રોલ નંબર ૧૧ (અંતિમ) – અજય ઓઝા 11


રોલ નંબર અગિયાર..

‘યસ સર..’ દરવાજે ઊભેલા એક મોટી ઉંમરના છોકરાએ જવાબ આપ્યો.

‘અરે વિશાલ..? તુ ? કેમ અત્યારે ?’ હું તેને ઓળખી ગયો. મારો જૂનો વિદ્યાર્થી, હા, એ વખતે એનો નંબર પણ અગિયાર જ હતો. મેં પૂછ્યું, ‘બોલ ને. કેમ આ બાજુ ?’

‘બસ મારા મોટા ભાઈના બાબાને મૂકવા આવ્યો હતો. અહિથી નિકળ્યો ને તમે મારો રોલ નંબર બોલ્યા એટલે થયું કે હાજરી પૂરાવતો જાઉં !’ કહેતા એ હસી પડ્યો.

‘સારુ ભાઈ, ભણવાનું બરાબર ચાલે છે ને ? હવે તો પતંગમાં બહુ જીવ નથી રહેતો ને ?’ મેં હસતા હસતાં પૂછ્યું.

એની આંખો પહોળી થઈ ને કાન પકડીને બોલ્યો, ‘અરે હોય કંઈ ? હવે તો પતંગમાં જરાય નહિ હો, હું એ દિવસ ભૂલ્યો નથી.’

મને ખબર હતી એ દિવસ તે ભૂલી નહિ શકે. મને પણ એ દિવસ બરાબર યાદ હતો. હું ત્યારે પણ આમ જ હાજરી પૂરતો હતો, ‘રોલ નંબર અગિયાર..?’

કોઈ બોલ્યું નહિ. મેં જોયું તો સતત છેલ્લા ચાર દિવસથી એ ગેરહાજર રહેલો. એટલે મેં તપાસ કરી તો બીજા વિદ્યાર્થીઓએ કહ્યું કે એ તો પતંગ ઉડાડતો હોય છે. મને ખ્યાલ આવ્યો કે પતંગના દિવસોમાં એ નિશાળ પણ ભૂલી જાય છે.

એ દિવસે હું બાળકોને કામ આપીને નિકળી ગયો. વિશાળના ઘેર પહોંચ્યો ત્યારે એ ઘરે નહોતો. ઘરકામ કરી રહેલા એના મમ્મી કહે, ‘ક્યારનો પતંગ ઉડાડે છે, કોઈનું માનતો નથી, નીચે ઉતરતો જ નથી. તમે સમજાવો હવે તો.’

મેં પૂછ્યું, ‘કોની અગાસી ઉપર છે ?’ વિશાલના મમ્મી કહે, ‘અગાસી કોને છે, એ તો આ ઉપર છાપરે ચડ્યો છે.’ એમણે છાપરા તરફ ઈશારો કર્યો. હું ખખડધજ છાપરા ને જોતો રહ્યો.

‘ક્યાંથી જવાશે ?’ મેં પૂછ્યું.

‘ઈવડો ઈ તો આ ટાંકી ઉપરથી હડેડાટ ઠેકડો મારે… પણ તમે…’

‘તમે એનું દફતર તૈયાર કરો.’ કહી હું ઉપર ચડવા તૈયાર થયો.

હું હિંમત કરીને ટાંકી પરથી બાથરુમના પતરા ઉપર ને એની ઉપરથી ખોરડા ઉપર ચડી ગયો. ખોરડું ઊંચા ઢાળવાળું અને એટલું લાંબું હતું કે વિશાલ મને ક્યાંય દૂર દેખાયો. પણ ધીમી ચાલે નળિયા ખખડાવતો હું જાળવીને એની પાસે પહોંચ્યો તોયે એને ખબર ન રહી એટલો એ પતંગ ઉડાડવામાં વ્યસ્ત હતો.

એટલી વારમાં તો ફળિયામાં બીજા પાડોશીઓ પણ ભેગા થઈ જોવા લાગ્યા કે આ માસ્તર પતંગ લૂટવા ચડ્યા કે શું ! પણ વિશાલ તો એના પતંગના આકાશમાં જ ખોવાયેલો અને મશગુલ ! આસપાસની પરિસ્થિતિ સાથે એને કશી લેવાદેવા નહોતી. એ એકલો હોવા છતા બરાડા પાડતો હતો. હુ એની સાવ લગોલગ ઊભો રહ્યો પણ એને એની ખબર જ નહિ.

વિશાલના પતંગનો પેચ કોઈ સાથે લાગ્યો હતો ને બરાબર એ જ વખતે દોરો નળિયામાં ફસાયો. એ ખરેખરો અકળાયો. એ એટલો વ્યાકુળ બનવા લાગ્યો કે મને થયું કે મારે જલ્દી એની મદદ કરવી જ પડશે. પરિણામે હું એને નિશાળે લઈ જવા આવ્યો છું એ વાત ઘડીભર વિસરાઈ ગઈ. મેં તરત જ ઝડપથી ફીરકી પકડી લીધી ને દોરો સરખો કરી આપ્યો. ફીરકીમાંથી છૂટો દોર પતંગ તરફ અનુકૂળ થઈ દોડવા લાગ્યો. મારી સમયસૂચકતાને કારણે એની મજા જળવાઈ રહી. બીજી જ મિનિટે એણે એ પૅચ કાપ્યો ને રાડો પાડતો કૂદવા લાગ્યો. નળિયા ખૂંદતો કૂદતો એ મારી બાજુ ફર્યો કે તરત જ મે હાથ લાંબો કર્યો, એણે મને ખુશી માં ને ખુશીમાં તાળી આપી દીધા પછી મારા ચહેરા સામે જોયું ને હાથમાંથી દોરો મૂકાઈ ગયો, કૂદકા મારવામાં તૂટેલા નળિયામાં એક પગ ફસાઈ ગયો, સાજોસમો ઉડી રહેલો પતંગ કપાઈ ગયો. એના છોભીલા ચહેરાને જોયા પછી ન મને કશું કહેવાની જરૂર લાગી, ન એને કશુ સમજવામાં વાર લાગી.

મેં એને હાથ પકડીને નીચે ઉતાર્યો. તેની મમ્મીના હાથમાં એનું દફતર તૈયાર જ હતું. મેં તેનો હાથ પકડીને કહ્યું, ‘ચાલ હવે નિશાળે, હું તને લેવા જ આવ્યો છું.’

એને બહુ સંકોચ થયો. આજે પણ એ વાત યાદ કરતા શરમના એવા ભાવ ઉપસી જ આવ્યા, જેવા એ સમયે મેં એના ચહેરા પર જોયા હતા. પણ ત્યારે એકઠું થયેલું આખુંય ફળિયું અમારા જોડાયેલા હાથોમાં સમાયેલી દોસ્તીની અદેખાઈ પણ કરી જ રહ્યું હશે.. આજે પણ !

આજના અગિયાર નંબરની ગેરહાજરી ટેબ્લેટમાં મૂકાઈ ગઈ. કદાચ એને પણ કોઈ છાપરેથી ઉતારવા મારે જવું જ પડશે.

– અજય ઓઝા

એક શિક્ષકનો તેમના વિદ્યાર્થીઓ પ્રત્યેનો ભાવ, લાગણી, એમના વર્તન અને તકલીફોની સમજણ અને એ સમજણને આધારે ઉભી થતી અનોખી પરિસ્થિતિનો વિગતે ચિતાર, એકે એક બાળકના ખૂબ જ સુંદર અને લાગણીશીલ શબ્દચિત્રો દ્વારા તેમના સંવેદનશીલ હ્રદયનો અનોખો પરિચય આપણને અજયભાઈ ઓઝાની આ સુંદર શ્રેણી દ્વારા મળ્યો. મેં જ્યારે આ શ્રેણી માટે તેમને વાત કરેલી ત્યારે તેમણે કહેલું, ‘રોલ નંબર અગિયાર સુધી જ લખાયું છે.’ પણ મને આ શબ્દચિત્રો એટલા ગમી ગયેલાં કે મેં કહ્યું, ‘કંઈ વાંધો નહીં, જેટલું લખાયું છે એટલું મૂકીશું’, પણ આજે જ્યારે આ શ્રેણી પૂરી થાય છે ત્યારે એવો વિચાર આવે કે અજયભાઈએ હજુ લખ્યું હોય તો વાંચવાની કેવી મજા પડી હોત? આ શ્રેણી અને એ દ્વારા વિદ્યાર્થીઓ વિશેની તેમની અનોખી લાગણી તેઓ વધુ લખે અને આપણને તેનો લાભ મળે એ અપેક્ષા સહ, અક્ષરનાદના વાચકોને આ સુંદર યાત્રામાં સહભાગી બનાવવા બદલ અજયભાઈનો ખૂબ ખૂબ આભાર. ઈશ્વર તેમની કલમને સદાય ધબકતી અને વહેતી રાખે એ જ અભ્યર્થના.


આપનો પ્રતિભાવ આપો....

11 thoughts on “રોલ નંબર ૧૧ (અંતિમ) – અજય ઓઝા

  • Radhika

    અજયભાઈ આપના તરફથી અમને ખૂબ મજાનું વાંચવા મળે છે, એમાય બધાજ રોલ નંબર વાંચવાની ખૂબ મજા પડી. અગાઉ આ બધુ જ વાંચેલું અને આજે બી.એડ. માં વાર્ષિક પાઠ લેવાનું થયું ત્યારે સૌથી પહેલા રોલ નંબર અગિયાર વાર્તા યાદ આવી. અને એ વાર્તા હું બાળકોને ભણાવતા આનંદની લાગણી અનુભવીશ કારણકે, આ વાર્તામાં એક શિક્ષકનો બાળક પ્રત્યે કેટલો બધો પ્રેમ અને લાગણી વ્યક્ત થઈ છે જેની વાત હું બાળકો સમક્ષ રજૂ કરીશ જેથી બાળકો પણ પોતાના ગુરૂ પ્રત્યે આદર રાખે એવું શીખી શકે. ફરીથી આભાર આવું સરસ મજાનું પીરસ્યું હજુ પણ આવું જ સુંદર પીરસો એવી શુભેચ્છા….. આભાર !

  • Hansa Rathore

    અલભ્ય શિક્ષક અને અલભ્ય ચિતાર . વાંચતાં વાંચતાં અમારા શિક્ષકો યાદ આવી ગયા . હવે ક્યાં આવા શિક્ષકો મળે ? સ્મરણ યાત્રામાં તાણી જવા માટે આભાર

  • Radhika kheni

    Khrekhr khub mja pdi roll no. 11 read Kri vaarta prthi kahi shkaay k Ajay bhai shikshak trike baalko ma means potana vidhyarthi o ma ghna otprot hshe baalko saathe ni msti as well as vhaal pn 6lkaai aave 6e…