રોલ નંબર ત્રણ અને ચાર – અજય ઓઝા 6


રોલ નંબર ત્રણ..

‘યસ સર..’

કહેતોકને નીતેશ ઊભો થયો. ક્લાસમાં સૌથી હોશિયાર અને ચપળ વિદ્યાર્થી. એક સવાલ પૂછો તો ત્રણ ત્રણ જવાબ આપે. રમતગમત માં પણ આગળ અને ભણવામાં પણ આગળ. શરૂઆતમાં જોકે મેં એના પર ખાસ ધ્યાન નહોતું આપેલું પણ ધીરે ધીરે એની હરકતો મારું ધ્યાન ખેંચતી રહેલી.

એનું પ્રોફાઈલ પિક્ચર અનોખું રાખેલું. તેના ફોટામાં એક હાથે પ્લાસ્ટર હતું. એ વખતે શેરીમાં નિકળેલ એક રીક્ષાની પાછળ ટીંગાવા જતા પડી ગયેલો. પડોશમાં રહેતા છોકરાઓએ સમાચાર આપેલા કે નીતેશ એક મહિનો નહિ આવે. હાથ ભાંગ્યો છે એટલે સાજા થતા વાર લાગશે.

પણ થોડા દિવસ પછી મને એમ થયું કે રૂબરૂ નીતેશને જોઈ આવું તો સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે એટલે મેં એમના પડોશમાં રહેતા છોકરાવને કહ્યું, ‘મને એમને ઘેર લઈ જશો?’

છોકરાઓએ ના પાડી, મેં કારણ પૂછ્યું તો કહે, ‘એના ઘર પાસે એક કૂતરું કરડે છે. અમને બીક લાગે.’

પણ દૂરથી મને એનું ઘર બતાવવાની શરતે એ લોકો મને લઈ ગયા. એ રીતે હું ગયો ત્યારે પ્લાસ્ટરવાળા હાથ સાથે નીતેશ શેરીની બહાર મારી સામે મને લેવા આવ્યો ને કહે, ‘હુ કેમ સામે આવ્યો ખબર છે સાહેબ? હું આવું તો શેરીનું કૂતરુ તમને કરડવા દઊં નહિ, એટલે આવ્યો.’

મને ઘરે આવેલો જોઈને એ ખુશ થયેલો. મેં એને સમજાવ્યું કે પ્લાસ્ટર તો ડાબા હાથે છે, વળી ચાલવામાં કઈં તકલીફ નથી, તો નિશાળે તો આવી શકાય. તને ફાવે તેવું કામ આપીશ. એ સમજી ગયેલો, બે દિવસ પછી નિશાળે આવવા લાગ્યો. અને બમણા ઉત્સાહથી ભણવા લાગ્યો. જો કે જમણા હાથથી લખવામાં એને મુશ્કેલી પડતી હતી ત્યારે મને ખ્યાલ આવ્યો કે એ ડાબેરી હતો!

રોલ નંબર ચાર..

યસ સર. આ વંદના હતી. એનો ફોટો પણ અનોખો હતો, બે આંગળીઓનો ‘વી’ બનાવી વિનિંગ પ્રોફાઈલમાં હસતી હતી.

પહેલા જ્યારે ટેબ્લેટમાં એનો ફોટો નહોતો ત્યારે મેં એને બોલાવી. એ હળવે રહી પાસે આવી, મે કહ્યું, ‘તારો ફોટો નથી, ટેબ્લેટમાં પાડવો પડશે. અહિ ઊભી રહી જા આ દીવાલ પાસે.’

એ દીવાલને અડકીની ઊભી રહી. હું ફોટો પાડવા જતો હતો ત્યાં કહે, ‘ઊભા રહો સાહેબ, એમ બધાના જેવો નહિ, આમ.. આ રીતે પાડો મારો ફોટો.’ કહીને એણે જમણા હાથની બે આંગળીઓનો ‘વી’ બનાવી વી ફોર વિક્ટરીની પોઝીશનમાં ઊભી રહી.

એકવાર અમે બે શિક્ષકો બાળકોને સાથે લઈ સંગીતખુરશી રમાડતા હતા. સાથે અમે પણ રમતમાં જોડાયા. એ વખતે વંદના દોડતી પાસે આવી અને કહે, ‘સાહેબ તમારે પેલા સાહેબને હરાવી દેવાના છે હો.. જો જો, હારી ન જતા.’

પણ રમતના અંતે હું હારી ગયેલો. એ નિરાશ થઈ અને ગુસ્સામાં પાસે આવી ને વંદના બોલી, ‘મેં કહ્યું એમ કેમ ન કર્યું? શું કામ હારી ગયા? હવે બીજી વાર ધ્યાન રાખજો, હારી ગયા તો કટ્ટી!’ એ ખરેખર ખૂબ ગુસ્સામાં હતી. પહેલી વાર એની વાત ધ્યાનમાં નહોતી લીધી પણ આ વખતે મને થયું કે હારી જઈશ તો એ રડવા જ માંડશે.

સંગીત ખુરશીનો બીજો રાઉન્ડ શરૂ થયો. જેમ જેમ રમત આગળ ચાલી તેમ તેમ વંદનાની બૂમો અને સૂચનાઓ વધતી જ ગઈ. મને હારવા કરતા એની ચિંતા થવા લાગી. હારીશ તો એને કેમ સમજાવીશ એ વિચારતો હું રમતો હતો. અંતે એની પ્રાર્થના ફળી ને હું જીત્યો. એ પળે એ દોડતી આવી ને જોરથી મને વળગી ગઈ, ‘મેં કહ્યું તું ને સાહેબ, તમારે જીતવાનું જ હતું… મેં કહ્યું તું ને… મેં કહ્યું તું ને…’ મને જ નહિ બીજા બાળકોને પણ એ આ વાત મોટેમોટેથી કહેવા લાગી. મેં પણ વી ફોર વિક્ટરી માટે બે આંગળીઓ ઊંચી કરી.

એ વખતે એની આંખોમાં છલકાતી ખુશી જોઈ મને લાગ્યું કે હા, આજે તો હું જીતી ગયો છું!

અજય ઓઝા
(મો- ૯૮૨૫૨૫૨૮૧૧) ૫૮, મીરા પાર્ક, ‘આસ્થા’, અખિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (ગુજરાત)

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર ત્રણ અને ચાર.


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “રોલ નંબર ત્રણ અને ચાર – અજય ઓઝા

  • શૈલા મુન્શા

    અજયભાઈની વાત વાંચી મને મારું શૈક્ષણિક જીવન યાદ આવી ગયું. રોલ નંબરના એ બાળકો આજે ત્રીસ વર્ષે પણ મારા સંપર્કમાં છે. મેં વીસ વર્ષ SSC ના બાળકોને ભણાવ્યા અને આજે આટલા વર્ષો પછી પણ એમનો પ્રેમ પામતી રહી છું.

  • Vinod Dhanak

    મહાત્મા ગાંધી એ કહ્યું હતું કે શિક્ષક માં બે ગુણો એક તો તેના વિષયમાં પ્રવીણ હોવો જોઈએ અને બીજું કે તે ચારીતરશીલ હોવો જોઈએ. પછી તેમણે ઉમેરેલું કે કદાચ વિષયમાં એનું પ્રવિણય ઓછું હોય તો હું ચલાવી લઉં પણ ચરિત્રમાં કોઈ પણ પ્રકારની શિથિલતા હું ના જ ચલાવી લઉ.

    આજના શિક્ષકો જો આટલું જ સમજી લે તો ?

  • સુરેશ જાની

    અજયભાઈનો ચીલો બહુ જ ગમ્યો.
    આવા સન્નિષ્ઠ શિક્ષકો હજારોની સંખ્યામાં શિક્ષણ કાર્યમાં જોડાય અને જેની દવા ન મળે તેવો એ ‘ચેપી રોગ’ બની જાય – એવી અંતરની આરજૂ. કદાચ તો જ જેની બહુ લોકો માત્ર વાતો જ કરે છે, તેવી શિક્ષણ ક્રાન્તિ આકાર લે.