નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૩ – ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત 3


પાંચ દિવસ પ્રસ્તુત કરી રહ્યાં છીએ માઈક્રોફિક્શન સ્પર્ધાની વિજેતાઓ સિવાયના સ્પર્ધકોની પણ નિર્ણાયકોનું ધ્યાન ખેંચનારી કેટલીક ઉલ્લેખનીય માઈક્રોફિક્શન વાર્તાઓ. આ વીસેક વાર્તાઓ સ્પર્ધક મિત્રોની એવી માઈક્રોફિક્શન છે જેને આદરણીય નિર્ણાયકોએ વધુ ગુણ આપ્યા છે. આ પછી આપણે વિજેતા મિત્રોની વાર્તાઓ માણીશું. આજે પ્રસ્તુત છે એ વીસ પૈકીની બીજી ચાર વાર્તાઓ. આજના સર્જકો છે ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત. સર્વે સર્જકોને ખૂબ અભિનંદન

૯.

એક દિવસ મંદિરથી સીધા કાનના ડૉક્ટરને ત્યાં જ ઉપડ્યા. ડૉક્ટર પાસે તપાસ કરાવીને ઘરે પાછા ફર્યા.

એક સવારે દિકરાએ રાબેતા મુજબ એકદમ કાન પાસે મોઢું લાવીને જરા મોટા અવાજે કહ્યું, ‘આએજ મારે રજા છે, મશીન માટે જઈ આવીએ?’

જરા અમસ્તું મલકીને તેમણે નકારમાં માથું ધૂણાવ્યું.

દિકરાએ ફરી એ જ રીતે કાનમાં પૂછ્યું, ‘કેમ વળી શું થયું?’

તેમણે ફરી સ્મિત કર્યું, કંઈ જવાબ ન આપ્યો. તેના માથે હાથ ફેરવીને પોતાના ઓરડામાં જતા રહ્યાં. એકલા એકલા એમને મીઠું હસવું આવ્યું. ડૉક્ટરનો એક પ્રશ્ન તેમના મગજમાં બરાબર ગોઠવાઈ ગયો હતો, ‘સંભળાતું ત્યારે વધારે રાજી રહેતા કે હવે રહો છો?’

– ડૉ. કેતન કારિયા

૧૦. અનાવરણ

લાંબી ગડમથલ પછી પ્રતિમાએ પરિસ્થિતિજન્ય નિર્ણય લઈ જ લીધો. મોબાઈલમાં કંઈક વાત કરી. ફટાફટ નવા કપડાં પહેર્યા અને વ્યવસ્થિત તૈયાર થઈ. મમ્મીની દવાનું પ્રિસ્ક્રિપ્શન ને ભાઈના પુસ્તકોનું લિસ્ટ પર્સમાં નાંખતા નાંખતા એ રોડ પર આવી.

વધુ અવરજવરથી બચવા વચલી ગલીમાંથી નીકળી ચોક તરફ આગળ વધી. ચોકમાં શમિયાણું અને માણસોનો મેળાવડો જોઈ એ મૂંઝાઈ. પોતાના તરફ જોતી નજરોથી સહજ થવા એણે એક આધેડને પૂછ્યું, ‘શેની તૈયારી ચાલી રહી છે?’

‘મંત્રીશ્રીના વરદહસ્તે આ પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ છે. આવજો હોં…’

અને કંઈ પણ બોલ્યા વગર, દુપટ્ટો સંકોચતી પ્રતિમા આગળ વધી ગઈ.

– પરેશ ગોધાસરા

૧૧. સરકણી ગાંઠ

આજે વિનુ ફરીવાર આવ્યો. હું સમજી ગયો તેના આગમનનું કારણ, અગાઉ પણ તે આવી ચૂક્યો છે, આ જ રીતે. પોતે કેવી આર્થિક મુશ્કેલીમાં ફસાઈ ગયો છે અને અમુક રૂપિયા વગર અત્યારે ને અત્યારે ચાલે તેમ નથી – એવું કહીને મારી સહાનુભૂતિ મેળવી લેતો, અને પૈસા પણ. એક વખત ભાઈની દવા માટે આપેલ પૈસા લઈને તેને મેં ફિલ્મમાં જતા જોયો હતો ત્યારથી તેની લાગણીના પૂરમાં ન તણાવું એવું મેં મનોમન નક્કી કરી લીધું હતું.

આજે તે આવ્યો. તેના ફફડતા હોઠ શું બોલતા હતા તે હું સાંભળતો હતો. આજે જો પૈસા માંગે તો રોકડું પરખાવી જ દેવું છે એવી મેં મનમાં ગાંઠ વાળી લીધી હતી. ઘ્ણી વાર થઈ. છેવટ સુધી તે કશું જ ન બોલ્યો. ફક્ત તેના હોઠ ફફડતા હતા.

છેવટે મારાથી ન રહેવાયું, મારાથી તેનો ખભો દબાઈ ગયો અને પૂછાઈ ગયું, ‘ભાઈ, કાંઈ પૈસાબૈસાની જરૂર નથી ને?

– રાજેન મહેતા

૧૨. આર.જે એંજલ

“સાંભળ, બજારમાંથી સિંદૂર લેતી આવજે, આજે કરવા ચોથ છે.” સાસુની વાતથી આરજે એંજલ ખુશખુશાલ થઈ ગઈ. રિવાજ મુજબ આજથી આદિત્ય સાથે એનો સંસાર શરૂ થશે. રાત્રે ચંદ્રની સાક્ષીએ હું એનું મુખ જોઈશ. એ મારી માંગમાં સિંદૂર ભરશે. હું આ રોમાંચક ક્ષણ કાલે રેડિયો પર મારાં ચાહકો સાથે શેર કરીશ.

એંજલ જેટલી ખુશ હતી સાસુ એટલી જ ડિસ્ટર્બ હતી…

“વહુ સવારે ફોનમાં એની માને શું કહેતી હતી, ‘ક્યાં મારો કોયલના ટહુકા જેવો મીઠો અવાજ અને ક્યાં સાસુનો કાગડા જેવો કર્કશ…’ જોઉં છું કાલે કેવી રીતે રેડિયો પર બકબક કરે છે?’ બબડતાં સાસુએ આજુબાજુ નજર ફેરવી સિંદૂર વહુના ગ્લાસમાં ભેળવી દીધો…

સવારે આદિત્યનો અવાજ પણ મમ્મીની રેન્જમાં આવી ગયો હતો એ ઇશારાથી ગળું બતાવતો હતો ત્યાં ઘરનાં રેડિયો પરથી આરજે એંજલનો અવાજ, “ગુડડડ મોર્નિંગ અમદાવાદ…” સાંભળી સાસુની હાલત વાઢો તો લોહી ના નીકળે એવી થઈ ગઈ.!

– સંજય થોરાત


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “નોંધપાત્ર માઈક્રોફિક્શન (અક્ષરનાદ સ્પર્ધા-૪) ભાગ ૩ – ડૉ. કેતન કારિયા, પરેશ ગોધાસરા, રાજેન મહેતા, સંજય થોરાત