અમુક ગીતો એવાં લમણે વાગે કે આપણને ઊંઘમાં પણ ‘ઝણઝણાવી‘ નાખે. ત્યારે અમુક તો ‘ટાઈમિંગ‘ પ્રમાણે પ્રગટ થાય. ચમનીયાનો ‘એકઝેટ‘ હસ્તમેળાપનો સમય ને વાજાવાળાનો વગાડવાનો સમય, “હમ આજ અપની મૌતકા સામાન લે ચલે.. મૌતકા સામાન લે ચલે..“ આ ગીતનું રહસ્ય એને હવે સમજાય છે. ત્યારે અમુક ગીતને તો ફેસ્ટીવલ સોંગ જ કહેવું પડે. એ આપણને ગલગલીયા ન કરાવે. માત્ર, આવનારા તહેવારની બાતમી આપે. ‘એ મેરે વતન કે લોગો…‘ કે પછી ‘દેદી હમેં આઝાદી બિના ખડગ બિના ઢાલ..‘ જો વાગ્યું તો સમજી લેવાનું કે આજકાલમાં આપણે ‘વંદે માતરમ‘ લલકારવાનું આવવાનું. આવું જ મધુરું ગુજરાતી ગીત ‘કોણ હલાવે લીંબડી…’ આવ્યું તો સમજી જવાનું કે રક્ષાબંધનનો વેધ ભરાવાનો ચાલુ થયો. મને પણ આ ગીત વાગ્યું ને મારી બહેન અને બળેવ યાદ આવી ગઈ. અહાહાહા… બચપણમાં એક રાખડી માટે કેવાં બાથમબાથી પડતાં. આ ગીત વાગે એટલે પસંદગી ની રાખડી ઝૂંટવાના ઝઘડા ને ધીંગામસ્તી સિરિયલની માફક ધડાધડ શરુ થઇ જાય. એ જમાનામાં સ્પાઈડરમેન કે છોટાભીમવાળી રાખડીઓનો જનમ તો થયેલો નહિ. છતાં છોટાભીમની માફક લડતાં ને સ્પાઈડરમેન જેવાં પપ્પા અમને બચાવવા આવતા. આજે ફેર એટલો કે ત્યારે રાખડી માટે લડતાં ને આજે વગર લાકડીએ ઝઘડીએ.. બચપણમાં મજા આવતી યાર!
જેમ બધામાં જ ‘હાઈ-ટેક‘ આવ્યું એમ આજે તો રાખડીમાં પણ ‘હાઈ-ટેક‘, હાથે બાંધો એટલે એમાંથી ગીત વાગે, ‘તેરે રસ્કે કમર, તૂને પહેલી નજર, જબ નજરસે મિલાઈ મઝા આ ગયા..’ તારી ભલી થાય તારી!
ને રાખડીનો ભાવ શું? ટામેટા કરતાં મોંધી! એવી ઊંચા ભાવની કે ભાઈના હાથમાં બાંધવા માટે બહેને સાથે એક ‘કમાન્ડો‘ પણ લેતો જવો પડે. ભાઈની નહીં, રાખડીની રક્ષા માટે. એમાં અમુક રાખડી તો એવાં છોડાં ફાડી નાંખે તેવા ભાવની કે, તમારું નશીબ હોય તો ‘આઈ.ટી‘ ની રેડ પણ પડે. વિચાર કરો કે જે ઘરમાં કુતરું પણ ઘૂસતા વીસ વખત વિચાર કરે ને ઘૂસ્યા પછી કંઈ ન મળે તો ગળાફાંસો ખાય, એ ઘરમાં ‘આઈ.ટી‘ ની રેડ પડે તો રાખડીધારકની શું દશા થાય? એટેક રાખડીની શરમ રાખે.. જો કે ‘વો દિન કહાં કે લુખ્ખેકે હાથમે હાઈ-ટેક રાખડી?‘ આપણને ‘હાઈ-ટેક’ નહીં, ‘માય-ટેક‘ જ શોભે.
એ તો નસીબ પાધરાં કે મુકેશ અંબાણીના આપણે પડોશી નથી. નહીં તો ‘જીયો‘ છતાં જીવવા જેવું પણ ન રહે. બળેવના દિવસોમાં કોઈને મોઢું તો વટાવાય જ નહીં, હાથ પણ બતાવવાને લાયક ન રહે. રાખડીવાળો હાથ ખિસ્સામાંને ખિસ્સામાં કેદવાસમાં હોત. કારણ કે મુકાની રાખડી હોય લાખોની, ને આપણામાં હોય લાલ દેશી ધાગો. કોઈ જોઈ જાય તો બચ્ચારા મુકાને સાંભળવાનું આવે, “મુકલા, તારો પડોશી આવો લુખ્ખો?“
માણસની ભાવનાનું જે થવાનું હોય તે થાય, આનંદ એ વાતનો લેવાનો કે રાખડીના ભાવ તો વધ્યાં.. ટામેટા જો આટલા જ વટમાં રહ્યાં, તો કહેવાય નહીં, ટામેટાની રાખડી પણ માર્કેટમાં આવે. સંતોષ માનવાનો કે માણસના ભાવ ભલે નીચે જતાં, કાંદા-બટાકા ને ટામેટાના ભાવ તો ઊંચા જાય છે ને. આમ કે તેમ વિકાસ થવો જોઈએ. વિકાસને ક્યાં પ્લાન એસ્ટીમેટ હોય છે? હું તો કહું છું, બળેવના દિવસે મિઠાઈ લઇ જવાની ફેશન હવે ગઈ. બહેન જો મીઠાઈને બદલે ટામેટાની ટોપલી લઇને જાય અને ભાભી ઘેલી ઘેલી ન થઇ જાય તો કહેજો. ભાઈનું મોઢું ભલે કટાણું થતું, ગંજીફાની રમતમાં જોકરને સાચવીએ એમ ભાભીને જ સાચવવાની. આ તો વણમાંગી એક ‘ટીપ‘ આપી. અજમાવવ જેવું છે યાર.
બાકી, માણસનો તો સ્વભાવ છે કે નવરો પડે એટલે કાટલાં ઉપર પણ કવિતા લખે. એમ ચમનિયાને વિચાર આવ્યો કે ધારો કે આ રાખડીને વાચા ફૂટે તો એ શું કહે? સાંભળવું છે? તો સાંભળોને મારા વીરા..
“હે માનવી,
અમારા અનુભવની શું કહાણી કહું…
એવા પણ ભાઈ જોયાં
કે
રાવણ પણ સારો લાગે.
એવા પણ ભાઈ છે
જે બહેનને એમ કહે
‘બે’ની.. મને રાખડી બાંધવાની
ઉતાવળ ન કર.
તારો ભાઈ તો
પરણ્યો ત્યારથી જ
તારી ભાભીની સુરક્ષા હેઠળ
સુરક્ષિત છે.
રાખડી બાંધવી જ હોય,
તો તારી ભાભીના હાથે બાંધ.
જેથી એની સુરક્ષા-શક્તિમાં વધારો થાય.
ત્યારે અમને ખબર પડી,
કે અમે કેટલા શક્તિશાળી છીએ.
મહાત્મા ગાંધીજીએ સૂતરના તાંતણે
આઝાદી અપાવેલી.
રાજપૂત રાણી કર્માવતીએ
લાલ દોરાનો એક તાંતણો હુમાયુને મોકલી,
ભાઈ બનાવીને રાજ્યની રક્ષા કરેલી.
કદાચ ઈન્ડિયન પીનલ કોડની કલમ પણ
અમારા તાંતણા આગળ રાંક બની જાય.
ઈન્ડિયન પીનલ કોડની કલમ તો
‘અટક-ચારા‘ માટે વપરાય,
જ્યારે અમારા તાંતણા તો,
બેનડીના ‘ભાઈ-ચારા‘ માટે ફના થઇ જાય.
ચક્રવાત વેળા અભિમન્યુની રાખડીનો
તો ઇતિહાસ સાક્ષી છે
ને એટલે જ અમને આજે પણ
અમારા આ રાખડીના
અવતારનું ગૌરવ છે.
અમે સંસ્કૃતિની ધરોહર છીએ,
ઈતિહાસના સંવાહક છીએ.
સમાજ તોડનારા નહીં,
જોડનારા છીએ.
બાપના ઘરે બચપણ ઠાલવી,
સાસરવાસ ગયેલી દીકરીના અમે શ્રદ્ધેય
ને ભાઈના પ્રેમને બળવતર કરવાના
અમે આધાર છીએ.
ભાઈના હાથે બંધાઈને એને ભાન કરાવીએ કે,
સંબંધોમાં ખાટામીઠા ચડાવઉતાર તો આવ્યા કરે,
પણ આંગળીથી નખ ક્યારેય જુદા થતાં જોયાં છે?
માટે ભાઈબહેનના વણસેલા વ્યવહારને દાઢમાં ન રાખ,
હૃદયમાં રાખીને એને પવિત્ર રહેવા દે.
બળેવની મીઠાઈમાં સાચી મીઠાશ
સંસ્કારની જ છે.
પછી તો,
સતના માર્ગે ચાલનારાને જ
સહન કરવાનું આવે,
એમ સમયની સરવાની સાથે
અમે પણ અનેક થપાટો ખાધી.
વેપારધંધાની મથરાવટીએ
અમને કમાણીનું સાધન બનાવ્યું.
અમારાં આખા અવતાર બદલી નાખ્યા.
ને,
બાંધનારી મા-જણી બહેનની
ભાવના, શ્રદ્ધા ને સહનશીલતામાં પણ
બદલાવ આવ્યો.
અદેખાઈ એવી વધતી ગઈ,
કે ક્યાંક ભાઈ અને બહેન વચ્ચે
ઊંડી ખાઈ બનતી ગઈ.
શ્રદ્ધાના સ્વસ્તિકને બદલે અમે
સ્વાર્થના સાધન બનવા લાગ્યા.
જે કલાઈ ઉપર અમારો વરસો જૂનો
કબજો ને ભોગવટો હતો ત્યાં,
‘ફ્રેન્ડશીપ ડે‘ ના ધાગા બંધાવા લાગ્યાં.
બળેવ હાંસિયામાં ગઈ,
ને ‘ફ્રેન્ડશીપ ડે‘નો મહિમા ચલણમાં આવ્યો.
અમે એવાં વટલાઈ ગયા કે
રાખડીમાંથી ફ્રેન્ડશીપના ધાગા તરીકે ઓળખાવા લાગ્યા.
અમારી પવિત્રતાને લૂણો લાગ્યો.
જે રાખડી પાંચમાં પૂછાતી હતી,
એ માત્ર રાંક નહીં,
પણ રાખ બનવા લાગી.
જાણે વાલ્મીકીને વાલિયા બનવાની વેળા આવી
ગઈકાલ સુધી ભાઈની
સુરક્ષા માટે બંધાતી રાખડી,
આજે પોતે જ સુરક્ષા શોધતી થઈ ગઈ..
છતાં, ક્યાંક શ્રદ્ધાના દીવડાઓ હજી ઝગે છે.
જે સમજે છે, જાણે છે કે,
બળેવના દિવસે બહેન,
માત્ર રાખડી બાંધવા આવતી નથી,
પણ ભાઈને
બચપણની યાદ અપાવવા આવે છે.
જ્યાં બેનને મીઠો આવકારો મળે,
ત્યાં સતયુગ,
નહીંતર કળયુગ..
આજકાલ સંબંધમાં પણ સરકારીકરણ આવ્યું.
ફ્રેન્ડશીપ તો જૂના સમયમાં પણ હતી.
એની ક્યાં ના છે..
પણ દોરા-ધાગા બાંધવાના રીવાજ ક્યાં હતા?
બસ.. એકબીજાના ખભે હાથ નાંખીને
ચાલવાનું લાઈસન્સ મળ્યું એટલે દોસ્તી….!
આજના જેવું નહીં કે,
ફ્રેન્ડશીપનો
પ્રચાર જુદો, આચાર જુદો,
વિચાર જુદો ને વ્યવહાર પણ જુદો..
આજે તો નેટ પ્રેકટીશ ફ્રેન્ડની કરવાની,
ને ટેસ્ટ મેચ બીજી જ રમવાની..
ભાઈ-ભત્રીજાના હાથે બાંધવા માટે,
બહેન જ્યારે અમને ખરીદવા નીકળતી,
ત્યારે એના લહેકામાં
જાણે ભાભી શોધવા નીકળી હોય,
એવો ઉમંગ રહેતો.
એવી હરખપદુડી બનતી કે
જાણે દરિયામાંથી
મોતી શોધવા ન નીકળી હોય?
અમને શોધવામાં એ અડધો દિવસ,
ને અડધો ડઝન દુકાન ફેંદી નાંખતી.
પછી જેવી ગમતી રાખડી મળી જાય,
એટલે જાણે માડી જાયો સગો ભાઈ મળી ગયો
એમ હરખઘેલી બનતી.િં
કિંમત બળેવની નહીં, બહેનની હોય.
બળેવની કિંમત સમજવા માટે તો
સંબંધમાં બહેનનો સ્ટોક જોઈએ.
જેની પાસે બહેનનો સ્ટોક નથી,
એને જ ખબર પડે કે
બળેવની કિંમત કેટલી ઉંચી છે.
જે લોકો દીકરીના જનમ ઉપર
રોક લગાવવાનો ઠેકો લઈને બેઠાં છે,
એ બળેવના દિવસે નકોરડા ઉપવાસ કરે
તોય પ્રાયશ્ચિત ન થાય.
પીપળા-લીમડાની ડાળે
હિંચકો બાંધીને રમતા
બહેન અને ભાઈના પ્રેમથી
કોણ અજાણ છે?
એવું લાગતું કે
હીંચકાના એકએક આંદોલન દ્વારા
બહેનના સુખ માટે
ભાઈ સ્વર્ગને આકાશમાંથી
નીચે ઉતારી રહ્યો છે.
આવા અમરપ્રેમના અમે સંવાહક.
આજે તો,
ઝાકમઝોળ એમ્યૂઝમેન્ટની ‘રાઈડ‘ આવી.
પીપળા ને લીમડાની ડાળીઓ
હિંચકા માટે મૂરઝાવા લાગી.
આજે એને કોણ પૂછે છે?
ભાઈ અને બહેનની ધીંગામસ્તી વિના
નવરા પડતાં એ પીપળા
ભૂતના વાસ તરીકે બદનામ થાય છે.
‘વેલેન્ટાઈન ડે‘ ઝાકમઝોળથી ઉજવાય,
પણ ભાઈ બહેનનો પ્રેમ
ઝીરો વોલ્ટના બલ્બ જેવો થઈ રહ્યો.
ભલે દોરા બદલાયા,
ભાવના બદલાય
પણ રાખડી વગરનો હાથ,
ભાઈ માટે આજે પણ
સૂરજ વગરના દિવસ જેવો ….
‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી ‘ જેવાં મધુર ગીતો, લોકહૈયામાં આજે પણ ગુંજે છે. હોલીવુડ-બોલીવુડ-ટેલીવુડ કે ઢોલીવુડના ગીતોના વાવાઝોંડામાં પણ, આવાં ગીતો અડીખમ ઉભાં છે. કારણ આ બોલીવુડનું નહિ, લોકબોલીવુડનું ગીત છે… લોકબોલીવુડના આવાં ગીતોના માપની કબર જ નથી બની એટલે લોકહૈયામાં હજી આજે પણ જીવે છે. ને ‘સોશ્યલ રોકસ્ટાર‘ બનીને ડોલાવતાં રહે છે… છેલ્લે એટલું જ કહીશ કે જે ભાઈ બહેનના મેળાપ, ઘરના આંગણા કરતાં કોર્ટની ચોગઠમાં વધારે થતાં હોય તેઓ બળેવના હાર્દને સમજે તો સ્વર્ગ હાથવેંતમાં છે. મનની કડવાશ સ્નેહના આ બંધને સાવ ભૂંસાઈ જાય અને સ્નેહ, પ્રેમ, લાગણી અને અનન્ય સંબંધની લાલિમા ઝગારા મારી ઉઠે, બળેવના પર્વનો આ જ સાચો સંદેશ છે…