શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૫)


પ્રકરણ ૧૫

વસાહતમાં લોકોને જે તકલીફો પડતી હતી તેના વિશે થોડી ધારણા તો ઓસ્કર પોતાના કર્મચારીઓના ચહેરા પરથી જ બાંધી લેતો હતો. શ્વાસ લેવાની, શાંતિથી ભોજન લેવાની કે પોતાના કુટુંબ સાથે બેસીને પૂજાપાઠ કરવાની પણ ફુરસત વસાહતમાં કોઈની પાસે ન હતી. સામેની વ્યક્તિ પર શંકા રાખીને જ કેટલાયે લોકો પોતાના માટે આશ્વાસન અને રક્ષણ મેળવી રહ્યા હતા. રસ્તા પર જતા યહૂદી પોલીસ પર જાય એટલી જ શંકા એમને પોતાની સાથે રહેતા માણસ પર પણ રહેતી હતી! એ સમય જ એવો હતો, કે કોઈ ડાહ્યો માણસ પણ કોના પર વિશ્વાસ કરવો એ નક્કી કરી શકે તેમ હતું નહીં! જોસેફ બાઉ નામના એક યુવાન કલાકારે વસાહત વિશે લખ્યું હતું, કે “એક-એક રહીશનું પોતાનું આગવું, ગુપ્ત અને રહસ્યભર્યું વિશ્વ હતું.” પગથિયા પરથી કંઈક અવાજ આવતાં જ બાળકો અચાનક વાત કરતાં બંધ થઈ જતાં હતાં. વયસ્ક લોકો પોતાને તડીપાર અને બેઘર કરી મૂકાયાના સપનામાંથી અચાનક જાગી જતા હતા; અને હકીકતે, પોજોર્ઝના આ ખીચોખીચ ભરેલા કમરાની અંદર જ પોતાને તડીપાર અને બેઘર અવસ્થામાં મૂકાઈ ગયેલા જોઈ રહેતા હતા! સપનામાં જોયેલી ભયાનક ઘટનાઓને પોતાની સામે હકીકતમાં બનતી, અને સપનામાં અનુભવેલા ભયને વાસ્તવમાં સામે આવીને ઊભેલો તેઓ જોઈ રહેતા હતા. ભયાવહ અફવાઓ કમરાની અંદર, શેરીઓમાં કે ફેક્ટરીમાં તેમને ઘેરી વળતી હતી.

સ્પાયરા પાસે બીજી પણ એક યાદી હોવાની વાત આવી હતી. એ નવી યાદી જૂની કરતાં બે કે ત્રણ ગણી લાંબી હતી! વસાહતનાં બધાં જ બાળકોને, કાં તો તાર્નોવ મોકલીને ગોળીએ દઈ દેવાની, સ્ટટથોફ મોકલીને ડૂબાડી દેવાની, કે પછી બ્રેસલાઉ મોકલીને તેમને જાતજાતની વાતો પઢાવીને દૂર-દૂર મોકલી આપીને તેમને કોઈને કોઈ કામે લગાડી દેવાની વાતો થતી હતી! તમારું કોઈ વડીલ અહીં છે કે? એમ પૂછી-પૂછીને, તેમની પાસેથી મોટેરાઓ વિશે જાણકારી મેળવી લીધા પછી, બાળકોને વેલિક્ઝાની મીઠાની ખાણોમાં લઈ જવામાં આવતા હતા. કામ કરવા માટે? ના. વપરાતી ન હોય એવી ગુફાઓમાં તેમને કાયમ માટે પૂરી દેવા માટે!

વસાહતમાં થઈ રહેલી આવી મોટાભાગની વાતો ઓસ્કર પાસે પહોંચી જતી હતી. સામાન્ય રીતે, દુષ્ટ તત્ત્વોને દૂર રાખવા માટે લોકો જાણીજોઈને આવી વાતો ફેલાવતા રહેતા હતા! પોતે પણ પેલા દુષ્ટ તત્ત્વો જેટલા જ કલ્પનાશીલ હોવાનું દર્શાવીને, ભયાનક ભાવિ સામે પહેલેથી જ પાણી સામે પાળ બાંધવાનો પ્રયત્ન કરતા હતા! પરંતુ એ જુનમાં, આવાં દુઃસ્વપ્નો અને કાનોકાન વહેતી અફવાઓએ પણ અત્યંત ભયાવહ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેની કલ્પના પણ કરી ન શકાય એવી અફવાઓ હકીકત બનીને સામે આવી રહી હતી!

વસાહતની દક્ષિણે રેકાવ્કા સ્ટ્રીટની સામેની તરફ, ઊંચાઈ પર પાર્કલેન્ડ નામનું એક સ્થળ આવેલું હતું., પાર્કલેન્ડમાંથી નીચેની દિશામાં વસાહતની દક્ષિણી દિવાલો તરફ નજર કરતાં ત્યાં મધ્યયુગી કિલ્લાઓનાં ચિત્રોમાં દર્શાવવામાં આવતી ગીચતા નજરોનજર જોઈ શકાતી હતી. ટેકરીઓની ધારે-ધારે ચાલતાં, ધીરે-ધીરે વસાહતનો નકશો ખૂલતો જતો હતો. એ રસ્તા પરથી પસાર થતી વેળાએ નીચે શેરીઓમાં શું બની રહ્યું છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાતું હતું. વસંતઋતુમાં ઓસ્કર એક વખત ઇન્ગ્રીડ સાથે આ રસ્તા પરથી પસાર થતો હતો, ત્યારે તેણે આ જગ્યાની ખાસ નોંધ લીધી હતી. આજે, પ્રોકોસિમ ડિપો પરના દૃશ્યોનો આઘાત ખમી લીધા પછી, એણે ફરી એક વખત આ રસ્તા પર નીકળવાનું નક્કી કર્યું. બેન્કરને બચાવ્યાની બીજી સવારે પાર્ક બેડનાર્સ્કિગોના તબેલામાંથી ઇન્ગ્રીડ અને શિન્ડલરે ઘોડા ભાડે લઈ લીધા. કોઈને શંકા ન પડે તેવો પહેરવેશ, લાંબાં જેકેટ, બ્રીચીઝ અને ચમકતાં જુતાં પહેરીને બંને જર્મન ગોરાં ઊભરાઈ રહેલી વસાહતની ઉપરવાસે પહોંચી ગયાં!

જંગલોનું ચઢાણ પૂરું થયે આગળ આવતા નાનકડા ખુલ્લા મેદાનમાં બંનેએ ઘોડા દોડાવી મૂક્યા. જીન પર બેઠાં-બેઠાં જ બંનેને નીચેની વેજિર્સ્કા સ્ટ્રીટ દેખાતી હતી. દવાખાનાના ખૂણા પાસે એકઠા થયેલા લોકોનાં ટોળાં, કુતરાં સાથે નજીકનાં ઘરોમાં ઘૂસી રહેલી એસએસની ટૂકડી, સડક પર હાંકી કઢાયેલાં આખે આખાં કુટુંબો, આ ઘરોમાં હવે લાંબા સમય સુધી પાછા ફરવાનું નહીં જ બને એવું ધારીને બળબળતી ગરમીમાં પણ કોટ પહેરી રહેલા લોકો…! ઇન્ગ્રીડ અને શિન્ડલર ઘોડાને એક વૃક્ષના છાંયે ઊભા રાખીને આ દૃશ્યોની નોંધ લેતાં રહ્યાં. હાથમાં લાકડાના દંડા લઈને ફરી રહેલા યહૂદી પોલીસના માણસો એસએસ સાથે મળીને કામ કરી રહ્યા હતા. ટેકરી પર ઊભા રહીને જોતાં, થોડી ક્ષણો પછી ઓસ્કરે જોયું કે આનાકાની કરી રહેલી ત્રણ યહૂદી સ્ત્રીઓના વાંસામાં દંડા ફટકારવામાં આવી રહ્યા હતા! ઓસ્કરને દેખાયું, કે આ કાર્યમાં યહૂદી પોલીસ કંઈક વિશેષ રસ લઈ રહી હતી! પહેલાં તો ઓસ્કરને સહજ ગુસ્સો આવી ગયો. એસએસ તો યહૂદીઓને ફટકારવા માટે યહૂદીઓનો જ ઉપયોગ કરી રહી હતી! જો કે, દિવસ દરમ્યાન આગળ જતાં તેને એક વાત એ પણ સમજાવાની હતી, કે જર્મન સૈન્ય દ્વારા યહૂદીઓને વધારે પડતો માર મારવામાં ન આવે, એ કારણસર યહૂદી પોલીસ પોતે જ પોતાના લોકોને થોડો માર મારી લેતી હતી! અને ગમે તેમ, પણ એક નવો નિયમ પણ યહૂદી પોલીસ પર લાદવામાં આવ્યો હતો! યહૂદી પોલીસના માણસો જો એકાદ યહૂદી કુટુંબને બેઘર કરીને શેરીમાં હાંકી ન કાઢે, તો તેમના પોતાના કુટુંબને જ બેઘર થવાની સજા ભોગવવાની આવતી હતી!

વેજર્સ્કા સ્ટ્રીટમાં બે કતારોમાં માણસો ક્યારના ઊભા હોવાનું શિન્ડલરે નોંધ્યું. એક કતાર તો સ્થિર રહેતી રહેતી હતી, પરંતુ નાની-નાની ટૂકડીઓના સ્વરૂપે લાંબી થતી જતી બીજી કતાર ખૂણેથી વળીને જોસેફિન્સ્કા સ્ટ્રીટમાં અદૃશ્ય થઈ જતી હતી. આ સ્થળે લોકોના એકઠા થવાનો અને તેમની આ હિલચાલનો અર્થ સમજવો અઘરો ન હતો, કારણ કે વસાહતની ઉપરવાસે પાઇનવૃક્ષોનાં પર્ણોની ઝાલર પાછળ છૂપાઈને ઊભેલાં શિન્ડલર અને ઇન્ગ્રીડ, આ કાર્યવાહીથી બે-ત્રણ નાનકડા બ્લોક છેટે જ હતાં! એપાર્ટમેન્ટમાંથી બહાર કાઢી મૂકવામાં આવેલા યહૂદીઓને તેમની સાથેના કુટુંબીઓને ધ્યાનમાં લીધા વિના બળજબરીપૂર્વક બે કતારોમાં વહેચી દેવામાં આવતાં હતાં. કાયદેસરના કાગળો ધરાવતી તરૂણીઓને સ્થિર કતારમાં ઊભી રાખવામાં આવતી હતી. એ તરૂણીઓ કતારમાં ઊભી-ઊભી, ચીસો નાખી-નાખીને સામેની કતારમાં ધકેલાયેલી પોતાની માતાઓને બોલાવી રહી હતી. ઊંઘ બગડવાને કારણે ખિન્ન થયેલા રાતપાળીના એક કામદારને એક કતારમાં ઊભો રાખી દેવામાં આવ્યો હતો, અને તેની પત્ની અને બાળકને બીજી કતારમાં! શેરીની વચ્ચોવચ્ચ ઊભો રહીને એ યુવાન યહૂદી કામદાર, પોલીસ સામે દલીલો કરવા લાગ્યો. “વાદળી સ્ટીકરની ઐસીકી તૈસી! હું ઇવા અને મારા બાળકની સાથે જ જવા માગું છું.”

એસએસનો એક હથિયારધારી માણસ વચ્ચે પડ્યો. વસાહતના સાધારણ યહૂદીઓની વચ્ચે, તાજા અને ઇસ્ત્રીબંદ્ધ ગણવેશમાં સજ્જ એ સૈનિક એકદમ તાજોમાજો લાગતો હતો. એના હાથમાં રહેલી ઓટોમેટિક પિસ્તોલ પર ચળકતાં તાજા ઓઇલની ચમક ઓસ્કરને છેક ઉપરથી પણ સ્પષ્ટ દેખાતી હતી. એસએસના એ સૈનિકે યહૂદીના કાન પાછળ પિસ્તોલ વડે એક ફટકો માર્યો, અને મોટા, કડક અવાજે તેને કંઈક કહેવા લાગ્યો. શિન્ડલરને એના શબ્દો સ્પષ્ટ રીતે સંભળાતા ન હતા, પરંતુ પ્રોકોસિમ સ્ટેશન પર આવા જ શબ્દો એણે સાંભળ્યા હતા. “મને કોઈ ફરક પડતો નથી. તું તારી હલકટ યહૂદી સ્ત્રી સાથે જ જવા માગતો હોય, તો જા!” એ યુવકને પહેલી કતારમાંથી બીજી કતારમાં મોકલી આપવામાં આવ્યો. શિન્ડલરે જોયું, કે બીજી કતારમાં દોડી જઈને એ પોતાની પત્નીને વળગી જ પડ્યો હતો! એ દંપતીની એકમેકના પ્રત્યેની વફાદારી જોઈને અન્ય એક સ્ત્રી પણ એસએસની નજર ચૂકાવીને પોતાના ઘરની અંદર પાછી દોડી ગઈ! ઓસ્કર અને ઇન્ગ્રીડે પોતાના ઘોડાને પાછા વાળી લીધા. એક નિર્જન રસ્તો વટાવીને થોડા જ મિટરના અંતરે આવેલા ક્રેકુસા ટેકરીની બરાબર સામેના ચૂનાના ખડક પાસે તેમણે ઘોડા ઊભા રાખ્યા. ત્યાંથી નીચે દેખાતી બીજી એક સ્ટ્રીટ વેજર્સ્કા જેટલી ભીડભાડવાળી ન હતી. કેટલીક સ્ત્રીઓ અને બાળકો સાથેની એક નાનકડી કતારને પિવાના સ્ટ્રીટ તરફ દોરી જવામાં આવી રહી હતી. એક ચોકીદાર આગળ ચાલી રહ્યો હતો, જ્યારે બીજો ચોકીદાર કતારની પાછળ-પાછળ ટહેલતો આવી રહ્યો હતો. કતારમાં થોડી અસમતુલા દેખાતી હતી. સ્ત્રીઓ કરતાં બાળકોની સંખ્યા ઘણી વધારે હતી, આટલાં બધાં બાળકો આટલી ઓછી સ્ત્રીઓનાં તો ન જ હોય! ઓસ્કરે જોયું, કે કતારના છેક છેવાડે, લાલ રંગનો નાનકડો કોટ અને લાલ ટોપી પહેરેલું એક સાવ નાનકડું બાળક, ધીમે–ધીમે ચાલી રહ્યું હતું. એ છોકરો હતો કે છોકરી એ તો તેને સમજાતું ન હતું. શિન્ડલરને તેનામાં ખાસ રસ પડવાનું કારણ એ હતું, કે વેજર્સ્કા સ્ટ્રીટમાં પોલીસ સામે દલીલો કરી રહેલા કામદારના દૃશ્યની જેમ, અહીં પણ એક ખાસ દૃશ્ય ઊભું થયું હતું! લાલ રંગ પ્રત્યે એ બાળકના આકર્ષણનું એ દૃશ્ય!

શિન્ડલરે ઇન્ગ્રીડને એ બાળક બતાવ્યું. ઇન્ગ્રીડે જરૂર એ છોકરી જ હોવાનો અભિપ્રાય આપ્યો, કારણ કે આ રીતે કોઈ ચોક્કસ રંગનું આકર્ષણ તો માત્ર છોકરીઓને જ હોય! એમણે જોયું, કે કતારની પાછળ-પાછળ ચાલતો એસએસનો માણસ વચ્ચે-વચ્ચે આડીઅવળી ચાલતી એ બાળકીને પોતાના હાથ વડે કતારમાં લઈ લેતો હતો. તેના વર્તનમાં કોઈ પ્રકારની કઠોરતા દેખાતી ન હતી. મોટોભાઈ પોતાની નાનકડી બહેનને દોરે એવું તેનું વર્તન લાગતું હતું. નજીકમાં કોઈ અધિકારી હોત, તો જરૂર યહૂદીઓ સાથે આવું લાગણીસભર વર્તન કરવા માટે તેને ઠપકો આપવામાં આવ્યો હોત! જો કે તો પણ એ સૈનિક કદાચ એ બાળકી સાથે ખરાબ વર્તન કરી શક્યો ન હોત! આમ બેડનાર્સ્કિગો પાર્કમાં ઊભેલા બંને ઘોડેસ્વારોના મનનો બોજ, કોઈ જ કારણ વગર થોડી ક્ષણો માટે તો હળવો થઈ ગયો! પરંતુ એ હળવાશ હકીકતે ક્ષણિક જ હતી! લાલ કપડામાં સજ્જ બાળકી સાથે પૂરી થઈ રહેલી સ્ત્રીઓ અને બાળકોની એ કતાર આગળ ચાલી ગયા પછી, કુતરાઓ સાથેની એસએસની એક ટૂકડી શેરીના ઉત્તર છેડેથી લોકો પર આગળ-પાછળથી તૂટી પડી હતી.

એસએસની એ ટૂકડીએ તો આવીને અહીંના ગંધાતા એપાર્ટમેન્ટોમાં ધમાલ મચાવી દીધી. એમની ઉતાવળના પુરાવારૂપે, બીજા માળની બારીમાંથી એક સૂટકેસ બહાર ફેંકાઈ અને રસ્તા પર પડીને તૂટી ગઈ. પહેલી વખતે દરોડા પડ્યા ત્યારે જે લોકો એસએસથી છટકીને ગુપ્ત ઓરડા અને માળિયાંમાં સંતાઈ ગયેલા, એ બધા જ અત્યારે એકમેકને ધકેલતાં, ચડેલા શ્વાસે ચીસો પાડતાં, પાછળ દોડતાં આવી રહેલાં ડોબરનમેન કુતરાંઓથી ભયભીત બનીને રસ્તાઓ પર દોડી રહ્યા હતા. ટેકરી પર ઊભેલા કોઈને સમજાય નહીં એટલી ઝડપથી બધું બની રહ્યું હતું! રસ્તા પર ઊભેલા લોકોને દેખાય ત્યાં જ બંદૂક વડે ઠાર મારી દેવામાં આવતા હતા. ગોળીનો ધક્કો વાગતાં જ લોકો ગટરમાં ગબડી પડતા હતા, ગટરની નાળીઓમાં લોહીની ધારાઓ વહેવા લાગી હતી. ક્રેકુસા સ્ટ્રીટની પશ્ચિમે, એક સ્ત્રી અને માંડ આઠ-દસ વર્ષનો લાગતો છોકરો ઉપરના માલની બારીની નીચે સંતાઈ ગયાં હતાં. તેમની દશા જોઈને શિન્ડલરના શરીરમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. ભય તેની રગેરગમાં પ્રસરી ગયો હતો. ઘોડાના જીન સાથે ચોંટેલી તેની જાંઘો ઢીલી પડી ગઈ હતી. પરીણામે એણે ઘોડા પરથી ઊતરી જવું પડ્યું.

એણે ઇન્ગ્રીડની સામે જોયું. ઇન્ગ્રીડના હાથમાં ઘોડાની લગામની ગાંઠ પડી ગઈ હતી. બૂમો પાડતી જાણે એ ઓસ્કરને વિનવી રહી હતી.

ઓસ્કરની નજર, ક્રેકુસા સ્ટ્રીટ તરફ વળીને ફરીથી પેલી લાલવસ્ત્રા બાળકી ભણી ગઈ. બાળકીથી થોડા જ અંતરે આવેલા બ્લોક પાસે આ બધું બની રહ્યું હતું. કતારની સાથે ચાલતી એ બાળકી જોસેફિન્સ્કા સ્ટ્રીટમાં વળીને દૃષ્ટિથી દૂર થઈ જાય એટલી રાહ પણ પેલા જર્મન સૈનિકો જોતા ન હતા. બાજુના રસ્તા પર ચાલી રહેલો હત્યાકાંડ શા માટે ચાલી રહ્યો છે એ પહેલાં તો શિન્ડલરને સમજાયું જ નહીં. પરંતુ એ હત્યાકાંડ દ્વારા લશ્કરના ઉદ્દેશની ગંભીરતા એટલી હદે પૂરવાર થઈ ગઈ, કે કોઈ પણ વ્યક્તિ તેને અવગણી ન શકે! કતારમાં ચાલતી લાલવસ્ત્રા બાળકી ચાલતાં અટકીને શું થયું છે એ જોવા માટે પાછળ વળી, અને એ જ સમયે સૈનિકોએ પેલી બારી નીચે સંતાઈને બેઠેલી સ્ત્રીને ડોક પર ગોળી મારી દીધી, અને એમાંના એક સૈનિકે તો ચીસો પાડતાં-પાડતાં દિવાલ પરથી સરકી આવેલા બાળકના માથા પર પોતાનો લોખંડી બૂટ ઠોકી દીધો, જાણે પોતાના પગ નીચે એને સ્થિર પકડી રાખવાનો ન હોય! એસએસની સૂચના પ્રમાણે, ડોકની પાછળના ભાગે પિસ્તોલનું નાળચું મૂકીને એણે એ બાળકને ગોળી મારી દીધી!

ઓસ્કરે ફરી એક વખત પેલી લાલ બાળા સામે જોયું. એ ઊભી રહી ગઈ હતી; પાછળ વળીને એ આ બધું જ જોઈ રહી હતી, અને પેલા બાળક પર થતો બૂટનો એ હુમલો એણે પણ જોયો હતો! કતારથી એ હવે ઘણી પાછળ રહી ગઈ હતી. પેલા એસએસના ચોકીદારે ફરી એક વખત હેતથી તેને આગળ લઈને કતાર સાથે લઈ લીધી. હેર શિન્ડલરને એ સમજાતું ન હતું, કે એ સૈનિક શા માટે એ બાળકીને રાયફલના કુંદા વડે ફટકારી દેતો ન હતો! ક્રેકુસા સ્ટ્રીટના પેલા છેડે તો દયાનું કોઈ નામોનિશાન દેખાતું ન હતું!

આખરે શિન્ડલર ઘોડા પરથી સરકીને નીચે ઊતરી ગયો, અને ઘુંટણીયે પડીને પાઇનવૃક્ષના થડને વળગી પડ્યો! સવારે જ ભરપેટ ઉત્તમ નાસ્તો કરીને એ નીકળ્યો હતો. ઊલટી કરીને સવારનો એ નાસ્તો બરબાદ કરી દેવાની શરીરની વૃત્તિને એ મહાપરાણે દાબી રાખતો હોય એવું એને લાગ્યું, કારણ કે એને શંકા પડી, કે ઊલટી કરી દઈને, એનું લુચ્ચુ શરીર, ચોક્કસ ક્રેકુવા સ્ટ્રીટની આ ભયાવહ ઘટનાઓને પચાવી જવા માટેનો ઘાટ ઘડી રહ્યું હતું!

કોઈ સ્ત્રીની કોખમાંથી જ તો એ સૈનિકે જન્મ લીધો હશે! અને એના ઘરમાં રહેતી એ સ્ત્રીઓને આ સૈનિકો પત્ર પણ લખતા જ હશેને! શું લખતા હશે પત્રમાં એ લોકો? પરંતુ ઓસ્કરે જે જોયું તેનો અંત હજુ સૈનિકોની આ બેશરમીથી નહોતો આવી જવાનો! ઓસ્કર જાણતો હતો કે સૈનિકોને કોઈ જ શરમ આવતી ન હતી, કારણ કે પેલી બાળકી આ લોહીયાળ દૃશ્યો ન જુએ તો સારું, એવું તો કતારના અંતે ચાલી રહેલા પેલા ચોકીદારને પણ લાગ્યું ન હતું! પરંતુ એથી પણ ખરાબ એ હતું, કે આવું કરતાં કોઈને શરમ આવતી ન હતી! આનો અર્થ તો એ હતો, કે આવું કરવા માટે તેમને કાયદેસરની છૂટ આપી દેવામાં આવી હતી! મહાન જર્મન સંસ્કૃતિનું ગાણું ગાઈને હવે કોઈ જ બચી શકે તેમ ન હતું. નેતાઓના ભાષણોની આડમાં, પોતાના ઘરના બગીચામાંથી કે ઑફિસની બારીઓમાંથી બહાર જોઈ રહેલા લોકો, સડક પર જે ચાલી રહ્યું હતું તેના પ્રત્યે હવે આંખ આડા કાન કરી શકે તેમ ન હતા! ક્રેકુસા સ્ટ્રીટમાં પોતાની જ સરકારે અમલમાં મૂકેલા આ કાયદાઓને, હવે ક્ષણિક વિકૃતિ ગણાવી દઈને ઓસ્કર ભૂલી શકે તેમ ન હતો! ઓસ્કાર માનતો હતો, કે એસએસના આ માણસો તો ચોક્કસ પોતાના ઉપરીઓના હુકમોનું પાલન જ કરતા હશે, નહીં તો એમાંનો જ એક માણસ, કતારને છેડે ચાલતી એ બાળકીને આ દૃશ્યો ન જુએ એટલું તો કરી જ શક્યો હોત! દિવસના અંતે, બ્રાંડીનો એક પેગ ગળે ઊતાર્યા પછી જ ઓસ્કર આ પરિસ્થિતિનો બરાબર તાગ પામી શક્યો! એ સૈનિક પેલી લાલ બાળકી જેવા પોતાની સગી આંખે જોઈ રહેલા લોકોને જાણી જોઈને આ દૃશ્યો જોવાની પરવાનગી આપતા હશે! કારણ કે સૈનિકો જાણતા જ હતા, કે આગળ જતાં આ બધા જ લોકોના આ જ હાલ થવાના છે!

શાંતિ ચોકના એક ખૂણે ટેડિયસ પેનકિવિક્ઝ નામનો એક પોલિશ માણસ દવાની દુકાન ચલાવતો હતો. દુકાન બહુ જ જુની શૈલીની હતી. પ્રાચિન દવાઓના લેટિન નામો લખેલી ચિનાઈ માટીની બરણીઓ અને વાર્નિશ કરેલા સેંકડો નાજુક ખાનાઓ પાછળ એ દવાઓની જટીલતા પોજોર્ઝના રહેવાસીઓથી છૂપાઈ જતી હતી. સત્તાવાળાઓની પરવાનગી અને વસાહતના ડૉક્ટરોની વિનંતી કારણે મેજિસ્ટર પેનકિવિક્ઝ દુકાનની ઉપરના માળે જ રહેતા હતા. પોલિશ વંશની આ એક માત્ર વ્યક્તિને વસાહતની દિવાલોની અંદર રહેવાની પરવાનગી હતી. ચાળીસીથી થોડી જ મોટી ઊંમરના અને સ્વભાવે શાંત મેજિસ્ટર ઘણું રસપ્રદ વ્યક્તિત્વ ધરાવતા હતા. પોલિશ ઇમ્પ્રેશનિસ્ટ અબ્રાહમ ન્યુમેન, સંગીતકાર મોરચે ગેબર્ટિગ, ફિલસૂફ લિઓન સ્ટેઇનબર્ગ અને વૈજ્ઞાનિક અને ફિલસૂફ ડૉ. રેપાપોર્ટ, આ બધા જ લોકો પેનકિવિવ્ઝ ખાતે તેમના નિયમીત મુલાકાતી હતા. તેમનું ઘર, યહૂદી કોમ્બેટ ઓર્ગેનાઇઝેશન (ઝોબ) અને પોલિશ પીપલ્સ આર્મિના અનુયાયીઓ વચ્ચે જોડતી કડી, અથવા કહો કે માહિતીની લેવડદેવડની જગ્યાની ગરજ પણ સારતું હતું. યંગ ડોલેક લેબેસ્કિન્ડ, સિમોન અને ગુસ્તા ડ્રેન્ગર જેવા ક્રેકોવના ઝોબના સંયોજકો પણ ક્યારેક અહીં મળતા હતા, પરંતુ છૂપાઈને જ! ટેડિયસ પેનકિવિક્ઝ કોઈ રીતે તેમના આયોજનોમાં સંડોવાય નહીં, એ જરૂરી હતું. એમ ન થાય, તો જર્મનો તરફથી યહૂદી મંડળની સહકારી નીતિઓથી વિરુદ્ધ, ઉગ્ર અને સ્પષ્ટ વિરોધ સહન કરવો પડે તેમ હતું.

જુનના પહેલા અઠવાડિયામાં પેનકિવિક્ઝની ફાર્મસીની સામેનો ચોક ખુલ્લા બજારમાં ફેરવાઈ ગયો હતો. શાંતિ ચોક બાબતે પેનકિવિક્ઝ હંમેશા એક વાક્ય કહેતા હતા, “આ શાંતિ ચોક પર કોઈ ભરોસો ન રાખી શકે!” પાર્કલેન્ડમાં ફરી વખત લોકોને છૂટા પાડવામાં આવી રહ્યા હતા. તેમને પોતાનો સામાન મૂકીને જવાનું કહેવામાં આવતું હતું. “નહીં, નહીં, સામાન તમને પાછળથી મોકલી આપવામાં આવશે!” જે કોઈ વિરોધ કરે, કે પછી જેના ખિસ્સામાંથી ગુપ્ત ખાનગી આર્યન દસ્તાવેજો મળી આવે, તેને ચોકના પશ્ચિમી ખૂણે બંધ દિવાલ પાસે લઈ જઈને, આજુબાજુના કોઈ પણ માણસને ખુલાસો આપ્યા વગર સીધા જ ગોળીએ દઈ દેવામાં આવતા હતા. રાયફલના ચમકાવી દેતા ગર્જનાભર્યા અવાજોની વચ્ચે લોકોની વાતચીતો અને આશાઓ કચડાઈ જતી હતી. મૃતકોના સંબંધીઓની ચીસો અને દારુણ રૂદનની વચ્ચે પણ, આઘાતમાં ડૂબી ગયેલા અથવા જીવતા રહેવા મરણીયા બની ગયેલા કેટલાક લોકોને મૃતદેહોના ઢગલા દેખાતા જ ન હતા! ટ્રકો આવે એટલે આ જ યહૂદીઓ અન્ય યહૂદીઓના મૃતદેહોને ટ્રકોની પાછળ લાદી દેવાના કામમાં લાગી પડતા હતા! અને પછી, બચી ગયેલા એ લોકો ચોકમાં બેસીને પોતાના ભવિષ્ય અંગે ચર્ચા કરવાનું શરૂ કરી દેતા હતા! પેનકિવિક્ઝના કાને લોકોની એ જ વાતો પડતી હતી, જે વાતોને આખો દિવસ એસએસ અધિકારીઓના મોઢે પણ કહેવાતી તેઓ સાંભળતા હતા, “હું તમને ખાતરી આપું છું મેડમ, કે તમારે યહૂદીઓએ ત્યાં માત્ર કામ જ કરવાનું છે! તમને લાગે છે કે તમને એમ વેડફી દેવા અમને પોસાય?” અને સ્ત્રીઓના ચહેરા પર એમની આ વાત માની લેવા માટેની ગાંડી તૃષ્ણા બેશરમીથી દેખાઈ આવતી હતી! પેલી દિવાલ પાસે હજુ તાજો જ હત્યાકાંડ પતાવીને આવેલા એસએસના અધિકારીઓ અને સૈનિકો, ટોળામાં ફરી-ફરીને લોકોને પોતાના સામાન પર કઈ રીતે લેબલ મારવું તેની સૂચનાઓ આપતા રહેતા હતા!

બેડનાર્સિકો પર ઊભેલો ઓસ્કર શિન્ડલરને શાંતિ ચોકનાં એ દૃષ્યો તો દેખાતાં ન હતાં, પરંતુ ટેકરી ઉપર ઊભેલા શિન્ડલરની જેમ, પેનકિવિક્સે પણ આજ પહેલાં ચોકમાં ઊભા રહીને આવા લાગણીહીન આતંકનો અનુભવ ક્યારેય કર્યો ન હતો! ઓસ્કરની માફક એ પણ ઊબકા આવવાને કારણે પરેશાન થઈ ગયો હતો. કોઈએ તેનું માથું પકડીને ક્યાંક અફળાવ્યું હોય એમ તેના કાન આભાસી સિસોટીઓના અવાજોથી ભરાઈ ગયા હતા! અવાજોના આક્રમણ અને આ નિર્દયતા જોઈને એ એટલો વ્યગ્ર બની ગયો હતો, કે તેને એટલું પણ ભાન ન રહ્યું, કે, પ્રખ્યાત ગીત “બર્ન સિટી બર્ન”ના સંગીતકાર ગેબર્ટિંગ, અને સૌમ્ય કળાકાર ન્યુમેન જેવા તેના બંને મિત્રો પણ ચોકમાં મૃત્યુ પામેલા એ લોકોમાં સામેલ હતા! માત્ર બે જ બ્લોક દૂર આવેલા દવાખાનામાંથી દોડીને આવેલા ડૉક્ટરો પણ તેની દુકાનમાં જ લથડિયાં ખાવા લાગ્યા હતા. દવાખાનામાં પાટાની સખત જરૂરિયાત હતી, ઘાયલ થયેલાઓને શેરીમાંથી ઢસડીને દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. એક ડૉક્ટરે આવીને ઊલટી કરાવવાની દવા માગી. કારણ કે ટોળામાં દસ-બાર લોકો સાયનાઇડ ગળી જવાને કારણે ગુંગળાઈ રહ્યા હતા, અથવા મુર્છા પામ્યા હતા!

વસાહતમાં વેજર્સ્કા સ્ટ્રીટના ખૂણે આવેલા દવાખાનામાં કામ કરતા યુવાન ડૉ. આઇડેક શિન્ડેલે હિસ્ટીરિઆને કારણે બબડાટ કરી રહેલી એક સ્ત્રી પાસેથી સાંભળ્યું, કે જર્મનો બધાં બાળકોને ક્યાંક લઈ જઈ રહ્યા હતા! ક્રેકુસા સ્ટ્રીટમાં બાળકોને એક કતારમાં ઊભાં રખાતાં એ સ્ત્રીએ જોયાં હતાં. જીનિયા પણ એ બાળકોમાંની એક હતી!

ડૉ. શિન્ડેલ જીનિયાને પડોશીના ભરોસે છોડીને આવ્યા હતા. વસાહતમાં તો એ જ બાળકીના પાલક હતા. જીનિયાનાં મા-બાપ તો હજુ આજે પણ જંગલમાં છૂપાઈ રહ્યાં હતાં. વસાહતની અંદર છાનામાના પ્રવેશી જવાની જીનિયાનાં મા-બાપની નેમ હતી, પરંતુ આજ સુધી તેમને એવી કોઈ તક સાંપડી ન હતી. એ સવારે તોફાની જીનિયાને તેના કાકાને ઘેર પહોંચાડવા માટે એક સ્ત્રીની સાથે મોકલી આપી મોકલી હતી. એ સ્ત્રીથી છૂટી પડી ગએલી જીનિયાને પોલીસ લઈ ગઈ હતી. અને એ પછી ક્રેકુસા સ્ટ્રીટમાં જતી કતારમાં એ જઈ રહી હતી, ત્યારે પાર્કમાં ઊભેલો ઓસ્કર શિન્ડલર માતા વિના ચાલતી જતી એ છોકરીને જોઈ ગયો હતો.

પોતાનો સર્જિકલ કોટ ઊતારીને ડૉ. શિન્ડેલ ચોકમાં દોડી ગયા. એકદમ જ તેમની નજર સૈનિકોની વચ્ચે ઘાસ પર શાંતિથી બેઠેલી જીનિયા પર પડી. ડૉ. શિન્ડેલ જાણતા હતા કે જીનિયાના ચહેરા પરની એ શાંતી કેટલી બનાવટી હતી, કારણ કે રાત્રે ડરીને ઊંઘમાંથી જાગી જતી જીનિયાને શાંત પાડવા માટે તેમણે પોતે કેટલી વખત ઊઠવું પડતું હતું!

ચોકની સીમારેખા પર એમણે હજુ તો એક જ ચક્કર માર્યું હતું, ત્યાં જીનિયાની નજર તેમના પર પડી ગઈ! એમને કોઈક રીતે જીનિયાને કહેવાનું મન થઈ આવ્યું, કે બુમ ન પાડીશ, હું કંઈક કરું છું! પરંતુ શિન્ડેલ કોઈ ધમાલ કરવા માગતા ન હતા, કારણ કે એથી તો બંનેને નુકશાન જ થાય તેમ હતું! પરંતુ હકીકતમાં ડૉક્ટર શિન્ડેલે ચિંતા કરવી પડે તેવું કોઈ કારણ જ ન હતું, કારણ કે જીનિયાની શાંત અને ભાવરહિત આંખોમાં એ દૂરથી પણ ઝાંખી શકતા હતા! દાદ આપવી પડે તેવી જીનિયાના આ અભિનય પ્રત્યે અનુકંપા દર્શાવતાં ડૉક્ટર દિગ્મૂઢ બનીને એક તરફ ઊભા રહી ગયા! ત્રણ વર્ષની નાની ઉંમરે, બૂમ પાડીને અંકલને બોલાવવા જેવો ક્ષણિક ફાયદો ન લેવાય, એવું એ છોકરીને બરાબર સમજતી હતી! તે એ પણ જાણતી હતી, કે એસએસ સાથે અંકલ આઇડેક શિન્ડેલની ઓળખાણ કરાવવાથી પોતે આ સૈનિકોની ચુંગાલમાંથી છટકી નહીં શકે! ડૉ. આઇડેક, લોહીભીની દિવાલની પાસે ઊભેલા એક સૈનિક સાથે શું વાત કરવી, તેની ગડમથલમાં હતા. સત્તાધારી પાસે બહુ વિનમ્રતા બતાવવાનું, કે પછી તેનાથી પણ નીચલી પાયરીના સૈનિક દ્વારા તેનો સંપર્ક કરવાનું આઇડેકને યોગ્ય ન લાગ્યું. બાળકી સામે જોતાં જ, તેની આંખમાં શંકાભર્યો ફફડાટ થતો એ જોઈ શકતા હતા!. અને અચાનક જ, કોઈ જુગારી જેવી આશ્ચર્યજનક ઠંડક સાથે, નજીક ઊભેલા બે ચોકીદારો વચ્ચેથી ધીમે-ધીમે ચાલતી જીનિયા, હળવેકથી કતારની બહાર આવી ગઈ! અત્યંત ધીમી ગતિથી તેને આવતી જોઈને તેના અંકલ આઇડેકની આંખે પણ એવાં અંધારાં આવી ગયાં, જેને યાદ કરીને ભવિષ્યમાં કેટલીયે વખત તેમને એસએસના ઘુંટણ સુધીનાં લાંબા-ચળકતાં બૂટની વચ્ચે ફરતી જીનિયાનાં સ્વપ્નો દેખાવાનાં હતાં! શાંતિ ચોકમાં કોઈની નજર જીનિયા ઉપર પડી નહીં. અડધી લથડિયાં ખાતી અને અડધી છેતરામણી, અક્કડ ચાલ જાળવતી જીનિયા પેનકિવિક્ઝ સુધી આવીને ખૂણો વટાવીને શેરીના બંધ ભાગ તરફ વળી ગઈ. ડૉ. શિન્ડેલે તાળીઓ પાડવાની પોતાની ઇચ્છાને સખત રીતે દબાવી દીધી. જીનિયાના આ અદ્ભૂત અભિનયને દર્શકોની વાહવાહી મળવી જોઈતી હતી, પરંતુ જો એવું બન્યું હોત તો એ વાહવાહી જ એની દુશ્મન બની ગઈ હોત!

ડૉક્ટરને લાગ્યું કે જીનિયાની પાછળ-પાછળ ચાલતાં જવાથી તો તેનું પરાક્રમ જાહેર થઈ જશે. પોતાને થઈ આવેલી સહજ આંતરિક ઈચ્છાની વિરુદ્ધ જઈને એમણે વિચાર્યું, કે જે સ્ફુરણા જીનિયાને શાંતિ ચોકમાંથી હેમખેમ બહાર લઈ આવી છે, એ જ સ્ફુરણા તેને છુપાવાની કોઈક જગ્યાએ પણ જરૂર લઈ જશે! જીનિયાને પૂરતો સમય આપવા માટે એ ટૂંકા રસ્તે થઈને દવાખાને પાછા આવી ગયા.

ક્રેકુસા સ્ટ્રીટના જે કમરામાં જીનિયા પોતાના અંકલ સાથે રહેતી હતી, એ જ જગ્યાએ એ હેમખેમ પાછી ફરી. શેરી ખાલીખમ થઈ ચૂકી હતી. છૂપાઈ કે સંતાઈને શેરીમાં બેઠેલા લોકો પોતાની હાજરી કોઈને કળાવા દે તેમ ન હતા. ઘરની અંદર પ્રવેશીને જીનિયા પણ પલંગની નીચે ઘૂસી ગઈ. શેરીનો ખૂણો વળીને પોતાના ઘર તરફ આવી રહેલા આઇડેકે દૂરથી જ છેલ્લો-છેલ્લો સપાટો બોલાવી રહેલા એસએસના સૈનિકોને પોતાનું બારણું ખખડાવતા જોઈ લીધા. પરંતુ જીનિયાએ અંદરથી જવાબ ન આપ્યો! આઇડેકને ખાતરી હતી, કે એ પોતે પણ ઘરમાં પ્રવેશતી વેળાએ પૂછશે તો જીનિયા જવાબ નહીં આપે! જીનિયાને ક્યાં શોધવી એ તેઓ જાણતા હતા! અને એટલે જ તેઓ જીનિયાને ઘરમાં જોઈ પણ શકતા હતા! પડદો અને બારીના લાકડાની વચ્ચે પલંગની બાજુમાં, કમરાના અંધારામાં ચમકતાં લાલ જૂતાં તેમને દેખાયાં.

ત્યાં સુધીમાં તો શિન્ડલરે ઘોડાને પાછા તબેલામાં પહોંચાડી દીધા હતા. એસએસના સૈનિકો લાલ જીનિયાને જે ઘરમાંથી પકડી ગયા હતા, એ જ ઘરની અંદર હેમખેમ પાછા ફરવાની, લાલ જીનિયાએ મેળવેલી એ નાનકડી પરંતુ બહુ જ મહત્ત્વની જીતને નજરે જોવા માટે શિન્ડલર ટેકરી પર હાજર ન હતો! ત્યાં સુધીમાં તો એ ‘ડેફ’ની ઓફિસમાં પહોંચીને, આ બધી જ સમસ્યાઓથી થોડી વાર માટે બહુ દૂર ચાલ્યો ગયો હતો! દિવસની પાળીના કર્મચારીઓને આજના આ સમાચાર આપવાનું કામ તેને માટે કપરું હતું. ક્રેકોવની રંગીન પાર્ટીઓનો એક માનીતો મહેમાન અને લહેરીલાલો હેર શિન્ડલર, ઝેબ્લોસીમાં ઉડાઉ વ્યક્તિ તરીકે જાણીતો, વિલાસી હોવાના ભ્રામક દેખાવની ઓથે છૂપાયેલો કઠોર ન્યાયાધીશ ઓસ્કર શિન્ડલર, આગળ જતાં, પોતાના સ્વભાવથી વિપરીત આજના આ દિવસને ખાસ યાદ રાખવાનો હતો! એ જાહેર કરવાનો હતો, “આજના દિવસ પછી, કોઈ પણ વિચારશીલ માણસ ભવિષ્યને પારખવાની ભૂલ નહીં કરે. વ્યવસ્થાતંત્રને હરાવવા માટે મારાથી બનતું બધું જ કરી છૂટવાની મેં પ્રતિજ્ઞા લીધી છે.”

આપનો પ્રતિભાવ આપો....