જુનાગઢના શ્રી ધનિક ગોહેલ અમદાવાદના એલ.ડી. એન્જિનિયરિઁગ કોલેજમાં ‘સાહિત્ય સરિતા’ અંતર્ગત ૨૦૧૬થી દર વર્ષે ઈજનેરી વિદ્યાશાખાના વિદ્યાર્થીઓ માટે થતા અનોખા ત્રિદિવસિય સાહિત્ય મેળાવડાના સ્થાપક અને આયોજક છે. મિકેનિકલ શાખામાં બી.ઈ કરી તેઓ હવે ગુજરાતી સાહિત્યમાં એમ.એ કરી રહ્યાં છે. વિવિધ વિષયો પર પોતાના વિચાર જાહેર મંચ પરથી મૂકે છે, ૫૦થી વધુ વ્યાખ્યાન તેઓ આપી ચૂક્યા છે. તેમની પદ્યરચનાઓ અનેક સાહિત્ય સામયિકોમાં પ્રસિદ્ધ થઈ છે. અક્ષરનાદમાં તેમની આ પ્રથમ પ્રસ્તુતિ છે. રચનાઓ પાઠવવા બદલ તેમનો આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.
૧. તો કેવું!
થર થર કંપતા આ હાથ ને,
કોઈ ટેકો મળે તો કેવું!
મને સાથ આપવાનું કહી ને,
તે જ છોડી જાય તો કેવું!
વિચારો ની ઊર્મિ પ્રગટે ને,
એને મુકામ મળે તો કેવું!
આપણા દુષણો ડામવા ને,
કોઈ મહામંત્ર મળે તો કેવું!
બારી વગરનાં મારા ઘર ને,
માત્ર બારણા હોય તો કેવું!
જેને આવવું હોય તે આવે ને,
મને વ્હાલ કરે તો કેવું!
મધદરિયે કોઈ પ્રેમિકા મળે ને,
મને પ્રેમી બનાવે તો કેવું!
અંતર ની મારી આ વ્યથા ને,
કોઇ ચોરી જાય તો કેવું!
યાદો ની સરવાણી ફુટે ને,
કોઈ મિત્ર મળે તો કેવું!
ને જીવન ના પંથે પેલે પાર,
મને ઈશ્વર મળે તો કેવું!
૨. વેદના
“ખુદા ના બનાવેલા આ સંસાર માં,
એ પોતે જ ભટકી ગયો છે આજ.
કોને હાકલ કરે? કોને સત્ય પૂછે ?
એ પોતે જ મુકબધિર બન્યો છે આજ.
પોતાના ઈશારે નચાવતો સંસાર ને,
એ પોતે જ પ્રેક્ષક બની ગયો છે આજ.
ન હતી ખબર એને કે આવું પણ થશે!
એ પોતે જ અવાક બન્યો છે આજ.
કેમ કરી ને કહે પોતાની વેદના, ધનિક
એ પોતે જ દુઃખી બની ગયો છે આજ.
૩. દિલ
હીંચકે ઝુલતા ઝુલતા યાદ આવી ગયું કોઈ,
પછી કોણ જાણે ક્યાં ખોવાય ગયું આ દિલ.
ધીરે ધીરે પ્રસરતી ગઈ ચારેકોર સુવાસ એની,
ન હતી ખબર કે સાલું લુભાય જશે આ દિલ.
મહેનત તો ખુબ કરી પાછું લાવવા મૂળ સ્થાને,
પણ મજબૂતી થી જકડી રાખ્યું એણે આ દિલ.
કેમ કરી ને પાછી લાવું મારી આ અમાનત ને,
પ્રેમ ના ઘટ્ટ આવરણ થી ઢંકાઇ ગયું આ દિલ.
હજી સમજતી નથી તું મારી આ લાગણીઓ ને,
હકીકતે તો તારામાં જ સમાય ગયું છે આ દિલ.
– ધનિક ગોહેલ
રદીફ તો બરાબર છે પણ કાફિયામાં ઘણા લોચા છે. છંદ(બહેર) માં પણ ઘણી છૂટછાટ લીધી છે…. એકંદરે સારો પ્રયાસ છે.