મને ગમી જતી, જોવા લાયક ફિલ્મો /ટી.વી શ્રેણી વિશે સમયાંતરે લખતો રહ્યો છું, પણ આ પહેલી પોસ્ટ છે જેમાં લખું છું કે આ શ્રેણી શા માટે ન જોવી જોઈએ.. ખૂબ ઉત્સુકતાથી જોયેલી અને છેલ્લે ભયાનક નિરાશા આપતી આ શ્રેણી કેમ ન જોવી એના કારણો વિશે લખવાનું મને જરૂરી લાગ્યું. મગજ, સમય અને પૈસાનો બગાડ એવી ૨૦૦૭ની જય અશૅરની આ જ નામવાળી નવલકથા પરથી બનેલી નેટફ્લિક્સની અમેરીકન ટેલીવિઝન શ્રેણી 13 Reasons why આત્મહત્યાને યથાર્થ ઠેરવી એ માટેના કારણો વિશે વિગતે વાત કરતી, હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજીક જીવન, મિત્રતા, સ્વાર્થ, અભિમાન અને ઘેલછાઓને આત્મહત્યા માટેના કારણો તરીકે દર્શાવવાનો પ્રયત્ન છે. કુલ ૧૩માંથી ૮ હપ્તા સુધી મને એમ હતું કે આગલા હપ્તામાં કંઈક જબરદસ્ત આવશે, કે નકારાત્મકતા જાણી જોઈને મૂકાઈ છે અને તેનો સમૂગળો છેદ છેલ્લા હપ્તાઓમાં ઉડી જશે, પણ બદનસીબે છેલ્લા હપ્તા તો એથીય વધુ ભયાનક નીકળ્યા, જ્યાં આત્મહત્યાને કારણોસહ જસ્ટિફાઈ કરાઈ છે.
વાતના મૂળમાં છે ૧૭ વર્ષની હેન્ના બેકર નામની એક છોકરી જે હાઈસ્કૂલમાં ભણે છે, પહેલા જ હપ્તામાં દેખાડાયું છે કે હેન્નાએ આત્મહત્યા કરી છે, તેના વર્ગમાં જ ભણતો ક્લે જેન્સન હેન્નાનો મિત્ર હતો, તેને ઘરે એક પાર્સલ મળે છે, જેમાં કુલ ૭ કેસેટ્સ છે. ક્લે એ કેસેટને સાંભળવાનું શરૂ કરે એટલે એ ચોંકી જાય છે, કારણકે તેમાં હેન્નાનો અવાજ છે. હેન્ના કહે છે કે તેણે આત્મહત્યા કરવી પડી એના ૧૩ કારણો છે, એના વર્ગના કે શાળાના એવા ૧૩ જણની વાત આ કેસેટ્સમાં એણે કરી છે, અને એ ૧૩માં ક્યાંક ક્લે પોતે પણ છે. હેન્ના પહેલા વ્યક્તિ વિશે વાત કરે એની સાથે સાથે ક્લેને એ સ્થળો જ્યાં હેન્નાને નાસીપાસ કરે એવી ઘટનાઓ બની ત્યાં જવાનું પણ કહે છે.
અને ક્લે કેસેટ્સ સાંભળવાનું શરૂ કરે ત્યારે પહેલો જ ડાયલોગ છે..
Hey, it’s Hannah. Hannah Baker. That’s right. Don’t adjust your… whatever device you’re hearing this on. It’s me, live and in stereo. No return engagements, no encore, and this time, absolutely no requests. Get a snack. Settle in. Because I’m about to tell you the story of my life. More specifically, why my life ended. And if you’re listening to this tape… you’re one of the reasons why.
– Hannah Baker (from the tape 1), 13 Reasons why
તો પહેલા આ શ્રેણીની મને ગમેલી થોડીક વાતો.. હેન્નાનું પાત્ર નિભાવતી કેથરીન લોંગફોર્ડનો અભિનય કાબિલેદાદ છે, આત્મહત્યા કરી ચૂકી છે એ પહેલા જ હપ્તાથી ખ્યાલ હોવાથી દર્શક તેની સાથે પહેલા જ દ્રશ્યથી સહાનુભૂતિ સાથે જોડાય છે, પણ સતત અવગણના, મજાક અને અપમાનનું પાત્ર બનેલી હેન્નાના મનોમંથનને કેથરીન બખૂબી દર્શાવે છે. આશા અને નિરાશા વચ્ચે ઝૂલતી, વિશ્વમાં પોતાની અંગત સ્પેસમાં પોતાની રીતે જીવવા માંગતી છોકરીનો અભિનય તેમણે અદભુત રીતે કર્યો છે. વર્તમાન અને ફ્લેશબેકમાં સતત ચાલતી આ શ્રેણીનું ડાયરેક્શન સરસ છે, પાત્રો પણ સરસ રીતે ઉપસે છે, તેમની વ્યક્તિગત નબળાઈઓ અને સ્વભાવ આપણને પોતાના લાગે એ રીતે દેખાડાયા છે, અને એ જ ક્યાંક યુવાવર્ગને માટે ભયજનક છે. હેન્નાના વર્ગના દરેકનું કાસ્ટિંગ સરસ છે, તો હેન્નાની ટેપ સાંભળતા ક્લે જેન્સનનું પાત્ર નિભાવનાર ડિલન મિનેટનો અભિનય પણ ખૂબ સરસ છે. હેન્ના પ્રત્યે આકર્ષણના, અન્યો પ્રત્યે તુચ્છકાર અને ગુસ્સાના, પોતાના પ્રત્યે અફસોસના ભાવ એ બખૂબી દેખાડી શક્યો છે. બંને વચ્ચેની દોસ્તી દેખાડવાનો પ્રયત્ન પહેલા જ હપ્તામાં સ્પર્શી જાય છે. વળી જ્યારે ખબર હોય કે એ આત્મહત્યા કરી ચૂકી છે, અને હવે આ કેસેટ્સના માધ્યમથી એ દરેકના રહસ્ય ખોલતી કંઈક કહેવાની છે ત્યારે ઉત્સુકતા વધી જાય. એવા અને એટલા કારણો જેના લીધે તેણે આત્મહત્યા કરી એ દરેકને વિસ્તારપૂર્વક દેખાડવાનો પ્રયત્ન, એ દરેક હપ્તાની અલગ વાર્તા અને તેમને બાંધતી એક દોરી એટલે હેન્નાની શાળાના પાત્રો, એના માતા-પિતા અને ક્લે, આ બધુંય દરેક હપ્તે દેખાયા કરે છે. પહેલા જ હપ્તામાં ઓસ્ટ્રેલીયન ગાયક-ગીતકાર વેન્સ જોયનું ‘યોર મેસ ઈઝ માઈન’ ગીત હેન્ના અને ક્લે પર ખૂબ સરસ રીતે ફિલ્માંકન પામ્યું છે. આટલા સરસ પાયલોટ એપિસોડને લીધે આખી શ્રેણી પાસેથી મારી અપેક્ષા વધી ગયેલી. જેસિકા તરીકે અલીશા બૉ, ઝેક તરીકે રોઝ બટલર, ઓલિવીયા બેકર તરીકે કેટ વૉલ્શનો અને શૅરી તરીકે અજીઓના એલેક્સસનો અભિનય જોવાની મજા આવી.
હેન્નાની કેસેટ્સ એ ૧૩ પૈકીના એક પછી એક લોકો પાસે ફરી રહી છે, ક્રમવાર એ કેસેટ્સ એકે બીજાને અને બીજાએ ત્રીજાને આપવાની છે, અને ક્લેનો ક્રમ પાછળ છે, એટલે એની પહેલા એક આખા ગ્રૂપને ખ્યાલ છે કે કોણ કોણ હેન્નાના મૃત્યુ માટે એની કેસેટ્સમાં જવાબદાર ઠેરવાયું છે, અને એથી બચવાના ઉપાયો પણ એ બધાં અજમાવવા માંડે છે. શ્રેણીનો મૂળ વાંધો એ છે કે અહીં આત્મહત્યાને એક ઉકેલ તરીકે દર્શાવાયું છે, આત્મહત્યાથી જાણે હેન્ના તેની બધી જ મુશ્કેલીઓમાંથી મુક્ત ગઈ અને એ પછી જેણે જેણે એનું અપમાન કર્યું કે તેને નુકસાન પહોંચાડ્યુ એ બધાની સાથે બદલો લેવાનો હાથવગો ઉપાય છે કેસેટ્સ.. ટેપમાં હેન્ના કહે છે કે કેસેટ્સ જો એક પછી બીજા વ્યક્તિને ન અપાઈ તો તેની પાસે બીજો સેટ પણ ગોઠવેલો છે, જે એ પહોંચાડી શકે છે. વળી આત્મહત્યા માટે કોઈ પણ કારણ યથાર્થ કઈ રીતે હોઈ શકે? કોઈએ તમારું વર્ગમાં અપમાન કર્યું એટલે તે જવાબદાર છે, કોઈએ બદનામ કરી એટલે એ જવાબદાર છે, કોઈએ દોસ્તી તોડી એટલે એ જવાબદાર છે… વધતી ગંભીરતા સાથેના આ ૧૩ કારણો જે હેન્નાએ અહીં દર્શાવ્યા છે એ આ શ્રેણીને વધુ ભયાનક બનાવે છે કારણ કે એ બધા જ કારણ આજની યુવાપેઢી માટે સામાન્ય છે. પ્રેમ, બ્રેકઅપ, અવગણના, કોલેજના ઝઘડા.. જો આવા કારણોથી થતી આત્મહત્યા અને એ પછીની બદલાની ભાવના સાથેની કેસેટ્સ યથાર્થ ઠેરવાતી હોય તો યુવાપેઢીને જ ધ્યાનમાં રાખીને બનાવાયેલ આ શ્રેણી અને એનો આજના યુવામાનસ પર કેવો ભયાનક પ્રભાવ પડી શકે? હેન્નાના માતા-પિતાનો અભિનય સરસ છે, પણ એક ક્ષમતા પછી તેમ એમનું દુઃખ જોઈને, એમની પીડા જોઈને પોતે દુઃખ અનુભવતા થઈ જાવ, તમને થાય કે હવે આ ન દેખાડશો.. અને એ જ દરેક હપ્તે બેવડાયા કરે.
પહેલા હપ્તામાં પહેલો, બીજામાં બીજો.. એક પછી એક એ તેર જણની વાતો, તેમણે હેન્નાની કરેલી અવગણના, અપમાન વગેરેને દર્શાવાયા છે. જેમ જેમ હપ્તા વધતા જાય એમ એમ આત્મહત્યા વધુ યોગ્ય ઠેરવી શકાય એવું દેખાડવાનો પ્રયત્ન મૂર્ખામીથી વધુ કંઈ નથી. ક્લે જેમ જેમ કેસેટ્સ સાંભળતો જાય એમ એમ એ પાત્રોની વાત દર હપ્તે ખૂલ્યા કરે, ક્લે એમની સાથે બદલો લેવા કે તેમને પાઠ ભણાવવાના પ્રયત્ન કરે, અને એક કેસેટમાં એ પોતે પણ કારણ બનીને ઉભરે, સેક્સ, ડ્રગ્સ, શરાબ, સમલૈંગિક સંબંધો, બળાત્કાર જેવી અનેક વસ્તુ જાણે સામાન્ય રીતે હાઈસ્કૂલ વિદ્યાર્થીઓ સાથે થતી જ હોય એ રીતે સહજ દર્શાવાઈ છે. આખરે બળાત્કાર, અકસ્માત અને પૈસા ખોઈ બેઠેલી હેન્ના આત્મહત્યા કરે એ દ્દ્રશ્યને પણ વિગતે દર્શાવાયું છે, જાણે આત્મહત્યા કેમ કરવી એનું વિગતે મેન્યુઅલ હોય.. છેલ્લા હપ્તામાં એ બધા જ એક અથવા બીજી રીતે બધું કોર્ટ સમક્ષ સ્વીકારતા દેખાડાયા છે, કોઈક આત્મહત્યા કરે છે, કોઈક હત્યા કરે છે.. અને એ જ અસ્પષ્ટતા વચ્ચે તેની પ્રથમ સીઝન પૂરી થાય છે અને બીજી સીઝનની જાહેરાત પણ કરાઈ છે.
Dream big, they say. Shoot for the stars. Then they lock us away for 12 years and tell us where to sit, when to pee, and what to think. Then we turn 18, and even though we’ve never had an original thought, we have to make the most important decision of our lives.
– Hannah Baker (from the tape 4), 13 Reasons why
વાર્તાના કેન્દ્રમાં ભલે હેન્નાનું જીવન અને એની વાત છે, પણ ક્લેનો માનસિક સંતાપ, પોતાના પ્રેમને અભિવ્યક્ત ન કરી શકવાની નબળાઈનું પરિણામ એ જ્યારે હેન્નાની આત્મહત્યા માટેના કારણ તરીકે જુએ છે ત્યારે ક્યાંક વધારે પડતું થઈ રહ્યું હોવાનો અહેસાસ થાય. હેન્નાના બળાત્કારના દ્રશ્યને જે વિગતે દર્શાવાયું છે એ કદાચ દર્શકને હેન્નાએ આત્મહત્યા કરવી જોઈએ એ વાતની ખાતરી કરાવવાનો છે, પણ એ બિભત્સ અને બિનજરૂરી છે. યુવાનોની સમસ્યાઓ જે બખૂબીથી દર્શાવાઈ છે, એનો એકમાત્ર ઉકેલ સૂચવીને તેમણે ઉભું કરેલું કોલેજનું, યુવામાનસનું અને એ શાળાના અમુક વિદ્યાર્થીઓ અને તેમની વચ્ચેના ઉતાર ચડાવ ભર્યા સંબંધોનું સરવૈયું નુકસાનકારક બતાવીને એમણે આવી શ્રેણીઓમાંથી શીખતા અનેક યુવાનોની આશાને ભાંગીને ભૂક્કો કરી છે.
૧૮ વર્ષથી ઉપરના માટે હોવા છતાં આ શ્રેણી દરમ્યાન અને પછી અમેરિકામાં ટીનેજર કાઉન્સેલિંગની હેલ્પલાઈન પર આત્મહત્યાના વિચારો અથવા ‘આવું તો શાળામાં મારી સાથેય થાય છે તો શું મારેય આત્મહત્યા કરવી જોઇએ?’ પ્રકારના પ્રશ્નોનો મારો થયેલો. શાળાઓએ વાલીઓને જાણ કરી હતી કે બાળકોને આ શ્રેણી ન જોવા દેવી. મનોરંજન માટે બનાવાયેલી શ્રેણી જો નકારાત્મક વિચારો આપતી હોય તો, કે આત્મહત્યા જેવા ભયાનક પગલા લેવા માટે ક્ષુલ્લક કારણોને યથાર્થ ઠેરવતી હોય તો તે કોઈ રીતે મનોરંજક નથી, યોગ્ય નથી. અને એટલે જ એ તેર હપ્તા દરેકે દરેક હપ્તો કહેવો જોઈતો હતો કે આ કારણથી આત્મહત્યા ન કરવી, પણ ઉલટું એ કહે છે કે આ તેર કારણથી હેન્નાએ આત્મહત્યા કરી.. આત્મહત્યાની પાર્શ્વભૂમિકામાં રોમાન્સ હોય કે દોસ્તી – કંઈ શોભતું નથી, અને એટલે જ આ શ્રેણી જોવાલાયક નથી.
I’ve heard so many stories about me now that I don’t know which one is the most popular. But I do know which is the least popular. The truth. See, the truth isn’t always the most exciting version of things, or the best or the worst. It’s somewhere in between. But it deserves to be heard and remembered. The truth will out, like someone said once. It remains.
– Hannah Baker (from the tape 1), 13 Reasons why
– જીજ્ઞેશ અધ્યારૂ
* * *
ઉમદા પ્રયાસ. અક્ષરનાદના વાચકો પૈકી મોટાભાગે કોઇને આવી ટીવી સિરીયલ્સ જોવાનો સમય ના પણ મળતો હોય.
આમ છતા નેગેટીવ પબ્લિસીટી અર્થાત
“ના કહેવા ” છતાં પણ અમુક વર્ગ આવી વાતને ન વળગી રહે તે જ શુભ આશય માનવો જરૂરી છે.
વેબ સિરિઝ પર પણ કંઈક અંશે તો લગામ લાગવી જ જોઈએ. નેટનું ખરાબ પાસુ આપણે ‘બ્લુ વ્હેલ’થી જોઈ જ ગયા છીએ. હવે કોઈ ‘શાર્ક’ કે ‘૧૩ રિઝન ટુ ડાઈ ઓન ફ્રાઈડે’ની રાહ જોવાની જરૂર નથી.
તમે વિગતે છણાવટ કરી એ ગમ્યું કાશ એ કલાકારોનો અભિનય કોઈક યોગ્ય વાર્તામાં વપરાયો હોત્!
ઇ-મિડીયા હોય કે પછી પ્રિન્ટ-મિડીયા, આવી વાતના પ્રચાર/પ્રસાર પર “જવાબદાર આંખો” ની જરૂર છે.
Very true sir.. Such serials are really dangerous for teenagers.
There should be such articles regarding serials which one to watch or which not.
તો જીગ્નેશભાઈ આના સિવાય બીજી કોઈ સારી સિરિયલ હોય તો નામ સૂચવવા વિનંતી
There are so many..
I wrote earlier about Game of THrones.. a good plot and nicely woven stories, but cautious about nudity and foul languae
Westworld – One of the best series I could think of, no nonsense.. amazingly addictive and superb.. Detailed Review coming in next week
Breaking bad,
Blindspot,
Narcos,
Lucifer
Stranger Things
The Punisher
Quantico season 1
Supernatural and so on…
Superb Article Jigneshbhai.
I became fan of your article about GOT. Even i started watching GOT only after that article. This article will be very helpful for those who love to watch series.