રોલ નંબર નવ અને દસ – અજય ઓઝા 13


રોલ નંબર દસ..

અજાણ્યા માણસને સ્વાભાવિક જ થાય કે હું રોલ નંબર નવ તો ભૂલી જ ગયો, માસ્તરને જ એકડા બરાબર આવડતા નથી. પણ મને કે મારા વર્ગના બાળકોને એ આશ્ચર્ય થાય નહિ. કેમ કે આઠ પછી કાયમ દસ નંબર જ બોલવાનું રહેતું. નવ નંબર તો વિક્રમનો હતો. અને એનો નંબર બોલું કે ન બોલું એ ક્યાં સાંભળવાનો હતો ! લાલજીસાહેબના ક્લાસમાં હતો ત્યારે બધા એને મૂંગલો કહી ને બોલાવતા. પણ એ જન્મથી જ બહેરો-મૂંગો નહોતો. કેટલેક અંશે અધકચરા અવાજો કાઢી થોડું ઘણું બોલી પણ શકતો. હા, એ વાત જૂદી હતી કે તેનું બોલેલું કોઈ સમજી શકતું નહોતું. પણ બધા એને આમ મૂંગલો કહે એ મારાથી સહન થયું નહિ ને લાલજીસાહેબને વિનંતી કરી મેં એને મારા ક્લાસમાં લઈ લીધો. નામ મને નોંધાવતી વખતે એમણે કહેલું, ‘શું ફેર પડશે ભાઈ ? મારી પાહેં ભણે કે તમારી પાહેં ! હે ? એને તો બોલવું ય નથી ને હાંભળવુંય નથી. હાવ મૂંગલો છે.. મૂંગલો.’

‘વાંધો નહિ તમતમારે, રજીસ્ટરમાં નોંધાયેલું એનું સાચું નામ એના કાને સંભળાવી શકું તોયે ઘણું છે મારા માટે !’ મેં કહ્યું ને લાલજીસાહેબ મોટેથી હસવા લાગેલા. ને પછી કટાક્ષમાં બોલ્યા,
‘બહુ હારું લ્યો તો ભણાવી દ્યો એને જલ્દી ને બનાવી દ્યો મોટો લાટસાબ. અમે તો જાણે કાંઈ ભણાવતા જ ન હોયે એવી વાત કરો છો. તમે ખાલી એ મૂંગલાની ભાષા હમજી શકો ને તોયે તમારો ગુલામ થઈ જાઈશ.. જાવ.’

મારા ક્લાસમાં આવ્યા પછી મેં જેમ જેમ એનામાં રસ લીધો તેમ તેમ એ વધુ ને વધુ ખિલવા માંડ્યો. મને એના પર હતી એના કરતા અનેકગણી લાગણી એને મારા પર થવા માંડી. કંપાઉન્ડમાં મારું લ્યુના પ્રવેશે કે તરત જ એ દોડતો સામે આવે. આડો જ ઊભો રહી જાય. એટલે મારે એને સ્કૂટર સોંપી દેવાનું. એ લીમડાને છાંયે મૂકી આવે. મારું લંચબોક્સ અને વૉટરબેગ લેતો આવે. ક્લાસમાં મારા ટેબલ પર બરાબર ગોઠવે. રીસેસમાં હું જમું તો મારે એનું કઈ કામ તો નથી પડ્યું ને એવી બે-ચાર વખત ખાતરી કરી જાય. રજાના સમયે વળી પાછું લંચબોક્સ અને વૉટરબેગ સ્કૂટર પર ગોઠવે અને કમ્પાઉન્ડ બહાર સુધી સ્કૂટર કાઢી આપે. આ બધા કામ એને ન કરવા દઉં કે બીજું કોઈ કરે તો ગુસ્સામાં ચિત્રવિચિત્ર અવાજો કાઢીને એ આખી નિશાળ માથે લઈ લે. આમેય એને ભણવામાં તો રસ જ નહોતો, એટલે બહારના કામ કરવામાં એનું કૌશલ્ય દેખાડવાનો એને ભારે ધખારો રહેતો.

એક દિવસ રજામાં સ્કૂટર બહાર કાઢ્યું ને જોયું તો પંક્ચર. ઈશારા અને અવાજોના મિશ્રણથી એણે મને પંક્ચર બતાવ્યું. એ દિવસે મારે અગત્યના કામે પહોંચવાનું હોવાથી અકળાયો. સામેના ગેરેજ સુધી વિક્રમ મને દોરી ગયો. પંક્ચર થયું ત્યાં સુધી હું ચિંતાગ્રસ્ત બેઠો રહ્યો. સમય બગડવાને લીધે મારુ મન બહુ ઉદાસ હતું. મારી સાથે વિક્રમ પણ બેઠો રહ્યો. એ જાણે સતત મારી ચિંતાને ઉકેલી રહ્યો હતો અને મને સખત અકળાયેલો જોઈ એનું મન પણ વ્યાકુળ થતું મેં જોયું.

બીજા દિવસથી વિક્રમમાં એક ફેરફાર જોવા મળ્યો. રજા પડવાના એક કલાક પહેલા જ એ સ્કૂટર પાસે જઈ આવ્યો. મેં પૂછ્યું, ‘કેમ ? શું હતું ?’

એણે ઈશારા મિશ્રિત અવાજે સમજાવ્યું, ‘જોતો’તો કે આજે પંક્ચર નથી ને ? કાલે તમે કેવા હેરાન થયા’તા !’

ત્યારથી એ હમેશા એક કલાક અગાઉ જ પંક્ચરનું ચેકીંગ કરી લે. જેમ જેમ એના સંકેતોની ભાષા હવે હું પામવા લાગ્યો હતો તેમ તેમ મને એનામાં વધુ ને વધુ રસ પડવા લાગ્યો. એના ખાસ પ્રકારના ઈશારા અને ખાસ પ્રકારના અસ્પષ્ટ ઉચ્ચારોનું અર્થઘટન કરવા ખાસ્સું એવું મગજ કસવાની જરૂર પડે, પણ એમા સફળ થાઉં ત્યારે અનેરો આનંદ અનુભવાય.

એવામાં એક્વાર કોઈ કારણસર મારે પાંચેક દિવસની રજા ઉપર જવાનું થયું. એ પછીના અઠવાડિયે હું હાજર થયો ત્યારે મારું સ્વાગત કરવા દરવાજે વિક્રમ હાજર નહોતો. તપાસ કરતા લાલજીસાહેબે કહ્યું, ‘અરે કોણ મૂંગલો ને ? એ તો ભાઈ તમારા વિના અમે નો હાચવી શકીયે એને હો. તમે ગયા પછી પહેલે જ દિવસે તમને જોયા નહિ એટલે ક્લાસમાં બેઠો જ નહિ, એટલે મેં મારા ક્લાસમાં બેસાડ્યો પણ રજા પડે એ પહેલા તો ક્યાં નાસી ગયો કોઈને ખબર જ પડી નહિ. હા, જતા જતા એક તોફાન કરતો ગયો, અમે ભલે એને વાંચતા-લખતા ન શીખવ્યું, પણ તમે એને તોફાન કરવાનું શીખવ્યું ?’

‘કેમ ? શું તોફાન કર્યું એણે ?’ મને આશ્ચર્ય થયું.

‘મારી બાઈકમાં પંક્ચર પાડતો ગયો.’ લાલજીસાહેબ રોફથી બોલ્યા, ‘ને બસ.. એ દિવસે મેં એને બરાબર ફટકાર્યો, પછી આટલા દિવસ ભણવા આવ્યો જ નહિ.’

મને ઝટકો લાગ્યો. વિક્રમ આવું કરે ખરો ! વિદ્યાર્થીઓ જે કંઈ કરે એમાં એના શિક્ષકની ઈમેજ પણ જોડાઈ જાય છે એ વાત લાલજીભાઈની વાતોમાંથી હું સમજ્યો. ક્લાસમાં જઈ મેં બીજા છોકરાવને કહ્યું કે ‘જાવ, વિક્રમને બોલાવતા આવો.’

છોકરાવ કહે, ‘તમે આવ્યા છો એ ખબર પડતાં જ અમે એને બોલાવવા ગયા.. એણે અમને કહી રાખેલું કે સાહેબ આવે તો મને બોલાવા આવજો, જુઓ આ આવ્યો.’

મને જોઈને એના ઉતરેલ ચહેરા પર જરા રોનક આવી. મારી ખુરશીને ઘસાઈને નીચું મોં કરી ઊભો રહ્યો. પછી હાથ ઉલાળીને કેટલાય અસ્પષ્ટ ઉચ્ચારો વડે મારા કાન અને મગજ ભરી દીધા. એની પ્રતિક્રિયાઓનું અર્થઘટન કરવામાં મારે બહુ વાર લાગી. એના અવાજમાં ઠપકો હતો, હું આટલા દિવસ એને ન મળ્યાનું દુઃખ હતું, એને બીજા સાહેબોએ હડધૂત કર્યો હશે એનો રોષ પણ ટપક્યો.

છતાં એણે લાલજીસાહેબની બાઈકમાં પંક્ચર પાડ્યું એ વાતનો તાળો મને મળ્યો નહિ. પણ તરત જ એને પૂછવાનું મને યોગ્ય ન લાગ્યું. પણ એ દિવસે જ રીસેસના સમયમાં જ્યારે બધા વિદ્યાર્થીઓ બહાર ગયા હતા ત્યારે વિક્રમ છાનોમાનો લાલજીસાહેબની બાઈક પાસે ગયો અને એના ટાયરમાંથી હવા કાઢતો મેં એને જોયો.. મને વધુ આંચકો લાગ્યો, લાલજીસાહેબની ફરિયાદ ખોટી નહોતી. આ છોકરો કેમ આવું તોફાન શીખ્યો ? ને એ પણ આમ અચાનક ?

હું તરત લાલજીસાહેબ પાસે દોડ્યો અને કહ્યું, ‘તમારી વાત સાચી નિકળી અને એટલું જ નહિ આજે પણ વિક્રમે ફરી એવું જ કારસ્તાન કર્યું છે.’

લાલજીસાહેબ ઉકળ્યા, ‘જોયું ને ? મેં કહ્યું’તું ને કે તમે એને શું શીખવી શકવાના ? આ ? આ શીખવ્યું ? બોલાવો, બોલાવો એ મૂંગલાને.. એના બાપને ય બોલાવો, આજે એની પાહેં જ બધું કબૂલ કરાવીયે. મૂંગલો કરાફાટ્યનો થઈ ગ્યો.. એમાંયે મોટે ઉપાડે તમે એની ભાષા હમજવા લઈ ગ્યા મારામાંથી.. તમે હું હમજ્યા એની ભાષા ? આજે હું એને માર્યા વગર નહિ મૂકૂં.. ક્યાં છે ? બોલાવો છો કે હું જાઉં ?’

મેં શાંત પાડવા કોશિશ કરી, ‘એને હું ઠપકો આપીશ. તમે ચિંતા ન કરો. પંક્ચર પાડ્યું હશે તો પણ હું સરખું કરાવી આપીશ. પણ મને એ કહો કે એ દિવસે બીજું કંઈ બન્યું હતું?’

‘તમે કે’વા હું માગો છો ? આચાર્યસાહેબ પણ ત્યારે હતા, અમે એને તમારી જેમ થાબડભાણા તો નો જ કરીયે હો. એ દિવસે જે થયું હોય ઈને જ પૂછો ને, મારે નથી કહેવું જાવ. એને ક્યો તમને કહી દે જે થયું હોય ઈ…’ ઉકળેલા અવાજે જ લાલજીભાઈ જરા અટક્યા ને પછી હોઠ કરડાવી બોલ્યા, ‘ના ના, નથી કે’વું જાવ, બહુ મૂંગલાની ભાષા હમજવાના હગલા થયા છો ને.. તયે જાવ ને એને જ ક્યો તમને હમજાવે…’ વળી અટકીને કહે, ‘મૂંગલો તમને લખીને હમજાવશે ? હે…હે.. તમે હજી એને લખતાંયે ક્યા શીખવી દીધું ? હેં ? જાવ એને ક્યો તમને બધું હમજાવે. મૂંગલો શું કે’શે ? અને કે’શે કે’શે ત્યાં તો તમે રીટાયર્ડ પણ થઈ ગ્યા હશો.. હા…હા..’

‘વીસ મિનિટમાં બધું સત્ય બહાર ન લાવું તો કે’જો મને.’ કહેતો હું બહાર નિકળી ગયો. મેં લાલજીભાઈની ચેલેન્જ ઉપાડી લીધી.

ગેરેજવાળાને બોલાવી બાઈકમાં હવા ભરવા મોકલ્યું અને ધૂઆપૂઆં થતો હું ક્લાસમાં આવ્યો. બધા છોકરાવને બહાર રમવા મોકલી વિક્રમને પાસે બોલાવ્યો. જેવી મેં વાત માંડી કે તરત જ એ ભાંગી પડ્યો.

મને ખ્યાલ આવ્યો કે હવે એ મારી ભાષા પણ સમજવા માંડ્યો છે. મેં એને મહમહેનતે એને સમાજય એવા સંકેતો અને અવાજોની મદદથી બધું પૂછ્યું. ને એણે પણ એક પછી એક વાત મને ઈશારા અને અવાજોથી સમજાવવા માંડી. એક એક વાત ખૂલતી ગઈ તેમ તેમ મને સત્ય સમજાતું ગયું. કહેતા કહેતા એ રડતો રહ્યો. એને ધરપત આપી શાંત પાડ્યો ને બધા સાથે રમવા મોકલ્યો.

હું મગજ શાંત પાડવા ઑફિસમાં જઈ બેઠો ત્યાં લાલજીસાહેબ પણ આવ્યા, ‘કંઈ કહ્યું કે નહિ મૂંગલાએ ? કંઈક બોલો તો ખરા… કેમ ચૂપ છો ? તમે એને બોલતો ન કરી શક્યા.. પણ એણે તમને મૂંગલા કરી દીધા કે શું ? હે..હે..’

‘મને બધો ખ્યાલ આવ્યો છે.. એ દિવસે શું બન્યું હતું.. મને બધું વિક્રમે કહ્યું.’ હું શાંત અવાજે બોલ્યો.

સામે બેઠેલા આચાર્યસાહેબની આંખમાં પણ ચમક આવી, ‘એમ ? તો તો કહી દો.. એક મૂંગલો કેટલું કહી શકે એની અમનેય હમજ પડે !’

‘એણે તો રજેરજ વાત મને સમજાવવાની પૂરી કોશિશ કરી સાહેબ, પણ હું જેટલું અને જેવું સમજ્યો એ મારા શબ્દોમાં જ કહી શકીશ. એના જેટલી ડીટેઇલ ન કહી શકું… કદાચ એટલા માટે કે હું મૂંગલો નથી ને !’ પહેલી વાર મારાથી પણ ‘મૂંગલો’ બોલાઈ ગયું.

‘ભલે ભલે, તમતમારે બોલી નાંખો.’ લાલજીસાહેબ બોલ્યા.

એ દિવસ ની મને જે વાત વિક્રમ દ્વારા સમજાઈ હતી તે મારા શબ્દોમાં રજૂ કરી, ‘જુઓ, એ દિવસે રીસેસમાં કોઈ નહોતું ત્યારે તમે અને આચાર્ય સાહેબ બગીચામાં બેઠા હતા અને વિક્રમને તમે ફૂલછોડને પાણી પાવાના કામમાં લગાડ્યો હતો.’

‘હા, બરાબર.’ આચાર્યસાહેબ બોલ્યા.

‘એ વખતે તમે બંને જે વાત કરતા હતા એ તમને તો યાદ જ હશે ?’ મેં પૂછ્યું. અને કશાય પ્રત્યુત્તરની રાહ જોયા વગર આગળ કહ્યું, ‘તમે લોકો એમ સમજતા હતા કે આ બહેરો-મૂંગો બાળક તમારી વાત શું સાંભળવાનો ? અને સાંભળે તો કોને અને શું કહેવાનો ? બરાબર ને ?’

આચાર્યસાહેબ અને લાલજીસાહેબ તો સડક થઈ ગયા. બંનેની આંખો પહોળી રહી ગઈ. મેં એની નોંધ લઈ આગળ કહ્યું, ‘ એ દિવસે મારા સ્કૂટરમાં પંક્ચર પાડવા તમે જ તમારા ક્લાસના કોઈ છોકરાને કહ્યું હતું ને ! વિક્રમે એ વાત બરાબર સાંભળી લીધેલી. અને એનું પરિણામ તમે આજે જોઈ રહ્યાં છો.’

પેલા લોકો બંને એકબીજાની સામે ડઘાયેલા જોઈ રહ્યાં, પછી એકાએક બેય જણા ખડખડાટ હસવા લાગ્યા. અંતે આચાર્યસાહેબ કહે, ‘માસ્તર તમે જીત્યા.’ કહી એમણે લાલજીસાહેબને તાળી આપી.

હવે ડઘાવાનો વારો મારો હતો. મારો ચહેરો જોઈ લાલજીભાઈએ ફોડ પાડ્યો, ‘જુઓ માસ્તર, એ દિવસે અમે એની અને એ બહાને તમારી પરીક્ષા લેવા માટે જ એ બધું બોલ્યા હતા. પણ એનું પરિણામ આવું આવશે એની ખબર નો’તી. પણ તમે એના હાચા ગુરુ નિકળ્યા ભાઈ.’

હું અચંબામાં પડી ગયો. ઊભો થયો ને જતા જતા એક પ્રશ્ન પૂછવાનું મન ન રોકી શક્યો, તે પૂછી લીધું, ‘મારી પરીક્ષા લેવા પંક્ચરની ને એ બધી વાત ઊભી કરી એ તો ઠીક સમજ્યા હવે, પણ પછી પેલા નવા હાજર થયેલા વિદ્યાસહાયક બહેનની વાતો પણ મારા મૂંગલા સામે કરવાની શું જરૂર હતી ?’

પૂછીને જવાબની રાહ જોયા વગર એ બંને મૂંગલાઓને ઑફિસમાં જ ડઘાયેલા મૂકીને હું વિના વિલંબે બહાર નિકળી ગયો.

….

‘યસ સર.’ દસ નંબર બોલી..

એનું નામ રાધિકા, અલ્હડ પણ એવી જ, નામ પ્રમાણે ગુણ. આટલી નાની ઉંમરમાં એ આટલી ઠરેલ હશે એ તો હજી મને થોડા દિવસ પહેલા જ ખ્યાલ આવ્યો. ગયા અઠવાડિયે હું વર્ગમાં ગ્રામપંચાયતનો પાઠ ભણાવી રહ્યો હતો ત્યારે એનું ધ્યાન ક્યાંક બીજે જ હતું. હુ ગુસ્સે થયો એટલે સૌથી પહેલા ઊભી કરી એને જ સવાલ પૂછ્યો, ‘ચાલ બોલ જોઉં, ગ્રામપંચાયતની જવાબદારીઓ સમજાવ મને.’

એ અવાચક મૌન. ન કંઈ બોલે, ન કંઈ ચાલે. મને ખબર હતી, એણે પાઠમાં ધ્યાન જ નહોતું આપ્યું તો ક્યાંથી આવડે ? મેં કહ્યું, ‘કાલે તારે ગ્રામપંચાયતની જવાબદારીઓ પાંચ વાર લખીને પાકી કરી લેવાની.’

એણે ડોકું ધૂણાવ્યું. પણ મને ભરોસો નહોતો. બીજે દિવસે તો એ આવી જ નહિ. બધાનું લેશન તપાસતો હતો ત્યારે યાદ આવ્યું કે એણે લેશન કર્યું જ ન હોય એટલે ક્યાંથી આવે. છોકરાવને પૂછ્યું કે એને ઘરેથી બોલાવી આવો, પણ છોકરાવ કહે કે એ તો એના મમ્મી-પપ્પા સાથે મંદિરના મેળામાં પહોંચી ગઈ છે. હું ધૂંધવાયો, એને મેળામાંથી પકડી લાવવાનો મનસૂબો ઘડી કાઢ્યો.

રીસેસ પડતાં જ હું નીકળી પડ્યો મંદિર તરફ. ત્યાં જઈ જોયું તો મોટો મેળો ભરાયો હતો. સૂરજ બરાબર માથે તપી રહ્યો હતો. આટલી બધી ભીડમાં એને કેમ શોધવી ? છોકરાઓએ કહેલું કે એના મમ્મી-પપ્પા ત્યા ફૂગ્ગા વેચવા જાય છે, એટલે ફૂગ્ગાઓ શોધતાં મને બહુ વાર ન લાગી. મેં દૂરથી જોયું કે એક જગ્યાએ ઊભા રહી એ લોકો ફૂગ્ગા વેચતા હતા. રાધિકાની મમ્મી ફૂગ્ગામાં હવા ભરી રહી હતી અને એના પપ્પા બાળકોને વેચી રહ્યાં હતા. તેની આસપાસ પણ ભીડ હતી, બન્ને જણા વેપારમાં એટલા વ્યસ્ત હતા કે મારા અવાજનો જવાબ દેવાનો એને સમય નહોતો.
મેં આસપાસ જોયું તો નજીકમાં જ ખોળામાં પોતાના નાના ભઈલાને સૂવરાવતી રાધિકા બેઠી હતી. આજુબાજુમાં ક્યાંય છાંયો નહોતો એટલે આટલા સખત તડકામાં એ આમ પોતાના ભાઈને ખોળામાં લઈ બેસેલી. ભઈલો જરા જરા વારે તડકાને કારણે રડતો હતો. એટલે રાધિકા પોતાના વાળથી એને છાયો કરી આપતી હતી.

દૂરથી હું બધુ નિહાળી રહ્યો. ધીરે ધીરે તેના ભઈલા પર તડકો વધી રહ્યો હતો એટલે રાધિકા એને પોતાના હાથથી છાયો આપવા માંડી. પછી પણ એને સંતોષ ન થતા એ પોતાની ફાટેલી ઓઢણીથી એના પર છાયો કર્યો. તો પણ ભઈલો શાંત નહોતો પડતો એટલે એ મુંઝાણી ને એના મા-બાપ તરફ દયામણે ચહેરે જોવા લાગી. એ થાકેલી જણાતી હતી, કદાચ એને પણ ભૂખ લાગી હોય.

એના મા-બાપ તો ફૂગ્ગાના વેપારમાં એટલા વ્યસ્ત હતા કે એ વખતે એ આવી કોઈ વાત પર ધ્યાન આપી શકે એવું મને લાગ્યું નહિ. રાધિકાને પણ એ સમજાયું કે વેપાર પર તો રોજીરોટી છે એટલે એમને બોલાવવાનું માંડી વાળી તેણે ભઈલાને પોતાના ખોળામાં જ ઊંધો સૂવડાવ્યો અને એને સહેજ પણ તડકો ન લાગે એમ પોતે આખી તેના પર નમીને બેઠી. પછી એટલા વહાલથી એને થપથપાવવા લાગી કે થોડી જ વારમાં શાંત પડીને મારી નજર સામે જ એ સૂઈ ગયો.

હું એ દૃશ્ય જોઈ ઘણું સમજી ગયો. એટલે એને શાળાએ લઈ જવાનું માંડી વાળી એને આપવા માટે એક વેફરનું પેકેટ લઈને એની પાસે ગયો.

મને જોઈ એ ઓઝપાઈ, ‘સર.. તમે.. ? મેળામાં ?’

હું કંઈ બોલી શક્યો નહિ. વેફરનું પેકેટ એના તરફ લંબાવતા કહ્યું, ‘લે, તનેય ભૂખ લાગી હશે, લાવ હું ખોલી આપું.’

અચાનક એણે ઈશારાથી ના પડતા ધીમા અવાજે કહ્યું, ‘હમણા રહેવા દો સર, પ્લાસ્ટિકના અવાજથી ભઈલું જાગી જશે તો.., હું પછી ખાઈ લઈશ.’

મને એની કાળજી પર લાગણી થઈ આવી. હું તેને જોઈ જ રહ્યો. એ બોલી, ‘આજે લેશન થયું નથી સર, કાલે ગ્રામપંચાયતની જવાબદારીઓ લખીને પાકી કરીને લેતી જ આવીશ.’
મેં કહ્યું, ‘રહેવા દે હવે, તારે એ શીખવાની ક્યાં જરૂર છે ! જવાબદારી કોને કહેવાય એ તો હું તારી પાસેથી શીખીને જાઉં છું !’

એ કદાચ કંઈ જ સમજી નહોતી કે એણે મને એવું તે શું સમજાવ્યું ! પણ હું વેફરનું પેકેટ એની પાસે મૂકીને ભઈલો જાગી ન જાય એમ ચુપચાપ દબાતા પગલે મારા વર્ગના રાહ જોઈ રહેલા બાળકોને જવાબદારી કોને કહેવાય એ શીખવવા પાછો ફર્યો.

– – અજય ઓઝા
(મો- ૯૮૨૫૨૫૨૮૧૧) ૫૮, મીરા પાર્ક, ‘આસ્થા’, અખિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (ગુજરાત)

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. હજી ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આ શ્રેણીમાં એકે એક વિદ્યાર્થીની આગવી વાત, એમની આગવી વિશેષતાઓ અને સંઘર્ષની વાત હ્રદયસ્પર્શી બની રહે છે. આજે પ્રસ્તુત છે રોલ નંબર નવ અને દસ.


આપનો પ્રતિભાવ આપો....

13 thoughts on “રોલ નંબર નવ અને દસ – અજય ઓઝા

  • Sachin

    ખુબ સરસ. ખરેખર આપણે હંમેશા બીજા વ્યક્તિ ને આપણી નજર થી મૂલવી લઈએ છે અને એ પ્રમાણે જ એનું ચિત્ર ઉભું કરીએ છે . આ તમામ વાર્તા ઓ એવું સમજાવે છે કે વિષય માં થોડા ઊંડા ઉતરો તો ખ્યાલ આવશે કે દરેક વ્યક્તિ ને આપણે સમજવામાં બહુ અધીરા ના બની જવું જોઈએ.

  • SARYU PARIKH

    ખૂબ સરસ, સાદી સરળ લખાયેલ અજય ઓઝાની વાર્તાઓ રસપ્રદ છે. ઉત્તમભાઈના બ્લોગ, સન્ડે મહેફિલ્થી અહીં આવી વાંચી.
    સરયૂ પરીખ

  • Ramesh M Amodwala

    Ajaybhai Oza
    sir
    u r great , each article has deep meaning differently.
    It is clear with your vision of writing that you have complete experience. You have not missed any instant to describe your stuff i.e. positive or negative . I am impressed. keep it up in view to read more interesting for which we have no vision.
    thanks. Regards.

  • Ramesh M Amodwala

    Ajaybhai Oza
    sir
    u r great , each article has deep meaning , how parents are managing & how their kids are doing . really It is attached to heart.
    It is clear with your vision of writing that you have complete experience. You have not missed any instant to describe your stuff i.e. positive or negative . I am impressed. keep it up in view to read more interesting for which we have no vision.
    thanks. Regards.

  • Mansukhlal Gandhi

    આજના જમાનામાં તમારા જેવા શિક્ષકો મળે તો આજનું ખાડે ગયેલું ભણતર સાથે ગણતર પણ ઉજળું થઈ જાય…

    સરસ વાર્તાઓ છે…

  • Bharat Panchal

    રોલ નંબર નવ અને દસ – બન્ને વાર્તાઓ શિક્ષક ના વિદ્યાર્થી ના મનને વાંચવા નાં અને વિદ્યાર્થી નાં વર્તન ને સમજવાના સંનિષ્ઠ પ્રયાસ કેવું સાર્થક પરિણામ લાવેંછે તેનું સરસ ઉદાહરણ છે. અભિનંદન અજય ભાઈ.

  • નેહા પુરોહિત

    દસેય વાર્તા ખરે તો દસ પ્રકારે બાળમાનસનો તલસ્પર્શી અભ્યાસ છે. દરેક શિક્ષક માટે આ વાર્તાઓ ગાઈડલાઈન છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. ધન્યવાદ અને અભિનંદન અજયભાઈ.

  • Pratibha Choksi.

    સરસ ; હ્રુદય- સ્પર્શિ. અભિનન્દન્.
    (ગુજરઆતિ બરોબર લખિ શકાયુન નથિ, તે માતે માફિ)

  • દિલિપ ભટ્ટ

    સરસ અજયભાઈ રોલાં નંબર દશ નુ આલેખન અદ્ભુત છે અભિનંદન