સ્કુલમાં ઈતિહાસના શિક્ષકોનો પ્રિય પ્રશ્ન પાનીપથની લડાઈ કોની કોની વચ્ચે લડાઈ હતી? સ્કુલમાં તો આનો સાચો જવાબ કદી યાદ નહોતો રહ્યો પણ હવે જો કોઈ પૂછે તો મારો જવાબ સ્પષ્ટ છે, કે પાનીપથના યુદ્ધમાં બીજી પાર્ટી ગમે તે હોય પણ પહેલી પાર્ટી તો ગરમી જ હતી. અને બીજી પાર્ટી વગર લડે જ હારી ગઈ હશે. આવા બ્હાવરા બ્હાવરા વિચારો મને આવી રહ્યા હતા, મે મહિનાની ઉત્તર ભારતની કાળઝાળ ગરમી હતી અને અમારી ટ્રેન પાનીપથ સ્ટેશનેથી પસાર થઇ.
બારીની બહાર જ્યાં પ્લેટફોર્મ પર સામાન્ય રીતે ફેરિયાઓ ખાવાનું વેંચવા દોડાદોડી કરતા હોય ત્યાં અહી બ્લુ કપડાંવાળા સરદારજીઓ મફતમાં પાણી વ્હેંચવા દોડતા હતા. પાણીના પ્યાલા ભરીને ભરીને આવતી જતી દરેક ટ્રેનના પ્રવાસીઓને બારીમાંથી તેઓ આપતા હતા. ગરમી કેવી હશે એનો આ પરથી અંદાજ લગાડી શકાય. ખેર, અમારી પાસે તો પાણી હતું. જો કઈ નહોતું તે હતી યોગ્ય ટીકીટ. અનરિઝર્વ્ડની ટીકીટ લઈને અમે દિલ્હીથી ચડ્યા તો ખરા પણ આખો રસ્તો ઉભા ઉભા જવાની તૈયારી નહોતી એટલે રીઝર્વેશનમાં ચડી ગયા. ટી.સી.થી બચવા એક ડબ્બાથી બીજા ડબ્બા તરફ ચાલી રહ્યા હતા. આમ ચાલતા ચાલતા જ અમે દિલ્હીથી ચંડીગઢ પહોચી ગયા. ચંડીગઢથી અમારો અસલી પ્રવાસ શરુ થતો હતો. ચંડીગઢ એ અમારા પ્રવાસનું છેલ્લું એવું સ્થળ હતું કે જેનું નામ સાંભળેલું હોય. હવે પછીના બધા જ સ્થળો અનામી ગામડાઓ હતાં.
It is not down in any map; true places never are.
હરમન મેલ્વિલનું આ ક્વોટ અમારી આગામી આઠ દિવસોની મુસાફરી માટે જ લખાયું હતું. અમે જઈ રહ્યા હતા આઠ દિવસીય સાઇકલિંગ ટ્રેક માટેના બેઝ કેમ્પ ઔટ નામના ગામે. દિલ્હી કે ચંડીગઢથી જો તમે મનાલી ગયા હો તો ખ્યાલ હશે કુલુ આવવાની થોડુ પહેલા એક લાં…બું બોગદું આવે છે. બસ એ બોગદાથી થોડે આગળ વસેલું સાવ નાનકડું ગામ એટલે ઔટ. બસ કે ગાડીમાં જતા હો તો એ પસાર થઇ જાય અને તમારું ધ્યાન પણ ન જાય તો એમાં તમારો વાંક નહિ કાઢું. અને આ ઔટ ગામથી પણ થોડે આગળ જાઓ તો એક આંધળા વળાંક પર એક એકલો અટૂલો બંગલો ઉભો છે. તેના પ્રવેશ પર બોર્ડ મારેલું છે “કેફે એડવેન્ચર”.
પહાડી વિસ્તારોમાં સામાન્ય રીતે ગ્રાઉન્ડ ફ્લોરની ઉપર તથા નીચે બંને બાજુ ઉગેલા ઘર હોય છે. એવું જ આ ઘર પણ હતું. રસ્તાના લેવલ પર આવેલા ગ્રાઉન્ડ ફ્લોરથી એક માળ નીચે ઉતરો એટલે બહાર વિશાળ બગીચો. જેની પાળીએ બેસીને બિયાસ નદીના દર્શન થાય. બગીચામાંથી પગથીયાની એક હાર નીચે નદી સુધી લઇ જાય. હાથમાં ચા નો પ્યાલો લઈને બસ નદીને જોયા કરો, જોયા જ કરો. રીટાયરમેન્ટ પછી પહાડોમાં વસેલા ઘરના સપના સાથે આ મળતું આવતું હતું. ઘરના બગીચામાં ત્રણ મોટા મોટા તંબુ નાખ્યા હતાં જેમાં અમે સૌ ટ્રેકિંગના પાર્ટીસીપંટે રહેવાનું હતું. અમને થયું આટલો સુંદર બંગલો કોનો હશે? એનો માલિક તે વળી કેવોય હશે. કદાચ દિલ્હીનો કોઈ નિવૃત્ત સરકારી બાબુ કે પછી કોઈ બીઝનેસમેન હશે.
તે વખતે બગીચામાં હાફ પેન્ટ પહેરીને કામ કરતા દુબળા પાતળા આધેડ વયના માણસને જોઇને અમને તો કલ્પના સુદ્ધા નહોતી આવી કે આ જ આ બંગલાના માલિક હશે. અને એવી કલ્પના તો કોઈનેય ન આવે કે એકદમ ઓછું બોલતો આ માણસ રાષ્ટ્રપતિને હાથે સન્માનિત થઇ ચુક્યો હશે. પછી ખબર પડી કે આસપાસના વિસ્તારમાં જેને ઠાકુર સા’બ તરીકે સૌ ઓળખતા હતા એવા રેલુ રામ ઠાકુર ઉર્ફે આર. આર. ઠાકુર એ જ આ બંગલાના માલિક હતા. તેનઝિંગ નોર્ગે સાહસિક અને રાષ્ટ્રીય રમત એવોર્ડ મેળવનાર આર આર ઠાકુર એક કુશળ તરવૈયા અને સાહસી નાવિક છે. તેમણે ગંગોત્રીથી બંગાળ સુધીની ગંગામાં એકલા કેયાકીંગ કર્યું છે. જે માટે તેમને આ એવોર્ડ મળ્યો હતો.
કેયાક એટલે એક કે બે જણ બેઠા બેઠા હાંકી શકે તેવી હોડી. પછીથી તેમણે માત્ર સ્ત્રીઓની એક ટુકડીને લઈને પણ આ ગંગાયાત્રાનું સાહસ ફરીથી કર્યું છે. હવે તેઓ મનાલીના ટુરિસ્ટને વોટર સ્પોર્ટ્સ કરાવે છે. ઉપરાંત આસપાસના વિસ્તારોમાં નાની મોટી કોઈપણ હોનારત થાય તો મદદ માટે લોકો તેમને જ બોલાવતા હોય છે. પહાડી વિસ્તાર હોઈ વાહન ખીણમાં સરી ગયું કે કોઈ માણસ નદીમાં તણાઈ ગયા જેવી દુર્ઘટના વારંવાર થયા જ કરતી હોય છે. અને દર વખતે ઠાકુર સા’બ જુવાનોને પણ હંફાવે એવી સ્ફૂર્તીથી લોકોની વ્હારે ધાય છે.
ટ્રેકિંગનો પહેલો દિવસ રીપોર્ટીંગનો હોય અને બીજો અક્લામેટાઈઝેશનનો. જેની માટે અમને પાંચ કિલોમીટર છેટેના ગામ સુધી ચાલીને જવાનું હતું. આ પહેલા દિવસે જ સ્પષ્ટ થઇ ગયું હતું કે કોણ કેટલી ઝડપે ચાલવાનું છે અને પછીના દિવસોમાં એ જ ઝડપે સાઈકલ પણ ચલાવતા હતા. કેટલાક લોકો મૂળે જ ઝડપથી ચાલતા હતા અને કેમ્પ લીડરની સાથે સાથે જ કે એથીયે આગળ નીકળી જતા જ્યારે કેટલાક પરાણે ઝડપથી ચાલતા જેથી ગ્રુપથી વિખુટા ન પડી જાય. અમે સૌથી પાછળ હતા. પ્રકૃતિનો આનંદ લેતા લેતા, ફોટો પાડતા અને રસ્તે મળતા લોકો સાથે વાતો કરતા અમે ધારીએ તોયે સૌની સાથે તાલ નહોતા મેળવી શકતા. આ વાત માટે અમને આખી ટ્રીપમાં રોજ વઢ પડી પણ કે છે ને કે પ્રાણ ને પ્રકૃતિ સાથે જ જાય.
અક્લામેટાઈઝેશન ટ્રેકમાં પાછા ફરતી સમયે અમને એક પચ્ચીસેક વરસનો છોકરો મળ્યો જે પોતાને ઠાકુર સા’બનો ભાણેજ કહેવડાવતો હતો. અમે મુંબઈથી આવ્યા છીએ એ વાતથી તે ખુબ અંજાઈ ગયો અને તેણે કહ્યું કે સાંજે એ મામાના ઘરે આવશે ત્યારે અમને મળશે. સાંજે અમે ઠાકુરને પૂછ્યું કે, તમારો ભાણેજ આવવાનો છે. તો તેઓ કહે કે એમનો કોઈ ભાણેજ છે જ નહિ. અમે કહ્યું કે અમને આવો એક છોકરો મળ્યો હતો. અમે એનો નંબર પણ લીધો છે. નંબર ચેક કર્યો તો એ માત્ર નવ આંકડાનો હતો. ત્યારે વાત વાતમાં ખ્યાલ નહોતો આવ્યો કે નંબર સાચો છે કે નહિ એ તપાસીએ. ઠાકુર મુછમાં મલક્યો અને પૂછ્યું, શું તમારા સિવાય પણ કોઈએ એને જોયો હતો? અને ત્યાંથી ચાલ્યો ગયો. રાતે તંબુમાં સુતા સુતા આ વાત વાગોળી અને એનો પૂરો અર્થ સમજાયો ત્યારે અમે થોડા રોમાંચિત થયા પણ વધુ તો ફફડી ગયા. આગળના દિવસોમાં શું બને છે અને કોણ મળે છે એ વિચારોમાં ઊંઘી ગયા.
ત્રીજો દિવસ ખુબ વહેલો શરુ થયો. પાંચ વાગે ઉઠીને કસરત કરવાની, પછી તૈયાર થઈને સાત વાગે નાસ્તો અને આઠ વાગે સાઈકલ લઈને નીકળી પડવાનું. પીઠ પર બેગમાં પાંચ દિવસનો સમાન અને સાથે આપેલું એક દિવસનું જમવાનું. રસ્તામાં જ્યારે મન થાય ત્યારે જમી લેવાનું. સાંજે ચા ના સમય સુધી આગળના કેમ્પ પહોચી જવાનો. એના પછીના દિવસે હજુ આગળનો કેમ્પ જે એનાથી વધારે ઉંચાઈ પર હોય. એમ કરતા કરતા પાંચમે દિવસે સૌથી ઊંચા કેમ્પ પર પહોચવાનું.
દરેક કેમ્પમાં ઓછામાં ઓછી સગવડો હોય. લાઈટ નહિ, ગરમ પાણી નહિ, કેટલીક વાર તો સપાટ જમીન પણ નહિ, રાતે કુતરા ભસતા હોય, જાતજાતના જીવડા ફૂદ્કતા હોય અને તોયે આખા દિવસની સાઈકલ ચલાવીને એવો થાક લાગ્યો હોય કે ગાઢ ઊંઘ આવી જાય. રોજ પહાડોની પાતળી હવામાં દસ-પંદર કિલોમીટર સાઈકલ ચલાવવાની અને તે પણ ઢાળ ચડવાનો. કેટલાક લોકો આસાનીથી એ કરી લેતા હતા પણ અમે તો અકાળે વૃદ્ધ થઇ ગયેલા એકવીસ વર્ષીય છોકરાઓ હતા. અમે સૌથી છેલ્લે આવતા. કેટલોક રસ્તો સાઇકલ ચલાવીને તો કેટલોક ઢસડીને કાપતા.
સવારે ઉઠવામાં અચૂક મોડું થયું હોય અને ઠંડીને લીધે નહાયા વગર જ નીકળ્યા હોઈએ. એટલે બપોરેકના તડકો નીકળે પછી રસ્તાની બાજુમાંથી ચાલી જતી તીર્થન નદીમાં નાહવા રોકાઈ જઈએ. જે મળે તેની સાથે વાતો કરવા પણ રોકી જઈએ. જો કે, પેલા ઠાકુરના ભાણેજ વાળા કિસ્સા પછી મને નથી ખબર કે એમાંના કેટલા લોકો સાચ્ચેમાં હતા અને કેટલા ડોટ ડોટ ડોટ! કેમ્પ પર પહોચીએ ત્યાં કેમ્પ લીડર વઢવા માટે તૈયાર જ હોય અને સાથે જ તૈયાર હોય ચા-નાસ્તો. અમે ભજીયા સાથે વઢ ખાઈને થાક ઉતારીએ ત્યાં સાંજ પડવામાં હોય. પહેલા પહોચેલા લોકો બીજી વારનું નાહીને તૈયાર થઈને આવતા હોય. પછી મેહફીલ જામે.
અલગ રાજ્યો અને શહેરોમાંથી આવેલા, અલગ વ્યવસાય કરતા લોકો કે વિદ્યાર્થીઓ આઠ દિવસ માટે ભેગા હોય એટલે ખુબ મઝા પડે. જમ્યા પછી કેમ્પ ફાયર થાય. અલબત્ત આગ વગરનો કેમ્પ ફાયર. હિમાચલ પ્રદેશમાં ત્યાંના સ્થાનિક ન હોય એવા લોકો માટે આગ લગાડવા પહેલા પર્યાવરણ ખાતાની મંજુરી લેવી જરૂરી છે. અને એ મોટેભાગે નથી મળતી. એટલે આગ વગર જ ગીતો ગાવા, જોક્સ કહેવા, ડમ્બ શરાડ્સ જેવી પ્રવૃત્તિઓ ચાલે. રાતે દસેક વાગ્યે ગરમ દુધમાં બોર્નવિટા મળે અને પછી તંબુભેગા. આ રોજનો ક્રમ.
ત્રીજા દિવસે અમારો મુકામ હતો ફાગુપુલ નામના કેમ્પમાં. આ કેમ્પમાં આસપાસના ઘરોના છોકરાંઓની ટોળકી આમારી સાથે રમવા આવી ગઈ હતી. કાગડા બધે કાળા એમ બાળકો બધે જ મસ્તીખોર હોય. આ ટુકડીની લીડર જેવી તેર ચૌદ વરસની છોકરીને ડોક્ટર બનવું હતું. જો કે તેનું આ પાછળનું કારણ સેવા કરવાનો ઉદાત્ત ધ્યેય કે પૈસા કમાવાનું સ્વાર્થી સપનું નહિ પણ ચાકુ લઈને પેશન્ટની ચીરફાડ કરવા મળે એનો વિકૃત આનંદ હતું. અન્ય એક અતિ વાચાળ છોકરો મારા દોસ્તને હિમાચલી ટોપી લેવડાવવા બાજુના ગામ સુધી લઇ ગયો અને ત્યાં જઈને તેને ઘડિયાળ અપાવવાની જીદે ચડ્યો. બાકી બધા છોકરાં અમને ઘેરીને બેસી ગયા હતાં, અમારી ઉપર ચડતા હતાં અને કેમેરામાં ફોટો પડાવવા ચડસાચડસી કરતા હતાં.
ટૂંકમાં મુંબઈના ટીનેજર જેવા હતાં તેઓ. અમારે જે રસ્તે સાઈકલ લઈને જવાનું હતું એ કુલ્લુથી શિમલા જવાનો શોર્ટકટ છે. જો તમારે પહાડોમાંથી નીચે ઉતરીને ચડીગઢ આવ્યા સિવાય જ એક પહાડથી બીજા પહાડ જવું હોય તો આ રસ્તો છે. એની હાલત મુખ્ય રસ્તા જેટલી નથી છતાંય સમાનના ટ્રક આ રસ્તો વાપરતા હોય છે. પેલી ત્રણ કિલોમીટર લાં…બી સુરંગ શરુ થાય ત્યાં જ આ રસ્તાનો ફાંટો છે. અહી રસ્તાની સાથે સાથે નદીનો પણ ફાંટો પડે છે. બિયાસમાંથી તીર્થન નદી છૂટી પડે છે. ફાગુપુલ આ નદીની ખીણમાં વસેલા ગામોમાનું એક. અહીંથી નદીનો વિશાળ પટ અને તેને કિનારે વસેલા નાના નાના ગામડા દેખાય છે.
ચોથા દિવસનું ચડાણ ખુબ અઘરું લાગી રહ્યું હતું. એવામાં અમને અમારી પહેલાની બેચમાં ગયેલા એક ભાઈ મળ્યા જે પાછા બેઝ કેમ્પ તરફ સાઈકલીંગ કરી રહ્યા હતા. તેઓ સિત્તેર વરસના નિવૃત્ત ડોક્ટર હતા અને તેમના બેચમાં તેઓ સૌથી મોખરે હતા. તેમને જોઇને અમને ચાનક ચડી. ચાનક ચડી કહેવા કરતા અમારા ઈગોને ઠેસ પહોચી કહેવું વધારે યોગ્ય ગણાશે. અને અમે બાકીનું લગભગ અડધી પોણી કલાકનું અંતર એકેય બ્રેક લીધા વગર ખેંચી નાખ્યું. અમારો ચોથા દિવસનો મુકામ હતો ઘીયાગી નામના ગામમાં. અહી કેમ્પની બાજુના ઘરમાંથી વિનંતી કરવા પર ગરમ પાણી મળી રહેતું પણ એને એટલી વાર લાગતી કે અમે નાહ્યા વગર જ તે દિવસ કાઢ્યો.
સાંજે લટાર મારવા નીકળ્યા ત્યારે એક વૃદ્ધ દંપતીએ અમને તેમના ઘરે ચા પીવા આવકાર આપ્યો. ચા નો એક કપ પીવાઈ રહે એટલી વારમાં તો આન્ટીએ એમની આખી જીવન કહાણી સંભળાવી દીધી. તેઓ આખી જીંદગી દિલ્હીમાં રહ્યા હતા અને હવે બધો કારોબાર બાળકોને સોંપીને અહિયાં વસી ગયા હતાં. અંકલ ગણીને બે વાક્ય બોલ્યા હશે. તેઓ અમને ઘર દેખાડવા લઇ ગયા. તેમણે ઘરનું ફર્નીચર જાતે બનાવ્યું હતું. બગીચામાં એક નાનકડી નહેર ખોદી હતી જેના પ્રવાહથી તેઓ અનાજ દળવાની ચક્કી ચલાવતા. ઉપરાંત તેમનો સફરજનનો બાગ હતો. તેમણે અમને સફરજન આવે ત્યારે ફરી આવવાનું નિમંત્રણ આપ્યું. હું પહેલી જ વાર આ રીતે મમ્મી – પપ્પા વગર એકલો ફરવા નીકળ્યો હતો અને એમાં આવા હુંફાળા લોકો મળ્યા એ વાત મને ભવિષ્યમાં વધુ ને વધુ પ્રવાસ કરવા માટે લલચાવી રહી હતી.
પાંચમો અને ચડાણનો છેલ્લો દિવસ સૌથી કપરો હતો. પણ અમે જેમતેમ જેમતેમ હેમખેમ શોજા કેમ્પ પહોચી ગયા. અહીંથી આ રસ્તાનું સૌથી ઊંચું સ્થાન દેખાતું હતું. તેનું નામ જલોરી પાસ. ત્યાંથી આગળનો રસ્તો નીચે ઉતરવા લાગતો હતો. અમારે એના પછીના દિવસે સાઈકલ ત્યાં જ મુકીને જીપમાં જલોરી પાસ જવાનું હતું. શોજા કેમ્પમાં પહોચીને નહાવું બહુ જરૂરી થઇ પડ્યું હતું. પણ સમસ્યા એ હતી કે ત્યાનું તાપમાન બે ડીગ્રી હતું. મને આજ સુધી નથી ખબર કે મનોબળની વધુ આકરી કસોટી કઈ હતી – પગના સ્નાયુ જામ થઇ ગયા હોય, ફેફસા શ્વાસનળીના રસ્તે થઇ મોઢાંમાંથી બહાર નીકળી આવવાની તૈયારીમાં હોય એવામાં સાઇકલિંગ કરીને આઠ હાજર ફૂટ સુધી પહોચવું કે પછી બે ડીગ્રી ઠંડીમાં પાણીનું ડબલું માથે રેડવું. હું એ દિવસે નાહ્યો હતો અને એનો મને ગર્વ છે. મને બીજું કઈ નહિ તો એ વાત માટે તો સાહસ પુરસ્કાર મળવો જ જોઈએ.
છઠ્ઠા દિવસે અમે પ્રમાણમાં મોડા ઉઠ્યા. ઉઠીને જલોરી પાસ પહોચ્યા અને ત્યાંથી આગળ આઠેક કિલોમીટરનો ટ્રેક કરીને સરીઓલ સાર લેક પહોચ્યા. ગાઢ જંગલમાંથી થઈને જતો આ ટ્રેક મારી જીંદગીનો કદાચ સર્વશ્રેષ્ઠ ટ્રેક હશે. નીરવ શાંતિ, પહેલા કોઈ માણસ ક્યારેય અહી આવ્યું હોય એવા કોઈ નિશાન નહિ, ઊંચા ઊંચા વૃક્ષો, તેમની વચ્ચેથી ચાલીને આવતો તડકો, હમેશા નજરમાં રહેતા હિમાચ્છાદિત શિખરો. આ ટ્રેકમાં અમે ગ્રુપની સાથે જ રહ્યા કેમ કે જો અહિયાં ભૂલા પડ્યા તો કોઈ મદદ કરવા વાળું મળવાનું નહોતું. હા, ઠાકુરના ભાણેજ જેવા કોઈ મળે તો મળે.
સરીઓલ સાર લેક બહુ મોટો નથી તેમજ ખાસ ઊંડો પણ નથી. તેના લીલા પાણીને જોઇને બંધિયારપણું અનુભવાય છે. લેક પર પહોચીને ખબર પડી કે શિયાળામાં આ લેક થીજી જાય છે. કોઈક કારણસર આ લેકને પવિત્ર મનાય છે અને એટલે એનું પાણી પીવા કે અન્ય વપરાશમાં નથી લેવાતું. લેકની પાસે એક નાનકડી દેરી હતી જેમાં કોઈ મૂર્તિ નહોતી, માત્ર ઝંડા જ હતા. આવું મંદિર મેં પહેલા પણ ક્યાંક રસ્તામાં જોયું હતું. ત્યાં ઝંડા ઉપરાંત ચેઈન, નટ બોલ્ટ, નંબર પ્લેટ જેવા ગાડીના સ્પેરપાર્ટ મુકેલા હતા. આવતા જતા ટ્રક અને જીપ ડ્રાઈવર ત્યાં માથું ટેકતા અને કોઈ સ્પેર પાર્ટ ચડાવીને જતા.
લેકથી પાછા ફરીને અમે એ જ દિવસે બેઝ કેમ્પ તરફ જવા પાછા નીકળી પડ્યા. ચડવું જેટલું કપરું હતું ઉતરવું એટલું મઝેદાર છતાં ખતરનાક. વેગની મઝા માણતા માણતા જરાક પણ કાબૂ ગયો તો એક તરફ ખીણ અને બીજી તરફ સામેથી આવતા વાહનો. અમુક વખત તો ઉતરાણ એટલું તીવ્ર હતું કે બંને બ્રેક સજ્જડ દબાવી રાખી હોય તોયે સાઈકલ રોકાય જ નહિ. કઈ પણ કહો ઉતરતી વખતે કાન પાસેથી જે ઠંડી હવા સરરર કરતી જાય એની સામે ચડવાની પીડા કઈ નહોતી. શું હું ફરીથી એ પીડા વેઠીશ? ખબર નહિ. પણ શું મેં એક વાર જો આ અનુભવ ન લીધો હોત તો મને અફસોસ થાત? બેશક. ત્રણ દિવસનું ચડાણ માત્ર દોઢ દિવસમાં જ ઉતરી જવાયું એનો પણ થોડો અફસોસ. ફરી પાછી પેલી ત્રણ કિલોમીટર લાંબી ટનલ. અને બેઝ કેમ્પ આવી પહોચ્યા.
ટનલમાં સાઈકલ ચલાવવાની પણ એક અનોખી મઝા છે. અંદર બે લાઈટ વચ્ચેનું અંતર ઘણું વધારે છે જે ગાડીમાં જતા હોઈએ ત્યારે ન સમજાય પણ સાઈકલ પર એ બરોબર સમજાય. જો કોઈ વાહન ન આવતું હોય તો બે લાઈટ વચ્ચે થોડો સમય તમે સાવ અંધારામાં સાઈકલ હાંકી રહ્યા હો. પછી દુરથી એક ટપકું દેખાય જે ધીમે ધીમે મોટું થતું જાય અને અંતે તમે લાઈટની નીચેથી પસાર થાવ અને પાછું તેનું તેજ ઘટતું ઘટતું સાવ કાળું ડીબાંગ અંધારું. આવું લગભગ પંદરેક મિનીટ ચાલે. તે દરમિયાન કોઈ વાહન આવ્યું તો સાવ બાજુમાં ખસી જવાનું અને વાહન જાય તો પાછુ તરત વચ્ચે આવવાનું નહીતર અંધારામાં બોગ્દાની દીવાલ સાથે ભટકાઈ જવાનો ભય.
છેલ્લા દિવસે જ્યારે અન્ય સૌ પાર્ટીસીપંટ રીવર રાફટીંગમાં ગયા હતા ત્યારે અમે આર આર ઠાકુરને અમને કેયાકીંગ શીખવવાની વિનંતી કરી. તેમણે પોતાની કયાક બંગલાની પાસેથી વહેતી નદીએ ઉતારી. આ નદી પણ તેમના ઘરનો જ ભાગ હતી. આ નદી તો શું દુનિયાની કોઈપણ નદી તેમના ઘરનો ભાગ હતી કેમ કે હોડી લઈને નદીમાં ઉતર્યા બાદ તેઓ એટલી સરળતાથી આગળ વધી રહ્યા હતા જે સરળતાથી આપણે ચાલતા હોઈએ છીએ. લગભગ ત્રણસો ચારસો ફૂટ છેટેના સામે કાંઠે તેઓ જોતજોતામાં પહોચી ગયા અને પાછા જ્યાંથી શરુ કર્યું હતું ત્યાં જ આવી પહોચ્યા. હવે અમારો વારો હતો. હોડીમાં બેસીને સમજાયું કે જોવામાં જેટલું સહેલું લાગતું હતું એથી ક્યાંય અઘરું હતું આ કામ.
નદી કિનારે બેસીને માઝી વિષે કવિતા લખવી કે ફિલોસોફી કરવી એ એક વાત છે અને મજધારમાં ઉતરીને ચપ્પુ ચલાવવા એ બીજું જ. પહેલા તો વહેણની સાથે જ હોડી ચાલી જતી હતી પછી માંડ માંડ બધી શક્તિ ખર્ચીને હલેસા માર્યા ત્યારે એક જગ્યાએ સ્થિર થઇ પણ હજુ વહેણને ચીરીને સામે જવું તો બહુ દૂરની વાત હતી. ભલું થાજો તેનું જેણે હોડી સાથે એક રસ્સી બાંધી રાખી હતી નહિ તો તે દિવસે હું બિયાસ નદીના અંત સુધી પહોચી ગયો હોત અને મને પણ સાહસ પુરસ્કાર મળ્યો હોત.
જતી વખતે સૌને આ ટ્રેક પૂરો કરવા માટે સર્ટીફીકેટ આપવામાં આવ્યા. અને સૌ પોતપોતાને રસ્તે છુટા પડ્યા. આ ટ્રેકનું આયોજન કર્યું હતું YHAI નામની એક સંસ્થાએ. આ એક અર્ધ-સરકારી સંસ્થા છે જે યુવાનોને સાહસિકતા અને પ્રવાસ માટે પ્રેરે છે. તેઓ દેશભરમાં વિવિધ સ્થળોએ આવી સાઈકલીંગ, માઉન્ટેનીયરીંગ, ટ્રેકિંગ, બોટિંગની શિબિરો સાવ પાણીના ભાવે કરતી રહે છે. ઉપરાંત સો થી ઉપર સ્થળોએ તેમની યુથ હોસ્ટેલ છે જ્યાં ખુબ જ સસ્તા દરે રહી શકાય છે. શિબિરોમાં સાહસિકતા ઉપરાંત પ્રકૃતિનું મહત્વ, દેશની સાંસ્કૃતિક વિવિધતા, આર્થીક વિષમતા જેવી પાઠ્યપુસ્તકિયા સંજ્ઞાઓને સગી આંખે જોવા જાણવા મળે છે. આજે જ્યાં મોટાભાગના લોકોનું જીવન બેઠાડું થઇ રહ્યું છે ત્યાં શારીરિક શ્રમનું મહત્વ પ્રસ્થાપિત કરવામાં પણ મદદરૂપ થાય છે. તમને ખાવાનું જેટલું જોઈએ તેટલું મળી રહે પણ થાળી વાટકા તમે ઘરેથી લઇ ગયા હો એ જ વાપરવાના અને જમીને તમારે જાતે તમારા વાસણ ધોઈ નાખવાના. સમયસર સુવા – ઊઠવાનું.
આમ મારા જેવા બેશીસ્ત લોકો માટે શિસ્તબદ્ધ થવાનો પણ સારો મોકો છે. આ સંસ્થા વોલન્ટીયર પર ચાલે છે. તમારા ટીમ લીડર, સહાયક, રસોઈયા બધા જ સરકારી નોકરી કરે છે અને અહી સેવા આપવા માટે તેમને એક મહિના સુધીની રજા મળે છે. અમારા ટીમ લીડર રીઝર્વ બેંકમાં તગડા પગારની નોકરી કરતા હતાં છતાં અહિયાં સેવા આપી રહ્યા હતા. કેમ્પ પૂરો થયાનાં પાંચ વરસ પછી આજે પણ તે અમર સંપર્કમાં છે. અને કદાચ આ જ આ પ્રકારના કેમ્પનો સૌથી મોટો ફાયદો છે. તમને નવા મિત્રો મળે છે. તમારા સ્કુલ, કોલેજ, ઓફીસ, બિલ્ડીંગના સંકુચિત વર્તુળની બહારના લોકો સાથે સંપર્કમાં તમે ભાગ્યે જ આવતા હો છો. પણ જ્યારે જ્યારે અલગ પ્રકારના લોકોને મળીએ ત્યારે આપણી સમજણની સીમાઓ વિસ્તરે છે. અને એ એકમાત્ર કારણ પણ કદાચ પુરતું છે આવા ટ્રેકમાં જવા માટે.
અને હા, એથીયે અગત્યનું… કદાચ તમને માનવામાં નહિ આવે પણ આ સત્યઘટના છે. મારા એક દોસ્તના yhai ટ્રેકમાંથી લગન નક્કી થઇ ગયા. તો શેની રાહ જુઓ છો? ભરો તમારો બેકપેક અને ઉપડી પાડો.
To see pictures of Jhalori pass trip, Click Here
Very nice and detailed journey explained. This type of expedition gives lots of experience and courage to developed our inner skill. bravo man…. congrats and all the best for future expedition.
Thank you so much ST for your kind words 🙂
તુમુલ કાશ મારા ઢીંચણે દગો ના દીધો હોત. એટલું રસાળ વર્ણન કે એમ જ લાગે કે હું ય ત્યાં જઈ આવી. આભાર દોસ્ત આ રિજનની ઓળખાણ કરાવવા બદ્દલ. લખતા રહો ફરતા રહો અને અમને ફેરવતા રહો.
થેન્ક્સ યામિની 🙂 મારા હિસાબે આ મારું શ્રેષ્ઠ નથી. લડાખ વાળું વાંચજો અને કેજો કેવું લાગ્યું.
your travelogue is hilarious and inspiring at the same time!! all the best for future adventures
Thanks a lot Brinda 🙂
Do check my other travelogues on Aksharnaad.
તુમુલ.. સૌ પહેલાં તો તમને ખુબ ખુબ અભિનંદન.. અને હજુ એ આવી સાહસભરી સફર ખેડતાં રહો અને આવા મસ્ત મજેદાર સફરના કિસ્સાઓ અમને સચિત્ર વર્ણાવતાં રહો એવી મનોકામના. બહુ જ સુંદર પ્રવાસ વર્ણન.
આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ 🙂
Tumul, I will be grateful to you, if you could give me more details regarding your trekking camp like Contact details of Organization, Booking Process and Formalities…
@Mohit, You can find all the details here – http://www.yhaindia.org/
KhઉKhubaj sahsik lekh.
Aa pravurti jivan ma anubhav karva jevi che.
I like article….
Tumul v.ન્v.nice
ખુબ ખુબ આભાર જીજ્ઞા 🙂