(‘શબ્દસૃષ્ટિ’ સામયિકના મે ૨૦૧૦ના અંકમાંથી સાભાર)
સમગ્ર બ્રહ્માંડમાં અનેક ગ્રહો છે, પણ પૃથ્વીની પોતાની એક અલગ ગોળ દુનિયા છે. તેમ પૃથ્વીની ગોળ દુનિયામાં ટ્રેનની પોતાની અલગ દુનિયા છે. તે જો કે ગોળ નહિ પણ લંબચોરસ છે, તે વાત જુદી છે.
ટ્રેનમાં દરેક દેશના, ધર્મના, જ્ઞાતિના, અમીર-ગરીબ, કાળા-ધોળા, ટિકિટવાળા-ટિકિટ વગરના એમ બધા જ પ્રકારના માણસો મુસાફરી કરી શકે છે.
ટ્રેનમાં મુસાફરી કરનાર માણસોમાંથી બહુમતી વર્ગ ટિકિટ લઈને મુસાફરી કરવાવાળો હોય છે. કોઈ દૂરના સ્થળે ટ્રેનમાં જવાનું નક્કી થય ત્યારે પહેલું કામ ટિકિટ બુકિંગ કરાવવાનું હોય છે. કન્ફર્મ ટિકિટ મળી જાય તો હરખાતાં હરખાતાં મુસાફરીની તૈયારી કરવાની. વેઇટિંગમાં વધુ નંબર હોય તો ‘તત્કાલ’માં બુકિંગ કરાવવાનું અને જો તત્કાલમાં કરાવ્યા પછી પણ કન્ફર્મ ટિકિટ ન મળે તો પછી જાતને ‘મહાકાલ’ને હવાલે કરતા હોય છે તેમ ટ્રેનમાં ચડવાનું હોય છે.
ટ્રેનમાં ચોક્ક્સ ડબ્બામાં, ચોક્ક સમયમાં, ચોક્કસ સમાન લઈને અચોક્કસ સંખ્યાના લોકોની સાથે ચડવાનું હોય છે, એ ચોક્ક્સપણે સહેલું નથી. આપણે તો પછી ચડીએ છીએ, આપણો જીવ તો પહેલા ઊંચો ચડી જાય છે. હિમાલય ચડી આવેલો પર્વતારોહક પણ ટ્રેનમાં તો ચડી જ જશે – એમ ચોક્કસ પણે કહી શકાય નહિ! કન્ફર્મ ટિકિટ મળી જાય તો તૈયારી તો હરખતાં હરખાતાં કરવાની હોય છે, પણ ટ્રેનમાં ચડવાનું કાર્ય તો ઠોંસા – ધક્કા વગેરે ખાતા ખાતા જ કરવાનું હોય છે (ને મુસાફરી તો ઘણુંયે ખાતાં ખાતાં કરવાની હોય છે.)
પેસેન્જર ટ્રેનનાં પ્લૅટફૉર્મ પર ક્યારેક એટલો બધો સામાન જોવા મળે છે કે આપણને લાગે કે આપણે ભૂલથી માલગાડીના પ્લૅટફૉર્મ પર આવી ગયા છીએ. પણ પછી ઘણા બધા માણસો પણ દેખાય એટલે નિરાંત થાય.
કોઈ સાત વ્યક્તિના કુટુંબના સત્તાવીસ દાગીના જોઈને આપણને પણ થાય, ‘બિચારાં! પોતાનું ગામ-રાજ્ય છોડીને હંમેશ માટે બીજે વસવા જઈ રહ્યાં છે…. કદાચ દેશ છોદી જવાનાં હશે…. કેવું થતું હશે એમને?’ પણ પછી જ્યારે તેઓ તમારા જ ડબ્બામાં ચડે ને વાતો નીકળે ત્યારે તમને ખબર પડેે કે તે લોકો તો ચૈન્નઈમાં એમના ફઈના કાકાજી સરસરાની વરસી વાળવાની છે – ત્યાં જઈ રહ્યાં છે! એક અઠવાડિયું ત્યાં રોકાવાના છે. સાત વ્યક્તિ વચ્ચે આઠ-દસ થેલા તો હોઈ શકે પણ સત્તાવીસ? તમને ચક્કર આવવા માંડે છે. વાતો કરતાં કરતાં ખ્યાલ આવે કે આઠેક થેલામાં તો ઘઉંનો, બાજરાનો, ચણાનો, ઢોકળાનો એવા વિવિધ પ્રકારના લોટ ભર્યા છે.
‘ફઈની વિમુ જ્યારે ત્યારે કહે છે, ‘અહીં સારા ઘઉં બાજરો ક્યાં મળે છે?’ તે આ વખતે મન થયું કે બધું લેતા જઈએ. અને જોને, આ ચાર ડબ્બામાંથી એકમાં ચકરી, બીજામાં ગોરધાનભાઈનો પ્રખ્યાત ચેવડો, ત્રીજામાં….’ તેમની ચારે બાજુ ડબ્બા પડ્યાં હોય અને તેઓ અનાજ દળવાની ઘંટીવાળાની જેમ શોભતા હોય.
અન્ય થેલામાં શું છે તેની તીવ્ર જિજ્ઞાસા તમને થતી હોવા છતાં તમારે તે જાણવા માટે થોડી રાહ જોવી પડે છે. બે-ત્રણ સ્ટેશન જતાં જ તેમનો નાનો બાબો હીંચકાનું વેન કરે છે. તમને હસવું આવે છે, ‘આ કંઈ બગીચો છે?’ એવું તમે વિચારો છો. પણ પછી થોડી આનાકાની બાદ તેઓ એક મોટો થેલો ખોલે છે, અને તમારા આશ્વર્ય વચ્ચે છ ફૂટ લાંબો ફોલ્ડિંગ હીંચકો કાઢી, ખોલી ટ્રેનના પંખા સાથે બાંધી દે છે. ‘લે ચકા, હીંચક!’ તમારા મનમાં એક જ પ્રશ્ન ધૂમરાય છે – ‘પહેલા કોણ નીચે આવશે? પંખો, હીંચકો કે ચકો?’
થોડી વાર પછી તેમનો મોટો સુપુત્ર તેમના કાનમાં કંઈક કહે કે તરત બીજા એક થેલામાંથી બેટ કાઢી તેના હાથમાં આપે. રબ્બરનો મોટો દડો મોંથી હવા ભરી ફુલાવી આપે અને કહે, ‘જો સચીન, ટ્રેનમાં આવા મોટા દડાથી જ રમાય… બારી બહાર ન જાય…’ પછી તમારા ભણી જોઈને કહે, ‘આમ તો નામ નિશાંત છે, પણ તેને સચીન કહીએ તો જ ગમે છે. સચીનની જેમ જ બેટિંગ કરે છે.’ પછી સચીનની ફટકાબાજી તો ચાલ્યા કરે – તેનું બેટ અથડાવાથી કોઈની ચીન – હડપચી સોજી ન જાય ત્યાં સુધી… તે ‘કોઈ’ તમે પણ હોઈ શકો. પણ ફિકર નહિ – એક બૅગમાંથી તેઓ આયોડેક્સની શીશી કાઢી તમારા ભણી લંબાવશે અને લોહી નીકળ્યું હશે તો પાટાપિંડી પણ કરી આપશે. આમ, આખી મુસાફરી દરમિયાન તેમના એક પછી એક થેલા ખૂલતા રહે અને જાદુગરની ટોપલીની જેમ એક પછી એક વસ્તુ નીકળતી રહે.
રેલવેતંત્રના તો જેટલા વખાણ કરીએ એટલાં ઓછાં. કોઈ ટ્રેન સામેથી આવવાની હોય ત્યારે એક સ્ટેશનમાં થોભાવી દેવામાં આવે છે, જેથી બન્ને ટ્રેન એક જ પાટા ઉપર સામસામે ન આવી જાય. પણ ક્યારેક આપણને એમ લાગે કે આટલા કલાક સામેવાળી ટ્રેનને પસાર થવાની રાહ જોઈ, તેના કરતાં આ પાતાને સમાંતરે બીજા પાટા નાખવા શરૂ કર્યા હોત તો નખાઈ ગયા હોત, ને આપણે પહોંચવા આવ્યા હોત.
અમારે એકવાર દૂરના સ્ટેશને જવાનું હતું. ટિકિટ કન્ફર્મ થઈ ગઈ હતી. સામે બોગી નંબર બરાબર વાંચી, અંદર નંબર શોધી હરખભેર ગોઠવાઈ ગયાં. ટ્રેન ઊપડવાને હજુ અડધી કલાકની વાર હતી. અમે પણ વહેલા આવી જવાથી આનંદીત હતા. બહાર ચહલપહલ થતી હતી. બધાં અંદરબહાર થતાં હતાં. ટ્રેન ઊપડી. અડધી કલાક પછી ટી.ટી. આવ્યા. મેં બગાસું ખાતાં-ખાતાં એને ટિકિટ આપી.
‘ઇસ બોગીમેં ક્યોં બેઠ ગયે? તુમ્હારી બોગી તો એસ-ટૂ હૈ?’
‘તો આ એસ-ટૂ તો છે.’
‘અરે, યહ એસ-ટૂ કહા હૈ? યહ તો સેવન હૈ.’
‘લેકિન હમ તો આધે ઘંટે પહલે ટ્રેન આતે હી નંબર બરાબર પઢકર ચઢે થે. ઐસા કૈસા હો સકતા હૈ?’
‘તભી તો ઐસા હુઆ હૈ. દસ મિનિટ પહલે ચોકસ્ટિક સે જો નંબર લિખે જાતે હૈ, વે ફાઈનલ નંબર હોતે હૈ.’
‘લેકિન.’
‘લેકિન-વેકિન કુછ નહીં… અગલે સ્ટેશન ઈન સીટોવાલે પેસેન્જર આયેંગે. આપ એસ-ટૂ મેં શિફ્ટ હો જાના.’
મે આગલા સ્ટેશને બોગી બદલવા સજ્જ થયાં ત્યાં બાજુવાળા અનુભવી મુસાફરે કહ્યું, ‘આગલા સ્ટેશને તો ટ્રેન બે મિનિટ જ ઊભી રહેશે. ત્યાં બોગી નહીં બદલી શકાય. વધુ સમય માટે ઊભી રહે એવું સ્ટેશન તો બે કલાક પછી આવશે.’
‘તો શું કરવું?’ મેં હાંફળાફાંફળા થઈ પૂછ્યું.
એક બોગીમાંથી બીજી બોગીમાં જવા માટે બન્ને વચ્ચેચાલવાની થોડી જગ્યા હોય છે, તેમાંથી ચાલી ચાલીને તમે એસ-ટૂમાં પહોંચી જાઓ.
પછી અમે આખું કુટુંબ હાથમાં ને ખભા પર સામાન ઉપાડી હાલકડોલક થતાં, સામાનને માંડમાંડ પડતો બચાવતાં, પડતાં-આખડતાં, બીજાનો સામાન ઠેંકતા આગળ વધ્યાં. રસ્તામાં આવતી બધી બોગીના પેસેન્જરોને જાણે વગર પૈસે નટ-બજાણિયાનો ખેલ જોવા મળ્યો. બધાં અમારી સામે કંઇક રમૂજથી, કંઇક દયાથી જોતાં હતાં. એસ-ટૂ સુધી પહોંચતા સુધીમાં અમે થાકીને લોથ્પોથ થઈ ગયાં. છતી ટિકિટે અમારી મુસાફરી ચાલતાં ચાલતાં થઈ. જોકે ટ્રેનમાં મુસાફરી કરવાની સાથો સાથ ટ્રેનની અંદર મુસાફરી કરવાની તક અમને વધારો કોઈ ચાર્જ ચૂકવ્યા વિના મળી, એ રેલવેતંત્રની ઓછી ઉદારતા?
ટ્રેન તેમાં મુસાફરી કરનારને અનેક રીતે ટ્રેઇન કરે છે. ‘ભારતના દરેક નાગરિકને માટે એન.સી.સી. ની ત્રણ વર્ષની તાલીમ ફરજિયાત હોવી જોઈએ’ એવું કહેનારા એ ભૂલી જય છે કે ભારતના કેટલા બધા નાગરિકો ટ્રેનની મુસાફરી કરતાં કરતાં કેવા ટ્રેઈન્ડ થઈ જતા હોય છે. એમને પછી બીજી કોઈ તાલીમની જરૂર જ રહેતી નથી.
એક વસ્તુના અનેક ઉપયોગ કરતા ટ્રેન આપણને શીખવે છે. છાપું માત્ર વાંચવા માટે થોડું છે ટ્રેનમાં તમે તેનો ઉપયોગ હવા ખાવા માટે કરી શકો, મચ્છર મારવા માટે પણ કરી શકો, કોઈ બારીનૉ તિરાડમાંથી રાત્રે ઠંડો પવન સુસવાટા મારતો આવેલો હોય તો તેમાં છાપું ભરાવી દો – કામ પત્યું. સીટ સાફ કરવી છે? છાપું હાજર છે. પણ્ આવા વખતે છાપું બીજાનું હોય તો ઉત્તમ! ચીકું, કેળા, સંતરાં વગેરેની છાલ નાખવા માટે પણ છાપું. પછી છાપું બીજાની બર્થ પર સૂઈ ગયા હોય ત્યારે મૂકવાનું ભૂલશો નહિ. કીડી-મંકોડા થોડીવારમાં જ તેમને ઘેરી વળશે અને જગાડી દેશે, તેથી તેમનું સ્ટેશન ચાલ્યું ન જાય. અને તેઓ ઊતરવા ધારેલા સ્ટેશને ઊતરી શકશે. બૅગ ફક્ત વધુ સામાન સમાવે છે એવું નથી, એક વખત તેને કોઈના પગ પર જવા દો… પછી જુઓ… એ તમારાથી બે ફૂટ દૂર જ બેસશે. આથી તમને વધુ જગ્યા મળી રહેશે. એ યને… બેસો પહોળા થઈને!
કર્ફ્યુ દરમિયાન દિવસો સુધી ઘરમાં ગોંધાઈ રહેનાર લોકો બહાર નીકળ્યા પછી જરૂર કરતાં વધારે વસ્તુઓ ખરીદતા હોય છે. ઘરવાસ દરમિયાન વિવિધ કારણે વિવિધ પરેજી પાળતા લોકો ટ્રેનપ્રવાસ દરમિયાન, એકલા હોય ત્યારે બધી પરેજીનું સાટું વાળી લે છે. ચા પીએ, પછી ‘ચા બરાબર નહોતી’ એમ કહીને કૉફી પીએ. સમોસાં ખાય, પછી ‘વધારે પડતાં તીખાં છે’ – કહી સૅન્ડવિચ ખાય. તે ખાતાં-ખાતાં બપોરના ભોજનનો ઑર્ડર આપી દે – ફૂલ થાળીનો. પછી વળી શિંગભજિયાં ઝાપટે, પછી કંઈક કોલ્ડડ્રિંક પીએ. ત્યાં જમવાની થાળી આવી જાય. થાળીમાં આવેલું બધું સાફ કર્યા પછી અડધોક ડઝન કેળાં ખાય… આમ, આખો દિવસ ચાલ્યા કરે. પછી શિયાળાની રાતે પેટીપૅક બોગીમાં સૂતાં સૂતાં સમજાય કે આટલું બધું ખાધું એમાં તો પૈસા, પેટ અને આજુબાજુની હવા- બધું બગાડ્યું! અને બગીચામાંના બીજા પેસેન્જરને એ ન સમજાય કે તેણે આવું શા માટે કર્યું?
અમુક પેસેન્જર ટ્રેનમાં જાગે ઓછું ને ઊંઘે વધારે. લાંબી ઊંઘમાંથી જાગ્યા બાદ જાણે પોતે કોઈ અજાણ્યા ગ્રહ ઉપર આવી ગયો હોય ને અજાણ્યા ગ્રહવાસીઓને જોતો હોય એમ બધા પેસેન્જરને બાઘો થઈને જુએ અને પાછો ઊંઘી જાય. કુંભકર્ણનો અનન્ય અનુયાયી હોય એમ લાગે!
એનાથી ઊલટું, કેટલાક પેસેન્જર ચોકીપહેરો ભરતા હોય એમ સતત ખુલ્લી આંખે બેઠા રહે અને ચકળવકળ જોયા કરે – હોરર ફિલ્મ જોતા હોય એમ પોતે પણ હોરર ફિલ્મના પાત્ર જેવા લાગતા હોય. આમ પણ રાત્રે ટ્રેનનું વાતાવરણ ભયાવહ ફિલ્મ જેવું હોય છે. તમારી ઊંઘ ઊડી જાય તો કાળી રાતે પણ પેલા પેસેન્જર મોટા ડોળા આમતેમ ધુમાવતા હોય, વચ્ચે-વચ્ચે આવતો વ્હીસલનો તીણો અવાજ ભૂત કે ડાકણની ચિચિયારી જેવો લાગતો હોય, કોઈનાં નસકોરાં હિંસક પ્રાણીઓનાં ધુરકિયાં જેવાં સંભળાતાં હોય. એવામાં કોઈ વિચિત્ર પહેરવેશ અને દેખાવવાળી વ્યક્તિ તમારી બોગીમાં પ્રવેશે તો તમારામાં ભયની એક કંપારી પસાર થૈ જાય. પણ પછી, તેઓ પણ કોઈ પેસેન્જર છે – એમ ખ્યાલ આવે.
ટ્રેન ટ્રેનિંગ-સેન્ટરની ભૂમિકા પણ ભજવતી હોય છે. જેમ કોઈ ટ્રેનિંગ-સેન્ટરમાં વિઝીટીંગ વ્યક્તિઓ આવે, તેમ ટ્રેનમાં ફેરિયા, ભિખારી, પાવૈયા વગેરે આવે છે. તેઓ પોતાની પાસેની વસ્તુઓ વિશેનું. પોતાની દયાજનક સ્થિતિ વિશેનું અને આપણા પોતાના વિશેનું જોઈતું – વણજોઈતું જ્ઞાન આપીને આપણને સમૃદ્ધ કરી જાય છે; ને વળી ખિસ્સાં હળવાં કરી ચાલ્યા જાય છે. ક્વચિત કોઈ એવા પ્રકારની વિઝિટિંગ વ્યક્તિ પણ આવી જાય છે કે જેના ગયા પછી આપણને ખબર પડે છે કે તે આપણને ઘણું જ્ઞાન આપી ગઈ છે એથીયે મોટી ફી વસૂલ કરી ગઈ છે. આવી વ્યક્તિને બધાં ‘ચોર’ કે ‘ગઠિયા’ તરીકે ઓળખે છે.
ટ્રેનની મુસાફરી દરમિયાન અવનવા અનુભવો થતા રહે છે. પહેલાં ચરક આપણા ઉપર પડે ને પછી આપણે ઉપર જોઈએ ત્યારે ખબર પડે કે કાગડો છે, એવી જ રીતે કોઈના ચંપલ તમારા પગ ઉપર પડે ને પછી તમે ઊંચે જુઓ ત્યારે ખબર પડે કે તમારી ઉપલી બર્થમાં એક મહાશય છે અને નીચે ઊતરતા પહેલાં એમણે ચંપલને નીચે મોકલ્યાં છે.
ત્રણ આંકડામાં વજન ધરાવનાર કોઈ સ્થૂળકાય મનુષ્ય ઉપલી બર્થમાં ચડવા માટે પ્રયત્ન કરે છે. અડધે સુધી ચડે છે, પરંતુ પછી ‘સંસારમાં રહેવું કે સંન્યાસ લઈ લેવો’ – એવી દ્વિધા અનુભવતો જીવ જેમ નથી પૂરો સંસારમાં રહી શકતો કે નથી સંન્યાસ લઈ શકતો – એમ નથી તે નીચે ઊતરી શકતો કે નથી ઉપર જઈ શકતો. ઠીક ઠીક વાર સુધી તે ઉપર-નીચે શરીરને ખેંચે છે ને પછી ધબ્બ દઈને નીચે આવી જાય છે.
સવારના સમયે અને સાંજના સમયે તમારી બોગીમાં ‘અપડાઉનવાળા’ તરીકે ઓળખાતા, પેધી ગયેલા, રેલવેના ઘરજમાઈ જેવા ‘પાસવાળા’ આવી ચડે છે. તેમની બોગીની ટિકિટ હોતી નથી. પણ એમનો આત્મવિશ્વાસ એટલો પ્રચંડ હોય છે કે તમને ઘડીભર શંકા થઈ આવે કે તમે કોઈ ખોટી બોગીમાં તો નથી આવી બેઠાને? ઉપલી બર્થમાં રહેલા સામાનને તેઓ ‘ડાઉન’ કરીને પોતે ‘અપ’ થઈ જાય છે. અને પછી એક-દોઢ કલાક સુધી – જ્યાં સુધી તેઓ તેમના ગંતવ્યસ્થાને ન પહોંચે ત્યાં સુધી તમને નથી સરખા ‘અપ’ રહેવા દેતા કે નથી સરખા ‘ડાઉન’ રહેવા દેતા!
ટ્રેનની મુસાફરી દરમિયાન મુસાફરો ગુમાવતા – મેળવતા રહે છે. ક્યારેક જીવનભર સાથે રહેલી તમારી કોઈ ચીજ કોઈ ઉઠાવગીર ઊઠાવી જાય છે તો ક્યારેક અત્યાર સુધી અન્ય લોકો સાથે રહેલી પણ જીવનભર સાથે રહે તેવી કોઈ અજાણી વ્યક્તિ કોઈને મળી જાય છે. વાતો વાતોમાં ટ્રેનમાં બેઠા – બેઠા જ સાત સમંદરની સહેલગાહ થઈ જાય છે ને દુનિયાભરનાં ફૂલોની સુગંધ લહેરીઓ વહેવા લાગે છે. પરિચયથી પરિણય સુધીની ગતિ નિશ્વિત થઈ જાય છે.
ટ્રેન-સફર પૂરી થયા પછી નીચે ઊતરવું પણ સહેલું નથી. પૃથ્વી પરના મનુષ્યો સ્વર્ગમાં જવા જેટલા તત્પર નથી હોતા એટલા તત્પર સ્ટેશન પરના લોકો ટ્રેનમાં ચડવા માટે હોય છે. એ બધાના પ્રચંડ ધસારા વચ્ચેથી નીચે ઊતરવાનું હોય છે. એના માટે તમારામાં, સ્વર્ગમાંથી પૃથ્વી પર અવતરતા દેવ જેવું સામર્થ્ય જોઈએ.
આપણે સૌને મુસાફરી કરાવવા માટે, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે ટ્રેન પોતે કેટકેટલાં કષ્ટ ઉઠાવે છે! પોતાના શરીરના ભાગોને અનેક વાર છૂટા પાડે છે અને ફરી જોડે છે. ક્યારેક, જવલ્લે જ તે ખિજાય ત્યારે પાટા ઉપરથી ઊતરી જઈ, આપણા શરીરના ભાગોને પણ છૂટા પાડી આપે છે.
– પરાગ મ. ત્રિવેદી
હસ્ય સાથે એક સરસ મસાફરિ..
મે કરેલી પહેલી ટ્રેનની મુસાફરી ફરી કરાવી…
ટ્રેનની મુસાફરી વિડીયો દર્શન કરાવી ગઈ. અપચો ન થાય તો સારું. –આંખને.
મારી પહેલી ટ્રેન મુસાફરી યાદ આવી ગઈ.
સરસ મઝાનો હાસ્યલેખ. રમૂજથી ભરપુર.
હાસ્યનો અદ્ભુત નજારો ટ્રેનની મુસાફરીમાં માણવા મલ્યો.
આ મુસાફરી હાસ્યસભર રહી. અભિનંદન