(દિવ્યભાસ્કરની રસરંગ પૂર્તિમાં રવિવાર તા. ૨૨ એપ્રિલ ૨૦૧૮ના રોજ વિશ્વ પુસ્તક દિવસના ઉપલક્ષ્યમાં વિશેષ પેજમાં પ્રસ્તુત થયેલો મારો લેખ જેમાં મેં ઈ પુસ્તકોના ક્રમિક વિકાસ અને એના વધતા ઉપયોગની વાત ટૂંકાણમાં મૂકી છે.)
ઈ-પુસ્તકો આજે સર્વસામાન્ય થઈ પડ્યાં છે. ઈ-પુસ્તક એટલે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં વાંચી શકાય એવું પુસ્તક, એ અનેક ફોર્મેટમાં આવે છે, અપ્રાપ્ય પુસ્તકોના સ્કેન કરેલા ઈમેજ સ્વરૂપના પાનાંથી લઈને અડૉબેના પી.ડી.એફ, ઓપન ફોર્મેટ એટલે કે ઈપબ સ્વરૂપે, અમેઝોન કિન્ડલ વાપરે છે તે મોબી અથવા એ.ઝેડ.ડબલ્યૂ ફોર્મેટ અને અન્ય ઘણાં સ્વરૂપોમાં એ ઉપલબ્ધ છે.
૧૯૪૯માં એન્જેલા રૂઈઝ રોબલ્સે ઓટોમેટેડ રીડર બનાવ્યું હતું, પણ ન તો એને પ્રસિદ્ધિ ન મળી ન તો એ ચાલ્યું. ઈલેક્ટ્રોનિક પુસ્તકોનો વિચાર આપનાર અને તેની શરૂઆત કરનાર હતા માઈકલ હાર્ટ જેમણે અમેરિકાના બંધારણની નકલ તૈયાર કરી ૧૯૭૧માં પ્રોજેક્ટ ગુટનબર્ગ હેઠળ પ્રકાશિત કરી. (જે વર્ષે પ્રથમ ઈ-મેલ મોકલાયો હતો એ જ સમય) માઈકલ હાર્ટને કોઈએ ૪ જુલાઈએ અમેરિકન બંધારણની નકલ આપી, પાસે રહેલા કોમ્પ્યૂટર અને પૂરતા સમયનો ઉપયોગ કરતાં તેમણે એ આખું બંધારણ કેપિટલ લેટર્સમાં ટાઈપ કર્યું અને હવે જેને આપણે ઈન્ટરનેટ કહીએ છીએ, જેના ત્યારે માંડ ૧૦૦ વપરાશકારો હતા, એના પર વહેંચ્યુ. છ લોકોએ એ ડાઊનલોડ કર્યું અને આમ જન્મ પામ્યું પહેલું ઈ-પુસ્તક. પછી એણે બાઈબલ સહિત બીજા ઘણાં પુસ્તકો પણ ટાઈપ કર્યા. પણ ઈન્ટરનેટના વિકાસની સરખામણીએ ઈ-પુસ્તકોનો વિકાસ ખૂબ ધીમો રહ્યો. ૧૯૭૧માં ૧, ૧૯૮૯ સુધીમાં ૧૦, ૧૯૯૪ સુધીમાં ૧૦૦, ૧૯૯૭માં ૧૦૦૦ અને ૨૦૦૩માં ૧૦૦૦૦ તથા ૨૦૧૧ સુધીમાં ૩૩૦૦૦ પુસ્તકોનું ડિઝિટાઈઝેશન પ્રોજેક્ટ ગુટનબર્ગ મારફત થઈ ચૂક્યું છે. અને પ્રોજેક્ટ ગુટનબર્ગ પર તે નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ છે.
ત્યાર પછીનો બદલાવ આવતા વર્ષો નીકળી ગયા. ૧૯૮૭માં પહેલું ઈ-પુસ્તક ફ્લોપી પર વેચાણ માટે તૈયાર થયું. પુસ્તક હતું માઈકલ જોયસનું આફ્ટરનૂન. ૧૯૯૩માં ડીજીટલ બુક ઈન્ક. કંપનીએ ફ્લોપી ડિસ્કમાં ૫૦ ઈ-પુસ્તકો મૂકીને તેને ડીબીએફ (ડીજીટલ બુક ફોર્મેટ)માં વેચવાનું શરૂ કર્યું, ૧૯૯૯માં અમેરિકન પ્રકાશક સિમોન એન્ડ શસ્ટરે પહેલી વખત પોતાના પુસ્તકને ઈ-સ્વરૂપે બનાવવા અને વેચવાનું શરૂ કર્યું. ઈ-પુસ્તકને અપાયેલ પ્રથમ આઈએસબીએન નંબર કિમ બ્લાગે મેળવ્યો અને સીડી પર તેણે પુસ્તકોનું વેચાણ શરૂ કર્યું. ત્યાર પછીના વર્ષોમાં ઈ-પુસ્તકોના ક્ષેત્રમાં અનેક સુધારાઓ અને સંશોધનો થયા. એપલના આઈપેડ, ઍમેઝોનના કિન્ડલ, કિન્ડલ ટચ અને કિન્ડલ ટચ ૩જી તથા બાર્ન્સ અને નોબલના નૂક રીડરના આવવાથી, તેમની મસમોટી વેચાણસંખ્યાથી તથા ઈ-પુસ્તકોના વેચાણથી એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે આજકાલ લોકોને ઈ-પુસ્તકોનું વાંચન વધુ માફક આવવા માંડ્યુ છે. અત્યારનું ઈ-પુસ્તકનું સ્વરૂપ ખૂબ સગવડભર્યું છે, જેમાં ખરેખર કોઈ પાના નથી, વાચક પોતાને ફાવે એ ફોન્ટ સાઈઝ કે લે-આઉટમાં વાંચી શકે છે. વળી તેમાં શબ્દો કે વાક્યોને હાઈલાઈટ કરવાની, એમાંથી કોપી કરી શકવાની અને બુકમાર્ક વગેરે જેવી અનેક સગવડો ઉપલબ્ધ છે. ઈ-પુસ્તકોનું બજાર વધતું ઘટતું રહે છે, વિશેષજ્ઞો દ્વારા એવી દલીલ પણ અપાય છે કે જ્યારે પુસ્તક હાથમાં હોય ત્યારે એને એક વસ્તુની જેમ વિશેષ દરજ્જો મળે છે, જ્યારે મોબાઈલ કે ઈ-રીડરમાં સંગ્રહાયેલા અનેકો ઈ-પુસ્તકોને એ વિશેષતા મળતી નથી, વળી ક્યાંક એવા સંશોધનો પણ થાય છે કે ઈ-પુસ્તકોને લીધે વાંચનની આદતો બગડી રહી છે, લાંબુ વાંચવાની આદત છૂટતી જાય છે અને એમ સમયાંતરે યાદશક્તિ પણ અસરગ્રસ્ત થતી જશે. પણ આવા અનેક વિચારો અને સંશોધનો છતાં ઈ-પુસ્તકોની લોકપ્રિયતા વધવાની જ છે, કારણ છે મોબાઈલ સાધનોનો ખૂબ ઝડપે વધતો ફેલાવો. અને એ ફેલાવામાં આપણી ભાષા પણ અછૂતી નથી.
ગુજરાતીમાં ઈ-પુસ્તકોનો ઈતિહાસ પણ બે સદી જૂનો છે, જે બદનસીબે અજાણ્યો જ રહ્યો છે. સપ્ટેમ્બર ૧૯૯૯માં અમેરીકાના કિશોર રાવળ દ્વારા કેસુડા.કોમ ઈ-માસિક શરૂ કરાયું જે ઈ-પુસ્તક સ્વરૂપની જ ઝાંખી હતી. એ સમયે જ્યારે ભારતીય ભાષાઓમાં હજુ ફોન્ટ વગેરેનો વિકાસ ખૂબ પ્રાથમિક કક્ષાએ હતો ત્યારે કેસુડાની આ શરુઆત હિંમતભરી હતી. સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ શ્રી ચિરાગભાઈ ઝા દ્વારા ૧૯૯૮માં શરૂ કરાયેલી ઝાઝી.કોમ હતી. ગુજરાતી ઈ-પુસ્તકો માટે સૌપ્રથમ જે નામ મને યાદ આવે છે તે પુસ્તકાલય.કોમનું છે, મૂળ બાકરોલના જે ડી પટેલ ૨૦૦૨માં ગુજરાતી ઈ-પુસ્તકો pdf મૂકવાની શરૂઆત કરી હતી. આ ઉપરાંત અક્ષરનાદ.કોમ દ્વારા ગુજરાતી પુસ્તકોને યુનિકોડમાં ટાઈપ કરી કોમ્પ્યુટર તેમજ આઈફોન, આઈપેડ તથા એન્ડ્રોઈડ સાધનો પર વાંચી શકાય તે રીતે વિશેષ લેઆઉટમાં મૂકીને ડાઊનલોડ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાઈ રહ્યા છે તો રીડગુજરાતી, વિચારવલોણું અને અન્ય અનેક વેબસાઈટ્સ પર પણ અનેક ઈ-પુસ્તકો ઉપલબ્ધ છે. આવો જ પ્રશંશનીય પ્રયાસ ડૉ. નિરંજન રાજ્યગુરુ દ્વારા તેમની વેબસાઈટ રામસાગર.ઓર્ગ દ્વારા કરાયો છે જ્યાં ગુજરાતી સંત સાહિત્ય અને પરંપરા વિશેના અનેક પુસ્તકો ડાઊનલોડ અને વાંચન માટે નિઃશુલ્ક ઉપલબ્ધ છે.
જો કે આવા અસંગઠિત પ્રયાસો ઉપરાંત એકત્ર.કોમ અને ઈ-શબ્દ દ્વારા ગુજરાતી ઈ-પુસ્તકોનો ઑનલાઈન પ્રસાર શરૂ કરાયો છે તો અનેક ભારતીય ભાષાઓમાં ઇ-પુસ્તકોનું વેચાણ કરતી બુકગંગા.કોમનો ગુજરાતી પુસ્તકોના વેચાણના ક્ષેત્રમાં પ્રયાસ પણ સરાહનીય છે. ફાર્બસ ગુજરાતી સભાએ ૧૯૦૦ પહેલા પ્રસિદ્ધ થયેલ ૬૦થી વધુ પુસ્તકોને ડિજીટલ અવતાર આપ્યો છે અને એ હવે વેચાણ માટે ઉપલબ્ધ છે. પ્રકાશકો જેમ આ ક્ષેત્રમાં વધુ રસ લેતા થશે એમ ઈ-પુસ્તકોનો ફેલાવો વધશે એ ચોક્કસ છે.
વડીલ વાચકો સાથે ઈ-પુસ્તકો અંગે વાત થાય ત્યારે કાયમ ફરિયાદ હોય કે ઈ-પુસ્તકો ભૌતિક પુસ્તકોની જેમ વાંચવાની મજા નથી આપતા, નવી છપાયેલી ચોપડીની એ સુવાસ, એનો સ્પર્શ અને એનું આકર્ષણ ઈ-પુસ્તકોમાં નથી. ૨૦૦૮માં અક્ષરનાદ.કોમ પર જ્યારે અમે લોકમિલાપની ખિસ્સાપોથીઓને ટાઈપ કરીને, પી.ડી.એફ સ્વરૂપે ઈ-પુસ્તક તરીકે મૂકવાનું શરૂ કર્યું ત્યારે પહેલા ચાર પાંચ પુસ્તકોમાં બધા એ જ કહેતા – સ્ક્રીન પર કોણ વાંચશે? આંખો ખેંચાય અને લાંબો સમય વાંચવુ શક્ય નથી. આજે એ જ લોકોના મોબાઈલ કે ટેબલેટ કે ઈ-રીડરમાં ઢગલો પુસ્તકો છે. આપણે ત્યાં પ્રકાશકોને રિસર્ચ કે નવી ટેકનોલોજીને અપનાવવામાં ખાસ રસ નથી, એટલે પશ્ચિમની ટેકનોલોજી પૂર્ણપણે ફાયદાકારક લાગે પછી જ એને અપનાવવાનો વિચાર થાય છે, પણ ઈ-પુસ્તકો હવે નવો વિચાર નથી, અને એટલે જ આપણા પ્રકાશકો એમાં જોશભેર ઝંપલાવી રહ્યાં છે અને હવે લગભગ બધા જ પ્રસ્થાપિત લેખકોના પુસ્તકો ઈ-સ્વરૂપે ઉપલબ્ધ છે. ઈ-પુસ્તકો મૂળ પુસ્તક કરતા સસ્તા મળે છે કે મોબાઈલ સાધનમાં એકસાથે અનેક પુસ્તકો આવી જાય છે એ ફાયદા ઉપરાંત ગમે ત્યાં જોઈએ તે પુસ્તક વાંચી શકવાની ક્ષમતા એનું મૂળ જમાપાસું છે અને વાંચન માટેની અનેક સગવડો એને વધુ આકર્શક વિકલ્પ બનાવે છે.
– જીજ્ઞેશ અધ્યારૂ
ચેન્જ ઇઝ કોન્સ્ટન્ટ. મને પણ ભૌતિક પુસ્તક વાંચવુ વધારે ગમે પણ ઇ-પુસ્તક્ના ફાયદા તમે જે જણાવ્યા તેને લીધે ઇ-પુસ્તકો વાચવા વધુ સરળ બન્યા. માહિતી સભર લેખ.
A well written balanced article.
Jay Ho!