પાંચ પદ્યરચનાઓ.. – સંકલિત 4


૧. પડકારવા દે..

આફતો પડકારવા દે.
જાતને અજમાવવા દે.

જે ગણે ખુદને જ ઊંચા,
લાવ એને માપવા દે.

ફળ થવાના તો જ મીંઠા,
રાખ ધીરજ – પાકવા દે.

દ્વેષ–ઈર્ષા–લોભ–લાલચ,
આગ એને ચાંપવા દે.

છે સફર ઘરથી કબર લગ,
નડ ન – રસ્તો કાપવા દે.

જાત-ભીતર ઝાંખ “બે-ગમ”,
ભેદ “હું”નો જાણવા દે.

– બાલકૃષ્ણ સોનેજી ‘બે-ગમ’

૨. આપણે શું?

ધરાને ફરવું હોય તો ફરે, ને અટકવું હોય તો અટકે આપણે શું
સૂરજ મકરવૃતમાં જાય કે મગરના મોઢે એની મૌજ આપણે શું

જ્યાં મળ્યો ઢોળાવ ત્યાં ઢળી પડવાનું ભલાઈ હવે એમાં જ છે
દાદ મળી તો હેલ્લો કરવાનું, નહિ તો મૂંગા રહેવાનું આપણે શું

ભીડ જોઈને ભડ ભડ ના બળ, આપણને સ્નેહવૃંદની ખુમારી છે
દરિયો મળે કે ખાબોચિયું, નદી થઈને વહ્યા કરવાનું આપણે શું

પતંગને ક્યાં કોઈ જીદ હોય, મારે વાસ્તુની દિશામાં જ ઉડવું છે
અંજામની ખબર હોય ત્યારે પવન જોઈને ઉડયા કર આપણે શું

ચમચીથી દરિયો ખાલી ન થાય નાહકની મથામણ શું કરવાની
રસમંજન તું પણ થંભી જા જેમ ચાલે તેમ ચાલવાનું આપણે શું

– રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન‘

૩. થોડી થોડી જિંદગી

થોડી અધૂરી ઈચ્છા ભૂલી જાઉં છું.
થોડી સુંદર વાતોને શોધી લઉં છું.
થોડી યાદો દિલમાંથી ભૂસી નાખું છું.
થોડી ખુશીઓ આંખોમાં આંજી લઉં છું.
થોડી પંકિત કાગળમાં રચી લઉં છું.
થોડી ભીનાશ ગીતોમાં ભરી લઉં છું.
થોડી સમજ્થી ભૂલો સમજી લઉં છું.
થોડી ભૂલોથી સમજ ઘડી લઉં છું.
થોડી થોડી જિંદગીને સુધારતી જાઉં છું.
થોડી થોડી જિંદગીને સંવારતી જાઉં છું.

– ડો. હેમાલી સંઘવી

૪. વાતોનો નાતો..

તારો ને મારો છે વાતોનો નાતો, ને તેમાં જ વીતે છે દિવસ ને રાતો.
જાણું છું ક્યાં યે નથી તું દેખાતો, ને તો યે કરું છું ઘેલી સહુ વાતો.

આ સામે જ જોઉં પંખીની આંખો,
ઝંખે જે ઉડવાને ફફડાવી પાંખો.
ને દેખાય ઝુલતી કળીઓની ડાળી, ત્યાં આવી ચૂંટે કોઈ નિષ્ઠૂર જાતો.
તારો ને મારો છે વાતોનો નાતો, ને તેમાં જ વીતે છે દિવસ ને રાતો.

નાદાન, નિર્દોષ ભૂલકાં મઝાના,
બોલી શકે ના, ને ઝૂંટવાય છાંયા.
કરમ ધરમના સૌ મર્મ ભૂલાયા, ને બદલાતા રંગો અહીં રાતરાતો.
તારો ને મારો છે વાતોનો નાતો, ને તેમાં જ વીતે છે દિવસ ને રાતો.

એય.. શું ખરેખર તું છે? કે દિલની જ શ્રધ્ધા?
તો થંભે કાં અમથા આમ હોડી-હલેસા?
થશે વાનાં સારા, કહી તું મલકાતો, એમ આશાનો દોર એક દઈને છુપાતો..
તારો ને મારો છે વાતોનો નાતો, ને તેમાં જ વીતે છે દિવસ ને રાતો.

– દેવિકા રાહુલ ધ્રુવ

૫. સમજદાર

બાળપણ વેચીને શાણપણ ખરીદ્યું છે.
બહું ઉંચી કિંમત ચૂકવીને સમજદાર થયો છું.

ભૂલી ગયો છું એ નિખાલસ હાસ્ય ને હવે,
કારણ શોધીને ગણી ગણી ને હસુ છું.
આંખમાં એકેય આંસુ આવવા દેતો નથી,
ક્યારેક આવે તો છાનો છાનો રડું છું.
ખુદ ને ય છેતરૂ છું ને ખુદા ને ય છેતરૂ છું.
દુનિયા તો ઠીક જાત સાથે ય ગદ્દાર થયો છું.
બહું ઉંચી કિંમત ચૂકવીને સમજદાર થયો છું.

દફનાવી દીધી બાળસહજ જિજ્ઞાસાઓને,
ને મને મોટા થયાં નું માન મળ્યું.
મારા કેટલાય અધૂરા સવાલો ને ,
વ્યર્થ હોવાનું બહુમાન મળ્યું.
સપનાઓ નાં સોદા કરીને શાહુકાર થયો છું.
બહું ઉંચી કિંમત ચૂકવીને સમજદાર થયો છું.

દુનિયાએ આપેલા મુખોટા લગાવીને બેઠો છું.
અંતર નાં અવાજ ને દબાવીને બેઠો છું.
આ ડાહ્યાઓ ની સભા મા બેસવું સહેલું નથી,
હુ મારુ ગાંડપણ ગુમાવીને બેઠો છું.
પોતાની નજરો મા પોતાનો જ કસૂરવાર થયો છું.
બહું ઉંચી કિંમત ચૂકવીને સમજદાર થયો છું
ખરેખર,
બહું ઉંચી કિંમત ચૂકવીને સમજદાર થયો છું.

– હાર્દિક મકવાણા (હાર્દ)

આજે પ્રસ્તુત છે શ્રી હાર્દિક મકવાણા (હાર્દ), શ્રી દેવિકા રાહુલ ધ્રુવ, ડો. હેમાલી સંઘવી, શ્રી રમેશભાઈ ચાંપાનેરી ‘રસમંજન‘ અને શ્રી બાલકૃષ્ણ સોનેજી ‘બે-ગમ’ ની પદ્યરચનાઓ. પાંચેય સર્જકમિત્રોનો અક્ષરનાદને આ કૃતિઓ પાઠવવા બદલ આભાર અને તેમની કલમને અનેક શુભકામનાઓ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “પાંચ પદ્યરચનાઓ.. – સંકલિત