ગામડાની ગરિમા – મથુર વસાવા 6
ઘણાખરા લોકો રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને સામેની વ્યક્તિને ‘તું તો સાવ ગામડિયો જ છે, ના સુધરે’ તેવો શબ્દપ્રયોગ કરતા હોય છે પણ ગામડિયો શબ્દમાં દેશનો ખજાનો છે, અને ગામડા થકી જ શહેરનું હદય ધબકતું હોય છે. કરિયાણાની દુકાનમાં આપણે બાસમતી ચોખાનો ભાવતાલ પૂછીએ છીએ તે બાસમતી ચોખા ગામડાનાને પ્રતાપે છે. બાસમતી ચોખાના એક એક દાણા પાછળ ખેડૂતની અઢળક પરિશ્રમના ટીપાં હોય છે. વિવિધ પ્રસંગોના ભોજન સમારંભમાં બત્રીસ પ્રકારની વાનગીઓ આરોગીએ છીએ તે પણ ખેડૂતના પ્રતાપે જ હોય છે. એક એક વાનગીમાં ખેડૂત જીવે છે. ખેડૂત વિનાની દુનિયા કલ્પી શકાય તેમ નથી. તેના વિના કેટકેટલું ખૂટી પડે? આથી જ તેને ધરતીનો તાત કહેવામાં આવે છે.