‘ગેમ ઑફ થ્રોન્સ’ આજકાલ સમાચાર માધ્યમમાં અને સોશિયલ મિડીયામાં સતત આટલું બધું કેમ ચમક્યા કરે છે. મહીનાઓ પહેલા વિકિપીડિયા પર ગેમ ઑફ થ્રોન્સનો અનુદિત ગુજરાતી લેખ લખવાનું શરૂ કર્યું ત્યારે ઘણુંય મૂકવાની ઈચ્છા હતી, પણ વિકિપીડિયાના બંધારણમાં એ શક્ય નથી. એ અધૂરા લેખને પાછો પૂરો કરવાનું શરૂ કર્યું અને આ લેખની ઈચ્છા જોર કરી ગઈ. શું છે આ ‘ગેમ ઑફ થ્રોન્સ’? કદાચ શ્રેણી વિશે બધુંય અને પૂરતું ન કહી શકું પણ જેટલું ગમ્યું, સમજાયું એ લખવાનો પ્રયત્ન કર્યો છે.
ડેવિડ બેનીઑફ અને ડી. બી. વેલ્સનું સર્જન એવી અમેરિકન ટેલીવિઝન શ્રેણી ગેમ ઓફ થ્રોન્સ, જ્યોર્જ આર. આર. માર્ટિનની નવલકથા શ્રેણી ‘અ સોન્ગ ઑફ આઈસ એન્ડ ફાયર’ પર આધારિત ટેલીવિઝન રૂપાંતરણ છે. ગેમ ઑફ થ્રોન્સમાં ખૂબ મોટી અને વૈવિધ્યસભર પાત્રસૃષ્ટિ છે. આ શ્રેણી વૅસ્ટેરોસ ખંડના સાત રાજ્યોના રાજકુટુંબો અને એસ્સોસ ખંડના અનેક સ્થળોની વાતને આવરી લે છે, એક ઐતિહાસિક કલ્પનમાં હોય એવું બધુંય અહીં ઠાંસીને ભરેલું છે. એકસાથે સમાંતર ચાલતી પણ એકબીજા સાથે ગૂંથાયેલી વાર્તાઓ, યોદ્ધાઓ, મહેલો, યુદ્ધ, બર્બરતા, અનેકવિધ દેવતાઓ, વિશેષ બનાવાયેલી ભાષાઓ, ઝોમ્બીઓ, ડ્રેગન અને ચમત્કારો. અહીં અનેક ‘મોટા’ કુટૂંબો રાજ્ય માટે સતત લડ્યા કરે છે. વાર્તાનો અને તેની પાર્શ્વભૂમિકાનો કૅન્વસ ખૂબ વિશાળ અને ભવ્ય છે, સત્તા માટેના કાવાદાવા, હત્યાઓ, સેક્સ, અંગછેદન જેવી નિષ્ઠુર હિંસા, અપ્રાકૃતિક સંબંધો, બળાત્કાર, સ્વચ્છંદીપણું અને કોઈ પરોક્ષ ઈશારા નહીં પરંતુ અશ્લીલતાની હદ સુધીની નગ્નતા આ શ્રેણીના પાત્રોની ખાસિયત છે. સતત કંઈકને કંઈક અસહજ અને અણધાર્યું ઘટતું રહે, પ્રેક્ષક સતત આગળનો ઘટનાક્રમ જાણવા ઉત્સુક રહે એ પ્રકારની ગોઠવણ તથા જે તે હપ્તાનો આંચકાસભર, ઉત્તેજના અને પ્રતીક્ષાથી ભરી દેતો અંત આ શ્રેણીની વિશેષતાઓ છે.
ગેમ ઑફ થ્રોન્સના ચાહકો તેના દરેક હપ્તાની કાગડોળે રાહ જોતા હોય છે. અત્યારે ચાલી રહેલી તેની સાતમી શ્રેણીની લીક થયેલી સ્ક્રિપ્ટનું જેટલું અને જે હદનું પૃથક્કરણ થાય છે એટલું તો ભાગ્યે જ હૉલિવુડની કોઈ ફિલ્મનુંય થયું હશે. આઈમેક્સ થિએટરમાં જેના હપ્તા દર્શાવાતા હોય એવી પહેલી, અને એવા અનેક રેકોર્ડ તોડી ચૂકેલી – તોડી રહેલી ટેલિવિઝન શ્રેણી છે. આ લખું છું ત્યારે સાતમી સીઝનનો ચોથો હપ્તો રીલીઝ પહેલા જ ઓનલાઈન લીક થઈ ગયો. સાતમી સીઝનનો પહેલો હપ્તો એકલા અમેરિકામાં એક કરોડથી વધુ લોકોએ જોયો છે. એની પહેલી સીઝન (બધા હપ્તા, બધા જ માધ્યમોને સાથે ગણીને) અમેરિકામાં નેવુ લાખ લોકોએ જોઈ હતી. ૨૦૧૧માં શરૂ થયેલી પહેલી સીઝનથી આજ સાતમી સીઝન સુધી તેના દર્શકો સતત વધ્યા જ કરે છે. ગેમ ઑફ થ્રોન્સ ઉદાહરણ છે એ વાતનું, કે જો એક સબળ નવલકથા સુંદર રીતે દ્રશ્ય માધ્યમમાં ઝીલાય તો તેની અસર કેવી ધુંવાધાર હોઈ શકે.
એની દમદાર ખ્યાતિની સાબિતી એ જ છે કે જે દિવસે ગેમ ઑફ થ્રોન્સનો હપ્તો ટોરન્ટ પર લીક થાય એ સમયે પોર્ન ડાઊનલોડ્સ ઘટી જાય છે, કહો કે નહીવત થઈ જાય છે. એપિસોડ જોઈને તેના પાત્રો, ઘટનાક્રમ, સંવાદો અને દ્રશ્યોનું સોશિયલ મિડીયા પર, ટીવી પર વિગતવાર પૃથક્કરણ થાય છે. ‘હવે શું થશે’ની ધારણાઓ બંધાય છે. એને આધરે આગલા હપ્તામાં થનારા ઘટનાક્રમની ભવિષ્યવાણી થાય છે. એની એકે એક ફ્રેમ પકડીને વાર્તાના આગળના પ્રવાહને, પાત્રના ભવિષ્યને સમજવાનો ચાહકો પ્રયત્ન કરે છે. ગેમ ઓફ થ્રોન્સના અઠંગ ચાહકો માને છે કે આખી શ્રેણીમાં એકેય શબ્દ કે સંવાદ મતલબ વગરનો નથી, ક્યાંક પહેલી સીઝનના કોઈક સંવાદનો છેડો પાંચમી સીઝનમાં નીકળે. એના સંવાદો અને ટેગલાઈન્સ ક્વોટ્સની જેમ ઉપયોગમાં લેવાય છે. જ્યાં એનું શૂટિંગ થયું કે થઈ રહ્યું છે એ, બેલાફેસ્ટ સ્ટૂડીયો ઉપરાંત ક્રોએશિયા, આઈસલેન્ડ, માલ્ટા, મોરોક્કો, નોર્થન આયર્લેન્ડ, સ્પેન, સ્કોટલેન્ડ અને અમેરિકાના કેટલાક સ્થળો પ્રવાસીઓ માટે આકર્ષણ બન્યા છે અને ત્યાં રીતસરનો ધસારો થાય છે. (જુઓ http://www.gameofthronestours.com) જ્યોર્જ આર. આર. માર્ટિને તેને કાલ્પનિક નવલકથાને બદલે ઐતિહાસીક કલ્પના બનાવીને મૂકી છે. તેના પાત્રો ઈતિહાસમાંથી ઉભા થયેલા લાગે છે, તેની પાત્રસૃષ્ટિનો સમગ્ર ઓથાર જીવંત અને માનવવર્તનને ખૂબ ઝીણવટભરી રીતે દર્શાવતો હોય એ મુજબ બનાવાયો છે. વળી અહીં મૂલ્યોની કે સંસ્કૃતિની વાત કરવાને બદલે કથાતત્વની સજ્જતા અને પાત્રોની – માનવ સ્વભાવની ખામીઓ દેખાડાઈ છે.
વાર્તા જાણે એમ છે કે કિંગ્સ લેન્ડીંગ ‘વેસ્ટેરોસ’ ખંડના સાતેય રાજ્યોનું સૌથી મોટુ શહેર અને પાટનગર છે, રાજાનો આયર્ન થ્રોન અહીં છે. રાજા રોબર્ટ બરાથિયનનો સલાહકાર મંત્રી (કિંગ્સ હેન્ડ) મૃત્યુ પામ્યો છે, રાણી સર્સિ અને તેનો ભાઈ જેમી લેનિસ્ટર (જેમની વચ્ચે અનૈતિક સંબંધો છે, અને પુત્ર પુત્રીઓ છે) એ ચિંતા કરે છે કે એ મરતા પહેલા રાજાને કોઈ અત્યંત ગુપ્ત વાત કરીને ન ગયો હોય. રાજ્યની ઉત્તર તરફની બરફની દિવાલ પછી ભાગ્યે જ કોઈ દરવાજાની બહાર બરફના જંગલોમાં જાય છે. જંગલીઓની કેટલીક ટોળીઓ ત્યાં દેખાઈ હોવાના સમાચારે ‘નાઈટ્સ વૉચ’ ટુકડીના ત્રણ સૈનિકો એ દિવાલની બીજી તરફ તેમને શોધવા જાય છે. પણ એ જંગલીઓની ક્ષત વિક્ષત લાશો જોઈને પાછા ફરવાનો પ્રયત્ન કરે એ પહેલા જ તેમને ભૂરી આંખો વાળા અજબ માણસ દેખાય છે, જેમને વ્હાઈટ વૉકર્સ કહે છે, અને તેમની સાથે મૃત્યુ પામીને જાદુથી સજીવન પામેલા ઝોમ્બી જેવાઓનું ‘આર્મિ ઑફ ડેડ’ છે.. વ્હાઈટ વૉકર્સ એમાંના બેનું માથું ધડથી અલગ કરી દે છે.
વિન્ટરફેલ સાત પૈકીનું એક રાજ્ય છે જ્યાં સ્ટાર્ક પરિવાર છે. એડ સ્ટાર્ક વિન્ટરફેલનો નાયક હોવાની સાથે ઉત્તરનો રખેવાળ છે. પોતાના પરિવાર – દીકરીઓ સાન્સા અને આર્યા, તેના દીકરા રોબ, બ્રાન અને રિકોન, ભત્રીજા જ્હોન અને પત્ની કેટલીન સાથે રહે છે, એ રાજા રોબર્ટનો મિત્ર છે અને તે કિંગ્સ હેન્ડ બનવાની શક્યતાઓ છે. રાજા પોતાની રાણી અને અન્ય લોકો સાથે તેને મળવા આવે છે અને તેને સલાહકાર નિયુક્ત કરે છે. ઉપરાંત રાજકુમાર જ્યોફ્રી સાથે એડ સ્ટાર્કની દીકરી સાન્સાના લગ્ન પણ એ નક્કી કરે છે.
અન્ય પરિવારોમાં કાસ્ટર્લી રોક્સના લેનિસ્ટર છે, જે પરિવારમાંથી રાણી સર્સિ, તેનો ભાઈ જેમી અને નાનો ભાઈ ટિરીયન છે. તેમના પિતા ટાયવિન લેનિસ્ટર આ પરિવારમાં મુખ્ય છે. સર્સિ સત્તાની ભૂખથી પાગલ છે, તેના અને જેમીના પુત્ર જ્યોફ્રી તથા ટૉમેન અને પુત્રી માર્સેલા સાથે રહેતા એ સતત જેમીને તથા દીકરા જ્યોફ્રીને મુખ્ય પદ પર જોવા આતુર છે. અને એટલે જ રાજા રોબર્ટના અકાળ અવસાન પછી એ જ્યોફ્રીને રાજા જાહેર કરી દે છે. એડ સ્ટાર્ક એનો વિરોધ કરે છે, અને એટલે રાજા જાહેર થયેલો જ્યોફ્રી એનું માથું ધડથી અલગ કરાવી દે છે. એડ સ્ટાર્કની દીકરી આર્યા ત્યાંથી ભાગી છૂટે છે, જ્યારે સાન્સા ડરને લીધે જ્યોફ્રી પ્રત્યે લાગણી દર્શાવે છે અને પોતાના પિતાને રાજ્યનો ગદ્દાર માની લે છે. સમયાંતરે જ્યોફ્રી સાન્સા સાથે પોતાના કાકા ટીરીયનના લગ્ન કરાવી દે છે અને પોતે ‘હાઈગાર્ડન’ના ટાયરેલ પરિવારની માર્જરી સાથે લગ્ન નક્કી કરે છે. જો કે માર્જરીએ તેને પોતાના કાબૂમાં કર્યો છે, અને સર્સિના પિતા તેના લગ્ન માર્જરીના ભાઈ લોરાસ ટાયરેલ સાથે નક્કી કરે છે.
જ્યોફ્રી અને માર્જરીના લગ્નના ઉત્સવ વખતે જ કોઈ જ્યોફ્રીને ઝેર આપીને મારી નાંખે છે જેના ગુનેગાર તરીકે તેના જ કાકા ટીરીયનને બંદી બનાવાય છે. દરમ્યાનમાં તરફ સાન્સા ભાગી છૂટે છે અને સલાહકાર તરીકે લિટલફિન્ગર, જે તેની મા કેટલિન સાથે ઉછર્યો છે, તે હવે ઉત્તરના રાજા રામસી બોલ્ટન સાથે તેના લગ્ન કરાવે છે. રામસી તેનો વારંવાર બળાત્કાર કરે છે, અને તેને સતત જાપ્તા હેઠળ રાખે છે. પણ આખરે મોકો શોધીને એ ભાગી જાય છે અને ઉત્તરની દિવાલ પાસે જ્હોનને જઈને મળે છે.
જ્યોફ્રીની હત્યા પછી સર્સિ તેના નાના ભાઈ ટૉમનને રાજા જાહેર કરી માર્જરી સાથે તેના લગ્ન નક્કી કરે છે. આ તરફ ટીરીયન પોતાના પિતાને મારીને ત્યાંથી ભાગી છૂટે છે. ધાર્મિક વડાની દખલને લીધે એક સમયે સર્સિ નાસીપાસ થઈ જાય છે, તે મંદિરમાં બંદી છે અને તેણે કરેલા પાપને લીધે નગ્ન કરીને આખા શહેરમાં ફેરવવામાં આવે છે. લોકો તેના પર થૂંકે છે, માર્જરી પણ એ ધાર્મિક વડા સાથે ભળી ગઈ છે. પણ અત્યંત ચાલાકીથી સર્સિ એ બધા મંદિરમાં હોય અને તેને માટે સજા સંભળાવવાના હોય ત્યારે આખુંય મંદિર ઉડાવી દે છે. એ જોઈને માર્જરીના પ્રેમમાં પડેલો ટૉમન આત્મહત્યા કરી લે છે. અને આખરે સર્સિ પોતે રાણી બની સિંહાસન પર બેસે છે, અને જેમીને પોતાનો સલાહકાર બનાવે છે.
‘નેરો સી’ પાસે એસ્સોસમાં વસતા ટાર્ગેરિયન પરિવારની ડેનેરિસ યુવાવસ્થામાં પ્રવેશી છે, અને એ પોતાના સતત અપશબ્દો બોલતા અને અપમાનિત કરતા ભાઈ વિસેરિસ સાથે રહે છે. વિસેરિસને વેસ્ટેરોસ જઈ, કિંગ્સ લેન્ડિંગ પર આક્રમણ કરી ‘આર્યન થ્રોન’ જીતવો છે, એના માટે સેનાની જરૂર છે. ડોર્થરાકી જાતિના વણઝારા જેવા કબીલાના મુખિયા ખાલ ડ્રોગો સાથે સેના મળવાની અપેક્ષાએ ડેનેરિસનો સોદો કરી નાખે છે, અને ડેનેરિસને લઈને ડ્રોગો પોતાની જગ્યા, પોતાના ખાલસાર તરફ જાય છે. જો કે ડેનેરિસ અહીં પોતાની જાતને ધૈર્યવાન, સહનશીલ અને કાળજી લેતી પત્ની તરીકે સ્થાપિત કરે છે અને કબીલાના લોકો સાથે તેમની રીતભાતમાં ભળવાનો સતત પ્રયત્ન કરે છે. જો કે વિસેરિસ હારી જાય છે અને મૃત્યુ પામે છે, ટાર્ગેરિયન વંશમાં હવે ફક્ત ડેનેરિસ જ બચે છે. લગ્ન વખતે ભેટમાં તેને ડ્રેગનના ત્રણ ઈંડા મળ્યા છે જેની તે ખૂબ કાળજી લે છે, સાચવે છે. એક અકસ્માતમાં ખાલ ડ્રોગો અને ડેનેરિસના ગર્ભમાંનું બાળક મૃત્યુ પામે છે. ઈંડામાંથી ડ્રેગન બહાર આવે છે, અને ડેનેરિસ પતિના વારસાનો કબજો લઈ એક નેતા તરીકે ઉભરે છે. ડ્રેગન સતત મોટા થઈ રહ્યાં છે, અને ભયાનક રીતે સ્વચ્છંદી છે, પણ એ છતાં ડેનેરિસના પ્રયત્ને તેના કાબૂમાં છે. ડ્રેગનને લીધે ડેનેરિસનો એક પ્રભાવ અને ડર ઉદભવે છે અને ડ્રેગનના જ ઉપયોગથી તે ગુલામોના દેશમાંની એક આખી સેનાનો કબજો મેળવે છે અને તેમને વિકલ્પ આપે છે કે તેઓ પોતાને રસ્તે જઈ શકે અથવા ડેનેરિસ સાથે મળીને તેને વધુ શક્તિશાળી બનવામાં મદદ કરી શકે. આ સેનાની મદદથી તે અનેક રાજ્યો જીતતી જાય છે અને ગુલામી નાબૂદ કરીને ન્યાયની સ્થાપના કરે છે પણ દુશ્મનો પ્રત્યે તે તદ્દન નિષ્ઠુર છે. પોતાની જાતને રાણી તરીકે સ્થાપિત કર્યા પછી એ વેસ્ટેરોસ પર આર્યન થ્રોન માટે રાણી બનીને બેઠેલી સર્સિ પર આક્રમણ કરવલીની તૈયારીમાં છે.
ઉત્તર તરફની હિમદીવાલની રક્ષાનું કામ જોન સ્નો સંભાળે છે, જે એડ સ્ટાર્કનો ભત્રીજો છે, પણ એડ તેને પોતાના અનૈતિક પુત્ર તરીકે ઓળખાવે છે. જ્હોન જંગલીઓના આક્રમણથી દિવાલને બચાવે છે. શ્રેણીમાં તે મૃત્યુ પામે છે અને ફરી સજીવન થાય છે. અંતે તે જંગલીઓને પણ રાજ્યમાં વસવાટ માટે આમંત્રણ આપે છે અને બદલામાં તેમને સેનામાં જોડાવા કહે છે.
આર્યા સ્ટાર્ક પિતાની હત્યા પછી ત્યાંથી ભાગીને અનેક મુસીબતોનો સામનો કરે છે, એ લડતા શીખે છે, અનેક ચહેરાવાળા ઈશ્વર પાસેથી એ ચહેરો બદલવાની કળા શીખે છે. અને ભટકતા એ પણ સાન્સાને આવી મળે છે.
આ તો થયો શ્રેણીનો ખૂબ જ ઉપરછલ્લો પરિચય. આવી તો કંઈ કેટલીય વાર્તાઓ એકબીજા સાથે ગૂંથાયેલી છે અને ચાહકો તેના દરેક હપ્તાની કાગડોળે રાહ જોતા હોય છે. એચબીઓએ જાહેર કર્યું છે તે મુજબ આઠમી સીઝન આ શ્રેણીની અંતિમ સીઝન હશે. આ લેખ પૂરો કરું છું ત્યારે હવે સાતમી સીઝનના પાંચમા હપ્તાને બે દિવસ બાકી છે. સાતમી સીઝનમાં ફક્ત સાત જ હપ્તા છે, જ્યારે અન્ય બધી સીઝનમાં દસ હપ્તા હતા.
એચબીઓને આ શ્રેણી સામે સૌથી મોટો પડકાર તેની પાયરસી રોકવાનો છે, ટોરન્ટ પર તરત જ રીલીઝ થઈ જતા હપ્તાઓ અને એના લાખોની સંખ્યામાં ડાઊનલોડ આ શ્રેણીની ખ્યાતિની અને વિશાળ ચાહક વર્ગની સાક્ષી પૂરે છે. આ વધતી ચાહક સંખ્યાનો સૌથી મોટો ફાયદો એચ.બી.ઓને છે. છઠ્ઠી સીઝનની શરૂઆત વખતે શુક્રવારથી રવિવાર સુધીમાં #GOT હેશટૅગ ટ્વિટર પર છ લાખથી વધુ વપરાયો. સૌથી પ્રચલિત પાત્રો જોન સ્નો, મેલિસાન્ડ્રે અને ડેનેરિસ ટાર્ગેરિયન સ્ટાર બની ચૂક્યા છે. ટીરીયન લેનિસ્ટરના પાત્ર બદલ પીટર ડિંક્લેજને અનેક એવોર્ડ મળ્યા છે. છઠ્ઠી સીઝનમાં એચબીઓને પચાસ લાખથી વધુ નવા પ્રેક્ષકો ફક્ત આ શ્રેણીને લીધે મળ્યા અને કુલ પ્રેક્ષક સંખ્યા અઢી કરોડને પાર પહોંચી છે (ફક્ત અમેરિકા). અત્યાર સુધી શ્રેણીમાંના અગત્યના કુલ ૨૦૨૮ પાત્રોમાંથી દરેક હપ્તામાં લગભગ ૩૩ નોંધપાત્ર પાત્રો હોય છે અને દરેક હપ્તામાં ત્રણેક નવા પાત્રો ઉમેરાય છે, તો સાથે સાથે ૧૨૪૩ પાત્રો મૃત્યુ પામ્યા છે, જેમાં છઠ્ઠી સીઝનમાં સૌથી વધુ ૫૪૦ પાત્રો મર્યા છે. સાતમી સીઝનનો પહેલો હપ્તો અમેરિકામાં એક કરોડ પચ્ચીસ લાખથી વધુ પ્રેક્ષકોએ જોયો અને તેની પહેલા ત્રણ દિવસમાં પાયરસીથી ડાઊનલોડની સંખ્યા નવ કરોડને પાર પહોંચી હતી. એચ.બી.ઓએ ટૉરન્ટની વિરુદ્ધમાં એક આખું જાહેરાતનું અભિયાન ચલાવેલું પણ એનાથી ડાઊનલોડ ઘટવાને બદલે વધ્યાા.
ગેમ ઑફ થ્રોન્સની હકારાત્મક બાબત એ છે કે તેના સ્ત્રી પાત્રો આ શ્રેણીનો આધારસ્તંભ છે, તેમનું પાત્રાલેખન મજબૂત અને સંઘર્ષપૂર્ણ છતાં પૂરેપૂરું લડત આપનારું છે. એ પ્રેમ કરી શકે છે, લડી શકે છે, એ લાગણીશીલ થઈ શકે છે તો ઘાતકી પણ થઈ શકે છે. તેમનો સંઘર્ષ અને જીજિવિષા ઉડીને આંખે વળગે એ રીતે આલેખાયા છે.
અહીં વાર્તામાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે, તમને જે પાત્ર આજે ખૂબ મજબૂત લાગતું હોય એ જ કાલે મૃત્યુ પામે અને જે તમને નકામું લાગતું હોય એ અનેક અગત્યના કામો કરતું દેખાય ત્યારે આશ્ચર્ય સહજ છે. દરેક સીઝનના અંતિમ હપ્તા અણધાર્યા આશ્ચર્યોની વણઝાર લઈને આવે છે અને એ જ પ્રેક્ષકને શ્રેણી સાથે જોડી રાખે છે.
સાતમી સીઝનના બાકીના હપ્તા, ધાર્યા મુજબ એક્શનથી અને આંચકાભર્યા વળાંકોથી ભરપૂર હશે. ભારતમાં સ્ટાર વર્લ્ડ ચેનલ પર અને હૉટસ્ટારા એપ્લિકેશન પર આ શ્રેણી જોઈ શકાય છે.
– જીજ્ઞેશ અધ્યારૂ
વાહ!!!
ગુજરતી માં આ સીરીઝ ના લેખ લખાય એ જાની ને ખુબ જ આનંદ થયો.
મેં બધી બુક વાંચેલી છે. એક અલગ જ વિશ્વ માં લઇ જાય છે, જેને મહાગથામાં રસ છે એમને અને ના હોય તો પણ એક વખત વાંચવી અથવા જોવી જોઈએ.
વાલાર મોર્ગુલીસ જીગ્નેશભાઇ.
perfectly written. have fatafat jovi padshe. thanks for sharing.
બાપ રે… આટલા આટાપાટા વાળી વાત તમે સરળતાથી સમજાવી દીધી. મસ્ત મસ્ત ….
સરસ માહિતી ..ચુસ્ત દુરસ્ત…ગુજરાતીમાં સહજ સમજાય ગઈ.
Perfectly written sir.. Valar Morghulis
દિલધડક આલેખન…થોડીપણ રસક્ષતિ થતી નથી…સરળતાથી વહી જાય છે.
Wow… Superb Article.
સુપર્બ આલેખન ભાઈ!!!
સરસ મહિતિ. આવેી સિરિયલ વિશે કઇ ખબર જ ન હતેી.
Interesting story..Very nice.
શ્રી જીજ્ઞેશભાઇ,
એકદમ નવીન અને માહિતીસભર લેખ બદલ પ્રસન્નતા વ્યક્ત કરુ છુ.