અમારા સ્કુટીવાળા માજી… – લીના જોશી ચનિયારા 5


શું શીખવાની કોઇ ઉંમર હોતી હશે? એવું કહેવાય છે ને કે કોઈ પણ વસ્તુ શિખવા માટે કોઈ ઉંમર નથી હોતી, જરુર છે ફ્ક્ત ધગશની. જો વસ્તુ શીખવાની ધગશ અથવા ભૂખ હોય તો દુનિયામાં કંઈ પણ શીખવુ અસંભવ નથી.

આવો જ એક કિસ્સો જાણમાં આવ્યો જ્યારે હું મારા વતન એટલે કે રાજકોટ ગઈ હતી. ત્યાં મારા નાનાજી સસરા અચાનક જ શ્રીજી ચરણ પામ્યા. એટલે સ્વાભાવિક છે કે બધા જ સગા-વહાલા આવા પ્રસંગે હાજરી આપે. આવા જ અમારા એક સગા એટલે કે સ્વર્ગસ્થના બહેનને હું મળી. મારા સાસુના આ ફઈ – દિવાળીફઈ. હશે એ ૬૫ – ૭૦ વર્ષની આસપાસની ઉંમરના, પણ એમની શું ગજબની સ્ફૂર્તિ અને શું એમની સમજણ શક્તિ! હું તો એમને જોતી જ રહી ગઈ. કામની બાબત માં તો ફઈ અમારા જેવા જુવાનિયાને પણ હંફાવે અને જાણે હવા સાથે વાત કરતા જાય એવી એમની ઝડપ. ફઈ પોતે ૧૦ ધોરણ ભણેલા પણ અંગ્રેજી એકદમ કડકડાટ બોલે, વળી ધોરણ ૧ થી ૧૦ ના ટ્યુશન પણ કરાવે, ને એ પણ વગર પૈસે. શું એમનુ ગણિત! ગણવામાં, હિસાબ કરવામાં તો કેલ્ક્યુલેટર પણ પાછળ રહી જાય. દુકાનવાળાને કરિયાણાનો હિસાબ મોઢે કરી દે એટલી વારમાં તો પેલો કેલ્ક્યુલેટરથી પણ ન કરી શક્યો હોય. આવા અમારા ફઈ, ભણેલા અને ગણેલા પણ ખરાં!

આ જ દિવાળીફઈની એક વાતે મને અચંબામાં નાખી દીધી જ્યારે મને ખબર પડી કે એ રાજકોટના રસ્તાઓ પર સ્કુટી પણ ચલાવે છે અને રાજકોટ માં “સ્કુટીવાળા માજી” તરીકે પ્રખ્યાત છે. મને ખૂબ જ ગર્વની લાગણી થઇ આવી. જ્યારે હું એમના ઘરે ગઈ અને મેં પૂછ્યુ કે તમે સ્કુટી ક્યારે શીખ્યા, તો એ કહે, ‘હું હજુ ૪-૫ વર્ષ પહેલા જ સ્કુટી શીખી.’

સ્વભાવિક છે, તમારી જેમ મને પણ પ્ર્શ્ન થયો કે આ ઉંમરે તમને સ્કુટી શીખવાની શું જરુર પડી? તમને ડર ન લાગ્યો કે હું પડી જઇશ તો હાડકા ભાંગશે કે મને વાગશે તો શું થશે? મારો પ્રશ્ન સાંભળી એ ખડખડાટ હસી પડ્યા અને એમનો જવાબ સાંભળી હું અત્યંત આશ્ચર્યચકિત થઇ ગઇ. કારણ કે મારા પતિ છે કે જે મને હંમેશા કંઇક નવું નવું શીખવા માટે કહેતા હોય કોઈકવાર તો ટોકતા પણ હોય. પણ દિવાળીફઈને શિખવા માટે ટોકવા-કહેવાવાળું કોઈ નહોતું. છતાં પણ એ સ્કુટી શીખ્યા. મારા પ્ર્શ્ન માટે એમનો જવાબ કંઇક આવો હતો, ‘બેટા, સાંભળ, તારા ફુઆ માસ્તર હતા એટલે ગામડામાં ખેતીનું કામ પણ મારા માથે હતું અને સાથે સાથે ફુઆની સ્કૂલમાં જઇ બાળકોનેય ક્યારેક ભણાવતી. જીંદગીમાં ઘણુંબધું જોયું છે અને ઘણી મહેનત કરી છે. એમાં તારા ફુઆ બીમાર પડ્યા, એમણે ખાટલો પકડ્યો. એ ક્યાંય જઈ શકે નહિં. મારી વહુ એટલે કે તારી મામીજી સ્કૂલમાં ભણાવે. એને એક દિકરો અને એક દિકરી. એ દિકરા-દિકરીને સ્કૂલે લેવા-મૂકવા જવાનું, બેંકમાં જવાનું, બહારના કામ પતાવવાના, બધું જ મારે માથે આવ્યું. હવે બધાં જ કામ માટે દરરોજ રિક્ષા કરવી તો ન જ પોસાય. અને પાછુ બીજા ઉપર આધાર રાખવો! એટલે પછી એક દિવસ વિચાર આવ્યો કે હું પોતે જ સ્કુટી શીખી લઉં તો કેવું? મારે કોઇ ઉપર આધાર તો ન રાખવો. એ જ દિવસે મેં મારા દિકરાને વાત કરી કે મારે સ્કુટી શીખવું છે તો તું મને શિખવ. પહેલા તો એનું મન ન માન્યુ, કહે, બા આ ઉંમરે શીખશો અને પડ્યા કે વાગ્યું તો એક કરતાં બે થશે. પણ મેં તો જીદ પકડી જ લીધી કે એ બધું હું જોઈ લઈશ. પણ મને તો તું સ્કુટી શીખવ. પછી ચાલુ થઇ સ્કુટી શીખવાની મારી ટ્રેનિંગ અને આજે હું સ્કુટી લઇ રાજકોટના તમામ રસ્તા, ગલીઓમાં ફેરવું છું.’

મેં ફઈને પૂછ્યું કે તમને ટ્રાફિકમાં ડર નથી લાગતો? તો એ હસવા લાગ્યા, મને કહે, ‘ડર શાનો? તમે કોઇ વસ્તુ ધગશથી શીખો તો કોઇ વાતનો ડર નથી લાગતો.’

મને તેમની આ વાત ખૂબ જ ગમી કે કોઇ પર આધાર રાખવો એના કરતાં સ્વાવલંબી બનવું સારું. ખુદનું કામ જાતે જ કરવું સારુ. આજે આપણે જોઇએ છીએ કે ઘણાંખરા ઘરમાં સાસુ-વહુ એકબીજાના વાદ કરતા હોય પછી એ કામ હોય કે બીજી કોઇ વાત, પણ ફઈએ શીખવાનો નિર્ણય કર્યો. એમણે એવું ન વિચાર્યુ કે છોકરા દિકરા-વહુ, તમારા, નોકરી તમારી, જવાબદારી તમારી તો પછી હું શા માટે સ્કુલે મૂકવા-લેવા જાઉં, શાકભાજી, વસ્તુઓ લેવા હું શું કામ જાઉં? આવું વિચારવામાં અને કંકાસ કરવામાં સમય બગાડવા કરતાં હું નવી વસ્તુ પણ શીખું અને મારા દિકરા-વહુ ને મદદરુપ પણ થઉં. ફઈની આવી વિચારસરણી જાણી મને ખૂબ જ આનંદ થયો. મેં તેમને હસતાં હસતાં કહ્યું, ‘હવે તમે ગાડી શીખી લો. સ્કુટી કરતાં સેફ રહેશે.’ તો કહે, ‘ચાલ, ક્યારે શીખવે છે? આ ઉનાળુ વેકેશનમાં વાત. દિકરા કે દિકરીને કહીશ કે ગાડી કેમ ચલાવાય એ શીખવે.’

ધગશ જોઇને લાગે છે કે ફઈ ધારે તો પ્લેન પણ ઉડાડતાં શીખી શકે. સલામ છે પાકટ ઉંમરે પણ નવું શીખવાની આવી અનેરી ધગશને.

– લીના જોશી ચનિયારા


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “અમારા સ્કુટીવાળા માજી… – લીના જોશી ચનિયારા