શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૩૨)


પ્રકરણ ૩૨

એમેલિયાની અંદર રહેતા એક કેદીના કુટુંબ માટે ગોલ્ડબર્ગે લિસ્ટમાં જગ્યા ન કરી આપી. ઝિયોનિસ્ટ લોકો, આ બાબતના નિષ્ણાતો કે પછી લાંચ આપીને લિસ્ટમાં ઘુસનારાઓ આ બાબતે ઓસ્કરને જવાબદાર ઠેરવી રહ્યા હતા!

૧૯૬૩માં એમેલિયાના એક ભૂતપૂર્વ કેદીએ ન્યુયોર્કથી ‘માર્ટિન બબર સોસાયટી’ને લખેલો એક દુઃખદ પત્ર મળ્યો. પત્રમાં એણે લખેલું, કે એમેલિયાના બધા જ કેદીઓને મુક્તિ અપાવવાનું વચન ઓસ્કરે આપ્યું હતું. બદલામાં લોકોએ પોતાના શ્રમ વડે તેનું ઋણ ચૂકવી તેને સમૃદ્ધ બનાવ્યો હતો. અને છતાં પણ અમુક લોકોને તેના લિસ્ટમાં સામેલ કરાયા ન હતા. એ માણસને એવું લાગતું હતું, કે એ લિસ્ટમાં ન સમાવીને તેની સાથે દગાબાજી કરવામાં આવી હતી. કોઈ બીજા જ માણસે કહેલા જુઠ્ઠાણાને કારણે પોતાને આગ પરથી પસાર થવું પડ્યું હોય તેવા રોષ સાથે તેણે એ પછી જે કંઈ બન્યું તેને માટે ઓસ્કરને જવાબદાર ઠેરવ્યો હતો. ગ્રોસ રોસનની ઘતનાઓ, મોથેસનની ટેકરી પરથી કેદીઓને જે રીતે ફેંકી દેવામાં આવ્યા હતા તે, અને જે ભયાનક મૃત્યુકૂચ સાથે વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો… એ બધા માટે તેણે ઓસ્કરને જ જવાબદાર ઠેરવ્યો હતો! એ પત્રમાં સહજ ગુસ્સાને વશ સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું હતું, કે એ લિસ્ટમાં પોતાનું હોવું એ કેટલી રાહતદાયક બાબત હતી, અને એ લિસ્ટમાંથી નીકળી જવું એ કેવી દૂર્ભાગ્યપૂર્ણ બાબત હતી!

પરંતુ લિસ્ટ સાથે ગોલ્ડબર્ગે કરેલી છેડછાડ માટે ઓસ્કરને જવાબદાર ઠેરવવો કોઈ રીતે યોગ્ય નથી લાગતું. મૂળભૂત રીતે ઓસ્કરને ૧૧૦૦ કેદીઓ માટે પરવાનગી આપવામાં આવી હતી. છેલ્લા-છેલ્લા દિવસોમાં છાવણીની અંદર એટલી ભાગદોડ ચાલતી હતી, કે એ મૂળ પરવાનગીની સંખ્યા કરતાં બહુ વધારે સંખ્યા દર્શાવેલી ન હોય એવા ગોલ્ડબર્ગે આપેલા કોઈ પણ લિસ્ટ પર છાવણીના અધિકારીઓ સહી કરી આપે તેમ હતા! એ સમયે ગોલ્ડબર્ગ ઉપર ઓસ્કરનો પણ કોઈ કાબુ હતો નહીં. ઓસ્કરના પોતાના દિવસો અમલદારો સાથે વાતચીતો કરવામાં, અને તેની સાંજ તેમને ખુશ રાખવામાં વ્યતિત થતી હતી.

દાખલા તરીકે, હિલો મશીનો અને મેટલ પ્રેસને ખસેડવા માટેની પરવાનગીના પત્રો ઓસ્કરે જનરલ શિન્ડલરની ઑફિસમાં કામ કરતા એક જૂના મિત્ર પાસેથી મેળવવાના હતા, જેમાં નાની-નાની સમસ્યાઓને કારણે જો મોડું થાય તો ૧૧૦૦ કેદીઓને બચાવવાના ઓસ્કરના આયોજનને ફટકો પડે તેમ હતું.

મંત્રાલયના એક માણસે એવો મુદ્દો ઊભો કર્યો હતો, કે હથિયારો બનાવવાના મશીનો ઓસ્કરને બર્લિન શસ્ત્ર મંત્રાલયના ખરીદ વિભાગ દ્વારા આપવામાં આવ્યા હતા, અને લાઇસંસ વિભાગની મંજુરી પ્રમાણે એ યંત્રો ખાસ પોલેન્ડમાં વાપરવા માટે જ આપવામાં આવ્યા હતા. એ યંત્રોને મોરેવિયા લઈ જવાના આયોજનની સૂચના આ બંને વિભાગોને આપવામાં આવી ન હતી. આ તબક્કે એ બંને વિભાગો તરફથી મંજુરી આવવામાં એકાદ મહિનો લાગી જાય તેમ હતું, અને ઓક્ટોબરના અંત સુધીમાં તો પ્લાઝોવ ખાલી કરી દેવાનું હતું! બધા જ કેદીઓને ગ્રોસ-રોસેન કે ઓસ્વિટ્ઝમાં મોકલી આપવાના હતા! પરંતુ એ સમસ્યાનો અંત પણ પરંપરાગત રીતે ભેટ આપીને લાવવામાં આવ્યો! આટલી સાવચેતી રાખવા છતાં, એમોનની ધરપકડ કરનારા એસએસના તપાસકર્તાઓ તરફથી પણ ઓસ્કરને ચિંતા સતાવી રહી હતી! પોતાની ધરપકડ થઈ જવાની કે પછી ભૂતપૂર્વ કમાન્ડન્ટ સાથેના પોતાના સંબંધો બાબતે ઊંડી પૂછપરછ થવાની પણ તેને ભીતી હતી. આવું કંઈ થાય, તો તેનું પરિણામ એક જ આવે તેવો ડર તેને રહેતો હતો! આવી ધારણા અગાઉથી રાખીને જો કે તેણે બહુ ડહાપણનું કામ કર્યું હતું, કારણ કે એમોનના કબજામાંથી એસએસને મળી આવેલી ૮૦,૦૦૦ જર્મન માર્કની રકમ અંગે એમોને એવો ખુલાસો આપ્યો હતો, કે યહૂદીઓ પ્રત્યે થોડી કુણી નજર રાખવા માટે ઓસ્કર શિન્ડલરે એ રકમ એમોનને આપી હતી. આ કારણે ઓસ્કરે પોમોર્સ્કા સ્ટ્રીટના પોતાના મિત્રોના સંપર્કમાં જ રહેવું પડતું હતું, જેથી બ્યુરો ‘વી’ દ્વારા થતી એમોન સામેની તપાસની દિશા બાબતે તેઓ ઓસ્કરને જાણ કરી શકે. બ્રિનિલિટ્ઝ ખાતેની ઓસ્કરની નવી છાવણી કેએલ ગ્રોસ-રોસેનના નિરીક્ષણ હેઠળ જ રહેવાની હોવાને કારણે, ગ્રોસ-રોસેનના કમાન્ડન્ટ કેપ્ટન હેસ્સીબ્રિક સાથે પણ તેણે સંપર્ક જાળવી રાખ્યો. ગ્રોસ-રોસનના તંત્રમાં હેસ્સીબ્રિકના વહીવટ હેઠળ ૧૦૦,૦૦૦ લોકો માર્યા જવાના હતા. પરંતુ તેની સાથે ટેલીફોનથી વાતચીત કરીને ઓસ્કર પોતાની કારમાં લોઅર સિલેસિયા સુધી જઈને તેને મળી આવ્યો, એ પછી તેની બધી જ ચિંતાઓમાં આ ચિંતા તેને સૌથી હળવી લાગી! આકર્ષક દેખાવ ધરાવતા કેટલાયે હત્યારા અધિકારીઓને મળીને ઓસ્કર હવે તો ટેવાઈ ગયો હતો; અને એણે નોંધ્યું પણ હતું કે હેસ્સીબ્રિક તો ઉલટાનો ગ્રોસ-રોસેનનું સામ્રાજ્ય મોરાવિયામાં લઈ આવવા બદલ તેના પ્રત્યે આભારવશ હતો! આ બાબતને હેસ્સીબ્રિક સામ્રાજ્યની પરીભાષામાં જ વિચારતો હતો! એકસોને ત્રણ પેટા છાવણીઓની દેખભાળ એ રાખતો હતો. બ્રિનિલિટ્ઝના આગમનને કારણે એ આંકડો એકસોને ચારનો થવાનો હતો, અને ૧૦૦૦ કેદીઓ સાથેના આ આધુનિક ઉદ્યોગનું આગમન તેમાં એક મહત્ત્વનું છોગું બની રહેવાનું હતું! હેસ્સીબ્રિકની અઠ્યોતેર છાવણીઓ પોલેન્ડમાં, સોળ ચેકોસ્લોવેકિયામાં અને દસ જર્મનીમાં હતી. એમોનેના વહીવટ હેઠળની છાવણીના પ્રમાણમાં આ સંખ્યા ઘણી મોટી હતી!

પ્લાઝોવને સંકેલવાના અઠવાડિયા દરમ્યાન ઓસ્કર જાત-જાતના ફોર્મ ભરવાના કામોમાં અત્યંત વ્યસ્ત રહ્યો હતો, એટલે અનેક મસ્કા મારવા અને ખુશામત કરવા પછી, ઓસ્કરની એટલી વગ હોય તો પણ, ગોલ્ડબર્ગ પર ધ્યાન આપવા જેટલો સમય ફાળવવો તેના માટે શક્ય નહીં બન્યું હોય! અને કારણ જે હોય તે, એ છેલ્લા રાત-દિવસ દરમ્યાન ભીડભાડથી ઊભરાતી અંધાધૂંધીભરી પરિસ્થિતિમાં છાવણી વિશે કેદીઓનું વર્ણન જોતાં એવું કહી શકાય, કે લિસ્ટનો અધિષ્ઠાતા બનીને બેસી ગયેલા ગોલ્ડબર્ગે કેદીઓના લિસ્ટમાં જોડાવાની તકો પોતાના ખિસ્સામાં જ રાખી મૂકી હતી!

દાખલા તરીકે, ડૉ. આઇડેક શિન્ડેલે પોતાને અને પોતાના બે નાના ભાઈઓને બ્રિનિલિટ્ઝમાં લઈ જવા માટે ગોલ્ડબર્ગનો સંપર્ક કરેલો, પરંતુ ગોલ્ડબર્ગે તેને જવાબ આપ્યો ન હતો. ૧૫ ઓક્ટોબરે પુરૂષ કેદીઓને પશુઓના ડબ્બા તરફ કૂચ કરાવીને લઈ જવાયા ત્યાં સુધી શિન્ડેલને જાણ પણ નહોતી થઈ, કે શિન્ડલરની છાવણી માટેના લિસ્ટમાં તેમને સમાવવામાં આવ્યા ન હતા! તે છતાં તેઓ શિન્ડલરના લોકોની કતારમાં ઊભા રહી ગયા! ‘જજમેન્ટ ડે’ના ચિહ્નાંકનની યાદ અપાવી દે તેવું એ દૃશ્ય હતું! યોગ્ય ચિહ્ન વગરની વ્યક્તિ કતારમાં ઘુસવાનો પ્રયત્ન કરે અને નર્કનો દ્વારપાળ તેને ઓળખીને ઝડપી જ પાડે! આજના કિસ્સામાં એસએસ અધિકારી મુલર પોતાના હાથમાં ચાબુક લઈને ડૉક્ટર આઇડેક શિન્ડેલ પાસે આવી ચડ્યો અને તેમના ડાબા ગાલે, જમણા ગાલે, ફરીથી ડાબા અને જમણા ગાલે ચામડાના હાથા વડે ફટકારીને તેમની મજાક ઉડાવતાં પૂછવા લાગ્યો, “એ કતારમાં એવું તે શું છે, કે તારે ત્યાં જવું છે?”

પ્લાઝોવની છાવણીને સંકેલી લેવા માટે રોકેલી કેદીઓની નાનકડી ટૂકડીમાં શિન્ડેલને રાખી લેવામાં આવ્યો, અને પછી તેને બીમાર સ્ત્રીઓને લઈને ઓસ્વિટ્ઝ જતી ગાડીમાં ચડાવી દેવામાં આવ્યો! બર્કેન્યુની છાવણીના કોઈ ખૂણે આવેલી એક ઝુંપડીમાં એ બધાને મરવા માટે છોડી દેવામાં આવ્યા! અને છતાંયે, છાવણીના અધિકારીઓની નજર તેમના પર ન હોવાથી, અને રોજિંદા કામકાજમાંથી તેમને મુક્તિ મળી હોવાને કારણે તેમાંના મોટાભાગના લોકો બચી ગયા હતા! ત્યાંથી ફરી એક વખત ડૉ. શિન્ડેલને ફ્લોસેનબર્ગ મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાંથી તેના ભાઈઓની સાથે તેમને પણ મૃત્યુકૂચ પર મોકલી આપવામાં આવ્યા હતા. ચામડીના એક પાતળા આવરણ સાથે એ પોતે તો જીવતા રહ્યા હતા, પરંતુ તેનો નાનો ભાઈ લડાઈ પૂરી થવાના આગલા દિવસે જ ગોળીથી વીંધાઈ ગયો હતો! ઓસ્કર પ્રત્યે કોઈ જ દુર્ભાવ વગરની, અને ગોલ્ડબર્ગ પ્રત્યે પૂરા દુર્ભાવ સાથેના શિન્ડલરના એ લિસ્ટની આ એક આછી-પાતળી રૂપરેખા જ છે, જે બચી ગયેલા એ બધા જ યહૂદીઓને આજે પણ એ જ રીતે ટળવળાવે છે, જેણે ઓક્ટોબરના એ મરણિયા દિવસોમાં પણ એમને ટળવળાવ્યા હતા!

એ લિસ્ટ બાબતે બધા પાસે પોતપોતાની આગવી કહાણીઓ છે! હેનરી રોસનર શિન્ડલરના કેદીઓની કતારમાં ઊભો રહી ગયો હતો, પરંતુ એક સૈનીક તેનું વાયોલિન જોઈ ગયો! એ સૈનિક જાણતો હતો કે જેલમાંથી છૂટીને આવશે ત્યારે એમોન તેના સંગીતની જરૂર પડશે! આથી એણે હેનરીને કતારમાંથી બહાર કાઢી મૂક્યો હતો. રોસનરે પોતાના વાયોલિનને કોટની નીચે એક તરફ છૂપાવીને વાયોલિનનો ખૂણો પોતાની બગલ નીચે છૂપાવી દીધો, અને ફરી વખત કતારમાં ઊભો રહી ગયો. આ વખતે તેને શિન્ડલરના કેદીઓની સાથે ગાડીમાં બેસી જવા દેવામાં આવ્યો! ઓસ્કરે જેમને અંગત ખાતરી આપી હતી તેમાંનો એક રોસનર પણ હતો, અને એ રીતે પહેલેથી જ એ લિસ્ટમા સામેલ હતો. એવો જ કિસ્સો જેરેથ કુટુંબનો હતો. બોક્સ ફેક્ટરીના વૃદ્ધ જેરેથ અને તેમની પત્ની છાજા જેરેથ મેટલવર્કર હોવાનું દર્શાવવામાં આવ્યું હતું! વૃદ્ધ પર્લમેન અને રાબી લેવાર્તોવનું કુટુંબ પણ એમેલિયામાં એ જ રીતે રહેતું હતું! હકીકતે, ગોલ્ડબર્ગે છેડછાડ કરી હોવા છતાં, પોતે માગેલા મોટાભાગના માણસોને ઓસ્કર બહાર કાઢી શક્યો હતો, પછી ભલે અમુક લોકો આશ્ચર્યજનક રીતે લિસ્ટમાં સામેલ થઈ ગયા હોય! ખુદ ગોલ્ડબર્ગને બ્રિનિલિટ્ઝનો રહેવાસી બનતાં જોઈને, ઓસ્કર જેવો તેને ઓળખતો માણસ પણ ચમકી ગયો હતો!

પરંતુ બ્રિનિલિટ્ઝમાં આવેલાઓમાં કેટલાક સાનંદાશ્ચર્યો પણ સામેલ હતા. દાખલા તરીકે પોલદેક ફેફરબર્ગ! હીરા ન મળવાને કારણે ગોલ્ડબર્ગ અકસ્માતે તેની અવજ્ઞા કરી બેઠો હતો! પોલદેકે ગોલ્ડબર્ગને વોડકાની બોટલ ઉપરાંત કપડાં કે બ્રેડના સ્વરૂપે પણ રકમ ચૂકવવા માગતો હતો. પોતાની સાથે પોલદેક વોડકાની બોટલ લઈને જ આવ્યો હોવાથી તેને જેરોઝોલિમ્સ્કાના નોકરોના રહેઠાણોમાં સ્કર્નરની ઑફિસમાં જવાની પરવાનગી તરત મળી ગઈ. સ્કર્બરને બોટલ આપીને તેણે પોતાને અને પત્ની મિલાને લિસ્ટમાં સામેલ કરી લેવાની ભલામણ ગોલ્ડબર્ગને કરવાની આજીજી કરી. એણે સ્કર્નરને કહ્યું, “શિન્ડલરને જો યાદ આવ્યું હોત તો એણે પોતે જ અમારા નામ લખીને મોકલ્યા હોત!” પોલદેક જાણતો હતો કે જીવ બચાવવાની આ આખરી તક હતી! “હા,” સ્કર્બર કબુલ થઈ ગયો હતો. “તમારા બંનેના નામો તો આ લિસ્ટમાં હોવા જ જોઈએ!” એ ક્ષણ માનવીય સ્વભાવની આંટીઘૂંટીની હતી! સ્કર્નર જેવા માણસે એ ક્ષણે પોતાની જાતને એવો સવાલ કેમ નહીં પૂછ્યો હોય, કે જો આ માણસ અને તેની પત્ની જીવ બચાવવા યોગ્ય છે, તો બીજા લોકો શા માટે નહીં?

સમય આવ્યે ફેફરબર્ગ કુટુંબને શિન્ડલરની કતારમાં જગ્યા મળી ગઈ. અને તેમના આશ્ચર્ય વચ્ચે હેલન હર્ષ ઉપરાંત જેને બચાવી લેવાનું હેલનનું સપનું હતું એવી તેની નાની બહેન પણ એ કતારમાં જોડાઈ ચૂક્યાં હતાં!

શિન્ડલરના પુરુષકેદીઓ રવિવાર ૧૫ ઓક્ટોબરે પ્લાઝોવના પાટાઓ પાસે ઊભેલી ગાડીમાં સવાર થઈ ગયા હતા. સ્ત્રીઓને રવાના થવાને હજુ એક આખું અઠવાડિયું લાગવાનું હતું. ટ્રેન ભરતી વખતે જો કે ૮૦૦ લોકોને અલગ તારવીને, શિન્ડલરના કેદીઓ માટે અલગ રાખવામાં આવેલા માલવાહક ડબ્બાઓમાં જરૂર ચડાવવામાં આવ્યા હતા, પરંતુ એ ડબ્બાઓને ગ્રોસ-રોસેન જતા અન્ય ૧૩૦૦ કેદીઓથી ભરેલી ટ્રેન સાથે જ જોડી દેવામાં આવ્યા. કેટલાક લોકો એમ માનતા હતા કે શિન્ડલરની છાવણીમાં પહોંચતા પહેલાં તેમણે ગ્રોસ-રોસેનમાંથી પસાર થવું પડશે, તો બીજા કેટલાકના મતે તેમની ટ્રેન સીધી ઓસ્કરની છાવણીએ જવાની હતી! મોરાવિયા સુધીની એ મંથર સફર ખેડવા માટે તેઓ તૈયાર હતા. તેમના માનવા પ્રમાણે, કેટલાય જંક્શનો પર તેમની ગાડીને સાઈડના પાટા પર રોકી રાખીને અન્ય મહત્ત્વની ગાડીઓને પહેલાં પસાર થવા દેવામાં આવશે! કદાચ અડધા-અડધા દિવસ સુધી ગાડી ઉપડવાની રાહ પણ જોવી પડે! આગલા અઠવાડિયે જ પહેલી બરફવર્ષા થઈ ચૂકી હતી, અને બહાર સખત ઠંડી પણ હોવાની શક્યતા હતી! મુસાફરી પૂરી થાય ત્યાં સુધીના સમય માટે દરેક કેદીને માત્ર ૩૦૦ ગ્રામ બ્રેડ આપવામાં આવી હતી, અને ડબ્બા દીઠ પાણીની એક-એક ડોલ આપવામાં આવી હતી. કુદરતી હાજત માટે કેદીઓએ ડબ્બાનો એક ખૂણો વાપરવાનો હતો, અને ડબ્બામાં વધારે ગીરદી હોય, તો જ્યાં ઊભા હોય ત્યાં જ તેમણે કુદરતી હાજત પતાવવાની હતી. આ બધી જ વ્યથાઓને અવગણીને તેમણે તો શિન્ડલરની સંસ્થામાં પહોંચવું હતું! એ પછીના રવિવારે બાકીની ૩૦૦ સ્ત્રીઓ પણ એ જ જુસ્સા સાથે ડબ્બામાં પ્રવેશવાની હતી!

બીજા કેદીઓએ નોંધ્યું હતું, કે ગોલ્ડબર્ગ શક્ય એટલા ઓછા સામાન સાથે મુસાફરી કરી રહ્યો હતો. પ્લાઝોવની બહાર તેના એવા સંપર્કો જરૂર હોવા જોઈએ જે તેના હીરા સાચવતા હોય! પોતાના કોઈ કાકા, ભાઈ કે બહેન માટે ગોલ્ડબર્ગને મનાવવાની અપેક્ષા રાખતા કેદીઓ હજુ પણ બેસવા માટે તેને વધારે જગ્યાની સગવડ કરી આપતા હતા! બીજા લોકો ટૂંટિયું વાળીને ઢીંચણ સાથે દાઢી ચીપકાવીને બેઠા હતા. દોલેક હોરોવિત્ઝે છ વર્ષના રિચાર્ડને પોતાના હાથમાં ઊંચકી રાખ્યો હતો. નવ વર્ષના ઓલેક માટે હેનરી રોસનરે ડબ્બાની ફરસ પર કપડાની પથારી કરી દીધી હતી.

ટ્રેનને પહોંચતાં ત્રણ દિવસ લાગ્યા! ટ્રેન ક્યારેક બાજુના પાટા પર રોકાઈ જતી, ત્યારે કેદીઓના નાકમાંથી નીકળતા ઊચ્છ્વાસો ડબ્બાની દિવાલો પર ઠરી જતા હતા. હવાની કમી સતત અનુભવાતી હતી, અને ક્યારેક થોડી હવા મોંમાં ભરાય, તો મોં ઠંડૂગાર થઈને વાસ મારવા લાગતું હતું! પાનખરની એક અસહ્ય દિવસની સાંજે આખરે ટ્રેન ઊભી રહી ગઈ. દરવાજા ખોલી નાખવામાં આવ્યા અને મિટિંગમાં જઈ રહેલા વેપારીઓની માફક મુસાફરોને ઝડપથી નીચે ઉતરી જવાનો આદેશ આપવામાં આવ્યો. એસએસના ચોકીદારો બૂમો પાડતાં કેદીઓની વચ્ચે દોડી રહ્યા હતા, અને ડબ્બામાંથી આવતી વાસ માટે કેદીઓનો દોષ કાઢતા હતા. “બધો જ સામાન બહાર કાઢી લો!” સૈનિકો બૂમો પડતા હતા. “બધો સામાન જંતુમુક્ત કરવા લઈ જાઓ!” પોતાના કપડાં એક ઢગલામાં એકઠા કરીને બધા નગ્નાવસ્થામાં કૂચ કરતા ચાલવા લાગ્યા. સાંજના છ વાગ્યાની કડકડતી ઠંડીમાં કેદીઓને એ જ નગ્નાવસ્થામાં હાજરીની પૂરવા માટે એકઠા કરવામાં આવ્યા. આજુબાજુનું જંગલ બરફથી લથબથ હતું; પરેડ ગ્રાઉન્ડની જમીન પર બરફ પથરાઈ ગયો હતો! આ… આ શિન્ડલરની છાવણી તો ન હતી! આ તો ગ્રોસ-રોસેન હતું! ગોલ્ડબર્ગને લાંચ આપનારાઓ ગોલ્ડબર્ગ સામે તાકી રહ્યા, અને તેને ખતમ કરી નાખવાની ધમકી આપવા લાગ્યા. એ સમયે ઓવરકોટમાં સજ્જ એસએસના માણસો કેદીઓની કતારની આજુબાજુ ચાલવા લાગ્યા અને જે કોઈ કેદી ધ્રુજતો દેખાય તેના નિતંબ પર ફટકા મારવા લાગ્યા.

હાજરી પૂરવાના ખુલ્લા મેદાનમાં જ એમણે કેદીઓને આખી રાત રાખ્યા, કારણ કે રહેવા માટે અહીંયાં તો  એક પણ ઝુંપડું ન હતું! છેક પરોઢીયું થયા પછી તેમને ઓઢવા માટે કંઈક આપવામાં આવ્યું. પરંતુ ઉઘાડાં શરીરે એ સત્તર કલાક પસાર કર્યાની, કે પછી છેક હૃદય સુધી થથરાવી મૂકતી વર્ણનાતીત ટાઢની વાત કરતી વેળાએ કોઈએ એ રાતે એક પણ મૃત્યુ થયાની વાત કરી ન હતી!

એસએસના આશરે રહીને, કે પછી કદાચ એમેલિયાની કષ્ટભરી જિંદગીને કારણે આ પ્રકારની ટાઢ સહન કરવા માટે તેમના શરીરો બરાબર ટેવાઈ ચૂક્યા હતા! એ અઠવાડિયાની શરૂઆત કરતાં આજની આ ઠંડી થોડી હળવી હોવા છતાં, પૂરતી ઘાતક તો હતી જ! કેટલાક લોકો તો બ્રિનિલિટ્ઝ જવાની આશાએ જ એ કડકડતી ઠંડી સામે બચી શક્યા હતા!

આગળ જતાં, ઠંડી અને હિમડંખ સામે આથી પણ વધારે સમય ઝઝૂમીને બચી ગયેલા કેદીઓને આખરે ઓસ્કરનો ભેટો થવાનો હતો! આદમ ગારદેના વૃદ્ધ પિતા, હેનરી રોસનરનો પુત્ર ઓલેક અને રિચાર્ડ હોરોવિત્ઝ, બધા જ બચી ગયા હતા!

બીજે દિવસે સવારે અગીયાર વાગ્યે બધાને સ્નાન કરવા માટે ફૂવારા નીચે લઈ જવામા આવ્યા. માથા પર રહેલા ફૂવારામાંથી પાણી આવશે કે ગેસ એવી શંકા સાથે ભીડમાં ભળી ગયેલો પોલદેક ફેફરબર્ગ ફૂવારાને તાકી રહ્યો હતો. ફૂવારામાંથી પાણી જ આવતું હતું, પરંતુ પાણી શરૂ થતાં પહેલાં કેદીઓ વચ્ચે યુક્રેનિયન હજામો ફરી વળ્યા, અને તેમના માથા અને બગલ સહીત શરીર પરના એકેએક વાળને તેમણે સાફ કરી નાખ્યો. કેદીઓને સીધા ઊભા રાખી, હજામો એકદમ સીધી નજરે ધાર વગરના અસ્ત્રાથી બધાના વાળ ઊતારી રહ્યા હતા. “આને તો જરા પણ ધાર નથી.” એક કેદીએ ફરિયાદ કરતાં કહ્યું, તો જવાબમાં “સાવ એવું નથી!” કહેતાં યુક્રેનિયને કેદીના પગ પર અસ્ત્રાથી છરકો પાડીને બતાવી આપ્યું, કે અસ્ત્રાની બ્લેડમાં હજુ પણ કાપો પાડી દે એવી ધાર હતી!

સ્નાન પછી પટ્ટીઓવાળો કેદીઓનો ગણવેશ આપીને તેમને એક બેરેકમાં એકઠા કરવામાં આવ્યા. એસએસે દ્વારા, એક કતારમાં તેમને હલેસા મારતા ખલાસીઓની જેમ બેસાડી દેવામાં આવ્યા, જેથી એક કેદીના પહોળા પગની વચ્ચે બીજો કેદી બેસી જાય. આ રીતે, ૨૦૦૦ માણસોને ત્રણ ઝૂંપડાંમાં ઠાંસી-ઠાંસીને ભરી દેવામાં આવ્યા. દિવાલને અઢેલીને ખૂરસી પર બેઠાં-બેઠાં જર્મન સૈનિકો તેમના પર નજર રાખી રહ્યા હતા. જમીન પરની એક-એક ઈંચ જગ્યા રોકાઈ ગઈ હોવાને કારણે કેદીઓ એક-બીજા સાથે ભીંસાઈને બેઠા હતા. જર્મન સૈનિક કોઈને શૌચાલય જવા માટે રજા આપે તો પણ એકબીજાના ખાભા અને માથા પર પગ મૂકીને જતાં તેમની ગાળો સાંભળવી પડે એવી પરિસ્થિતિ હતી!

એક ઝુંપડામાં વચ્ચોવચ્ચ રસોડું હતું જ્યાં સલગમનો સુપ અને સેકેલી બ્રેડ રંધાઈ રહ્યાં હતાં. શૌચાલય જઈને પાછા આવેલા પોલદેક ફેફરબર્ગે જોયું, કે રસોડા પર દેખરેખ રાખી રહેલા પોલિશ આર્મિના એક સૈનિક સાથે તેને યુદ્ધની શરૂઆતના દિવસોની જુની ઓળખાણ હતી. પોલદેકને થોડી બ્રેડ આપીને સૈનિકે રસોડાની અંદર સળગતા ચૂલાની પાસે સૂઈ જવા દીધો. બાકીના બધા જ લોકોએ આખી રાત એ જ રીતે માનવસાંકળના સ્વરૂપે જકડાઈને પસાર કરવી પડી!

આ જ રીતે દિવસે હાજરીની જગ્યાએ લઈ જઈને રોજના દસ કલાક સાવધાનની મુદ્રામાં ચુપચાપ ઊભા રહેવાની તેમને ફરજ પાડવામાં આવી. છેક સાંજે સૂપ અપાયા પછી આજુબાજુમાં થોડું ચાલવાની અને એકબીજા સાથે વાતો કરવાની છૂટ જો કે તેમને મળતી હતી. રાતના નવ વાગ્યે વ્હિસલ વાગવાની સાથે જ તેમણે પહેલી રાતની વિચિત્ર સ્થિતિમાં બેસી જવું પડતું હતું.

બીજા દિવસે, શિન્ડલરનું લિસ્ટ બનાવનાર કારકુનને શોધવા માટે એક એસએસ અધિકારી હાજરીના સ્થળે આવ્યો. એવું લાગતું હતું કે, પ્લાઝોવમાંથી અહીં લિસ્ટ મોકલાવવામાં આવ્યું જ નહોતું! ખરબચડા ગણવેશમાં ધ્રુજતા ગોલ્ડબર્ગને એક ઑફિસમાં લઈ જઈને તેની યાદશક્તિના આધારે એ લિસ્ટમાંના નામો ફરીથી ટાઇપ કરવાનું કહેવામાં આવ્યું. દિવસના અંત સુધીમાં ગોલ્ડબર્ગ એ કામ પૂરું કરી શક્યો નહીં! એ બેરેકમાં પાછો આવ્યો ત્યારે કેટલાયે નામોને લિસ્ટમાં સમાવી લેવાની નવી વિનંતીઓની હારમાળાથી ફરી એક વખત એ ઘેરાઈ ગયો! કડકડતી ઠંડીમાં એ લિસ્ટ હજુ પણ લોકોને લલચાવતું માનસિક સંતાપ આપી રહ્યું હતું, પછી ભલેને અત્યારે તો એ લિસ્ટને કારણે લોકો છેક ગ્રોસ-રોસેનમાં પહોંચી ગયા હોય! પેમ્પર અને અન્ય લોકો, સવાર-સવારમાં જ ગોલ્ડબર્ગને ઘેરી લઈને ડૉ. એલેકઝાન્ડર બાઇબરસ્ટેઇનનું નામ લિસ્ટમાં દાખલ કરવાનું દબાણ તેના પર કરવા લાગ્યા. એલેકઝાન્ડર, મેરેક બાઇબરસ્ટેઇનના ભાઈ હતા, જે ક્રેકોવ યહૂદીમંડળના સૌથી મહત્ત્વકાંક્ષી પ્રમુખ હતા. હજુ આગલા અઠવાડિયે જ તેમનું નામ લિસ્ટમાં હોવાનું કહીને ગોલ્ડબર્ગે તેમને ગુંચવ્યા હતા, અને છેક ટ્રક ભરાઈ ગઈ ત્યાં સુધી તેમને ખબર પડી ન હતી કે તેમનું નામ શિન્ડલરના જુથમાં ન હતું! ગ્રોસ રોઝેન જેવી જગ્યાએ પણ મિતિક પેમ્પર પોતાના ભવિષ્યને એટલી સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો, કે જો તેનું નામ એ લિસ્ટમાં સામેલ નહીં કરાય તો યુદ્ધ પૂરું થયા પછી ગોલ્ડબર્ગને કોર્ટમાં તાણી જવાની ધમકી એણે આપી દીધી હતી!

એ પછી, છેક ત્રીજા દિવસે શિન્ડલરના ૮૦૦ માણસોને જુદા પાડવામાં આવ્યા; તેમને જંતુમુક્ત કેન્દ્રમાં લઈ જઈને તેમને ફરીથી સ્નાન કરાવવામાં આવ્યું, અને પોતાના ઝુંપડાની સામે બેઠેલા ગામડાના માણસોની માફક તેમને કલાકો સુધી રાહ જોતાં અને વાતો કરતાં બેસાડી રાખવામાં આવ્યા! છેવટે તેમને કૂચ કરાવીને પાટાની સમાંતરે ચલાવતાં લઈ જઈને, ફરી એક વખત થોડી-થોડી બ્રેડ આપીને એક ગાડીના ડબ્બામાં ચડાવી દેવામાં આવ્યા. તેમને ડબ્બામાં ચડાવી રહેલા ચોકીદારોએ તેઓ ક્યાં જઈ રહ્યાની પોતાને પણ જાણ હોવાની ના પાડી દીધી! ડબ્બાની ફરસ પર કેદીઓ પલાંઠી વાળીને બેસી ગયા હતા. સેન્ટ્રલ યુરોપનો નકશો તેમના મગજમાં જ બરાબર ઠસી ગયેલો હતો. સુર્યના માર્ગ બાબતે સતત ધારણાઓ બાંધતાં, ડબ્બાની છત પર જડેલી જાળીવાળી હવાબારીમાંથી આવી રહેલા પ્રકાશની એકાદ ઝલક પણ મળી જતાં તેઓ દિશાની ચકાસણી કરી લેતા હતા. ઓલેક રોસનરને તેમણે ઊંચકી લીધો, અને છત પરની જાળીમાંથી તેને બહાર નજર રાખવાનું કહ્યું. ઓલેકે ડબ્બાની બહાર જંગલ અને પહાડ દેખાતા હોવાની જાણકારી આપી. દિશા નિષ્ણાતોના કહેવા મુજબ તેઓ દક્ષીણ-પૂર્વ તરફ જઈ રહ્યા હતા. આ બધાનો નિર્દેશ એક જ હતો કે તેઓ ચેકોસ્લોવેકિયા તરફ જઈ રહ્યા હતા, પરંતુ કોઈ એવું બોલવાની હિંમત કરી રહ્યા ન હતા!

સોએક માઇલની એ મુસાફરી પૂરી કરતાં તેમને બે દિવસ લાગ્યા. દરવાજા ખૂલ્યા ત્યારે બીજા દિવસની વહેલી સવાર હતી. તેઓ ઝ્વિતાઉ સ્ટેશને પહોંચી ગયા હતા. નીચે ઉતરીને કૂચ કરતાં-કરતાં, ત્રીસીના છેલ્લા વર્ષોમાં થીજી ગયેલા અને હજુ પણ શાંતિથી ઊંઘી રહેલા એ શહેરમાંથી તેઓ પસાર થયા. શહેરની દિવાલો પરનાં ભીંતચિત્રો તેમને કહી રહ્યા હતાં, “યહૂદીઓને બ્રિનિલિટ્ઝમાંથી બહાર કાઢો” એ ચિત્રોને કારણે કેદીઓને અહીં યુદ્ધ પહેલાની જ પરિસ્થિતિ હોય એવું લાગતું હતું. એક એવા જગતમાં તેઓ જીવી રહ્યા હતા, જ્યાં તેમના પોતાના જ શ્વાસ, જાણે તેમની સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા! એ સ્થળને જોતાં, ઝ્વિતાઉના લોકોની તેમના પરની નારાજગી કેદીઓને કંઈક નિખાલસ એવા પ્રેમ જેવી લાગતી હતી. શહેરની બહાર નીકળીને ત્રણ-ચાર માઇલ ચાલ્યા પછી, રેલવેના પાટે-પાટે ચાલતાં તેઓ બ્રિનિલિટ્ઝના ઔદ્યોગિક વિસ્તાર સુધી પહોંચ્યા. ત્યાં જ સવારના હળવા પ્રકાશમાં સામે ઊભેલા વિશાળ હોફમેન એનેક્સમાં ઊભી કરવામાં આવેલી મજૂર-છાવણી તેમને દેખાઈ!

આ જ બ્રિનિલિટ્ઝ હતું! ખૂણા પર વોચટાવર, ગોળ ફરતે તારની વાડ, વાડની અંદરના ભાગમાં ચોકીયાતોની એક બેરેક અને તેની પણ પાછળ ફેક્ટરી અને કેદીઓના સામુહિક રહેઠાણનો દરવાજો!

કૂચ કરતાં કેદીઓ જેવા દરવાજાની અંદર પહોંચ્યા, કે સાથે જ ટાયરોલિન હેટ પહેરેલો ઓસ્કર ફેક્ટરીના મેદાનમાં જ ઊભેલો તેમને દેખાયો.

હાલ અક્ષરનાદ પર પ્રકાશિત થઈ રહેલી આ કૃતિ ‘શિન્ડલર્સ લિસ્ટ’ ગુજરાતી ભાષામાં પુસ્તકાકારે પ્રકાશિત થઈ રહ્યું છે. ઘણા મિત્રોએ પુસ્તકાકારે મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. અક્ષરનાદ પર પૂર્ણાહુતી થયા બાદ, એટલે કે આશરે દોઢ-બે મહિના બાદ આ કૃતિ પુસ્તક સ્વરૂપે ઉપલબ્ધ થશે. પ્રથમ તબક્કામાં બૂક કરાવનાર મિત્રો-રસિકોને આ પુસ્તક પડતર કિંમત વત્તા પોસ્ટેજ સાથે ઉપલબ્ધ કરવાની નેમ છે. હાલ માત્ર ફેસબુક પર અશ્વિનભાઈના મેસેજ બોક્સમાં કે અહીં કમેન્ટબોક્સમાં જાણ કરશો. પ્રકાશન થયે તુરંત મિત્રોને એ વિશે જાણ કરીશું.

આપનો પ્રતિભાવ આપો....