પ્રકરણ ૫
વિક્ટૉરિઆ ક્લોનોવ્સ્કા નામની એક સુંદર પોલિશ યુવતી ઓસ્કરની ઓફિસમાં કામ કરતી હતી. બહુ જલદી ઓસ્કરને તેની સાથે મીઠા સંબંધો બંધાઈ ગયા હતા. ઓસ્કરની પત્ની એમિલીને જે રીતે ઓસ્કરની જર્મન પ્રેયસી ઇન્ગ્રીડ વિશે ખબર હતી, એ જ રીતે વિક્ટૉરિઆ વિશે પણ તેને જાણ હશે જ! એનું કારણ એ, કે પ્રેમી તરીકે ઓસ્કર ક્યારેય અપ્રામાણિક રહ્યો ન હતો. સ્ત્રીઓ સાથેના સંબંધોની બાબતમાં તે એક બાળક જેટલો પ્રામાણિક રહેતો હતો. એવું પણ ન હતું, કે આ બાબતે બધાની સાથે ગપસપ કરવામાં તેને મજા આવતી હતી! વાત માત્ર એટલી જ હતી, કે જુઠ્ઠું બોલવાની, હોટેલની પાછલી સીડીઓ પરથી છૂપાઈને આવ-જા કરાવાની કે અડધી રાતે કોઈ છોકરીના કમરા પર છાનામાના હળવેથી ટકોરા મારવાની તેને ક્યારેય જરૂર લાગી ન હતી.
જૂઠું ન બોલવાની બાબતમાં ઓસ્કર પોતાની સ્ત્રી-મિત્રો સાથે પૂરતો ગંભીર રહેતો હતો, એટલે બે પ્રેમીઓ વચ્ચે સહજ એવી બોલાચાલીઓ માટે અહીં કોઈ અવકાશ રહેતો ન હતો.
સુંદર, ચપળ અને ભારેખમ મેક-અપ કરેલા ચહેરા પર સોનેરી વાળ બાંધેલી વિક્ટૉરિઆ ક્લોનોવ્સ્કા એકદમ નિર્ભય છોકરી હતી. જીવનમાં આવી પડતી મોટી-મોટી ઐતિહાસિક ગણાય એવી મુસીબતો પણ તેને જીવનના ખરા પ્રયોજનની આડે ક્ષણભર માટે નડી જતી નાની-મોટી મુશ્કેલી જેવી જ લાગતી હતી! પાનખરના એ દિવસોમાં જેકેટ, ઝાલરવાળું બ્લાઉઝ અને પાતળા સ્કર્ટ જેવાં સાદાં કપડાંમાં એકદમ બેફિકર દેખાતી ક્લોનોવ્સ્કા, અંદરથી પૂરતી ચબરાક, કાર્યક્ષમ અને હોશિયાર હતી! એ સાથે પોતે હાડોહાડ પોલિશ સમાજવાદી પણ હતી. ભવિષ્યમાં પોતાના આ ચેક-જર્મન પ્રેમીને એસએસના સકંજામાંથી છોડાવવા માટે જર્મન ઉચ્ચાધિકારીઓ સાથે વાટાઘાટો કરવા જેવું કામ પણ એ પાર પાડવાની હતી. પરંતુ હમણાં તો ઓસ્કરે તેને થોડું સરળ એવું એક કામ સોંપ્યું હતું.
વાતવાતમાં ઓસ્કરે તેની પાસે એવો ઉલ્લેખ કર્યો, કે ક્રેકોવમાં પોતાના મિત્રોને લઈને જઈ શકાય એવો કોઈ બાર અથવા કેબરે એ શોધી રહ્યો હતો. એ મિત્રો તેના ગુપ્ત સંપર્કો કે યુદ્ધ-સરંજામ વિભાગના કોઈ ઉચ્ચ અધિકારીઓ નહીં, પરંતુ શિન્ડલરના અંગત મિત્રો હતા જેમને લઈને જઈ શકાય એવું કોઈ સરસ સ્થળ એ શોધી રહ્યો હતો, જ્યાં આધેડ ઉંમરના પેલા જર્મન અધિકારીઓ અચાનક આવી ન પહોંચે! ક્લોનોવ્સ્કાને એવી કોઈ જગ્યાની ખબર હશે કે?
રાયનેક નામે ઓળખાતા શહેરના ચોકની ઉત્તરે સાંકડી શેરીઓમાં આવેલું એક સુંદર જાઝ સેલર વિક્ટોરિયા ક્લોનોવ્સ્કાએ શોધી કાઢ્યું. વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના કર્મચારીઓમાં તો પહેલેથી જ આ સ્થળ જાણીતું હતું, પરંતુ વિક્ટૉરિઆ પોતે ક્યારેય અહીં આવી ન હતી. યુદ્ધ પહેલાં એ જે લોકોની સાથે ફરતી હતી એમાંનો એક પણ આધેડ પુરૂષ, આવી સસ્તી અને વિદ્યાર્થીઓ માટેની જગ્યાએ જવાનું ક્યારેય પસંદ કરે તેમ ન હતો!
આદિવાસીઓનું લયબદ્ધ સંગીત સાંભળવાના બહાના હેઠળ, પડદાની આડશે બેસીને ખાનગી મહેફિલ ગોઠવી શકાય તેવી સગવડ આ સ્થળે હતી. આ જગ્યા શોધી કાઢવા બદલ ઓસ્કરે તો ક્લોનોવ્સ્કાને ‘કોલંબસ’નું બિરુદ આપી દીધું હતું! આ જગ્યાનો તો જાણે નિયમ જ એ હતો, કે કળાની દૃષ્ટિએ માત્ર છીછરાં મનોરંજનનું જ નહીં, પરંતુ અમાનવીય આફ્રિકન પશુતાનું પણ જાઝના બહાને નિદર્શન કરવું! એસએસ અને નાઝી પાર્ટીના અધિકારીઓને તો વિએનાના વોલ્ટ્ઝ ઉમ-પા-પાનો લય જ પસંદ હતો, અને જાઝથી તો એ લોકો જાણી જોઈને દૂર જ રહેતા હતા!
૧૯૩૯ની ક્રિસમસની આજુબાજુમાં, ઓસ્કરે એ જાઝ ક્લબમાં થોડા મિત્રો સાથે પાર્ટીનું આયોજન કર્યું. જાતમહેનતથી અનેક સંપર્કો ઊભા કરવાવાળા કોઈ પણ માણસની માફક, અણગમતી વ્યક્તિ સાથે શરાબ પીવા બેસવામાં ઓસ્કરને આમ તો ક્યારેય કોઈ વાંધો આવતો નહીં! પરંતુ એ રાત્રે જે મહેમાનોને ઓસ્કરે આમંત્રણ આપેલું, તેમની સાથે બેસીને ઓસ્કર શરાબ પી શકે તેમ ન હતો! તે ઉપરાંત એ બધા કામના માણસો હતા. ભલે નાના માણસો હોય, પરંતુ એ બધા જ વિવિધ વ્યવસાયોના મંડળો સાથે સંકળાયેલા અગત્યના માણસો હતા. અને બધા જ, વધતા-ઓછા અંશે બેવડો દેશવટો ભોગવતા હતા. ઘરથી તો એ લોકો દૂર હતા જ, પરંતુ તેઓ અહીં હોય કે પોતાના વતનમાં હોય, વર્તમાન શાસન હેઠળ બધા જ ચિંતાગ્રસ્ત રહેતા હતા.
દાખલા તરીકે, ગવર્નમેન્ટ જનરલના ગૃહખાતાનો એક યુવાન જર્મન સર્વેયર આ મહેમાનોમાં સામેલ હતો, જેણે ઓસ્કરની ઝેબ્લોસીની એનેમલ ફેક્ટરીની સીમાઓની નોંધણી કરી હતી. ઓસ્કરના પ્લાન્ટ ‘ડ્યૂસ્ક ઇમેઇલ ફેબ્રિક’ (ડેફ)ની પાછળ, એક વિશાળ ખાલી જગ્યા હતી, જ્યાં એક બોક્સ ફેક્ટરી અને એક રેડિએટર પ્લાન્ટ જેવા અન્ય બે ઉત્પાદકોના પ્લાન્ટ એકબીજાની લગોલગ આવેલા હતા,. સર્વેયરે પોતાની મોજણીમાં ત્યાંની મોટાભાગની પડતર જમીન ડેફની માલીકીની હોવાનું લખી આપ્યું હતું જેનાથી શિન્ડલર અત્યંત ખુશ થઈ ગયો હતો. આર્થિક વિકાસનું સપનું તેના મગજમાં નાચવા લાગ્યું હતું. સર્વેયર બહુ સારો માણસ હતો, તેને સમજાવી શકાય તેમ હતો, અને ભવિષ્યમાં બાંધકામની પરવાનગી મેળવવામાં એનો ખપ પડી શકે તેમ હતો, એટલે તેને એ પાર્ટીમાં બોલાવવામાં આવ્યો હતો.
તે ઉપરાંત પોલીસમેન હર્મન ટોફેલ પણ એ પાર્ટીમાં શામેલ હતો. અને એસડીનો માણસ રીડર પણ હતો. તેની સાથે યુદ્ધ-સરંજામ નિરીક્ષણ ખાતામાંથી સ્ટેઇનહોઝર નામનો એક સર્વેયર પણ હાજર હતો. પ્લાન્ટ શરૂ કરતી વેળાએ પરવાનગીઓ મેળવવાની પ્રક્રિયા વખતે ઓસ્કર આ બધા લોકોની સાથે પરીચયમાં આવ્યો હતો, અને પછી તો તેમની સાથે સારી એવી ઓળખાણ કેળવાઈ ગઈ હતી. આ પહેલાં પણ ઓસ્કર આ બધાની સાથે શરાબની મહેફિલ માણી ચૂક્યો હતો. અમલદારશાહીની જટીલ ગાંઠને ઢીલી કરવા માટે, લાંચ સ્વરૂપે શરાબનો ઉપયોગ ઉત્તમ કામ કરી આપતો હોવાનું ઓસ્કર પહેલેથી જ માનતો હતો. આ ઉપરાંત, જર્મન મિલીટરી ઇન્ટેલીજન્સ સંસ્થા એબવરના બે માણસો પણ પાર્ટીમાં શામેલ હતા; એકાદ વર્ષ પહેલાં એબવરની અંદર ઓસ્કરની નિમણૂક કરનાર લેફ્ટેનન્ટ એબરહાર્ડ, અને બીજો બ્રેસ્લાઉના વડામથક કેનારિસથી આવેલો લેફ્ટનન્ટ માર્ટીન પ્લેથ. મિત્ર ગેબર દ્વારા મળેલી નિમણૂકને કારણે જ હેર ઓસ્કર શિન્ડલરને ખબર પડી હતી, કે ક્રેકોવ શહેર કેટકેટલી તકોથી ભર્યું પડ્યું હતું!
પાર્ટીમાં ગેબર અને પ્લેથની હાજરીનો બીજો પણ એક આડકતરો ફાયદો હતો. ઓસ્કર આજે પણ એબવરના ચોપડે તેના એક એજન્ટ તરીકે નોંધાયેલો હતો, અને ક્રેકોવમાં તે જેટલા વર્ષો રહ્યો એ દરમ્યાન, એસએસની અંદરના પ્રતિસ્પર્ધીઓ અંગેની માહિતી બ્રેસ્લાવ ઓફિસના કર્મચારીઓને પહોંચાડીને ઓસ્કર તેમને પણ સંતુષ્ટ રાખતો હતો. ઓસ્કર સાથેના મૈત્રીભર્યા સંબંધો અને શરાબની મહેફિલોમાં આમંત્રણ ઉપરાંત, પોલીસદળના ટોફેલ અને એસએસના રીડર જેવા અસંતુષ્ટોને મળીને જાસુસી માહિતીની આપ-લેની કરવાની જે તક ગેબોર અને પ્લેથને મળતી હતી, તે પણ તેમને માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેતી હતી.
એ રાત્રે પાર્ટીમાં બધાએ કયા વિષય પર વાતચીત કરી હશે એ અંગે કંઈ ખાસ સ્પષ્ટતાપૂર્વક કહી શકાય તેમ તો નથી, પરંતુ ઓસ્કરે પાછળથી બધા વિશે જે વાતો કરી, તે પરથી કંઈક ધારણા બાંધી શકાય ખરી!
પહેલો પ્યાલો ગેબરે જ ઊઠાવ્યો હશે એ નક્કી! એણે કહ્યું હશે, કે એ રાજપાટ કે લશ્કરના નામે નહીં, પણ ઓસ્કર શિન્ડલરની એનેમલ ફેક્ટરીના નામે એ આજે તો શરાબ પીશે! કારણ કે ઓસ્કરની ફેક્ટરી જો ચાલશે, તો પછી તેના તરફથી આવી શાનદાર પાર્ટીઓ ભવિષ્યમાં પણ થતી જ રહેવાની હતી!
પણ પહેલો ઘૂંટ પી લીધા બાદ વાતચીતની દિશા સહજ રીતે એવા વિષય તરફ વળી ગઈ, જેને કારણે ત્યાં હાજર હતા એવા નાગરીક અમલદારશાહીના દરેક સ્તરના લોકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. વાતનો વિષય હતો યહૂદીઓ! ટોફેલ અને રીડર તો એક આખો દિવસ, મોજિલ્સ્કા સ્ટેશનેથી પૂર્વ તરફ જતી ગાડીઓમાં યહૂદીઓ અને પોલેન્ડવાસીઓને ચડાવવાના કાર્યની દેખરેખ રાખવાનું કામ ચૂક્યા હતા. જર્મની દ્વારા ભૂતકાળમાં કબજે કરાયેલા કેટલાક ચોક્કસ વિસ્તારોમાંથી યહૂદીઓને અને પોલિશ લોકોને બહાર ધકેલી દેવામાં આવી રહ્યા હતા. ઠંડી ખૂબ જ પડી રહી હોવાનું ટોફેલે જરૂર કબુલ્યું, પરંતુ એ સમયે એ ઓસ્ટબાનના પશુવાહક ડબ્બાઓની વાત નહોતો કરતો! માનવવસ્તીને પશુવાહક વાહનોમાં મુસાફરી કરાવવાની બાબત ત્યારે તો બધા માટે સાવ નવી જ હતી! અને આમ પણ હજુ સુધી લોકોને અમાનવીય રીતે ઠાંસી-ઠાંસીને ડબ્બાઓમાં ભરવાનું શરૂ થયું ન હતું. ટોફેલને તો આ બધાની પાછળ રહેલી નીતિ અંગે આશ્ચર્ય થઈ રહ્યું હતું.
ટોફેલે જણાવ્યું, કે આપણે યુદ્ધમાં સામેલ થઈ ચૂક્યા છીએ, અને એવી એક અફવા સતત ફેલાઈ રહી છે, કે યુદ્ધના સંજોગોમાં જર્મનીમાં ભેળવી દેવાયેલા દેશોને, ગણતરીના પોલેન્ડવાસીઓ અને પચાસ લાખ યહૂદીઓના ભરોસે છોડી શકાય તેમ ન હતું! ટોફેલના મત મુજબ, યહૂદીઓ પર નિયંત્રણ રાખવા માટે ઓસ્બાનની વ્યવસ્થા પર ફરી એક વખત કાળજીપૂર્વક ધ્યાન આપવું પડે તેમ હતું.
એબવરના માણસો ચહેરા પર હળવા સ્મિત સાથે ટોફેલની વાત સાંભળી રહ્યા. એસએસની દૃષ્ટિએ તો યહૂદીઓ અંદરના દુશ્મન હતા, પરંતુ કેનારિસ માટે તો એસએસ સંસ્થા પોતે જ અંદરની દુશ્મન હતી!
ટોફેલે જણાવ્યું, કે એસએસ દ્વારા આખી રેલવે પ્રણાલી પર નવેમ્બર ૧૫ સુધી કબજો કરી લેવામાં આવ્યો હતો. એણે એમ પણ કહ્યું, કે એસએસ દ્વારા આર્મિ અધિકારીઓને સંબોધીને જલદ નિવેદનો કરવામાં આવ્યા હતા. સોદો કર્યા પછી આર્મિએ છેતરપિંડી કરી હોવાની અને ઓસ્બાનના રેલવે સ્ટેશનોનો ઉપયોગ સમયપત્રક કરતાં બે અઠવાડિયા વધારે કર્યો હોવાની ફરિયાદો, પોમોર્સ્કા સ્ટ્રીટની એસએસની ઓફિસના ટેબલ પર આવીને પડી હોવાનું કહેવામાં આવ્યું હતું. શું આર્મિને એટલો પણ હક્ક નથી, કે પોતે રેલ્વેનો પહેલો ઉપયોગ કરી શકે? તો પછી આટલા બધા લોકોને પૂર્વ કે પશ્ચિમ, કોઈ પણ દિશામાં લઈ જવા હોય તો કઈ રીતે લઈ જઈ શકાય, સાયકલ પર? શરાબ પીતાં-પીતાં ટોફેલ ઉશ્કેરાટમાં પૂછવા લાગ્યો.
એબવરના માણસોને સાવ ચૂપચાપ રહેતાં જોઈને ઓસ્કરને રમુજ થઈ રહી હતી. તેને વહેમ પડ્યો, કે ટોફેલ કદાચ ક્યાંક પીધેલો ન હોય, અથવા કોઈકની સાથે ભળેલો પણ હોય! સર્વેયર અને શસ્ત્ર-સરંજામ ખાતાના માણસોએ ટોફેલને મોજીલ્સ્કા આવતી આ ખાસ ગાડીઓ અંગે થોડા સવાલો પૂછ્યા.
થોડા જ સમયમાં ગાડીઓની આ હેરાફેરી અંગેની વાતો કરવા પર પણ પ્રતિબંધ લાદી દેવામાં આવવાનો હતો! પુનઃસ્થાપન નીતિના અમલ માટે યહૂદીઓને અહીંથી ત્યાં ખસેડવા એ સાવ સામાન્ય બાબત બની જવાની હતી! પરંતુ ઓસ્કરની એ ક્રિસ્મસ પાર્ટી દરમ્યાન હજુ એ નવાઈનો વિષય હતો.
“તમે એને કોન્સન્ટ્રેશન કહી શકો છો,” ટોફેલે કહ્યું, “કોન્સન્ટ્રેશન! દસ્તાવેજોમાં એ શબ્દ વપરાતો તમે જોઈ શકશો. કોન્સન્ટ્રેશન! હું તો એને લોહિયાળ કબજો જ કહું છું.” જાઝ ક્લબનો માલીક હેરિંગ માછલી અને સોસની પ્લેટો ભરીને લઈ આવ્યો. તેજ શરાબની સાથે માછલી બધાને પસંદ પડી. ખાતાં-ખાતાં, ગવર્નર ફ્રેન્કના હુકમથી પ્રત્યેક વિસ્તારમાં રચાયેલા જ્યૂડનરાટ નામે ઓળખાતા યહૂદી મંડળની વાત ગેબરે કાઢી. વૉરસો અને ક્રેકોવ જેવા શહેરોમાં જ્યૂડનરાટની અંદર ચોવીસ યહૂદી સભ્યોને નિમવામાં આવતા હતા, જે રાજ્ય તરફથી મળતા આદેશોના પાલન માટે જવાબદાર ગણાતા હતા. ક્રેકોવના જ્યૂડનરાટની સ્થાપનાને હજુ તો એક મહિનો પણ થયો ન હતો. મેરેક બાઇબરસ્ટેઇન નામના એક મોટા યહૂદી અધિકારી તેના પ્રમુખ તરીકે નિમાયા હતા. પરંતુ ગેબરે જણાવ્યું, કે આટલા સમયમાં તો યહૂદીઓએ મજૂરી પર જવાના વારાની યોજના લઈને તેઓ સામેથી જર્મન અધિકારીઓ પાસે વેવેલ કેસલમાં પહોંચી ગયા હતા! જ્યૂડનરાટે ખાડા ખોદવા માટે અને બરફ સાફ કરવા માટે ઉપયોગી મજુરોની વિગતો પહોંચાડવાની હતી. યહૂદી મંડળના એ મહાશય કેટલા કાર્યદક્ષ હતા, નહીં?
“ના, જરા પણ નહીં,” શસ્ત્ર-સરંજામ ખાતાના ઈજનેર સ્ટેઇનહોઝરે કહ્યું. “તેમને એમ હશે, કે આ રીતે સામેથી મજૂરીકામ માટે યહૂદીઓને મોકલી આપવાથી જર્મનો દ્વારા ગમે ત્યારે પડતા દરોડા અટકી જશે. દરોડા પડે ત્યારે યહૂદીઓને માર મારવામાં આવે છે અને ક્યારેક માથામાં ગોળી પણ ઉતારી દેવામાં આવે છે.”
માર્ટીન પ્લેથ, સ્ટેઇનહોઝરની વાત સાથે કબુલ હતો. કંઈક અજુગતું બની ન જાય એટલા પૂરતો સહકાર તો જ્યૂડનરાટના સભ્યો જરૂર આપવાના! એમની એ જ રીત છે, આપણે એ સમજવું જોઈએ! પહેલાં સહકાર આપીને પછી ધીરે-ધીરે તેઓ નાગરિક અધિકારીઓને મનાવી લેશે, અને પછી તેમની સાથે મંત્રણાઓ કરશે!
ગેબર વાતને આમ ખેંચીને, યહૂદીઓ અંગેનું પૃથક્કરણ કંઈક વધારે પડતા ઉત્સાહથી કરીને, જાણે ટોફેલ અને રીડરને આડા માર્ગે ચડાવવા મથી રહ્યો હતો. “સહકાર બાબતે હું શું માનું છું એ હું તમને કહું,” એણે કહ્યું. “ફ્રેન્કે એક હુકમ પસાર કર્યો હતો, જેમાં જર્મન કબજા હેઠળના દેશોમાં યહૂદીઓને સ્ટાર પહેરવાનો તેણે આદેશ આપ્યો હતો. હજુ થોડા અઠવાડિયા પહેલાં જ આ આદેશ પસાર થયો છે, અને જુઓ, કે અહીં વૉરસોનો એક યહૂદી ઉત્પાદક, ધોઈ શકાય એવા પ્લાસ્ટીકના ઢગલાબંધ સ્ટાર બનાવીને ત્રણ ઝ્લોટીના નંગ લેખે યહૂદીઓને જ વેંચી રહ્યો છે! આ લોકો જાણે જાણતા જ નથી, કે આ કાયદાનો ખરો અર્થ શો છે! આ સ્ટાર એ જાણે સાયકલ-ક્લબનું પ્રતીક હોય એવી વાત થઈ આ તો!”
એ પાર્ટીમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું, કે શિન્ડલર જ્યારે એનેમલના વાસણોના ધંધામાં છે જ, ત્યારે એનેમલના ઉત્તમ ગુણવતાવાળા સ્ટારના પ્રતીકો પોતાની ફેક્ટરીમાં બનાવીને, ઓસ્કરની સ્ત્રી-મિત્ર ઇન્ગ્રીડની દેખરેખ હેઠળ ચાલતી હાર્ડવેરની દુકાન દ્વારા તેનું છૂટક વેચાણ પણ કરી શકાય! કોઈએ વળી એમ કહ્યું, કે વર્ષો અગાઉ, આ સ્ટાર તો યહૂદીઓનું રાષ્ટ્રીય ચિહ્ન હતું, જેને ભૂતકાળમાં રોમનોએ નષ્ટ કરી નાખ્યું હતું! અત્યારે તો યહૂદી રાષ્ટ્રના સમર્થક એવા ઝિઓનિસ્ટ લોકોના હૃદયમાં જ એ અસ્તિત્વ ધરાવે છે! એટલે કદાચ યહૂદી લોકો આવા સ્ટારને હોંશે-હોંશે પહેરી પણ લેશે!
“વાત એમ છે,” ગેબરે કહ્યું, “કે યહૂદીઓને બચાવી શકે એવી કોઈ સંસ્થા એમની પાસે નથી! જે સંસ્થાઓ છે તે પણ ‘પડશે તેવા દેવાશે’ જેવી હાલતમાં છે. પરંતુ હવે કંઈક જુદું જ બનવાનું છે. હવે પછીનો સપાટો જરૂર એસએસ બોલાવશે!” ખાસ કશી ચોખવટ કર્યા વગર, એસએસની વ્યાવસાયિક ચોકસાઈના વખાણ કરતો હોય એમ ગેબરે ફરીથી કહ્યું. “ચાલો,” પ્લેથે જવાબ આપ્યો, “વધારેમાં વધારે ખરાબ એ બનશે, કે યહૂદીઓને મેડાગાસ્કર મોકલી આપવામાં આવશે, જ્યાં ક્રેકોવ કરતાં તો સારું વાતાવરણ છે!”
“હું નથી માનતો કે એ લોકો ક્યારેય મેડાગાસ્કર જોવા પામે.” ગેબરે કહ્યું. ઓસ્કરે બધાને વાત બદલવા વિનંતી કરી. આ પાર્ટી મેં જ આપી છેને!? હોટેલ ક્રેકોવિઆમાં ગેબરને એક યહૂદી વેપારીને હંગેરી નાસી જવા માટે, વિમાનના બનાવટી કાગળો આપતો હતો, એ વેળાએ શિન્ડલરે તેને જોયો હતો. આવાં કાગળો બનાવવાના કામમાં ગેબર આમ તો એટલો સિદ્ધાંતવાદી હતો જ, કે સહી કરવાના કે સિક્કો મારી આપવાના એ પૈસા ન જ લે! પરંતુ માની લઈએ કે કદાચ એ પૈસા લેતો પણ હોય! પરંતુ ટોફેલ સામે બનાવટ કરતો હોવા છતાં, એક વાત ચોક્કસ હતી, કે એ યહૂદીઓને નફરત તો નહોતો જ કરતો! એ પાર્ટીમાં હાજર રહેલામાંથી કોઈ જ યહૂદીઓને નફરત કરતું ન હતું. ૧૯૩૯ની એ ક્રિસમસ સમયે મોટા-મોટા સરકારી અમલદારોથી છૂટકારો મેળવીને, આ બધા લોકો સાથે ઓસ્કરને સારું લાગી રહ્યું હતું.
આગળ જતાં આ જ બધા લોકો ઓસ્કર માટે વધારે હકારાત્મક રીતે કામ કરવાના હતા!