સમયાંતરે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો હિરલ હસિત પંડયાએ લખેલો પાંચમો ભાગ..
આજે અનુષા એના ઘરે આવવાની હતી. નિલયને સખત ચીડ ચડી રહી હતી… એક તો આજે બેન્કમાં રજા હતી. ઘરેથી નીકળી જવાનું કોઈ બહાનું પણ નહોતું. સીમાએ ધકેલીને એને રૂમમાં તૈયાર થવા મોકલ્યો હતો. એ બડબડ કરતો કરતો વોર્ડરોબમાંથી એની ગમતી ટીશર્ટ-જીન્સની જોડી કાઢતો હતો… દોઢડાહી સીમાડી, શું જરૂર હતી અનુષાને ઘરે બોલાવવાની? શું વાત કરીશ એની સાથે? એ શું કરશે અહીં આવીને? હુહ… વેવલાઈ નહીંતર તો..”
અચાનક એનું ધ્યાન ગયું કે અકળાતાં અકળાતાં પણ એ બની ઠનીને તૈયાર થઇ ગયો હતો. અરીસામાં જોઈને નિલય પોતાની ઉપર મુગ્ધ થઇ ગયો. થોડી વાર અરીસામાં જોઈ અચાનક નિલયે પોતાની ઘોડી સાઈડમાં ફેંકી દીધી. થોડું ડગુમગુ થઈને, જાળવીને પોઝ લઈને ઉભો રહ્યો અને બોલ્યો, ‘ ‘અનુ,આઈ…આઈ… પછી પોતાનાપર જ હસી પડ્યો. એને સમજાતું નહોતું કે એની સાથે શું થઇ રહ્યું છે, એ અનુષા તરફ આકર્ષાતો જતો હતો. જયારે અનુષાથી દુર જવાના પ્રયત્નો કરતો ત્યારે પોતાની જાતને છેતરતો હોય તેવું લાગતું હતું.
સ્કુટીના હોર્નથી એની વિચારમાળા તૂટી. અનુષા આવી ચૂકી હતી. ખુલ્લા વાળ, એના ફેવરિટ વાદળી અને સફેદ રંગનો અનારકલી ડ્રેસ અને કાનમાં લાંબા એરિંગ્સ…”સુંદર” એ બારીમાંથી જોતા બોલી ઉઠ્યો. સાઈડમાં પડેલી ઘોડી ઉપાડીને બબડતો ચાલવા લાગ્યો -આને કોણે કહ્યું, મને કયો કલર ગમે છે?
બંને સામસામે હતાં… સગાઈની એ સાંજ પછી પહેલી વાર… સીમા બોલ્યે જતી હતી. અનુષા ક્યારેક નિલય સામે જોતી હતી અને ક્યારેક એના અંગૂઠાથી ખોતરાતી જમીન સામે… નિલયને,તો સમજાતું જ નહોતું કે શું કરવું? મીઠી મૂંઝવણનો ઉકેલ તરીકે મોબાઈલમાં શોધવાના એના પ્રયત્નો અનુષાના પરફ્યૂમની મહેકથી નિષ્ફળ જતા હતા.
સીમા તો બસ પાછળ જ પડી ગઈ, ફરવા જાઓ, ફરવા જાઓ.. બસ… થોડી શરમ, અસમંજસ, અકળામણ,ગુસ્સો… આખરે નિલય માની ગયો. અનુષા ધીરે રહીને બોલી, “તમે મારી પાછળ સ્કુટીમાં બેસશો?” આ સાંભળી નિલય ઉપરથી નીચે સુધી સળગી ગયો, પોતાની મજબૂરીથી મેલ ઈગો સુધીની બધી લાગણીઓનો હુમલો એને અસ્વસ્થ બનાવી ગયો. પછી જરા હસીને બોલ્યો, “મેડમ, હું તમને મારી કારમાં લોન્ગ ડ્રાઈવ પર લઇ જઈશ… ફાવશે ને?” અનુષા જરા ભોઠું હસીને આડું જોઈ ગઈ…
કાર શાંત રસ્તા પર સરકતી જતી હતી અને અનુષા પણ રસ્તા જેવી જ શાંત બેઠી હતી. નિલય ત્રાંસી આંખે એને જોઈ લેતો હતો. એક પળ એને આકર્ષણ થતું હતું. એ નમણી છોકરીની નજીક જવાનું તો બીજી પળે ધિક્કાર થતો હતો, પોતાની જાત પર..; “ મેં આ શું કર્યું? આ છોકરીને કોઈ વાંક વગર મારા જેવા અપંગ સાથે બાંધી દીધી.”
કાર ઝાટકો ખાઈ ગઈ, અને અનુષા પણ…. એ વિચારોના વમળમાંથી બહાર આવી ગઈ. એણે મૃદુતાથી પૂછ્યું, “Is everything okay?” સ્વાભાવિકતાથી પુછાઈ ગયેલા પ્રશ્ને બંનેને અંદરથી હચમચાવી નાખ્યા. નિલયે સામે દેખાતા ગાર્ડન તરફ ઈશારો કરીને પૂછ્યું;” અહીં બેસીએ?” અનુષાએ હકારમાં ડોકું ધુણાવ્યું. એ રમણીય જગ્યાએ પહોચેલું, નવું નવું જોડાયેલું યુગલ પોતપોતાની અવઢવને સંતાડીને દૂર ક્ષિતિજને જોતું હતું… ચુપકીદી છવાયેલી હતી, અહીં જયારે સંવાદ પણ નહોતો ત્યારે પ્રણયચેષ્ટાઓનો તો સવાલ જ ક્યાં હતો?
પોતપોતાના ઘરે આવી બંને પોતાના રૂમમાં ગયા અને એકબીજા વિષે વિચારતાં રહયાં. નિલય છત પર તાકતો પડ્યો હતો. તેને ઊંઘ નહોતી આવતી. એક તરફ એના સામું જોઈને મીઠું મુસ્કુરાતી અનુષા યાદ આવતી હતી અને બીજી તરફ એ અનુષાની ચંચળતા પોતાના કારણે ગંભીરતામાં ફેરવાઈ ગઈ હોય એવું લાગતું હતું. ખબર નહિ કેમ, પણ આજકાલ એ દરેક વસ્તુને પોતાના પોલિયો સાથે જોડી રહ્યો હતો… એને નફરત થઇ આવી; “ હટ, આ તો એની દયા છે, એ મને કોઈ દિવસ પ્રેમ નહિ કર;” સ્કુટીવાળી ઓફર એના મગજમાં હથોડા મારતી હતી. એક વિચાર આવી ગયો, ફોન ઉપાડ્યો અને whatsapp ની ડૉક્ટર આરાધના સાથેની chat window ખોલી અને ટાઈપ કરવા જતો હતો, ’I need u’ પણ ઉપર એમનો ‘congratulation’ નો મેસેજ જોઈ એણે ફોનને સાઈડમાં પટકી દીધો.
આ તરફ અનુષા એનું whatsapp ખોલીને નિલયના પ્રોફાઇલને જ તાકતી હતી. એને ઓનલાઇન જોઈને એ આનંદથી ઉછળી પડી. લાગ્યું કે નિલય હમણાં કોઈ પ્રેમભર્યો મેસેજ કરશે. એણે રાહ જોઈ હતી, કોઈ એની સાથે મીઠી-મીઠી વાતો કરે, એ વિચારતી હતી કે કદાચ નિલય શરમાળ છે એટલે રૂબરૂમાં બહુ વાતો નહિ કરી શકતો હોય. એના સ્વભાવથી વિરુદ્ધ બહુ રાહ જોઈને છેલ્લે એને લખ્યું:” ;U made my evening. It was beautiful. Thks.”
મેસેજનો ટૉન સાંભળીને નિલયે કંટાળા સાથે ફોન ઊંચક્યો, અને નોટિફિકેશનમાં અધૂરા મેસેજ; “U made my” વાંચીને ચોંક્યો. આગળ જરૂર લખ્યું હશે, “U made my life miserable” કે એવું જ કંઈક અમંગળ – એવું વિચારતાં એને મેસેજ ખોલ્યો. અને વાંચીને હસી પડ્યો. એને થયું, પોતે કંઈક વધુ જ વિચારી રહ્યો છે.” આ છોકરી તો…એ કેટલી સરળ છે! અને મેં, આજે એને ટાળવા સિવાય કંઈ નથી કર્યું. એને ઝડપથી ટાઈપ કર્યું;” I want to make all your evenings more enjoyable and memorable than this, dear. I was somewhat low today, sorry for that” આ વાંચીને અનુષા રણઝણી ઉઠી.. ચાલો, દોસ્તી તો કરી રહ્યો છે, આ અકડુ… એણે એક સ્વીટ સ્માઈલી મોકલ્યું. નિલયે પૂછી લીધું; “ કાલે મળી શકીએ? I promise, it’ll be special”
અનુષાએ જલ્દી હા લખી અને ખુશીથી કૂદવા લાગી. અચાનક શાંત થઈને બબડી: ‘એને મારા વિષે બધી ખબર તો હશે ને?’ ખિન્ન થઇ ગઈ એ… એને ગુસ્સો આવ્યો કે,મારે આ વાત એમને કરવી જોઈતી હતી.
માન્યું કે, નિલયને કોઈકે તો કહ્યું જ હશે, કોઈકે શું, આરાધનાજીએ જ કહ્યું હશે, પણ એને મારે પણ કહી દેવું જોઈતું હતું… હક્ક છે, એનો… આ વખતે મળશેને, ત્યારે કહી જ દઈશ. એને પણ ડૉક્ટર આરાધનાની સલાહની જરૂર લાગી અને એમને મેસેજ કર્યો –‘I need u.”
આ તરફ આરાધના પણ વિચારતી હતી. એ નિલયના fb page પરના ફોટોઝ જોતાં એમાંથી નિલયની નિસ્પૃહતા કળી રહી હતી. એને વિચાર આવ્યો, ‘ મેં કોઈ ભૂલ તો નથી કરી ને, આ બંનેને મેળવીને? કેવું હશે એમનું લગ્નજીવન?’
બીજા દિવસની સાંજ પડી. નિલય અનુષાના ઘરની બહાર એની રાહ જોતો કારમાં બેઠો હતો. અનુષાના મમ્મીના ઘરે આવવાના પ્રેમભર્યા આગ્રહને એણે વિવેકપૂર્વક ટાળી દીધો હતો. દસેક મિનિટ રાહ જોવડાવ્યા પછી અનુષા આવી, કાળા ચમકતા વેલ્વેટ ડ્રેસમાં. “My God! She is looking gorgeous!” બોલીને આજે ઔર ડેશિંગ લાગતા નિલયે રિઅર વ્યુ મિરરમાં જોઈને પોતાના વાળ સરખા કરી લીધા.
અનુષા આવીને એની બાજુમાં ગોઠવાઈ ગઈ. એના blue lady પર્ફ્યુમથી નિલયની કાર મઘમઘી રહી. શહેરની પશ્ચિમ તરફના સુંદર વનરાજીવાળા વિસ્તારમાં કાર સરકતી હતી અને અનુષા કંઈક ગણગણી રહી હતી. ખુશ હતાં બંને. નિલયે ગિયર પરથી પોતાનો engagement ring વાળો હાથ અનુષાના જમણા હાથ પર મૂક્યો અને સહેજ દબાવ્યો. અનુષાના કાનની બુટ લાલ થઇ ગઈ.
નિલયે તળાવ પાસે કાર ઉભી રાખી. બંને તળાવની પાળે બેઠાં. કેટલીયે મીઠી વાતોમાં અનુષા જે વિચારીને આવી હતી એ વાત તો ક્યાંય ભૂલાઈ ગઈ. અચાનક એનું ધ્યાન ગયું, કે નિલય એકીટશે એની સામે જ જોઈ રહ્યો છે. એણે એક પળ એની સાથે નજર મેળવી અને નિલય નજીક સરક્યો. અનુષાના ખભાની ફરતે હાથ મૂકીને એણે હળવેથી અનુષાનો ચહેરો બીજા હાથથી પોતાના તરફ ફેરવ્યો. હવે બંને એકબીજાના શ્વાસ સૂંઘી શકતા હતા. અનુષાએ આંખો બંધ કરી દીધી. પછીની કેટલીયે ક્ષણો બંને હોઠના માધ્યમથી એકબીજામાં ઓતપ્રોત થઇ ગયા. આ દુનિયાથી પર, સ્વર્ગીય સુખની અનુભૂતિ કરતા બંનેની જાણે સમાધિ લાગી ગઈ.
આ મધુર મિલનના કેફમાં એક દિવસ રહ્યા પછી, બેન્કમાં વિચાર આવી ગયો:” મેં ચોખ્ખું જ પૂછી લીધું હોત કે તું મારી દયા તો નથી ખાતી ને, તો સારું થાત. કેવી ગાડીમાંથી ઉતરીને મને ટેકો આપવા આવી હતી. કેમ જાણે હું ચાલી જ નહિ શકતો હોઉં.” અને એનો ગુલાબી નશો ગુસ્સામાં બદલવા લાગ્યો.
આ બાજુ અનુષાને પણ લાગ્યું કે એણે કોઈ વાત કે ચોખવટ કરી જ નહિ. એક સાલસ વ્યક્તિ કે જે કદાચ એને હવે પ્રેમ કરે છે એને એણે બધું દિલ ખોલીને કહી દેવું જોઈએ. એની સ્થિતિ, એની શરતો… બધું જ…
પછી મળવાના પ્રસંગો બન્યા ખરા, પણ એકાંતમાં નહિ. બંનેના પરિવારો એમની વર્તણૂકથી સંતોષ અનુભવતા હતા. એક બાજુએ બંનેનું મનોદ્વંદ્વ ચાલુ હતું. નિલય અનુષા પ્રત્યેના આકર્ષણને ટાળવા એકાંત ટાળતો હતો. તો બીજી બાજુ, અનુષાની નજીક જવાની ઈચ્છા બળવત્તર બનતી જતી હતી.
એક સાંજે એ લોકો એ જ તળાવની પાળે મળ્યાં. અનુષા એની સ્કુટી પર આવી હતી. બેન્ચ પર બેસીને તરત અનુષાએ કહ્યું, “નિલય, મારે તમને એક વાત કરવી છે, તમને ખબર જ હશે કે મારા…” નિલયે એના હોઠ પર હાથ મૂકીને એને બોલતાં રોકી લીધી. એનો જમણો હાથ બંને હાથમાં લઇ પ્રેમથી બોલ્યો:”મને ખબર છે, અનુ. Dont worry. હવે આપણે બંને સાથે છીએ ને? હું સાચવીશ તને. ઈલાજ કરાવીશ તારો. તું બસ એક વાર ડોક્ટરને મળીને ચેક અપ કરાવી લે એટલે આપણા ભવિષ્યમાં શું થશે એનું ચિત્ર સ્પષ્ટ થાય.”
અનુષાની છાતીમાં જાણે વીજળીનો કડાકો થયો ! એની આંખોમાં પાણી આવી ગયાં. બીજી પળે પોતાને સંયત કરીને એ બોલી, “નહિ નિલય, પ્લીઝ ડોન્ટ માઈન્ડ, પણ… પણ…” એનો અવાજ તૂટવા મંડ્યો. “પણ હું કોઈ ટેસ્ટ્સ કરાવવા નથી ઇચ્છતી. ભવિષ્યમાં જે થવાનું હશે એ થઈને રહેશે. પણ હું ઈચ્છીશ કે જેવી છું એવી જ તમે મને પ્રેમ કરો. એને જ પ્રેમ કહે છે ને?”
નિલય હજી પણ એને સમજાવા જતો હતો. અનુષાએ એને રોકી લઇ, મક્કમતાથી કહ્યું:”હું ટેસ્ટ નહિ કરવું, નિલય, પ્લીઝ, બીજી વાર મને નહિ કહેતા. રહી વાત બાળકની, તો એ આપણે દત્તક લઇ લઈશું, એક બાળકને સારી જિંદગી આપીશું.” અને એક ક્ષણ રોકાઈ ને નીચું જોઈને બોલી ગઈ:”એમ તો તમારા વિષે પણ મને બધી ખબર નથી.” નિલય ઝબકી ગયો, તેને પરસેવો વળી ગયો. મુઠ્ઠીઓ ભીંસીને માંડ એટલું જ બોલી શક્યો:”ચાલો અહીં થી”
મનમાં ચાલતા ઘમસાણ સાથે અનુષા ઘરે આવી ત્યારે તેની બહેનપણીઓ આવેલી હતી. બંને એને છેડતી હતી, “ઓહો! જીજાજી સાથે ડેટ પર ગઈ હતી? શું કર્યું ત્યાં? હાથ પકડ્યો? હગ કરી? કિસ….”
“બસ, બસ, બસ. બહુ થયું..” કહેતા અનુષા સખત ચિડાઈ ગઈ. “યાર, મારી લાઈફમાં પણ પ્રાઇવસી જેવું કઈ હોય કે નહિ? તમે બધા મારા કરતા વહેલા પરણી પણ ગયા છો, મેં પૂછી છે કોઈ ડિટેઈલ્સ? Please leave me alone. I need some air.” બંને એકબીજાની સામે જોઈ સમજી ગઈ કે અનુષા કોઈ તકલીફમાં છે અને અત્યારે એને એકલી છોડી દેવી જોઈએ. અનુષા ગુસ્સામાં ધ્રૂજતી હતી. બહેનપણીઓના જતા જ એણે બૅડ પર પડતું મૂક્યું અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. એના પેટમાં કઈ ચૂંથાતું હોય એવું લાગતું હતું. પોતાની પીડામાં એને એ ખ્યાલ ન આવ્યો કે પોતે ગુસ્સામાં કરી નાખેલો કટાક્ષ નિલયના મનમાં કેટલો મોટો ઝંઝાવાત સર્જી દેશે.
અને નિલય તો જાણે કાપો તો લોહી ના નીકળે એવી હાલતમાં હતો. “શું બોલી ગઈ, અનુષા? પોતાનું ચેક અપ નહિ જ કરાવે અને ઉપરથી મારા પર પણ શંકા દર્શાવે છે?!! એને એમ નહિ થતું હોય કે મારા પર શું વીતતી હશે?” એને બધા વિચારોને ઝાટકી નાખવા હોય એમ માથું ધુણાવ્યું. તો ય, અનુષાને મેસેજ કરી નાખ્યો:”હજી વિચારી લે, અનુષા”
અનુષાએ ગુસ્સામાં જવાબ આપ્યા વગર જ ફોન ફેંકી દીધો અને ફરી રડવા લાગી. થોડી વાર પછી અનુષાને પોતે બોલેલા સંવાદ યાદ આવ્યા અને પસ્તાવાની લાગણીથી એનું મન ભરાઈ આવ્યું. એણે નિલયને લખ્યું:” મેં તમને હર્ટ કર્યા એ બદલ એક્સટ્રીમલી સોરી. મારે એમ નહોતું કેવું જોઈતું. નિલયે તરત વળતો જવાબ લખ્યો:”ઇટ્સ ઓકે, પણ તું સમજી ગઈ એ સારું થયું. તું ચાહે તો હું તારી સાથે આવીશ, ડૉક્ટર પાસે.” આ વાંચીને અનુષાની આંખમાંથી લાવા જેવાં ગરમ ગરમ આંસુ વહેવા લાગ્યાં. એને ટાઈપ કર્યું:” Please, for God’s sake, આ વાત બંધ કરો. હું નથી કરાવવા માંગતી કોઈ ટેસ્ટ્સ” બંને ઓફલાઈન થઇ ગયા. સંવાદનો સેતુ પડી ભાંગ્યો.
બંને ચુપચાપ રહેવા લાગ્યાં. દીકરાની માનસિક હાલત સરિતાબેનથી છૂપી ના રહી. વગર કહ્યે બધું સમજી જઈને એમણે એક દિવસ નિલયના માથે હાથ ફેરવી ને કહ્યું:”હું અનુષાની મમ્મી સાથે વાત કરીશ।” નિલયને એ ખોખલા આશ્વાસનથી વધુ કઈ ના લાગ્યું. એ વધુને વધુ આળો બનતો જતો હતો. કામમાં પણ ધ્યાન ચોંટતું નહિ. અને વેવલા સહકર્મીઓને પથ્થર ફેંકીને મારવાનું મન થતું જયારે એની હાલકડોલક માનસિક સ્થિતિમાં એ લોકો મજાક કરતા કે સગાઇ પછી સાહેબનું કામમાં ધ્યાન નથી લાગતું.
દિવસોના અબોલા અનુષાને જાણે કોરી ખાતા હતા. રહી-રહીને થતું હતું કે ડોક્ટરને બતાવી આવે પણ દરેક વખતે એને એ જ વાત, એ જ ઈશારાઓ, મેણાંઓ એને વધુ જિદ્દી બનાવતા જતા હતા. “આ વાત તો નહિ જ માનું” નું જાણે એના પાર ઝનૂન સવાર થઇ ગયું હતું.
“હે ભગવાન.. આના કરતાં તો હું એકલી સારી હતી. જયારે મેં વિચાર્યું હતું કે મારી જાતમાં વિશ્વાસ રાખીશ ત્યારે ખબર નહોતી કે આ બધું આટલું પીડાજનક હોઈ શકે. મારો પ્રેમી મને – મારા અસ્તિત્વને પ્રેમ કરશે, મારી ખૂબી – ખામી સહીત. સંપૂર્ણ પ્રેમ….” “શું મારે છુટા પડી જવું જોઈએ, નિલય સાથે વધુ લાગણીઓ જોડાય એના પહેલાં?” “મમ્મી પપ્પા પર શું વીતશે? નિલય જેવું બીજું કોણ મળશે? ના…ના.. I like him… I want to be with him” અનુષા વૉશરૂમમાં જઈને પાણીની છાલકો મારવા મંડી.
આ બાજુ નિલય પણ કંટાળ્યો હતો, પોતાની જાતને ભીંસાતી અનુભવતો હતો. સખત તરફડાટ એની સહનશક્તિની પરીક્ષા લઇ રહ્યો હતો. એને થતું હતું, “એવી તે કેવી જીદ? આટલી અમથી વાત નથી માનતી એ છોકરી ભવિષ્યમાં શું સાથ આપશે એને? એના કરતાં છોડી દઉં… મુક્ત કરી દઉં, અને પોતે પણ થઇ જાઉં. બધી પળોજણો નો અંત.”
બીજી ક્ષણે સરિતાબેનનો ચહેરો એની આંખ સામે તરવરી ઉઠ્યો. “મમ્મી એ પસંદ કરી છે, અનુને મારે માટે. મમ્મીની પસંદ યોગ્ય જ હશે” “અને કેટલી ધૂમધામથી સગાઇ કરી, મોટા ઉપાડે ફેસબૂક પર પણ “Got engaged with Anusha Nayak” postકરી દીધું, લોકો હસશે, મારા પર…”
વિચારતાં વિચારતાં ક્યારે આંખ મળી ગઈ એ ખબર ના રહી. ઉઠ્યો તો સીમા સામે ઉભી હતી. “ભાઈ, પલંગ ઉપર સુઈ જા. બેઠા બેઠા સુઈ ગયો હતો.” એ ઉભો થવા ગયો અને સીમાએ સહજ રીતે એને ટેકો આપ્યો. નિલયની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. સીમા એને બેસાડીને બાજુમાં બેસી ગઈ. પૂછવા લાગી:”ભાઈ, શું વાત છે? અમને એમ હતું કે કોઈ સાથે જોડાવાથી તું ખુશ થશે, એના બદલે…. શું પ્રોબ્લેમ છે, મને કહે…”
નિલયે સીમાને પોતાની અવઢવ કહી, તો સીમાએ એને ઝાટકી જ નાખ્યો. “અક્કલ વગરનો છે તું, આટલી સારી છોકરીને છોડી દેવી છે? તું એને કેટલું હર્ટ કરે છે, જાણે છે? એના સ્ત્રીત્વનું અપમાન કર્યું છે તેં. એની જગ્યાએ હું હોઉં તો મેં પણ આમ જ કર્યું હોત. સમજે છે તું? નિલય “હેં? હા… ” કરતો મૂંઝાઈ ગયો. સીમા આગળ બોલી ” અને બીજી વસ્તુ, આ દયા અને રહેમ એવું કંઈ ન હોય, ડીઅર, એ તને પતિ તરીકે પસંદ કરે છે, એટલે હા પાડી છે. બધું જ જાણી, સમજીને. અને એ અત્યારથી તને સપૉર્ટ કરે છે એમાં તો ખુશ થવાનું હોય તારે, ગાંડા.” વળી ઊંડો શ્વાસ લઇ બોલી:”હું કે મમ્મી તારા કામ કરીએ છીએ, તને ટેકો આપીએ છીએ તો શું એ માત્ર દયા છે? જો અમારી દયા સાથેનો પ્રેમ તને દેખાતો હોય, તો અનુષાનો કેમ નથી દેખાતો? કમ ઓન.”
“અને એક વાત યાદ રાખ, મને એ જ જોઈએ, ભાભી તરીકે….સમજ્યો?” નિલય બોલવા ગયો:”પણ…” સીમા અકળાઈ ગઈ:”પણ ને બણ કઈ નહિ… એ તો વિચાર કે એ બિચારી છોકરીએ આખી જિંદગી તને સાચવવાની જવાબદારી લીધી છે. એ શું નાની વાત છે?” છેલ્લા વાક્ય એ નિલયના મન પર જબરી અસર કરી. સીમા આગળ શું બોલી રહી હતી એ કંઈ એને સમજાતું નહોતું. એના મગજમાં એ જ પડઘાતું હતું – “આખી જિંદગીની જવાબદારી” પગ પછાડતી સીમા બહાર ગઈ અને નિલય સામે પડેલા ડ્રેસિંગ ટેબલના અરીસામાં પોતાને જોઈ બોલ્યો – “ધરતી પરનો બોજ”
– હિરલ હસિત પંડયા
બી-15/3, સમુદ્ર ટાઉનશીપ, ઑલ્ડ પૉર્ટ રૉડ, મુંદ્રા-કચ્છ ૩૭૦૦૦૧, hiralsbuch@gmail.com
મને બહુ જ ગમ્યો આ ભાગ……………અનુષા જેવી પરિસ્થિતિ મે અનુભવી છે…….
just superb. very well balanced episode. the feelings of both Anusha and Nilay expressed very well.
વાહ્…દરેક હપ્તો રસપ્રદ