પ્રકરણ ૧૬ – બદલાતો અરૂપ
“હવા ફરી ઉદાસ છે, ચમન ફરી ઉદાસ છે
નિગૂઢ પાનખર તણો એ સ્પર્શ આસપાસ છે..”
પૂર્વાકાશે હજુ પણ રોજ એ જ સૂર્ય ઉગતો હતો અને સાંજે સૂર્યાસ્તની સરહદ પર આછેરા તારલાઓ મૌન બની ઝળૂંબી રહેતા. ચેતનવિહિન, ઉલ્લાસવિહિન દિવસો અને અનાથ શિશુ સમી રાતો એકલી અટૂલી ઉભી ઉભી અશ્રુજળનો છંટકાવ કરી રહેતી. કોઇ જખમી મનુષ્ય દર્દથી ચિત્કારતો હોય તેમ પવન સૂસવાટા કરતો રહેતો. અને રોજ સવારે કેલેન્ડરનું પાનુ ઇતિની પથરીલી શૂન્યતા અને અરૂપના નિશ્ફળ પ્રયત્નોનું સાક્ષી બની ફાટતું રહેતું.
જ્યાં કદી સંબંધોના મોજા ઘૂઘવતા હતા ત્યાં આજે સાવ સૂક્કો, કોરો પટ.. જ્યાં કોઇ કદી ચાલ્યુ હતું તેની છાપ, તે પગલા પણ અદ્ર્શ્ય થયા હતા. દૂર દૂર સુધી ઝાંઝવાનો અણસાર પણ નહીં. સમયની ગૂઢ લિપિ કોણ ઉકેલી શક્યું છે? માટીમાં મળી ગયા બાદ પણ દરેક બીજના નસીબમાં કૂંપળ બનીને ફરીથી પાંગરવાનું કયાં હોય છે?
ઇતિ સૂતી હોય ત્યારે અરૂપના મનમાં વિચારોનું તુમુલ યુધ્ધ ચાલતું રહેતું. આજે પણ તે આવા જ કોઇ વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં તારાબહેન આવ્યા. આજે તે ખુશ દેખાતા હતા.
આવીને તેણે અરૂપના હાથમાં કાગળની એક નાની પડીકી આપી. ’આ શું છે તારાબહેન?‘
’સાહેબ માતાજી માની ગયા. મેં તેમને બહેનની બધી વાત કરી પહેલાં તો તેમણે બહેનને લઇને જ આવવાનું કહ્યું. પરંતુ મેં તેમને સમજાવ્યા અને ખોળો પાથરી આજીજી કરી ત્યારે કહ્યું, ‘ઠીક છે.. તું આટલું કહે છે તો મારે કરવું જ રહ્યું.’
’આ દાણા તેણે આપ્યા છે. અને બહેનને ખવડાવવાના છે. ગમે તેમ કરીને બહેનને ખવડાવી દેજો. અને હા, સાહેબ, દસ મંગળવાર કરવાના તેમણે ખાસ કહ્યું છે. બહેન તો કેમ કરી શક્શે? પણ મેં માતાજીને પૂછી લીધું છે તેને બદલે કોઇ પણ કરે તો ચાલે. બહેનને બદલે હું કરીશ. તમે ચિંતા ન કરો. બહેનને જરૂર સારું થઇ જશે.’
તારાબહેનની લાગણી જોઇ અરૂપ ગળગળો થઇ ગયો. તેણે કહ્યું, ’તારાબહેન, તમારે મંગળવાર કરવાની જરૂર નથી. હું જ કરીશ. શું કરવાનું છે.. કેમ કરવાનું છે તે મને સમજાવજો.‘
એક ડૂબતા માણસે તરણુ પકડી લીધું. અને આમ પણ અરૂપ તારાબહેનની શ્રધ્ધા તોડવા નહોતો માગતો. તારાબહેન ખુશ થતાં પોતાના કામમાં પરોવાયા. હવે ઇતિને જરૂર સારું થઇ જશે. તેમ તેનું મન કહેતું હતું.
અરૂપ સંપૂર્ણપણે ઇતિમય બની ગયો હતો. પ્રેમનો સાચો અર્થ.. મર્મ તે હવે સમજયો હતો. કાળને તો તે રીવર્સ ગીયરમાં ફેરવી શકે તેમ નહોતો. કે અનિકેતને પાછો લાવી શકે તેમ નહોતો. પરંતુ જે કંઇ તે કરી શકશે તેમાં હવે કોઇ કચાશ નહીં જ હોય. અરૂપ ડોકટરો, સાયકોલોજીસ્ટ પાસેથી પણ માર્ગદર્શન મેળવતો રહ્યો. ઇતિને ગમે તેમ કરીને હસાવવી કે રડાવવી તે જરૂરી હતું. અરૂપ, જે કયારેય અનિકેતની વાત ભૂલથી પણ ઉચ્ચારતો નહીં, તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહીં.
કોઇ પરિવર્તનની એંધાણી આપ્યા સિવાય, સીધા સપાટ દિવસો કાચબાની ગતિએ વહ્યે જતા હતાં. ઇતિમાં ખાસ કોઇ ફરક, કોઇ સુધારો પડયો નહોતો. તેની મૌનની દીવાલ તૂટી નહીં. કલાકો સુધી તે હીંચકા પર બેસી દૂર દૂર સુધી શૂન્ય નજરે જોઇ રહેતી. અરૂપ કહે તેમ મૌન રહીને કર્યા કરતી. અરૂપ તેના હાથને સ્પર્શતો તો જાણે પથ્થરનો હાથ. કોઇ નિર્જીવ વસ્તુનો સ્પર્શ કર્યો હોય તેવો અહેસાસ અરૂપને થતો. મંદબુધ્ધિના બાળકને કહીએ અને તે કોઇ વિરોધ વિના કે સમજયા વિના કર્યા કરે તેમ ઇતિ કર્યે જતી. અરૂપ થાકયા વિના અગણિત વાતો કરતો રહેતો. ઇતિ થોડા દિવસ તેની મમ્મી પાસે જાય તો કદાચ તેના મનનો ભાર થોડો હળવો થઇ શકે તેવું વિચારી અરૂપે તેને મોકલવાના કે પોતે સાથે જાય તે માટે તેવા ઘણાં પ્રયત્નો અરૂપે કરી જોયા. પણ વ્યર્થ. તેની કોઇ વાતનો પ્રતિભાવ તે ન જ મેળવી શકયો.
અંતે અરૂપે ફોન કરી તેની મમ્મીને થોડો સમય અહીં સાથે રહેવા બોલાવ્યા. ‘ઇતિ, જો તો ખરી, કોણ આવ્યું છે!‘ અરૂપે ઉત્સાહથી બૂમ પાડી.
ઇતિ એમ જ હીંચકા પર બેસી રહી. કુતુહલથી તેની આંખો ફરી નહીં. તેની જિંદગીમાં એક અણધાર્યો શૂન્યાવકાશ સર્જાયો હતો. અને શૂન્યાવકાશમાં કોઇ પડઘા કેમ પડી શકે? કોઇ આવે કે જાય ઇતિને કોઇ ફરક ક્યાં અનુભવાતો હતો? તેને જગત આખા સાથે કોઇ લેવાદેવા, કોઇ સંબંધ કયાં રહેવા પામ્યો હતો? કોઇ એક બિંદુ પર આવીને જીવન સ્થગિત બની ગયું હતું. જયાં કોઇ હલચલને અવકાશ નહોતો રહ્યો.
‘ઇતિ’ ફરી એકવાર અરૂપે પ્રયત્ન કરી જોયો.
ઇતિ તરફથી કોઇ જવાબ ન મળતા અરૂપ ઇતિની મમ્મીને આવકારવા ઊભો થયો.
‘ઇતિ, બેટા’
અવાજ સાંભળી ઇતિની આંખોમાં એકાદ સેકન્ડ આછો ચમકારો દેખાયો. અને ફરીને પાછી એ જ સ્થિરતા… તે એકીટશે મમ્મી સામે જોઇ રહી. જાણે તેને ઓળખવા મથી રહી.
‘બેટા, તને જોવાનું બહુ મન થયું હતું. તું ન આવી એટલે હું જ આવી ગઇ. બિટ્ટુ, તું મમ્મીને ય ભૂલી ગઇ?’
કહેતા નીતાબહેન ઇતિને ભેટી પડયા. દીકરીની પરિસ્થિતિની વાત તો અરૂપે તેમને કરી જ હતી. આજે નજરે જોઇ તેમની આંખો છલકી રહી. ઇતિ જાણે ગૂંગળાઇ ગઇ હોય તેમ અસ્વસ્થ બની ગઇ. અરૂપ ધ્યાનથી ઇતિના વર્તનનો ફેરફાર જોતો રહ્યો. ઇતિની થોડી અસ્વસ્થતા પણ તેને ખુશ કરી ગઇ. કંઇક.. કંઇક સંવેદના તો તે અનુભવી શકી. એક ઝબકારો જાગ્યો કે શું? તેને આશા જાગી.. હવે ઇતિમાં થોડો ફરક જરૂર પડશે. એક મા પાસે દીકરીનું હૈયુ ઠલવાશે. બસ.. પછી તો તે પહોંચી વળશે. એકવાર ઇતિની ચેતના જાગવી જોઇએ. બાકીનું તે સંભાળી લેશે.
નીતાબહેન પુત્રીને માથે પ્રેમથી હાથ ફેરવતા રહ્યા. ઇતિના ચહેરા પરની એકાદ બે રેખા ફરકી.. પણ મૌનની દીવાલ તો અકબંધ જ રહી. હોઠ ન જ ખૂલ્યા.
ઇતિ અને અનિકેતની વહાલયાત્રાના શૈશવથી સાક્ષી હોવાથી નીતાબહેન સમજી શકયા કે અનિકેતના મૃત્યુનો આઘાત જીરવવો ઇતિ માટે આસાન તો ન જ હોય. પરંતુ આટલી હદે? ઇતિની આ હાલતની તો તે કલ્પના પણ નહોતા કરી શકયા. અરૂપે જયારે ફોન કરી તેમને રહેવા બોલાવ્યા હતા ત્યારે તેમના મનમાં હતું જ કે અનિકેતના જવાનો આઘાત ઇતિ માટે ખૂબ દુ:ખદાયક હશે જ. અને એમાંયે અંત સમયે મળી ન શકાયું તેનો રંજ પણ હશે જ. એ ખ્યાલ તેમને હતો જ. પરંતુ ઇતિની આવી હાલતની તો તેમને કલ્પના સુધ્ધાં નહોતી. અરૂપનું આદર્શ જમાઇ અને આદર્શ પતિ તરીકેનું તેમના મનમાં જે ચિત્ર વરસોથી હતું તેમાં અરૂપ માટે તો બીજી કોઇ કલ્પના શકય જ ક્યાં હતી? ઇતિની આ અવસ્થા જોઇ તેમને ઇતિની સાથે સાથે અરૂપની પણ એટલી જ ચિંતા થઇ. જમાઇ ધંધાપાણી છોડી ઇતિની પાછળ.. તેને સાજી કરવા માટે આટલું કરી રહ્યો છે એ જોઇ નીતાબહેનને અરૂપ માટે માન વધી ગયું.
’બેટા, તું વધુ પડતી ચિંતા ન કરીશ. હું ધીમેધીમે અનિકેતની વાતો કરી તેને બોલતી કરી દઇશ. બહું નાનપણથી બંને સાથે રમીને મોટા થયા છે તેથી થોડું વધારે થાય. અને તેમાં છેલ્લે તમારે અચાનક બહારગામ જવાનું થયું અને મળી ન શકાયું તેથી તેને કદાચ વધુ આઘાત લાગ્યો લાગે છે. બચપણની માયા જ એવી હોય. પણ બધું બરાબર થઇ જશે. બેટા, તું વધુ પડતું ટેન્શન ન લેતો.’
નીતાબહેન જમાઇને સધિયારો આપતા રહ્યા.
અરૂપ ફિક્કુ હસ્યો. શું બોલે? આ સધિયારો તેને મૃગજળ જેવો લાગ્યો છતાં આભાસી તો આભાસી જળ તો ખરું ને? તે આશા છોડી દે કે હિમત હારી જાય તે કેમ ચાલે? પોતાની પાસે દિલના દરવાજા બંધ કરી દીધેલ ઇતિ કદાચ મા પાસે ખૂલી પણ જાય. એ આશાએ જ તેણે નીતાબહેનને અહીં તેડાવ્યા હતા. ભલે ઇતિ બધી સાચી વાત કહી દે.. ભલે પોતે બધાની નજરમાં નીચો પડી જાય પણ તેની ઇતિ સાજી થાય એ જ મોટી વાત હતી તેને માટે.
ડોકટરોએ તેને કહેલું કે આઘાતને અંતિમ બિંદુએ.. પરાકાશ્ઠાએ પહોંચેલ માનવીને એક નાનો સરખો ધક્કો પણ ગાંડપણની કક્ષાએ પહોંચાડી શકે. મગજ ઉપરનો કંટ્રોલ ગુમાવી ન બેસાય તે માટે કોઇ પણ પ્રકારની સંવેદના અનુભવવી, કોઇ પણ રીતે બહાર આવવી, વ્યકત થવી જરૂરી હતી. હસવું રડવું, ગુસ્સો, નફરત.. કંઇ પણ… આ બધિરતા વધુ સમય ચાલી તો? અરૂપ આગળ વિચારી ન શકયો. તેના મગજમાં ઘણની માફક સતત આ એક જ પ્રશ્ન વાગતો રહ્યો હતો. શું કરું? શું કરું તો ઇતિ ફરી પાછી…
પણ કશું કરવા જતાં કશુંક આડુઅવળુ થઇ જાય તો? તે વિચાર પણ સતાવતો હતો. મનમાં સતત એક ભયનો ઓથાર… કંઇ પણ કરવા તૈયાર અરૂપને કોઇ દિશા, કોઇ દરવાજો દેખાતા નહોતા. સામાન્ય સંજોગોમાં નાસ્તિક ગણાતો અરૂપ આજે પૂરેપૂરો આસ્તિક બની અનેક માનતાઓ માની ચૂક્યો હતો. ડૂબતો માણસ તરણુ પકડે તેવી તેની હાલત બની હતી. કયાંકથી કોઇ દરવાજો નહીં ખૂલી શકે? તેના પાપની આવડી મોટી સજા? અને ગુનેગાર તો પોતે હતો. સજા પોતાને હોય. ઇતિને શા માટે આ સજા? કે પછી ઇતિને સજા એ જ તેની સૌથી મોટી સજા હતી કે શું? જેથી તે પોતાની જાતને કયારેય માફ ન કરી શકે.. જીવનભર વલોપાતની આ આગમાં જલતો રહે. તેને બધું મંજૂર હતું. પરંતુ ઇતિની આ દશાના મૂક સાક્ષી બનવું અઘરું.. બહુ અઘરું બન્યું હતું તેને માટે.
તે રાત્રે ઇતિની બાજુમાં તેની મમ્મી સૂતી હતી. મમ્મીનો વહાલભર્યો હાથ પુત્રીના વાળમાં ફરી રહ્યો હતો.
‘ઇતિ, તને ખબર છે ? અનિકેત આવ્યો ત્યારથી મારી સાથે રોજ આખો દિવસ તારી જ વાતો કર્યા કરતો હતો. એકની એક વાત મારે તેને કેટલીયે વાર કહેવી પડતી. બિચારાના માબાપ એક અકસ્માતમાં ભગવાને છીનવી લીધા અને પોતાને આ જીવલેણ વ્યાધિ વળગ્યો. અને ઇતિ, અનિકેતનું શરીર તો સાવ દુર્બળ થઇ ગયેલું. મારાથી તો તેની સામે જોવાતું નહોતું. તેનેય ખબર હતી કે તે હવે વધારે જીવવાનો નથી. છતાં આખો દિવસ હસતો જ રહેતો. મારા ખોળામાં માથુ રાખીને સૂતા સૂતા તમારા બાળપણની કેટલીય વાતો કર્યા કરતો. તું તેને કેવી હેરાન કરતી. એકવાર તે માંદો પડયો હતો ત્યારે કેવી ખીજાઇને દવા પીવડાવતી હતી. ઇતિ, તેને તો બધું.. બધું જ યાદ હતું હોં.’
‘અરે, હા, ઇતિ, એક વસ્તુ તો તને આપતા ભૂલી જ ગઇ. અનિકેતે તને આપવા માટે રાખી હતી. પોતાને હાથે તને આપશે એમ કહેતો હતો. પરંતુ કમનશીબે એ દિવસ જ ન આવ્યો. ખેર! એક મિનિટ થોભ તને આપુ..’
થોડી ક્ષણો નીતાબહેન ઇતિ સામે જોઇ રહ્યા. પરંતુ ઇતિ કશું પૂછે.. કશું બોલે એ આશા ઠગારી નીવડી. તેણે મમ્મીની વાતનો કોઇ પડઘો પાડયો નહીં કે કશું પૂછયું નહીં. કોઇ આતુરતા તેની કીકીઓમાં ચમકી નહીં. એક છૂપો નિ:શ્વાસ નાખી નીતાબહેન ઉભા થયા અને પોતાના થેલામાંથી પીળી પડી ગયેલ એક નોટબુક લઇ આવ્યા. અને ઇતિના હાથમાં પકડાવી. ઇતિ નોટબુક સામે જોઇ રહી. પરંતુ ઓળખાણનો કોઇ અણસાર તેની આંખોમાં ઉપસ્યો નહીં કે ન તેણે પાના ફેરવવાની કોઇ ઉત્સુકતા દર્શાવી. બસ.. એકીટશે નોટ સામે જોઇ રહી.
‘ઇતિ, જો તો ખરી.. અનિકેતે આમાં તારા કેટલા બધા ચિત્રો દોર્યા છે.‘ કહેતા નીતાબહેને એક પછી એક પાના ફેરવતા ગયા. સૌથી છેલ્લે ડાંસ કરતી ઇતિનો મોટો, ખૂબ સરસ સ્કેચ હતો. ઇતિના ચહેરા પરની એક એક રેખા તેમાં એવી તો સરસ ઉપસી હતી.
‘ઇતિ, આ તો જો… અનિકેતે આ ચિત્રમાં તો કમાલ કરી છે. એક એક ભાવ કેવા સરસ ઉપસાવ્યા છે. અને તે પણ ખાલી પેન્સિલથી.’ ઇતિની આંખો ચકળવકળ થતી રહી. એ કાળી રેખાઓ સામે તે જોઇ રહી. એ રેખાઓ પરિચિત છતાં અપરિચિત કેમ લાગતી હતી? તેને કશું સમજાતું કેમ નહોતું? ઇતિના ચહેરા સામે જોઇ તેના ભાવ ઉકેલવાની મથામણ કરતાં નીતાબહેનને થોડો ડર લાગ્યો. તેમણે ઇતિના હાથમાંથી સ્કેચબુક લઇ લીધી અને બંધ કરી.
‘ઇતિ, લે, થોડું પાણી પી લે. સારું લાગશે.‘ અને નીતાબહેને ઇતિને પાણી પીવડાવ્યું. થોડું પોતે પીધું. અને ઇતિની બાજુમાં સૂતા સૂતા તેને માથે હાથ ફેરવતા બોલી રહ્યા.
‘ઇતિ, તને ખબર છે..? તારા લગ્નના ફોટા તો અનિકેત કેટલી વાર જોયા કરતો. તું કેવી બદલાઇ છો, લગ્ન પછી કેવી લાગે છે.. એ બધી વાતો સતત પૂછતો રહેતો. આગલે દિવસે પૂછી હોય તો પણ બીજે દિવસે ફરી પાછો એ જ વાતો મને પૂછ્યા કરતો. પછી તારી જેમ ખીજાઇને મારે સૂવડાવી દેવો પડતો. તારી બીક બતાવું એટલે ડાહ્યો થઇને ચૂપચાપ સૂઇ જતો. જોકે થોડી જ વાર હોં. અને વળી પાછા એના પ્રશ્નો ચાલુ થઇ જતા. અને ઇતિ, અનિકેત ત્યાં અનાથ બાળકોની કોઇ સંસ્થામાં સેવાનું કામ કરતો હતો. નામ તો હું ભૂલી ગઇ. પરંતુ તેના મમ્મી પપ્પાના અવસાન બાદ અનિકેતે ભણવાનું પણ છોડી દીધું હતું. સંસ્થામાં જ રહેતો હતો અને આખો વખત એમાં જ કામ કરતો હતો. એના ફોટા પણ ઘણાં લાવ્યો હતો. તારે જોવા છે? પછી નિરાંતે બતાવીશ હોં.
તારા લગ્નના આલ્બમ જોતાં તો તે ધરાતો જ નહોતો. મને કહેતો, આંટી, ઇતિ આવે એટલી વાર છે. તેને ચીડવવાની કેવી મજા આવશે! સાસરે નહીં જાઉં એમ કહેતી હતી ને? કેવી સાસરે ચાલી ગઇ? અને લગ્નમાં શું કર્યું હતું, કેમ કર્યું હતું. બધી વિગત પૂછતો રહેતો. મને કહે, એમ ટૂંકમાં નહીં. આંટી, મારે ઇતિના લગ્નની બધી વાત નિરાંતે સાંભળવી છે. હું લગ્નની બધી વાતો તેને કર્યા કરતી અને તે થાકયા વિના સૂતો સૂતો સાંભળ્યા કરતો.
વળી કયારેક કહેતો,
આંટી, આ લગ્નના ફોટામાં તેની આંખોમાં જે ચમક દેખાવી જોઇએ તે મને કેમ દેખાતી નથી? તે બહુ રડી હતી? હું નહોતો આવ્યો એટલે? સાસરે જતી વખતે મને યાદ કરતી હતી કે નહીં? અને હવે તેને સાસરું એટલે શું એ સમજ પડી કે નહીં?‘
તારી મશ્કરી કરતો અનિકેત કેટલું હસતો હતો? અને ઇતિ, તેં તો અરૂપને પણ ઓળખતો હોય તેમ બધી વાતો કરતો હતો. જોકે તેની તબિયતને લીધે મેં બહું પૂછ્યું નહીં. દવા પીવાની તો ના જ પાડતો હતો. પણ તારી બીક બતાવીને હું તેને પીવડાવતી હતી. કે ઇતિને કહી દઇશ હોં..! પછી ભલે આવીને તને ખીજાય. પણ જોને તું યે આવી શકી નહીં. છેલ્લી મિનિટ સુધી તે તારી રાહ જોતો રહ્યો. તેની આંખો દરવાજા તરફ જ મંડાઇ રહેતી. જરાક અવાજ થાય અને તેને બારણું ખખડવાના જ ભણકારા વાગતા, આંટી, જુઓને ઇતિ આવી? તને છેલ્લીવાર જોવાની, મળવાની તેની હોંશ અધૂરી જ રહી. ખેર! શું થાય ? બેટા, સૌ કિસ્મતના ખેલ છે. નશીબમાં લખેલું મિથ્યા થોડું થાય છે?‘
નીતાબહેન એકધારું બોલતા રહ્યાં. ઇતિની આંખના ખૂણે એક મોતી ચમકી રહ્યું. બહાર આવવાને બદલે પાંપણમાં જ થીજી ગયું. અરૂપે નીતાબહેનને કહી રાખ્યું હતું કે ઇતિ રડે એ બહું જરૂરી છે. તેથી નીતાબહેન અનિકેતની વાતો કરી તેને રડાવવા મથી રહ્યા હતા. ધ્રૂસકે ધ્રૂસકે રડાવવા મથતા નીતાબહેનને પાંપણમાં થીજી ગયેલું એક બુંદ કેમ દેખાય? અનિકેતની છેલ્લી પળોની, તેની મૃત્યુની વાત કરતાં નીતાબહેન પોતે રડી પડયા. ઇતિની આંખો ચકળવકળ ફરતી રહી. જાણે કશું શોધવા મથતી ન હોય? ઇતિનું આ બહાવરાપણું જોઇ નીતાબનહેન ગભરાઇ ગયા. મૌન પુત્રીને માએ પોતાના પાલવમાં નાનકડા શિશુની જેમ ઢબૂરી દીધી.
દૂર દૂર આકાશમાં દેખાતા બે ચાર તારાઓ સાવ નિસ્તેજ લાગતા હતા. ચન્દ્ર પણ સાવ ફિક્કોફસ.! તારા અને ચન્દ્રના શણગારવિહિન રજની કોઇ વિધવાના સૂના કપાળ જેવી સૌભાગ્યવિહિન બનીને ધીમા પગલે ચૂપચાપ સરતી રહી. ઇતિના ચહેરા પરની જડતાની એકાદ બે રેખાઓ હળવી થઇ હતી કે પછી એ પણ એક ભ્રમ માત્ર?
નિલમબેન, આ નવલકથા ના એક એક શબ્દો ને મહેસુસ કર્યા છે. કેટલોય ઈંંતેજાર કરીને દરેક અંક ની ભાવક બની છુ, અને દરેક અંક ના ટાઈટલની પંક્તિ મને અલગ ભાવવિશ્વમાં લઈ ગઈ છે. થેંક્યુ વેરી મચ ટુ ગીવ અફલાતુન નવલકથા.
આટલુ દર્દ! મે આટલુ દર્દ કોઇ પન વાર્તામા મહેસુસ નથી કર્યુ…કુદરતની નિયમવ્યવસ્થા પન અજીબ છે, કે જે પ્રેમ કરે છે એને વિયોગનુ દર્દ તો સહન કરવુ જ પડે છે…………..
Aniket can’t come back like miracle? feeling really really sad for iti….
એકતા કપૂરની સીરિયલ લખવાની હોય તો અનિકેતને ચોક્ક્સ પાછો લાવી શકાય…
સાચી વાત ને પ્રીતિબહેન ?
ઇતિ જાણે નજર સમક્ષ હોય તેવા ભાવ નિરુપણ કર્યા છે નિલમ દી તમે ! પણ અનિકેત બિચારો.. તેના માટૅ આજે જેટલુ દુઃખ થયું તેટલું પહેલા નહોતુ થયું.