્બામાંથી બચી જનાર કેદી! અને કેદી નંબર ૭૬૨૦૧ ઓગણત્રીસ વર્ષની મેટલવર્કર બર્તા આફ્ટરગટથી લઈને કેદી નંબર ૭૬૫૦૦, છત્રીસ વર્ષની જેન્તા ઝ્વેત્સેન્સ્ટિએલ સુધીની બ્રિનિલિટ્ઝની એક-એક સ્ત્રીનો તેમાં સમાવેશ થતો હતો!

ઓસ્કરે કમાન્ડન્ટ લિઓપોલ્દને ફેક્ટરીમાં આવેલા પોતાના એપાર્ટમેન્ટમાં ડિનર માટે આમંત્રણ આપ્યું ત્યારે લિઓપોલ્દની વિરુદ્ધમાં વધારે ફરિયાદ કરવાનાં કારણો તેને મળી ગયાં! એપ્રિલ ૨૭ ઓસ્કરના જન્મદિવસની સાંજ હતી. રાત્રે અગીયારના સુમારે ફેક્ટરીના ફ્લોર પર લથડિયાં ખાતા કમાન્ડન્ટને ઓસ્કરની સાથે ચાલતા જોઈને કેદીઓ ચમકી ગયા હતા. ચાલતાં-ચાલતાં લિઓપોલ્દે કામદારોને સંબોધીને વાત કરવાનો પ્રયત્ન કર્યો. મશીનરી ઉપરની વિશાળ છત સામે આંગળી ચીંધતાં એ ગુસ્સે થઈ ગયો. હેર ડિરેક્ટરે તેને અત્યાર સુધી તો ફેક્ટરી ફ્લોરથી દૂર જ રાખ્યો હતો. પરંતુ આજે એ એક નિર્ણાયક અને શિસ્તપાલક અધિકારીના પાઠમાં આવી ગયો હતો. “હરામી યહૂદીઓ,” એ બૂમો પાડી રહ્યો હતો. “જુઓ આ બીમને, જુઓ જરા! તમને બધાને આ જ બીમ પર લટકાવી દેવાનો છું હું… એક-એકને લટકાવી દઈશ…!”

લિઓપોલ્દને પોતાના ખભાનો ટેકો દેતાં ઓસ્કર “બરાબર છે, બરાબર છે, પણ આજે નહીં, હં? ફરી ક્યારેક.” એવું તેના કાનમાં ગણગણ્યો, અને તેને કામદારોથી દૂર લઈ ગયો. બીજા દિવસે ઓસ્કરે સ્પષ્ટ આરોપો સાથે ફોન ઉપર હેસીબ્રૂક અને બીજા લોકોનો સંપર્ક કર્યો. આ માણસ શરાબના નશામાં બૂમો પાડતો ફરે છે, લોકોને મારી નાખવાની ધમકીઓ આપતો ફરે છે. આ કોઈ મજૂરો નથી! આ બધા તો કુશળ કારીગરો છે જેઓ ગુપ્ત શસ્ત્રો બનાવવામાં સામેલ છે, વગેરે, વગેરે. અને હોસીબ્રૂક પોતે ભલે હજારો ખાણિયા કામદારોની હત્યા માટે જવાબદાર હોય, અને પોતે ભલે રશિયનો આવે ત્યારે યહૂદી મજૂરોને મારી નાખવામાં માનતો હોય. પરંતુ એવું ન બને ત્યાં સુધી તો એ પણ ઇચ્છતો હતો, કે હેર શિન્ડલરની આ ફેક્ટરીની ગણના ‘ખાસ કિસ્સા’ તરીકે કરવામાં આવે!

ઓસ્કરના કહેવા મુજબ, લિઓપોલ્દ હંમેશા એવું કહેતો રહેતો હતો, કે આખરે તો એ યુદ્ધમાં જવાનું જ પસંદ કરશે. એ યુવાન છે, તંદુરસ્ત છે અને તેની ઇચ્છા પણ એવી જ છે. “ઠીક છે,” હેસીબ્રૂકે ઓસ્કરને કહ્યું. “જોઈએ શું કરી શકાય તેમ છે.”

હજુ આગલી રાત્રે જ તો કમાન્ડન્ટ લિઓપોલ્દે ઓસ્કરના જન્મદિવસનું ભોજન લીધું હતું.

તેની ગેરહાજરીમાં ઓસ્કરે જન્મદિવસને અનુલક્ષીને હેરત પમાડે એવું એક ભાષણ કર્યું હતું. જન્મદિવસની ઉજવણી આખો દિવસ ચાલુ જ રહી હતી, તે છતાંયે કોઈને તેનો અવાજ જરા પણ ધ્રુજતો હોય એવું લાગ્યું ન હતું! એણે શું કહેલું તેની લેખીત યાદી તો આપણી પાસે ઉપલબ્ધ નથી, પરંતુ એક બીજું ભાષણ, જે જન્મદિવસના દસ દિવસ પછી ૮ મેની સાંજે તેણે આપ્યું હતું, તેની નકલ આપણી પાસે છે. જેમણે પણ એ ભાષણ સાંભળ્યું હતું તેમના કહેવા મુજબ, એ બંને ભાષણમાં લગભગ સરખાં જ વાક્યો જ હતાં. બંનેમાં જીવનને આગળ ધપાવવામાં મદદ કરવાનાં વચનો આપવામાં આવ્યાં હતાં.

છતાંયે, એ બંનેને માત્ર ભાષણો કહેવા એ તેમણે કેદીઓ પર પાડેલી ઊંડી અસરને નાબુદ કરી દેવા જેવું ગણાય! જે વાત કહેવાનો સહજ પ્રયત્ન ઓસ્કર કરી રહ્યો હતો તે વાસ્તવિકતા સાથે સમાધાન કરી લેવાની, અને કેદીઓ અને એસએસની છબીને ઉજળી કરવાની વાત હતી. ઘણા સમય પહેલાં, દૃઢ વિશ્વાસ સાથે એણે શિફ્ટના કામદારોને કહેલું, કે તેઓ જરૂર યુદ્ધના અંત સુધી જીવતા રહેશે! તેણે કરેલી એ વાત સાંભળવામાં એડિથ લાઇબગોલ્ડ પણ સામેલ હતો.

આગલા નવેમ્બરમાં ઓસ્વિટ્ઝથી વહેલી સવારે આવી પહોંચેલી સ્ત્રીઓને આવકારતી વેળાએ પણ તેણે ભવિષ્યવેત્તાનું એ જ રૂપ ધારણ કરીને તેમને સંબોધીને કહેલું, “તમે હવે સુરક્ષિત છો; તમે મારી સાથે છો.”

કોઈ અન્ય સમય અને પરિસ્થિતિ હોત તો હેર ડિરેક્ટર, લ્યુસિયાનિયાના હુઈ લોંગ કે ઓસ્ટ્રેલિયાના જોહ્ન લેંગની માફક કોઈ રાજકિય ચળવળકારીના રૂપે આપણી સામે આવ્યો હોત એ હકીકત પણ ભૂલાવી ન જોઈએ! વક્તૃત્વ શક્તિની એક એવી બેજોડ ભેટ ધરાવતા આ બંને મહાનુભાવો, મનુષ્યે જાતે જ ઊભા કરેલા સઘળા અનિષ્ટોનું નિવારણ કરવા માટે પોતે શ્રોતાઓ સાથે કોઈક અતુટ બંધન વડે જોડાયા હોવાનો વિશ્વાસનો શ્રોતાઓને દેવડાવી શકતા હતા!

ઓસ્કરનું જન્મદિવસનું એ સંભાષણ, વર્કશોપ ફ્લોર પર રાત્રે એકઠા થયેલા કેદીઓને જર્મન ભાષામાં અપાયું હતું. આટલા મોટા સમારંભના રક્ષણ માટે એસએસની એક ટૂકડીને પણ હાજર રાખવામાં આવી હતી, અને સાથે-સાથે કેટલાક જર્મન નાગરીકો પણ ત્યાં હાજર હતા. ઓસ્કરે વક્તવ્ય શરૂ કર્યું એ સાથે જ પોલદેક ફેફરબર્ગે પોતાનાં રુંવાડાં ઊભાં થઈ જતાં અનુભવ્યાં હતાં! ઓટોમેટિક રાઇફલો લઈને ઊભેલા સ્કોનબર્ગ અને ફક્સ, અને એસએસના અન્ય લોકોના અવાક ચહેરા સામે ફેફરબર્ગ તાકી રહ્યો હતો! આવા ભાષણને કારણે એ લોકો જરૂર ઓસ્કરને મારી નાખશે એવો ડર તેના મનમાં પ્રવેશી ગયો! અને જો એવું થયું, તો-તો આ બધું જ નાશ પામવાનું!

ઓસ્કરના વક્તવ્યમાં બે મુખ્ય વચનો આપવામાં આવ્યા હતા. પહેલું એ, કે આ મહા-જુલમી આપખુદશાહીનો અંત આવી રહ્યો હતો! છાવણીની દિવાલો પાસે તૈનાત એસએસ સૈનિકોને સંબોધીને પણ એ એવી રીતે જ વાત કરી રહ્યો હતો, જાણે તેમને પણ અહીં કેદ કરી રાખવામાં આવ્યા ન હોય! તેઓ પણ જાણે મુક્તિ ઝંખી રહ્યા ન હોય! ઓસ્કરે કેદીઓ પાસે ખુલાસો કરતાં કહ્યું, કે સૈનિકોમાં એવા કેટલાયે લોકો છે, જેમને તેમની સહમતી વિના જ બીજા એકમોમાંથી ફરજીયાત વેફન એસએસમાં ભરતી કરી દેવામાં આવ્યા હતા. તેણે બીજું વચન એ આપ્યું, કે આ દુશ્મનાવટનો અંત જાહેર કરવામાં ન આવે ત્યાં સુધી ઓસ્કર પોતે બ્રિનિલિટ્ઝમાં જ હાજર રહેશે! “તેનાથી પણ પાંચ મિનિટ વધારે હું અહીં જ રહીશ!” એણે કહેલું. ઓસ્કરે ભૂતકાળમાં કરેલા ઉચ્ચારણોની માફક તેનું આ વક્તવ્ય પણ કેદીઓ માટે તો તેમના સુખી ભવિષ્ય માટેનો કોલ જ હતો! બ્રિનલિટ્ઝનો એક પણ કેદી જંગલોમાં ખોદવામાં આવેલી કબરોની અંદર દટાશે નહીં એવા જોશીલા ઈરાદા તેના વક્તવ્યમાં સામેલ હતા. એ તબક્કે, ઓસ્કરે કેદીઓ માટે આપેલા ભોગોનું પણ ઓસ્કરે કેદીઓને સ્મરણ કરાવ્યું હતું, જેણે કેદીઓમાં પ્રાણ રેડવાનું કામ કર્યું હતું! પરંતુ તેનું એ વક્તવ્ય સાંભળીને એસએસના માણસો કેવી મુંઝવણમાં મૂકાયા હશે તેની તો આપણે માત્ર કલ્પના જ કરવી રહી! પોતાના ભાષણમાં ઓસ્કરે બહુ મોજથી લશ્કરી દળોનું પણ અપમાન કર્યું હતું. લશ્કરને તેણે ચેતવણી આપી હતી, કે એસએસ જ્યાં સુધી બ્રિનલિટ્ઝમાં રહેશે, ઓસ્કર પોતે પણ ત્યાં જ રહેવાનો હતો, જેથી એ એક સાક્ષીની ગરજ સારી શકે!

પરંતુ ઓસ્કર બહારથી જેટલો મોજિલો દેખાતો હતો એટલો આનંદ એ અંદરથી અનુભવતો ન હતો. પાછળથી તેણે કબુલેલું પણ ખરું, કે એ સમયે ઝ્વિતાઉ વિસ્તારમાંથી જર્મન મિલિટરી એકમોને પાછા ખેંચવાની જે કાર્યવાહી ચાલી રહી હતી, તેમાં ક્યાંક બ્રિનિલિટ્ઝને પણ સામેલ કરી દેવામાં આવે એ બાબતે એ ચીંતિત હતો. એણે એમ પણ કહેલું, “અમે ગભરાટમાં પણ હતા, કારણ કે એસએસના સૈનિકો હતોત્સાહ થઈને કોઈક અજુગતું પગલું ભરી બેસે તેનો અમને ડર હતો.” હકીકતે એ અવ્યક્ત ગભરાટ હોવો જોઈએ! કારણ કે ઓસ્કરના જન્મદિવસે સફેદ બ્રેડની મજા માણી રહેલા એક પણ કેદીને ઓસ્કરના એ ગભરાટનો અણસાર પણ આવ્યો ન હતો! બ્રિનલિટ્ઝની સીમાની નજીક જ આવેલા વ્લાસોવના લશ્કરી એકમોની પણ ચીંતા ઓસ્કરને હતી. એ ટૂકડીઓ રશિયન આર્મિ ઓફ લિબરેશનના સભ્યોની બનેલી હતી. એકાદ વર્ષ પહેલાં જ હિમલરના હુકમથી અસ્તિત્વમાં આવેલી એ ટુકડીઓમાં જર્મનીમાં મોજુદ રશિયન કેદીઓના અનેક હોદ્દેદારો પણ સામેલ હતા, અને ત્રણ વર્ષ પહેલાં મોસ્કોના મોરચા પરથી પકડાયેલા ભૂતપૂર્વ સોવિયેત જનરલ એન્ડ્રેઈ વ્લાસોવ તેના કમાન્ડર હતા. બ્રિનલિટ્ઝના લોકો માટે આ લશ્કરીદળ બહુ ખતરનાક હતું, કારણ કે તેઓ જાણતા હતા કે સ્ટેલિન વ્લાસોવના દળોને ખાસ સજા આપવા માગતો હતો, અને સાથી દળો તેમની સોંપણી રશિયાને કરી દેશે એવો ડર એ વ્લાસોવને રહેતો હતો! આ કારણસર વ્લાસોવના દળો જ્યાં-જ્યાં હતા ત્યાં બધે જ, સ્લેવિક લોકો માટે સહજ એવી આક્રમકતાભરી નિરાશાની સ્થિતિમાં હતા, અને વોડકાની અસર હેઠળ તેઓ વધારેને વધારે ઉત્તેજીત થઈ રહ્યા હતા.

પશ્ચિમ દિશાએથી અમેરિકન દળો વધારે નજીક આવી જાય, તો પીછેહઠ કરતી વેળાએ વ્લાસોવના દળો કંઈ પણ કરી શકે તેમ હતા! ઓસ્કરે જન્મદિવસનું ભાષણ આપ્યું તેના બે જ દિવસમાં લિઓપોલ્દના ટેબલ પર હુકમોનો થપ્પો આવીને પડ્યો હતો. તેમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે અન્ટર્સ્ટર્મફ્યૂહરર લિઓપોલ્દને પ્રાગ નજીક વેફન એસએસ ઇન્ફન્ટ્રરી બટાલિઅનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. આ હુકમ વાંચીને લિઓપોલ્દ ખુશ તો નહીં જ થયો હોય, પરંતુ પોતાનો સામાન બાંધીને તે શાંતિથી રવાના થઈ ગયો! ઓસ્કરના ભોજન સમારંભોમાં, ખાસ કરીને રેડ વાઇનની બીજી બોટલ ખાલી કર્યા પછી, એણે ઘણીવાર મોરચે જવાની ઇચ્છાનું રટણ કર્યા કર્યું હતું. છેલ્લે-છેલ્લે તો, પીછેહઠ કરી રહેલા જર્મન સૈન્ય અને એસએસના ફિલ્ડ-રેંકના અનેક અધિકારીઓને હેર ડિરેક્ટર ઓસ્કરના એપાર્ટમેન્ટ પર ભોજન માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. તેમની આપસની વાતચીતે પણ લિઓપોલ્દની મોરચા પર જવાની ચળને ઉશ્કેરી મૂકી હતી. યુદ્ધના કારણો તો ક્યારનાયે ખતમ થઈ ચૂક્યા હતા એ વાતનો જેટલો અહેસાસ ભોજન પર આવેલા મહેમાનોને હતો એટલો લિઓપોલ્દને ન હતો!

અને પોતાનો સામાન બાંધતા પહેલાં એ હેસીબ્રૂકને ફોન કરે એ વાતમાં પણ કોઈ માલ ન હતો.

ટેલીફોન વ્યવહાર ખાસ સાબૂત ન હતો, કારણ કે રશિયનોએ બ્રેસ્લાઉને ઘેરી લીધું હતું અને તેઓ ચાલીને ગ્રોસ-રોસેન પહોંચી શકે એટલા અંતરે જ હતા! પરંતુ લિઓપોલ્દની ટ્રાન્સફરને કારણે હેસીબ્રૂકની ઑફિસમાં કોઈને આશ્ચર્ય થયું ન હતું, કારણ કે પોતે રાષ્ટ્રપ્રેમી હોવાના દાવાઓ લિઓપોલ્દે પોતે જ તેમની પાસે કર્યા હતા! આથી, ઓબરસ્કારફ્યૂહરર મોતઝેકને બ્રિનિલિટ્ઝનો વહીવટ સોંપીને જોસેફ લિઓપોલ્દ યુદ્ધમોરચા ભણી રવાના થઈ ગયો હતો. એક રૂઢિચુસ્ત માણસને તેની મરજી મુજબનું કામ મળી ગયું હતું.

ઓસ્કર માટે ‘છાવણી બંધ કરો’નો આદેશ આવે ત્યાં સુધી રાહ જોઈને બેઠા રહેવાનો અર્થ ન હતો. મે મહિનાના શરૂઆતના દિવસોમાં, ટેલીફોન લાઇનો ચાલુ હતી ત્યારે કદાચ ટેલીફોન દ્વારા તેને જાણવા મળ્યું હતું કે, જે વેરહાઉસો સાથે તે લેવડદેવડ કરતો હતો, તેમાના એક ભરચક વેરહાઉસને એમ જ ત્યજી દેવામાં આવ્યું હતું! અડધો ડઝન કેદીઓને સાથે લઈને ઓસ્કર એ વેરહાઉસને લુંટવા માટે પહોંચી ગયો હતો! દક્ષિણ તરફ જતા રસ્તા પર લશ્કરે કેટલીયે જગ્યાએ આડશો ગોઠવી દીધી હતી, પરંતુ એ દરેક સ્થળે પોતાની પાસે રહેલા ભરમાવી દે તેવા, અને ઓસ્કરના શબ્દોમાં કહીએ તો “મોરાવિયા અને બોહેમિયાના સર્વોચ્ચ એસએસ પોલિસ અધિકારીઓ”ની સહી અને સિક્કા કરેલા ખોટા દસ્તાવેજો બતાવીને તેઓ નીકળી ગયા હતા. તેઓ વેરહાઉસ પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે વેરહાઉસની ચારે બાજુ આગ લગાડી દેવામાં આવી હતી. નજીકના મિલિટરી સ્ટોરહાઉસોને પણ આગ લગાડવામાં આવી હતી, અને દ્વેષબુદ્ધિથી પ્રેરાઈને તેમના પર બોમ્બમારો પણ કરવામાં આવ્યો હતો. શહેરની અંદરની દિશાએ, ચેકોસ્લોવેક ભૂગર્ભદળો જર્મન લશ્કર સાથે બરાબરની લડાઈ લડી રહ્યાના અવાજો પણ તેમને સંભળાઈ રહ્યા હતા. હેર શિન્ડલરે ટ્રકને વેરહાઉસની પાછળના ભાગમાં આવેલી માલ ભરવાની જગ્યાએ લેવાનો આદેશ આપ્યો. દરવાજો તોડીને તેમણે જોયું તો અંદર તો માત્ર એજિપ્સ્કી બ્રાંડની સિગરેટો જ મોટા જથ્થામાં પડી હતી!

આવી હાસ્યાસ્પદ ચોરીની ઘટના વચ્ચે, સ્લોવેકિયાથી આવી રહેલા રશિયનો દ્વારા જર્મન નાગરિકોની હત્યા થયાની અફવાઓને કારણે ઓસ્કરને ડર પણ લાગી રહ્યો હતો! દરરોજ રાત્રે બીબીસી પરથી પ્રસારિત થતા સમાચાર સાંભળતાં એવું પણ લાગતું હતું કે રશિયનો ઝ્વિતાઉ વિસ્તારમાં પહોંચે એ પહેલાં તો કદાચ યુદ્ધ પુરું પણ થઈ જાય!

કેદીઓ પાસે પણ બીબીસી સાંભળવાની આડકતરી સુવિધા હતી, અને તેઓ પણ જાણતા હતા કે વાસ્તવિકતા શું હતી! બ્રિનલિટ્ઝના ઇતિહાસમાં, ઝેનોન ઝેનવિચ અને આર્થર રેબનર નામના બે રેડિઓ ટેકનિશ્યનો ઓસ્કરના કોઈને કોઈ રેડિઓને રિપેર કરતા રહ્યા હતા. ઝેનોન બપોરના બે વાગ્યાના વોઈસ ઑફ લંડન દ્વારા પ્રસારિત થતાં સમાચારો વેલ્ડિંગ શોપની અંદર ઈયરફોન વાપરીને સાંભળતો હતો. વેલ્ડરો રાતપાળીમાં અડધી રાત્રે બે વાગ્યે પણ રેડિયો સ્ટેશન ટ્યુન કરીને બેસતા હતા. ઑફિસમાં સંદેશો આપવા જઈ રહેલા એસએસના એક માણસે પણ કામદારોમાંના ત્રણ જણને રેડિયો ફરતે બેઠેલા જોયા હતા.

“અમે હેર ડિરેક્ટરની સુચના અનુસાર જ આ કામ કરી રહ્યા છીએ,” કેદીઓએ એસએસના માણસને કહી દીધેલું, “એ બસ હજુ એક મિનિટ પહેલાં જ અહીંથી ગયા.”

એ વર્ષે શરૂઆતમાં, કેદીઓ એવી અપેક્ષા રાખી રહ્યા હતા, કે અમેરિકનો દ્વારા મોરાવિયાને જીતી લેવામાં આવશે. પરંતુ આઇઝનહુવર પોતાનો વિચાર બદલીને એલબી નદી પાસે પહોંચી જતાં, કેદીઓ હવે જાણી ગયા હતા કે મોરાવિયા રશિયાના હાથમાં જ જવાનું! ઓસ્કર પાસે વર્તુળાકારે બેઠેલા કેદીઓ હિબ્રૂ ભાષામાં એક પત્ર લખી રહ્યા હતા, જેમાં તેમણે ઓસ્કરની સિદ્ધિઓને વિગતવાર વર્ણવી હતી. અમેરિકન દળો પાસે એ પત્ર રજુ કરવામાં આવે તો કંઈક સારું પરીણામ આવી શકે તેમ હતું, કારણ કે અમેરિકન દળોમાં મોટી સંખ્યામાં યહૂદીઓ ઉપરાંત કેટલાક રેબી પણ સામેલ હતા. આથી સ્ટર્ને અને ઓસ્કરે પોતે પણ હેર ડાયરેક્ટર ઓસ્કર શિન્ડલર કોઈક રીતે અમેરિકનોનો જ સંપર્ક કરે તેને યોગ્ય માનેલું. મધ્ય યુરોપમાં એક એવી લાક્ષણિક ધારણા પ્રચલિત હતી, કે રશિયનો જંગલી હતા, અજાણ્યા ધર્મના હતા અને તેમની માનવતા પણ સંદિગ્ધ હતી, અને ઓસ્કરનો આ નિર્ણય પણ આંશિક રીતે એ ધારણા પર જ આધારિત હતો. પરંતુ એ સિવાય પણ, પુર્વ તરફથી મળેલા કેટલાક અહેવાલોને સાચા માનવામાં આવે તો, વિવેકપૂર્વકનો ડર રાખવા માટે તેની પાસે પૂરતાં કારણો હતાં.

પરંતુ આવા વિચારને કારણે ઓસ્કર કમજોર નહોતો પડ્યો. એ પૂરેપૂરો જાગૃત હતો, અને સાતમી મેની વહેલી સવારે બીબીસી દ્વારા તેને જર્મન શરણાગતીના સમાચારો સાંભળવા મળ્યા ત્યારે તેના હૃદયમાં અનેક અપેક્ષાઓ જાગૃત થઈ ઊઠી હતી. બીજા દિવસે, ૮ મે ગુરુવારની મધરાતે યુરોપમાં યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું! ઓસ્કરે એમિલિને ઊંઘમાંથી ઊઠાડી દીધી. સ્ટર્ન એ સમયે જાગતો જ હતો. આ સમાચારની ઉજવણીમાં હેર ડિરેક્ટરને મદદ કરવા માટે તેને ઑફિસમાં બોલાવવી લેવામાં આવ્યો. સ્ટર્નને લાગતું હતું કે ઓસ્કર હવે એસએસની ટૂકડીઓ તરફથી નિશ્ચિંત જ હશે! પરંતુ ઓસ્કરની ખાતરી કઈ રીતે દેખા દેશે તેની તેને જાણ હોત તો તે પણ ચોંકી જાત.

શોપ ફ્લોર પર કેદીઓએ પોતાનો રોજિંદો ક્રમ જાળવી જ રાખ્યો હતો. ઉલટાનું બીજા દિવસોની સરખામણીએ એમણે એ દિવસે વધારે ખંતથી કામ કર્યું. પરંતુ બપોર પડ્યે, છાવણીમાં ચર્ચિલના વિજય-સંબોધનને લાઉડ સ્પીકરો પર વહેતા કરીને હેર ડિરેક્ટરે પોતે જ કામકાજના એ આડંબરનો અંત લાવી દીધો! અંગ્રેજી સમજી શકતો લ્યુટેક ફિજનબમ પોતાના મશીન પાસે દિગ્મૂઢ થઈને ઊભો જ રહી ગયો! બીજા લોકો માટે તો ચર્ચિલનો એ કર્કશ અને અસ્પષ્ટ અવાજ, આગળ જતાં નવા વિશ્વમાં તેઓ વર્ષો સુધી જે ભાષા વાપરવાના હતા તેનો પહેલો અનુભવ હતો. મૃત્યુ પામી ચૂકેલા ફ્યૂહરર જેવો જ જાણીતો અને વિશિષ્ટ એ અવાજ, દરવાજા સુધી પહોંચીને વોચટાવરો પર બેઠેલા માણસોને પજવી રહ્યો હતો, પરંતુ એસએસ દ્વારા એ અવાજોની સામે સંયમ દાખવવામાં આવ્યો. એસએસ દ્વારા છાવણીની અંદર પ્રવેશવાનો કોઈ જ પ્રયાસ થઈ રહ્યો ન હતો. તેમની આંખો હવે ઓસ્કરની માફક જ, કદાચ તેનાથી વધારે આતુરતા સાથે રશિયનોની રાહ જોઈ રહી હતી. હેસીબ્રૂકના અગાઉના તાર પ્રમાણે રશિયનો અત્યારે લીલાછમ ગીચ જંગલોમાં રોકાયા હોય તેમ લાગતું હતું. પરંતુ એ વાત પર વિશ્વાસ મૂકવાને બદલે, મધરાતની રાહ જોઈને તેઓ બળવાખોરોના મળી જવાની અપેક્ષાએ જંગલની અંદર તપાસ કરવા લાગ્યા. ડરના માર્યા ઓબરસ્કાર્મફ્યૂહરર મોતઝેકે તેમને મદદ કરી, અને સૈનિકો જંગલમાં ફરજ પર લાગી ગયા. એસએસના ઉપરી અધિકારીઓએ કોર્ટમાં દાવો કર્યા મુજબ, ફરજપાલન એ એસએસની સફળતા પાછળનું એક માત્ર કારણ હતું!

અજંપાભર્યા એ બે દિવસોમાં, શાંતિની ઘોષણા અને તેના અમલ વચ્ચેના એ સમયમાં, લિક્ટ નામનો એક કેદી ઝવેરી, ઓસ્કરને ભેટ આપવા માટે કંઈક બનાવી રહ્યો હતો, ઓસ્કરને તેના જન્મદિવસે તેમણે બટનનું એક બોક્સ ભેટ આપેલું, તેના કરતાં કઈંક આ ભેટ કંઈ વધારે અર્થપૂર્ણ બની રહેવાની હતી! એ દિવસોમાં ભાગ્યે જ જોવા મળે તેટલા પ્રમાણમાં સોનું લઈને લિક્ટ તેના પર કામ કરી રહ્યો હતો! બોક્સ ફેક્ટરીના વૃદ્ધ કેદી મિસ્ટર જેરેથે તેને આ સોનુ આપ્યું હતું. અઠંગ માર્ક્સવાદી બદઝિનના માણસો સહિત બધા એક વાત બરાબર જાણતા હતા, કે ઓસ્કરે એ મધરાતે જ અહીંથી નાસી જવું પડે તેમ હતું! સ્ટર્ન, ફિન્ડર, ગારદે, બેજસ્કી કુટુંબ, પેમ્પર, વગેરે, ઓસ્કરની નજીકના લોકોનું જુથ, ઓસ્કરનું વિદાય લે તે પહેલાં એક નાનકડી ઉજવણી કરવાની તૈયારીઓમાં વ્યસ્ત હતું. આ તબક્કે એક બાબત ખુબ જ નોંધનીય છે, કે આ એવો સમય હતો જ્યારે આ કેદીઓ એટલું પણ ચોકસાઈથી જાણતા ન હતા કે ખરેખર શાંતિ સ્થપાશે કે નહી! અને વિદાય લઈ રહેલા ઓસ્કરને ભેટ આપવા જેટલી ચિંતા એમણે કરવી જોઈએ કે નહીં!

જો કે ઓસ્કરને આપી શકાય એવી ભેટ બનાવવા માટે માત્ર લોખંડની ધાતુ જ હાજર હતી! પરંતુ મિ. જેરેથે એમને કંઈક સારી ધાતુ વાપરવાનું સૂચન કર્યું. મોં ખોલીને એમણે પોતાના દાંત પર ચડાવેલી સોનાની ખોલને બતાવી. એમણ એકહ્યું, “જો ઓસ્કર ન હોત, તો એસએસ આ સોનું ખુંચવી જ જવાની હતીને! લ્યુબિન કે લોડ્ઝ કે લ્વોવથી એસએસના વેરહાઉસમાં લાવીને ઢગલો કરી રાખેલા અનેક દાંતની સાથે મારો આ દાંત પણ પડ્યો જ હોતને!”

ઓસ્કર માટે ખરેખર એ બહુ યોગ્ય ભેટ હતી, અને હેરેથે પોતે જ ખૂબ આગ્રહ કરેલો! ક્રેકોવમાં ડેન્ટલ પ્રેક્ટિસ ધરાવતા એક કેદી પાસે તેણે પોતાના દાંત પરની ખોલ ખેંચાવડાવી નાખી! લિક્ટે એ સોનાને ઓગાળીને ૮ મેની બપોર સુધીમાં તો વીંટી બનાવીને તેની અંદરની કિનાર પર હર્બ્યુમાં કેટલાક શબ્દો કોતરી અપ્યા હતા. ૧૯૩૯ના ઓક્ટોબરમાં બકાઇસ્ટર ખાતે આવેલી ઓસ્કરની ઑફિસમાં સ્ટર્ને ઓસ્કરને તાલમુદિકનો એ જ શ્લોક કહી સંભળાવ્યો હતો. “એક જીવને બચાવનાર, આખા વિશ્વને બચાવતો હોય છે.”

એ સાંજે ફેક્ટરીના એક ગેરેજમાં, બે કેદીઓ ઓસ્કરની મર્સીડિઝના દરવાજાની અંદરના ભાગની, અને છત પરની ગાદી ખોલી રહ્યા હતા. હેર ડાયરેક્ટરના હીરાને નાની-નાની કોથળીઓમાં ભરીને, ગાદી પાછળ તેને છુપાવીને જરા પણ ઊંચું-નીચું ન દેખાય તે રીતે તેઓ સીટ ઉપર ફરીથી ચામડું મઢી રહ્યા હતા. તેમના માટે પણ આ જરા વિચિત્ર દિવસ હતો. કામ પતાવીને તેઓ બહાર આવ્યા ત્યારે વોચટાવરની પાછળ સૂર્ય અસ્ત થઈ રહ્યો હતો. એ વોચટાવરની ઉપર હજુ પણ ગોળા સાથે તૈનાત કરેલી જર્મન મશીનગન પડી હતી, જેની હવે કોઈ ઉપયોગિતા રહી ન હતી. એવું લાગતું હતું કે જાણે આખુંયે વિશ્વ કોઈ અંતિમ નિર્ણયક શબ્દની રાહ ન જોઈ રહ્યું હોય!

અને એ સાંજે આ પ્રકારના શબ્દોનું આગમન થઈ પણ ગયું. પોતાના જન્મદિવસની માફક ઓસ્કરે એ દિવસે પણ કેદીઓને ફેક્ટરી ફ્લોર પર એકઠા કરવા માટે કમાન્ડન્ટને સૂચના આપી. ફરી એક વખત જર્મન ઇજનેરો અને સેક્રેટરીઓ પોતપોતાના એસ્કેપ પ્લાન સાથે એ સ્થાને હાજર થઈ ગયા. ઓસ્કરની જૂની પ્રેમિકા ઇન્ગ્રિડ બધાંની વચ્ચે ઊભી હતી. શિન્ડલરની સાથે એ બ્રિનલિટ્ઝમાંથી બહાર જવાની ન હતી. યુદ્ધમાં ઘાયલ થયેલા તેના એક ભાઈ સાથે એ ચાલી જવાની હતી. ઓસ્કરે જ્યારે કેદીઓને માટે પણ સાધનસામગ્રી પૂરાં પાડવામાં ખાસ્સી જહેમત ઉઠાવી હોય, ત્યારે ઇન્ગ્રીડ જેવી પોતાની જૂની પ્રેમિકાને તેના ભરણપોષણની જોગવાઈ કર્યા વગર બ્રિનિલિટ્ઝ છોડવા દે એ ઓસ્કર માટે શક્ય જ ન હતું! જૂની મિત્રતાના દાવે પાછળથી તો તેઓ પશ્ચિમમાં ક્યાંક મળવાના જ હતા એ જુદી વાત છે!

જન્મદિવસે આપેલા વક્તવ્યની માફક આજે પણ હથિયારધારી ચોકીદારો એક મોટા ખંડમાં એકઠા થયા હતા. યુદ્ધ હજુ છ કલાક ચાલવાનું હતું, અને એસએસ દ્વારા કોઈ રીતે પીછેહઠ ન કરવાના સોગંદ લેવામાં આવ્યા હતા. ઓસ્કરની સામે તાકી રહેલા કેદીઓ તેના અંતરાત્માની સ્થિતિનો ક્યાસ કાઢી રહ્યા હતા. ઓસ્કર દ્વારા બીજું વક્તવ્ય અપાવાની જાહેરાત કરવામાં આવી, ત્યારે શોર્ટહેન્ડ જાણતી બે સ્ત્રી કેદી શ્રીમતી વેઇડમેન અને શ્રીમતી બર્જરે પોતપોતાની પેન્સિલ કાઢીને ઓસ્કર જે કંઈ બોલે તેને નોંધી લેવાની તૈયારી કરી લીધી હતી! આજના વક્તવ્ય માટે ઓસ્કરે કોઈ જ તૈયારી કરી ન હતી, કારણ કે આ એક એવા માણસનું વક્તવ્ય હતું, કે જે પોતે જાણતો હતો કે થોડા જ સમયમાં એણે અહીંથી નાસી જવું પડે તેમ હતું! આથી, વેઇડમેન અને બર્જરના શબ્દોમાં કહીએ તો કાગળ પર લખાયેલા એ વક્તવ્ય કરતાં બોલાયેલા શબ્દો બહુ જ પ્રભાવશાળી હતા! જન્મદિવસે શરૂ કરેલા વિષય પર જ તેનું વક્તવ્ય આગળ ચાલ્યું હતું. પરંતુ આજનું વક્તવ્ય કેદીઓ અને જર્મનો, બંને માટે નિર્ણાયક હતું. તેના વક્તવ્યમાં કેદીઓને નવા યુગના વારસદારો તરીકે જાહેર કરવામાં આવ્યા હતા; એસએસ, ઓસ્કર પોતે, એમિલિ, ફક્સ, સ્કોએનબ્રન… આ બધાંએ પોતપોતાની સુરક્ષાની ચિંતા હવે પોતે જ કરવી પડશે એવો સ્પષ્ટ સંદેશ તેણે નિર્વિકલ્પ રીતે વહેતો કરી દીધો હતો!

એણે કહેલું, “જર્મનીની બીનશરતી શરણાગતી હજુ હમણાં જ જાહેર કરવામાં આવી છે. છ-છ વર્ષ સુધી માનવજાતના ભયાનક સંહાર પછી તેનો ભોગ બનેલા લોકો પાછળ આજે શોક વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, અને યુરોપ શાંતિ અને વ્યવસ્થા તરફ પાછા ફરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તમે બધાં જ વ્યવસ્થા અને શિસ્ત જાળવી રાખશો એવી હું તમારાં બધાંની પાસે અપેક્ષા રાખી રહ્યો છું, મુશ્કેલીભર્યા આટઆટલા વર્ષો સુધી મારી સાથે ઊભાં રહેલાં તમારાં બધાંની પાસે; અને એ એટલા માટે, કે જેથી તમે વર્તમાનમાં જીવી શકો! થોડા જ દિવસોમાં તમે સૌ પોતપોતાનાં ભાંગી-તૂટી ચૂકેલાં, લુંટાઈ ગયેલાં ઘરોમાં પાછાં ફરવાનાં છો, અને તમારાં જીવતાં બચી ગયેલાં કુટુંબીજનોને શોધવાનો પ્રયત્ન કરવાનાં છો. માટે તમે આતંકને રોકજો, કારણ કે તેનું પરીણામ સારું નહીં આવે.”

‘આતંક’ શબ્દ વાપરવા સાથે તેનો ઈશારો કેદીઓ તરફ નહીં, પરંતુ દિવાલ પાસે કતારબંધ ઊભેલા સૈનિકો તરફ હતો. એસએસને અહીંથી ચાલ્યા જવા માટે એ આહવાન આપી રહ્યો હતો, અને તેમને શાંતિથી જવા દેવા માટે એ કેદીઓને વિનવી રહ્યો હતો! એણે કહ્યું કે સાથીરાષ્ટ્રોના ભૂમીદળોના કમાન્ડર જનરલ મોન્ટગોમરીએ જાહેર કર્યું છે કે હારેલા પ્રત્યે માનવીય વર્તન રાખવામાં આવે, અને જર્મનોનો ન્યાય તોળતી વેળાએ અપરાધભાવ અને ફરજ વચ્ચેના તફાવતને દરેક વ્યક્તિ યોગ્ય રીતે ઓળખે! “મોરચા પર લડેલા સૈનિકો કે અન્ય જગ્યાએ ફરજ બજાવી હોય તેવા નાના માણસોને, પોતાને જર્મન તરીકે ઓળખાવનાર ટોળકીએ આચરેકા દુષ્કૃત્યો માટે જવાબદાર ગણશો નહીં.” પોતાના જ દેશબંધુઓના બચાવમાં તે એવાં વાક્યો કહી રહ્યો હતો, જેને કાળરાત્રીમાંથી બચી ગયેલા એ કેદીઓ, આવનારા કેટલાયે વર્ષો સુધી ફરી-ફરીને સાંભળતા રહેવાના હતા! અને છતાંયે આવો બચાવ કરવાનો જો કોઈને અધિકાર હોય અને પૂરી સહનશક્તિ સાથે જેની વાત સાંભળવી પડે એવો કોઈ માણસ હોય તો એ એક માત્ર હેર ઓસ્કર શિન્ડલર જ હતો!

“તમે, તમારાં માતા-પિતા, બાળકો અને ભાઈઓ… લાખો લોકોના આ સંહારને હજારો જર્મનો લોકો પણ વખોડી રહ્યા છે એ હકીકત છે; અને આજે પણ એવા લાખો લોકો મોજુદ છે જેમને આ ભયાનક ઘટનાઓનાં પરિમાણોની જરા પણ જાણ નથી! આ વર્ષની શરૂઆતમાં, દકાઉ અને બ્યુકેનવાલ્ડમાંથી મળી આવેલા દસ્તાવેજો અને નોંધોને કારણે જ કેટલાયે જર્મનોને આ અત્યંત શેતાની હત્યાકાંડની જાણ થઈ હતી!” આમ કહીને ઓસ્કરે તેમને માનવતા અને ન્યાયી વલણ સાથે વર્તવાની, અને અધિકૃત લોકોના હાથમાં ન્યાય સોંપી દેવાની વિનંતી કરી હતી. “તમારે કોઈ ચોક્કસ વ્યક્તિ પર દોષારોપણ કરવું હોય તો પણ યોગ્ય જગ્યાએ જઈને જ કરજો. કારણ કે નવા યુરોપની અંદર ન્યાયાધિશો હશે જ; એવા ન્યાયાધિશો, જે ભ્રષ્ટાચારી નહીં હોય, જે તમારી વાત સાંભળશે!” આટલું કહ્યા પછી તેણે છેલ્લાં કેટલાંક વર્ષો દરમ્યાનના કેદીઓ સાથેના પોતાના સંબંધો અંગે વાતો કરી. કેટલીક વાર એ ભૂતકાળના સંસ્મરણોમાં સરકી પડતો પણ સંભળાય, પરંતુ સાથે-સાથે તેના અવાજમાં એવો ડર પણ પડઘાતો હતો, કે કદાચ તેને પણ એમોન ગેટે અને હેસીબ્રૂકની સમકક્ષ ગણીને જ ન્યાય તોળવામાં આવશે!

“મારા કામદારોને સાચવવા માટે જે પીડા, કાવાદાવા અને અંતરાયો આટઆટલાં વર્ષો સુધી મારે ભોગવવાં પડ્યાં છે તે તમારામાંથી ઘણા લોકો જાણે છે. પોલિશ કામદારોના નાના-નાના હક્કોને જાળવવા, તેમને કામ આપવા, અને જર્મનીમાં ધકેલી દેવામાંથી તેમને બચાવવા, તેમનાં ઘર અને થોડીઘણી ઘરવખરીને બચાવી લેવી એ પણ જો આટલું અઘરું કામ હોય તો પછી વિચાર કરો, કે યહૂદી કામદારોને બચાવવાનો પરિશ્રમ કેટલો અશક્ય હશે!”

પોતાને પડેલી મુશ્કેલીઓમાંથી થોડીઘણી મુશ્કેલીઓનું તેણે વર્ણન પણ કર્યું. યુદ્ધ મંત્રાલયની માંગણીઓને પૂરી કરવામાં તેની મદદ કરવા માટે તેણે કેદીઓનો આભાર પણ માન્યો. બ્રિનલિટ્ઝમાંથી કોઈ ઉત્પાદન બહાર ન પાડી શકવાની સામે તેણે માનેલો કેદીઓનો આભાર માર્મિક પણ લાગે! પરંતુ હકીકતે તેણે એક પણ વાત વ્યંગમાં નહોતી કહી! હેર ડિરેક્ટરે કહેલી વાતમાં, તંત્રને મૂર્ખ બનાવવામાં તેની મદદ કરવા બદલ કેદીઓ પ્રત્યે સ્પષ્ટ શબ્દોમાં નર્યો આભાર જ છલકાતો હતો.

સ્થાનિક લોકો બાબતે પણ તેણે વિનંતિ કરતાં કહેલું. “થોડા દિવસો પછી પણ જો આઝાદીના દરવાજા તમારા માટે ખૂલી જાય, તો એટલો વિચાર કરજો, કે ફેક્ટરીની આજુબાજુમાં રહેતા લોકોએ તમને વધારાની ખાદ્યસામગ્રી અને કપડાં પૂરાં પાડ્યાં હતાં. વધારાની ખાદ્યસામગ્રી મેળવવા માટે મેં મારાથી શક્ય એટલા ખર્ચ પ્રયત્નો કર્યા હતા. અને હું હજુ પણ તમને ખાતરી આપું છું, કે તમારી સુરક્ષા કરવા માટે અને તમારી રોજી જળવાઈ રહે તે માટે હું મારાથી બનતું બધું જ કરી છુટીશ. મધરાત પછીની પાંચ મિનિટ પછીના સમય સુધી, તમારા માટે મારાથી બનતું બધું જ કરવાનું હું ચાલુ રાખીશ.”

“તમે આજુબાજુના ઘરોને લુંટવા માટે જશો નહીં! ભોગ બની ચૂકેલા આટલા બધા લોકોમાંથી જીવતા બચી ગયેલા લોકો તરીકે તમે તમારી જાતને કિંમતી હોવાનું પૂરવાર કરજો, અને બદલો લેવાનાં કે આતંક ફેલાવવાનાં વ્યક્તિગત કાર્યોથી દૂર રહેજો!”

ઓસ્કરે એ પણ સ્વીકાર્યું, કે આ વિસ્તારના લોકોએ કેદીઓને ક્યારેય સ્વીકાર્યા ન હતા! “શિન્ડલરના યહૂદીઓ પર બ્રિનલિટ્ઝમાં પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.” પરંતુ એ વાતનો બદલો લેવા કરતાં બીજી કેટલીયે અગત્યની બાબતો પર હવે ધ્યાન આપવાનું હતું. “સૈનિકો અને ફોરમેનો વ્યવસ્થા અને સદ્ભાવ જાળવવાનું ચાલુ જ રાખશે તેવો મને વિશ્વાસ છે. માટે લોકોને આ બાબતે જાણ કરજો. કારણ કે તમારી પોતાની સુરક્ષા જાળવવા માટે આ જરૂરી છે! દાઉબેકની ઘંટીનો આભાર માનજો, ભોજન મેળવવા માટે તેમણે કરેલી મદદ શક્યતાઓની સીમાઓ પાર કરી ગઈ હતી! તમારાં બધાં વતી, હું હિંમતવાન ડિરેક્ટર દાઉબેકનો આભાર માનું છું જેઓ તમારા માટે ખાદ્યસામગ્રી પૂરી પાડવા માટે બધુ જ કરી છૂટ્યા હતા. તમે બચી ગયા છો તેના માટે મારો આભાર માનશો નહીં! તમારા પોતાના આ માણસો, જે તમને મૃત્યુના મોંમાં જતા બચાવવા માટે રાત-દિવસ એક કરીને કામ કરતા રહ્યા છે, તેમનો આભાર માનજો! નીડર સ્ટર્ન અને પેમ્પરનો, અને અન્ય બીજા લોકોનો આભાર માનજો, જેઓ તમારો વિચાર કરતાં-કરતાં અને તમારી ચીંતા કરતાં-કરતાં ક્રેકોવની અંદર ક્ષણેક્ષણ મૃત્યુનો સામનો કરતા રહ્યા હતા! ગૌરવ અનુભવવાની આ ક્ષણે આપણી ફરજ બને છે કે જ્યાં સુધી સાથે રહીએ છીએ, ત્યાં સુધી સાવધ રહીએ, અને વ્યવસ્થા જાળવી રાખીએ! હું તમારી પાસે યાચના કરું છું કે તમે તમારા લોકોની વચ્ચે પણ બીજું કંઈ નહીં, પરંતુ માનવતા જાળવી રાખજો, અને ન્યાયપૂર્ણ નિર્ણયો લેજો! મારા કામ સાથે જોડાયેલા મારા અંગત મદદનીશોએ જે સંપૂર્ણ ભોગ આપ્યો છે તે માટે તેઓનો હું આભારી છું.”

એક બાબત પરથી બીજી બાબત પર ફરી રહેલું તેનું વક્તવ્ય કોઈ બાબત પર ઊંડાણમાં વ્યક્ત થતું, કોઈક બાબતોને માત્ર સ્પર્શ કરીને છોડી દેતું, ઓસ્કરના આત્મવિશ્વાસના કેન્દ્રમાં જઈને અટકતું હતું! એસએસની ટૂકડી તરફ ફરીને, હેવાનિયતથી દૂર રહેવા બદલ ઓસ્કરે એમનો પણ આભાર માન્યો. ફ્લોર પર ઊભેલા કેટલાક કેદીઓ અંદરોઅંદર વિચારી રહ્યા હતા, કે ઓસ્કર એક તરફ તેમને એસએસની ઉશ્કેરણી ન કરવા માટે કહી રહ્યો છે, પરંતુ બીજી બાજુ એ પોતે શું કરી રહ્યો છે? એસએસ તો આખરે એસએસ જ હતી, ગેટે હોય કે જોહ્‌ન, હુજર હોય કે શિડ્ટ! એસએસના માણસોને તો માત્ર એક જ વાત શીખવવામાં આવી હતી, અને એ લોકો એ જ કરી રહ્યા હતા… જેણે માનવતાની સરહદોને બંદી બનાવી દીધી હતી!

કેદીઓને લાગતું હતું, કે ઓસ્કર મર્યાદાઓને જોખમી રીતે ખેંચી રહ્યો હતો.

ઓસ્કરે આગળ કહ્યું, “ભેગા થયેલા એસએસના ચોકીદારોનો હું આભાર માનવા ઇચ્છું છું, જેઓ પોતાની નામરજી હોવા છતાં આર્મિ અને નેવીમાંથી અહીંયા સેવા આપવા માટે આવ્યા હતા! પોતપોતાના કુટુંબોના એક વડિલ તરીકે, તેમને સોંપાયેલા આ કાર્યની હીનતા અને અર્થહીનતાને તેઓ ક્યારનાયે સમજી ગયા હતા. પરંતુ અહીંયા તો તેઓ અત્યંત માનવીય અને સાચી ભાવનાથી વર્ત્યા છે.”

હેર ડિરેક્ટરની હિંમતથી પ્રભાવિત તો નહીં, પરંતુ દિઙ્મૂઢ થઈ ગયેલા કેદીઓ એ જોઈ શકતા નહોતા, કે પોતાના જન્મદિવસની રાતે શરુ કરેલું કાર્ય ઓસ્કર આજે પૂરું કરી રહ્યો હતો! એક લડાયકદળના સ્વરૂપમાં એસએસનો એ રકાસ કરી રહ્યો હતો! કારણ કે અત્યારે તેઓ જો તેમની જગ્યાએ ઊભા જ રહે, અને માનવતા અને સચ્ચાઈની ઓસ્કરની વ્યાખ્યાને તેઓ પોતાના ગળે ઉતારી લે, તો અહીંયાંથી ચાલ્યા જવા સિવાય તેમના માટે હવે કશું બાકી રહેતું ન હતું! “અને છેલ્લે,” ઓસ્કરે કહ્યુ, “આ નિષ્ઠુર વર્ષો દરમ્યાન, મૃત્યુનો ભોગ બનેલા અસંખ્ય લોકોની યાદમાં હું ત્રણ મિનિટનું મૌન જાળવવાની તમને બધાને વિનંતી કરું છું.”

બધાએ ઓસ્કરની વિનંતીને માન આપ્યું. ઓબર્સ્કારફ્યૂહરર મોતઝેક, હેલન હર્ષ, અને ભોંયતળીયામાંથી હજુ ગયા અઠવાડિયે જ બહાર આવેલી લ્યુસિયા, સ્કેનબર્ગ, એમિલિ, ગોલ્ડબર્ગ સહીત બધાએ મૌન પાળ્યું. અહીંયા માત્ર સમય પસાર કરી રહેલા, અને છટકી જવાની રાહ જોઈ રહેલા બધા જ લોકો તેમાં જોડાયા! ભયાનક યુદ્ધની આ પરાકાષ્ટાના સમયે વિશાળ હિલો મશીનોની વચ્ચે બધાં મૌન પાળીને ઊભાં રહ્યાં.

વક્તવ્ય પૂરું થઈ ગયા પછી એસએસના માણસો ઝડપથી એ ખંડમાંથી બહાર નીકળી ગયા. અંદર માત્ર કેદીઓ જ રહ્યા. ચારે બાજુ જોતાં કેદીઓ વિચાર કરી રહ્યા હતા, કે શું હવે અહીંના કબજેદાર તેઓ જ છે કે! ઓસ્કર અને એમિલિ પોતાના એપાર્ટમેન્ટ તરફ જવા માટે ચાલવા લાગ્યા કે કેદીઓએ તરત જ તેમને રોકી લીધા! લિક્ટે બનાવેલી વીંટી તેમને ભેટ આપવામાં આવી. ઓસ્કર થોડો સમય તેની સામે પ્રસંશાની નજરે જોઈ રહ્યો. વીંટી પરનું લખાણ એમિલિને બતાવીને તેણે સ્ટર્નને ભાષાંતર કરવા માટે કહ્યું. વીંટી માટે સોનું ક્યાંથી લાવ્યા, એવા પ્રશ્નના જવાબરૂપે જેરેથના દાંતની ખોલની વાત તેને જાણવા મળી. કેદીઓને લાગ્યું કે ઓસ્કર આ વાત જાણીને જરૂર હસી પડશે! વીંટી આપનારાઓમાં જેરેથ પણ સામેલ હતો. એ જાણતો હતો કે હવે મારી ટીખળ થવાની! એટલે પોતાના તોડી નખાયેલા દાંતની જગ્યા બતાવતો એ સામે જ ઊભો રહ્યો! પરંતુ આખી વાત જાણીને હસી પડવાને બદલે ઓસ્કર ઊંડા વિચારમાં સરકી ગયો. તેણે વીંટીને હળવેથી પોતાની આંગળીમાં પહેરી લીધી. કેદીઓમાંથી કોઈ પરિસ્થિતિની ગંભીરતા તો સમજી ન શક્યા, પરંતુ એ ક્ષણે ફરી એક વખત તેમની વચ્ચે એક અતુટ સેતુ રચાઈ રહ્યો! ઓસ્કર હવે કેદીઓએ આપેલી ભેટને આધીન બની રહ્યો!

આપનો પ્રતિભાવ આપો....