શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૬) 1


પ્રકરણ ૨૬

આ તરફ રાઇમન્દ ટિસ કંઈક જૂદી જ રીતે યહૂદીઓને મદદ કરી રહ્યો હતો. સૌમ્ય સ્વભાવનો ટિસ એક હોશિયાર ઓસ્ટ્રિઅન કેથલિક હતો. પગે એ થોડો લંઘાઈને ચાલતો હતો, જેના માટે કોઈ પહેલા વિશ્વયુદ્ધને જવાબદાર ઠેરવતું હતું, તો કોઈ તેને માટે બાળપણમાં થયેલા કોઈક અકસ્માતને કારણભૂત ગણતું હતું.

એમોન કે ઓસ્કર કરતાં એ દસ વર્ષ મોટો હતો. પ્લાઝોવની છાવણીમાં આવેલી જુલિયસ મેડરિટ્ઝની ગણવેશની ફેક્ટરીમાં કામ કરતા ત્રણ હજાર દરજીઓ અને મિકેનિકોનો વહીવટ એ જ સંભાળતો હતો. મેડરિટ્ઝની ફેક્ટરી સાથે વહીવટીભવન ટેલીફોન લાઈન વડે જોડાયેલું હતું, એટલે એમોન ઘણી વખત ટિસને પોતાની ઑફિસમાં ચેસ રમત રમવા માટે બોલાવતો હતો. પહેલી વખત રાઇમન્ડ એમોન સાથે રમવા ગયો ત્યારે અડધો કલાક થઈ જવા છતાં રમત એમોનની તરફેણમાં પૂરી ન થઈ!

આથી પોતાના ઉત્સાહને મહાપરાણે વશમાં રાખીને ખાસ કશા જ ઉત્સાહ વગર જ્યારે ટિસે “માત!” બોલી દીધું, અને એમોનના ચહેરા પરના ગુસ્સાને એ આશ્ચર્ય સાથે જોઈ રહેલો. હારેલો એમોન પોતાનો કોટ અને ગન બેલ્ટ પહેરીને, બટન બંધ કરતો-કરતો માથે ટોપી મૂકીને ચાલ્યો ગયેલો.

ભયભીત થઈ ગયેલા રાઇમન્ડ ટિસે તો એમ માની જ લીધેલું કે ચેસની રમતમાં તેને આ નાનકડો વિજય મળ્યો તેના માટે એમોન નીચે ટ્રોલીના પાટા પાસે જઈને જરૂર કોઈ કેદીને જવાબદાર ઠેરવશે! એ પહેલી સાંજ પછી, ટિસે નવો જ રસ્તો અપનાવી લીધો. કમાન્ડન્ટની સામે હારી જવામાં પણ એ ત્રણ કલાક લગાડતો! એ દિવસ પછી વહીવટીભવનમાં કામ કરતો કોઈ કેદી ટિસને ચેસ રમવાની ફરજ બજાવવા જેરોઝોલિમ્સ્કામાં ઉપર જતો જુએ, એટલે એ સમજી જતો કે આજની સાંજ શાંતિથી પસાર થશે! અને નિશ્ચિંત થઈને કેદી એ સાંજ પૂરતી સુરક્ષાની બાંહેધરી છેક વર્કશોપમાં કામ કરતાં અન્ય કેદીઓ અને ટ્રોલીઓને ધક્કો મારતા મજૂરો સુધી પહોંચાડી દેતો!

પરંતુ રાઇમન્ડ ટિસ આ રીતે માત્ર રક્ષણાત્મક ચેસ રમીને જ સંતોષ નહોતો માની લેતો! ઓસ્કરની સાથે પ્લાઝોવની મુલાકાતે આવેલા ડૉ. સેદલસેક અને તેમના પોકેટ કેમેરાવાળા મિત્રની માફક ટિસે પોતે પણ સ્વતંત્રપણે પ્લાઝોવની છાવણીના ફોટા પાડવાનું શરૂ કરી દીધું હતું. પટ્ટીવાળો ગણવેશ પહેરીને ટ્રોલી લાઇન પર કામ કરતા કેદીઓ, બ્રેડ અને સુપનું વિતરણ, ગટર અને પાયાનું ખોદકામ, વગેરેના ફોટા એણે પાડી લીધા હતા. મેડ્રિટ્ઝના વર્કશોપમાં ગેરકાયદે આવતી બ્રેડના ફોટા પણ તેમાં સામેલ હતા. જુલિઅસ મેડરિટ્ઝની સંમતીથી અને તેના જ ખર્ચે, રાઇમન્ડ પણ કાપડની ગાંસડી અને તાકાઓ નીચે સંતાડીને ગોળ બ્રાઉન બ્રેડ પ્લાઝોવની અંદર લઈ આવીને કેદીઓ સુધી પહોંચાડતો હતો. મુખ્ય રસ્તાથી સંતાઈને ટાવરની સામેની દિશામાં આવેલા છાવણીના સ્ટેશનરી પ્લાન્ટની આડશે ઊભા રહીને ટિસ, મેડરિટ્ઝના ભંડારમાં હાથોહાથ પહોંચાડાતી રાયની ગોળ બ્રેડના ફોટા પણ પાડી લેતો હતો!

મેદાનમાં રમતા કે કૂચ કરીને ફરજ પર જઈ રહેલા એસએસ અને યુક્રેનિયન સૈનિકોના ફોટા પણ ટિસે પાડી લીધા હતા. થોડા જ સમય પછી જેના પર ઘાતકી કુતરાઓને છોડી મૂકીને શરીરના ટૂકડેટૂકડા કરી નાખવામાં આવવાના હતા એ યહૂદી ઇજનેર કાર્પની દેખરેખ હેઠળ કામ કરતી યહૂદીઓની એક ટૂકડીના ફોટા પણ એણે પાડ્યા હતા! પ્લાઝોવના એક વિશાળ દૃશ્યમાં એણે છાવણીનો સંપૂર્ણ વ્યાપ અને તેની તારાજીની ઝીણવટભરી વિગતો પણ ઝડપી લીધી હતી. અગાસી પર આરામખુરસીમાં આરામ કરતા કમાન્ડન્ટ એમોનના ક્લોઝ-અપ પણ એણે લઈ લીધેલા!

લગભગ ૧૨૦ કિલોએ પહોંચેલા એમોનને એસએસના નવા-સવા ડૉક્ટર બ્લેન્કે કહેલું, “બસ, એમોન! થોડું વજન ઉતારવું પડશે તમારે.” એમોનના બે કુતરા રોલ્ફ અને રાલ્ફ તડકામાં લાંબી ફલાંગો ભરીને દોડતાં હોય તેના, અને એમાંના એક કુતરાનો કોલર પકડીને આનંદ લેતી હોવાનો દેખાવ કરતી મેજોલાના ફોટા એણે પાડ્યા હતા, તો સફેદ ઘોડા પર રાજવી અંદાજમાં બેઠેલા એમોનના ફોટા પણ એણે પાડેલા.

પરંતુ આ બધા જ ફોટા પાડ્યા પછી રોલ એણે ધોવડાવ્યા ન હતા. રોલના સ્વરૂપમાં ફોટા વધારે સુરક્ષિત અને હેરફેર કરવા માટે હાથવગા રહે તેમ હતા. ક્રેકોવના પોતાના એપાર્ટમેન્ટમાં, લોખંડના એક બોક્સમાં એણે એ રોલ સંતાડી દીધા હતા. મેડરિટ્ઝની ફેક્ટરીમાં કામ કરતા યહૂદીઓએ ચોરી-છૂપીથી બચાવી રાખેલી થોડી-ઘણી વસ્તુઓ પણ એણે ત્યાં જ સંતાડી રાખી હતી. પ્લાઝોવના કેદીઓએ, પોતાના માથે કોઈક જોખમ આવી પડે એવા સમયે, કેદીઓના નામની યાદી લઈને આવનાર જર્મન અધિકારીના હાથમાં કે પછી ઢોરના ડબ્બાઓનાં બારણાં ખોલ-બંધ કરનાર માણસોના હાથમાં લાંચ પેટે મૂકવા માટે બધા જ કેદીઓએ કોઈને કોઈ જણસ સાચવી રાખી હતી! ટિસ જાણતો હતો કે જીવતા રહેવા માટે મરણિયા બનેલા લોકોએ જ પોતાની જણસ તેની પાસે જમા કરાવી રાખી હતી! કેટલાક કેદીઓ એવા પણ હતા, જેમણે વીંટીઓ, ઘડિયાળો અને ઘરેણાંનો જથ્થો પ્લાઝોવમાં જ પોતાની પાસે ક્યાંક સંતાડીને રાખ્યો હતો. એવા લોકોને તો ટિસની ગરજ ન હતી! એ કેદીઓ તો અવારનવાર પોતાની જરૂરિયાતો અને સગવડોના બદલામાં તેની લેવદદેવડ કરી લેતા હતા! પરંતુ આન્ટી યાન્કાના બ્રોશ કે અંકલ મોરચેની ઘડિયાળ જેવી દસ-બાર કુટુંબોની આખરી પૂંજી ટિસના ફોટાની સાથે જ સંતાડવામાં આવેલી હતી. જો કે પ્લાઝોવ પર જર્મનોની હકુમત ખતમ થઈ ગયા બાદ, સ્કર્નર અને ઝરદા નાસી ગયા પછી એસએસની મુખ્ય આર્થિક અને વહીવટી કચેરીની બધી જ ફાઈલોને પોટલાંમાં બાંધીને ટ્રકોમાં ચડાવીને પુરાવા સ્વરૂપે લઈ જવામાં આવી હતી, એટલે એ રોલને ધોવડાવીને ફોટા છપાવવાની કોઈ જરૂરિયાત કે કારણો ટિસ માટે રહ્યા ન હતા. એસએસના ભૂતપૂર્વ અધિકારીઓના યુદ્ધોત્તર ગુપ્ત સંગઠન ‘ઓડેસા’ની ફાઈલોમાં ટિસનું નામ એક દગાબાજ તરીકે નોંધવામાં આવ્યું હતું, તો માનવતાને ખાતર મેડરિટ્ઝના કેદીઓને બ્રેડના ત્રીસ હજાર પેકેટ, કેટલીયે મરઘી અને કેટલાયે કિલો માખણ પહોંચાડવા બદલ ઈઝરાયલ સરકારે ટિસનું બહુમાન કરેલું અને છાપાઓમાં પણ તેને ખાસ્સી પ્રસિદ્ધિ મળેલી. જો કે વિયેનાની શેરીઓમાં એ નીકળતો ત્યારે જર્મન તરફી કેટલાક લોકો તેને ધમકી આપીને ‘યહૂદીના વહાલા’ કહીને તેની સામે પોતાની નારાજગી વ્યક્ત કરતા હતા. આથી, પ્લાઝોવના દૃશ્યોના એ રોલ, એ પછીનાં વીસ વર્ષ સુધી ટિસે જ્યાં સંતાડ્યા હતા ત્યાં વિયેનાના એક પરાના બગીચાની માટી હેઠળ જ દબાઈને રહી ગયા હતા! કદાચ એ ફોટા હંમેશને માટે ત્યાંને ત્યાં જ દબાઈ રહેત! એમોનની પ્રેમિકા મેજોલા, તેના ઘાતકી કુતરાઓ, કેટલાયે અનામી ગુલામ મજૂરોના એ કાલીમાભર્યા રહસ્યમયી દૃશ્યો પર રોલની પટ્ટી પરનું પ્રવાહી ફરી વળીને સુકાઈ જ જાત! ૧૯૬૩ના નવેમ્બરમાં શિન્ડલરે બચાવેલા એક કામદાર, નામે લિઓપોલ્ડ ફેફરબર્ગ, જેણે એ બોક્સ અને તેની અંદરની તમામ વસ્તુઓને જીવલેણ હૃદયરોગથી પીડાતા રાઇમન્ડ ટિસ પાસેથી ખાનગી રાહે પાંચસો ડૉલરમાં ખરીદી લીધી હતી, એ ઘટનાને પ્લાઝોવની કેદમાં રહેલા યહૂદી કેદીઓનો એક મહાન વિજય જ ગણવો જોઈએ! રાઇમન્ડ ટિસ તો એમ જ ઇચ્છતો હતો, કે પોતાના મૃત્યુ સુધી એ રોલ ધોવાઈને ફોટા સ્વરૂપે બહાર ન આવે! એમોન ગેટે, સ્કર્નર કે ઓસ્વિટ્ઝ જેવા નામોથી પ્લાઝોવના દિવસોમાં પણ એ એટલો ડર્યો ન હતો, જેટલો ઓડેસાના અનામી ઓછાયાએ એ પછીના સમયમાં તેને ડરાવ્યો હતો!

તેની દફનક્રિયા પછી એ રોલને ડેવલપ કરાવવામાં આવ્યા. લગભગ બધા જ ફોટા સ્પષ્ટ છપાયા હતા. એમોનની અને છાવણીની ક્રૂરતાથી જે કોઈ થોડા કેદીઓ બચી ગયેલા, તેમાંથી કોઈને પણ ટિસ પ્રત્યે કોઈ જ ફરિયાદ રહી નહીં હોય! પરંતુ ટિસ જેવા માણસોની આસપાસ ક્યારેય કોઈ દંતકથા ગુંથાતી નથી! હા, ઓસ્કર એ પ્રકારનો માણસ ખરો! શિન્ડલર વિશે વીજળીક ઉત્તેજનાભરી એક દંતકથા બચી ગયેલા યહૂદીઓમાં જરૂર પ્રખ્યાત છે! એ દંતકથાઓ સાચી છે કે નહીં કે પછી સાચી હોવી જોઈએ કે નહીં એવી કોઈ વાત અહીં નથી! પરંતુ ઓસ્કર સાથે સંકળાયેલી આ કહાણી તો સત્ય કરતા પણ બે કદમ આગળ નીકળી જાય એવી છે! આવી કહાણીઓમાંથી પસાર થયા બાદ આપણે એ જોઈ શકીએ છીએ, કે પ્લાઝોવના લોકો માટે ટિસનું સ્થાન કોઈ મહાત્મા જેવું હશે, પરંતુ ઓસ્કર તો તેમને માટે મુક્તિદાતા ઈશ્વર સમાન જ હતો! ગ્રીક કથાનકોમાંના કોઈ લોકપ્રિય દેવની માફક બે મોઢાવાળો, બધા જ માનવીય દુર્ગુણોથી સભર, અનેક હાથવાળો, અત્યંત શક્તિશાળી, કોઈ જ અપેક્ષા વગર મુક્તિ અપાવનારા કોઈ દેવ જેવો! તેના વિશેની એક દંતકથા તો એ સમયની છે જ્યારે, યુદ્ધ મંત્રાલયની દૃષ્ટિમાં પ્લાઝોવની છાપ કાર્યક્ષમ ઔદ્યોગિક સંકુલ તરીકે બહુ સારી ન હોવાને કારણે એસએસના પોલીસવડા પર પ્લાઝોવને બંધ કરવાનું દબાણ કરવામાં આવી રહ્યું હતું!

પોતાનું મગજ ઠેકાણે રાખવા માટે થોડીવાર માટે એમોનથી છટકીને ઘણા અધિકારીઓ તેના બંગલાના રસોડા કે પરસાળમાં ચાલ્યા જતા, જ્યાં એમોનની કામવાળી હેલન હર્શ તેમને મળી જતી. ટિબરિસ નામના એક એસએસ અધિકારીએ રસોડામાં આવીને હેલનને કહેલું, “એ શું જાણતો નથી કે લોકો અહીં મરી રહ્યા છે?” તેનો ઈશારો પ્લાઝોવના અંધારા તરફ નહીં, પણ પૂર્વ દિશાના મોરચે મરી રહેલા સૈનિકો તરફ હતો! એમોનના પ્રમાણમાં સાદગીભર્યું જીવન જીવી રહેલા અધિકારીઓ વિલામાં જે ચાલતું હતું તે જોઈને કાં તો ગુસ્સે ભરાતા હતા, અથવા તો એમોનની ઈર્ષા કરતા હતા, જે તેમને માટે વધારે જોખમી હતું! એવું કહેવાય છે કે યુદ્ધ માટે પ્લાઝોવના અસ્તિત્વનું ખરેખર કોઈ મુલ્ય છે કે નહીં એ નક્કી કરવા માટે જનરલ જુલિયસ શિન્ડલર પોતે એક રવિવારે પ્લાઝોવની મુલાકાતે આવ્યા હતા. કોઈ મહાનુભાવની ફેક્ટરીની મુલાકાત માટે હકીકતે એ અસાધારણ સમય હતો! પરંતુ જે રીતે પુર્વીય મોરચે ભયાનક શિયાળો બેસી રહ્યો હતો તે જોતાં યુદ્ધ મંત્રાલય મરણિયું બનીને કામ કરી રહ્યું હોય એમ લાગતું હતું. ગ્રીક મદ્યદેવતા ડાયોનીસસની પૂજામાં જોડાયેલા ગ્રીક દેવ બેકસની માફક ઓસ્કર પણ આજે નિરીક્ષકોની સાથે ફેક્ટરીના નિરીક્ષણમાં જોડાયો હોવાથી, બપોરના ભોજન પહેલાં પીરસવામાં આવેલ વાઈન અને કોગ્નેકની ધારા વચ્ચે એમેલિયામાં નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. શરાબ સાથે ભારે ભોજન લેવાને કારણે મર્સિડીઝમાં પ્લાઝોવ પરત જઈ રહેલી નિરીક્ષકોની ટૂકડીમાં વ્યાવસાયિક તટસ્થતાથી સાવ અલિપ્ત રહેવાની માનસિકતા ફરી વળી હતી! આ કહેતી વેળાએ આ કથામાં એક હકીકતને અવગણવામાં આવી હતી, કે જનરલ શિન્ડલર અને તેના અધિકારીઓ, છેલ્લા ચાર વર્ષથી ઉત્પાદનના ક્ષેત્રે તટસ્થતાથી કામ કરી રહેલા તજજ્ઞો અને ઈજનેરો હતા. પરંતુ ઓસ્કરને આ હકીકતની કોઈ પ્રકારે ધાક લાગતી ન હતી.

મેડરિટ્ઝની કપડાની ફેક્ટરીમાં નિરીક્ષણ શરૂ થયું. પ્લાઝોવ માટે આ એક દાખલો આપી શકાય એવી જગ્યા હતી. ૧૯૪૩ના વર્ષ દરમ્યાન જર્મન સૈન્ય માટે દર મહીને વીસ હજાર કરતાં વધારે ગણવેશોનું ઉત્પાદન અહીં કરવામાં આવ્યું હતું. પરંતુ પ્રશ્ન એ હતો, કે હેર મેડરિટ્ઝ પ્લાઝોવને ભૂલીને પોજોર્ઝ અને તાર્નોવમાં ધમધોકાર ચાલતી કાચા માલનો સારો એવો પુરવઠો ધરાવતી અને વધારે કાર્યક્ષમ પોલિશ ફેક્ટરીઓના વિકાસ માટે રોકાણ કરે એટલી કમાણી પ્લાઝોવમાંથી કરી શકે તેમ હતા ખરા કે? પ્લાઝોવની ખંડિયેર હાલત જોતાં મેડરિટ્ઝ કે અન્ય કોઈ પણ રોકાણકાર, એક કાર્યદક્ષ ફેક્ટરી માટે આવશ્યક એવી મશીનરી અહીં નાખવાનું સાહસ કરવા તૈયાર થાય તેમ ન હતો.

અધિકૃત ટૂકડીએ હજુ તો નિરીક્ષણ શરૂ જ કર્યુ હતું, ત્યાં જ વર્કશોપની લાઈટો ચાલી ગઈ. પ્લાઝોવના જનરેટર શેડમાંથી ઇત્ઝાક સ્ટર્નના મિત્રોએ જ પાવર સર્કિટો બંધ કરી દીધી હતી. યુદ્ધ મંત્રાલયના મહાનુભાવો ઉપર શરાબ અને ભરપેટ ભોજન વડે ઓસ્કરે લાદી દીધેલા અંધકારને હવે પ્લાઝોવના અપૂરતા પ્રકાશે ગાઢ કરી દીધો હતો! અક્ષરક્ષઃ ફ્લેશ-લાઈટની મદદથી નિરીક્ષણ આગળ ચાલ્યું, અને મશીનો બંધ રહેવાને કારણે જર્મન નિરીક્ષકોની ધંધાદારી લાગણીઓને ઉશ્કેરે તેવી કોઈ પણ પરિસ્થિતિ તેમને હાથ લાગી નહીં.

જનરલ શિન્ડલર ફ્લેશ લાઈટના અજવાળે અને ઝીણી આંખે મેટલવર્ક્સના પ્રેસ અને લેથ મશીનો ઉપર નજર નાખી રહ્યા હતા, ત્યારે ત્રીસ હજાર પ્લાઝોવવાસીઓ ક્ષુબ્ધ થઈને તેમના અભિપ્રાયની રાહ જોતાં પોતપોતાની પથારીઓમાં બેઠા હતા. કેદીઓ જાણતા હતા, કે ઓસ્ટબાહની રેલવે લાઈનો ભરચક રહેતી હોવા છતાં, ઉચ્ચ ટેકનોલોજી ધરાવતી ઓસ્વિટ્ઝની છાવણી અહીંથી માત્ર થોડા કલાકોના અંતરે જ હતી! જનરલ શિન્ડલર તરફથી દયાની અપેક્ષા તો તેમને હતી જ નહીં! વધુમાં વધુ ઉત્પાદન કરી આપવું એ તેમની ખાસિયત હતી. અન્ય કોઈ પણ બાબત કરતાં ઉત્પાદન તેમને માટે વધારે મહત્ત્વનું હતું!

કહેવાય છે કે, એ દિવસે શિન્ડલર દ્વારા પીરસવામાં આવેલું ભોજન, અને પાવર બંધ થઈ જવાની ઘટનાને કારણે જ પ્લાઝોવના લોકો બચી ગયા હતા! નહીં તો જનરલ શિન્ડલર તો છાવણી બંધ કરવાનો આદેશ જ આપવાના હતા! આ દંતકથા કદાચ બહુ ઉદારતાભરી પણ હોય! કારણ કે યુદ્ધના અંત સુધીમાં પ્લાઝોવના કુલ કેદીઓમાંથી માત્ર દસ ટકા જ જીવતા બચવાના હતા! પરંતુ સ્ટર્ન અને અન્ય લોકોએ પણ પાછળથી આ પ્રસંગના ઘણા વખાણ કર્યા હતા, અને તેમાંની મોટા ભાગની વિગતો કદાચ સાચી જ હશે! તેનું કારણ એ કે અધિકારીઓની સરભરા કરવાનો પ્રસંગ આવે ત્યારે ઓસ્કર હંમેશા શરાબનો સહારો લેતો હતો. અને નિરીક્ષકોને અંધારામાં ધકેલી દેવાની બાબત તો ઓસ્કરને પણ ગમી ગઈ હોત! આગળ જતાં ઓસ્કરે બચાવેલા એક છોકરાએ કહેલું, “તમે એ યાદ રાખજો, કે જર્મન હોવા ઉપરાંત ઓસ્કરનું એક ‘ચેક’ પાસું પણ હતું. કિંવદંતીઓમાંના સ્વેઇક નામના એક સિપાહીની માફક ઓસ્કર એક મહાનાયક હતો. વહીવટીતંત્રને મુર્ખ બનાવવાનું તેને ગમતું હતું.”

લાઈટો બંધ થઈ ગઈ ત્યારે એમોન શું વિચારતો હશે, એવો પ્રશ્ન કરવો એ આ દંતકથાનું અપમાન કરવા સમાન લાગે! આ ઘટના સમયે તો એ નશામાં ચૂર થઈને ભોજન આરોગતો કોણ જાણે ક્યાંય બેઠો હશે! પ્રશ્ન એ છે કે શું ઝાંખું અજવાળું અને શરાબના સેવનથી ઝાંખી પડી ગયેલી દૃષ્ટિથી જનરલ શિન્ડલરના ભ્રમિત થઈ જવાને કારણે જ પ્લાઝોવ બચી ગયું હતું? કે પછી ઓસ્વિટ્ઝ-બર્કેન્યુ જેવા વિશાળ અંતિમસ્થાનો કેદીઓથી ખીચોખીચ ભરેલાં હોવાને કારણે એ અઠવાડિયાઓ દરમ્યાન કેદીઓને સંઘરી રાખવા માટે પ્લાઝોવ આદર્શ સ્થળ હોવાને કારણે તેને ચાલુ રાખવામાં આવ્યું હતું? જો કે આ કહાણીમાંથી, પ્લાઝોવના એ ભયાનક પરિસર બાબતે કે તેમાં રહેતા કેદીઓના અંત બાબતે વધારે વિગતો મળવાને બદલે લોકોની ઓસ્કર પ્રત્યેની અપેક્ષાઓ અંગે વધારે જાણકારી મળી રહે છે.

અને જ્યારે એક તરફ એસએસ અને યુદ્ધ મંત્રાલય પ્લાઝોવનું ભવિષ્ય નક્કી કરી રહ્યું હતું, ત્યારે બીજી તરફ બરાબર એ જ સમયે, આગળ જતાં ઓસ્કરને જેનો ઊંડો પરીચય થવાનો હતો એવો ક્રેકોવથી આવેલો જોસેફ બાઉ નામનો એક યુવાન કલાકાર, રેબેકા તેનનબમ નામની એક યુવતીના ઊંડા નિષ્કામ પ્રેમમાં પડી રહ્યો હતો! બાંધકામ કચેરીમાં બાઉ એક ડ્રાફ્ટમેન તરીકે કામ કરતો હતો. બાઉ નૈસર્ગિક કલાદૃષ્ટિ ધરાવતો એક મહત્ત્વકાંક્ષી યુવાન હતો. વસાહતમાં રહેવા લાયક દસ્તાવેજોના અભાવે એ પ્લાઝોવમાં ધકેલાઈ ગયો હતો. વસાહતની ફેક્ટરીઓમાં કામ લાગે તેવો કોઈ હુન્નર તેની પાસે ન હોવાને કારણે તેની માતા અને મિત્રોએ તેને ક્યાંક સંતાડી રાખ્યો હતો. માર્ચ ૧૯૪૩માં વસાહતોની ભાંગફોડના સમયે વસાહતની દિવાલ કુદીને એ નાસી ગયેલો, અને પ્લાઝોવ જતા મજુરોની એક કતારમાં જોડાઈ ગયો હતો. વસાહતમાં જેનું અસ્તિત્ત્વ ન હતું એવો બાંધકામનો એક નવો વિભાગ પ્લાઝોવમાં હતો. બે વિભાગોવાળી એમોનની ઑફિસના મકાનમાં જોસેફ બાઉ બ્લુપ્રિન્ટ પર કામ કરતો હતો. ઇસ્ત્ઝાક સ્ટર્નનો એ મદદનીશ હતો અને સ્ટર્ને ઓસ્કર પાસે એક પ્રવીણ ડ્રાફ્ટ્સમેન તરીકે, અને અન્ય કોઈ કામને કારણે નહીં તો છેવટે ખોટા દસ્તાવેજ બનાવવાના સંભવિત કૌશલ્ય ધરાવતા એક યુવક તરીકે તેનો ઉલ્લેખ કર્યો હતો.

એમોનના વધારે સંપર્કમાં એ ન આવ્યો એ એનું સદ્નનસીબ હતું, કારણ કે તેના દેખાવમાં જ એક એવી સચ્ચાઈભરી પ્રતિભા દેખાતી હતી, જેને જોઈને એમોનનો હાથ હંમેશા પોતાની રિવોલ્વર પર પહોંચી જતો હતો! બાઉની કામની જગ્યા એમોનની ઑફિસથી ખાસ્સી દૂર હતી. થોડા કેદીઓ ભોંયતળિયે કમાન્ડન્ટની ઑફિસની નજીક જ કામ કરતા હતાં, જેમાં એક પરચેઝિંગ અધિકારી, એક કારકુન, અને મિતિક પેમ્પર નામનો એક સ્ટેનોગ્રાફર પણ હતો. આ બધા જ કેદીઓ પર એમોનની અણધારી ગોળીનો શિકાર બની જવાનું જોખમ કાયમ લટકતું રહેતું હતું. પરંતુ એ સિવાય પણ તેમના આત્મસન્માન પર ઘા થવાની ઘટનાઓ તો નિશ્ચિતપણે બનતી જ હતી. દાખલા તરીકે, મન્ડેક કોર્ન નામનો એક કેદી યુદ્ધ પહેલાં રોથસાઇલ્ડ સબસીડરી નામની કંપનીની દોરીઓનો મોટો ગ્રાહક હતો. પરંતુ હવે જેલના વર્કશોપમાં એ કપડાં, લાકડાં અને સી-ગ્રાસ પૂરા પાડવાનું કામ કરતો હતો. વહીવટીભવનની સાથે-સાથે તેણે એમોનની ઑફિસ બાજુ પણ કામ કરવું પડતું હતું. એક દિવસ કોર્ને પોતાના ટેબલ પરથી ઊંચું જોઈને બારીની બહાર જેરોઝોલિમ્સ્કા સ્ટ્રીટ અને એસએસની બેરેક તરફ નજર કરી, તો બહાર વીસેક વર્ષના એક છોકરાને અને તેના સાથીદારને સામે ખડકેલાં લાકડાં પાસે પેશાબ કરતાં ઊભેલા જોયા. બરાબર એ જ સમયે, પરસાળના છેડે આવેલા બાથરૂમની બારીમાંથી સફેદ બાંયવાળી બે જાડી મૂઠ્ઠીઓને પણ નીકળતી એણે જોઈ! જમણી મુઠ્ઠીમાં રિવોલ્વર પકડેલી હતી. એક પછી એક બે ગોળીઓ છૂટી, જેમાંની એક ગોળી પેલા છોકરાના માથામાં ઘૂસી ગઈ, અને છોકરો પોતાની આગળ પડેલાં લાકડાં ઉપર તરફ પડી ગયો. કોર્ને ફરી એક વખત બાથરૂમની બારી તરફ જોયું, તો સફેદ શર્ટ પહેરેલો પેલો હાથ બારી બંધ કરી રહ્યો હતો!

એ સવારમાં જ એમોનના મોટા અને સ્પષ્ટ અક્ષરે સહી કરેલા વિનંતીપત્રો કોર્નના ટેબલ પર પડ્યા હતા. કોર્નની નજર એ પત્રો પરની સહી અને લાકડાં પાસે ખુલ્લાં બટનવાળો પાયજામો પહેરેલા મૃતદેહ પર વારાફરતી ફરી રહી હતી. પોતે નજરે જોયેલી એ ઘટના સાચી હતી કે નહીં એ બાબતે એ મુંઝવણમાં મૂકાઈ ગયો હતો. એમોનની આ રીત સાથે ભળી ગયેલા હત્યા કરવાના આકર્ષણના તત્વને એ સમજી શકતો હતો. એવું લાગતું હતું, કે હત્યા કરવી એ એમોન માટે બાથરૂમની મુલાકાત કરતાં વિશેષ કંઈ જ ન હતું! ફોર્મ પર સહીઓ કરવાની એકવિધતામાં આવેલો એક નાનકડો બદલાવ… અને તો-તો પછી ભલે ગમે તેવી નિરાશા ઘેરી વળે, પ્રત્યેક મૃત્યુને હવે તો એક નિત્યક્રમ માનીને સહજ રીતે અપનાવી લેવાં જ રહ્યાં!

પરંતુ જોસેફ બાઉએ એમોનના આવા કોઈ આત્યંતિક નિર્ણયોનો સામનો કરવાનું આવ્યું હોય એવું લાગતું ન હતું. પરંતુ ભોંયતળિયે કામ કરતા વહીવટી કર્મચારીઓની હાલતથી એ બહુ દુઃખી હતો. ગેટેના મદદનીશ જોસેફ ન્યૂશેલે ઑફિસની એક યુવતી માંસનો એક ટૂકડો ચોરી ગયાની ફરીયાદ કમાન્ડન્ટને કરી ત્યારથી તેની શરૂઆત થઈ હતી. ન્યૂશેલની ફરીયાદ સાંભળીને એમોન ગુસ્સા સાથે પોતાની ઑફિસમાંથી બહાર પરસાળમાં આવ્યો હતો. “તમે બધા જ જાડા-પાડા થઈ રહ્યા છો!” એણે ચીસ પાડતાં કહેલું. ઑફિસના કર્મચારીઓને એણે બે ભાગમાં વહેંચી દીધેલા. કોર્નને પોજોર્ઝની હાઈસ્કૂલના દિવસો યાદ આવી ગયા. સામેની કતારમાં ઊભેલી છોકરીઓને તો એ ઓળખતો હતો! પોજોર્ઝમાં એ છોકરીઓના કુટુંબોની સાથે જ તો એ ઉછર્યો હતો! એક વખત તો એને એવો વહેમ પણ થયો, કે કોઈ શીક્ષક, શાળામાંથી કોસિયુસ્કોના સ્મારક અને સંગ્રહસ્થાનની મુલાકાતે જવા માટે એ છોકરીઓને અલગ-અલગ કતારમાં ઊભા રાખી રહ્યા છે! હકીકતે સામી કતારમાં ઊભેલી બધી જ છોકરીઓને તેમની કામની જગ્યાએથી ઉઠાવીને સીધી જ ‘ચોજુવા ગોરકા’ લઈ જવામાં આવી હતી, અને માંસના પડની ચોરી માટે પિલાર્ઝિકની એક ટૂકડીએ બધી જ છોકરીઓને ગોળી મારી દીધી હતી!

જો કે ઑફિસમાં થતી આ પ્રકારની ગરબડોમાં જોસેફ બાઉ સંડોવાયેલો ન હતો. પ્લાઝોવની અંદર તેનું જીવન સાવ સુરક્ષિત હતું એવું તો કોઈ કહી શકે તેમ ન હતું! પરંતુ એ જેને ચાહતો હતો એ છોકરી પર હતું એટલું જોખમ તેના પર ન હતું. રેબેકા તેનનબમ એક અનાથ યુવતી હતી, પરંતુ ક્રેકોવના યહૂદીઓની સામુહિક જીવનપદ્ધતિને કારણે સ્નેહાળ સગાંઓની ખોટ તેને ક્યારેય પડી ન હતી. ઓગણીસ વર્ષની રેબેકા સુંદર ચહેરો અને સુદૃઢ બાંધો ધરાવતી યુવતી હતી. એ જર્મન ભાષા બોલી શકતી હતી, અને મીઠી-મીઠી, લાંબી વાતો પણ કરી શકતી હતી. કમાન્ડન્ટના જંગલી હસ્તક્ષેપથી દૂર વહીવટીભવનની પાછળ આવેલી સ્ટર્નની ઑફિસમાં હાલમાં જ એણે કામ કરવાનું શરૂ કર્યું હતું. પરંતુ એ બાંધકામ ઑફિસમાં એ માત્ર અડધો દિવસ જ કામ જ કરતી હતી. એ એક મેનીક્યોરિસ્ટ પણ હતી, અને દર અઠવાડિયે એમોનના હાથને મેનીક્યોર આપવા માટે પણ જતી હતી. સેકન્ડ લેફ્ટેનન્ટ લિઓ જોહ્‌ન ઉપરાંત ડૉ. બ્લેમ અને તેની નિષ્ઠુર પ્રેમીકા એલિસ ઓર્લોવ્સ્કીના હાથને પણ એણે માલિશ કરી આપવું પડતું હતું. એમોનનો હાથ પોતાના હાથમાં લેતાં જ તેને ખબર પડી ગઈ હતી, કે તેની આંગળીઓ કેવી લાંબી, સુદૃઢ અને વળાંકોવાળી હતી! કોઈ જાડા માણસના હાથ હોય એવું લાગે જ નહીં, કોઈ નિર્દય માણસના તો નહીં જ!

પહેલી વખત એક કેદીએ તેની પાસે આવીને કહ્યું કે હેર કમાન્ડન્ટ તેને મળવા માગે છે, ત્યારે ટેબલો કુદાવીને પાછળની સીડીએથી એ નાસવા લાગી હતી! તેને બોલાવવા આવેલા કેદીએ તેની પાછળ-પાછળ જઈને તેને રડતાં-રડતાં કહેલું, “ઈશ્વરને ખાતર ભાગી ન જા! તને સાથે લઈ નહીં જાઉં તો એ મને સજા કરશે.” તેની વાત માનીને એ કેદીની પાછળ-પાછળ એમોનની વિલાએ ગઈ હતી. પરંતુ તેના સલૂનમાં જતા પહેલાં તે ગેટેના જૂના મકાનની નીચે આવેલા, અને એક જૂના યહૂદી કબ્રસ્તાનની હદમાં ખોદવામાં આવેલા એક અવાવરુ ભોંયરામાં ગઈ હતી. કબ્રસ્તાની માટીમાં બેસીને રેબેકાની સખી હેલન હર્શ ઘવાયેલાઓની સારવાર કરી રહી હતી. “તું તકલીફમાં તો મુકાઈ ગઈ જ છે.” રેબેકાની વાત સાંભળીને હેલને તેને કહ્યું. “પણ તું તારું કામ કરતી રહેજે, અને પછી જોજે કે શું થાય છે! તારા હાથમાં માત્ર આટલું જ છે! કેટલાક લોકો તરફથી એમોનને વ્યાવસાયિક વર્તનની અપેક્ષા હોય છે, કેટલાક પાસેથી નથી હોતી. તું પાછી આવીશ ત્યારે હું તને કેક અને સોસેજ ખાવા આપીશ. પણ અહીં તું તારી જાતે ક્યારેય ખાવાનું લઈશ નહીં, મને પહેલાં પૂછજે! અમુક લોકો આવીને પુછ્યા વગર ખાવાનું લઈ લે છે, અને એમને છાવરવા માટે મારે શું શું કરવું પડે છે એ મને પણ ખબર નથી!”

એમોને રેબેકાના વ્યાવસાયિક વર્તનને સ્વીકારી લીધું. પોતાની આંગળીઓ રેબેકાના હાથમાં સોંપીને એ જર્મન ભાષામાં વાતો કરતો રહેતો. રેબેકા ક્યારેક એવી કલ્પનામાં ખોવાઈ જતી, કે પોતે જાણે ફરી એક વાર હોટેલ ક્રેકોવિયામાં પહોંચી ગઈ છે, અને એમોન તો ઈસ્ત્રીબંધ શર્ટ પહેરીને કાપડ, સ્ટીલ કે રસાયણો વેંચવા માટે ક્રેકોવમાં આવેલો ભારે શરીરવાળો યુવાન જર્મન ઉદ્યોગપતિ છે… જો કે તેમની એ મુલાકાતોમાં બે પાસાં એવાં હતાં જે તેમના આ કાલ્પનિક સંબંધોથી સાવ વિપરીત હતાં. કમાન્ડન્ટ પોતાની સર્વિસ રિવોલ્વરને હંમેશા જમણી કોણીની નજીક જ મૂકી રાખતો હતો! અને એ સમયે તેના બે કુતરામાંથી માંથી કોઈ એક એ દીવાનખાનામાં જ આવીને અડધો ઊંઘતો પડ્યો રહેતો! હાજરીના સમયે બંને કુતરાએ ઇજનેર કાર્પને ફાડી ખાધો હતો એ રેબેકાએ નજરે જોયું હતું. અને છતાં, બંને કુતરા ઊંઘમાં નસકોરાં બોલાવતા હોય, અને રેબેકા અને એમોન યુદ્ધ અગાઉના દિવસોમાં લીધેલી કાર્લ્સબાદના સ્પાની મુલાકાતોને યાદ કરતા હોય, ત્યારે હાજરીના સમયની પેલી ભયાનકતા જાણે કોઈક દૂર-દૂરની કલ્પનાતીત બાબત હોય તેવું રેબેકાને લાગ્યા કરતું! એક દિવસ હિંમત કરીને રેબેકાએ એમોનને પોતાની કોણી પાસે જ રિવોલ્વર રાખવાનું કારણ પૂછ્યું. પરંતુ એમોનના હાથ પર ઝૂકેલી રેબેકાને જે જવાબ મળ્યો એ સાંભળીને રેબેકાની પીઠમાંથી ભયનું એક લખલખું પસાર થઈ ગયું! “એ તો ક્યારેય જો તારો નખ મને વાગી જાય તો…!” એમોને જવાબ આપેલો.

પરંતુ એમોન માટે તો સ્પા વિશે તેણે કરેલી આ બધી વાતો પણ પાગલપણામાં આવીને તેણે કરેલા કૃત્યો જેવી જ હતી. એક વખત એ ઘરમાં પ્રવેશતી હતી ત્યારે તેની સખી હેલન હર્શના વાળ પકડીને તેને દીવાનખંડની બહાર ઢસડી લાવતા એમોનનું દૃશ્ય જોઈને રેબેકાને તેનો પુરાવો મળી ગયો હતો! એ વખતે હેલન પોતાનું સમતોલન જાળવી રાખવા મથતી હતી, તેના રતાશ પડતા ભૂરા વાળ મૂળમાંથી ઊખડી રહ્યા હતા. એમોનના હાથની પકડ એકાદ ક્ષણ માટે ઢીલી થઈ ગયેલી, પરંતુ બીજી જ ક્ષણે તેના પહોળા અને કેળવાયેલા હાથે ફરીથી પકડ મજબૂત કરી લીધી હતી. અને બાકીની સાબીતી રેબેકાને ત્યારે મળી ગઈ, જ્યારે સાંજે દીવાનખંડમાં પ્રવેશતી વેળાએ રોલ્ફ કે રાલ્ફ, બે માંથી એક કુતરો અચાનક ક્યાંકથી આવી ચડ્યો હતો, અને એક પગ વડે રેબેકાના ખભાને પકડી રાખીને તેની છાતી પર બચકું તોડી લીધેલું! એ સમયે તેની સામે સોફામાં જ બેસીને એમોન આળસ મરડાતો સ્મિત કરતો બેઠો હતો એ રેબેકાએ પણ જોયું હતું! “ધ્રુજવાનું બંધ કર, મૂર્ખ છોકરી.” એણે રેબેકાને કહ્યું. “નહીં તો આ કુતરાથી તને હું પણ બચાવી નહીં શકું.”

એક વખત રેબેકા કમાન્ડન્ટના હાથની માલીશ કરતી હતી, ત્યારે બુટપોલિશ કરી રહેલા છોકરાને ભૂલ કરવા બદલ એમોને ગોળી મારીને મારી નાખેલો! કુતરા પર માખી બેસવાના કારણે પોતાના પંદર વર્ષના નોકર પોલદેક દેરેસિવિક્ઝને ઑફિસની અંદર રાખેલા રિંગબોલ્ટ પર લટકાવી દીધેલો, અને પૂછ્યા વગર બૉસને ઘોડો અને જીન ઊછીનું આપવા બદલ તેના નોકર લેસિકને પણ એણે મારી નાખેલો. છતાંયે, અઠવાડિયે બે વખત આ સુંદર અનાથ છોકરી તેની વિલાના દિવાનખાનામાં આવીને સ્વસ્થ હૃદયે આ જાનવરનો હાથ પોતાના ખોળામાં લઈને બેસતી હતી.

એક સવારે ઝાંખા અજવાળે જોસેફ બાઉ બાંધકામ વિભાગની બહાર પાનખરના આછા વાદળો સામે બ્લુપ્રિન્ટની એક ફ્રેમ ઊંચકીને ઊભો હતો ત્યારે રેબેકા તેને મળી ગઈ. તેના દુબળા શરીર પર ફ્રેમનો વધુ પડતો ભાર લદાઈ ગયો હોય એમ લાગતું હતું. રેબેકાએ તેને મદદ માટે પૂછ્યું, જેના જવાબમાં તેણે ના પાડીને કહ્યું. “બસ, થોડા તડકાની રાહ જોઉં છું.” રેબેકાએ પૂછ્યું, “કેમ?” જવાબમાં એણે નવા મકાનના નકશો દોરેલી ટ્રાન્સ્પરન્સીને સંવેદનશીલ બ્લુપ્રિન્ટની લગોલગ ફ્રેમમાં ગોઠવવાની પ્રક્રિયા રેબેકાને સમજાવી. એણે કહ્યું, “સુર્યનો થોડોક વધારે તડકો જો મળી જાય, તો એક છુપું રસાયણ આ પારદર્શક કાગળ પર દોરેલા ચિત્રને બ્લુપ્રિન્ટ પર ઉપસાવી આપશે.” પછી એણે રેબેકાને કહ્યું, “તું જ મારો એ જાદુઈ પ્રકાશ કેમ નથી બની જતી?”

પ્લાઝોવમાં રહેતી સુંદર છોકરીઓ, યુવકોની આવી સૌમ્ય રીતભાતથી ટેવાયેલી ન હતી. અહીં બંધાતા શરીરસંબંધો ‘ચુજોવા ગોર્કા’ પર થતા ગોળીબારો અને હાજરીના સમયે થતી હત્યાઓ પરથી નિષ્ઠુર આવેગની પ્રેરણા જ લેતા હતા!

કલ્પના કરી જુઓ, કે એક દિવસ વેલિક્ઝાની એક કેબલ ફેક્ટરીમાંથી કામ કરીને પરત આવી રહેલા કેદીઓના થેલામાંથી એક મરઘી પકડાઈ ગઈ! છાવણીના દરવાજે ચાલતી આકસ્મિક તપાસમાં જમીન પર પડેલી એક થેલીમાં મૂકેલી મરઘી પકડાઈ ગઈ હતી, એટલે હાજરીના સમયે એમોને પોતાનો ગુસ્સો કાઢ્યો. કોની થેલી હતી એ? એમોન એ જાણવા માગતો હતો, કે ખરેખર એ મરઘી કોણ લાવ્યું હતું? હાજરીના સમયે કોઈએ કબુલાત ન કરી, એટલે એમોને એસએસ સૈનિકના હાથમાંથી રાયફલ લીધી અને હરોળમાં સૌથી આગળ ઊભેલા પહેલા જ માણસને એણે વીંધી નાખ્યો! ગોળી તેના શરીરમાંથી પસાર થઈને બહાર નીકળી ગઈ અને એની પાછળ ઊભેલો માણસ પણ ઢળી પડ્યો, છતાંયે કોઈએ કંઈ જ કબુલ્યું નહીં! “તમે બધા એકબીજાને બહુ પ્રેમ કરો છો, નહીં!” એમોન ગરજ્યો, અને હરોળમાં ઊભેલા પાછળના માણસને મારવાની તૈયારી કરવા લાગ્યો. ત્યાં જ ચૌદેક વરસના એક છોકરો આગળ આવ્યો. થરથર ધ્રુજતો એ છોકરો રડી રહ્યો હતો. એણે કમાન્ડન્ટને કહ્યું કે એ જાણતો હતો કે એ મરઘી કોની હતી. “કોણ છે એ?” છોકરાએ મૃત્યુ પામેલા પેલા બેમાંથી એક તરફ આંગળી ચીંધી દીધી. “આની હતી એ મરઘી.” કહેતાં છોકરો રડી પડ્યો. એમોને છોકરાની વાત માની લીધી, એટલે હાજરી માટે ઊભેલા બધા આશ્ચર્યમાં પડી ગયા! એમોને પોતાનું માથું પાછળ ઝૂકાવી દીધું, અને વિદ્યાર્થીઓના અજ્ઞાન પ્રત્યે કોઈ શિક્ષક હસી પડે એ રીતે એ હસવા લાગ્યો. આ લોકો… હજુ પણ સમજી નથી શકતા, કે તેઓ શા માટે આ બધું ભોગવી રહ્યા છે…!

સાંજના સાતથી દસ સુધીનો સમય કેદીઓ માટે અવરજવરની મુક્તિનો સમય રહેતો. એ દરમ્યાન પ્લાઝોવના મોટા ભાગના કેદીઓ એક વાત સતત અનુભવી રહ્યા હતા કે નિરાંતે પ્રેમાલાપ કરવાનો હવે સમય નથી રહ્યો! શરીરના એક-એક વાળ પર ચોંટીને પરેશાન કરતી ‘જૂ’ એમના પ્રેમાલાપની જાણે હાંસી ઊડાવતી હતી! કોઈ જ પ્રેમાલાપ વગર યુવાન પુરુષો યુવતીઓ સાથે સંબંધ બાંધી લેતા હતા! સ્ત્રીઓની છાવણીમાં તો એવાં-એવાં ગીતો ગવાઈ રહ્યાં હતાં, જેમાં કુંવારી છોકરીઓને પૂછવામાં આવતું હોય કે પોતાનું શિયળ એ શા માટે અને કોના માટે બચાવી રાખે છે!? એમેલિયામાં જો કે આટલું હતાશાભર્યું વાતાવરણ ન હતું. એનેમલ ફેક્ટરીમાં તો ફેક્ટરીના ફ્લોર પર અને મશીનોની વચ્ચે એવી-એવી જગ્યાઓ બનાવવામાં આવી હતી જ્યાં પ્રેમીયુગલો નીરાંતે મળી શકતાં હતાં! હકડેઠઠ્ઠ ભરાયેલી ગીચ બેરેકોમાં સ્ત્રી-પુરુષોની પથારીઓનું વિભાજન તો માત્ર કહેવા પૂરતું જ રહેતું હતું! ભયની ગેરહાજરી અને ભરપેટ ભોજને લોકોને થોડા ધીરજવાન પણ બનાવી દીધા હતા. તે ઉપરાંત, એસએસના સૈનિકોને રજા વગર જેલની અંદર પ્રવેશ ન આપવાની બાબત ઓસ્કરે જાળવી રાખી હતી.

એક કેદીએ તો ઓસ્કરની ઑફિસમાં કરવામાં આવેલા એક ખાસ છૂપા વાયરિંગની વાત પણ જણાવી હતી.

બેરેકમાં પ્રવેશવાની પરવાનગી લઈને એસએસનો અધિકારી ઓસ્કરની ઑફિસમાંથી નીચે ઊતરે એ સાથે જ ઓસ્કર એક બટન દબાવીને છાવણીની અંદર રહેતાં સ્ત્રી-પુરુષોને ચેતવી દેતો હતો, જેથી કેદીઓ ચેતી જાય અને ઓસ્કર દ્વારા દરરોજ ગેરકાયદે આપવામાં આવતી સિગરેટને બુઝાવી દે! એ દિવસોમાં ઓસ્કર લગભગ દરરોજ ફેક્ટરીના ફ્લોર પર જઈને કહેતો, “મારા એપાર્ટમેન્ટમાં જાવ, અને આ સિગારેટનાં ખોખાં ભરી આવો.” કહીને એ બધા જુએ એ રીતે આંખનો ઈશારો કરી દેતો. બેલ મારીને એ સ્ત્રી-પુરૂષોને પોતપોતાની પથારીઓમાં ચાલ્યા જવાની સૂચના પણ આપી દેતો હતો. અહીંનું વાતાવરણ જોઈને રેબેકા સુખદ આઘાત અનુભવી રહી હતી. પોતાના મનગમતા યુવકને જાણે રાઇનેકની કોઈ બેકરીમાં મળતા હોય એમ છૂટથી મળવાનું પ્લાઝોવમાં તો કોઈ પૌરાણિક સંસ્કૃતિની માફક સાવ ભૂલાઈ જ ગયું હતું!

બીજી સવારે જ્યારે રેબેકા સ્ટર્નની ઑફિસમાંથી નીચે આવી ત્યારે જોસેફે તેને પોતાનું કામ કરવાનું ટેબલ બતાવ્યું. નવી-નવી બેરેક બાંધવાના પ્લાન તો હજુ પણ એ બનાવી રહ્યો હતો. એણે રેબેકાને પૂછ્યું, “તારો બેરેક નંબર શું છે? અને તારા બેરેકનો ચોકીદાર કોણ છે?” ઠીક-ઠીક આનાકાની પછી એણે જોસેફને બધું જણાવ્યું. હેલન હર્ષને વાળ ખેંચીને પરસાળમાં ખેંચી જવાતી એણે જોઈ હતી. એમોનની એકાદ આંગળી અકસ્માતે પણ અડી જાય તો પણ એ તો મરી જાય એટલી એ નાજુક હતી! અને છતાંયે આ યુવકે તેની સ્ત્રીસહજ લજ્જાને ફરીથી જાગૃત કરી દીધી હતી! “હું તારી માને મળવા આવીશ.” જોસેફે વચન આપ્યું. “મારી મા હવે નથી,” રેબેકાએ કહ્યું. “કંઈ નહીં, તો હું તારા કોઈ વડીલને મળવા આવીશ.”

તો આ રીતે વડીલોના આશિર્વાદ સાથે, અને તેમની પાસે જાણે અનંતકાળ સુધીનો સમય હોય એવી નિરાંત સાથે તેમનો પ્રેમ શરૂ થયો. જોસેફ એટલો તો કલ્પનાતિત હતો, અને એટલા સંકોચ સાથે તેને મળતો હતો, કે હજુ સુધી એમણે એક ચુંબન પણ કર્યું ન હતું! હકીકતે પહેલું આલિંગન પણ એમણે એમોનના ઘરની અંદર જ કર્યું હતું! એમોનના હાથની માલિશ કર્યા પછી એક દિવસ એ ઘટના બનેલી.. સમારકામ બાકી હોવાને કારણે એમોનના બંગલાનો ઉપરનો માળ ખાલી જ પડ્યો રહેતો હતો. હેલન પાસેથી ગરમ પાણી અને સાબુ લઈને રેબેકા પોતાના કપડાં ધોવા અને અંતઃવસ્ત્રો બદલવા માટે ઉપરના માળે ગયેલી. કપડાં ધોવા માટે પોતાની સાથે એ રસોડામાંથી એક ખાલી તપેલું લઈ ગયેલી. આવતી કાલે સુપ બનાવવાના સમય સુધી રસોડામાં એ તપેલાની જરૂર પડવાની ન હતી.

સાબુના પાણીથી ભરેલી ડોલમાં એ કપડાં ધોઈ રહી હતી, ત્યારે જોસેફ ત્યાં આવ્યો. “તું અહીં કેમ આવ્યો છે?” એણે જોસેફને પૂછ્યું. “હું તો નવા બાંધકામ માટે મારા નકશાનું માપ લેવા આવ્યો છું,” એણે રેબેકાને પુછ્યું. “અને તું શું કરે છે અહીં?” “તું જ જોઈ લેને,” એણે જોસેફને જવાબ આપ્યો. “પણ મહેરબાની કરીને મોટેથી ન બોલતો.”

એણે આમ-તેમ ફરીને માપપટ્ટી વડે દીવાલ અને ભોંયનું માપ લીધું. “ધ્યાન રાખીને કામ કરજે.” રેબેકાએ તેને કહ્યું. એમોનના ચીવટના ધોરણોનો ખ્યાલ હોવાને કારણે એ ચિંતીત હતી.

“અહીં આવ્યો જ છું,” એણે રેબેકાને કહ્યું, “તો ચાલને તને પણ થોડી માપી લઉં.” રેબેકાની ડોકથી હાથ અને પીઠ પર થઈને તેની નાનકડી કમર સુધી એ પટ્ટીથી માપવા લાગ્યો. માપનું ચિહ્ન કરવા માટે તેનો અંગુઠો રેબેકાના શરીરને વારંવાર અડી જતો હતો. રેબેકાએ ત્યારે કોઈ જ આનાકાની ન કરી. પરંતુ થોડીવાર માટે બંને એકબીજાને વીંટળાઈ ગયા પછી રેબેકાએ તેને ચાલ્યા જવા માટે કહ્યું. નિરાંતભરી સાંજ પસાર કરવા માટે અત્યારે આ જગ્યા તેને યોગ્ય લાગતી ન હતી.

પ્લાઝોવમાં આવી પ્રેમકથાઓ અન્યત્ર પણ ચાલતી હતી, એસએસમાં પણ ખરી! પરંતુ એ બધી પ્રેમકથાઓમાં જોસેફ બાઉ અને રેબેકાની પ્રેમકથા જેટલો ઉમંગ દેખાતો ન હતો. દાખલા તરીકે, વસાહતમાં ડૉ. રોસાલિયા બ્લાઉને અને બેરેકનો પાયો તૂટી ગયા પછી ડાઇના રેઇટરને ગોળી મારી દેનાર ઓબરસ્કારફ્યુહરર આલ્બર્ટ હુજર એક યહૂદી સ્ત્રી કેદીના પ્રેમમાં પડ્યો હતો. ટાર્નોવની વસાહતમાં રહેતા એક યહૂદી યુવાને મેડરિટ્ઝની દીકરીને મોહીત કરી દીધી હતી. ઉનાળાના અંતે ક્રેકોવની માફક ટાર્નોવની વસાહતને પણ બંધ કરી દેવા માટે નિષ્ણાત વસાહતભંજક એમોનને બોલાવવામાં આવ્યો ત્યાં સુધી એ યુવક મેડરિટ્ઝના ટાર્નોવ પ્લાન્ટમાં જ કામ કરતો હતો! અત્યારે એ યુવક પ્લાઝોવના મેડરિટ્ઝના વર્કશોપમાં જ કામ કરતો હતો, અને એ છોકરી પણ તેને ત્યાં આવીને મળી શકે તેમ હતી. પરંતુ તેમની વાત આટલેથી આગળ વધી ન શકી! કેદીઓમાંના પ્રેમીઓ અને પતિ-પત્ની છૂટથી મળી શકે એવી કેટલીયે છૂપી જગ્યાઓ ત્યાં મોજુદ હતી, પરંતુ જર્મનોના કાયદા અને કેદીઓ માટે બનાવેલા વિચિત્ર નીયમો, આ બધું જ મેડરિટ્ઝની પુત્રી અને તેના યુવાન પ્રેમીની વિરુદ્ધમાં જતું હતું.

એ જ રીતે, ભલોભોળો રાઇમન્ડ ટિસ પોતાના મશીન પર કામ કરતી એક યુવતીના પ્રેમમાં પડ્યો હતો. તેમની વચ્ચે પણ બહુ જ નાજુક અને છાનો, પરંતુ નિષ્ફળ પ્રેમ પાંગર્યો હતો. ઓબરસ્કારફ્યુહરર હુજરને તો એમોને પોતે જ આ મૂર્ખતા બંધ કરવાનો હુકમ કર્યો હતો. એટલે આલ્બર્ટ હુજર જાતે જ એ છોકરીને લઈને જંગલોમાં ફરવા માટે ગયો અને પ્રેમભર્યા અફસોસ સાથે છોકરીની ડોક પર એણે ગોળી મારી દીધી હતી!

હકીકતે એવું ભાસતું હતું, કે એસએસની સંવેદનશિલતાને મૃત્યુના ઓછાયાએ ઘેરી લીધી હતી. ગેટેના ભોજનના ટેબલની આસપાસ વિયેનીઝ સૂરાવલીઓ વહેવડાવતા વાયોલીનિસ્ટ હેનરી રોસનર અને તેનો એકોર્ડિયનવાદક ભાઈ લેઓપોલ્દ આ વાતને બરાબર સમજતા હતા. એક રાત્રે એવું બન્યું, કે એક ઊંચો, એકવડિયો અને કાળિયો એસએસ અધિકારી એમોનને મળવા અને તેની સાથે ભોજન લેવા આવ્યો. વધારે પડતો શરાબ ઢીંચી ગયા પછી તેણે રોસનર બંધુઓને હંગેરિયન ગીત “ગ્લૂમી સન્ડે” વગાડવા માટે વારંવાર આગ્રહ કર્યો. સંવેદનાઓથી ભર્યા-ભર્યા એ ગીતમાં પોતાના પ્રેમને ખાતર આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયેલા એક યુવાનની વાત વણાયેલી હતી. હેનરીએ જોયું હતું, કે ગીતમાં વર્ણવવામાં આવેલો લાગણીઓનો અતિરેક, નવરાશના સમયે એસએસના સૈનિકો પર ઘેરી અસર છોડી જતો હતો. ત્રીસીના દાયકામાં તો એ ગીત એટલું કુખ્યાત બની ગયું હતું, કે તેની લોકપ્રિયતાએ કેટલાયે નિષ્ફળ પ્રેમીઓને આવેશમાં આવી જઈને આત્મહત્યા કરવાની પ્રેરણા આપી હોવાથી, હંગેરી, પોલેન્ડ અને ચેકોસ્લોવેકિયાની સરકારોએ એક સમયે તેના પર પ્રતિબંધ મૂકી દેવાનું પણ વિચાર્યું હતું! પોતાના માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી લેનારા યુવકો ક્યારેક પોતાની છેલ્લી ચીઠ્ઠીમાં આ ગીતના શબ્દો ટાંકતા હતા. જર્મન પ્રચાર કચેરીએ તો છેલ્લા કેટલાયે સમયથી તેના પર પ્રતિબંધ લાદી દીધો હતો! અને આજે, જેમના ઘેર પણ કિશોરવયના દીકરા-દીકરીઓ હોવાની સંભાવના હતી એવા આ ઊંચા અને સુશીલ દેખાતા મહેમાન પોતે જ, યુવાનીમાં સહજ એવા ક્ષણિક આકર્ષણના અતીરેકમાં ઝડપાઈ ગયા હતા! ખુરસી પરથી ઊભા થઈ-થઈને રોસનર બંધુઓને તેઓ વારંવાર કહી રહ્યા હતા, “ગ્લૂમી સન્ડે વગાડો.” અને ડૉ. ગોબેલ્સ ભલે તેમને આવું કરવાની છૂટ ન આપતા હોય, પરંતુ દક્ષિણી પોલેન્ડના આ જંગલોમાં એસએસના એ અધિકારીના પ્રેમની દુઃખદ યાદોની સામે દલીલો કરવાવાળું ત્યારે કોઈ જ ન હતું!

મહેમાને એ જ ગીતની પાંચ-પાંચ વખત ફરમાશ કર્યા પછી હેનરી રોસનરને પણ કોઈક અપાર્થિવ પ્રતીતિ ઘેરી વળી હતી! સંગીત પોતાના લૌકિક મૂળ સાથે જોડાઈને હંમેશા એક જાદુઈ પ્રભાવ પાથરી દેતું હોય છે! અને વાયોલીન દ્વારા આવી પ્રભાવી અનુભુતી કરાવવાની શક્તિ હેનરી જેવા ક્રોએશિયન યહૂદીથી વધારે આખાયે યુરોપમાં કોઈની પાસે ન હતી. સંગીતને શીખવાની ચીજ કરતાં, કોઈ રૂઢીચુસ્ત પાદરીની માફક પરંપરાગત વારસાના સ્વરૂપે ઓળખતા કુટુંબમાં હેનરી રોસનર ઉછર્યા હતા. પાછળથી હેનરીએ કહેલું એ મુજબ, એ સમયે જ તેને એવો વિચાર આવી ગયો હતો કે “હે ઈશ્વર, મારી પાસે ખરેખર જો કોઈ શક્તિ હોય, તો આ નાલાયક માણસ પોતાની જાતે જ ખતમ થઈ જાય…” એમોનના ભોજનખંડમાં વારંવારના પુનરાવર્તનને કારણે “ગ્લૂમી સન્ડે”નું પ્રતિબંધિત સંગીત જાણે કાયદેસરતા પ્રાપ્ત કરી ચૂક્યું હતું, અને હવે હેનરીએ તો જાણે તેની સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું! લિઓપોલ્દ પણ તેની સાથે જ વગાડી રહ્યો હતો, અને પેલો અધિકારી ઉદાસીભરી આભારવશ દૃષ્ટિ દ્વારા એ બંનેને સધિયારો આપી રહ્યો હતો.

અચાનક હેનરીને પરસેવો વળી ગયો! એને અચાનક ખ્યાલ આવ્યો, કે એસએસના માણસના મૃત્યુ સાથે સંકળાયેલા આ ગીત સાથે એ એટલી દેખીતી રીતે એકાગ્ર થઈ ગયો હતો કે ગમે તે ક્ષણે એમોનના ધ્યાનમાં એ આવી જશે, અને વિલાની બહાર લઈ જઈને તેને મારી નાખવામાં આવશે! હેનરીનું વાદન સારું-ખરાબ હોવાની બાબતે તો કંઈ કહેવા જેવું હતું જ નહીં! કોઈને પણ જકડી જ રાખે એવું વાદન હતું! માત્ર આ એક જ માણસ, એક જ અધિકારીએ એની નોંધ લીધી હતી, તેને માન્યતા બક્ષી હતી! અને બોસ, સ્કર્નર, ઝરદા અને એમોનના બડબડાટ વચ્ચે, પોતાની ખુરસીમાં બેઠાં-બેઠાં જ હેનરીની આંખમાં આંખ મીલાવીને એ એકધારું તેમની સામે જોઈ રહ્યો હતો, જાણે હમણાં કોઈ પણ ક્ષણે ઉછળીને એ ઊભો થઈ જશે અને કહેશે, “વાહ! વાહ! મહાનુભાવો! આ વાયોલિનવાદક એકદમ સાચો છે! આવા દુઃખને સાથે લઈને જીવવામાં કોઈ સાર નથી…”

રોસનર બંધુઓએ આ એક જ ગીતને આજે એટલી હદે ફરી-ફરીને વગાડ્યું હતું કે અન્ય કોઈ સમય હોત તો એમોને તરત જ બૂમ પાડીને કહ્યું હોત, “બંધ કરો!” પરંતુ આજે એ એવું કરી શક્યો નહીં.  છેક છેલ્લે એમોનના મહેમાન ઊભા થઈને બહાર ઝરૂખામાં ગયા. હેનરી એકદમ જ સમજી ગયો, કે કોઈ પણ વ્યક્તિ માટે કરી શકાય એવું બધું જ એ કરી ચૂક્યા હતા! બંને ભાઈઓએ હળવેથી વોન સપ અને લેધરની ધૂન પૂરા ઓરકેસ્ટ્રા સાથે વગાડવી શરૂ કરી, જેથી આગળની ધૂન ઝડપથી ભૂલાઈ જાય! બહાર ઝરૂખામાં હવે મહેમાન એકલા જ બેઠા હતા! અડધાએક કલાક પછી મહેમાને પોતાના જ માથામાં મારી દીધેલી ગોળીના અવાજે આનંદપ્રમોદ સાથે ચાલી રહેલી એ મહેફીલમાં અચાનક જ ખલેલ પાડી!

તો, આવી હતી પ્લાઝોવની જાતીય જિંદગી! તારની વાડની અંદરનું જીવન જૂ, કરચલા અને ક્ષણિક જરૂરિયાતોથી ખદબદતું હતું; હત્યા અને ઉન્માદ ગાંડપણની સીમા વટાવી ચૂક્યા હતા. અને એ બધાની વચમાં જોસેફ બાઉ અને રેબેકા ટેનનબમે પોતાના પ્રેમનૃત્યનો વિધિપૂર્વક અંગીકાર કર્યો હતો. એ વર્ષે બરફવર્ષા વચ્ચે, પ્લાઝોવના દરજ્જમાં એવું મોટું પરિવર્તન આવ્યું જેના કારણે પ્લાઝોવના સીમાડાઓની અંદર રહેતા બધા જ પ્રેમીપંખીડાઓ પર અવળી અસર થવા પામી! જાન્યુઆરી ૧૯૪૪ના શરૂઆતના દિવસોમાં, બર્લિનની બહારના વિસ્તારમાં આવેલી જનરલ ઓસ્વાલ્ડ પોહ્લના કેન્દ્રિય નિયંત્રણ હેઠળ ચાલતી એસએસની આર્થિક અને વહીવટી કચેરીના મુખ્યાલય દ્વારા, પ્લાઝોવને કોન્સન્ટ્રેશન કેમ્પનો દરજ્જો બક્ષવામાં આવ્યો! આને કારણે ઓસ્કર શિન્ડલરની એમેલિયા જેવી પ્લાઝોવની પેટાછાવણીઓ પણ આપોઆપ હવે ઓરેનિનબર્ગની હકુમત હેઠળ આવી ગઈ! પોલીસવડા સ્કર્નર અને ઝરદાના હાથમાંથી પ્લાઝોવનું સીધું નિયંત્રણ ચાલ્યું ગયું. ઓસ્કર અને મેડરિટ્ઝ દ્વારા નોકરીએ રાખવામાં આવેલા કેદીઓની મજૂર ફી હવે પ્રોમોર્સ્કા સ્ટ્રીટને મળવાને બદલે, પોહ્લના સેક્સન ડી (કોન્સન્ટ્રેશન કેમ્પ)ના વડા જનરલ રિચાર્ડ ગ્લક્સની ઑફિસમાં પહોંચવા લાગી. ઓસ્કરે હવે જો કોઈ મદદ જોઈતી હોય તો પ્લાઝોવ જઈને એમોનને મસ્કા મારવા અને જુલિઅન સ્કર્નરને ભોજન માટે આમંત્રણ આપવા ઉપરાંત, ઓરેનિઅનબર્ગના ભવ્ય અધિકારીભવનના અમુક અધિકારીઓને પણ મળવું પડતું હતું!

બર્લિન સુધીની મુસાફરી કરીને પોતાની ફાઈલો સાથે કામ પાડતા અધિકારીઓને મળવાની એ તક ઓસ્કરે વહેલી તકે ઝડપી લીધી. ઓરેનિયનબર્ગની શરૂઆત એક કોન્સન્ટ્રેશન કેમ્પ તરીકે થઈ હતી, પરંતુ હવે અહીંયાં છુટીછવાઈ વહીવટી બેરેકો જ રહી ગઈ હતી. જેલની અંદરના જીવન-મૃત્યુને સ્પર્શતાં દરેક પાસાં સેક્સન ડીની આ કચેરીમાંથી નિયંત્રિત થતાં હતાં. પોહ્લ સાથે સંપર્કમાં રહીને, મજૂર કેદીઓ અને ચેમ્બરમાં મોકલવાના કેદીઓની સંખ્યા વચ્ચે સમતુલા જાળવવાની જવાબદારી સેક્સન ડીના વડા રિચાર્ડ ગ્લક્સને સોંપવામાં આવી હતી, જેમાં એક જુથમાં કેદી મજૂરોને રાખવાના હતા, અને બીજા જુથમાં જેમનો તાત્કાલિક નિકાલ કરવાનો હતો તેવા કેદીઓને રાખવાના હતા. કોઈ પણ પ્રકારની દુર્ઘટના બને, તો તેની સાથે કામ પાડવાની ચોક્કસ કાર્યપદ્ધતિઓ પણ ગ્લક્સે નિશ્ચિત કરી રાખી હતી. વાંચતાં-વાંચતાં બેભાન બની જવાય એવા મૂંઝવી દેતા કાયદાકીય શબ્દો વાપરીને નિર્લેપ તજજ્ઞોએ લખેલા પત્રો ગ્લેક્સના વિભાગ દ્વારા સૌને મોકલવામાં આવી રહ્યા હતા.

એસ.એસ આર્થિક અને વહીવટી મુખ્યાલય

વિભાગીય વડા ડી (કોન્સન્ટ્રેશન કેમ્પ)

ડી-વન-એ ઝેડ સી સી ૧૪ એફ એલ – ઓ ટી -એસ જી ઈ એચ

ટી જી બી એન ઓ ૪૫૩-૪૪

પ્રતિશ્રી

કમાન્ડન્ટ ઓફ કોન્સન્ટ્રેશન કેમ્પ ડીએ

સા, બુ, માઉ, સ્લો, ન્યૂ, ઔ

૧-III, જીઆર-રો, નેટ્ઝ, સ્ટૂ, રેવ

હર્ઝ, એ-લાઇક-બેલ્સ, ગૃપેન્લ.

ડી.રીગા, ગૃપેન્લ, ડી.ક્રેકોવ

(પ્લાઝોવ)

યુદ્ધોપયોગી ઉત્પાદક ઉદ્યોગોમાં કેદીઓ દ્વારા થતી ભાંગફોડના કિસ્સામાં, છાવણીના કમાન્ડન્ટ દ્વારા ચાબુક વડે સજા આપવા માટેની અરજીઓની સંખ્યા વધી રહી છે.

મારી વિનંતી છે, કે ભવિષ્યમાં આ પ્રકારની ભાંગફોડના સાબિત થયેલા પ્રત્યેક કિસ્સા માટે ફાંસી દ્વારા મૃત્યુદંડ આપવા માટે અરજી જ કરવી. આ માટે વહીવટીતંત્રનો અહેવાલ બીડવો આવશ્યક છે. મૃત્યુદંડનો અમલ જે તે કાર્ય સાથે સંલગ્ન સભ્યોની હાજરીમાં જ કરવો આવશ્યક છે. મૃત્યુદંડના કારણની જાણ બધા જ કેદીઓને કરવી, જેથી આ સજા દ્વારા દૃષ્ટાંતરૂપ દાખલો બેસી શકે.

સહી

એસ એસ ઓબર્સ્ટર્મ્ફ્યૂહરર

આ રહસ્યમયી કચેરીની કેટલીક ફાઇલોમાં કેદીઓના વાળની લંબાઈ કેટલી હોવી જોઈએ તેની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી, કારણ કે માણસોના વાળમાંથી યુ-બોટના ચાલકો માટેનાં વાળનાં મોજાં અને જર્મન રેલવેના કર્મચારીઓ માટે ચંપલ બનાવવાનો ફાયદાકારક ઉપયોગ કરવામાં આવતો હતો. બીજી કેટલીક ફાઈલોમાં એવી નોંધ કરવામાં આવી હતી, કે મૃત્યુદંડની અરજીઓની નકલોને આઠ વિભાગોમાં ફાઈલ કરવી; અથવા તો ઇન્ડેક્સ કાર્ડમાં નોંધ થાય કે તરત જ માત્ર પત્ર દ્વારા જાણ કરીને જે તે કેદીની અંગત ફાઈલમાં માહિતીને સામેલ કરવા જેવી મહત્ત્વની બાબતોની ચર્ચાઓ પણ કરવામાં આવતી હતી. ત્યારે આ બધું છોડીને ક્રેકોવના હેર ઓસ્કર શિન્ડલર અહીં આવીને, ઝેબ્લોસીના પોતાના નાનકડા ઔદ્યોગિક સંકુલ વિશે વાત કરવા આવતા હતા! એટલે તેમની વાત સાંભળવા માટે કચેરી તરફથી મધ્યમ સ્તરના કોઈક પર્સનલ ઓફિસરને ફાળવી દેવામાં આવ્યા હતા.

પરંતુ ઓસ્કર તેનાથી નિરાશ થયો ન હતો. પોતાના મજૂરોમાં યહૂદી કેદીઓ ધરાવતા મેગાલિથ, ક્રપ અને આઇજી ફાર્બન જેવા, ઓસ્કરથી પણ મોટા-મોટા ઉદ્યોગપતિઓ અહીંયા આવતા હતા. પ્લાઝોવમાં કેબલવર્ક્સ નામનો એક ઉદ્યોગ હતો. હિમલરે જેને જર્મની લઈ જવા માટે ઘણા પ્રયત્નો કરી જોયા હતા એ વૉરસોના વોલ્ટર સી. ટોબેન્સ, શિન્ડલર કરતાં પણ વધારે મજૂરો ધરાવતા ઉદ્યોગપતિ હતા. તે ઉપરાંત સ્ટેલોવા વોલાનું સ્ટીલવર્ક્સ, બદઝીન અને ઝેકોપેનની એરક્રાફ્ટ ફેક્ટરી અને રેડમનું સ્ટેયોર-ડેમર-પક વર્ક્સ પણ હતું.

પર્સનલ ઓફિસરના ટેબલ પર એમેલિયાનો નકશો પડ્યો હતો. એણે ઓસ્કરને વિવેકપૂર્વક કહ્યું, “હું માનું છું કે તમારે તમારી છાવણી હજુ આથી વધારે મોટી તો નહીં જ કરવી હોય! ટાયફસ ફેલાવાની શક્યતા હોવાને કારણે એ શક્ય નહીં બને.”

ઓસ્કરે એ સૂચન સામે ધ્યાન ન આપ્યું. એણે જવાબ આપ્યો, “મને તો મારા મજૂરવર્ગને કાયમ માટે ફેક્ટરીમાં જ રાખવામાં રસ છે. કર્નલ એરિક નામના મારા મિત્રને પણ મે આ બાબતે વાત કરી છે.” ઓસ્કરને લાગ્યું, કે કર્નલના નામથી એસએસના માણસ પર કંઈક અસર થઈ ખરી! કર્નલે લખેલો એક પત્ર ઓસ્કરે તેને આપ્યો, અને પર્સોનેલ ઓફિસરે શાંતિથી એ પત્ર વાંચ્યો. ઑફિસમાં શાંતિ પ્રવર્તતી હતી. આજુ-બાજુના કમરાઓમાંથી પેન ઘસવાનો અને કાગળો સરકવાનો, કે પછી ધીમા અવાજે ગંભીરતાપૂર્વક કંઈક વાત થતી હોવાનો અવાજ આવી રહ્યો હતો, યાતનાભરી ચીસોની માયાજાળના સાવ કિનારે બેઠા હોવાનો લગરીક અહેસાસ પણ કોઈને ન હતો!

કર્નલ એરિક લેન્જ એક વગદાર વ્યક્તિ હતા, બર્લિનના આર્મિ મુખ્યાલયના યુદ્ધ મંત્રાલયના તેઓ સર્વોચ્ચ સેનાપતિ હતા. ક્રેકોવમાં જનરલ શિન્ડલરની ઑફિસમાં યોજાયેલી એક પાર્ટીમાં ઓસ્કરનો પરીચય તેમની સાથે થયો હતો. થોડી ક્ષણોમાં જ બંને વચ્ચે એક ઓળખાણ ઊભી થઈ ગઈ હતી. ઘણી બધી પાર્ટીઓમાં આવું બનતું હતું, કે સામા માણસની આંખમાં સત્તા પ્રત્યેનો અણગમો વાંચી લઈને લોકો એકબીજાની કંપની માણવા કોઈક ખુણામાં જઈને બેસી જતા, અને જોગાનુજોગ તેમના વચ્ચે મિત્રતા પણ સ્થપાઈ જતી! એરિક પોતે પણ પોલેન્ડની ફેક્ટરીની છાવણીઓને જોઈને આઘાત પામ્યો હતો. ત્યાંનો ફોરમેન બ્યૂનાની આઇ. જી. ફારબન વર્ક્સમાં એસએસની રસમ મુજબ કેદીઓને દોડાવી-દોડાવીને સિમેન્ટ ખાલી કરાવતો હતો. ભૂખ્યા અને કમજોર મજૂરોના મૃતદેહોને કેબલો માટે ખોદેલા ખાડાની અંદર કેબલો અને સિમેન્ટની જોડે જ ધકેલી દઈને દાટી દેવામાં આવતા હતા! એક પ્લાન્ટ મેનેજરે નવા આવેલા કેદીને કહેલું, “તમે લોકો અહીં જીવવા માટે નહીં, આ કોંક્રીટ સાથે દટાઈ જવા માટે જ અહીં આવો છો.” આ સાંભળીને એરિક લેન્જ તો અત્યંત હતપ્રભ થઈ ગયો હતો.

ઓરેનબર્ગ પર પત્ર લખી આપતા પહેલાં એણે થોડા ફોન કર્યા હતા. પત્ર અને એ ફોન, બંને દ્વારા એક જ સૂચના આપવામાં આવી હતી. “હેર શિન્ડલર, તેમના કર્મચારીઓ, અને તેઓ જે ૪૫ એમએમના તોપ વિરોધી ગોળાઓ બનાવે છે તેની ગણના, આ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાની આ લડાઈ માટે મહત્ત્વનો ફાળો આપનાર તરીકે કરવામાં આવે છે. તેમણે કુશળ નિષ્ણાતોનો કર્મચારીગણ તૈયાર કરેલ છે. માટે હેર ડાયરેક્ટર શિન્ડલરની દેખરેખ હેઠળ થઈ રહેલા કામને ખલેલ પહોંચે તેવાં કોઈ પગલા ભરવા નહીં.”

પર્સોનેલ ઓફિસર આ પત્ર વાંચીને પ્રભાવિત થયો હતો અને તેણે એકદમ સ્પષ્ટ વાત કરી. “ઝેબ્લોસીની છાવણીમાં વસતા લોકોને હેરાન કરવાનો કે તેમનો દરજ્જો બદલવાની અમારી કોઈ જ યોજના નથી. તે છતાં, હેર ડાયરેક્ટર, આપ સમજી શકો છો કે તેઓ ભલે યુદ્ધસામગ્રીના કુશળ કારીગર હોય, યહૂદીઓની પરિસ્થિતિ હંમેશા જોખમી જ રહેવાની! આપણા પોતાના એસએસ એકમની જ વાત સાંભળો. એસએસ દ્વારા ચલાવવામાં આવતી ઓસ ઈન્ડસ્ટ્રિઝ નામની એક કંપની ખાડા ખોદવાના કામમાં, બ્રશ ફેક્ટરીમાં, લ્યુબીનની લોખંડની ફાઉન્ડ્રીમાં, રેડમની ઈક્વિપમેન્ટ ફેક્ટરીમાં અને ટ્રેવનીકીની ફરની ફેક્ટરીમાં યહૂદી કેદીઓને કામે રાખે છે. પરંતુ એસએસની અન્ય શાખાઓ મજૂરોને વારંવાર ગોળીઓ મારીને મારી નાખે છે! અને ઓસ ઈન્ડસ્ટ્રિઝમાં તો હવે કોઈ પ્રકારનું કામ થતું જ નથી. એ જ રીતે કોન્સન્ટ્રેશન કેમ્પના કર્મચારીઓ ફેક્ટરીનું કામ કરવા માટે જરૂરી છે એટલા કેદીઓને પણ જીવતા રાખતા નથી! આ બાબતે ઘણી વખત પત્રવ્યવહાર કરવામાં આવ્યો છે, પરંતુ ત્યાંના કર્મચારીઓ હઠીલા છે.” પર્સનલ ઓફિસરે પત્ર ઉપર આંગળી ઠપકારતાં કહ્યું, “પણ હા, તમારા માટે જે કંઈ પણ થઈ શકશે એ હું ચોક્કસ કરીશ.”

“હું તમારી સમસ્યા સમજું છું.” મોં પર આનંદિત ભાવોવાળા એસએસના માણસને ઓસ્કરે કહ્યું. “હું કોઈ પ્રકારે જો આપનો આભાર વ્યક્ત કરી શકું તો કહેજો.”

છેવટે, ક્રેકોવની છાવણીના પાછળના મેદાનમાં બનાવેલી છાવણીની પરિસ્થિતિ જેવી હતી તેવી જ જાળવી રાખવા બાબતે થોડી ખાતરી મેળવીને ઓસ્કરે ઓરેનેઇનબર્ગ છોડ્યું.

પ્લાઝોવના દરજ્જામાં આવેલા ફેરફારને કારણે પ્રેમી પંખીડાઓ પર અતિક્રમણ કરવામાં આવ્યું. આર્થિક અને વહીવટી મંત્રાલયની જેમ ત્યાં પણ સ્ત્રી-પુરુષોને અલગ રાખવા માટેના કાયદાઓ અમલમાં આવ્યા. સ્ત્રીઓ અને પુરુષોની જેલ વચ્ચે કાંટાળી વાડ બનાવી દેવામાં આવી, સંપૂર્ણ ઔદ્યોગિક ક્ષેત્રને ફરતી વાડને વીજળી વડે સુરક્ષીત કરી દેવામાં આવી! વાડમાં વીજળીના દબાણનું પ્રમાણ, બે તાર વચ્ચેની જગ્યા, વીજળીના તાર તથા અવાહકો, વગેરે બધાંની વ્યવસ્થા મુખ્યાલય તરફથી કરવામાં આવી હતી.

આ બધી વ્યવસ્થાઓ સાથે સંકળાયેલી શિસ્તપાલનને લગતી બાબતોની નોંધ લેવામાં એમોન અને તેના અધિકારીઓ પાછા પડે તેમ ન હતા! હવે વીજળીવાળી વાડ અને અંદરની મૂળ વાડની વચ્ચે લોકોને ઊભા રાખી દઈ શકાય તેમ હતા! થાકના માર્યા લથડિયું ખાતી વેળાએ કેદીઓને ખબર રહેતી જ, કે પાછળ માત્ર બે જ ઈંચના અંતરે સેંકડો વોલ્ટનું વીજ દબાણ ઊભું હતું! દાખલા તરીકે, કામદારોને કામ પરથી છાવણીમાં લઈને મન્ડેક કોર્ન પાછો આવ્યો, ત્યારે એક કેદી તેને ઓછો જણાયો! બસ, એક આખો દિવસ અને આખી રાત, એણે એ સાંકડી ગલીમાં ઊભા રહેવાની સજા ખમવી પડી હતી!

પરંતુ એ વાયરની ઉપર પડીને વીજળીનો ઝટકો ખાવા કરતાં પણ, વીજપ્રવાહ કેદી સ્ત્રી-પુરુષોને જે રીતે અલગ-અલગ વહેંચી દેતો હતો એ વધારે ખરાબ હતું! સાંજની હાજરીથી લઈને સવારના બ્યૂગલ સુધી સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે એ વીજપ્રવાહ કોઈ પહોળી-ઊંડી ખાઈ ઊભી કરી દેતો હતો! હાજરીની કતારમાં ઊભા રહેવાનો હુકમ થાય ત્યાં સુધીનો બહુ ટુંકો અને ભીડભાડભર્યો સમય, હવે એકમેકને મળવા માટે મળતો હતો! એટલા ટુંકા સમયમાં એકમેકને મળી લેવા માટે અલગ-અલગ છાવણીઓમાં રહેતાં પ્રત્યેક દંપતીએ સંગીતની ચોક્કસ સાંકેતિક ધુનો નક્કી કરી રાખી હતી. ભીડમાં એ ધુનને સીટી દ્વારા વગાડીને, સીટીઓની એ ભરમારમાં પોતાની સીટીનો જવાબ શોધી કાઢવા તેઓ મથામણ કરતા રહેતા! રેબેકા તેનનબમે પણ એક એવી જ ખાનગી ધૂન નક્કી કરી રાખી હતી. એકબીજાને મળવા માટે આવી પંખીઓની રીત અપનાવવા એસએસ મુખ્યાલયના જનરલ પોહ્લના નિયમોએ પ્લાઝોવના કેદીને મજબૂર કરી દીધા હતા! અને આ રીતે રેબેકા અને જોસેફ વચ્ચેનો લજ્જાશીલ પ્રેમ આગળ વધ્યો.

જોસેફે કોઈક રીતે મૃત્યુ પામેલી કોઈક સ્ત્રીનાં કપડાં મેળવી લીધા હતા. પુરુષોની કતારમાં હાજરી પૂરાવી લીધા પછી એ શૌચાલયમાં જઈને લાંબો ગાઉન પહેરીને માથા પર જુનવાણી ગોળ ટોપી પહેરી લેતો, અને બહાર આવીને સ્ત્રીઓની કતારમાં ઊભો રહી જતો! તેના વાળ ટૂંકા હોવા છતાં એસએસના કોઈ ચોકીદારને નવાઈ નહીં લાગી હોય, કારણ કે આમ પણ ‘જૂ’ના ઉપદ્રવને કારણે મોટાભાગની સ્ત્રીઓના વાળ કાપી નાખવામાં આવ્યા હતા. આમ, ૧૩૦૦૦ સ્ત્રી કેદીઓ સાથે એ સ્ત્રીઓના પરિસર ભણી સરકી જતો અને ૫૭ નંબરની ઝૂંપડીમાં રેબેકાના સાનિધ્યમાં બેઠાં-બેઠાં જ રાત પસાર કરી નાખતો! રેબેકાની બેરેકમાં રહેતી વડીલ સ્ત્રીઓને જોસેફ પર ભરોસો હતો. જોસેફ જો પરંપરાગત સંબંધો માટે આગ્રહ રાખે તો બેરેકની વડીલ સ્ત્રીઓ રેબેકાની સંરક્ષક બનીને તેનું ધ્યાન રાખતી! આમ જોસેફ તેમને એક ભેટ સ્વરૂપે મળી ગયો હતો! જોસેફને કારણે યુદ્ધ પહેલાના આનંદભર્યા દિવસો જાણે પાછા ફર્યા હતા! બધા સુઈ જાય ત્યાં સુધી, ચાર માળના બંકની ઉપર બેસીને એ સ્ત્રીઓ નીચેની બંક પર બેઠેલા આ યુગલને ક્યાંય સુધી નીહાળતી રહેતી! તેમાંના કોઈને એવો વિચાર આવ્યો પણ હોઈ શકે, કે આવા મુશ્કેલીના સમયે આટલી મોડી રાત્રે બંને બાળકોને જે કરવું હોય એ કોઈ માથાકુટ કર્યા વીના કરવા દઈએ! પરંતુ તેમાનું કોઈ પોતાનો એવો વિચાર પ્રગટ કરતું નહીં! હકીકતે બે વડીલ સ્ત્રીઓ એક જ પલંગમાં ગીચોગીચ સૂઈ રહેતી હતી, જેથી જોસેફને સુવા માટે અલગ પલંગ મળી રહે. એ બંને સ્ત્રીઓને સાથે સુઈ રહેવામાં, એકબીજાના શરીરની ગંધ, સખીના માથામાંથી પોતાના માથામાં ‘જૂ’ આવી જવાનો ડર, વગેરે જેવી ઘણી અગવડ પડતી હશે. પરંતું બધાંએ નક્કી કર્યા મુજબ, આ બંને પ્રેમીઓને મળવાની સગવડ કરી આપવાની સામે પોતાના અંગત સગવડોનું એટલું મહત્ત્વ કોઈને પણ હતું નહીં!

શિયાળાના અંતે જોસેફ, બાંધકામ કચેરીનો આર્મબેન્ડ પહેરીને એકદમ સફેદ બરફ વચ્ચે અંદર-બહારની વીજપ્રવાહિત વાડની વચ્ચે જઈ પહોંચ્યો! હાથમાં સ્ટીલની માપપટ્ટી લઈને, વોચટાવર પરથી સ્પષ્ટ જોઈ શકાય એ રીતે બાંધકામને લગતું કંઈક કામ કરતો હોય એમ નો-મેન્સ-લેન્ડ વિસ્તારનું માપ લેવાનું નાટક કરવા લાગ્યો.

પોર્સેલીનનું અવાહક ભરેલા કોંક્રિટના થાંભલાના પાયા પાસે એ વર્ષના પહેલવહેલાં નાજુક ફૂલો ખીલી ચૂક્યાં હતાં. સ્ટીલની પટ્ટીથી માપતાં-માપતાં જોસેફે એ ફૂલોને ચૂંટી લીધાં, અને પોતાના જેકેટની અંદરના ભાગે સંતાડી દીધાં. ફૂલો લઈને એ જેરોઝોલિમ્સ્કા સ્ટ્રીટની છાવણીમાં આવ્યો. છાતીમાં ફૂલોનો જથ્થો ખોસીને એમોનની વિલા પાસે થઈને એ પસાર થતો હતો, ત્યાં જ એમોન દરવાજામાંથી બહાર આવ્યો. જોસેફ ત્યાં જ ઊભો રહી ગયો. એમોનની સામે ચાલતાં અટકી જવું એ એક ખતરનાક બાબત હતી. પરંતુ ઊભા રહ્યા પછી તેનું શરીર એકદમ જકડાઈ ગયું! એને ડર લાગ્યો, કે ઉત્સાહ અને સચ્ચાઈપૂર્વક અનાથ રેબેકાને અર્પણ કરેલું તેનું હૃદય ચોક્કસ આજે એમોનની ગોળીનું લક્ષ્ય બની જવાનું!

પરંતુ તેની નોંધ પણ લીધા વગર એમોન તેની પાસેથી પસાર થઈ ગયો. કોઈ પણ કામ વગર હાથમાં માપપટ્ટી લઈને એ તેની સામે જ ઊભો હતો એ બાબતે એણે કોઈ વાંધો પણ ન પાડ્યો! જોસેફ બાઉએ હાશકારો અનુભવ્યો. સદ્ભાગ્ય ન હોય તો એમોનની સામે જઈને કોઈ બચી શકતું ન હતું!

એક દિવસ, શિકાર માટેના કપડાંમાં સજ્જ એમોન અચાનક જ છાવણીમાં પાછલા દરવાજેથી પ્રવેશ્યો. છાવણીના ગેરેજમાં તેની લિમોઝીન કાર ઊભી હતી. કારમાં બેઠેલી વેરનહેપ્ટ કુટુંબની એક છોકરીને પાછળ જોવાના અરીસામાં પોતાનો ચહેરો જોતી એ જોઈ ગયો! એ છોકરીને કારની બારીઓ સાફ કરવાનું કામ આપવામાં આવ્યું હતું, અને એ બારીઓ તો હજુ પણ ડાઘાવાળી જ હતી! એ જ ઘડીએ એણે એ છોકરીને મારી નાખી! એક મા-દિકરીને રસોડાની બારીમાંથી એમોને જોયેલાં. બટાકા છોલવાનું કામ બંને થોડું ધીમે-ધીમે કરી રહ્યા હતા. બારસાખમાંથી અંદર ઝૂકીને એણે બંનેને ગોળીએ દઈ દીધેલા!

આવા અનેક બનાવો બન્યા હતા. છતાં આજે તેની વિલાના બારણા પાસે જ, તેને અત્યંત ગુસ્સો ચડી જાય એવા એક દૃશ્યમાં સાવ જડ થઈને ઊભેલો એક યહૂદી પ્રેમી યુવાન પોતાના હાથમાં માપપટ્ટી લટકાવતો ઊભો હતો, અને એમોન તેની સામેથી જ ચાલીને જતો રહ્યો! બાઉને મન થઈ આવ્યું, કે કોઈક જોરદાર કામ કરીને આજે તો પોતાના સદ્ભાગ્યના આ અતિરેકની પાક્કે પાયે ખાતરી કરી લેવી જોઈએ! અને અત્યારે તો લગ્ન કરવા એ જ એક માત્ર જોરદાર કામ હોય તેવું તેને લાગી રહ્યું હતું.

એ વહીવટીભવનમાં પાછો આવ્યો, સીડીઓ ચડીને સ્ટર્નની ઑફિસમાં ગયો. રેબેકાને મળીને એને સીધું જ લગ્ન કરવા બાબતે પૂછી લીધું! એકદમ જ ખુશ થઈ ગયેલી રેબેકા તેના અવાજમાં પ્રવેશેલી ઉતાવળને પારખી ગઈ હતી!

એ સાંજે ફરી એક વખત મૃત સ્ત્રીનાં કપડાં પહેરીને એ પોતાની માતાને અને અન્ય વડીલ સ્ત્રીઓના મંડળને સત્તાવન નંબરની ઝુંપડીમાં મળ્યો. હવે માત્ર રેબીની જ જરૂર હતી. પરંતુ કોઈ રેબી મળી આવે તો પણ ઓસ્વિટ્ઝ જવા આડે હવે બહુ થોડા દિવસો બાકી હોય એવું લાગતું હતું! ઓસ્ટવિટ્ઝની ભઠ્ઠીમાં પ્રવેશતાં પહેલાં, કિસ્સુશિન અને નિશ્યુનની વિધિ કરવા માટે રેબીને શોધવાનો અને તેમની પાસે પાદરી તરીકેની વિધિ કરાવવા જેટલો લાંબો સમય તેમની પાસે બચ્યો ન હતો!

આખરે ફેબ્રુઆરીની ભયાનક ઠંડીભરી એક રાત્રે જોસેફ અને રેબેકાએ લગ્ન કરી લીધા! તેમનાં લગ્નમાં કોઈ જ રેબી હાજર ન હતો! જોસેફની માતાએ જ લગ્નવિધિ કરાવી હતી. તેઓ આધુનિક યહૂદી હતા એટલે એરેમાઇક ભાષામાં લખેલા કેતુબાહ નામે ઓળખાતા લગ્નપૂર્વે કરાતા કરારનામાની તેમને જરૂર લાગતી ન હતી! ઝવેરી વલ્કનના વર્કશોપમાં કોઈએ ચાંદીના ચમચામાંથી બે વીંટીઓ બનાવી હતી. જોસેફની માતાએ એ વીંટીઓને અત્યાર સુધી છાપરાની વળીમાં છૂપાવી રાખી હતી. યહૂદી પરંપરા મુજબ બેરેકની જમીન પર રેબેકાએ જોસેફની ફરતે સાત ફેરા લીધા, અને જોસેફે કાચના ગ્લાસની જગ્યાએ બાંધકામ કચેરીમાંથી લાવવામાં આવેલો એક ઊડેલો બલ્બ પોતાના પગ નીચે કચડી નાખ્યો!

બંકના છેક ઉપલા માળનો પલંગ દંપતીને ફાળવી દેવામાં આવ્યો. તેમને એકાંત મળી રહે એ માટે પલંગની આસપાસ ધાબળા બાંધી દેવામાં આવ્યા. અંધારામાં જોસેફ અને રેબેકા તેમાં ચડી ગયા એ સાથે જ આજુબાજુના પલંગો પર બેઠેલી સ્ત્રીઓ કામુક કિસ્સાઓ કહેવા લાગી! પોલેન્ડમાં લગ્ન સમારંભોમાં બંને પક્ષની સહમતીથી એવો ચોક્કસ સમય ફાળવવામાં આવતો હતો, જેમાં ભાગ લેનારાઓને કામુકતાભર્યા પ્રેમકિસ્સા વર્ણવવાની તક આપવામાં આવતી હતી! લગ્નમાં આવેલા મહેમાનો તેમાં સ્વયં ભાગ લેવા માગતા ન હોય તો લગ્ન સમારંભો માટે ખાસ વિદૂષકોને પણ તેઓ બોલાવી શકતા હતા. ભાડૂતી વિદુષકોનાં નખરાં સાંભળીને પેટ પકડીને ખડખડાટ હસી રહેલા પુરુષોની સામે બેઠેલી વીસ-ત્રીસ વર્ષની યુવતીઓ પોતાનાં મોં પર નારાજગીના ભાવો વ્યક્ત કરતી રહેતી, અને ક્યારેક-ક્યારેક પોતે પણ કોઈ વડીલ સ્ત્રીની માફક એ પ્રસંગનો આનંદ માણી લેતી! લગ્નપ્રસંગે આવી પહોંચતા દક્ષિણી પોલેન્ડના વિદુષકો તો હવે મોતના મોંમાં હોમાઈ ચૂક્યા હતા, એટલે તેમની ગેરહાજરીમાં આજે આ સ્ત્રીઓ તેમની ભૂમીકા પણ પોતે જ અદા કરી રહી હતી!

જોસેફ અને રેબેકાને સૌથી ઊપરની બંકમાં ગયાને હજુ દસેક મિનિટ પણ નહીં થઈ હોય, ત્યાં અચાનક જ બેરેકની લાઈટો ચાલુ થઈ ગઈ. જોસેફે પલંગ પર ઢાંકેલા ધાબળાની ઓથેથી જર્મન અન્ટર્સ્ટર્મફ્યૂહરર શિડ્ટને પથારીઓની કતાર વચ્ચે આંટા મારતો જોયો! ફરી એક વખત એ જ પોતાના દુર્ભાગી હોવાની જૂની લાગણી જોસેફને ઘેરી વળી. જરૂર પોતે પોતાની પથારીમાં ન હોવાની જાણ શિડ્ટને થઈ ગઈ હશે! અને શિડ્ટે પોતાના બદમાશ અધિકારીઓમાંથી એકને તેની માતાની ઝુંપડીમાં તપાસ કરવા માટે મોકલ્યો હશે! એમોને એ દિવસે પોતાની વિલાની બહાર તેની સામે આંખ આડા કાન કર્યા હતા તેનું કારણ પણ કદાચ એ જ હશે, કે ટ્રિગર દબાવવાનો શોખિન શિડ્ટ, લગ્નની રાત્રે જ તેને મારી શકે!

એક વાત જોસેફ સમજી ગયો, કે આજે આ બધી જ સ્ત્રીઓ ઉપર મોતનું જોખમ તોળાઈ રહ્યું હતું! તેની માતા, નવવધુ, આ ઘટનાની સાક્ષી સ્ત્રીઓ અને મજાક કરી-કરીને બધાને હસાવી રહેલી આ બધી જ સ્ત્રીઓ આજે મોતના મુખમાં હોમાઈ જવાની! પથારીમાં બેઠાં-બેઠાં જ એ ધીમા અવાજે ખુલાસા કરતો પેલી સ્ત્રીઓની માફી માગવા લાગ્યો. રેબેકાએ તેને ચૂપ રહેવા કહ્યું. એણે પોતાના પલંગ પર ઢાંકેલા ધાબળાના પડદા ઊતારી લીધા. એ બરાબર સમજતી હતી કે શિડ્ટને જો ઉશ્કેરવામાં ન આવે, તો અડધી રાતે એ કંઈ ઉપર ચડીને તેના પલંગમાં ઘુસી આવવાનો ન હતો! નીચેની પથારીઓમાં બેઠેલી સ્ત્રીઓ જોસેફને છૂપાવવા માટે રેબેકાને ઘાસથી ભરેલાં ઓશીકાં આપી રહી હતી. આવું કંઈ ન બન્યું હોત, તો અત્યારે તો જોસેફ રેબેકા સાથે એક તરવરિયા યુવાનની માફક શરીરસંબંધ બાંધી રહ્યો હોત! તેને બદલે અત્યારે એ એક સાવ નાનકડાં બાળક જેવો બની ગયો હતો. હવે તો રેબેકાએ જ તેને બચાવવાનો હતો! રેબેકાએ જોર વાપરીને તેને બંકના એક ખૂણામાં ધકેલી દીધો અને તેના પર ઓશીકાં મૂકીને તેને ઢાંકી દીધો! નીચેથી પસાર થતા શિડ્ટને રેબેકા જોઈ રહી. પાછળના દરવાજેથી શિડ્ટ બહાર નીકળી ગયો. લાઈટો બંધ થઈ ગઈ. અને છેલ્લી-છેલ્લી હસી-મજાકો વચ્ચે અંધારામાં બાઉ દંપતીને ફરીથી તેમની ખાનગી જગ્યાએ મોકલી દેવામાં આવ્યું.

પરંતુ શિડ્ટ ગયો તેની મિનિટોમાં જ છાવણીમાં સાયરનો વાગવા લાગી. બધાં ફરીથી અંધારામાં બેઠા થઈ ગયા. બાઉ માટે આ અવાજોનો અર્થ એક જ હતો કે જર્મન સૈનિકો કોઈ પણ ભોગે તેમની લગ્નવિધિને ધૂળમાં મેળવવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યા હતા. પુરુષોના રહેણાકમાં જોસેફની ખાલી પથારી એમણે શોધી કાઢી હશે… અને હવે ગંભીરતાપૂર્વક તેની શોધ ચાલી રહી હશે…!

પથારીની હાર વચ્ચે સ્ત્રીઓ એકઠી થઈ ગઈ હતી. તેઓ પણ આ હકીકત જાણી ગઈ હતી. ઉપરના બંકમાં બેઠાં-બેઠાં જોસેફ તેમની વાતો સાંભળી શકતો હતો. એ બંનેના પ્રેમસંબંધોને કારણે આ બધી જ સ્ત્રીઓ હવે મોતના મુખમાં ધકેલાઈ જવાની હતી! હકીકતે બેરેકની વૃદ્ધ સ્ત્રીઓ તો લગ્નની આ આખી ઘટનાથી એકદમ અળગી જ રહી હતી! અને તો પણ સવારના પહોરમાં પ્રકાશ પથરાશે એ સાથે આ બંકમાંથી વરકન્યાના પકડાવા સાથે જ એ નિર્દોષ વૃદ્ધ સ્ત્રીઓને પણ ગોળી મારીને વીંધી નાખવામાં આવશે!

જોસેફ બાઉએ પોતાના કપડાં એકઠા કરી લીધાં. પત્નીને અછડતું ચુમી લીધું. જમીન પર ઊતરી જઈને એ ઝૂંપડામાંથી બહાર નાસી ગયો. બહારના અંધારામાં સાઇરનનો તીણો અવાજ તેના કાનમાં ખૂંચી ગયો. હાથમાં પોતાનું જેકેટ અને જૂના કપડાં લઈને ગંદા બરફમાં એ દોડવા લાગ્યો. પ્રકાશ થશે એટલે જરૂર ટાવર પરથી એ દેખાઈ જવાનો! પરંતુ તેના મનમાં એક ઝનૂની વિચાર આકાર લઈ રહ્યો! તેને વિચાર આવ્યો, કે કરંટ તો એક છોડીને એક તારમાં વહેતો હતો. વાડની ઊપર ગોઠવેલી લાઈટોને છેતરીને, જો એ વાડ વટાવી શકે તો… અને એક વખત પુરુષોની છાવણીમાં એ પહોંચી જાય, તો-તો પછી પેટમાં ગરબડને કારણે શૌચાલયની ફર્શ પર પોતે બેભાન થઈ ગયો હોવાની અને સાઇરનના અવાજને કારણે ભાનમાં આવી ગયાની વાર્તા એ ગોઠવી કાઢશે!

પૂરપાટ દોડતાં તેને વિચાર આવ્યો, કે જો શોક લાગવાને કારણે પોતે મરી જાય તો પણ પોતે કઈ સ્ત્રીને મળવા અહીં આવ્યો હતો તેની કબુલાત તેની પાસે કોઈ નહીં કરાવી શકે! વીજભારયુક્ત વાયર તરફ દોડતાં એ એટલું સમજતો ન હતો, કે હાજરી પૂરવાના સમયે શાળાના ક્લાસરૂમ જેવું જ દૃશ્ય ઊભું થવાનું, અને એ સમયે યેનકેન પ્રકારે રેબેકાને આગળ આવવા માટે મજબૂર કરવામાં આવશે!

પ્લાઝોવની સ્ત્રીઓ અને પુરુષોની છાવણી વચ્ચે વીજળી ધરાવતા કુલ નવ તારો દોડાવવામાં આવ્યા હતા. જોસેફે એ રીતે ઊંચો કુદકો માર્યો જેથી તેના પગ ત્રીજા તાર સુધી પહોંચે અને તેના હાથ ઉપરથી બીજા તારને પકડી શકે. પછી તો ઉંદરની ઝડપે કુદકા મારીને ઉપરના તાર પર પહોંચી શકાશે એવી કલ્પના એણે મનોમન કરી લીધી. પરંતુ બરાબર તારની જાળી સાથે જ એ અથડાયો અને ત્યાંને ત્યાં જ લટકી રહ્યો! તેને લાગ્યું, કે તારની આ ઠંડક એ જ કરંટનો પહેલો ઝટકો છે! પરંતુ હકીકતે બન્યું એવું, કે એ વાડમાં કરંટ ચાલુ જ ન હતો!

ટાવરની લાઈટો ચાલતી ન હતી! તારમાં શા માટે વીજળી ન હતી તેનો વિચાર કર્યા વગર જોસેફ વાડ ચડી ગયો! છેક ઊપર ચડીને એ પુરુષોની છાવણીમાં કૂદી ગયો. “હવે તું એક પરણીત પુરુષ છે.” એણે પોતાની જાતને કહ્યું. બાથરૂમની બાજુમાં આવેલા શૌચાલયની અંદર એ ઘૂસી ગયો. “પેટમાં ભયાનક ગરબડ થઈ ગઈ છે, કમાન્ડન્ટ.” દુર્ગંધ વચ્ચે ઊંડા શ્વાસ લેતો એ ઊભો રહ્યો. ફૂલો લઈને આવતી વખતે એમોને તેની સામે કરેલા આંખ આડા કાન… તેના લગ્ન, કઢંગી પરિસ્થિતિમાં એણે ધરેલી ધીરજ, બબ્બે વખત તેમના મિલનમાં પાડવામાં આવેલી ખલેલ… શિડ્ટ અને સાઇરનો… ખોટકાયેલી લાઈટો અને વાયરમાંનો કરંટ… આ મુંઝવણ અને ગુંગળામણ! જિંદગીની આ અનિશ્ચિતતા દૂર થશે કે કેમ એ બાબતે એ ખુબ જ મુંઝાઈ રહ્યો હતો. બીજા લોકોની માફક પોતાને પણ આઝાદી મળે એવી તેને અપેક્ષા હતી. પોતાના ઝૂંપડા સામે ઊભેલી કતારમાં જોડાવામાં મોડું કરવા માટે એ આમ-તેમ ભટકતો રહ્યો. અંદરથી એ ધ્રુજી રહ્યો હતો, પરંતુ તેને ખાતરી હતી, કે વડીલો જરૂર એવું કહીને તેને બચાવી લેશે! “હા કમાન્ડન્ટ, મેં જ આ કેદીને શૌચાલયમાં જવાની રજા આપી હતી.

પરંતુ જોસેફ પ્રત્યે કોઈ ધ્યાન આપતું ન હતું. તેઓ તો ત્રણ યુવાન ઝિઓનિસ્ટની તલાશમાં હતા જેઓ, ગઈ રાત્રે દરીયાઈ ઘાંસમાંથી ગાદી બનાવવાની ફેક્ટરીનો માલ ભરેલી ટ્રકમાં બેસીને બહાર નાસી ગયા હતા.


આપનો પ્રતિભાવ આપો....

One thought on “શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૨૬)