ત્રણ ગઝલરચનાઓ – પરબતકુમાર નાયી


ગઝલ ૧

હવે હું છું તળેટી-શિખરે કંઈ ફેર ના પડતો મને.
રહું છું આમ તો મારા ઘરે કંઈ ફેર ના પડતો મને.

અરે તેં હાક દીધી તો પછી આવ્યો જ જાણી લે હવે,
ભલે દુનિયા તો કાંટા પાથરે કંઈ ફેર ના પડતો મને !

હું વારસ આગનો છું તોય અમને બાળવા ધારીને એ,
બિચારો મૂઠ મંતર વાપરે કંઈ ફેર ના પડતો મને !

લખ્યાં છે રણ અને ઉપવનનાં સપનાં એક કાગળમાં અમે,
ધમણમાં તું ભલે આંસું ભરે કંઈ ફેર ના પડતો મને.

ગઝલ ૨

આંખથી જ્યારે શરમ છૂટી જશે.
સ્નેહ ના સૌ તાંતણા તૂટી જશે. !

પારકાંની ક્યાં ફિકર છે સ્હેજ પણ,
શ્વાસનાં સાથી બધાં લૂંટી જશે.

દેવ-કન્યા થઇ ગઝલ આ આવશે,
લઇ મને એ હાથમાં ઘૂંટી જશે.

‘દર્દ’નું ભાથું ભરેલું છે ભલે,
રાખ ધીરજ કોક’દી ખૂટી જશે.

ગઝલ ૩

કેવો લાગ્યો દાહ ગઝલને.
અંગે અંગે આહ ગઝલને.

પળ બે પળના શ્વાસ હવે તો,
હે હૈયા તું ચાહ ગઝલને.

પગનાં છાલાં પગ થઇ જાયે,
કેવો કપરો રાહ ગઝલને.

આંખનાં આંસું અક્ષર થાયે,
તો સૌ બોલે વાહ ગઝલને.

– પરબતકુમાર નાયી ‘દર્દ’

(શ્રી પરબતકુમાર નાયીની ત્રણ કાવ્યરચનાઓ આ પહેલા અક્ષરનાદ પર પ્રસ્તુત થઈ છે. તેઓ સરદારપુરા પ્રાથમિક શાળા, મુ. સરદારપુરા, પો. રવેલ, તા. દિયોદર, જિ. બનાસકાંઠાના આચાર્યશ્રી છે. આજે ત્રણ સુંદર ગઝલરચનાઓ તેમણે અક્ષરનાદને પાઠવી છે એ બદલ તેમનો આભાર.)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *