રોલ નંબર પાંચ અને છ – અજય ઓઝા 4


રોલ નંબર પાંચ..

કોઈ બોલ્યું નહિ એટલે મેં જરા મોટે અવાજે રીપીટ કર્યુ, ‘રોલ નંબર પાંચ..?’

‘એ નથી આવ્યો સાહેબ.. રોજ મોડો જ આવે છે.’ બીજા બાળકો બોલ્યા.

મને યાદ આવ્યું. થોડા મહિના પહેલા પણ આવું જ થયેલું. હું ત્રણ-ચાર વાર રોલ નંબર પાંચ ની બૂમ મારી પણ એ આવ્યો નહોતો. થોડી વાર રહીને ધીમે પગલે એ વર્ગમાં આવેલો.

મેં તરત જ રોક્યો, ‘કેમ આટલા મોડા મારા સાહેબ ?’

એ કંઈ બોલ્યો જ નહિ.

‘જા તારા મમ્મીને બોલાવી આવ.’ મેં કહ્યું. એનું ઘર નજીક જ હતું.

‘હું ઊઠ્યો ત્યારે મમ્મી ઘરે નો’તી.’ આટલું બોલી એ રડવા લાગ્યો.

‘અરે ? મમ્મી નહોતી એમાં રોવા માંડવાનું ભાઈ ? જા પપ્પાને લેતો આવ.’

‘ઈ પણ સવારથી રોવે જ છે સાયેબ..’ આંસુ લૂછતા એ બોલ્યો. આખા ક્લાસરૂમની સાથે મારાથી પણ હસી પડાયું, ‘પપ્પાયે રોવે છે? તારી જેમ?’

એ મારી સામે જોઈ રહ્યો, ‘હું બોલાવા નહિં જાઉં સાયેબ.’ એના દયામણા અવાજથી હું વધુ નારાજ થયો. ‘રહેવા દે, હું જ ફોન કરીને બોલાવું છું.. જા બેસી જા.’

મેં ટેબ્લેટમાંના એના પિતાના કોન્ટેકમાંથી એનો નંબર કાઢ્યો ને ફોન કરી એના પપ્પાને આવી જવા કહ્યું. જોકે છેક રીસેસના સમયે એ આવ્યા એ મને ગમ્યું નહોતું.

નાસ્તો કરવાનું મુલતવી રાખી મેં તેમની સાથે વાત શરૂ કરી, ‘જુઓ તમારું ઘર નિશાળની સાવ સામે છે ને તોયે તમારો છોકરો આમ મોડો આવે? એટલે તમને બોલાવ્યા છે.’

ક્લાસમાં બાળકો નહોતા એટલે મારા સવાલને સાંભળ્યા વગર જ એ માણસ ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. હું અચંબામાં પડી ગયો. આ પરિવારને રડવાનો આવો કોઈ માનસિક રોગ હોવાનું મારી જાણમાં નહોતું.

મેં પૂછ્યું, ‘થયું છે શું?’ મેં એને ખુરશી પર બેસાડ્યા. મારી વૉટરબૅગનું પાણી આપ્યું. એ હળવા પડ્યા.

‘તમારાથી શું છુપાવું સાહેબ.. મહેશની મમ્મી..’

‘કેમ? તેની મમ્મીને શું થયું? ફરી ચોથી ડીલીવરી? કે પછી કોઈ બીમારી?’

‘ના સાહેબ, એ તો તમે કહેલું એમ નાના કુટુંબની વાત મેં બરાબર યાદ રાખી છે.’

‘તો? તો થયું શું?’

‘એની મમ્મી રાતે જ.. ભાગી ગઈ છે.. ધનસુખ સાથે.. એની સાથે હીરા ઘસતો.. નવી બાઈક લઈ રખડતો.. એની સાથે.. સાહેબ.. મેં સગ્ગી આંખે..’ એ ફરી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. હું એના દર્દને સમજવા કોશિશ કરવા લાગ્યો. એની આંખમાંથી કચડાયેલા સપનાઓનો કાટમાળ ખરી રહ્યો હતો. મેં એને સાંત્વના આપી શાંત પાડ્યો.

જતા જતા કહેતો ગયો, ‘સાહેબ મહેશને આ વાત કરતા નહિ. હું થોડા દિવસમાં એને મનાવી પાછી લઈ આવીશ. નાનકાને સાથે લઈને ગઈ છે. મને એની ફિકર છે. હું મહેશને રોજ તૈયાર કરીને મોકલી દઈશ, જરા મોડું થાય તો સાચવી લેજો.’

તરછોડીને ચાલી ગયેલી પત્નીને મનાવી લાવવાના એના ભરોસાને મનોમન સલામ કરતા મેં એને ખાતરી આપી કે ‘મહેશની ચિંતા કરતા નહિ. હું તેનું ધ્યાન રાખીશ.’

તેના ચહેરા પર એક બેબસ બાપ અને એક લાચાર પતિની રેખાઓ આપસમાં જ ટકરાઈ રહી હતી એ મેં જોઈ હતી.

બસ એ દિવસે એની આંખોમા મેં આપેલા ભરોસાને યાદ કર્યો અને આજે હજુયે ક્લાસમાં પહોંચી ન શકેલા ગેરહાજર મહેશની હાજરી પૂરી દીધી.

* * *

રોલ નંબર છ..

કોઈ બોલ્યું નહિ, એટલે મેં એના નામની જ મોટેથી બૂમ પાડી, ‘આય્યતી..!’

બીજા બાળકોએ પણ પડઘો પાડતા હોય એમ ‘આયતી..આયતી’ ચાલુ કર્યું. એટલે બહેનપણીઓ સાથે વાતોમાં મશગુલ આરતીને હોશ આવ્યા. બધા હસવા લાગ્યા.

‘યસ્સ સય્ય..’ ગભરાઈને એ તરત જ બોલી ગઈ. ગભરાવું એની કાયમી તાસીર હતી. એ સતત વિના કારણે આમ જ ગભરાતી રહે.

‘અરે આયતી, ગભરાય છે શું કામ? તને જોઈને તો હું ગભરાઈ જાઉં છું.’ મેં કહ્યું.

એ ‘ર’ ને બદલે ‘ય’ બોલતી. શિક્ષક તરીકેની મારી અનેક મર્યાદાઓમાંની આ પણ એક હતી કે હું એને ‘ર’ નો સાચો ઉચ્ચાર શીખવી નહોતો શક્યો. ઊલટું હું જ એને આરતીને બદલે ‘આય્યતી’ કહેતો થઈ ગયેલો !

પ્રોફાઈલમાં પણ એનો ચહેરો તો ગભરાયેલો જ દેખાઈ આવે. અને એનો એ ગભરાયેલો ચહેરો જોઈ મને એ દિવસની ઘટના યાદ આવ્યા વિના રહે નહિ.

એ દિવસે શનિવારની પ્રાર્થનાસભા અને સાંસ્કૃતિક કાર્યક્રમ મેદાનમાં ચાલતો હતો. એ સમયે મને કશુંક કામ યાદ આવતા હું મારા ક્લાસરૂમમાં આવ્યો. મને અચાનક ક્લાસરૂમમાં આવતો જોઈને ત્યાં સંતાઈને બેસી રહેલી મારા ક્લાસની કેટલીક છોકરીઓ હું ખિજાઉં એ પહેલા જ દોડીને પ્રાર્થનામાં ચાલી ગઈ. હું રૂમમાં મારું કામ કરવા બેઠો.

થોડી મિનિટો થઈ હશે ત્યાં પેલી છોકરીઓ ફરી પાછી રૂમમાં આવી. મને કહે, ‘સાહેબ તમારે પ્રાર્થનામાં નથી આવવું?’

‘કેમ? કેમ પૂછવું પડ્યું?’ મેં કહ્યું. એ છોકરીઓ પણ ગભરાયેલી હતી. હું રૂમમાં જ બેસીશ એવું લાગતા એ લોકોની ધીરજ ખૂટી ગઈ ને એમાની એકે દોડીને જાજમ મૂકવાના મોટા કબાટનું બારણું ખોલી નાખ્યું.

મારા આશ્ચર્ય વચ્ચે કબાટમાંથી આરતી બહાર આવી !

‘આરતી?’ મારી રાડ ફાટી ગઈ. ‘તું કબાટમાં શું કરતી’તી?’

અચાનક મને આખીયે ઘટનાની ગંભીરતા સમજાવા લાગી ને મારું હૃદય ધબકારા ચૂકવા માંડ્યુ. પેલી છોકરીઓ તરફ ગુસ્સે થઈ બોલ્યો, ‘તમે લોકોએ આરતીને કબાટમાં પૂરી દીધી? આટલો વખત એ અંદર રહી શી રીતે? તમને કંઈ વિચાર ન આવ્યો કે આ છોકરી અંદર ગૂંગળાઈ મરશે તો?’

બધી છોકરીઓ ધૄજવા લાગી. ગભરાયેલી આરતી વચ્ચે બોલી, ‘સય..સય… મેં જ એને કીધું’તું.’
‘શું? તેં જ એને કીધું’તું કે તને પૂરી દે? આ કબાટમાં? શું કામ?’

‘સય, તમને આવતા જોયા ને એટલે મને બીક લાગી, તો મેં કીધું કે મને કબાટમાં પૂયી દ્યો, સય જાશે એટલે હુંય નિકળી જાઈશ. પણ તમે તો ગયા જ નહિ… એટલે..’

હવે એના બદલે ગભરાવાનો વારો મારો હતો. પરસેવો વળી ગયો. જો આ છોકરી વધુ સમય કબાટમાં રહી હોત તો એનું ને એના લીધે મારું શું થયું હોત એની કલ્પના મને કંપાવી ગઈ. જોકે એ ધારે તો અંદરથી અવાજ કરીને કે પાટુ મારીને કદાચ સરકારી કબાટ ખોલી શકે ખરી પણ અત્યંત ગભરાવાની એની આદત એને એવું કરતા રોકી રાખે એ વાત પણ એટલી જ સાચી હતી. એ દિવસથી મેં જાજમ માટેના કબાટને હંમેશ માટે તાળુ મારી દીધું ને એનો ઉપયોગ કરવાનું બંધ કરાવ્યું.

જો કે હિંમત હાર્યા વગર પ્રયત્નો હજી ય ચાલુ જ છે, આરતીની ગભરાહટને દૂર હટાવવાના અને તેને ‘ર’ નો સાચો ઉચ્ચાર શિખવવાના.. ક્યારેક તો સફળતા મળશે જ..

– અજય ઓઝા
(મો- ૯૮૨૫૨૫૨૮૧૧) ૫૮, મીરા પાર્ક, ‘આસ્થા’, અખિલેશ સર્કલ, ઘોઘા રોડ, ભાવનગર-૩૬૪૦૦૧ (ગુજરાત)

એક વર્ગશિક્ષક તેના વર્ગના વિદ્યાર્થીઓને કેટલા ઓળખતો હોય? દરેક વિદ્યાર્થીની અંગત વિશેષતાઓ, તેમના ગમા – અણગમા, તેમના પરિવારના સંજોગો અને પરિસ્થિતિ, તેમની ક્ષમતાઓ અને ખામીઓ.. રોલ નંબર મુજબ જો એક શિક્ષકને કહ્યું હોય કે તમારા વિદ્યાર્થીઓનો પરિચય આપો તો એ કઈ રીતે આપે?

આજના સમયમાં જ્યારે વિદ્યાનું સંપૂર્ણપણે વ્યાપારિકરણ થઈ રહ્યું છે ત્યારે અજયભાઈ તેમની આ ‘રોલ નંબર..’ શ્રેણી દ્વારા એક નવો જ ચીલો ચાતરે છે. મને યાદ છે કે અમે નાના હતા ત્યારે અમારા શિક્ષકો અમને આ જ રીતે, કે આથીય વધુ અંગત રીતે ઓળખતા, અમારા હાવભાવ અને ચહેરો એ અદ્દલ વાંચી શક્તા. આજના વિદ્યાર્થીઓના નસીબમાં કદાચ શિક્ષકો દ્વારા મળતી એ અંગત કાળજી નથી, પણ બધેય એવું નથી. હજીય ઘણી શાળાઓ અને શિક્ષકો એવા છે જે વિદ્યાર્થીઓના સર્વાંગિ વિકાસ માટે તેમને પૂરેપૂરા પિછાણે છે, તેમની પ્રગતિમાં લાગણીશીલ રસ ધરાવે છે. આવા જ શિક્ષકોને અક્ષરનાદ પર અજયભાઈની આ શ્રેણી અર્પણ. આજે પ્રસ્તુત છે રોલ નંબર પાંચ અને છ.


આપનો પ્રતિભાવ આપો....

4 thoughts on “રોલ નંબર પાંચ અને છ – અજય ઓઝા

  • ભાવિન રાવલ

    ખુબજ રસપ્રદ રિતે રજુઆત્…વાઁચવાનિ ખુબજ મજા આવિ…

  • Ramesh Amodwala

    Ajay OZA Shab .
    you are great .Roll No. subject as such very common & normal but series of your writing so relative & with full of regards.
    excellent sir,

  • kalpana desai

    બહુ સરસ વાર્તા/અનુભવકથા. દરેક શાળામાં આ નિયમ થવો જોઈએ. બાળકો ખુલવા ને ખીલવા જોઈએ. આભાર.