જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩) 7


હવે દર રવિવારે અક્ષરનાદ પર પ્રસ્તુત થાય છે બાર મિત્રો દ્વારા લખાયેલી, “કથાકડી” નામની વિક્રમસર્જક વાર્તા લખનાર “શબ્દાવકાશ” ગ્રુપની એક સહિયારી લઘુનવલ, ‘જીવન અંંતરંગ’. આજે પ્રસ્તુત છે આ લઘુનવલનો મીનાક્ષી વખારીયાએ લખેલો ત્રીજો ભાગ..

અનુષાનો ચહેરો લેપટોપની સ્ક્રીન પર દેખાતા જ નિલયના મનમાં વણદેખ્યો ભાર વર્તાવા લાગ્યો. જાણે તે અનુષાથી ભાગવા માંગતો હોય તેમ તરત જ તેનો ફોટો સ્લાઇડ કરી નાંખ્યો. હવે તેની મમ્મીનો ફોટો દેખાયો. મમ્મીના ચહેરા પરની છલકાતી ખુશી જોઈ તેને પણ એક જાતનો સંતોષ થયો. ચાલો મમ્મીની ઇચ્છા તો પૂરી થઈ !

એ ભણેલો ગણેલો બેન્ક મેનેજર હતો. આવક પણ સારી હતી. જો પોલિયોની બીમારીને ન ગણકારો તો એ એક લાયક મુરતિયો હતો. ઉડીને આંખે વળગે એવી ખોડ એટલે તે કોઈને પસંદ કરે એના કરતાં તેને કોઈ પસંદ કરે તે વધારે મહત્વનું હતું. તેને વાંઢાનું લેબલ હટાવવું હોય તો કન્યાની પસંદગી કરવામાં કંઈક જતું કરવું પડે જ. નિલયના મમ્મી પપ્પાએ ઘણી શોધખોળ કર્યા પછી અનુષાની પસંદગી કરી. ભલે તે ગરીબ ઘરમાંથી આવતી હતી પણ તે ઘરરખ્ખુ હોય તેમ લાગતું હતું. મનમાં એક ઉચાટ હતો પણ અંતે દીકરાનું ઘર વસી જશે તેનો સંતોષ પણ હતો.

અનુષા માટે હા પડાવતા સરિતાબેનને નવનેજા પાણી ઉતારવા પડ્યા હતા. નિલયને પોલિયો હોવાથી તેને સીમા કરતાં વધારે મહત્વ મળતું અને  તેથી તે થોડો જીદી થઈ ગયેલો. સીમાને બધી ખબર હતી પણ તેના ભાતૃપ્રેમે એને મોટા મનની બનાવી હતી. તે પણ દુનિયામાં સૌથી વધારે તેના ભાઈની ખુશી જ ચાહતી હતી. વિકલાંગ હોવા છતા આજે તેનો વિરલો

બેન્ક મેનેજરની પોસ્ટ સુધી પહોંચી ગયો તે માટે સીમા અને સરિતાબેનના પ્રોત્સાહનનો મુખ્ય ફાળો હતો. જો કે ઘણીવાર નિરાશા થઈ જતાં નિલયને જો ડોક્ટર આરાધનાનો સધિયારો ન મળ્યો હોત તો પડી ભાંગ્યો હોત.

તેને જન્મજાત પોલિયો નહોતો, નાનપણમાં તાવ આવી જતાં તે પોલિયાનો શિકાર બન્યો તેમાં સરિતાબેને મનોમન પોતાને અપરાધી સમજી તેની વિશેષ કાળજી રાખી. સારું હતું કે તેના મગજ પર પોલિયોની અસર નહોતી થઈ તેથી તેને સ્પેશિયલ શાળામાં મૂકવો નહોતો પડ્યો. તેને ભણવામાં તો વાંધો ન આવ્યો પણ બીજા નોર્મલ વિદ્યાર્થીઓએ તેને દોસ્ત ન બનાવ્યો. આ જ વસ્તુ તેને ખૂંચી રહી હતી અને ઘણીવાર તે નિરાશાની ગર્તામાં ધકેલાઇ જતો અને ‘શાળાએ નથી જવું’ એમ કહી રિસાઈને બેસી જતો.

તેની શાળાના મુખ્ય આચાર્ય આવા હોંશિયાર વિદ્યાર્થીને ગુમાવવા નહોતા માંગતા, તેમણે સરિતાબેન અને નિલયને ઓફિસમાં બોલાવી સમજાવ્યા કે “નિલયને સારા કાઉન્સેલર પાસે લઈ જાવ અને કાઉન્સેલિંગ કરાવો. નિલય જો ભણવામાં એકાગ્રતા કેળવશે તો તેને ભવિષ્યમાં ઉજ્જવળ કારકિર્દીની તક મળે અને કોઈના ઓશિયાળા થઈને રહેવું ન પડે.”

સરિતાબેને કહ્યું “ સાહેબ, તમે સારા કાઉન્સેલરનું નામ આપો, હું નિલયને ચોક્કસ એમની પાસે લઈ જઈશ.

આમ ડોક્ટર દ્રુપદ પાસે નિલયનું કાઉન્સેલિંગ શરૂ થયું. પહેલા જ દિવસે ડોક્ટર દ્રુપદે નિલયને સમજાવ્યું “નિલય તારે અર્જુનની જેમ એક લક્ષ્ય નક્કી કરવાનું છે, કંઈપણ થાય હિંમત નથી હારવાની. તારી શાળાના વિદ્યાર્થીઓના વર્તન તરફ દુર્લક્ષ કરી ભણવામાં ધ્યાન પરોવ, તારી સામે ઉજ્જવળ ભવિષ્ય હાથ ફેલાવીને ઊભું છે તે તરફ ધ્યાન આપ. અન્ય છોકરાઓ તારી સાથે રમવા તૈયાર નથી તો શું થયું ? એમ યારી દોસ્તીમાં સમય ન વેડફતા સારા સારા પુસ્તકો વાંચ, મહાન માણસોની આત્મકથા વાંચ… તને જીવન જીવવાની નવી દિશાઓ ઊઘડતી નજરે પડશે.”

ઘણીવાર એ ડોક્ટરના ક્લિનિક પર ગયો હોય ત્યારે ત્યાં એમની દીકરી આરાધના પણ મળી જતી. બે ચાર શબ્દોની આપલે કરતાં કરતાં ક્યારે દોસ્ત બની ગયા તે ખબરે ન પડી. આરાધનાની દોસ્તીએ તેને મનથી એટલો ધનવાન બનાવી દીધો કે તેની જિંદગી સકારાત્મક વિચારો ધરાવતી થઈ ગઈ…

સમય જતા તે બી.કોમ થઈ ગયો અને બેન્કની અનેક પરીક્ષાઓ પાસ કરી તે દેશની જાણીતી બેંકમાં મેનેજરની પદવી શોભાવવા લાગ્યો. આરાધના પણ એ અરસામાં મનોચિકિસ્તક બની ગઈ અને તેના પપ્પાના જ ક્લિનિકમાં સેવા આપવા લાગી. ડોક્ટર દ્રુપદ હવે ઉંમરને કારણે ક્લિનિક પર ક્યારેક જ આવતા. નિલય હવે ડોક્ટર આરાધનાનો નિયમિત પેશન્ટ બની ગયો. બેન્કની નોકરીને કારણે વ્યસ્ત રહેતો હોવાથી તેનું પણ ક્લિનિક પર આવવાનું ઓછું થઈ ગયેલું પણ તે આરાધના સાથે ફોનથી સતત સંપર્કમાં રહેતો.

બેંકમાં પણ તે સહકર્મચારીઓ સાથે હળીમળી ગયો હતો. અને મજાકિયા સ્વભાવને કારણે તે પ્રિય થઈ પડ્યો હતો. ઘણાં કુંવારા સહકર્મચારીઓના લગ્ન થવા લાગ્યા. નિલયને પણ લોકો પૂછવા લાગ્યા, “સાહેબ ક્યારે બોલાવો છો આપના લગ્નમાં ?”

નિલયે આજ સુધી લગ્ન વિશે વિચાર્યું પણ નહોતું કે તેના ઘરનાએ પણ લગ્નની ઉંમર થઈ ગયા છતાં કોઈ તૈયારી બતાવી નહોતી. હવે તે પરણવાના સપના જોવા લાગ્યો.

જો કે પોતાની વિકલાંગતાને કારણે એના લગ્ન થશે કે નહીં એવા વિચારો અને ચિંતામાં તેને ફીટ આવવા લાગી. એટલે ફરી મનોચિકિસ્તક આરાધનાની મદદ લેવામાં આવી. દર બીજા દિવસે આરાધના નિલયનું કાઉન્સેલિંગ કરતી. સહાનુભૂતિપૂર્વક સવાલો કરી તેના મનની વાત કઢાવવાના પ્રયત્નો કરતી. આ દરમ્યાન ક્યારેક તે નિલયના માથા પર પ્રેમથી હાથ ફેરવતી કે ક્યારેક તેની હથેળી પોતાના હાથમાં લઈ પંપાળતી. નિલયને આ બધું ગમતું. આરાધનાની ચેષ્ટા તો તેની એક ટ્રીટમેંટનો એક ભાગ જ હતી પણ નિલય કંઈ બીજું જ સમજતો હતો.

તેની સારવાર લાંબી ચાલી, દેખીતી રીતે તે સારો થઈ જ ગયેલો. બીજો કોઈ પેશન્ટ હોત તો તેને આરાધનાએ “સારું થઈ ગયું છે” કહી દીધું હોત પરંતુ પોતાના બચપણના દોસ્તના મગજમાં શું ચાલી રહ્યું છે તેનો તાગ લીધા વગર આરાધના તેને છોડવાની નહોતી. છેલ્લા ઉપાય તરીકે નિલય પર સંમોહન કરી તેને તંદ્રાવ્સ્થામાં લાવી મનની વાત કઢાવવાની હતી. બે ત્રણ પ્રાયમરી સેશન તો થઈ પણ ગયા. આજે હવે કદાચ ફાઈનલ સેશન હતું…

એક, બે , ત્રણ, ચાર, પાંચ બોલતા સુધીમાં તો નિલય તંદ્રાધીન થઈ ગયો..આરાધનાએ પૂછ્યું ’નિલય તમને ખબર છે તમે અત્યારે કયાં છો ?

“હું, પાર્ટીમાં છું.”

“તમને મજા આવે છે પાર્ટીમાં જવાની ?”

“હા, બહુ મજા આવે પણ હવે હું પાર્ટીમાં નહીં જાઉં…”

“કેમ ? તમને ગમતું હોય તો જવાનું..”

“ના, નહીં જાઉં…થોડીવારની ચુપ્પી પછી..એ લોકો મારા લગ્ન ક્યારે થશે ? એવું પૂછ્યા કરે છે. મને પોલિયાવાળાને કોણ પરણે ?” આટલું કહેતા નિલયની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા.

“તારે લગ્ન કરવા છે ?”

“હા, મને પણ પરણવું હોય ને !”

“નિલય, તમે તમારી ખોડ વિશે સારી પેઠે જાણો છો પછી શા માટે પરણવું છે.?” નિલયે આનો જવાબ ન આપ્યો. તેને ઊંઘ આવવા લાગી હતી. આ જોઇને આરાધના તેને તંદ્રામાંથી બહાર લઈ આવી.

બીજે દિવસે સરિતાબેન અને વિવેકભાઈને, આરાધનાએ ક્લિનિક પર બોલાવ્યા, અને આગલા દિવસના સેશનની વાત કરી કે નિલયના મનમાં તો પરણવાનું ભૂત ભરાયું છે. સરીતાબને પાસે માનું દિલ હતું એટલે , એમણે ડોક્ટરે કહેલી બધી વાતનો તોડ એ કાઢ્યો કે નિલયને પરણવું છે તો પરણાવી દઈએ, જો એમ કરીને તેની માનસિક સ્થિતિ સારી થઈ જતી હોય તો શું ખોટું છે?

આરાધનાના આશ્ચર્ય વચ્ચે, બીજે જ દિવસે નિલય એપોઈંટમેંટ વગર જ કાખઘોડીના સહારે ચાલતો તેને મળવા આવી ગયો. તેના હાથમાં લાલ ગુલાબ હતું. આરાધનાની કેબિનમાં નોક કર્યા વગર જ ઘૂસી ગયો, એ તો સારું હતું કે એ સમયે તે એકલી જ હતી.

નિલયે ગુલાબ આરાધનાના હાથમાં આપીને કહ્યું “વિલ યુ મેરી મી?” અવાચક થઈ ગયેલી આરાધના કાંઈ બોલે તે પહેલા જ નિલય બોલવા લાગ્યો “મને તો હમણાં મારી સારવાર દરમ્યાન જ ખબર પડી કે તું પણ મને ચાહે છે.  હું તો અત્યાર સુધી મારો પ્રેમ કબૂલ કરતાં અચકાતો હતો.” નિલયના આવા વર્તનથી ચિડાયેલી આરાધનાએ સહેજ ગુસ્સો કરતા કહ્યું “નિલય ગાંડા શું કાઢે છે? કોણે કહ્યું કે હું તને પ્રેમ કરું છું ? અરે, થોડી હમદર્દી શું બતાવી કે તું એને પ્રેમ સમજી બેઠો ? આપણી દોસ્તીને દોસ્તી જ રહેવાદે, પ્રેમબ્રેમના ચક્કરમાં ન પાડીશ.”

ધૂંધવાયેલો નિલય ત્યાંથી નીકળી ઘરે આવ્યો. સરિતાબેન અને વિવેકભાઈ તેને પરણાવવાની વાત જ કરી રહ્યા હતા. નિલયનો ઉતરેલો ચહેરો જોઈ બંને ચૂપ થઈ ગયા. સરિતાબેને તેની પાસે આવીને પૂછ્યું “કેમ આવું સોગિયા જેવુ ડાચું કરીને ક્યાંથી આવ્યો ?” નિલય મમ્મીને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. તે કાંઈ બોલતો નહોતો. સરીતાબેને તેને રડવા દીધો.

કલાકેક રહીને ડોક્ટર આરાધનાનો ફોન આવ્યો તો બધાં સવાલના જવાબ મળી ગયા..હવે તો સરિતાબેનનું એક જ કામ હતું, નિલય માટે લાયક છોકરી ગોતવાનું. નિલયે થોડા વખત બાદ આરાધના સાથે શું થયું તેની વાત કરી .ત્યારે સરિતાબેન જુસ્સામાં આવી બોલી ગયા કે “આરાધના વળી એના મનમાં શું સમજે છે ? કે મારા દીકરાને કોઈ નહીં પરણે ? એક કરતાં એકવીસ ઊભી કરી દઇશ.”

આજે એ ઇચ્છા પૂરી થઈ તેથી સરિતાબેન પોરસાતા હતા. તો આરાધનાને સગાઈનું કાર્ડ મળેલું તેથી તે પરેશાન હતી કે પોલિયોની બીમારીને લીધે કદાચ નિલય લગ્નને લાયક ન રહ્યો હોય!  વારંવાર ફોન કરવા છતાં નિલય ફોન રિસીવ કરતો નહીં અને ફોન કટ કરી દેતો હતો.

– મીનાક્ષી વખારિયા.

ગૃહિણી, લખવાનો વાંચવાનો શોખ, સંદેશ પ્રકાશનના સ્ત્રી મેગેઝીન, અભિષેક તેમ જ કૈલાસ પ્લાઝા મેગેઝીનમાં મારી વાર્તાઓ, ઈ મેગેઝીન સર્જનહાર તેમ જ વિચારયાત્રામાં મારી વાર્તાઓ તેમ જ નિબંધ, અવારનવાર છપાતા રહે છે. અત્યારે અક્ષરનાદના સર્જન ગ્રુપ સાથે માઈક્રોફિક્શન લખવામાં પ્રવૃત છું. vakhariaminaxi4@gmail.com

મીનાક્ષી વખારિયા, L/3 -1st floor. BALKRISHNA CO. OP. Housing Society. Opp, SEVEN BUNGALOW BUS DEPOT. UNDER MAIN VERSOVA METRO STATION. J.P.ROAD, ANDHERI (WEST)
MUMBAI – 400053


આપનો પ્રતિભાવ આપો....

7 thoughts on “જીવન અંંતરંગ – લઘુનવલ (ભાગ ૩)