(‘નવનીત સમર્પણ’ સામયિકના સપ્ટેમ્બર ૨૦૧૮ના અંકમાં પ્રસ્તુત થયેલ, ચાર્લી ચેપ્લિને તેમની દીકરી જેરાલ્ડિનને લખેલા સુંદર અને ભાવવહી પત્રનો અનુવાદ અક્ષરનાદ પર પ્રસ્તુત કરવા શ્રી બ્રિજેશભાઈ પંચાલે પાઠવ્યો છે એ બદલ તેમનો ખૂબ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ. તેમનો સંપર્ક ઈ-મેઈલ સરનામે panchalbrijesh02@gmail.com પર કરી શકાશે.)
ડિસેમ્બર, ૧૯૬૫
મારી દીકરી (જેરાલ્ડિન)!
આજે ક્રિસમસની રાતે, મારા નાનકડાં મહેલના બધાં યોધ્ધાઓ સૂઈ ગયા છે. તારાં ભાઈ-બહેન અને તારી મા સુધ્ધાં. પરંતુ હું જાગી ગયો છું અને મારા રૂમમાં આવ્યો છું. તું મારાથી કેટલી દૂર છે! તારો ચહેરો સદા મારી આંખો સામે જ રહે છે. નહીં તો હું અંધ થઈ જવાનું પસંદ કરું. આ તારી છબી માત્ર ટેબલ ઉપર જ નહીં, મારા હ્રદયમાં પણ છે. અને તું ક્યાં છે? છેક સ્વપ્ન-નગરી પેરિસમાં, ધ ચેમ્પ્સ-ઍલિસિયસના (૧) ભવ્ય રંગમંચ ઉપર ડાન્સ કરતી હોઈશ! રાત્રિની આ નીરવ શાંતિના અંધકારમાં જાણે મને તારાં પગલાનો અવાજ સંભળાય છે. શીતલ રાતના આકાશમાં ચમકતા તારાઓ સમી તારી આંખો દેખાય છે.
મેં સાંભળ્યું છે કે આ વખતના એક ઉત્સવમાં તું એક પર્શિયન બ્યુટી કેપ્ટિવ તતાર(૨) ખાનની નાનકડી ભૂમિકાય ભજવી રહી છે. હજુ વધારે સોહામણી બન અને નૃત્ય કર. તારિકા બન અને ખૂબ ઝળહળ. જ્યારે તને પ્રેક્ષકોની પ્રશંસા અને કૃતજ્ઞતાનો નશો ચડે. સુંગધિત ફૂલોની સુવાસ તારું માથું ભમાવી દે ત્યારે તું એક ખૂણામાં જઈને મારા પત્રો વાંચજે અને તારાં મનની વાત સાંભળજે.
હું તારો પિતા છું જેરાલ્ડિન! હું છું ચાર્લી, ચાર્લી ચૅપ્લિન! તને ખબર છે? તું નાની હતી ત્યારે હું કેટલીય વાર તારી પથારી પાસે બેઠો છું, તને સ્લીપિંગ બ્યૂટીની (૩), ડ્રેગનને જગાડવાની વાર્તા કહેવા. મારી ઉંઘરેટી આંખોમાં સ્વપ્ન આવે તો હું એમને ઉપહાસથી કહેતો – “જાઓ… જાઓ… મારાં સપનાંઓ જાઓ… મારે તો જોવું છે એક જ સ્વપ્ન – મારી દીકરીનું.”
હા જેરાલ્ડિન! મેં તારાં બધાં સ્વપ્ન જોયાં છે. મેં તો એક છોકરીને સ્ટેજ ઉપર નૃત્ય કરતી જોઈ છે. ને મને તો ત્યારેય લોકોની બૂમો સંભળાતી હતી – “જુઓ… જુઓ… આ છોકરી. આ છોકરી. એ પેલા ગાંડિયા ડોસલાની છોકરી છે; જેનું નામ હતું ચાર્લી.” હા બેટા! હું જ એ ગાંડિયો ઘરડો ચાર્લી. પણ આજે તારો વારો છે. તું તારે નાચ. હું લઘરવઘર પહોળા પેન્ટમાં નાચતો હતો. રાજકુમારી, તું રેશમી વસ્ત્રોમાં નાચ.
ક્યારેક ક્યારેક આ નૃત્ય અને લોકોની પ્રશંસા તને સ્વર્ગ જેવો અનુભવ કરાવશે. ત્યારે આભ ઢૂંકડું લાગશે. પણ વળી ધરતી ઉપર આવી જજે. તારે લોકોની જિંદગીને નજીકથી જોવી જોઈએ. રસ્તા ઉપર ઠંડી અને ભૂખથી ધ્રૂજતા નર્તકોને જોવા જોઈએ. જે લોકો કડકડતી ઠંડી અને ભૂખ સાથેય નાચતા હોય છે. જેરાલ્ડિન! હું એમાંનો જ એક હતો. એ જાદુઈ રાતોમાં જ્યારે તું મારી પરીઓની વાતો સાંભળતાં સાંભળતાં ઊંધી જતી, ત્યારે હું જાગતો હતો અને તારો ચહેરો જોયા કરતો હતો. તારાં ધબકારા સાંભળતો અને મારી જાતને પૂછતો – “ચાર્લી! આ બચ્ચું તને ક્યારેય સમજી શકશે?” તું મને જાણતી નથી જેરાલ્ડિન! મેં તને અનેક વાર્તાઓ કહી છે પણ મારી વાત ક્યારેય નથી કરી. એ વાત પણ રસપ્રદ છે. જે ભૂખ્યાડાંસ વિદૂષકની કથા છે. જે લંડનની ઝૂંપડપટ્ટીઓમાં જઈને ગાતો, નાચતો અને પછી હાથ ફેલાવીને ભીખ માગતો! આ મારી હકીકત છે બેટા. હું જાણું છું ભૂખ શું ચીજ છે. માથા ઉપર છત ન હોવી એટલે શું? અને એનાથીય વિશેષ મને અનુભવ છે એક યયાવર-વિદૂષકની અપમાજાનક પીડાઓનો, જેની છાતીમાં સ્વાભિમાનનો દરિયો ઘૂઘવતો હતો, પણ એક સિક્કાના ખણકાટથી એ ચૂર ચૂર થઈ જતો હતો. એમ છતાં હું જીવ્યો. જવા દે એ વાત. બહેતર છે કે તારા વિશે વાત કરું.
જેરાલ્ડિન! તારા નામ પાછળ મારું નામ હશે – ચેપ્લિન! આ નામ સાથે જ છેલ્લાં ચાલીસ વર્ષથી હું દુનિયાના લોકોને હસાવી રહ્યો છું. એમના હાસ્ય કરતા હું વધુ રડ્યો છું. જેરાલ્ડિન! અડધી રાતે જ્યારે તું વિશાળ હૉલમાંથી બહાર આવે ત્યારે તું શ્રીમંત પ્રશંસકોને ભૂલી જઈશ તો ચાલશે. પરંતુ કદી ભૂલી ના જતી કે જે ટેક્સી ડ્રાઈવર તને ઘરે લઈ જઈ રહ્યો છે; એની પત્ની ગર્ભવતી હોય ને એની પાસે આવનાર બાળકના બાળોતિયાંના રૂપિયા ના હોય તો એના ખિસામાં થોડા વધારે રૂપિયા મૂકી દેજે. મેં બેન્કને તારા આવા ખર્ચા ભોગવવા કહ્યું છે. બાકી અન્ય ખર્ચા હિસાબની સામે જ મળશે.
સમય-સમય પર મેટ્રો અથવા બસનો ઉપયોગ કરજે અને ક્યારેક પગપાળા ફરીને શહેર આખાને જોવા નીકળજે. માણસોની ભીતર જોજે. ક્યારેક વિધવા અને અનાથોની સંભાળ લેજે. અને આખા દિવસમાં પોતાની જાતને કહેજે – “હું આમાંની જ એક છું.” હા બેટા, તું એમાંની એક છોકરી છે. આથી વધારે કહું તો, જ્યારે કોઈને ઉંચે ઉડવા માટે પાંખો આપે તે પહેલા મોટે ભાગે વ્યક્તિ પોતાના પગ ભાંગી નાખે છે. ને હા જો કોઈ દિવસ એવું લાગે કે બાકીના પ્રેક્ષકો કરતાં તેઓ વધુ ઊંચા છે, ત્યારે ટેક્સી લઈને પેરિસના પાડોશી વિસ્તારોમાં નીકળી પડજે. હું એમને ખૂબ સારી રીતે ઓળખું છું. ત્યાં તારાં જેવા અથવા તારાંથી વધારે સુંદર-દેખાવડા, પ્રભાવશાળી અને અતિ ગર્વીષ્ઠ નર્તકો જોવા મળશે. તમારા સભાગૃહોની ચકાચૌંધ કરનારો પ્રકાશ ત્યાં લેશ પણ નહિ હોય. એમની માટે તો ચંદ્ર જ એમની સ્પોટલાઈટ છે. બરાબર જોજે. નિરિક્ષણ કરજે. તારા કરતાં વધુ સુંદર નૃત્ય કરતા હોય તો નાચતી નહીં. બેટા, સ્વીકારી લેજે કે તારાથી ચડિયાતો નર્તક કોઈ હશે જ. તારા કરતાં વધુ સારું કોઈ વગાડતું હશે જ. એક વાત યાદ રાખજે. ચાર્લી ખાનદાન એમાંનું નથી જે નાસીપાસ થઈને કોઈ કિનારે જઈને બેઠેલાની મશ્કરી કરે.
હું મરી જઈશ પણ તારે જીવવાનું છે. મારી ઈરછા છે તું ગરીબી ક્યારેય ના જુએ. આ પત્ર સાથે હું તને ચેકબુક પણ મોકલું છું. જેથી તું મન ફાવે એટલો ખર્ચો કરી શકે. જ્યારે તું બે રૂપિયા વાપરે ત્યારે ધ્યાન રાખજે ત્રીજો રૂપિયો તારો નથી. એ અજ્ઞાત મનુષ્યનો છે જેને એની ખાસ જરૂરીયાત છે. આ અજ્ઞાત તને સરળતાથી મળી રહેશે. ચાંપતી નજર રાખીશ તો તને આવા જરૂરીયાતમંદ લોકો બધે જ જોવા મળશે. હું તને રૂપિયા બાબતે એટલે ચેતવું છું. કારણકે, એ શેતાની શક્તિને તું જાણે! મેં ઘણો સમય સર્કસમાં વિતાવ્યો છે. એટલે જ હું ઊંચા દોરડા ઉપર અંગ કસરત કરનાર માટે ચિંતિત છું.
સાચું કહું તો જોખમકારક દોરડા ઉપર ચાલનારા કરતાં નક્કર ભૂમિ ઉપર ચાલનારની પડવાની શક્યતા વધારે છે. શક્ય છે એકાદ ઔપચારિક સાંજે તું કોઈ હીરાથી અંજાઈ જાય. તારા માટે દોરડા ઉપરનો કરતબ જોખમી હશે અને પડવું અવશર્યભાવી. શક્ય છે એકાદ દિવસ તું કોઈ રાજકુમાર જેવા સુંદર ચહેરાને મોહમાં પાડી દે. ત્યારે જ તારા દોરડા ઉપર ચાલવાના કરતબનું શિખાઉપણું શરૂ થશે. શિખાઉ હંમેશા પડે છે. તું તારું હ્ર્દય કંચન અને રત્નોને વેચીશ નહીં. સૌથી મોટા હીરા સૂર્યને ઓળખી લેજે. સદ્દ્ભાગ્યે એ સૌ માટે ચમકતો રહે છે.
સમય આવે પ્રેમ કરવાનો ત્યારે સામેના પાત્રને ખરા દિલથી ચાહજે. તારી મમ્મીને આ વિશે તને વિગતે લખવા જણાવ્યું છે, એ તને લખશે ઊંડાણથી. કારણકે પ્રેમ વિશે એ મારાથી વધુ જાણે છે, માટે એ અધિકારપૂર્વક વાત કરશે. તું જે રીતે મહેનત કરે છે; હું જાણું છું.
તારું આખું શરીર સિલ્કના એક ટુકડાથી ઢંકાયેલું છે. ક્યારેક કલાને માટે તું દ્રશ્યમાં નગ્ન પણ દેખાઈ શકે છે. પણ યાદ રાખજે પાછા ફરતી વખતે વસ્ત્રોજ નહિ શુચિતા પણ જળવાવવી જોઈએ. ખાલી કપડાંથી તૈયાર થવું યોગ્ય નથી. એથી વધારેય કંઈ છે!
હું બુઢ્ઢો છું અને મારા શબ્દો થોડા ગાંડાઘેલા લાગશે. મારા મતે તારું નગ્ન શરીર એની માટે જ છે, જે તારાં નગ્ન આત્માનેય પ્રેમ કરે છે. આ વિષય પર તારો અભિપ્રાય જુદો હોઈ શકે, ચિંતા ના કર. કારણકે તું મારાથી દાયકાઓ આગળ છે. હું આ દુનિયાનો આખરી વ્યક્તિ બનવા માંગુ છું. જે લોકોનો હોય. ફક્ત લોકોનો.
હું તારા ઉપર કોઈ દબાણ લાવવા માગતો નથી. મને ખબર છે, માતા-પિતા અને સંતાનના શીત યુધ્ધ તો અનંત કાળથી ચાલતું આવ્યું છે.
તું મારાથી, મારા વિચારોથી પર થા બેટા! આમેય મને આજ્ઞાકારી બાળકો નથી ગમતા. આખો પત્ર પૂરો થવા આવ્યો છતાં હું રડ્યો નથી! મને ખાતરી છે કે આજની ક્રિસમસની રાત મારા માટે ચમત્કારી સાબિત થશે.
સાચે જ ચમત્કાર થવો જોઈએ. જેથી મારે કહેવી છે એ બધી વાતો તને સમજાઈ જાય. ચાર્લી હવે વૃધ્ધ થઈ ગયો છે, જેરાલ્ડિન! વહેલાં કે મોડાં, પણ તારે એક સીન ભજવવા સફેદ પોશાક પહેરીને સ્ટેજ ઉપર જવાને બદલે, મારી કબર સુધી આવવું પડશે. હવે વધારે હું તને હેરાન નહિ કરું. ખાલી એક સલાહ છે – સમયાંતરે મને જોવા તારી જાતને આયનામાં તપાસ્યા કરજે. તને મારા લક્ષણો દેખાશે. તારી નસોમાં મારું લોહી છે. મારી નસોમાં લોહી થીજી જાય ત્યારે પણ તું પિતા ચાર્લીને નહિ ભૂલે એમ હું ચાહું છું. હું કોઈ દેવદૂત નથી. મારે તો બનાય એટલી હદે માણસ બનવું છે. તું પણ બનજે બેટા.
હું તને ચૂમી રહ્યો છું, જેરાલ્ડિન!
લિ.
તારો ચાર્લી (૪).
૧. પેરિસમાં ૧૫ એવેન્યુ મોનટપેઇન ખાતે ઈ.સ.૧૯૧૩માં સ્થાપાયેલું થિયેટર.
૨. તતાર તુર્કી બોલતા લોકો છે. મુખ્યત્વે રશિયા અને અન્ય પોસ્ટ-સોવિયેત દેશોમાં રહેતા હતા.
૩. એકેડેમી ફ્રાન્સીસના અગ્રણી સભ્ય અને ફ્રેન્ચ લેખક ચાર્લ્સ પેરાઉલ્ટ લિખિત કથા.
૪. આ પત્ર ચાર્લી ચેપ્લિને પોતાની દીકરીને હકીકતમાં લખ્યો છે કે નહિ, એ રહસ્ય છે. છતાં વિશ્વની ઘણી ભાષાઓમાં અનૂદિત થઈને વખણાયો છે.
આ પત્રના ગુજરાતી – અનુવાદનો કોઈ પણ રીતે ઉપયોગ કરતાં પહેલા અનુવાદકની પરવાનગી અનિવાર્ય છે.
(સૌજન્ય: નવનીત સમર્પણ, સપ્ટેમ્બર-૨૦૧૮ અને બ્રિજેશભાઈ પંચાલ)
Charlie Chaplin letter to Geraldine Gujarati Translation Brijesh Panchal
Knowledge
બહુ જ સરસ પત્ર. ચાર્લી ચેપ્લીન કેટલા મહાન અને ગરીબો પ્રત્યે હમદર્દીવાળા ઉદાર દિલના માનવી હતા, તે જાણવા મળે છે. આપણે આમાંથી ઘણું શીખવા જેવું છે.
અદભુત્
આ પત્ર ચાર્લી ચેપ્લિને પોતાની દીકરી જેરાલ્ડીનને લખ્યો છે કે નહિ એ ભલે રહસ્ય રહે, પરંતુ આ પત્ર દરેક પિતાએ પોતાની દરેક પુત્રીને આપવા જેવો છે.
જીવનમાં મૂકવા જેવી સુંદર વિચાર કણિકાઓ આ અદ્ભુત પત્રમાં લખાયેલી છે!
Thank you Brijeshji. This article will remain in my heart for a long long time. It is amazing to know that how much I (we) don’t know. I am truly grateful to you and to Askshar Naad through which we could actually embrace the great man forever!
Arvind Dullabh (NZ)
Very good