જંગલ કા રાજા કૌન? જિમ કોર્બેટ! – દર્શન ગાંધી 17


રોજબરોજની એકધારી જિંદગીથી કંટાળીને અચાનક એક સાંજે નક્કી કર્યું કે દસ દિવસ ફરવા જઈએ. વિચારને તરત અમલમાં મૂક્યો અને દોસ્ત ગોપાલને ફોન કર્યો,

“શું પ્રોગ્રામ છે તારો દિવાળીનો?” જવાબ આવ્યો, “જો તું આવતો હોય તો ક્યાંક ફરવા જઈએ, પણ હું ફક્ત બે દિવસ માટે આવી શકીશ.” મેં પણ કર્યા કંકુના. દિલ્હી જવા માટે ફ્લાઇટ બુક કરી અને રિટર્નમાં શતાબ્દી ટ્રેનની ફર્સ્ટ એ.સી. ટિકિટ. પ્રોગ્રામ મારી શ્રીમતી અંજલિ અને સુપુત્ર યથાર્થ માટે સરપ્રાઇઝ રાખેલો.

કોઈ વખત સરપ્રાઇઝ આપવામાં આપણને પણ સરપ્રાઇઝ મળે. આવું જ મારા કેસમાં થયું. ફરવાની તારીખો રેલવેના પાટાની જેમ યથાર્થના સ્કૂલ પર્ફોર્મન્સની તારીખ સાથે આડી ઊતરી. પર્ફોર્મન્સને તિલાંજલિ આપી અમે ઊપડ્યા દિલ્હી. સાંજે દિલ્હીથી પહોંચ્યા દોસ્ત ગોપાલના ઘરે નોઈડા. રાત્રે સરસ મજાનું જમવાનું જમીને રંગત જમાવી. બીજી સવારે હું, શ્રીમતી અંજલિ અને માસ્ટર યથાર્થ હરિદ્વાર જવા નીકળ્યા. આણંદથી સાત દિવસનો પ્રોગ્રામ બનાવી દીધેલો. ક્યાં કેટલા દિવસ, કેવી રીતે અને કેટલા વાગે નીકળીશું બધું નક્કી કરી દીધેલું. ઇનોવા ગાડીના ડ્રાઈવર દિપકભાઈ સવારે આઠ વાગે અમને નોઈડા ગોપાલના ઘરે લેવા આવી ગયેલા અને અમારા પ્રવાસનો શુભારંભ થયો.

હરિદ્વાર અને હૃષીકેશ ફરીને બીજા દિવસે સવારે સાડા દસ વાગ્યે અમે જિમ કોર્બેટ પાર્ક જવા નીકળ્યા. દિપકભાઈની ગાડી પર પકડ એવી જબરદસ્ત કે જાણે સ્ટેનોગ્રાફર ૧૫૦ની ઝડપે ટાઈપ કરે એમ એ ૧૨૦ – ૧૩૦ની ઝડપે ગાડી ચલાવે. નોઈડાથી લઈને હરિદ્વાર અને ત્યાંથી જિમ કોર્બેટ પાર્ક સુધી એક પણ વાહન અમારી ગાડીને ઓવરટેક ન કરી શક્યું.

કોર્બેટ પાર્કમાં મહત્વનું આકર્ષણ એટલે જંગલ સફારી. એશિયાનું સૌથી પહેલવહેલો નેશનલ પાર્ક એટલે ભારતમાં ઉત્તરાખંડના નૈનિતાલ જિલ્લામાં આવેલ જિમ કોર્બેટ પાર્ક. ખુલ્લી જીપમાં જંગલની વચ્ચેથી પસાર થવાના વિચારથી જ જો રોમરોમ ઝણઝણી ઊઠતું હોય તો ખરેખર આ અનુભવ કરીએ ત્યારે કેવી લાગણી થાય! બસ આ જ વિચારથી કોર્બેટપાર્કની સફર ખેડી. જો તમારે સફારીની સફર કરવી હોય તો આગોતરું બુકિંગ કરવું પડે અને એ પણ એક મહિના પહેલા. અહીંયા તો ના બુકિંગ કરાવ્યું હતું ના તો સફરનો કોઈ જુગાડ. બધું જ ભગવાન ભરોસે મૂકીને કોર્બેટ પાર્કની હોટેલમાં આગમન કર્યું. સમય હતો બપોરના બે.

હવે પછીનો ટાર્ગેટ હતો આવતીકાલની જંગલ સફારી. એના માટે બધો જ દારોમદાર હતો રિસોર્ટના રિસેપ્શનિસ્ટ પર. કારણ ફક્ત એજ કે એ લોકલ હોઈ બધા જુગાડના જાણકાર. નોકરી પર હાજરના હોવા છતાં ફોલૉઅપનું કામ કરવું પડ્યું પણ આ કોઈ વેંડર કે સપ્લાયર જોડે નહિ પણ રિસોર્ટના રિસેપ્શનિસ્ટ જોડે. જો સફારીનો બંદોબસ્ત ન થાય તો એનો મતલબ એવો થાય કે આપણે હરિદ્વાર ગયા પણ હરકી પૌડી ના ગયા. નસીબ સાથ આપતું હતું એટલે છેક રાત્રે સાડા નવ વાગ્યે કોલ આવ્યો કે કાલ માટે તમારી સફારી બુક કરાવી દીધી છે. ભાડું હતું ફક્ત સાડા ચાર હજાર રૂપિયા એક જીપના. એ જીપમાં વધારેમાં વધારે ફક્ત ચાર લોકો જઈ શકે.

સફારીમાં જવા માટે દિવસના ફક્ત બે સમય. એક સવારે છ વાગે અને બીજો બપોરે ત્રણ વાગે. અમે સમય માંગેલો સવારના છ. સવારમાં જે ફરવાની મજા હોય એ બપોરે ક્યાં. ઠંડી એટલી બધી પડતી હતી કે રાત્રે અમારા રૂમમાંથી રિસોર્ટના રેસ્ટોરન્ટમાં જતા જતા તો હાંજા ગગડી ગયા. ડિનર પતાવીને દોડીને રૂમમાં પ્રવેશી ગયા. હવે મન પર વિજય મેળવવાનો હતો સવારે વહેલા ઊઠી, કડકડતી ઠંડીનો સામનો કરીને વટથી ખુલ્લી જીપમાં જંગલમાં જવાનો. સવારે સાડા પાંચ વાગ્યાના ટકોરે ઊઠી ગયા. જેમ જવાન જંગમાં જવા માટે તૈયાર થાય, બસ એવી જ રીતે અમે તૈયાર થયા. થર્મલ, સ્વેટર, જૅકેટ, કાનમાં રૂ, એની ઉપર કાન ઢંકાય એવી ટોપી પહેરી અમે સમય મુજબ રિસોર્ટના રિસેપ્શન પર આવી પહોંચ્યા. જેવું ખુલ્લી જગ્યા પર આવ્યા ઠંડીથી શરીર ધ્રુજવા લાગ્યું. થોડો સમય લાગ્યો પણ પછી વાતાવરણ મુજબ શરીર ઢળી ગયું. ખુલ્લી જીપમાં બેસીને ધીમે ધીમે અમે સવારના અંધકારમાં જંગલ તરફ રવાના થયા. ડ્રાઈવર અમને કહેવા લાગ્યા કે તમને ઠંડીના લાગે એટલે ધીમે ધીમે ગાડી જવા દઈશ. જીપની સ્પીડ હતી ફક્ત વીસ થી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક.

જંગલમાં જવા માટે ચાર એન્ટ્રી. અમને આપવામાં આવેલી ધિકલા ગેટ એન્ટ્રી. જીપમાં અમારી જોડે એક ગાઈડ, એક ડ્રાઈવર અને અમે ત્રણ જણ મળીને કુલ પાંચ જાણ હતા. જીપ, ડ્રાઈવર અને ગાઈડ ત્રણેય સરકાર માન્ય હોય એમને જ જંગલ સફારીમાં પ્રવેશ મળે. જંગલમાં જતા પહેલા દરેકના આઈકાર્ડ ચકાસવામાં આવ્યા. હવે ધીમે ધીમે સૂરજદાદા ઉદય થઇ રહ્યા હતા. પણ ઠંડી કહે મારું કામ. સૂરજદાદા આવશે તો પણ હું મચક નહિ આપું, થાય એ કરી લ્યો જાવ! અમારી આગળ પાછળ ઘણી જીપ હતી પણ જેમ જંગલની અંદર તમે એન્ટ્રી કરો એમ વચ્ચે અંતર વધતું અને સંપર્ક ઘટતો જાય. ગાઈડ અમને વિસ્તૃત જાણકારી આપવા લાગ્યા. ફક્ત જંગલની જ નહિ બલ્કે ઝાડપાનની પણ. શહેરના અર્બન વાતાવરણમાં ઉછેર થયો હોવાથી ગાઈડ દ્વારા આપવામાં આવેલું ઝાડ પાનનું બધું જ્ઞાન બાષ્પીભવન થઈ ગયું. ધીમે ધીમે જંગલની અંદર પહોંચ્યા. હવે ન તો ગાડી દેખાય ન તો કોઈ મનુષ્ય કે ન તો કોઈ જાનવર, દેખાય તો ફક્ત અમે પાંચ. અમે બધા આજુ બાજુ વિસ્મય ભરી નજરે જોયા કરતા કે કદાચ કોઈ જનાવર દેખાઈ જાય. એટલામાં ડ્રાઈવર એ ગાડી ધીમી કરીને બ્રેક મારી. પછી હળવેકથી રિવર્સ કરી. અમે બધા એકી શ્વાસે એમની નજર સામે જોવા લાગ્યા. ડ્રાઈવર થોડુંક ઝૂક્યા અને અમને લોકોને બતાવ્યા વાઘના પંજાના નિશાન. અમને થયેલું કે વાઘ બતાવશે પણ આ તો પેલી વાર્તાની જેમ વાઘ આવ્યો વાઘ આવ્યો એવું થઈ ગયું. પછી પંજાના નિશાનના ફોટા પાડીને મનને મનાવી આગળ પ્રયાણ કર્યું. જંગલ એટલું વિશાળ કે એનો કોઈ અંત દેખાય નહિ. કોર્બેટભાઈ માટે મનમાં માન ઊપજી ઊઠ્યું કેમ કે જંગલનો રાજા આમ તો સિંહ હોઈ પણ નરભક્ષી વાઘનેય ધૂળ ચટાવનાર રાજા એટલે જિમ કોર્બેટ. કેમ કરીને એ શિકાર કરતા હશે, કેમ કરીને આટલા જંગલમાં એ રહી શકતા હશે. હું કલ્પનાના ઘોડા દોડાવતો હતો અને ડ્રાઈવર ભાઈ જીપ. અચાનક ખુલ્લી જગ્યામાં આવીને જીપ ઊભી રહી ગઈ. ત્યાં હતું નાનકડું ટાવર જેની ઉપર ચડીને જંગલને દૂર સુધી નિહાળી શકાય. મનોજ બાજપાઈ સત્યા મૂવીમાં જેમ દરિયા કિનારે ઊભા રહીને બૂમ પાડીને કહે છે ને કે મુંબઈ કા ડોન કૌન? ‘ભીખુ મ્હાત્રે’ મુંબઈ કા રાજા કૌન ‘ભીખુ મ્હાત્રે’ બસ આવું જ મને પણ ટાવર પર ચડીને બોલવાનું મન થયું કે જંગલ કા રાજા કૌન “દર્શન ગાંધી”.

જંગલમાં અમે હવે ખુલ્લી જગ્યાએ આવી ગયા, દૂર દૂર સુધી ફક્ત હરિયાળી જ હરિયાળી અને ત્યાં પછી પહાડો. જંગલમાં વાહનો માટે વન વે હતો. આપણા જેવા તો જંગલના રસ્તામાં ક્યાંય ગોથા ખાઈ જાય. આગળ જતા અમને અન્ય પશુ પક્ષીઓ અમારી સમક્ષ આવ્યા જેમ કે મોર, હરણ, સાબર પણ જેણી અદમ્ય ઇચ્છા હતી એ જાનવર જોવા ના મળ્યું। કારણ એ પણ હોઈ શકે છે કે વાઘના મત મુજબ મનુષ્ય એ એમના કરતા પણ વધારે પ્રાણઘાતક જાનવર છે અને તેથી જ એ સ્વબચાવ માટે મનુષ્યથી જોજન દૂર જતા રહેતા હોય છે.

સવારના નવ વાગ્યા હશે. અમે હવે જંગલમાં થી પાછા હોટેલ તરફ વળ્યાં. અમદાવાદના લૉ ગાર્ડન પાસે કે વડોદરાના સયાજી બાગ પાસે ઘોડા પર સવારી કરી શકાય. અહીંયા એવીજ સવારી તમને હાથી પર કરાવે. યથાર્થ માંડ હજુ પાંચ વરસનો, એણે હાથી પર બેસવાની ના પાડી. હોટેલ પર અમે પહોંચીને ફ્રેશ થઈ લટાર મારવા નીકળી પડ્યા. આગળ જતા નાના બાળકો માટે એક મસ્ત મજાનો એડવેન્ચર એકટીવીટી ઝોન મળી ગયો. પહેલી રાઈડમાં પારદર્શક બલૂનમાં અંદર પ્રવેશી ને બેસી જવાનું. પછી આ બલૂનમાં હવા ભરવામાં આવે અને જેવી હવા ભરાય કે યથાર્થ સંગ બલૂનને પાણીમાં તરતો કરી દેવામાં આવે. પછી તમારે બલૂનની અંદર રહી પાણીમાં આમ તેમ ફરવાનું. કાશ આવી રાઈડ આપણી વખતે હોત તો આપણે પણ મજા લીધી હોત. અહીંયા ગુજરાતના ફેરમાં જમ્પિંગ રાઈડ તો કોમન છે પણ ત્યાં હતી એકદમ નવીન ભર્યું જમ્પિંગ. યથાર્થના કમર પર પટ્ટો બાંધવામાં આવ્યો જે સ્પ્રિંગ થકી જમ્પિંગના એક અંતભાગ સાથે બંધાયેલો હતો. યથાર્થ એ ઝટપટ જમ્પિંગના અંતભાગના વિરુદ્ધ દિશામાં દોડીને જવાનું જેથી કરીને સ્પ્રિંગ તમને એક જ ઝાટકે પાછળ ખેંચી લે.

બીજી પણ ઘણી બધી સરસ મજાની એકટીવીટી સાથે અમે દિવસ પૂર્ણ કર્યો. બીજા દિવસે અમે કોર્બેટ પાર્કનું સંગ્રહાલય જોવા ગયા જ્યાં વાઘ, ચિત્તા અને અન્ય પશુઓની વિસ્તૃત જાણકારી હતી.

આમ અમારી કોર્બેટ યાત્રા પૂર્ણ કરી અમે કૌસાની અને નૈનિતાલ તરફ જવા રવાના થયા અને મનમાં ઉંમરભર માટેની યાદ સાથે લેતા ગયા.

– દર્શન ગાંધી (આઈડીએમસી – આણંદ)


આપનો પ્રતિભાવ આપો....

17 thoughts on “જંગલ કા રાજા કૌન? જિમ કોર્બેટ! – દર્શન ગાંધી