શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૭)


પ્રકરણ ૨૭

એપ્રિલ ૨૮, ૧૯૪૪ના દિવસે, અરીસાના એક ખૂણેથી પોતાને નીહાળતાં ઓસ્કર એટલું તો જોઈ શકતો હતો, કે છત્રીસ વર્ષની ઉંમરના પ્રમાણમાં તેની કમર ખાસ્સી વધારે દેખાતી હતી. પરંતુ આજના દિવસે યુવાન છોકરીઓને ભેટતી વેળાએ કોઈએ તેની જાડી કમરનો વિરોધ નહોતો કર્યો! કોઈપણની વગથી પર ગણાતા પોમોર્સ્કા અને મોન્ટેલ્યુપિક જેવા સત્તાના કેન્દ્રોની બહાર રહેવાની પરવાનગી ઓસ્કરને એસએસ દ્વારા જ અપાઈ હોવાને કારણે ઓસ્કરની ફેક્ટરીના જર્મન ટેકનીશ્યનોમાંથી જે કોઈ પણ એસએસના બાતમીદાર હશે, એ આજે જરૂર હતાશ થઈ ગયા હશે!

જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે એમિલીએ હંમેશની માફક છેક ચેકોસ્લોવેકિયાથી તેને શુભેચ્છાઓ પાઠવી હતી, અને ઇન્ગ્રીડ અને ક્લોનોવ્સ્કાએ ઓસ્કરને ભેટો આપી હતી. ક્રેકોવમાં ઓસ્કરે ગાળેલા સાડા ચાર વર્ષમાં તેની ઘરેલુ પરિસ્થિતિમાં ભાગ્યે જ કંઈ ફરક પડ્યો હતો. ઇન્ગ્રીડ આજે પણ તેની પત્ની હતી, ક્લોનોવ્સ્કા તેની સ્ત્રી-મિત્ર હતી, અને એમિલી તેની સમજણપૂર્વક અલગ રહેતી પત્ની હતી. આ બધી સ્ત્રીઓની તકલીફો અને ફરિયાદોની કોઈએ નોંધ રાખી નહોતી, પરંતુ સાડત્રીસમાં વર્ષે એક બાબત સ્પષ્ટ થઈ જવાની હતી કે ઓસ્કરના ઇન્ગ્રીડ સાથેના સંબંધોમાં કંઈક અંશે સ્થાયી થઈ ચૂક્યા હતા, જ્યારે ક્લોનોવ્સ્કા હંમેશાની માફક એક વફાદાર મિત્ર બની રહીને, કવચિત્‌ બંધાઈ જતા શરીરસંબંધોથી સંતુષ્ટ રહેવાની હતી; અને એમિલી તેમના લગ્નસંબંધને અતૂટ જ માનતી રહેવાની હતી. હાલ પૂરતું તો દરેકે તેને ભેટો મોકલાવી હતી, અને સૌએ પોતપોતાની સલાહો પોતાની પાસે જ રાખી હતી.

જન્મદિવસની ઉજવણીમાં બીજા કેટલાક લોકોએ પણ પોતાનો ફાળો નોંધાવ્યો હતો. યુક્રેનિયન સૈન્યના એક ઉત્કૃષ્ટ સેક્સોફોન વાદકની દેખરેખ હેઠળ હેનરી રોસનરને પોતાનું વાયોલીન લઈને લિપોવા સ્ટ્રીટ આવવાની પરવાનગી એમોને જ આપી હતી!

આ એ સમય હતો, જ્યારે શિન્ડલર સાથેના સંપર્કોથી એમોન ખૂબ જ ખુશ હતો. એમેલિયાની છાવણીને ટેકો આપવાની બદલીમાં એમોને ઓસ્કરની મર્સીડિઝ વાપરવા માગી હતી, જે ઓસ્કરે તેને હંમેશા માટે આપી પણ દીધી હતી. એ કાર ઓસ્કરે જોહ્ન પાસેથી એક દિવસ પૂરતી લીધેલી કાર જેવી જૂની નહીં, પરંતુ એમેલિયાના ગેરેજમાંની સૌથી ખૂબસુરત ગાડી ઓસ્કરે એમોનને આપી દીધી હતી!

ઓસ્કરની ઑફિસમાં સંગીતનો કાર્યક્રમ યોજાયો, જેમાં માત્ર ઓસ્કર એક જ હાજર હતો. કોઈના પણ સંગાથથી ઓસ્કર જાણે હવે ત્રાસી ગયો હતો! હેનરીની સાથે આવેલો યુક્રેનિયન સૈનિક બાથરૂમમાં ગયો ત્યારે ઓસ્કરે હેનરીની પાસે પોતાની નિરાશા વ્યક્ત કરી દીધી. યુદ્ધના સમાચારોને કારણે એ ખુબ જ વ્યથિત હતો. આજનો આ જન્મદિવસ પણ તેને ખાલિપાભર્યો લાગતો હતો. લ્વોવની બરાબર સામે, બેલોરશિયાના પ્રેપેટ માર્શિઝ વિસ્તારની પાછળ રશિયન આર્મિ આવીને પડી હતી. ઓસ્કરના ડરને કારણે હેનરી મુંઝવણમાં પડી ગયો. હેનરી એટલું જ સમજતો હતો કે રશિયનોને જો રોકવામાં ન આવે, તો શું આને અંત જ માની લેવાનો?

“તમને અહીં મોકલી આપવા માટે મેં એમોનને ઘણી વખત કહ્યું છે.” ઓસ્કરે રોસનરને કહ્યું. “તમે, તમારી પત્ની અને તમારો પુત્ર. એમોનને તમારા પ્રત્યે ખૂબ જ માન છે. પરંતુ આખરે…” હેનરી આભારવશ થઈ ગયો. પરંતુ તેને લાગ્યું કે એણે ઓસ્કરને કહી દેવું જોઈએ, કે તેનું કુટુંબ બીજે ક્યાંય પણ હોય એટલું જ પ્લાઝોવમાં પણ સુરક્ષિત હતું. આવું માનવા પાછળ હેનરી પાસે કારણ હતું. એક વખત કામ કરતી વેળાએ હેનરીના ભાઈની પત્નીને સિગરેટ પીતાં જોઈ જવાને કારણે તેને મૃત્યુદંડ આપી દીધો હતો. પરંતુ અધિકારીઓમાંથી કોઈ હેર કમાન્ડન્ટના ધ્યાનમાં એ વાત લાવ્યું, કે આ તો શ્રીમતી રોસનર છે, એકોર્ડિયનવાદક રોસનરના પત્ની. “ઓહ!” એમોને તેને માફ કરતાં કહેલું. “જો, યાદ રાખજે છોકરી, કામ પર સિગારેટ પીવી મને પસંદ નથી.”

એ રાત્રે હેનરીએ ઓસ્કરને કહ્યું, કે પોતાની સંગીત પ્રતિભાને કારણે બંને રોસનર બંધુઓ તો પ્લાઝોવમાં સુરક્ષિત હતા એવું તેને લાગતું હતું. પરંતુ તે અને તેની પત્ની મેન્સી એવું ઇચ્છતા હતા, કે તેમના આઠ વર્ષના દિકરા ઓલેકને કોઈક રીતે ઓસ્કરની છાવણીમાં લઈ આવવામાં આવે તો સારું! ઓલેક હેનરીના મિત્રો સાથે છુપાઈને ક્રેકોવમાં રહેતો હતો, પરંતુ ત્યાં રહેવું દિવસે-દિવસે જોખમી થતું જતું હતું. એક વખત ઓલેક ઓસ્કરની છાવણીમાં આવી જાય તો છાવણીના બીજા છોકરાઓ સાથે એ ભળી જશે. જેમનાં નામ પણ નોંધાયેલાં નહોતા એવા કેટલાયે છોકરા જેલની છાવણીમાં રહેતા હતા. બીજા કેદીઓ અને નીચલા દરજ્જાના અધિકારીઓ પણ તેમના પ્રત્યે આંખ આડા કાન કરીને ચલાવી લેતા હતા. પ્લાઝોવમાંથી બહાર કાઢીને ઓલેકને ઓસ્કર પાસે પહોંચાડવો એ એક જોખમી કામ તો હતું જ!

પરંતુ ટૂલબોક્સ લેવા માટે ટ્રક લઈને શહેરમાં જતો પોલદેક ફેફરબર્ગ હેનરીના પુત્રને ટ્રકમાં એક ખોખામાં સંતાડીને તેને ઓસ્કરની છાવણીમાં લઈ આવ્યો. હજુ તેને કોઈ ખાસ ઓળખતું ન હતું, અને જર્મન સરકારના આટઆટલા વંશીય કાયદાઓ છતાં એ જીવતો રહ્યો હતો એ આશ્ચર્યની બાબત હતી! ઓસ્કરની છાવણીમાં લઈ આવતી વેળાએ યુક્રેનિયનોની નજરે ચડતાં એ જરા માટે બચી ગયો હતો! ટ્રકમાં મૂકેલા ખોખામાંથી તેનો એક પગ બહાર નીકળી ગયો હતો. “મિ. ફેફરબર્ગ, મિ. ફેફરબર્ગ…” કહીને એણે પોલદેકને ચેતવ્યો હતો. યુક્રેનિયનો ટ્રકની પાછળ તલાશી લેતા હતા તે વેળાએ પોલદેકે તેનો અવાજ સાંભળ્યો. “મારા પગ બહાર દેખાઈ રહ્યા છે.”

એ સમયને યાદ કરીને હેનરી, ભલે સાવચેતીપૂર્વક, પરંતુ આજે પણ હસી પડે છે. કારણ કે એ સમયે હજુ તો તેમણે કેટલીયે નદીઓ પાર કરવાની હતી! પરંતુ શિન્ડલરનું એ સમયનું નાટકીય વર્તન સંકેતોથી સભર જણાતું હતું. જન્મદિવસની એ સાંજે જ નિરાશા તેને ઘેરી વળી હતી! તેનું વર્તન પણ શરાબનો નશો ભળેલી એ નિરાશામાંથી જ ઊગ્યું હોય તેમ લાગતું હતું. પોતાની ખુરશીને ઊંચકીને એ ફ્યૂહરરના ચિત્રની બરાબર સામે ઊભો રહ્યો. ઘડીભર એવું લાગ્યું કે એ ચિત્ર પર ઢળી પડશે. પરંતુ તરત જ એ પોતાની એડી પર ગોળ ફરી ગયો, અને ચારે પાયા જમીનથી સરખા અંતરે રહે એ રીતે ખુરશીને નીચી કરીને અચાનક જ નીચે પટકી! ઑફિસની દિવાલ ધ્રુજી ગઈ. પછી એ બોલ્યો, “બહાર એ લોકો લાશોને સળગાવી રહ્યા છે, ખરી વાત છેને?”

કમરામાં જાણે કોઈ દુર્ગંધ ફેલાઈ ગઈ હોય એમ હેનરીએ મોં મચકોડ્યું. “એ લોકોએ શરૂ કરી દીધું છે.” એણે સ્વીકાર કરતાં કહ્યું. નોકરશાહીની ભાષામાં પ્લાઝોવનું નામ હવે જ્યારે એક કોન્સન્ટ્રેશન કેમ્પ તરીકે ચડી જ ગયું હતું, ત્યારે ત્યાંના કેદીઓને સમજાઈ ચૂક્યું હતું કે એમોનની સામે ઊભા રહેવું હવે એટલું જોખમી ન હતું, કારણ કે ઓરેનેઇનબર્ગના અધિકારીઓ એટલી ઝડપથી દેહાંતદંડ આપી દેવાના મતના ન હતા. બટાકા છોલવામાં ધીમા પડનારને પણ ઠાર કરી શકવાના દિવસો હવે રહ્યા ન હતા! હવે નક્કી કરેલી ચોક્કસ કાર્યવાહી કર્યા પછી જ કોઈનો પણ નિકાલ કરી શકાતો હતો! સુનવણી કરીને તેનો અહેવાલ હવે ત્રણ નકલમાં ઓરેઇનબર્ગ મોકલવામાં આવતો હતો. માત્ર જનરલ ગ્લૂકની જ નહીં, જનરલ પોહ્લના વિભાગ ડબ્લ્યુ (આર્થિક વહીવટ)ની ઑફિસ દ્વારા પણ દેહાંતદંડની સજાને મંજુરી મળવી જરૂરી હતી. કમાન્ડન્ટ કોઈ આવશ્યક કામદારને મારી નાખે તો ડબ્લ્યુ વિભાગે તેના વળતરના દાવાનો સામનો કરવો પડતો હતો. દાખલા તરીકે, દકાઉના ગુલામ મજૂરોનો ઉપયોગ કરતી પોર્સેલિન ઉત્પાદક એલેક-મ્યૂનિક લિમિટેડે તાજેતરમાં જ ૩૧,૮૦૦ જર્મન માર્કની રકમ માટે કોર્ટમાં દાવો કર્યો હતો. કારણ તરીકે તેમણે જણાવ્યું હતું કે “જાન્યુઆરી ૧૯૪૩માં ટાયફોઈડની મહામારી ફેલાવાને કારણે અમને જાન્યુઆરી ૨૬, ૧૯૪૩થી માર્ચ ૩, ૧૯૪૩ સુધી કેદી મજૂરો મળ્યા ન હતા. અમારા મંતવ્ય પ્રમાણે બિઝનેસ કોમ્પેન્સેસન સેટલમેન્ટ ફંડની શરત નંબર ૨ મુજબ અમે વળતર મેળવવાને પાત્ર ગણાઈએ…”

કોઈ કુશળ કારીગર ગોળી ચલાવવાનો શોખ ધરાવતા અધિકારીની ધૂનનો શિકાર બની જાય તો-તો ડબ્લ્યુ વિભાગ ખાસ જવાબદાર ગણાતું હતું. આથી દફતરીકામ અને વિભાગીય ગુંચવાડાને ટાળવા માટે એમોન મોટા ભાગે તો પોતાના હાથને કાબૂમાં જ રાખતો હતો!

‘૪૪ની સાલની વસંત દરમ્યાન અને ઉનાળાની શરૂઆતમાં એમોનની સાવ નજીકથી પસાર થવામાં પણ લોકોને ડર લાગતો ન હતો; પરંતુ ડબ્લ્યુ વિભાગ અને જનરલ પોહ્લ અને ગ્લક્સ કેવા છે, તે બાબતે તેઓ કંઈ જાણતા ન હતા. આમ જોવા જઈએ તો એ બંનેની દયા પણ એમોનના ગાંડપણ જેટલી જ રહસ્યભરી હતી! છતાંયે, ઓસ્કરે હેનરી રોસનરને કહ્યું હતું તે પ્રમાણે પ્લાઝોવમાં તેઓ મૃતદેહોને સળગાવી રહ્યા હતા ખરા! રશિયન આક્રમણનો સામનો કરવા માટે એસએસ પૂર્વ વિસ્તારના પોતે સ્થાપેલા સંસ્થાનોનો વિનાશ કરી રહી હતી. ટ્રેબ્લિંકા, સોબીબોર અને બેલઝેકની છાવણીઓને  અગાઉ પાનખરમાં જ ખાલી કરી દેવામાં આવ્યા હતા. એ છાવણીઓ ચલાવનાર જર્મન એસએસની ટૂકડીઓને, ત્યાંની ગેસ ચેમ્બરો ઉપરાંત, યહૂદીઓના મૃતદેહોને જ્યાં દાટવામાં આવેલા એ કબ્રસ્તાનોને પણ બોમ્બ વડે રફેદફે કરી નાખીને એ જગ્યાઓની ઓળખ સ્થાપિત કરી શકાય એવા કોઈ સુરાગ ન છોડવાના, અને એ પછી ત્યાંથી ઈટલી પહોંચી જઈને બળવાખોરોની સામે લડવા માટેના આદેશો અપાઈ ચૂક્યા હતા. સિલેસિયાની ઉપરવાસે સુરક્ષિત ભૂમિ પર ઊભેલા ઓસ્વિટ્ઝના તોતિંગ સંકુલે પૂર્વ વિસ્તારોમાં ચાલતું તેમનું એ મહાન કાર્ય ચાલુ રાખવાનું હતું! એક વખત ત્યાંનું કામ તમામ થઈ જાય, એટલે ત્યાંના કબ્રસ્તાનને પણ ધરતીમાં દાટી દેવાનું હતું, કારણ કે ત્યાં જો કબ્રસ્તાન હોવાનો કોઈ પૂરાવો જ ન હોય, તો તેમાં દટાયેલા મૃતકો કોઈ રીતે ત્યાં ઘટેલી ઘટનાઓની સાહેદી આપી શકવાના ન હતા, અને પવન સાથે વહી જતી પાંદડાં પરની નગણ્ય ધૂળ જેવા નકામા બની જવાના હતા!

પરંતુ પ્લાઝોવનો કિસ્સો એટલો સરળ ન હતો, કારણ કે અહીં તો આખા પ્લાઝોવમાં કેટલાયે મૃતદેહો રખડતા પડ્યા હતા! ૧૯૪૩ની વસંતમાં જર્મનોએ ઉત્સાહમાં આવી જઈને કેટલાયે મૃતદેહોને જંગલમાં બનાવેલી સામુહિક કબરોમાં ફેંકી દીધા હતા; ખાસ કરીને એવા યહૂદીઓના મૃતદેહો, જેમને પ્લાઝોવની વસાહતમાં છેલ્લા બે દિવસમાં જ મારી નાખવામાં આવ્યા હતા! હવે વિભાગ ડી દ્વારા એમોનને જ એ મૃતદેહો શોધી કાઢવાનો આદેશ આપવામાં આવ્યો હતો!

પ્લાઝોવમાં હત્યા કરાયેલા યહૂદીઓના મૃતદેહોના આંકડાના જુદા-જુદા અંદાજો વચ્ચે ઘણો તફાવત હતો. પોલેન્ડમાં નાઝી દુષ્કૃત્યોની તપાસ માટેના મુખ્ય આયોગ અને અન્ય સ્ત્રોત અનુસાર, અન્ય જગ્યાએથી આવેલા કેદીઓ સહીત ૧૫૦,૦૦૦ કેદીઓ પ્લાઝોવ અને તેની પેટા છાવણીઓમાંથી પસાર થયા હતા. પોલેન્ડના માનવા મુજબ, તેમાંથી ૮૦,૦૦૦ કેદીઓ છાવણીમાં જ મૃત્યુ પામ્યા હતા, જેમાંના મોટા ભાગના કેદીઓ ‘ચુજોવા ગોર્કા’ના સામુહિક હત્યાકાંડમાં અથવા રોગચાળાને કારણે અન્યત્ર મૃત્યુ પામ્યા હતા.

મૃતદેહોને સળગાવવાના ભયાનક કામનું જેમને સ્મરણ છે તેવા પ્લાઝોવના બચી ગયેલા કેદીઓ આ આંકડાઓ સાંભળીને મુંઝાઈ જાય છે. તેમના કહેવા મુજબ તેમણે ખોદી કાઢેલા મૃતદેહોની સંખ્યા ૮૦૦૦ અને ૧૦૦૦૦ની વચ્ચે જ હતી, અને તેઓ એ આંકડામાં કોઈ અતિશયોક્તિ કરવા માગતા નથી! જો કે આ પણ એક ભયાનક આંકડો જ છે! પરંતુ ‘ચુજોવા ગોર્કા’ અને પ્લાઝોવની આજુબાજુની અન્ય જગ્યાઓએ પણ પોલિશ, જિપ્સી અને યહૂદી પ્રજાની હત્યા વર્ષભર ચાલુ જ રહી હતી! અને સામુહિક હત્યાકાંડ કર્યા પછી મૃતદેહોને ઓસ્ટ્રિયન ફોર્ટની અંદર જ સળગાવી દેવાનું કામ એસએસ દ્વારા પોતે જ ઊપાડી લેવામાં આવ્યું હતું એ બાબતને પણ ગણતરીમાં લેવામાં આવે, તો આ બંને અનુમાનો વચ્ચેનું અંતર ઓછું થતું જાય છે!

તે ઉપરાંત, જંગલમાંથી મૃતદેહોને ખોદી કાઢવાના કામમાં એમોન સંપૂર્ણપણે સફળ પણ નહોતો રહ્યો! યુદ્ધ પૂરું થયા પછી હાથ ધરાયેલા ખોદકામ દરમ્યાન હજારો વધારે મૃતદેહોને શોધી કાઢવામાં આવ્યા હતા! અને હવે જ્યારે ક્રેકોવનો પરા વિસ્તાર પ્લાઝોવ સાથે ભળી ગયો છે ત્યારે મકાનો માટે પાયા ખોદતી વેળાએ આજે પણ જમીનમાંથી હાડકા મળી આવે છે! પોતાના જન્મદિવસના થોડા દિવસો પહેલાં જ ઓસ્કરે પોતાના વર્કશોપની ઉપરવાસે આવેલી જગ્યાની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમ્યાન ચિતાની એક લાંબી હારમાળા તેના જોવામાં આવી હતી! એક અઠવાડિયા બાદ એણે ફરીથી જ જઈને જોયું તો ત્યાં ગતિવિધિઓ વધી ગઈ હતી. ચહેરા પર બુકાની બાંધેલા, અને ઉલટી કરી રહેલા પુરુષ કેદીઓ જમીન ખોદીને તેમાંથી મૃતદેહોને બહાર કાઢી રહ્યા હતા. ધાબળા, હાથગાડી અને ખાટલામાં નાખી-નાખીને મૃતદેહોને ચિતા પાસે લાવીને લાકડાના ચોકઠા પર ગોઠવવામાં આવી રહ્યા હતા. આ રીતે એકની ઉપર બીજી ચિતા બનાવવામાં આવતી હતી અને ખભા જેટલી ઊંચાઈએ પહોંચે એટલે ઇંધણથી પલાળીને ચિતાને સળગાવી દેવામાં આવતી હતી. સળગતા મૃતદેહના હલનચલનને જોઈને ફેફરબર્ગ તો ભયત્રસ્ત થઈ ગયો હતો, ક્ષણભર માટે મૃતદેહોમાં જાણે જીવ આવી જતો હતો! સળગતા લાકડાને ફગાવીને મૃતદેહો હાથ પગ લાંબા કરતાં ચિતા પર બેઠા થઈ જતા હતા અને એમનાં મોં જાણે છેલ્લી ચીસ નાખવા માટે ખુલી જતાં હતાં! આ દૃશ્ય જોઈને જંતુમુક્તિ કેન્દ્રમાંથી આવેલો એક યુવાન એસએસ સૈનિક તો હાથમાં પિસ્તોલ પકડીને ચિતાઓ વચ્ચે એલફેલ આદેશો આપતો ચીસો પાડતો દોડવા લાગ્યો હતો! સળગતા મૃતદેહોમાંથી ઊડતી રજ આકાશમાંથી જુનિયર અધિકારીઓની વિલાના પાછળના બગીચામાં સુકવેલા કપડાં પર અને તેમના વાળ પર ખરી રહી હતી. નજીકની કોઈક ફેક્ટરીમાંથી નીકળતા ધુમાડાની માફક, સળગતા મૃતદેહોની હવામાં ઊડી રહેલી રજને પણ લોકો સહજતાથી શ્વાસમાં લઈ રહ્યા હતા. એ ધુમ્મસ વચ્ચે ઘોડા પર બેસીને મેજોલાની સાથે એમોન પણ નિરાંતે લગામ પકડીને એ જ સમયે જઈ રહ્યો હતો. એ જ રીતે લિઓ જોહ્ન પણ પોતાના બાર વર્ષના પુત્રની સાથે જંગલના ભેજવાળા મેદાનોમાં દેડકાનાં બચ્ચાં પકડવા જઈ રહ્યો હતો. આગની જ્વાળાઓ અને મૃતદેહ સળગવાની વાસ તેમના રોજિંદા જીવનને કોઈ રીતે ખલેલ પહોંચાડતી ન હતી!

બારીઓના કાચ ચડાવીને મોં અને નાક પર હાથરૂમાલ દબાવીને પોતાની બીએમડબ્લ્યુની ડ્રાઈવર સીટ પર બેઠેલો ઓસ્કર વિચાર કરતો હતો, કે એ લોકો મૃતદેહોને આટલી શાંતિથી કઈ રીતે બાળી શકતા હશે! ગઈ ક્રિસમસના સમયે સાઇમક સ્પાઇરાએ વસાહતના વિસર્જનનું કામ પૂરું કર્યું કે તરત જ, વસાહતની યહૂદી પોલીસના બધા માણસોને અને તેમના કુટુંબીઓને પણ એસએસ દ્વારા મારી નાખવામાં આવ્યા હતા! ઓસ્કરને ત્યારે પણ ખૂબ આશ્ચર્ય થયું હતું! ઝાંખા પ્રકાશવાળી એક બપોરે બધા જ યહૂદી પોલીસોને, તેમની પત્નીઓને અને સંતાનોને એક સ્થાને એકઠા કરવામાં આવ્યાં હતાં. એ ઠંડી ગાર ઢળતી સાંજે એમણે ગોળીઓ મારીને બધાંનો એકસાથે નિકાલ કરી દીધો હતો. જેમાં સાઇમક સ્પાઇરા અને ઝેલિંગર જેવા એસએસના સૌથી વફાદાર યહૂદી પોલીસો અને તેમના અન્ય વિરોધીઓનો પણ એમણે નિકાલ કરી નાખ્યો હતો. સ્પાઇરા, તેની શરમાળ પત્ની અને એમનાં બીચારાં બાળકો જેમને ફેફરબર્ગે ભણાવ્યાં હતાં, એ બધાં જ કડકડતી ઠંડીમાં નગ્નાવસ્થામાં ઠુઠવાતાં એકબીજાને ચીપકીને વર્તુળાકારે ઊભાં હતાં. સ્પાઇરાનો નેપોલિયન જેવો યહૂદી પોલીસનો ગણવેશ પણ પ્રવેશદ્વાર પર જ તેના શરીર પરથી ઊતરાવી લેવામાં આવ્યો હતો, અને ધોવડાવવા માટે એકઠા કરેલા કપડાંના ઢગલામાં ફેંકાઈને પડ્યો હતો. અને તો પણ સ્પાઈરા પત્ની અને બાળકોને આશ્વાસન આપી રહ્યો હતો, કે તેમને કંઈ જ નહીં થાય!

એ ઘટનાએ ઓસ્કરને એટલા માટે આઘાત આપ્યો હતો, કે તેમની હત્યાથી એ સાબીત થઈ જતું હતું કે એક યહૂદી જર્મનો સામે ગમે તેટલો આજ્ઞાંકિત બનીને રહે કે તેમની સામે ઝૂકતો રહે તો પણ, તે જીવતો રહેશે એવી કોઈ જ ખાતરી મળવાની ન હતી! અને હવે, જે કૃતઘ્નતાપૂર્વક એમણે સ્પાઇરાના કુટુંબની હત્યા કરી નાખી હતી, તે જ રીતે તેઓ છાનામાના એમના મૃતદેહોને સળગાવી પણ રહ્યા હતા. ગતર કુટુંબની પણ તેમણે એ જ દશા કરી હતી! આગલા વર્ષે બધા એમોનને ઘેર ભોજન માટે મળ્યા ત્યારે આ બધું બન્યું હતું. ઓસ્કર તો ભોજન પતાવીને એ દિવસે પોતાને ઘેર જવા માટે વહેલો નીકળી ગયો હતો, પરંતુ પાછળથી તેને ખબર પડી હતી, કે તેના ગયા પછી શું-શું બની ગયું હતું! જોહ્ન અને ન્યુશેલે બૉસની ઠેકડી ઊડાડવાનું શરુ કર્યું હતું. એ લોકો બૉસને થોડો ચીકણો માનતા હતા. યહૂદીઓના મૃતદેહોને ખાડામાં ફેંકી દઈને નિકાલ કરવાનો બહોળો અનુભવ પોતાને હોવાની દલીલ બૉસ કરી રહ્યો હતો. પરંતુ હાજર રહેલામાંથી કોઈએ ક્યારેય તેને કોઈની પણ હત્યા કરતો જોયો હોય એવું બન્યું ન હતું!

એ સાંજે કલાકો સુધી તેની મજાક ઊડાડવાનું ચાલતું રહ્યું હતું. આખરે પોતાની વાત સાબીત કરવા માટે બૉસે પુરુષોની બેરેકમાં ઊંઘી રહેલા ડેવિડ ગતર અને તેના પુત્રને, અને સ્ત્રીઓની બેરેકમાંથી તેની પુત્રી અને પત્નીને ઊઠાડ્યાં.

ફરી એક વખત જર્મનોના વિશ્વાસુ યહૂદી નોકરોની સ્થિતિની વાત સામે આવીને ઊભી રહી હતી. ડેવિડ ગતર યહૂદી મંડળનો છેલ્લો પ્રમુખ હતો અને એણે એકે-એક બાબતે જર્મનોને સહકાર આપ્યો હતો, પોમોર્સ્કા સ્ટ્રીટ જઈને એસએસની કાર્યવાહી બાબતે કે પછી બેલઝેક મોકલી આપવામાં આવતા યહૂદીઓની બાબતે એણે ક્યારેય કોઈ પ્રશ્ન ઊભો નહોતો કર્યો. એમણે જ્યાં કહ્યું ત્યાં ગતરે સહી કરી આપી હતી અને તેમની દરેક માંગણીને એણે વ્યાજબી માની લીધી હતી! તે ઉપરાંત ખિસ્સાં ભરી-ભરીને ઘરેણાં અને ટ્રકો ભરી-ભરીને નવી ગાદી નાખેલા ફરનીચરને કાળાબજારમાં વેંચવા માટે ક્રેકોવ સુધી મોકલીને પ્લાઝોવની અંદર અને બહાર પોતાના કોઈ એજન્ટની જેમ બૉસે ગતરનો ઉપયોગ કર્યો હતો. અને ગતરે આ બધાં કામો એટલે કર્યાં હતાં કે આમ પણ એ બદમાશ માણસ જ હતો, પરંતુ ખાસ તો એ એવું માનતો હતો કે એ કામો કરવાથી તેને, તેની પત્ની અને બાળકોને માફી મળી જશે! અને એ વહેલી સવારે બે વાગ્યે ફેફરબર્ગ અને સ્ટર્નના મિત્ર અને યહૂદી પોલીસમેન એવા ઝોડરને સમાચાર મળ્યા, કે બૉસ ગતર કુટુંબને સ્ત્રીઓની છાવણી નજીકના મેદાનમાં આવેલા એક ખાડામાં ઊભા રહેવાના હુકમો આપી રહ્યો હતો. આગળ જતાં, શરાબના નશામાં જર્મન અધિકારીઓ વચ્ચે થયેલી ધાંધલ દરમ્યાન એ જ યહૂદી પોલિસમેન ઝોડરને પિલાર્ઝિકે ગોળી મારીને મારી નાખ્યો હતો. પરંતુ આજે રાત્રે તો એ જ ઝોડર સ્ત્રીઓની છાવણીના દરવાજે ફરજ પર હતો. ડેવિડનાં બાળકો આજીજી કરી રહ્યા હતા, પરંતુ ડેવિડ અને તેની પત્ની સમજતાં હતાં કે આજીજી કરવાનો કોઈ અર્થ ન હતો. અને આજે ઓસ્કર એ પણ જોઈ રહ્યો હતો કે આ બધા જ પુરાવા, ગતર કુટુંબ, સ્પાઇરા કુટુંબ, પેલા બહારવટિયા, પાદરીઓ, બાળકો, આર્યન દસ્તાવેજ સાથે પકડાઈ ગયેલી એ સુંદર યુવતીઓ, બધા જ પુરાવાઓનો આજે નાશ થઈ રહ્યો હતો! રખેને ક્યાંક રશિયનો પ્લાઝોવ સુધી આવી ચડે અને આ બધું જાહેર કરી દે તો? અને એટલે જ ઓરેઇનબર્ગ તરફથી આવેલા પત્રમાં એમોનને સંબોધીને લખવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં કોઈ પણ મૃતદેહનો નાશ કરતી વેળાએ ખાસ કાળજી રાખવી. કબ્રસ્તાનની જગ્યાની ચોકસાઈ માટે હેમ્બર્ગ ઇજનેરી ફર્મ તરફથી એક પ્રતિનિધિને મોકલવા બાબતે પણ એ પત્રમાં લખવામાં આવેલું હતું. એ પ્રતિનિધિ આવે ત્યાં સુધી, મૃતદેહોને ભવિષ્યમાં બહાર કાઢી શકાય એ માટે ચોક્કસ નિશાની કરેલી જગ્યાએ જ દાટવાની સૂચના પણ એમોનને આપવામાં આવી હતી.

એ જ સ્થળની બીજી મુલાકાત દરમ્યાન ચુજોવા ગોર્કા પર આગની તીવ્રતા જોઈને જર્મનીના આ ગાંડપણભર્યા વહીવટને જોતાં કારમાં જ બેઠા રહીને પોતાને ઘેર ચાલ્યા જવાનું ઓસ્કરને મન થઈ આવ્યું! પરંતુ એમ કરવાને બદલે, તેણે વર્કશોપમાંથી પોતાના મિત્રોને પણ ત્યાં બોલાવી લીધા, અને પોતે એ પછી સ્ટર્નની ઑફિસમાં ગયો. તેને લાગ્યું કે હવામાંથી બારી પર વરસી રહેલી આટલી બધી રજ જોઈને પ્લાઝોવમાં રહેતા લોકો આત્મહત્યા કરી લેવાનું નક્કી કરી લે તો પણ નવાઈ નહીં! જો કે અત્યારે તો એ પોતે જ વધારે નિરાશ થયેલો દેખાતો હતો. સામાન્ય રીતે એ જે સવાલો એ પૂછતો હતો એ પણ એણે આજે પૂછ્યા નહીં! જેમ કે, “ઠીક છે, હેર સ્ટર્ન, ઈશ્વરે માણસને જો પોતાની પ્રતિકૃતિ જેવો જ બનાવ્યો હોય તો મને કહે, કે કઈ જાતીના લોકો તેના જેવા જ દેખાતા હશે? પોલેન્ડવાસીઓ કે પછી ચેક?” આ પ્રકારના કોઈ તરંગો આજે તેના મનમાં ઊઠતા ન હતા. તેને બદલે આજે તો એ ઘુરક્યો, “આ બધા સમજે છે શું?” સ્ટર્ને તેને જવાબ આપ્યો, કે કેદી તો આખરે કેદી છે. તેઓ તો પોતાને સોંપાયેલું કામ કરે છે, અને બદલામાં પોતે જીવતો રહે એવી આશા સેવે છે!

“હું તમને બધાને આમાંથી બહાર કાઢવાનો છું,” ઓસ્કર બધાની સામે જોઈને ગરજ્યો. પોતાના ટેબલ પર એણે મુક્કો પછાડ્યો. “હું તમને બધાને આમાંથી બહાર કાઢવાનો છું…”

“બધાને?” સ્ટર્ને પૂછ્યું. તેને આ વાતમાં કોઈ વિશ્વાસ પડતો ન હતો. આવું મોટું ઐતિહાસિક બચાવકાર્ય આ સમયે કઈ રીતે થઈ શકે?

“હા.” ઓસ્કરે જવાબ આપ્યો. “તું જોઈ લેજે.”

.

આપનો પ્રતિભાવ આપો....