હેપ્પી વુમન્સ ડે! – પરિન્દા 5


વુમન્સ ડે પાછો આવ્યો ને ગયો! અચાનક જ બધાને સ્ત્રીઓ પર થતાં અત્યાચાર યાદ આવવા લાગ્યા હતા! કેટલાય પતિદેવોને “જમવાનું આજે ત્તમે બનાવજો!” નો આદેશ મળી ગયો હશે. વુમન એમ્પાવરમેન્ટ અને જેન્ડર ઈક્વાલિટી પર કેટકેટલુંય લખાયું, બોલાયું. વ્હોટસએપ પર તો ચક્કાજામ જ સમજો! એક દિવસ માટે હલ્લા બોલ અને પછી બધુ ભૂલી જવાનું.

આજના હાઈટેક સમયમાં પણ સ્ત્રીઓ પર થતા અત્યાચારની સામે અવાજ ઉઠાવવો પડે છે.. પણ કેમ? સાચું કહું તો સ્ત્રી-સશક્તિકરણ શબ્દ મને સમજવામાં થોડો અઘરો પડે છે. સ્ત્રીનું તો બીજુ રૂપ જ છે શક્તિ, એટલે જ તો આપણે નવરાત્રીમાં આદ્યશક્તિની પૂજા કરીએ છીએ. સ્ત્રી સશક્ત હતી, છે અને રહેશે; પણ તેનો અનુભવ તેણે જાતે કરવાનો છે. બાળકને જન્મ આપતી વખતે ૨૦ હાડકાં એક-સાથે તૂટે એટલી પીડા સહન કરનારી સ્ત્રી સ્વયં શક્તિ નથી તો શું છે? એનાથી પણ મોટા આશ્ચર્યની વાત એ છે કે આ બધું માર્ચ મહિનાની ૮મી તારીખે સ્ત્રીઓએ જ સ્ત્રીને યાદ કરાવવું પડે છે અને પછી ભૂલી જવાનું આગલા વર્ષની આઠમી માર્ચ સુધી..

મારી મમ્મી નાની હતી ત્યારે મારા નાની કોલેજ ભણવા ગયેલા. બધા જ બાળકોને મારા નાનાએ સાચવેલાં. આ વાત ૫૦ના દશકાની છે. નાની ૫૮ વર્ષે નિવૃત્ત થયા અને જીવ્યા ત્યાં સુધી કોઈની પર આધારિત નહોતા. ગુજરાતના એક નાનકડાં ગામડાંની આ વાત છે. આ શક્ય બન્યું કારણ કે નાનીએ ઈચ્છા વ્યકત કરી. પોતાના વિચારોને ઉડાન આપવા માટે ઈચ્છાઓનું આકાશ જોઈએ. એને તમારા ભૌગોલિક સ્થાન સાથે કોઈ જ નિસ્બત નથી.

આપણે ત્યાં તો છોકરી ૨૦-૨૧ વર્ષ થાય એટલે ‘એક લડકા ચાહિયે ખાસ ખાસ!’ જેવી હાલત હોય છે. છોકરી ૧૪-૧૫ વર્ષની (તોય ઘણી મોટી ઉમર લખી છે) થાય અને જમવાનું બનાવતા ન આવડે તો તો બોસ.. આવી બન્યું. સાસરામાં જઈને શું કરશે અને તારા ઘરે શું ખવડાવશે કહી કહીને હાલત ખરાબ કરી નાખે. કોઈ હાથ ઉઠાવશે કે હેરાન કરશે ત્યારે તું પોતાનું આત્મ-રક્ષણ કરી શકે માટે કરાટે કે જુડો શીખવા જા એવું કહેનારા પેરેન્ટ્સ કેટલા?

હું પોતે જેન્ડર ઈક્વાલિટીમાં નથી માનતી અને પુરુષ-સમોવડી થવાની હરિફાઇમાં હું છું પણ નહીં. મારો ઉછેર એક છોકરા કે છોકરીની જેમ નહીં પણ એક સામાન્ય બાળક (એ છોકરો હોય કે છોકરી – એક સરખાં) ની જેમ કર્યો છે. આ માટે મારા મમ્મી-પપ્પાનો આભાર હું આખી જીંદગી માનતી રહીશ. સ્ત્રી અને પુરુષની શારીરિક રચના અલગ જ છે, પરંતુ તેનાથી કોઈ ઊંચું-નીચું નથી થઇ જતું. બંને એકબીજાના પૂરક છે અને એક આગવું વ્યક્તિત્વ ધરાવે છે.

શૅરલ સેન્ડબર્ગ (ફેસબુકના સી.ઓ.ઓ)ની બુક ‘લીન ઈન ફોર ગ્રેજ્યુએટ્સ’માં એમણે એક અનુભવ લખ્યો છે. તેમણે ફેસબુકની ઓફિસમાં તે સમયનાં ટ્રેઝરી સેક્રેટરી ટીમ જિથનર સાથે મિટિંગ ગોઠવી હતી. ૧૫ એકિઝક્યુટિવ્સની ટીમ હતી, તે પણ પાછી સિલિકોન વેલીમાંથી. તેઓ દેશની ઈકોનોમી પર ચર્ચા કરતાં હતા. થોડાં સમય પછી શૅરલ મેડમે બધાને બ્રેકફાસ્ટ લેવાનું કહ્યું ત્યારે જેટલા પુરુષ એકિઝક્યુટિવ્સ હતાં તેઓ નાસ્તો લઈને મોટા કોન્ફેરન્સ ટેબલ પર બેઠાં. જે ફિમેલ એકિઝક્યુટિસ હતાં તેમણે બ્રેકફાસ્ટ પણ છેલ્લે લીધો અને મુખ્ય ટેબલ પર બેસવાને બદલે રૂમમાં બાજુએ રાખેલી ખુરશીઓ પર બેઠાંં, આગ્રહ છતાં ત્યાં જ બેસી રહ્યાં. શૅરલ મેડમે મિટિંગ પત્યા પછી તેમેને સમજાવ્યું પણ ખરું.

હવે આપણી આજુબાજુ નજર કરીએ. પહેલાં ઘરનાં પુરુષો જમશે, પછી સ્ત્રીઓ જમશે. એમને તો ગરમ જોઈએ, ઠંડુ કે ઈવન વાસી તો સ્ત્રીઓ જ ખાય, જમતાં કંઈક લેવા ઉભા થવું પડે તો એ પત્નીએ લાવવાનું. આ દ્રશ્ય મોટેભાગે દરેક ઘરમાં દરરોજ ભજવાતું હશે. અમેરિકાનો કિસ્સો એટલે લખ્યો કારણ કે આપણે ‘ઇન્ટરનેશનલ વુમન્સ ડે’ ઉજવીયે છે અને માણસ તો બધે માણસ જેવો જ હોય છે. કપડા સરસ પહેરવાથી વિચારો બદલાઈ જાય એવી ટેકનૉલોજી હજુ સુધી શોધાઈ નથી (ભવિષ્યમાં આવી પણ શકે છે, માર્કેટમાં આવે તો રોયલ્ટી લઈશ!). આ બધું આપણે એટલી જ સહજતાથી સ્વીકારી લીધું છે. જેન્ડર ઈક્વાલિટી અને સેક્સિઝમ એ સૌથી મોટો પ્રોબ્લેમ એટલા માટે છે કે સ્ત્રીએ પોતાની જ જાતને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લીધી છે. આપણે બોલતાં શીખવાનું છે. ના પડતાં શીખવાનું છે. હોલીવુડમાં #MeToo ની જે ત્સુનામી આવી તેમાં કેટલી બધી અભિનેત્રીઓ સામે આવી પણ બોલિવૂડમાંથી એકેય અવાજ નહોતો આવ્યો. સ્ત્રી-સશક્તિકરણનો મતલબ પોતાને માટે સ્ટેન્ડ લેવાનો છે. એકબીજાની અદેખાઈ, કોપી અને ગૉસીપમાંથી બહાર આવશે તો એકબીજાનો હાથ પકડી શકશે બાકી એકતા કપૂરેતો જે નેગેટિવિટી ફેલાવી છે! જોનારા પણ પાછા આપણે જ. મોટા ભાગની વાર્તાઓમાં વહુ જબરી અને દીકરી બિચારી જ હોય છે. બિચારી પરથી યાદ આવ્યું મારી ફેમિલીમાં ૩ વર્ષની ટેણકી ને જયારે “બિચારી” કીધું તો વળીને જવાબ આપ્યો – “મારી મમ્મી છે,પપ્પા છે, નાની છે, નાના છે. હું બિચારી નથી.” સાંભળીને હસવું આવી ગયું ને? હવે આ ત્રણ વર્ષની નાનકડી ઢીંગલીને ખબર છે કે તે બિચારી નથી પણ આપણે તો… હાર્ટઅટેક પુરુષોને વધારે કેમ આવે છે એવા જોક્સ અવારનવાર સાંભળવા મળે છે પણ સરવાઈવલનો દર સ્ત્રીઓનો ઓછો છે એટલું જરૂર યાદ રાખજો.

વુમન્સ ડે એ શક્તિ-પ્રદર્શનનો દિવસ નથી. આ તો નારીનાં સમગ્ર અસ્તિત્ત્વને ઉજવી લેવાનો દિવસ છે. તેની દરેક સિદ્ધિને યાદ કરીને તેને સન્માનવાનો દિવસ છે. વર્કિંગ વુમન હોય કે હોમ-મેકર હોય તેણે આપેલાં નાનામાં નાના બલિદાનનો આભાર માનવાનો દિવસ છે. મારા આ લેખનો અંત હું હિલેરી ક્લીન્ટને અમેરિકાની રાષ્ટ્રપતિ પદની ચૂંટણી દરમ્યાન એક ટ્વિટ કરેલી તેનાથી કરું..

“To all the little girls watching… never doubt that you are valuable and powerful & deserving of every chance & opportunity in the world.”

– “પરિન્દા“
Feedback : connect.parinda@gmail.com

બિલિપત્ર

उसे हम, पर तो देते हैं मगर उड़ने नहीं देते
हमारी बेटी बुलबुल है, मगर पिंजरे में रहती है
– રહેમાન મુસવ્વિર


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “હેપ્પી વુમન્સ ડે! – પરિન્દા