સરપંંચ – ડૉ. રાઘવજી માધડ


કાનો મારી લગોલગ આવીને ઊભો રહ્યો.

માર્યા… આને બોલાવવો પડશે!

મેંં કહ્યું : ‘કાંં કાના, કેમ છો?’

કાનો કહે : ‘ધૂબાકા!’

‘તારા બાપનો તંબૂરો ધૂબાકા? એક તો દળીદળીને ઢાંકણીમાં ઉઘરાવ્યું છે ને પાછો ધુબાકાની દે છો?’ પણ આવુંં કહેવાય નહીં. બાકી હસવામાંંથી ખસવુંં થઈને ઉભુંં રહે. સાચું કહું? આવા લોકોને જાહેરમાંંતો કંઈ જ કહેવાય નહીં. માથે લૂગડાં નાખે. ફરિયાદ નોંધાવે, ન નોંધાવે તો આપડા દુશ્મનો એની પડખે થાય. ફરિયાદમાં પેલુંં લખાવે, લખો; ‘એટ્રોસીટી!’

ઠીક છે નાડી સાથે નેફો રાખ્યો જ હોય પણ આપણે તો લેવાદેવા વગરનું ઘસાવુંં ને?

‘કાનો સરપંચ..!’

‘કાનો સરપંચ ગાંડો..!’

અરે! આ દારુ અને દિવાસળી ક્યાં ભેગાં થયાં?

કાનો ગાંડો નથી એમ સાવ સાજો પણ નથી. હાથ ફેરવો તો કાનો ડાહી ડાહી વાતો કરે અને આંંગળી કરો તો પછી કાનાનું કંઈ કહેવાય નહીં.

પણ આ ખરુંં થયું છે – એક બાજુથી નિશાળ છૂટે અને બીજી બાજુથી કાનો આવે. ઠીક હોય તો કાનો ખી..ખી.. કરતો એના રસ્તે ચાલ્યો જાય. બાકી ખીજાય એટલે ત્રણ ત્રણ પેઢી લગીની ગાળો જોખી જોખીને ચોપડાવે. કાનમાંથી કીડા ખરવા લાગે એવુંં બોલે. નિશાળીયાઓ સામા ઊભા રહીને હસે. સામા થાય. કાનો લઢા ઉલાળે… નિશાળીયાઓ ભાગે…!

કાનાને સારું ન લાગે. તે પાદરની વચ્ચોવચ બેસીને ઠૂંંઠવો મૂકે. રીતસરનો રડે. તેને રડવુંં સાંંભળી કાળમીંઢ પથ્થર પણ પીગળી જાય. આપણને પણ મનથી એવુંં થાય કે, આ આત્માને એવા શુંં પાપ કર્યા હશે તે…

– આગળ નથી બોલવું. પણ અહીંં આવે છે શું કરવા!

‘ખરેખર તો કાનો આ પરિસ્થિતિનો હરેડ બંધાણી થઈ ગયો છે. જ્યાં સુધી તેને કોઈ’ સરપંંચ, સરપંચ કહીને ચીડવતું નથી ત્યાં સુધી કાનાને સોઘરી વળતી નથી.

અરે..! અરે…! કાના.. કાનિયા.. એ બાજુ જોવાનું રહેવા દે. નાહકનુંં ન થવાનું થાશે. આતો આપણો જીવ બળે એટલે આટલું કહીએ. નહીંતર મારા બાપના કેટલા ટકા? વળી સારું કરવા જતા અવળું પડશે તો તું ગાંડામાં ખપી જઈશ અને મને આખું ગામ ઘઘલાવી નાંખશે; ઈં ગાંડો છે પણ હારે તુંય ગાંડો થ્યો!

અને હા, ગામ તો આવતું આવશે એ પહેલાં તો કલુડોસી આપણને લબલબાવી નાખશે. પડ્યું પાણી સુઝવા નહિ દે!

એલા છોકરાવ… નવરીનાંવ… તમે તો પાછા વળો!

આમાં કોઈને કહ્યા જેવું નથી. નિશાળમાં ઘંટ વાગે એટલે છોકરાઓ ઘંટ મારે આવે અને ઘંટ મારે જાય છે.

સાચું કહું? આ છોકરાઓ ટી.વી. જોઈ જોઈને સાવ બગડી ગયા છે. નાના છે પણ નખ્ખોદ વાળે છે. કાના પાછળ એમને એમ નથી જાતા. કાના પાસે નો કરાવવાનું કરાવે છે. કહે, કાના ગધેડી… એટલે કાનો ગધેડી પાછળ દોડે. કાના ચડ બાવળિયે… કાનો કાંટા ગણકાર્યા વગર ચડે બાવળિયે!

– એક વખત તો ગધેડીએ ઉલાળીને કાનાને પાટું માર્યું હતું. સારું થયું કે પાટુંં કાનાના પગમાં વાગેલું. બાકી પગ વચ્ચે વાગ્યું હોત તો…

– ગામવાળાઓએ તો અવળું જ લીધું હતું. ‘કાનો ગધેડી વાંહે થાય છે!?’

કાનાને મોટું દુ:ખ જ આ વાતનું છે. આમ તો આખા વરણનું એવું છે. ચડાવે એટલે ચડે. બાકી ગામના સરપંંચ થવાનું તો કાનાને ક્યારેય સ્વપ્ન પણ નહિ આવ્યું હોય.

લ્યો આવી ગયા કલુડોસી. કલુડોસી કાનાની પાછળ જ નીકળ્યા લાગે છે.

‘માડી… મારા કાનિયાને ક્યાંંય ભાળ્યો?’

‘એ… આમ ગયો કાનો.’

કલુડોસી ઉપડ્યા એ તરફ.

કલુડોસી કાનાના દાદી થાય. કાનાનાંં મા-બાપ હયાત નથી. બ્યાસીની પૂર હોનારતમાંં તણાઈ ગયાં છે. ડોસીએ કાનાને મોટો કર્યો છે. ડોસી દેખાવે છે વેઢા જેવાં એટલે ઉંમર ન દેખાય. પણ હશે એંસી-બ્યાંંસી વરસનાં! ડોસીએ જમાનો જોયો છે. એ જમાનામાં ડોસી ભણ્યાં છે. લખતાં-વાંચતાં આવડે છે. મનમાં ને મનમાંં મને ગાળો ભાંડશો અને કહેશો: ‘ગધેડાને તાવ આવે એવી વાતો કરીશ નહિ. અત્યારે છોકરીઓને ભણાવવા માટે ‘કેળવણી રથ’ કાઢવા પડે છે ને તું…’

પણ સાંંભળો : ‘એ વખતે અહીં ગાયકવાડ સરકારનુંં રાજ હતું. ફરજિયાત કેળવણી કાયદો હતો. છોકરાઓને ભણવા ન મોકલે તો દંડ થાય. દંંડ ભરી શકનારા રાતોરાત બીજા રાજમાં ચાલ્યા જતાંં. પણ કલુડોસીના બાપને કલુને નિશાળે મોકલવામાંં વાંધો નહોતો અને દંડ ભરવામાં પણ. કલુના બાપનુંં વણેલું પાણકોરું વખણાતું. લાંંબા પનાનું પાણકોરું ચોતમ વરણમાં વધારે વેચાતું. આમ ગામના વહેવારના લીધે કલુડોસી પણ નિશાળે જાતાંં. તેમને માસ્તર છેલ્લે બેસાડતાં, પાટીને અડતા નહિ.. આ બધું તો ખરું. અને હજુ આગળ કહું તો કલુડોસી આપણી ગ્રામપંચાયતના મહિલાસભ્ય હતાંં!

– પંચાયતી રાજ આવ્યું ત્યારથી જ સરપંચ તરીકે ઓઘડ બાપુ. કલુડોસીના ઘરવાળા મંગાભાઈ ઓઘડ બાપુ – ગઢના મેતર એટલે બાપુના મન દાઢીની દાઢી અને સાવરણીની સાવરણી! વળી, બાપુ કહે ત્યાં લીંટો કરવાનો. તે કહે તે કાયદો.

એ વખતથી કલુડોસીને પંચાયતનું ભૂત વળગેલું. નહિતર કાનાને સરપંચનું ફોર્મ ભરવા દે ખરાં? કલુડોસી કહેઃ ‘સરકાર મા-બાપ આવો લાભ દીધો છ ત કાંવ લેવા ન લેવો!?’ તરત જ સામેથી કોઈ દાઢમાં કહે; ‘લ્યો… તમ તમારે લઈ શકાય એટલો લાભ લ્યો!’

કલુડોસી વાત ડાહ્યાં છે. સાથે વાતોડિયાં પણ ખરાં. તમારી સામા ઊભાં રહી જાય તો પછી ખસવાનું નામ જ ન લે. તે કહેતાં; ‘ઇં વખતે નાનજી પગી ગામનો પહાયતો. ખીલાના જોરે વાછડો કૂદ ઇંમ ઇં કૂદ્યે રાખતો. ઇંમાય તે અરિજનવાહ બાજુ આવ તંઈ તો હાવ ફરેંટ થય જાય. વાહના નાકે ઊભો ઊભો રાડ્યું નાખ્ય, ક્યાં ગ્યાં હાળા ઢે… ક્યાં મરી ગ્યાં છોવ? આયાં ગુડાવને! તમારા બાપની ઘોડી ભૂખે મરે છે… ભાળતાં નથી!’

– તાં કો’ક આદો જ હોય. હાવ નવર્યા. કાંય કામ-ધંધો નંઈ તે હામે પાટવે જ આવતા હોય! પાસા તો પગી હામે લવારો કર; અમણ થોડી ખબર્ય છ ક જમાદાર્યની ધોડી ભૂખી છ? આટ્લો બોલ તાં’તો આવડો આ પગી ગાળ્યુંની ગળી વેતરવા મંડ. બબ્બે કટકાં ગાળ્યું દેય. પણ મન કાંય ન ક્વાય. મું તો ગઢની મેતરાણી ન પાસી પંચાત્યની સભ્ય! માળી પાંહ તો સઈ કરાવવા વાંકો વાંકો આવવો પડતો તે…

પણ અત્યારે કલુડોસી સાવ નખાઈ ગયાં છે. મનથી ભાંગી ગયાં છે. સામાં મળે તોપણ પંચાયત, ચૂંટણી અને તેમના વાસના માણસો અંગે જ બફાટ કરે છે. આપણને થાય કે, કલુડોસી પહેલાં હતાં એવાં રહ્યાં જ નથી.

કલુડોસી અહીંથી નીકળીને સીધાં જ નિશાળ બાજુ ગયાં હતાં. અત્યારે દરવાજા પાસે ઊભાં રહીને શિક્ષક સાથે કંઈ વાતો કરે છે. વાતનો વિષય કાનો જ હોય. કારણકે નિશાળના તમામ શિક્ષકોને કાના પ્રત્યે લાગણી છે. માન છે. ગામમાં બી.એ., બી.એડ્. સુધી ભણેલો એક માત્ર કાનો જ છે.

ઠીક છે. બાકી કલુડોસીનું હવે તો ભલું પૂછવું. ભૂરાયાં થયાં છે. દીવાની દાઝે કોડિયાને બટકા ભરવા લાગ્યાં છે.

ટનન… કરતો શાળાનો ઘંટ વાગ્યો.

‘કાનો ગાંડો… કાનો સરપંચ ગાંડો…’

‘ગાંડો… ગાંડીનો..!’

અરે! નિશાળનું આખું ધણ આ બાજુ આવ્યું!?

‘સરપંચ… ગાંડો!”

કોઈ સભામાં સુત્રો પોકારતા હોય એમ છોકરાઓ રીતસરના સૂત્રો પોકારવા લાગ્યા.

ડોસી વિફર્યા; ‘તમ્ંણી માન હિંહલાવ, સો કે’નીના…? માળા કાના વાંહ પડુંગા છો તે… ઇંણે કાંવ તમૂણો બગાડ્યો સ? રાંડી-રોળાંનો મેં મોટો ક્ર્યો સ… જધ્દ્રનારીનાંવ…’

હવે શેનાં કલુડોસી ઊભાં રહે? આગળ કાનો છે. એની પાછળ છોકરાઓ છે… ને છેલ્લે કલુડોસી! ભારે કરી. કોઈ રોકો તો ખરાં… પણ કોણ રોકે!?

‘ગોલકીનાંવ આ ગોકીરો શેનો છે!?’

લે… ગોલણ બાપુ તમે!? મારું ધ્યાન પણ નથી.

‘ધ્યાન રાખતા જાવ… હંધૂય એક હારે ભૂલીનો જાવ.’

ગોલણબાપુ સાંભળે નહિ એમ ધીમેથી કહું છું; ‘બાપુ પાસે કાંઈ રહ્યું નથી પણ નાગાઈ છોડતા નથી. બાપુકું હોય એમ સઘળું બથમાં લઈને જ ફરે છે!’

સાથે સરપંચ પણ ઊભા છે. ‘એ રામ રામ સોમાભાઈ!’

‘રામ.. રામ..’

સરપંચનું ખરું નામ સોમલો છે. પણ સરપંચ થયા પછી સૌ તેમને સોમાભાઈ કહીને બોલાવે છે. જોકે પાછળથી તો… એ કહેવાય એવું નથી. કારણકે સોમાભાઈ ઉર્ફ સોમલો આ ગામનો હરિજન છે. સરપંચ થયા પહેલા તે કૂવા ખોદવાની મજૂરી કરતો. સોમલાની વહુ, છોકરાં અને ઘર સામે જોઈએ તો આપણને દયા આવવા કરતાં ચીતરી વધારે ચઢે. થાય કે આ કેમ જીવે છે અને શું કરવા જીવે છે? પણ ગામના સરપંચની સીટ અનામત સીટ જાહેર થઈ અને સોમલાંના ભાગ્ય ઊઘડી ગયા. સોમલો, સોમાભાઈ સરપંચ થઈ ગયો!

સીટ અનામત જાહેર થઈ એ દિવસે તો ગામમાં રીતસનું માતમ છવાઈ ગયું હતું. દરબારગઢ અને મુખીની ડહેલીએ તો કોઈ જુવાન દીકરાનું મૃત્યુ નીપજ્યું હોય એવા શોકનું વાતવરણ બંધાઈગયું હતું. બાપુને તો એક જ વાતનો બકવાસ ઉપડી ગયો હતો; ‘હાળું ઇં તણ્ય ફદિયાનું મેરતિયું અમારા જીવતાજીવ સરપંચ થાહે!?’ તો મુખી કહે; ‘પેલા અરજિન સભ્ય રે’તો ય પણ અંગૂઠો લેવાનો થોડો હોય! બતાવવાનો હોય. હા, જમણવાર એને નો ભૂલતા. એના થાળી-વાટકામાં બાર્ય બેહીને જમીન હાલતો થાય…’

‘ઇં વરણ સરપંચ થાહે…’

મુખી કહે; ‘ફર્ક્ય કરોમાં બાપુ . ઊટે કાઢ્યા ઢેકા તો માણસે કાઢા કાઠા… ઈ હંધાયના રસ્તા હોય…’

એ રાતે હરિજનો સૌ રામદેવપીરના મંદિર આગળ ભેગાં થયાં હતાં. સરપંચની અનામત સીટ અંગે લાંબી લાંબી દલીલો થઈ હતી. એક વાત ખાનગીમાં કહું તો, આ લોકોને કોઈ દલીલોમાં ન પહોંચે. માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધીની દલીલો કરી લે. તેમાં બોલાચાલી પણ થાય!

– સર્વાનુમતે નક્કી થયેલું કે, કાનો ભણેલો છે. કાયદા કાનૂન જાણે છે. એટલે સરપંચની ઉમેદવારી કાનો જ કરે. બીજા કોઈએ ફોર્મ ભરવું નહિ.

દિવસ ઊગ્યો નહિ એ પહેલાં તો આ વાત ગામમાં પહોંચી ગઈ હતી. બપોર થતાં સુધીમાં તો આખા ગામમાં કાનો સરપંચ, કાનો સરપંચ થઈ પડ્યું હતું.

આમ થવામાં કલુડોસીનો સિંહફાળો હતો. તે ઊંચા પગે ચાલવા લાગ્યાં હતાં; ‘પંચાત્યના કારબાર કીમ હલાવવો ઇંતો આમ્ણાં લોયમાં છૂ. મું ન’તી પંચાત્યની સભ્ય!?’

તો કોઈ કહેતું; ‘એક તો એવી હતી ન ઇંમા ભૂત આંબ્યો!!’

કાનો વળતા દિવસે લીલા વહુ પાસેથી રૂપિયા લઈ આવ્યો હતો. તેમાંથી એણે ખાદીના ઝભ્ભો અને લેંધો સીવડાવ્યા હતા. પછી તો કાનો ખાદીના કપડાં પહેરીને અદના કાર્યકર તરીકે ફરવા લાગ્યો હતો. તાલુકામાં અને જિલ્લામાં પણ કાનો જવા લાગ્યો હતો. સૌને મળવા લાગ્યો હતો. સાવ થોડા દિવસમાં કાનો ‘કાનાભાઈ, કાનાભાઈ’ થવા લાગ્યો હતો. જિલ્લાઓની ચૂંટણી નજીકમાં હોવાથી મોટા મોટા માણસો મોટરો લઈને કાનાને મળવા આવવા લાગ્યા હતા. જાણે ગામમાં કાના સિવાય કોઈ રહેતું જ ન હોય!

બી.એડ્ કર્યા પછી કાનાને અસંખ્ય ઇન્ટરવ્યૂ આપ્યા હતા. પણ મોટાભાગની હાઈસ્કૂલો ટ્રસ્ટની. ટ્રસ્ટમાં અમુક જ્ઞાતિનું ચોક્કસ જૂથ હોય એટલે કાનાને કોણ રાખે? ક્યાંક વળી ડોનેશન માંગે. કાનો એમનાં ખોરડાનાં નળિયાં ભેગાં કરે તોપણ એટલી સંખ્યા ન થયા. કાનો નિરાશ થતો’તો ડોસી ધરપત આપતા. ડોસીના કાને આ શબ્દો ગૂંજ્યા કરતા; ‘કાનો ભલે ભણે. તમારા વરણને તો ઝટ ઝટ નોકરી મળી જાય છે.

નોકરી નહોતી મળતી પણ કાનો કે કલુડોસી હાર્યા નહોતાં. કાનો મજૂરી કરવા જાતો. મજૂરી કરવાનું કાનાએ ઠેકાણું નક્કી કરી લીધું હતું. લીલા વહુની વાડી.

લીલાવહુના ધણીમાં પાણી નહિ પણ વાડી પાણી વાળી. તેનો ધણી હીરા ઘસે અને કાનો વાડી સંભાળે. ગામવાળાઓનું અને ખાસ તો વાસવાળાઓનું કહેવું છે કે, લીલા વહુને કાના સાથે ‘લવ’ થઈ ગયો છે!

જે હોય તે. પણ કાર્યકર થયા પછી કાનાને ઘણી ચિંતા ઓછી થઈ ગઈ હતી.

પણ ગામને ચિંતા વધી ગઈ હતી. કાનાએ સરપંચનું ફોર્મ ભર્યું છે અને હજી કાયદેસર સરપંચ જાહેર થાય એ પહેલાં તો તેના પગ પહોળા થાવા લાગ્યા છે. કાલે સવારે ગમે તેના કૂંડાળામાં કાનો પગ મૂકે! આ બાબતે બાપુ બહુ ટેન્શલમાં હતા. પણ ગલા ગોરે કહ્યું કે, ‘બાપુ! ચંત્યા કરોમાં પડશે એવા દેવાશે.’

બાપુ બરાબરના ધગી ગયા તે કહે, ‘કપાળ તમારું…’

‘અરે! ભસ્માસુર વાળી ક્યાં નથી થાતી?! એનો જ હાથ એની માથે..’ ગલા ગોરે આમ કહીને બાપુને કાનમાં કાંઈક સમજાવ્યું હતું. આ વાતના વળતા દિવસે જ તાલુકે સરપંચનું ફૉર્મ ભરાણું. અને એ પણ સોમલાનું!

કાનાની સામે સોમલાએ ફૉર્મ ભર્યું છે, તે જાણીને સૌને અચરજ થયું હતું. તેમાં કલુડોસી તો ખાર ખાઈને કહે; ‘એલા ઇન ક્યા હાથે ધોવી ઇંની ખબર્ય નથી પડતી ન… ફોરમ ભર્યો!?’

‘સોમલો હારશે, મજૂરી કરવાનું પણ ટળશે. પછી ભૂખે મરવાના દિવસો આવશે.’ આવું સમજુ માણ્સો કહેવા લાગ્યા હતા.

પણ સવાલ હતો કે વાસમાં સૌની સાક્ષી અને સંમતિએ કાનાને બિનહરીફ સરપંચ જાહેર કરવો. તેમાં સોમલાએ ફોરમ ભર્યું કેમ!?

એ રાતે, આખી રાત વાસમાં કૂતરાં ભસતાં રહ્યાં હતાં. તેથી ખેતરમાં છીંડું કોણે પાડ્યું? કોણે દૂધને દુણી નાંખ્યું? આ વાત સૌને સમજાઈ ગઈ હતી. પણ ગામ તો હાથીનો પગ. ઉઘાડા કોણ પડે?!

કાનાનો સરપંચ થયાનો વહેમ વકરવા લાગ્યો હતો. તેણે પોતાની જાતને મોટા હોદ્દેદાર સાથે કાર્યકરની લગોલગ મૂકી દીધી હતી. ગણ્યાં ગાંઠ્યા દિવસોમાં જ તે બદલાઈ ગયો હતો.

ચૂંટણી થવાની હતી તેની આગળની રાતે ફરી ગામ આખામાં કૂતરાં ભસતાં રહ્યાં હતાં. સૌ જાગતા હતા ને કાનો નિરાંતવો ઊંઘતો હતો.

કાનાને હરાવ્યો… પણ કાનો માને શેનો?!

‘કાનો સરપંચ…’

‘કાનો ગાંડીનો…’

આ લાવ-લશ્કર તો બાજુ આવ્યું.

પાદરમાં ઘણાં માણસો ભેગા થઈ ગયા છે.

‘એલા ભાગજે કાના…’

ચારે બાજુથી આવા પડકારા થવા લાગ્યા છે. કાનો જાય ક્યાં!? ત્યાં કોઈ બોલ્યું; ‘કાના થાંભલો!’

કાનો ભૂરાયો થયો છે. તે થાંભલા બાજુ દોડ્યો. કલુડોસી પણ પાછળ દોડ્યા..આને તેના પગ પકડે એ પહેલા તો કાનો થાંભલે ચઢી ગયો.

આખું પાદર ફાટી આંખે જોઈ રહ્યું છે.

ગોલણબાપુ આગલ આવ્યા. તેમણે ઝીણી આંખે જોયું પછી હાકલો કરીને કહ્યું; ‘કાના… વાયરને અડતો નંઈ મારા ભાઈ!’

બાપુનો ઘા ઠેકાણે જ લાગ્યો.

અને કાનો…

– ડૉ. રાઘવજી માધડ

(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના દલિત સાહિત્ય વિશેષાંક, નવેમ્બર ૨૦૦૩માંથી સાભાર. વાર્તા પ્રસ્તુત કરવાની પરવાનગી અક્ષરનાદને આપવા બદલ આદરણીય ડૉ. રાઘવજીભાઈનો ખૂબ આભાર.)

બિલિપત્ર

કોઈકે મને કહ્યું,
‘વીંઝી દંશ દે
ત્યાં તો
એક ગુલમહોરનું બી મૂકજો!
ઝેર ચૂસી જશે!’
…મને તો રોજ
વીંછી કરડે છે.
ગુલમહોર કેવા હોય?
એનું બી કેવું હોય?
– હિંમત ખાટસૂરિયા

આપનો પ્રતિભાવ આપો....