ફેક્ટરી માલીકો પ્લાઝોવની મુલાકાતે આવ્યાના બે દિવસ પછી તેમને શુભેચ્છા આપવાના બહાને શિન્ડલર બ્રાંડીની એક બોટલ લઈને શહેરમાં આવેલી કમાન્ડન્ટ ગેટેની કામચલાઉ ઓફિસે પહોંચી ગયો. એ પહેલાં, ડાયેના રિટરની હત્યાના સમાચાર એમેલિયાની ઓફિસમાં તેને મળી ચૂક્યા હતા, અને એ કારણે જ ઓસ્કરે પોતાની ફેક્ટરીને પ્લાઝોવની બહાર રાખવાનો પાક્કો નિર્ધાર કરી લીધો હતો.
એમોન અને ઓસ્કર, બંને હૃષ્ટપૃષ્ટ માણસો એકબીજાની સામે બેઠા હતા. જે રીતે એમોન અને ડાયેના, એક જ ટૂંકી મુલાકાતમાં એકબીજાને ઓળખી ગયા હતા, એ જ રીતે ઓસ્કર અને એમોન પણ એક બીજાને બરાબર ઓળખી ગયા હતા. બંને જાણતા હતા, કે ક્રેકોવમાં રહીને બંને પોતપોતાનો ફાયદો મેળવવા ઇચ્છતા હતા, અને એ માટે ઓસ્કરે તેની કિંમત પણ ચૂકવવી પડવાની હતી. અહીં સુધી તો ઓસ્કર અને કમાન્ડન્ટ એકમેકને બરાબર સમજી ચૂક્યા હતા. પોતે અંદરથી જેને ધિક્કારતા હોઈએ તેને પણ એક ધંધાભાઈ જેટલું માન આપવાની સેલ્સમેન જેવી લાક્ષણિકતા ઓસ્કરમાં મોજુદ હતી. પોતાની એ લાક્ષણિકતાનો ઉપયોગ કરીને જ એ કમાન્ડન્ટને એવો તો ભુલાવામાં નાખવાનો હતો, કે એમોન ઓસ્કરને હંમેશા એક મિત્ર તરીકે જ નીહાળવાનો હતો.
પરંતુ, સ્ટર્ન અને અન્ય લોકો પાસેથી સાંપડેલા જુના સમયના પુરાવાઓ પરથી એ સ્પષ્ટ હતું, કે એક કારકૂન ઓફિસમાં જઈને પોતાનું કામ કરે એટલી સહજતાથી એમોન કોઈની પણ હત્યા કરી શકતો હતો, અને એ કારણે જ ઓસ્કર તેને ધિક્કારતો હતો! એક વ્યવસ્થાપકના સ્વરૂપમાં ઓસ્કર એમોનને સ્વીકારી શકતો હતો, એક ભવિષ્યદૃષ્ટા તરીકે સ્વીકારી શકતો હતો, પરંતુ સાથે-સાથે તે એ પણ જાણતો હતો, કે આ કમાન્ડન્ટનું દસમા ભાગનું અસ્તિત્વ જ માનવ-સહજ બુદ્ધિની સમજમાં આવી શકે તેમ હતું! ઓસ્કર અને એમોન વચ્ચેના ધંધાકીય અને સામાજિક સંપર્કો એટલા સરસ બની ચૂક્યા હતા, કે કોઈ પણ એવી ધારણા બાંધી શકે કે પોતે બધું જ જાણતો હોવા છતાં ઓસ્કર જરૂર કોઈક રીતે એ શેતાન માણસનો પ્રશંસક બની ગયો હતો! જો કે, એ સમયે કે એ પછી પણ, ઓસ્કરને જાણતા લોકોમાંથી કોઈને પણ એવી શંકા ગઈ ન હતી! બહુ જ સહજતાથી અને ઉગ્રતાપૂર્વક ઓસ્કર એમોનને નફરત કરતો હતો. તેની નફરત કોઈ સીમા વિના વધતી જ જવાની હતી, અને ઓસ્કરની કારકિર્દી પણ નાટકીય રીતે તેનું પ્રમાણ આપ્યે જવાની હતી. એ જ રીતે, એવા પ્રતિભાવને પણ ભાગ્યે જ અવગણી શકાય, કે એક રીતે એમોન ઓસ્કરની કાળી બાજુ જેવો હતો. એમોન પાગલ અને ઝનૂની હત્યારો હતો. મહત્ત્વકાંક્ષા ઉભરાઈ આવવાની કોઈક દુઃખદ ક્ષણે કદાચ ઓસ્કર પોતે એમોન જેવો બની જાય એ શક્ય હતું!
બંનેની વચ્ચે બ્રાન્ડીની બોટલ મૂકીને ઓસ્કર પોતાની ફેક્ટરીને પ્લાઝોવમાં ખસેડવી શા માટે અશક્ય હતી એ એમોનને સમજાવવા લાગ્યો. ઓસ્કરનો પ્લાન્ટ આ પ્રકારની ફેરબદલી ન કરી શકાય એવો નક્કર હતો. તેણે એમોનને સમજાવ્યું, કે તેનો મિત્ર મેડ્રિટ્સ ભલે પોતાના યહૂદી કામદારોને પ્લાઝોવ ખાતે લઈ આવવા સહમત હતો, પરંતુ મેડરિટ્સની મશીનરી સરળતાથી સ્થાનાંતરિત કરી શકાય એવી હતી. મૂળે તો તેની પાસે થોડાં સિલાઈ મશીનો જ હતાં! ઓસ્કરના વજનદાર મેટલ પ્રેસને ખસેડવામાં બહુ તકલીફ પડે તેમ હતું. વળી તેનાં બધાં જ મશીનો જટીલ પ્રકારનાં હતાં. મશીનોની ચાલવાની એક ખાસ પ્રકારની ઢબ બની ગઈ હોય છે, અને કુશળ કારીગરો મશીનોની એ ઢબથી ટેવાઈ ગયા હોય છે. જ્યારે નવી ફેક્ટરીના ફ્લોર પર એ જ મશીન કોઈક નવા જ પ્રકારની વિલક્ષણતા બતાવશે! ઉત્પાદન શરૂ કરવામાં મોડું થઈ જશે, જુલિયસ મેડરિટ્સ કરતાં પોતાની ફેક્ટરીને પ્લાઝોવમાં સ્થાનાંતરિત કરવામાં વધારે સમય વ્યતિત થાય એમ હતું. યુદ્ધને લગતા મહત્ત્વના કોન્ટ્રાક્ટ પૂરા કરવાના હોવાને કારણે, ‘ડેફ’ દ્વારા આવો વધારાનો સમય ફાળવવો શક્ય ન હતો. હેર બેકમેન જેવા ઉદ્યોગપતિઓને પણ આ જ પ્રકારનો પ્રશ્ન સતાવતો હતો, એટલે એમણે તો ક્રેકોવની ફેક્ટરીમાંથી પોતાના યહૂદી કામદારોને છૂટા કરવાનું શરૂ કરી દીધું હતું. યહૂદીઓ પ્લાઝોવથી તેની ફેક્ટરીમાં સવારે આવે અને સાંજે પ્લાઝોવમાં પાછા ચાલ્યા જાય, એવી માથાકુટમાં પણ એ પડવા માગતા ન હતા.
દૂર્ભાગ્યે, ઓસ્કર પાસે બેકમેન કરતાં ઘણા વધારે, સેંકડોની સંખ્યામાં યહૂદી કુશળ કારીગરો હતા. ઓસ્કર જો બધા યહૂદી કારીગરોને કાઢી મૂકે તો તેમની જગ્યાએ પોલિશ કામદારોને તાલીમ આપવી પડે! અને તો તો, એમોનનું સૂચન સ્વીકારીને આખેઆખી ફેક્ટરીને કામદારો સહિત પ્લાઝોવમાં ફેરવવા કરતાં પણ ઉત્પાદનમાં વધારે મોડું થાય!
સામે પક્ષે, એમોન મનોમન વિચારી રહ્યો હતો, કે ઓસ્કર જો પ્લાઝોવમાં આવી જાય, તો ક્રેકોવમાં ખાનગીપણે ચાલતી કાળાબજારની લેવડદેવડ પર રોક લાગી જવાની બીક ઓસ્કરને હશે! આથી કમાન્ડન્ટે ઝડપથી ઓસ્કરને ફરી એક વખત ખાતરી આપી, કે એનેમલ ફેક્ટરીના સંચાલનમાં કોઈ જ હસ્તક્ષેપ કરવામાં નહીં આવે. જવાબમાં શિન્ડલરે નમ્રતાથી તેને કહ્યું “માત્ર ઔદ્યોગિક મુશ્કેલીને કારણે જ હું મુંઝાઈ ગયો છું. હું આપ કમાન્ડન્ટશ્રીને કોઈ અગવડ પડવા દેવા માગતો નથી, પરંતુ જો ‘ડેફ’ને તેની અત્યારની જગ્યાએ જ રહેવા દેવામાં આવે તો હું પોતે અને શસ્ત્રસરંજામ વિભાગ પણ તમારાં આભારી રહીશું.”
એમોન ગેટે અને ઓસ્કર શિન્ડલર જેવા માણસો માટે, ‘આભારવશતા’નો કોઈ તાત્ત્વિક અર્થ ન હતો. અહીં આભારનો અર્થ લાંચ થતો હતો, આભારનો અર્થ શરાબ અને હીરા થતો હતો! “હું તમારી મુશ્કેલી સમજી શકું છું, હેર શિન્ડલર,” એમોને ઓસ્કરની વાત માની લેતાં કહ્યું. “ઠીક છે! એક વખત વસાહતનો નિકાલ થઈ જાય, પછી તમારા કામદારોને પ્લાઝોવની છાવણીમાંથી તમારી ઝેબ્લોસીની ફેક્ટરી સુધી લાવવા-લઈ જવા માટે ચોકિદારની વ્યવસ્થા કરી આપતાં મને આનંદ થશે.”
એ પછી, એક દિવસ બપોર પછી ઇત્ઝાક સ્ટર્ન પ્રોગ્રેસ ફેક્ટરીના કામકાજ અર્થે ઝેબ્લોસી આવ્યો, ત્યારે તેણે જોયું, કે ઓસ્કર સાવ નિરાશ થઈને, એક પ્રકારની ભયાનક કમજોર અવસ્થામાં બેઠો હતો. ક્લોનોવ્સ્કાએ લાવેલી કોફી ઓસ્કર હંમેશની માફક કોગ્નેકના ઘૂંટ સાથે પી ગયો. એ પછી પોતે ફરીથી પ્લાઝોવ ગયો હોવાની વાત એણે સ્ટર્નને કરી. પ્લાઝોવ ખાતેની વ્યવસ્થા ફરીથી જોવાના બહાને ઓસ્કર ફરીથી પ્લાઝોવમાં જઈને વસાહતનો ધ્વંસ થવામાં કેટલો સમય લાગશે તેનો અંદાજ લગાવી આવ્યો હતો. “મેં ગણતરી કરી જોઈ છે,” ઓસ્કરે કહ્યું. દૂરની ટેકરી પર ચણાઈ રહેલા લશ્કરી આવાસો એણે ગણી જોયા હતા. તેને લાગ્યું હતું, કે એમોન કહેતો હતો તે પ્રમાણે જો એ એક આવાસમાં ૨૦૦ સ્ત્રીઓને રાખવાનું આયોજન હશે, તો ઉપરના ભાગમાં લગભગ ૬૦૦૦ સ્ત્રીઓ માટે જગ્યા થઈ ચૂકી હતી. ટેકરીની નીચેના ભાગમાં પુરૂષોના વિભાગમાં હજુ એટલાં બધાં પાકાં મકાનો બંધાયાં ન હતાં, પરંતુ પ્લાઝોવમાં જે ઝડપથી કામકાજ થઈ રહ્યું હતું એ જોતાં, થોડા દિવસોમાં જ એ તૈયાર થઈ જશે એવું લાગતું હતું. ઓસ્કરે કહ્યું, “ફેક્ટરીમાં એક-એક વ્યક્તિ જાણે છે કે શું બનવાનું છે. રાતપાળીના કામદારોને ફેક્ટરીમાં રાખવાનો હવે કોઈ અર્થ નથી રહેવાનો, કારણ કે પછી તેમને પાછા જવા માટે કોઈ વસાહત બચવાની નથી.” કોગ્નેકનો એક વધારે ઘૂંટ ભરતાં ઓસ્કર બોલ્યો, “કામદારોને હું એક જ વાત કહી શકું તેમ છું, કે છુપાવા લાયક યોગ્ય જગ્યા ધ્યાનમાં ન હોય, તો વસાહતની અંદર છુપાઈ રહેવાનો પ્રયત્ન પણ ન કરશો. મેં સાંભળ્યું છે કે વસાહતને ખાલી કરી દીધા પછી તેનો સંપૂર્ણ નાશ જ કરી દેવાનો છે. દિવાલની એક-એક તીરાડમાં તપાસ થવાની છે, એક-એક માળિયાની કારપેટ ખેંચી લેવામાં આવવાની છે, અને એકેએક ભોંયતળિયાને પાણીથી ભરી દેવાના છે!”
“હું તો માત્ર એટલું જ કહી શકું તેમ છું,” ઓસ્કરે કહ્યું. “કે વિરોધ ન કરશો.” આમ બન્યું એવું, કે આવી રહેલી લશ્કરી કાર્યવાહીનો શિકાર બનવાનો હતો એ બીચારો ઇત્ઝાક સ્ટર્ન પોતે જ હેર ડાયરેક્ટર ઓસ્કર શિન્ડલરને આશ્વાસન આપતો, માત્ર એક મૂક સાક્ષી બનીને આજે તેની સામે બેઠો હતો!
વસાહતના આવી રહેલા અંતની અસીમ કરુણતાથી ત્રસ્ત ઓસ્કર પોતાના યહૂદી મજૂરો પ્રત્યે થોડો બેધ્યાન બની રહ્યો હતો. સ્ટર્નના કહેવા મુજબ, પ્લાઝોવ એક મજૂર આવાસ સંસ્થા હતી, જ્યાં બીજી સંસ્થાઓની માફક જીવી શકાય તેમ તો હતું! એ કંઈ બેલઝેક ન હતું, કે ફોર્ડની કારની ફેક્ટરીઓની માફક ત્યાં મૃત્યુ બનાવવામાં આવતું હોય! જર્મનોના આદેશને માન આપીને પ્લાઝોવ જવા માટે કતારમાં ઊભા રહેવું અપમાનજનક તો હતું જ, પરંતુ એથી કંઈ જીવનનો અંત આવી જવાનો ન હતો! સ્ટર્ને દલીલો કરી લીધા પછી ઓસ્કરે પોતાના બંને અંગુઠા ટેબલ-ટોપની નીચે દબાવ્યા. થોડી ક્ષણો માટે એવું લાગ્યું, જાણે એ ટેબલટોપને ઉખાડી નાખવા ન માગતો હોય! એણે સ્ટર્નને કહ્યું, “તને ખબર છે સ્ટર્ન, આ બરાબર નથી થઈ રહ્યું.” સ્ટર્ને જવાબ વાળ્યો, “બરાબર જ થઈ રહ્યું છે. આ એક જ રસ્તો છે.”
સ્ટર્ન દલીલો કરી રહ્યો હતો, બીજાના ઉદાહરણો આપીને આડીઅવળી બિનમહત્ત્વની માહિતી ઓસ્કરને આપવા લાગ્યો. ઓસ્કર માટે આ મુસીબતનો સમય હતો. સ્ટર્ન જાણતો હતો, કે આ સમયે ઓસ્કર જો આશા ખોઈ બેસસે, તો ક્યાંક એમેલિયાના બધા યહૂદી કામદારોને છૂટા કરી દેશે! કારણ કે નિરાશ થયેલો ઓસ્કર કદાચ એકદમ જ હાથ ખંખેરીને બધી જ કડાકૂટમાંથી બહાર આવવાની ઇચ્છા રાખશે!
“કંઈક સારું કરી શકાય એ માટે આપણી પાસે પૂરતો સમય હશે,” સ્ટર્ન બોલ્યો. “હમણાં તો કંઈ જ નહીં થઈ શકે!”
ટેબલ પર દબાણ આપવાનું છોડીને ઓસ્કર ખુરશી પર બેસી ગયો, અને ફરી પાછો નિરાશામાં ગરકાવ થઈ ગયો. “તું તો એમોનને જાણે છે,” એણે કહ્યું. “ કે એ કેવો પ્રભાવશાળી છે. અત્યારે અહીં આવે તો એ તને પણ પ્રભાવિત કરી દે. પણ એ પાગલ છે.”
વસાહતની આખરી સવાર, માર્ચ મહિનાની તેરમી તારીખ… સબ્બાથનો એ દિવસ હતો. પ્રભાત થાય, તેની પણ એક કલાક પહેલાં એમોન ગેટે શાંતિ ચોકમાં આવી ગયો હતો. નીચાં ઊડતાં વાદળોને કારણે દિવસ અને રાત વચ્ચેની સ્પષ્ટ ભેદરેખા ધૂંધળી બની જતી હતી. એમોને જોયું કે કમાન્ડો પહેલેથી જ ચોકમાં આવી ગયા હતા. નાનકડા બાગની બરફાચ્છાદિત જમીન પર ઊભા રહીને ધુમ્રપાન કરતાં જવાનો હળવા અવાજે હસી રહ્યા હતા, અને પેનકિવિક્ઝની ફાર્મસીની આગળની શેરીમાં રહેતા વસાહતીઓથી પોતાની હાજરી છૂપાવી રહ્યા હતા. રસ્તા સાવ ખાલીખમ દેખાતા હતા, જાણે માટીના બનાવેલાં રમકડાના ગામના રસ્તા ન હોય! વધારાનો બરફ મેલખાયા ઢગલા રૂપે ગટરની અંદર અને ભીંતોના ટેકે પડ્યો હતો. લશ્કરી કાર્યવાહી શરુ થાય એ પહેલાં ચોકની વચ્ચે શિસ્તબદ્ધ ઊભેલા યુવાન સૈનિકોને એકમેક સાથે મજાક-મસ્તી કરતાં જોઈને ગેટે પોતે તેમનો પિતા હોય એવી લાગણી અનુભવી રહ્યો હોય એવું માનવું સહજ હતું.
કોગ્નેકનો એક ઘૂંટ ભરતો એમોન, વિલિ હેસીની રાહ જોતો હતો. વસાહતને ખાલી કરાવવાના વ્યૂહાત્મક નિર્ણયો તો નહીં, પરંતુ અત્યારની આ સૈનિક કાર્યવાહીનું સંપૂર્ણ નિયંત્રણ મધ્યવયના લશ્કરી અધિકારી વિલિના હાથમાં હતું. આજે શાંતિ ચોકની પશ્ચિમે આવેલો વસાહતનો સૌથી મોટો ‘એ’ વિભાગ ખાલી કરવાનો હતો, જ્યાં મજૂરી કરી શકે તેવા તંદુરસ્ત અને આશાસ્પદ પરંતુ થોડા હઠીલા યહૂદીઓ રહેતા હતા. વસાહતની પૂર્વ દિશાએ થોડે દૂર આવેલા ‘બી’ વિભાગમાં અન્ય વૃદ્ધો અને અશક્તો રહેતા હતા. એમને તો રાત્રે અથવા કાલના દિવસમાં પણ સાફ કરી શકાય તેમ હતા. એ બધાને તો ઓસ્વિટ્ઝમાં આવેલી કમાન્ડન્ટ રુડોલ્ગ હોસની વિશાળ હત્યા શિબિરમાં જ મોકલી આપવાના હતા. જર્મન લશ્કર માટે વસાહત ‘બી’ તો એકદમ સરળ અને સીધી હતી. વસાહત ‘એ’ જ તેમના માટે એક પડકારરૂપ હતી!
જર્મન લશ્કર માટે આજનો દિવસ ઐતિહાસિક હતો, એટલે સહુ કોઈ આ જગ્યાએ હાજર રહેવાની મહેચ્છા ધરાવતા હતા. છેલ્લી સાત સદીઓથી ક્રેકોવ યહૂદીઓનું રહેઠાણ હતું, અને આજે સાંજ અથવા તો આવતીકાલ સુધીમાં એ સાત સદીઓ એક જ સપાટામાં અફવા બની જવાની હતી! ક્રેકોવ યહૂદીમુક્ત બની જવાનું હતું! પ્રત્યેક નાનામાં નાનો જર્મન અધિકારી પણ એવું કહી શકવા માટે સમર્થ બનવા માગતો હતો, કે મેં એ ઘટના બનતી મારી નજરે જોઈ હતી! અરે, ઉનકેલબેક જેવો પ્રોગ્રેસ કટલરી ફેક્ટરીનો નિરીક્ષક પણ એસએસની કોઈક નાનકડી અનામત પદવી ધરાવતો હોવાના નાતે અધિકારીનો ગણવેશ પહેરીને એક ટૂકડીની સાથે આજે વસાહતમાં આંટા મારી રહ્યો હતો. વિલિ હેસ પાસે તો આજની કાર્યવાહીમાં ભાગ લેવાનો પૂરતો અધિકાર હતો, કારણ કે તેની પાસે તો ફિલ્ડની પદવી હતી, અને આ આયોજનોમાં એણે પહેલેથી જ ભાગ લીધો હતો.
પરંતુ એમોન રોજિંદા માથાના હળવા દુઃખાવાથી પિડાઈ રહ્યો હતો. તાવ અને અનિદ્રાને કારણે મોડી રાત સુધી જાગતો હોવાથી આજે તેને થાક પણ વરતાતો હતો. તે છતાં, આજે, આ ક્ષણે તો એ પણ અહીં હાજર હતો! એક પ્રકારનો ધંધાદારી ઉત્સાહ તે અનુભવી રહ્યો હતો. રાષ્ટ્રીય સમાજવાદી પક્ષ તરફથી એસએસના માણસોને આ એક મહાન ઉપહાર આપવામાં આવ્યો હતો, જેમાં કોઈ પણ પ્રકારનું શારિરીક જોખમ ઉઠાવ્યા વગર તેઓ યુદ્ધમાં સામેલ થઈ શકવાના હતા! બંદુકની ગોળી ખાવાની જહેમત ઉઠાવ્યા વગર, કટોકટીની કોઈ જ ઘટના વગર જ તેઓ આ યુદ્ધમાં કીર્તિ મેળવી લેવાના હતા! પરંતુ નિઃસહાય યહૂદીઓની હત્યા કર્યા પછી માનસિક સ્વસ્થતા જાળવી રાખવી એ કોઈ પણ જર્મન અધિકારી માટે ખૂબ જ મુશ્કેલ બાબત હતી! એસએસના પ્રત્યેક અધિકારીના કોઈને કોઈ મિત્રે માનસિક દબાણ હેઠળ આત્મહત્યા કરી લીધી હતી! અધિકારીઓની આ પ્રકારની માનસિક નબળાઈઓની દુર્ઘટનાઓ સાથે કામ પાડવા માટે એસએસ દ્વારા તાલીમી દસ્તાવેજો બહાર પાડવામાં આવ્યા હતા. એ દસ્તાવેજોમાં, આવી ઘટનાઓને સમજવા માટેના સરળ રસ્તાઓ પણ બતાવવામાં આવ્યા હતા. તેમાં કહેવામાં આવતું હતું કે યહૂદીઓ પાસે કોઈ પ્રકારના સામાજિક, આર્થિક કે રાજકીય હથિયારો ન હોવાને કારણે પહેલી નજરે તેઓ નિશસ્ત્ર દેખાય છે, પરંતુ હકીકતમાં તેઓ પગથી માથા સુધી હથિયારબદ્ધ છે. સૈનિકો, તમે તમારી જાતને સજ્જ કરી લો! કારણ કે એક યહૂદી બાળક પણ સાંસ્કૃતિક ટાઇમ બોમ્બ સમાન છે, યહૂદી સ્ત્રી વિશ્વાસઘાતની જનક છે, અને એક યહૂદી પુરુષ નિર્વિવાદપણે રશિયન કરતાં પણ ખરાબ શત્રુ છે.
એમોન ગેટે પૂરતો સજ્જ થઈને આવ્યો હતો. એ જાણતો હતો કે આજે તેને પોતાને કંઇ જ નુકસાન થવાનું ન હતું! અને એ વિચારે જ, જીતની ખાતરી હોય તેવી દોડ શરૂ થાય એ પહેલાં લાંબી-દોડના કોઈ ખેલાડીને જેવી ઉત્તેજના થાય, એવી જ આનંદદાયક ઉત્તેજના એમોનને અત્યારે થઈ રહી હતી! પોતાના હાથ નીચેના માણસો પર કામનો બધો જ ભાર ઢોળી દેનારા અધિકારીઓ પ્રત્યે એમોનને નફરત હતી. તેને લાગતું હતું, કે આ રીતે બીજા પર કામ છોડી દેવાથી તો ખરેખર જોખમ વધી જતું હોય છે. આથી, ડાયેના રિટરના કિસ્સામાં કર્યું હતું તેમ, અહીં પણ એણે પોતે જ સૈનિકોને માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું હતું. દિવસ દરમ્યાન ઉત્સાહ અને આનંદનું મોજું ફરી વળવાનું હતું, અને તેના વિશે એ સજાગ હતો. બપોર સુધીમાં તો શરાબના સ્વાદની માફક તેના કામની ઝડપ વધતી ગઈ હતી! એ જાણતો હતો, કે વાદળોને કારણે ફેલાયેલા અંધારામાં પણ, આજનો દિવસ બહુ જ સારો જવાનો હતો; એટલી હદે સારો, કે ભવિષ્યમાં પોતે જ્યારે વૃદ્ધ થઈ જશે, અને યહૂદીઓનો સર્વનાશ થઈ ચૂક્યો હશે, ત્યારે જર્મન યુવાનો આવી-આવીને આ આશ્ચર્યજનક દિવસો અંગે જરૂર તેની સાથે વાતો કરશે!
તેનાથી એકાદ કિલોમિટરથી પણ ઓછા અંતરે આવેલી વસાહતની હોસ્પિટલમાં ડૉક્ટર એચ. અંધારામાં પોતાના છેલ્લા-છેલ્લા બચેલા દરદીઓની પાસે બેઠા હતા. હોસ્પિટલના સૌથી ઊપલા માળે, શેરીથી આટલે ઊંચે, પીડા અને તાવથી ઘેરાયેલા દરદીઓની સાથે પૂર્ણ એકલતામાં બેઠા હોવાને કારણે તેઓ અંદરથી રાહત અનુભવી રહ્યા હતા.
એમની રાહતનું કારણ એ હતું, કે શાંતિ ચોકની નજીક આવેલી અન્ય એક હોસ્પિટલમાં આજે જે બન્યું હતું એ તો શેરીમાં બધા જ જાણતા હતા! એસએસ અધિકારી એલ્બર્ટ હુજરની દેખરેખ હેઠળ એસએસની એક ટૂકડી એ હોસ્પિટલ ખાલી કરાવવા માટે અંદર પ્રવેશી ત્યારે ડૉ. રોસેલિયા બ્લાઉ, સ્કારલેટ ફીવર અને ટ્યૂબરક્યૂલોસિસના દરદીઓની પથારીઓની વચ્ચે જ ઊભાં હતાં. એમણે દરદીઓને ત્યાંથી હટાવવાની ચોખ્ખી ના જ પાડી દીધી. ખાંસીથી પીડાતા બાળકોને તો એમણે પહેલેથી જ તેમને ઘેર રવાના કરી દીધેલાં. પરંતુ સ્કારલેટ ફીવરથી પીડાતા દરદીઓને ખસેડવા બહુ જોખમી હતા. સ્કારલેટ ફીવર કિશોર-કિશોરીઓમાં ખાસ ફેલાતી બીમારી હોવાને કારણે ડૉ. બ્લાઉના દરદીઓમાં બારથી સોળ વર્ષની કેટલીયે કિશોરીઓ સામેલ હતી. સામે જ ઊભેલા એલ્બર્ટ હુજરને પોતાના વૈદકિય અભિપ્રાય વડે ખાતરી અપાવવા માટે ડૉ. બ્લાઉએ, પથારીમાં ફાટી આંખે પડેલી તાવલી છોકરીઓ તરફ હુજરનું ધ્યાન દોર્યું. એમોને એક અઠવાડિયા પહેલાં જ હુજરને સ્પષ્ટ હુકમ આપી દીધો હતો, અને એ હુકમનું પાલન માત્ર કરીને હુજરે સૌથી પહેલાં તો ડૉ. બ્લાઉના માથામાં એક ગોળી મારી દીધી! એ પછી પલંગ પર બેઠા થવાનો પ્રયત્ન કરી રહેલા ચેપી રોગના દરદીઓ અને સંનિપાતને કારણે નિર્લેપ બની ગયેલા અન્ય દરદીઓ પર ઓટોમેટિક રાઇફલની ગોળીઓની રમઝટ બોલાવીને એણે ખતમ કરી નાખ્યા. કામ પૂરું કરી લીધા પછી, હુજરની ટૂકડીએ વસાહતના લોકોને જ દાદર ચડાવીને ઉપર મોકલી આપ્યા, મૃતદેહોને ઠેકાણે પાડીને રક્તરંજિત ચાદરોને સંકેલવા અને દિવાલોને ધોઈ નાખવા માટે…
યુદ્ધ પહેલાં જ્યાં પોલેન્ડનું પોલીસ સ્ટેશન હતું, વસાહતના એ જ મકાનમાં આ બીજી હોસ્પિટલ આવેલી હતી. વસાહતના સંપૂર્ણ જીવનકાળ દરમ્યાન હોસ્પિટલના ત્રણેય માળ બીમારોથી ભરચક રહેતા હતા. વસાહતીઓના આદરપાત્ર ડૉ. બી તેના ડાયરેક્ટર હતા. માર્ચ ૧૩ની વેરાન સવારે ડૉ. બી અને ડૉ. એચે હોસ્પિટલમાંથી દરદીઓની સંખ્યા ઘટાડીને માત્ર ચાર કરી નાખી હતી. એ ચારેય દરદીઓને ત્યાંથી ખસેડી શકાય તેમ ન હતું. એક યુવાન ફેફસાના ક્ષયથી પીડાતો હતો; બીજા એક પ્રતિભાશાળી સંગીતકારને કિડનીનું જીવલેણ દરદ હતું. બહાર ચાલી રહેલા આંધળા ગોળીબારની આ રમઝટથી એ દરદીઓ કોઈક રીતે બચી શકે એ બાબત જ ડૉ. એચને વધારે મહત્ત્વની લાગતી હતી. એક અંધ દરદી હૃદયરોગથી પીડાઈ રહ્યો હતો, અને અન્ય એક વૃદ્ધ દરદી આંતરડાની ગાંઠની સર્જરીને કારણે સાવ નબળો પડી ગયો હતો. તેનું આંતરડું શરીરમાં કોઈ અન્ય જગ્યાએ ખુલી ગયું હતું. હોસ્પિટલમાં ડૉ. એચ સહિતનો મેડિકલ સ્ટાફ બહુ જ હોશિયાર હતો. વસાહતની આ સગવડ વગરની હોસ્પિટલમાંથી ભવિષ્યમાં ‘વેઇલના બોનમેરો’ની એક પ્રજાતિના ‘એરિથ્રોબ્લાસ્ટિક’ નામના રોગનાં, અને ‘વોલ્ફ-પાર્કિન્સન-વ્હાઇટ સિન્ડ્રોમ’નાં પહેલવહેલા પોલિશ નમૂનાઓ મળી આવવાના હતાં. પરંતુ એ સવારે તો ડૉ. એચ મુંઝાયેલા હતા સાઇનાઇડના પ્રશ્ને! આત્મહત્યા કરવાનો રસ્તો ખુલ્લો રાખતાં ડૉ. એચે સાઇનાઇડ એસિડનું દ્રાવણ તૈયાર રાખ્યું હતું! તેમને જાણ હતી જ, કે હોસ્પિટલના અન્ય ડૉક્ટરો પાસે પણ આ સગવડ હતી! વિતી ગયેલા આખા વર્ષ દરમ્યાન વસાહતમાં ડિપ્રેશન એક સામાન્ય બાબત થઈ પડી હતી. ડૉ. એચને ખુદને પણ ડિપ્રેશનની અસર થઈ ચૂકી હતી! તેઓ યુવાન હતા, અને તેમનું આરોગ્ય પણ સારું હતું. છતાંયે, એવું લાગતું હતું, કે ઇતિહાસ ખુદ તેમના પ્રત્યે દ્વેષભાવ રાખી રહ્યો હોય! દુઃખના દિવસોમાં પોતાની પાસે સાઇનાઈડ હોવાને કારણે ડૉ. એચ થોડી રાહત અનુભવતા હતા. વસાહતનો ઇતિહાસ જ્યારે અંતિમ મુકામે આવી પહોંચ્યો હતો, ત્યારે તેમની અને અન્ય ડૉક્ટરો પાસે એક જ દવા ખાસ્સી માત્રામાં બચી હતી! બેક્ટેરિયા મારી શકે તેવી સલ્ફા વર્ગની કે ઉલટી કરાવવાની એમેટિક્સ, કોઈ જ દવા તેમની પાસે ન હતી! દુઃખાવા માટેની એસ્પિરિન જેવી દવાઓ પણ હાજર ન હતી! હાજર હતી તો બસ એક માત્ર જાણીતી દવા, સાઇનાઈડ!
એ સવારે પાંચ વાગ્યે, હોસ્પિટલની દિવાલો પાસે ટ્રકો ઊભી રહેવાના અવાજથી વિટ સ્ટોવ્ઝ સ્ટ્રીટના પોતાના કમરામાં ડૉ. એચ, જાગી ગયા. બારીમાંથી નીચે જોતાં, નદી પાસે જર્મન કમાન્ડોને એકઠા થતા જોયા, કે તરત જ તેઓ સમજી ગયા, કે વસાહતની અંદર આજે નક્કી કંઈક નક્કર કાર્યવાહી થવાની! તેઓ સીધા જ હોસ્પિટલમાં ધસી ગયા. ડૉ. બી અને અન્ય નર્સિંગ સ્ટાફને એમણે પહેલેથી જ કામ પર ચડી ગયેલા જોયા. શક્ય એટલા વધારે દરદીઓને તેમના સંબંધીઓ કે મિત્રોની મદદ વડે નીચે ખસેડવાનું તેમણે શરૂ પણ કરી દીધું હતું. ચાર દરદીઓ સિવાયના બધાને તેમણે હોસ્પિટલમાંથી રવાના કરી દીધા પછી, ડૉ. બીએ નર્સોને પણ ત્યાંથી ચાલ્યા જવાનું કહ્યું. સીનિયર નર્સ સિવાય બધાંએ તેમના આદેશનું પાલન કર્યું. આ ઉજ્જડ હોસ્પિટલમાં હવે સીનિયર નર્સ, ડૉ. બી અને ડૉ. એચ, આટલાં જ લોકો એ ચાર દરદીઓની સાથે રહ્યાં!
રાહ જોતી વેળાએ ડૉ. બી અને ડૉ. એચ ખાસ કંઈ બોલતા ન હતા. બધાની પાસે સાઇનાઈડ હતું! અને બહુ જલદી ડૉ. એચને પણ ખબર પડી જવાની હતી, કે ડૉ. બીના મનમાં પણ અત્યંત દુઃખ સાથે એ જ વિચારો ચાલી રહ્યા હતા! આ આત્મહત્યા જ કહેવાય, હા! એક અસાધ્ય પરિસ્થિતિમાં શાંતિપૂર્વકનું સહજ મૃત્યુ જરૂર મળી રહેશે! દરદીઓના મૃત્યુના વિચારે ડૉ. એચ ભયભીત થઈ ગયા હતા. એમનો ચહેરો અત્યંત લાગણીભર્યો હતો, આંખોમાં એક ખાસ પ્રકારની કુમાશ હતી. પોતાના સિદ્ધાંતોને તેઓ પોતાના શરીરનું અંગ હોય એમ ચાહતા હતા, અને એટલે જ તેઓ પીડા પણ અનુભવી રહ્યા હતા! તેઓ એટલું સમજી ચૂક્યા હતા, કે થોડીક કોઠાસુઝ, એક સિરિન્જ અને કોઈની જરા જેટલી મદદ ધરાવતા એક ડૉક્ટર પાસે માત્ર બે જ રસ્તાઓ બચતા હતા! એક રસ્તો દરદીના શરીરમાં ઇન્જેક્શન મારી દેવાનો હતો, અને બીજો તેને જર્મન કમાન્ડોના હાથમાં સોંપી દેવાનો! ડૉ. એચ જાણતા હતા, કે આ નિર્ણય કરવો એ કંઈ સરવાળા કરવા જેટલો સરળ ન હતો! નૈતિકતા એ સામાન્ય ગણિત કરતાં ઘણી અઘરી અને જટિલ બાબત હતી!
ડૉ. બી થોડી-થોડી વારે બારી પાસે જઈને શેરીઓમાં કાર્યવાહી શરૂ થઈ કે નહીં તેની તપાસ કરી લેતા હતા, અને પછી સહાનુભૂતિ સાથે પાછા ફરીને ડૉક્ટરોને સહજ એવી સ્વસ્થતા સાથે ડૉ. એચની સામે તાકી રહેતા હતા. તેમના ચહેરાને જોઈને ડૉ. એચને લાગતું હતું, કે અન્ય કોઈ વિકલ્પની તલાશમાં ડૉ. બી મથામણ કરી રહ્યા હતા! સમસ્યાઓને પત્તાની જેમ ફરી-ફરીને બાંટીને ઉપલબ્ધ લાગતા હતા એ બધા જ વિકલ્પોને તેઓ ચકાસી રહ્યા હતા. આત્મહત્યા… શાંતિભર્યું મૃત્યુ…
પહેલો વિકલ્પ અત્યંત આકર્ષક હતોઃ કંઈ જ નહીં કરવાનું, માત્ર ઊભા જ રહેવાનું! અને ડૉ. રોસેલિયા બ્લાઉની જેમ દરદીઓની પથારીઓની વચ્ચોવચ્ચ ઝડપાઈ જવાનું! બીજો વિકલ્પઃ પોતાની અને બીમાર દરદીઓ ઉપર સાઇનાઇડનો ઉપયોગ કરવો! બીજો વિચાર, પહેલા વિચાર જેટલો નિષ્ક્રિય ન હોવાને કારણે ડૉ. એચને ગમી ગયો હતો. અને તે ઉપરાંત, પાછલી ત્રણ-ત્રણ સળંગ રાત તેમણે માનસિક અશાંતિમાં ગાળી હતી, એટલે રાત્રે ત્રણ વાગ્યે જાગી ગયા પછી તેમનું શરીર, કોઈ દવા કે કડક શરાબની માફક, હવે ફટાફટ કામ કરે તેવા ઝેરને તલસી રહ્યું હતું! છેલ્લા શ્વાસ લેતો દરદી એ જ તો ઝંખતો હોય છેને!
ડૉ. એચ જેવા વિચારશીલ માણસ માટે આ લલચામણી બાબત જ તેમને ઝેરનો ઉપયોગ ન કરવા માટે પ્રેરતી હતી! આત્મહત્યાના વિચારને ટેકો આપતા કારણો તેમના જ્ઞાનસમૃદ્ધ બાળપણમાં જ પડ્યાં હતાં! સદીઓ પહેલાં, રોમનો દ્વારા યહૂદીઓને પકડી લેવામાં આવ્યા પછી ડેડ સી ઝિલોટ્સ દ્વારા કરાયેલી સામુહિક આત્મહત્યાની જોસેફસે કહેલી વાત, ડૉ. એચને તેમના પિતાએ કરી હતી. ડૉ. એચ માનતા હતા, કે મૃત્યુ કોઈ એશઆરામના વિચારની માફક સહજ રીતે જીવનમાં પ્રવેશવું ન જોઈએ! મૃત્યુનો સામનો તો તેને તાબે થવાને બદલે તેનો સ્પષ્ટ વિરોધ કરીને જ થવો જોઈએ! જો કે આવો સિદ્ધાંત પોતાની જગ્યાએ સાચો હોય તો પણ, એ કારમી સવારનો આતંક એ કંઈક જૂદી જ વસ્તુ હતી! પરંતુ સામે ડૉ. એચ પણ એક સિદ્ધાંતપ્રિય માણસ હતા.
અને તેમની એક પત્ની પણ હતી. એ બંને પાસે છટકવાનો એક બીજો પણ રસ્તો પણ હતો, જે તેમને યાદ પણ હતો! એ રસ્તો પિવના અને ક્રેકુસા સ્ટ્રીટના ખૂણે આવેલી ગટરોમાં થઈને નીકળતો હતો. એ ગટરો સિવાય એક અન્ય જોખમી રસ્તો ઓજકોવના જંગલમાં ચાલ્યા જવાનો હતો. સાઇનાઈડ લઈને સરળતાથી વિસ્મૃતિના રસ્તે જવાની સરખામણીએ, આ અન્ય રસ્તાઓ તેમને ભયજનક લાગતા હતા. રસ્તામાં બ્લૂ પોલીસ તેમને રોકીને, કપડા ઊતરાવીને તેઓ યહૂદી હતા કે નહીં તેની તપાસ કરે તો પણ, ડૉ. લેચ્સની મહેરબાનીના પ્રતાપે તેઓ એ કસોટીમાંથી પસાર થઈ જાય તેમ હતા. લેચ્સ એક નામાંકિત પ્લાસ્ટિક સર્જન હતા. ક્રેકોવના અસંખ્ય યુવાનોને, લોહી નીકળ્યા વગર, તેમના શિશ્નની ચામડીને લાંબી કરવાનો ઉપાય શીખવી દીધો હતો. સુતાં-સુતાં, ચામડી સાથે બાંધેલી બોટલમાં ધીરે-ધીરે પાણીની માત્રા વધારતા જવાથી શિશ્નની ચામડી લાંબી થઈ શકતી હતી. લેચ્સના કહેવા મુજબ રોમનો યહૂદીઓ પર દમન કરતા હતા તે સમયથી યહૂદીઓ આ સાધન વાપરતા હતા, અને ક્રેકોવમાં એસએસની કાર્યવાહી તીવ્ર થયા પછીના છેલ્લા અઢાર મહિનામાં લેચ્સે આ પદ્ધતિ ફરીથી પ્રચલિત કરી દીધી હતી! તેમને થોડી સફળતા પણ મળી હોવાને કારણે ડૉ. એચ પાસે આપઘાત કરવાનું કોઈ કારણ રહ્યું ન હતું!
ચાળીસેક વર્ષની એક શાંત દેખાતી સ્ત્રીએ, પરોઢિયે આવીને ડૉ. એચને દરદીઓનો રિપોર્ટ આપ્યો. યુવાન દરદી તો આરામમાં હતો, પરંતુ હૃદયરોગથી પીડાતા અંધ દરદીની હાલત ચિંતાજનક હતી. સંગીતકાર અને આંતરડાના રોગથી પીડાતો દરદી, બંનેને રાત્રે ખુબ જ પીડા થઈ હતી. જોકે, હાલ પૂરતું હોસ્પિટલમાં તદ્દન શાંતિ પ્રવર્તી રહી હતી. દરદીઓ ઊંઘ લીધા પછી દુઃખાવાના છેલ્લા-છેલ્લા તબક્કામાં નસકોરાં બોલાવી રહ્યા હતા. ડૉ. એચ સિગરેટ પીવા માટે અને પોતાના વિકલ્પો પર ફરી એક વખત વિચાર કરવા માટે આંગણાની ઉપર આવેલી ઠંડીગાર અગાસીમાં ગયા. આગલા વર્ષે એસએસ દ્વારા રેકાવ્કાની વસાહત ખાલી કરાવીને ત્યાંની હોસ્પિટલને અન્ય સ્થળે ખસેડવા માટે સૈનિકો આવ્યા હતા, ત્યારે પણ ડૉ. એચ જ એ જૂની રોગચાળાગ્રસ્ત હોસ્પિટલમાં હાજર હતા. સ્ટાફના માણસોને દિવાલ સરસા ઊભા રાખી દઈને સૈનિકો બધા જ દરદીઓને દાદર પરથી ઘસડીને નીચે લઈ ગયા હતા. શ્રીમતી રેઇસમેન નામની એક સ્ત્રીનો પગ ખેંચીને દાદર પરથી નીચે ઢસડી જતા હતા ત્યારે તેનો બીજો પગ કઠોડાની થાંભલીમાં ફસાઈ ગયો હતો. એસએસના સૈનિકે તેનો ફસાયેલો પગ છૂટો કરવાને બદલે, ફસાયેલા પગનું હાડકું બધાને સંભળાય એટલા સ્પષ્ટ અવાજ સાથે તૂટી ગયું ત્યાં સુધી તેને ખેંચતો રહ્યો હતો! ડૉ. એચે એ બનાવ પોતાની સગી નજરે જોયો હતો. વસાહતમાંથી દરદીઓને આ જ રીતે ખસેડવામાં આવતા હતા! પરંતુ ગયા વર્ષે તો કોઈએ દયામૃત્યુ વિશે વિચાર્યું ન હતું! ત્યારે પણ પરિસ્થિતિ આટલી જ ખરાબ હતી, પરંતુ એ સમયે બધાને એવી આશા હતી, કે પરિસ્થિતિ જરૂર સુધરશે!
અને અત્યારે, તેમણે અને ડૉ. બીએ નિર્ણય કરી લીધો હોવા છતાં, દરદીઓને સાઇનાઇડનું ઇન્જેક્શન આપવા જેટલી, કે કોઈને તેવું કરતાં જોતી વેળાએ વ્યાવસાયિક તટસ્થતા દાખવી શકવા જેટલી કઠોરતા પોતાનામાં છે કે નહીં એ પણ ડૉ. એચ નક્કી કરી શકતા ન હતા! આમ તો, જે સ્ત્રીને આપણે ચાહતા હોઈએ તેનો સંપર્ક કરવો કે નહીં, તેના જેવી જ વાહિયાત દલીલ હતી આ! અને આવો નિર્ણય પોતાનો જ હોય તો તેનું પણ કોઈ મહત્ત્વ રહેતું ન હતું, કારણ કે નિર્ણય ગમે તે કરવામાં આવે, કારમી વાસ્તવિકતાનો સામનો કરવાનો તો હજુ પણ બાકી જ રહેતો હતો!
બહાર અગાસીમાં ઊભાં-ઊભાં તેમણે ઘોંઘાટની શરૂઆત થતી સાંભળી. શરૂઆત બહુ વહેલી થઈ ગઈ હતી. અવાજ વસાહતની પૂર્વ દિશાએથી આવી રહ્યો હતો. મેગાફોનનો ઘોઘરો અવાજ તેમને સંભળાતો હતો. પોતાની સાથે સામાન ન લેવા બાબતે અપાતી રૂઢિગત સૂચનાઓ હજુ પણ અપાઈ રહી હતી, અને કેટલાક લોકો હજુ પણ આવી સુચનાઓને સાચી માની રહ્યા હતા! વેરાન થઈ ચૂકેલી શેરીઓમાં અને હલચલ વગરના નિશબ્દ મકાનોમાં, શાંતિચોકમાં પથરાયેલા પત્થરોથી લઈને છેક નેડવિસ્લેન્સ્કા સ્ટ્રીટમાં નદી સુધી, એક અસ્પષ્ટ આંતકરંજિત ગણગણાટ સંભળાતો હતો, જે સાંભળીને ડૉ. એચ પણ ધ્રુજી ઊઠ્યા!
એમણે સાંભળેલો ગોળીબારની રમઝટનો પહેલો અવાજ, ઊંઘતા દરદીઓને પણ જગાડી મૂકે એટલો મોટો હતો! ગોળીબાર પછી ફરીથી કર્કશ અવાજ આવવા લાગ્યો. મેગાફોનની કર્કશતા વચ્ચે કોઈ સ્ત્રીની શોકાતુર ચીસ સંભળાઈ, અને પછી તરત જ ગોળીબારના અવાજોમાં એ ચીસ દબાઈ ગઈ! તેની પાછળ તરત જ કોઈ બીજી રડારોળ શરૂ થઈ ગઈ! એક તરફ એસએસના માઇક પરથી વહેતા કર્કષ બરાડા, તો બીજી બાજુએ ચિંતાની મારી યહૂદી પોલીસ, કે પછી તેમના જ પોલિશ પડોશીઓ નિરાધાર યહૂદીઓને ખદેડી રહ્યાં હતા. વિવેકહીન વિષાદ હોસ્પિટલના દરવાજા તરફ ઘસડાઈને આવી રહ્યો હતો! ડૉ. એચને ખાતરી હતી, કે પથારી પર પડેલા કિડનીના દરદી એવા સંગીતકારે બેભાન અવસ્થામાં પણ જરૂર આ ચીસો સાંભળી હશે!
વોર્ડમાં પાછા આવીને તેમણે જોયું, તો બધાની નજર તેમના પર જ મંડાયેલી હતી! સંગીતકાર પણ તેમને જ જોઈ રહ્યો હતો! દરદીઓનાં શરીર પથારીમાં જે રીતે સજ્જડ થઈ ગયાં હતાં, અને આંતરડાનો દરદી સ્નાયુ ખેંચાવાને કારણે જે રીતે રડી પડ્યો હતો, તેને તેઓ વિવશતા સાથે જોઈ રહ્યા. “ડૉક્ટર, ડૉક્ટર!” દરદીઓ કહી રહ્યા હતા. કોઈએ કહ્યું. ડૉ. એચે તેમને જવાબમાં કહ્યું, “મહેરબાની કરીને શાંતિ રાખો!” જાણે કહેતા ન હોય, કે હું અહીં તમારી પાસે જ છું, અને જર્મનો તો હજુ ઘણા દૂર છે! એમણે ડૉ. બી સામે જોયું. વસાહત ખાલી કરાવવાના અવાજો ત્રણેક બ્લોક નજીક આવ્યા, એટલે ડૉ. એચે પોતાની આંખો ઝીણી કરીને ડૉ. બી તરફ ઈશારો કર્યો. ડૉ. બીએ ડૉ. એચ સામે માથુ નમાવીને હામી ભરી. તેઓ વોર્ડના સામે છેડે આવેલા તાળું મારેલા દવાઓના નાનકડા કબાટ પાસે ગયા, અને હાઇડ્રોસાઇનાઇડ એસિડની બોટલ લઈને પાછા આવ્યા. થોડી ક્ષણો શાંતિ જાળવીને ડૉ. એચ પોતાના સાથી ડૉક્ટરોની નજીક જઈને ઊભા રહ્યા. તેમણે ધાર્યું હોત તો તેઓ ડૉ. બી પર બધું છોડી દઈ શક્યા હોત. તેમને ખબર હતી, કે તેમના સાથીદારો તેમની મદદ વગર એકલે હાથે પણ આ કામ પૂરું કરવા માટે સક્ષમ હતા જ! પરંતુ કસોટીના આ સમયે પોતે પોતાનો મત ન દર્શાવે, તેમનો ભાર ન વહેંચે, તો ડૉ. એચ માટે એ ઘડી શરમજનક બની જાત! જેગિલોનિયન યુનિવર્સિટી સાથે જોડાયેલા ડો. એચ ઊંમરમાં ડૉ. બી કરતાં નાના હોવા છતાં, એક નિષ્ણાત ડૉક્ટર હતા, વિચારક હતા, અને ડૉ. બીને પોતાના તરફથી પૂરો સહકાર આપવા માગતા હતા.
“ઠીક છે,” થોડી ક્ષણો માટે ડૉ. એચ તરફ બોટલ ધરી રાખીને ડૉ. બી બોલ્યા. જોસેફાઇન્સ્કા સ્ટ્રીટ તરફથી આવતા સ્ત્રીઓની ચીસોના અને અધિકારીઓના હુકમોના બરાડાના અવાજોમાં તેમનો એ શબ્દ દબાઈ ગયો.” ડૉ. બીએ નર્સને બોલાવી. “દરેક દરદીને પાણી સાથે ચાલીસ ટીપાં આપી દો.”
“ચાલીસ ટીપાં.” નર્સે તેમના શબ્દો ફરીથી ઉચ્ચાર્યા. નર્સ જાણતી જ હતી કે આ કઈ દવા છે.
“બરાબર છે,” ડૉ. બીએ કહ્યું. ડૉ. એચે પણ નર્સની સામે જોયું.
તેઓ જાણે કહેવા માગતા હતા, કે હા, હું હવે મક્કમ છું; હું પોતે પણ એ દવા આપી શકું તેમ છું. પરંતુ દવા પીવડાવવા હું જાતે જ આવીશ, તો દરદીઓ ચેતી જશે! બધા દરદીઓને ખબર હતી કે દવા તો નર્સો જ પીવડાવે છે!
નર્સે મિશ્રણ તૈયાર કર્યું, એ દરમ્યાન ડૉ. એચ વૉર્ડના છેડા તરફ આંટો મારવા ગયા અને વૃદ્ધ દરદીના ખભે હાથ મૂકીને બોલ્યા. “લાવો હું તમને થોડી મદદ કરું, રોમન.” વૃદ્ધ રોમનની ચામડીને સ્પર્શ કરતાં જ ડૉ. એચના આશ્ચર્ય વચ્ચે રોમનના જીવનની બધી જ વિગતો તેમને યાદ આવી ગઈ. એકાદ ક્ષણ માટે, આગની જ્વાળાઓની માફક, યુવાન રોમન તેમની સામે આવીને સાક્ષાત ઊભો રહી ગયો! ફ્રાન્ઝ જોસેફના ગેલિસિયા વિસ્તારમાં ઊછરેલો, ક્રેકોવની વિસ્તુલા નદીના મણી સમાન વેઇન નામના નાનકડા શહેરના એક સુંદર વિસ્તારમાં રહેતો, અને ગામની સ્ત્રીઓનો અત્યંત પ્રિય રોમન! સમ્રાટ ફ્રાંઝ જોસેફના સૈન્યના ગણવેશમા સજ્જ, સૈન્યની વ્યુહાત્મક શિયાળુ ગોઠવણ કરવા પહાડોમાં જઈ રહેલો રોમન! મનમોહક રિબિનો અને સ્વાદિષ્ટ પેસ્ટ્રીના શહેર રાયનેક ગ્લોનીમાં યુવતીને ચોકલેટ વહેંચતો અને કોઝિસ્કો પહાડ પર કોઈ નાનકડા છોડની પાછળ ઘુસીને પોતાની પ્રેમિકાને ચોરીછૂપી ચૂમી લેતો રોમન! કોઈ એક પુરૂષમાં આટઆટલી શક્યતાઓ કઈ રીતે ભરેલી હોઈ શકે? વૃદ્ધ રોમનની અંદર બેઠેલા યુવાનને ડૉ. એચે પ્રશ્ન કર્યો. ફ્રાંઝ જોસેફ અને એસએસનો કોઈ અધિકારી, રોસેલિયા બ્લાઉ કે સ્કાર્લેટ-તાવથી પીડાતી છોકરીઓને મૃત્યુદંડ આપવાનો અધિકાર આ બેમાંથી ખરેખર કોની પાસે હતો?
“શાંત થઈ જાઓ, રોમન,” ડૉક્ટરે રોમનને કહ્યું. તેઓ વૃદ્ધ રોમનને પોતાનું શરીર હળવું મૂકી દેવાની સલાહ આપવા માગતા હતા. તેમને ખાતરી હતી, કે એકાદ કલાકમાં તો જર્મન કમાન્ડો આવી જ ચડવાના! ડૉ. એચને એક વખત તો વિચાર આવી ગયો, કે લાવ, આ રહસ્ય રોમનને કહી જ દઉં! પરંતુ તેઓ અટકી ગયા.
ડૉ. બીએ ડૉઝ આપવામાં બહુ ઉદારતા દાખવી હતી. શ્વાસ રૂંધાવામાં માત્ર થોડી જ ક્ષણો લાગવાની હતી, અને થોડું ચમકી જવાય એવી જરા જેટલી પણ વેદના વૃદ્ધ રોમનને થવાની ન હતી! ચાર પ્યાલીઓમાં દવા ભરીને નર્સ આવી ત્યારે ચારમાંથી એક પણ દરદીએ તેને પૂછ્યું નહીં, કે આ શાની દવા છે? ચારમાંથી કોઈ આ સમજી શક્યું હશે કે નહીં, તેની ખબર ડૉ. એચને ક્યારેય પડવાની ન હતી! પાછળ ફરીને તેઓ પોતાની ઘડિયાળ સામે જોઈ રહ્યા. તેમને ડર હતો કે દરદીઓ દવા પીશે, ત્યારે કંઈક તો અવાજ થશેને! હોસ્પિટલની અંદર શ્વાસ ચડી જવાની, કે શ્વાસ બંધ થઈ જવાની કોઈ ઘટના બને ત્યારે થાય તેવો, કે પછી તેનાથી પણ ખરાબ કોઈ અવાજ…! નર્સનો ધીમો અવાજ ડૉ. એચને સંભળાતો હતો, “તમારા માટે કંઈક લાવી છું.” ઊંડો શ્વાસ લેવાનો એક અવાજ ડૉક્ટરે સાંભળ્યો. એમને ખબર ન પડી, કે એ અવાજ દરદીનો હતો, કે નર્સનો! એમને વિચાર આવી ગયો, કે આ આખીયે ઘટનામાં આ સ્ત્રી જ ખરેખર એક માત્ર હિંમતવાન હતી!
એમણે ફરીથી દરદીઓની સામે નજર નાખી ત્યારે કિડનીના દરદી અને ઊંઘી રહેલા સંગીતકારને જગાડીને નર્સ તેમને પ્યાલીઓ આપી રહી હતી. વૉર્ડના બીજા છેડેથી સફેદ કોટ પહેરેલા ડૉ. બી પણ તેમની તરફ જોઈ રહ્યા હતા.
ડૉ. એચ રોમન તરફ ફર્યા, અને તેમની નાડ તપાસી. ધબકારા બંધ થઈ ચૂક્યા હતા. એ જ સમયે વૉર્ડના સામેના છેડે બેઠેલા સંગીતકારે બદામની સુગંધવાળું દવાનું એ મિશ્રણ પરાણે પોતાના ગળા નીચે ઊતારી દીધું!
ડૉ. એચના ધાર્યા મુજબ બધું જ સરળતાથી પૂરું થઈ ગયું. એમણે દરદીઓની સામે જોયું. દરદીઓનાં મોં ફાટી ગયાં હતા, પરંતુ ખરાબ લાગે એટલી હદે નહીં! તેમની ભયમુક્ત આંખો ચમકતી હતી, તેમની દાઢી જાણે ગર્વથી છત તરફ ઊંચી થઈ હતી! વસાહતથી નાસી છૂટવા માગતા લોકોમાંથી કોઈને પણ ઇર્ષ્યા આવે તેવું સુખદ એ દૃશ્ય હતું!