શિન્ડલર્સ લિસ્ટ – થોમસ કીનિલી, અનુ. અશ્વિન ચંદારાણા (પ્રકરણ ૧૫)
વસાહતમાં લોકોને જે તકલીફો પડતી હતી તેના વિશે થોડી ધારણા તો ઓસ્કર પોતાના કર્મચારીઓના ચહેરા પરથી જ બાંધી લેતો હતો. શ્વાસ લેવાની, શાંતિથી ભોજન લેવાની કે પોતાના કુટુંબ સાથે બેસીને પૂજાપાઠ કરવાની પણ ફુરસત વસાહતમાં કોઈની પાસે ન હતી. સામેની વ્યક્તિ પર શંકા રાખીને જ કેટલાયે લોકો પોતાના માટે આશ્વાસન અને રક્ષણ મેળવી રહ્યા હતા. રસ્તા પર જતા યહૂદી પોલીસ પર જાય એટલી જ શંકા એમને પોતાની સાથે રહેતા માણસ પર પણ રહેતી હતી! એ સમય જ એવો હતો, કે કોઈ ડાહ્યો માણસ પણ કોના પર વિશ્વાસ કરવો એ નક્કી કરી શકે તેમ હતું નહીં! જોસેફ બાઉ નામના એક યુવાન કલાકારે વસાહત વિશે લખ્યું હતું, કે “એક-એક રહીશનું પોતાનું આગવું, ગુપ્ત અને રહસ્યભર્યું વિશ્વ હતું.”