(આ લેખ લગભગ ૧-૧૦ વર્ષના બાળકોને અનુરુપ છે. આપના બાળકની ઊંમર અને રુચિ પ્રમાણે એમાં ફેરફાર કરી શકાય.)
વાંચન માણસને વિચારશીલ બનાવે છે. અને આ વાંચનબીજ બાળપણથી જ બાળકના મનમાં રોપવામાં આવે તો એ સારુ-નરસું વિચારી શકે અને જિંદગીમાં સાચા સમયે સાચા નિર્ણયો લઈ શકે. પણ જ્યારે બાળક નાનું હોય કે વાંચતા શીખ્યું ન હોય ત્યારે માતા-પિતા કે ઘરના બીજા સભ્યોના મોઢેથી કહેવાતી બાળવાર્તાઓ એક નવું વિશ્વ બાળક સામે મુકી શકે છે. વાર્તાથી બાળકની સર્જનશક્તિ અને કલ્પનાશક્તિ વધે છે.
એ સિવાય વાર્તા ગમે તે ભાષામાં હોય, બાળક નવા શબ્દો શીખી શકે છે. એનું શ્બ્દ વૈભવ વધે છે.
પુસ્તકની પસંદગી
બાળક ભલે નાનું હોય પણ તેના માટે વાર્તાના પુસ્તકો વસાવો. એક-બે પુસ્તકો પણ છ-આઠ મહિના માટે ચાલશે. પુસ્તકની પસંદગી પણ એવી રીતે કરો જેમાં ઓછું લખાણ અને વધુ ચિત્રો હોય. ચિત્રો દ્વારા કોઈ પણ વાત જલદી સમજાય છે અને લાંબો સમય સુધી યાદ રહે છે. જાડા પૂઠાં વાળુ પુસ્તક બાળક ફાડશે પણ નહિ અને લાંબુ ચાલશે. એક પુસ્તકમાં ઓછામાં ઓછી ત્રણ ચાર વાર્તાઓ હોય તેવું પુસ્તક પસંદ કરો. બની શકે તો એક ખાનું કે જગ્યા એના પુસ્તકો મુકવા માટે ફાળવો.
વાર્તા કહેવાનો સમય
બપોરે કે રાત્રે સુતી વખતે તમે પુસ્તક વાંચો અને સાથે બાળકને પણ એના પુસ્તકો સાથે બેસાડો. ધીમે-ધીમે એ ટેવ બની જશે. જો તમે નોકરી કરતા હો તો કામ કરતાં કરતાં પણ વાર્તા કહી શકાય. જમતી વખતે કે પછી મુસાફરી કરતી વખતે પણ વાર્તા કહી શકાય.
સૂતી વખતે જોયેલી કે સાંભળેલી વાત આપણા અર્ધજાગૃત મનમાં રહે છે માટે સૂતી વખતે ભૂત-પ્રેતની વાર્તા ન હોય તો વધુ સારું. વાર્તા સાંભળતા બાળક સૂઈ જાય છે પણ એના મનની વિચારશક્તિને જગાડે છે.
વાર્તા કહેવાની પધ્ધતિ
બાળકને સૂતા સૂતા કે પછી ખોળામાં બેસાડીને કે બાઝીને(હગ કરીને) વાર્તા કહી શકાય (એ બાળકની ઊંમર પ્રમાણે હોઈ શકે). બાળક તમારી સામે જોતું હોય તો એનો વાર્તામાં રસ કેળવાય છે. વાર્તા કહેતી વખતે ‘eye contact’ રહે તે જરુરી છે જેથી તે તમારા હાવભાવ જોઈ શકે અને એ પ્રમાણે વાર્તાના વાતાવરણ કે પાત્રોને કલ્પી શકે.
જો વાર્તા યોગ્ય આરોહ-અવરોહ સાથે કહેવાય તો એક આખું ચિત્ર બાળકની આંખ સામે બને છે. દા.ત. એક મો…ટું… જંગલ હતું. આમાં ‘મોટું’ શબ્દથી એ એક મોટા જંગલની કલ્પના કરી શકે છે. વાર્તાની અંદર માત્ર વાર્તા નહિ પણ ઘણી આડ વાત પણ ઉમેરી શકાય. દા.ત. જ્ંગલમાં બહુ બધા પ્રાણીઓ રહે છે, વાઘ સિંહ, ચિત્તો, હરણ, જિરાફ વિ. વાઘ, સિંહ એ માંસાહારી પ્રાણિઓ કહેવાય. એ બીજા પ્રાણીઓનો શિકાર કરી ને ખાય. જ્યારે હરણ, જિરાફ એ શાકાહારી પ્રાણીઓ કહેવાય એ માત્ર ઘાસ અને વનસ્પતિ ખાય.
વાર્તા તમારી માતૃભાષા સાથે સાથે બીજી ભાષા ભેગી કરીને પણ કહી શકાય, કારણ કે અત્યારના બાળક મોટેભાગે અંગ્રેજી માધ્યમમાં ભણે છે. એને એની માતૃભાષા પણ આવડે અને અંગ્રેજી પણ. દા.ત. એક ટોપી વેચનારો ફેરીયો હતો. તેની પાસે ‘કલરફૂલ કેપ્સ’ હતી.
બાળકને પુસ્તક વિશે પણ સાથે સાથે પરિચય આપી શકાય. પુસ્તકનુ મુખપૃષ્ઠ આકર્ષક હોય, પુસ્તકમાં અનુક્રમણિકા હોય, અનુક્રમણિકાના આધારે જે તે વાર્તા સુધી પહોંચી કેવી રીતે શકાય, વાર્તા કે પુસ્તકના લેખક હોય, વાર્તાનું શીર્ષક હોય, અક્ષર ભેગા મળી શબ્દ બને અને શબ્દો ભેગા મળી વાક્ય બને વિ. એક વાર્તામાં અનેક વાર્તાઓ / વાતો વણી શકાય. વાર્તાનો મુખ્ય ઉદ્દેશ બાળકને નવું ક્ંઈક શીખવાડવાનો છે. ક્યારેક પ્રશ્નોત્તરીના સ્વરુપે પણ વાર્તા કહી શકાય જેમાં એક વ્યક્તિ કહેલી વાર્તાના પ્રશ્નો પૂછે અને બાળક એના જવાબ આપે. ક્યારેક એની યાદશક્તિ ચકાસવા વાર્તાના અમુક ભાગને ગુપચાવીને કે ફેરવીને કહી શકાય. ક્યારેક રોજબરોજના કામમાં વાર્તાને જોડી શકાય કે વાર્તાના બોધને યાદ કરી બાળકના મનમાં દ્રઢ કરી શકાય. ક્યારેક બાળકને જ કહેલી વાર્તા ફરી કોઈ બીજા બાળકને કે મોટાને કહેવા માટે પ્રેરી શકાય. એમાં એની કલ્પનાશક્તિ પ્રમાણે વાર્તામાં કેવા ફેરફાર થાય છે તે ચકાસી શકાય. વાર્તામાં બાળકના જ નામનો કે સગા-સંબંધીનો ઉમેરો કરી વાર્તાને વધારે રસપ્રદ બનાવી શકાય.
આ બધી જ બાબતો ઉપરાંત બાળકના રસ અને રુચિને ધ્યાનમાં રાખી વાર્તા કહી શકાય. બસ વાર્તાના માધ્યમથી એ કંઈક નવું શીખી શકે અને એને જીવનમાં ઊપયોગી થઈ શકે.
નાના બાળક માટે માનું દૂધ, હાલરડાં અને બાળવાર્તા એનો અધિકાર છે એમ કહીએ તો જરાય ખોટું નથી!
– હીરલ વ્યાસ ‘વાસંતીફૂલ’
Vahhhh
really helpful to all parents.
good one
આભાર આપનો શહેર હોય કે ગામડું જીવનની ગુણવત્તા જે તે વ્યક્તિ પોતે નક્કી કરતી હોય છે. છતાં ગામડાઓમાં પ્રકૃતિની નજીક હોઈ પ્રમાણમાં હળવાશ અનુભવી શકીએ. હજું અહીં એવા લોકો છે જે તમને કોઈ પણ ઓળખ વિના ચા પીવા આગ્રહ કરી શકે કે જમવા બેસાડી શકે. જોકે ગામડાઓ પણ હવે હાઈબ્રીડ બનતા જાય છે છતાં કેટલાક લોકો છે જેમણે પોતાની ઓળખ જાળવી રાખી છે. તમારે ચાંદની સભર રાતો કે પછી અમાસની તારા ભરેલી રાતો નો આનંદ લેવો હોય તો ગામડાં માં જવું પડે.
ખૂબ સરસ માહિતી આપતો લેખ.
બહુ સરસ વાત કરી. ભૂલકાંઓને એક્સન સાથે વાર્તા કહેવી જોઇએ.બાલ્યાવ્સ્થામાં પરીકથાઓ અને કિશોરોને સાહસ કથા કહેવીજોઇએ.