ડો. આનંદીબાઈ : ભારતની પ્રથમ મહિલા ડૉક્ટરના જીવનની હકીકતો.. – જીજ્ઞેશ અધ્યારૂ 10


Gita Manek, Manoj Shah, Manasi Joshi, on stage after the play Dr. Anandibai – Like comment share

દિલ્હીમાં થિએટર ઓલમ્પિક્સ હેઠળ ભજવાયું દિગ્દર્શક મનોજ શાહનું ‘ડો. આનંદીબાઈ – લાઈક, કમેન્ટ, શેર’. મનોજભાઈને કોઈ પરિચયની જરૂર નથી, ગુજરાતી સ્ટેજના એ અદના કસબી છે, અને એમના નાટકોએ આપણા સૌના મનમાં અનોખું સ્થાન બનાવ્યું છે, એટલે આ નાટક માટે પણ એક અનોખી ઉત્સુકતા હતી, અને વળી મનોજભાઈને લગભગ ચાર વર્ષે મળવાના સંજોગો થયેલા! ચાર વર્ષ પહેલા મેં, વિનયભાઈ ઓઝા અને મનોજભાઈએ કલાકો વાતો કરેલી, ત્યાર પછી આજે ફરી તેમને મળવાનું થવાનું હતું.. એટલે ઉત્સુકતા તો ભારોભાર હતી..

આપણે સૌથી વધુ લાઈક આપણી જાતને જ કરીએ, પછી આપણી વિચારધારાને પોષતા હોય એમને લાઈક કરીએ, એ જ બાબતો પર કમેન્ટ કરીએ છીએ. આજના જમાનામાં ફેસબુકમાં લાઈક આપણે સદાવ્રતમાં અપાતી રોટલીની જેમ વહેંચીએ છીએ, પણ સમાજ માટે ખૂબ મહેનત અને સંઘર્ષ કર્યા પછી પણ જેમને લાઈક્સ નથી મળી એમની વાત અહીં ધારદાર રીતે મૂકાઈ છે. પોતાની જાતને લાઈક કરનાર – પ્રેમ કરનાર બે સ્ત્રીઓનું નિરુપણ મને ખૂબ ગમ્યું છે, ફિલ્મ ‘જબ વી મેટ’ની ગીત અને આ નાટકની આનંદી.

આજે સવારે ટ્વિટર પર એક અનોખી વાત વાંચી.. વર્ષોથી તબીબી પ્રેક્ટિસ કરતી એક મહિલા તબીબે શ્રેણીબદ્ધ ટ્વિટ્સમાં લખ્યું છે કે તેમણે પોતાની જુનીયર મુસ્લિમ યુવતીને ઓ.પી.ડીમાં સાથ આપવા માટે મંજૂરી આપી, એ બુરખો પહેરીને આવતી. જોતજોતામાં બધી જ બુરખાધારી સ્ત્રીઓ એની પાસે જવા લાગી, પેલી યુવતી નવી હતી, એનો અનુભવ નહીવત હતો છતાંય અનુભવી મહિલા તબીબને ઓળખતી સ્ત્રીઓ પણ એ બુરખાધારી પાસે જ જતી અને થોડાક જ દિવસોમાં એની ભૂલભરેલી દવાથી એક બાળકનું મૃત્યુ થઈ ગયું. લેડી ડૉક્ટર નોંધે છે કે હવે તેમણે પણ ભગવો સ્કાર્ફ રાખવાનું શરૂ કર્યું છે! આ કરુણતા કોને કહેવી? આજના સમયમાં પણ આ કેવી માનસિકતા? તો લગભગ આજથી દોઢ સદી પહેલાની પરિસ્થિતિ શું હશે?

આજથી દાયકાઓ પહેલા જ્યારે છોકરી જન્મે એ જ ભારણ ગણાતું, ને ગર્ભમાં થતા હુમલાઓથી એ બચી જાય તો નરકના અનુભવો આપતું જીવન એની રાહ જોઈને જ ઉભું જ હોય એ સંજોગોમાં અનેક વિઘ્નો પાર કરીને ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાની સિદ્ધિ મેળવનાર ડૉ. આનંદીબાઈ જોષીની વાત લઈને આવતું દિગ્દર્શક મનોજ શાહનું ગીતા માણેક લિખિત અને અભિનેત્રી માનસી જોશી જેને એકલે હાથે સ્ટેજ પર એક કલાક વીસ મિનિટ ધુંવાધાર અભિનય દ્વારા જીવંત કરી આપે છે એ યમુના ઉર્ફે આનંદી ગોપાલ જોશીનું જીવન પ્રસ્તુત કરતું આ નાટક જાણે લાગણીઓની એક રોલર કોસ્ટર રાઈડ છે. એમના ડૉક્ટર બનવાની વાત તો ફક્ત એ યશકલગીનું એક પીછું છે, પણ ખરો પુરુષાર્થ(!) તો તેમણે કરેલો સમાજની સામેનો સતત સંઘર્ષ છે.

‘૧૮૬૫માં મારો જન્મ થયો, મારી મમ્મી મારા પિતાની બીજી પત્ની, મારા પિતાની પહેલી પત્નીના સંતાનો લગભગ મારી મમ્મીની ઉંમરના હતા, અને મારું નસીબ કે દીકરાઓની આશામાં જન્મેલી હું મારી માંની ત્રીજી દિકરી, એટલે મારી માં કાયમ મને બોજારૂપ જ ગણતી રહી, પણ પિતા મને ખૂબ વહાલ કરતા, એમના ખોળામાં બેસીને હું એમને જાતભાતના પ્રશ્નો પૂછતી..’

નાટક પહેલા જાહેરાતના બોર્ડ પર જ્યારે અભિનયમાં ફક્ત એક જ નામ જોયું અને દોઢ કલાક જેટલો સમય ત્યારે થયું કે ફક્ત એક જ કલાકાર આખા નાટકને કેમ બાંધી રાખશે? પણ આ નાટકનો હજુ વધારે સમય પણ હોય તો એનેય ન્યાય આપી શકે એવા સક્ષમ અભિનેત્રી માનસી જોશીએ ડૉ. આનંદીબાઈના સમયના સમાજની રૂઢીગત માન્યતાઓ, આજે આશ્ચર્ય પમાડે એવી પણ એ સમયની સહજ સામાજીક બદીઓ, આનંદીના જીવનની યાતનાઓ, તકલીફો અને છતાંય કદી હાર ન માનવાની ખુમારી સ્ટેજ પર એકલે હાથે જીવંત કરી આપી છે, કોઈ ક્યૂ આપવાવાળું નહીં, પાણી પીવાનોય બ્રેક નહીં, સતત પાત્રમાં ઓતપ્રોત અને વિશેષતા એ કે આ બધુંય દુઃખના કોઈ ઓછાયા, નકારાત્મક્તા કે રોદણાના ભાર વગર. વાત સાહજીક રીતે કહેવાઈ છે, જાણે આનંદીબાઈ આપણી સાથે બાજુમાં સોફા પર બેસીને ચા પીતા પીતા એમના જીવનની વાત કરતા હોય, પણ એની અંદર ‘મરમ ગહેરા’ છે. મને સ્પર્શી ગયા એવા આ સંવાદ અહીં યાદશક્તિને આધારે લખ્યા છે.. અમુક ક્ષણોને ક્ષણને માનસીબેન જ્યારે સ્ટેજ પર જીવંત કરી આપે ત્યારે રુંવાડા ઉભા થયા વગર ન રહે.. આનંદીની સાથે આપણેય કંપી ઉઠીએ..

‘નવ વર્ષની કુમળી વયે મારા લગ્ન થઈ ગયા… મારા એ મારાથી વીસ વર્ષ મોટા અને વિધુર હતા, પોસ્ટઑફિસમાં કારકુન હતા, મારું નવું નામ પડ્યું આનંદી ગોપાલ જોશી, હું નાની હતી એટલે મારી મા અમારી સાથે રહેવા આવી..’

બીજો એક દ્રશ્યમાં એ કહે છે,

‘મારા બે પગની વચ્ચે બધું ભીનું થઈ ગયું, બધું જ લાલ લાલ.. એ જોઈને હું ગભરાઈ ઉઠી, મેં માને બૂમ પાડીને બોલાવી, એણે મને એક કપડું આપ્યું અને ખૂણામાં બેસાડી દીધી. એ કહે, હવે આ દર મહીને થવાનું. મારા એ ઑફિસથી આવ્યા અને મને ખૂણામાં બેઠેલી જોઈને મલકી ઉઠ્યા..’

અને પછી..

‘તેમણે મને મેળામાંથી ઢીંગલી અપાવી, ઘરે આવીને હું ઢીંગલીથી રમતી હતી ને એમણે મારાથી રમવાનું શરૂ કર્યું, એ મારા કપડામાં જ્યાં ત્યાં હાથ નાખવા લાગ્યા, મને એ ન ગમ્યું. મેં કહ્યું, ‘મને છોડો નહીંતર હું બૂમો પાડીશ, મમ્મીને બોલાવીશ..’ પણ એ ન અટક્યા.. હું બૂમો પાડતી રહી પણ એની કોઈ અસર ન થઈ.. ને એ રમતના પરિણામ સ્વરૂપ તેર વર્ષની વયે હું ગર્ભવતી થઈ..’ વક્રતા તો એ કે તેમના પતિ સુધારાવાદી વિચારસરણીના અને સ્ત્રી-શિક્ષણના હિમાયતી હતા.

શૂન્ય થઈ જવાય એવું આ દ્રશ્ય સ્ટેજ પર અભિનયથી જીવંત થઈ જાય છે, અને આ એ જ દ્રશ્ય છે જેના પછી આપણા મનની સાથે સ્ટેજ પર અંધારુ પથરાઈ જાય છે. પણ દાદ દેવી પડે માનસીબેનના અભિનયને.. ‘અસો!’ કહીને એ તરત જ ભાવ બદલી જાણે છે, એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં એ પ્રેક્ષકો કરતા વધુ ઝડપથી જાય છે, અને એમની સાથે રહેવા, એ દ્રશ્યમાંથી બહાર આવવા તમારે રીતસર માનસિક મહેનત કરવી પડે, એ મહેનત તમને વ્યસ્ત રાખે છે, અને એટલે જ સ્ટેજ પર એક જ પાત્ર હોવા છતાં સમગ્ર નાટકમાં તમે સહેજ પણ એકલા પડતા નથી.

આ આખા નાટકમાં સ્ટેજ પર કંઈ જ નથી, બેકગ્રાઉન્ડમાં લહેરાતી ચાર મરાઠી સાડીઓ, લાઈટ્સનું સરસ મજાનું આયોજન અને સ્ટેજના દરેક હિસ્સામાં અભિનયના અજવાળા પાથરતા માનસીબેન. નાટક પછી બિનિતભાઈએ કહેલું, ‘ઘણી વખત લાગ્યું કે સ્ટેજ નાનું પડ્યું.’ એક જ કલાકાર દોઢ કલાક તમને બાંધી રાખે અને ત્યાર પછી પ્રેક્ષકો આવું અનુભવે એ દિગ્દર્શક, લેખક અને કલાકારની કેવડી મોટી સિદ્ધિ!

‘સ્ત્રીઓ ડૉક્ટર ન બની શકે કારણકે ચીરફાડમાં બધું લોહીયાળ, લાલ લાલ થઈ જવાનું એ જોઈને સ્ત્રીઓ ગભરાઈ જાય એવું કહેતા લોકોને ક્યાં ખબર છે કે આ લાલાશ સાથેનો અમારો નાતો તો નાનપણથી બંધાયેલો.. એનો ડર અમને હોય?’ આ માનસિકતાની સામે લડત ચલાવનાર ડૉ. આનંદીબાઈનો સંઘર્ષ ત્યારે શરૂ થયો જ્યારે ચૌદ વર્ષની ઉંમરે તેમનું બાળક જન્મ પછી તરત મૃત્યુ પામ્યું, અને એમનો ઈલાજ કરવા કોઈ તબીબ ન આવ્યા કારણકે એક પુરુષ તબીબ મહિલનો ઈલાજ કઈ રીતે કરી શકે? તેમણે નક્કી કર્યું કે આવી હતભાગી સ્ત્રીઓને બચાવવા તેમણે પોતે જ તબીબ બનવું જોઈશે અને આ નિર્ણય પછી એના માટે જીવનપર્યંત તેઓ મહેનત કરતા રહ્યાં.

‘ઉજાસનું પ્રથમ કિરણ’ પુસ્તકમાં આનંદીબાઈની વાત આલેખતા શ્રી લતાબેન હીરાણી લખે છે, ‘એક કારકુનની પત્ની ભણવા બેસે એ સમાચારે સમાજમાં હાહાકાર મચાવી દીધો. વિરોધનો એક ઝંઝાવાત ઉઠ્યો, છતાં આનંદીબાઈ અડીખમ રહ્યાં. એક ખ્રિસ્તી બાઈ સાથે આનંદીએ ટાંગામાં શાળાએ જવું એમ નક્કી થયું, પણ એ ગોરી મેડમ આ કાળી ચામડીવાળી હિંદુ સ્ત્રીને બાજુમાં બેસાડવામાં અપમાન સમજતી, આથી એ મેડમના પગ પાસે બેસીને આનંદીબાઈએ શાળાએ જવું પડતું. પણ ભણવું હોય તો તેની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. આટલું સહન કરવા છતાંય શાંતી નહોતી, આનંદીબાઈ ઘરની બહાર નીકળે એટલે લોકો એના ઉપર એંઠવાડ ફેંકતા, કચરો નાખતા અને હડધૂત કરતા. ખ્રિસ્તી પાસે ભણીને જાણે આનંદીબાઈએ હિંદુ ધર્મનો સત્યાનાશ વાળ્યો હોય એમ લોકો માનતા હતા.’

ચુસ્ત બ્રાહ્મણની સ્ત્રી ફળીયામાંય એકલી ન જઈ શકે એવા સમયે આનંદીબાઈએ દાક્તરીના ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા જવાનું હતું, ગાંધીજી વિલાયત ગયા એના પાંચ વર્ષ પહેલા આ એકલી સ્ત્રી ૧૮૮૩ની ૭ એપ્રિલે ‘ધ સિટી ઑફ કલકત્તા’ નામના જહાજમાં બેસીને અમેરિકા જવા નીકળી, અમેરિકા જનારી કદાચ એ પહેલી ભારતીય સ્ત્રી હતી. એમના પતિએ ભારતથી નીકળતા પહેલા તેમની પાસેથી અનેક વચનો લીધા હતા, અને તે છતાંય કડવા વચનો ભરેલા શંકાશીલ પત્રો એ સતત આનંદીબાઈને મોકલતા રહેતા. નાટકમાં એક સંવાદ એવો પણ છે કે,

‘તેં આપણી સંસ્કૃતિ છોડીને અને મને આપેલ વચન તોડીને પહેરવેશ બદલ્યો એ સારું નથી કર્યું, તારે આપણી રીતરસમનું પાલન કરવું જ જોઈએ.’ કારણકે આનંદીબાઈએ નવવારી સાડીને બદલે ઠંડીને લીધે શરીર પૂરું ઢાંકવા અને સમય બચાવવા ગુજરાતી ઢબે સાડી પહેરવાનું શરૂ કરેલું. ભાડુ બચાવવા જે રૂમમાં રહેતા એની ચિમની ખરાબ, એટલે ઠંડીથી બચવા પ્રગટાવેલ આગનો ધુમાડો ઘરમાં જ રહેતો, એમના શ્વાસમાં ભરાતો રહેતો. માર્ચ, ૧૮૮૬માં તેમણે ડૉક્ટરની ડિગ્રી મેળવી ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. ઓક્ટોબર ૧૮૮૬માં તેઓ ભારત આવ્યા, અને ફેબ્રુઆરી ૧૮૮૭માં ટી.બીને કારણે તેમનું મૃત્યુ થયું.

જરા ગૂગલ કરીને જુઓ, વિશ્વના પહેલા મહિલા તબીબ કોણ છે? ‘એલિઝાબેથ બ્લેકવેલ’ જેમનું નામ તો વિકિપિડીયા પણ દેખાડશે, ૨૩ જાન્યુઆરી ૧૮૪૯માં તેમણે ડોક્ટરની ડીગ્રી મેળવી. હવે જરા ગૂગલ કરો વિશ્વના એ મહિલા તબીબ જેમણે પુરુષ તરીકે ૪૬ વર્ષ પ્રેક્ટિસ કરી, ડૉ. જેમ્સ બેરીના નામે મેડિકલ પ્રેક્ટિસ કરનાર એ મહિલા હતા માર્ગારેટ એન્ન બલ્કલી, જેમણે એડિનબર્ગ યુનિવર્સિટીમાંથી ૧૮૧૨માં મેડિકલમાં ગ્રેજ્યુએશન કર્યું. નાટકમાં કહેવાયું છે કે ઉનાળામાંય એ ફરકોટ પહેરીને ઈલાજ કરતા જેથી કોઈ તેમને સ્ત્રી તરીકે ન ઓળખી જાય. સિઝેરીયન ઓપરેશન કરનાર તેઓ પહેલા તબીબ હતા. તેમના મૃત્યુ વખતે ઈ.સ. ૧૮૬૫માં ખબર પડી કે તેઓ મહિલા હતા. સમાજ ભારતીય હોય કે બ્રિટનનો કે અમેરિકાનો, સ્ત્રીઓએ સહન કરેલી યાતનાઓ અને છતાંય તેમની ઉપલબ્ધિઓ જ તેમના મનોબળને અને ઈચ્છાશક્તિને આલેખે છે.

માનસીબેન નાટકમાં હિન્દીમાં મરાઠી લઢણ ઉપરાંત ગુજરાતી, અંગ્રેજી, બંગાળી જેમ વિવિધ ભાષાઓમાં સંવાદો બોલે છે. આનંદીબાઈના જીવનના અનેક સંઘર્ષોની વચ્ચે પણ એક ખરેખરી આનંદી સ્ત્રી તરીકેનું તેમનું નિરુપણ અદ્રુત છે. એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જવા પ્રોપ તરીકે તેમણે વાપરેલો મરાઠી શબ્દ ‘અસો..’ ખૂબ મીઠ્ઠો લાગે છે. નાટક ખૂબ સરસ રીતે લખાયું છે. માનસીબેન આ દોઢ કલાકમાં અનેક લાગણીઓ લઈને ઉભરે છે, સ્ટેજ પર એ એકલા છે એવું ક્યારેય નથી લાગ્યું. મને નાટક જોયા પછી વિચાર આવેલો કે ‘ચાલ મન જીતવા જઈએ’ જે સંદેશ ખૂબ લાઉડ રીતે આપવાનો પ્રયત્ન કરે છે, જે વાતોને એ ઘૂંટી ઘૂંટીને ઘાટ્ટી કરે છે એમાંની ઘણી વાતો આનંદીના જીવનના નિરુપણ મારફત આ નાટક શોરબકોર વગર સંવાદોમાં કેવી સરળતાથી – સહજતાથી મૂકી આપે છે! સહેજ પણ લાઉડ બન્યા વગર..

આજના જમાનામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા સ્યૂડો ફેમિનિસ્ટ્સ સ્ત્રી સશક્તિકરણને નામે જે ધમપછાડા કરે છે તેમને માટે આનંદીબાઈનો સમગ્ર જીવનકાળ, તેમનો સંઘર્ષ અને એક સ્ત્રી તરીકે તેમના સંઘર્ષમાંથી ઉદભવતો ચિત્કાર સજ્જડ તમાચો છે. ખરું સ્ત્રી સશક્તિકરણ કઈ રીતે આવે એનો આ પડઘો છે. સલામ મનોજભાઈ, માનસીબેન.. સલામ ગીતાબેન.. આવો વિષય પસંદ કરવો, આલેખવો એને એકલે હાથે સ્ટેજ પર ઉતારવો અને તે છતાંય પ્રેક્ષકોને સતત નાટક સાથે જોડી રાખવા એ ઉપલબ્ધી જ છે. સતત તાળીઓ વાગતી રહે એવી અનેક મોમેન્ટ્સ આ નાટકમાં છે અને અંતે સ્ટેન્ડિંગ ઓવેશન અપાયું ત્યારે એક ગુજરાતી તરીકે ગર્વ થવો ખૂબ સ્વભાવિક છે. મનોજભાઈ પાસેથી સતત આવા અનોખા નાટકોની અપેક્ષા વધતી રહે છે. મનોજભાઈના નાટકોની તો એક આખી સીઝન થઈ શકે, કદાચ પૃથ્વીમાં એ થઈ પણ હતી.. દિલ્હીમાં સતત વ્યસ્ત રહેતા નાટ્યગૃહોમાં અને સ્ટીરીયોટાઈપ થઈ ગયેલા ગૃપવિશેષના નાટકો કરતાં આ પ્રકારના નાટકોની પ્રસ્તુતિ વધુ થાય એવી અપેક્ષા અસ્થાને નહીં ગણાય. નાટકના કસબીઓ છે સેટ – કબીર ઠાકોર, વેશભૂષા – રાજીવ ભટ્ટ, સંગીત સંચાલન – નમન શેઠ, સંગીત – કનૈયા, પ્રકાશ – શેખર ફડકે, લેખક – ગીતા માણેક, દિગ્દર્શક – મનોજ શાહ, અભિનય – માનસી જોષી. તમારા શહેરમાં મંચન હોય તો આ નાટક જોવાનો અવસર ચૂકવા જેવો નથી.

– જીજ્ઞેશ અધ્યારૂ


આપનો પ્રતિભાવ આપો....

10 thoughts on “ડો. આનંદીબાઈ : ભારતની પ્રથમ મહિલા ડૉક્ટરના જીવનની હકીકતો.. – જીજ્ઞેશ અધ્યારૂ

 • kamlesh kamdar

  હા આ વાત સામ્ભળિ ત્યારે ઘણો ઇમોશનલ થયો હતો. મારા ડોક્ટર્ આન્દિબાઇ ને લાખ લાખ પ્રણામ્.

  જય ભારત્

 • Meera Joshi

  Khub sundar lekh. ghani vato janva mali!
  Rang manch nu aakarshn fari ek vaar thaai gyu!
  Gujarat ma aa ane aava natako bhajvay evi aasha..

 • જગદીશ કરંગીયા ‘સમય’

  અતિ સુંદર વર્ણન,
  નાટકની આખી ટીમને અભિનંદન અને આ મુકતક અર્પણ .
  ——–

  અભિનય
  ~~~~~
  આ મારી વ્યથા, આ મારી વાણી,
  જાહેર જીવનમાં કોઇએ નાં જાણી;
  પડદો ખસ્યો ને આંખમાં આવ્યાં પાણી,
  અભિનય સમજીને લોકોએ ખૂબ વખાણી.

  ~ જગદીશ કરંગીયા ‘સમય’
  https://jagdishkarangiya.wordpress.com/2017/01/16/

 • Anila Patel

  એક કલાકાર જીવને કલાકારની અદા આકર્ષ્યા વગર કેમ રહી શકે? ખૂબ ખૂબ ધન્યવાદ આવા સરસ લેખ અમારા સુધી
  પહોંચાડવા બદલ.

 • સંજય ગુંદલાવકર

  તમારો રિવ્યુ વાંચીને માનસી જોષીનો અભિનય જોવાની જંખના જાગી. આનંદીબાઈની વેદનાને એક પાત્રી નાટકના માધ્યમ દ્વારા સ્ટેજ પર પહોંચાડનારા તમામ કસબીઓને સલામ.

 • નીવારોઝીન રાજકુમાર

  મૂળ તો હું પણ રંગમંચની કલાકાર ખરી… આ વાંચીને એક ખેંચાણ થયું. કાશ…. પણ આખી ટીમને અભિનંદન અને તમે આ રિવ્યુ અમારા સુધી પહોંચાડ્યો એટલે આભાર.