દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૪) – નીલમ દોશી 3


પ્રકરણ ૧૪ – ખાલીખમ્મ ક્ષણો…

“આ પ્રતીક્ષાવત ક્ષણોનો એમ સથવારો થયો,
કોઇ બારી ખોલવામા એક જન્મારો ગયો..”

Dost Mane Maaf Karish ne

રાત આખી ખરતી રહી. રંગ ઉડી જતાં ઝાંખા પડી ગયેલ કપડાં જેવી સાવ નિસ્તેજ… ઝાંખીપાંખી સવાર ઉગી હતી. પંખીઓ ટહુકયા વિના જ.. કોઇ ક્લરવ વિના જ, કામકાજે નીકળી ગયા હતા. ઉષા પોતાની રંગછટાના કામણ પાથર્યા સિવાય જ જાણે કોઇની વેદનાની અદબ જાળવતી હોય.. કોઇના મોતનો મલાજો પાળતી હોય તેમ ગૂપચુપ સરી ગઇ હતી. વૃક્ષો ડોલવાનું ભૂલીને શૂન્ય નજરે આસમાનને તાકતા ઉભા હતાં. ઘાસ પરના ઝાકળબિંદુઓ આજે પ્રભાતના પ્રથમ કિરણોની સાથે જ જલદી જલદી ઉડી ગયા. આ ભારીભરખમ ક્ષણોનો તાપ તેમના કોમળ શરીરથી કેમ જીરવાય? ઇતિનું રોજનું મુલાકાતી પેલું ચંચળ સસલુ ધીમે પગલે બગીચામાં આવ્યું, આમતેમ નજર ફેરવી ચૂપચાપ કોઇને શોધતું રહ્યું. આજે તેને વહાલ કરવાવાળુ કોઇ ન દેખાયું. થોડીવાર તો પ્રતીક્ષા કરી જોઇ. પરંતુ અંતે થાકીને, નિરાશ થઇ તે બહાર ઝાડીઓમાં અદ્રશ્ય થઇ ગયું. આસપાસ નજર ફેરવતી ખિસકોલી પોતાની ચંચળતા ભૂલીને સાવ જ ધીમે ધીમે ઝાડ ઉપર ચડી રહી હતી. બધાએ ઉદાસીના વસ્ત્રો ધારણ કરી લીધા હતા કે પછી ઉદાસ દ્રષ્ટિને બધે ઉદાસીનું પ્રતિબિંબ દેખાતું હતું?

વિચારોના વમળમાં ફસાયેલ, થાકેલ અરૂપની આંખો છેક વહેલી સવારે જરાવાર માટે મીંચાઇ હતી. અર્ધઉંઘમાંયે તેને ઇતિની ચિંતા થતી હતી. આ વેદના, આઘાતમાંથી તેને બહાર કેમ લાવવી? શું કરવું જોઇએ તે તેને સમજાતું નહોતું. અચાનક તેની આંખ ખૂલી ગઇ. ઘડિયાળમાં જોયું તો આઠ વાગતા હતા. તેની નજર બાજુમાં ગઇ. ઇતિ ક્યાં? હમેશની માફક ગાર્ડનમાં છે? તેણે બારીમાંથી નીચે નજર કરી. રોજ આ સમયે રણકતો હીંચકો સ્થિર… ખાલીખમ્મ હતો.

અરૂપ સફાળો ઉભો થઇ ગયો. ગભરાઇને જલદી જલદી પલંગમાંથી નીચે ઉતર્યો. કદાચ બાથરૂમમાં હશે માની દોડયો. પણ બાથરૂમ ખાલી હતો. તેનો શ્વાસ અધ્ધર ચડી ગયો. એક ક્ષણમાં તો કેટકેટલા અમંગળ વિચારો મનમાં દોડી આવ્યા. હાંફળોફાંફળો તે ગાંડાની માફક બધે દોડયો. ત્યાં તેની નજર બાલ્કનીમાં ગઇ. હાશ..!

ઇતિ બાલ્કનીમાં રાખેલ હીંચકા પર બેઠી હતી. આંખોમાં શૂન્યતા અને શરીરમાં નિર્જીવતા… જડતાના કોચલામાં પૂરાયેલ ઇતિ જાણે પથ્થરની મૂર્તિ. બધાથી સાવ નિર્લિપ્ત. નજર કયાંય દૂર દૂર સુધી કોઇને શોધતી હતી કે શું? પણ.. ના, એ આંખોમાં એવો કોઇ ભાવ પણ ક્યાં હતો? ક્યાંય કોઇ અનુસંધાન નહીં.. કોઇ સંવેદનનું દૂર દૂર સુધી નામોનિશાન નહીં. અફાટ રણમાંય ક્યાંક દૂર દૂર મૃગજળનો ભાસ તો જરૂર થતો હોય છે. જે માનવીને આશા આપતા રહીને દોડતો રાખે છે. પણ અહીં તો એ સુખદ ભ્રમણા.. એ મૃગજળ પણ ક્યાં?

અરૂપે તેની પાસે જઇ મૃદુતાથી ઉચ્ચાર્યું. ‘ઇતિ…’ ઇતિ પર કોઇ અસર નહીં. તે એમ જ ચિત્રવત્ બેસી રહી. શબ્દો તો સંભળાતા હતાં.. અર્થ ખોવાઇ ગયો હતો. અરૂપ હળવેથી ઇતિ પાસે બેઠો. તેના વાળમાં સ્નેહથી હાથ ફેરવતો રહ્યો. ઇતિની આંખો નિર્જીવ.. સાવ કોરીકટ્ટ.. પણ અરૂપની આંખો આજે કોઇ શરમ વિના છલકતી રહી. તે ઇતિને પ્રેમ કરતો હતો. ખરેખર સાચા દિલથી પ્રેમ કરતો હતો. ફકત પ્રેમનો મર્મ સમજી નહોતો શક્યો. પ્રેમ એટલે બંધન નહીં. એ સત્યથી તે કદાચ અજાણ હતો. ઇતિને ખોઇ બેસવાના ડરે ઇતિની દુનિયામાંથી અનિકેતનું નામોનિશાન મિટાવવાના પ્રયત્નો તે કરતો રહ્યો. ઇતિની સામાન્ય વાતને, સામાન્ય ઇચ્છાને પણ તે અનિકેત સાથે જોડતો રહ્યો.

હવે? હવે ઇતિની આ નિર્જીવતા, આ મૌન તેને દઝાડી રહ્યું હતું. શું બોલવું તે તેને સમજાતુ નહોતું. ઘણું કહેવું હતું, માફી માગવી હતી.. પણ કોઇ શબ્દો મળતા નહોતા. શબ્દો સાવ પોલા… ખોખલા બની ચૂકયા હતા. ઇતિ કશું સમજી શકે તેવી માનસિકતા પણ ક્યાં બચી હતી? તો હવે? શું કરવું? શું કરી શકે તે? અરૂપની વિચારમાળા આગળ ચાલે તે પહેલા નીચે બેલ વાગી.

અરૂપ નીચે ગયો. કામ કરવા માટે તારાબેન આવ્યા હતા. વરસોથી અહીં તે જ બધું કરતા હતા. અરૂપે તારાબેન સાથે વાત કરી લીધી. ઇતિની તબિયત સારી નથી કહી રસોઇની અને ઘરની બધી જવાબદારી તેને સોંપી દીધી. તારાબેન ઓછાબોલા હતા. સાહેબને વધારે પૂછપરછ કર્યા સિવાય તે કામે વળગ્યા.

અરૂપે પોતાને હાથે બંને માટે ચા બનાવી. ઇતિને ચામાં હમેશા ખૂબ આદુ અને એલચી નાખવા જોઇએ. જ્યારે અરૂપને આદુ વિનાની ચા પસંદ હતી. આજે તેણે પોતાને માટે પણ આદુવાળી ચા બનાવી અને હાથમાં બંનેની ચાના કપ લઇ ઉપર આવ્યો. કશું બોલ્યા સિવાય ઇતિના હાથમાં ચાનો કપ આપ્યો.. મેન્ટલી રીટાર્ડેડ બાળક જોઇ રહે.. બરાબર તેની માફક ઇતિ ઘડીકમાં ચા સામે તો ઘડીકમાં અરૂપ સામે જોઇ રહી. હાથમાં પકડેલ ચાના કપનું શું કરવાનું હોય તે સમજાતું ન હોય તેમ! અરૂપે ધીમેથી કપ ઇતિના હોઠે લગાડયો. ઇતિને ઘૂંટડો ભરાવ્યો…

થોડીવારે અરૂપે ખાલી કપ ધીમેથી નીચે મૂક્યો. નેપકીનથી ઇતિનું મોં લૂછયું. પોતે પણ ચા પીધી. સવારે દસ વાગ્યે બંને સાથે જમી જ લેતા. તેથી નાસ્તો કરવાની બેમાંથી કોઇને આદત નહોતી. પછી અરૂપ ઓફિસે જાય અને ઇતિ હાથમાં છાપા અને મેગેઝિનો લઇને બેસે. પરંતુ આજે અરૂપને ઓફિસે જવું નહોતું. ઇતિને આમ એકલી મૂકીને તે કયાંય જઇ ન જ શકે. અરૂપે ઓફિસમાં ફોન કરી પોતે હમણાં થોડા દિવસો નથી આવવાનો એવી સૂચના આપી દીધી.

હવે? હવે શું કરવું? શું બોલવું?

તે હળવેથી ઇતિની બાજુમાં બેઠો.

‘ઇતિ, મને માફ નહીં કરે? ના.. ના.. મારે માફી નથી જોઇતી. તું કહે એ સજા મને મંજૂર છે. હું જાણું છું કે મારી ભૂલ માફીને પાત્ર નથી જ. અરે? સજાને લાયક પણ હું નથી. ઇતિ, હું તને સમજી ન શકયો. તને ખોવાના ડરમાં હું ભાન ભૂલી ગયો… ઇતિ પ્લીઝ…’ અરૂપ આગળ બોલી ન શકયો.

તે ફરી એકવાર ધ્રૂસકે ધ્રૂસકે રડી ઉઠયો. ઇતિની આ હાલત તેનાથી જોઇ નહોતી શકાતી. પોતે કેટલો લાચાર બની ગયો હતો એનો અહેસાસ તે દરેક પળે કરી રહ્યો હતો. દોષ પણ કોને આપે? પોતે જ આ માટે જવાબદાર હતો અને હવે….

અરૂપનો વલોપાત ઇતિને કાને કદાચ અથડાતો તો હશે પરંતુ અંદર સુધી સ્પર્શતો નહોતો. તારાબહેન ઉપર આવ્યા. અરૂપે જલદીથી આંખો લૂછી.
તારાબેને ઇતિ સામે જોઇ પૂછયું, ‘બહેન, આજે જમવાનું શું બનાવું?’

ઇતિને મૌન જોઇ તેને થયું કે બહેનને સંભળાયું નથી. તેથી તેણે પોતાનો પ્રશ્ન ફરીથી રીપીટ કર્યો. ઇતિની આવી હાલતની તેને કલ્પના કેમ આવે? ઇતિ તારાબેનને ઓળખતી ન હોય તેમ ચૂપચાપ તેની સામે જોઇ રહી.

અરૂપે જવાબ આપ્યો, ’બહેનની તબિયત હમણાં સારી નથી.. તમને જે ઠીક લાગે તે બનાવી લેવાનું. પહેલાં તમે બનાવતા જ હતા ને? બહેનને શું ભાવે છે તેનો ખ્યાલ તમને છે જ. બરાબર ને?‘

તારાબેને માથુ હલાવી હા પાડી. ઇતિને શું થયું છે તે તેને સમજાયું નહીં. પરંતુ વધારે પૂછપરછ કર્યા સિવાય તે નીચે ગયા. અરૂપ પોતાની જાતને કોસતો બેસી રહ્યો.. અંતે જમવાનો સમય થતાં તે નીચેથી બંનેની પ્લેટ લાવ્યો. તારાબહેને ઇતિને ભાવતું ઉંધિયુ અને પૂરી બનાવ્યા હતા.

‘ઇતિ, તારું ફેવરીટ ઉંધિયુ આજે તારાબહેને બનાવ્યું છે. તું જાતે ખાઇશ કે મારી ઇતિને હું ખવડાવું?‘ જવાબની રાહ જોવાનો કોઇ અર્થ નહોતો. તે જાણતા અરૂપે નાના બાળકની જેમ ઇતિને કોળિયા ભરાવ્યા. તે જમતો ગયો અને ઇતિને જમાડતો ગયો. ઇતિને ખવડાવી, પાણી પીવડાવી અરૂપે તેને ધીમેથી ઉભી કરી. અને પલંગ પર સૂવડાવી. પોતે તેની પાસે તેના માથા પર હાથ ફેરવતો બેસી રહ્યો. ઇતિને લાગેલ આઘાતનો, ઇતિની વેદનાનો અહેસાસ તેને થયો હતો. પણ હવે.. હવે શું કરી શકે તે?

આ ક્ષણે તેને સમજાયું હતું કે અનિકેતની વિદાય કરતાં પણ પતિની આ અપરિચિત ઓળખાણનો, કદી ન કલ્પેલ આ સ્વરૂપનો આઘાત ઇતિને વધારે લાગ્યો હતો. આ કંઇ ફકત અનિકેતની વિદાયનો આઘાત જ નહોતો એ તે સમજી શકયો હતો. અને તેથી જ… અઠવાડિયું આમ જ પસાર થયું… આકાશમાં વાદળો ઘેરાયેલ જ રહ્યા. ઘનઘોર વાદળોએ ઝળહળતા સૂર્યને પણ ઢાંકી દીધો હતો. અસ્ત થવું અને ઉગવું એ ક્રમ પણ જાણે સૂર્ય ભૂલી ગયો હતો કે શું? વાદળો હટે તો એનું અસ્તિત્વ અનુભવી શકાય ને? પણ આકાશનો ગોરંભો હટવાનું નામ જ નહોતો લેતો.. દિવસો ફિક્કા, તેજહીન.
વરસાદની ઋતુ હતી. કાળાડિબાંગ વાદળો નહોતા ખસતા કે નહોતા વરસતા. સઘળું કોરુંધાકોર, વાતાવરણમાં નહીં ઉજાસ કે નહીં અંધકાર. અરૂપના જીવનમાં, મનમાં અનેક નવી ક્ષિતિજો ઉઘડી હતી. ક્યારેય ન સમજાયેલ સત્યો સમજાયા હતા. ન જોઇ શકેલ અનેક વાતો આજે દીવા જેવી સ્પષ્ટ દેખાતી હતી. નાની નાની વાતોમાં પ્રેમને નામે ઇતિ પર કરેલ અદ્રશ્ય અત્યાચાર, અને દરેક વાતમાં ઇતિનું મૌન સમર્પણ! તે શું ભૂલે અને શું યાદ કરે? અરે, દરિયે જવા જેવી સામાન્ય વાતને પણ તે ટાળતો આવ્યો હતો. શા માટે? કેમકે અનિકેતને દરિયે જવું ગમતું હતું..! ઇતિને ડાન્સીંગ કલાસ ચાલુ નહોતા કરવા દીધા.. શા માટે? છળ કરીને ઇતિને અનિકેત પાસેથી ઝૂંટવી લીધા બાદ પણ તે એક પછી એક અદ્રશ્ય અત્યાચાર નિર્દોષ ઇતિ પર કરતો રહ્યો હતો. અને સરળ ઇતિ અટલ વિશ્વાસથી પોતાની બધી વાત સ્વીકારતી આવી હતી. અરૂપની આંખોમાં સમુદ્રની છલોછલ ભરતી આવી હતી. જેને તે પોતાની જીત માનતો હતો તે કેવડી મોટી હાર હતી એ તેને સમજાયું હતું. પરંતુ ક્યારે? સર્વસ્વ ગુમાવી બેઠા પછી.

ઇતિની વેદના તેને કોરી ખાતી હતી. શું કરે તે? શું કરી શકે કે હવે શું કરવું જોઇએ તે સમજાતું નહોતું. ઇતિ માટે તે ગમે તે કરવા તૈયાર હતો. પોતે કરેલ પાપનું પ્રાયશ્વિત કેમ કરી શકાય તે સમજાતું નહોતું. અને ઇતિ કશું સાંભળી કે સમજી શકવાની સ્થિતિમાં કયાં રહી હતી? જો આમ જ લાંબુ ચાલ્યું તો..? અરૂપ ધ્રૂજી ઉઠયો. ઇતિએ તેને કોઇ પ્રશ્ન નહોતો કર્યો. કશું જ બોલી નહોતી. અભેદ મૌનની દીવાલ ઓઢીને તે બેસી હતી. તેની કોરી આંખોમા પથરાયેલ જડતા અરૂપને હચમચાવી રહી હતી. અરૂપ સાથે તે ઝગડી લે.. તેને સજા કરે.. તેને હલબલાવીને તેની પાસે જવાબ માગે તો અરૂપ પોતાનો ગુનો કબૂલ કરી માફી કે સજા માગી શકે. પણ.. પણ તે કદાચ તેને પણ લાયક નહોતો. ઇતિની નફરતનો ઓથાર કેમ જીરવવો? જોકે ઇતિની આંખોમાં નફરત હતી કે દયા હતી? કે પછી એક પથરીલી શૂન્યતા? તે પણ તેને સમજાતું નહોતું. ઇતિ એક જીવતી લાશ બની ચૂકી હતી.

કોઇ સાનભાન વિના ચાવી દીધેલ પૂતળીની માફક અરૂપ કહે તેમ ઇતિ કર્યા કરતી. અરૂપ ખાવાનું આપે અને કહે ત્યારે ચૂપચાપ ખાઇ લેતી. અરૂપ પાણી આપે ત્યારે પાણી પી લેતી. અરૂપ કહે ત્યારે બેસતી, તે કહે ત્યારે સૂઇ જતી.

ઇતિને તેના પિયર એકાદ મહિનો જવાનું સૂચન અરૂપે કરી જોયું. પણ ઇતિને તેની વાત સમજાઇ ન હોય તેમ ટગર ટગર તે અરૂપ સામે જોઇ રહી. આટલા વરસોમાં ઇતિને કયારેય અળગી ન કરનાર, કયાંય એકલી ન મૂકનાર અરૂપે તેને એકાદ મહિનો પિયર જવાની કે ક્યાંય પણ બીજે બહાર જવાની વાત કરી જોઇ. પણ જવાબ આપવાની સભાનતા ઇતિમાં ક્યાં બચી હતી? આખો દિવસ બાલ્કનીમાં બેસી દૂર દૂર સુધી નિર્જીવ આંખે ન જાણે તે શું તાકી રહેતી.

’ઇતિ, ચાલ આપણે દરિયે જઇશું? ભીની રેતીમાં સરસ મજાનું ઘર બનાવીશું.’ કે ‘ઇતિ તારે ડાંસીંગ કલાસ જોઇન કરવા છે?‘

‘ઇતિ, તારે નોકરી કરવી છે?‘

પણ કોણ જવાબ આપે તેને? અરૂપ શું કહે છે તે ઇતિને પૂરું સમજાતું જ કયાં હતું? બધિર ઇન્દ્રિયો લઇ તે ફક્ત શ્વાસ લઇ રહી હતી. અરૂપ, જે ક્યારેય અનિકેતની વાત ભૂલથી પણ ન નીકળે તેનું સતત ધ્યાન રાખતો હતો.. તે હવે અનિકેતની વાતો કરતાં થાકતો નહોતો. તેને આશા હતી કયારેક અનિકેતની વાતો ઇતિના કાનમાં અથડાશે અને તેની ચેતના જાગૃત થશે.. ઇતિ રડશે તેની પર ગુસ્સો કરશે કંઇક પ્રતિભાવ મળશે એ આશાએ તે અનિકેતની યાદ અપાવવા મથતો રહેતો.

સમય માનવીને કેટલી હદે બદલાવી દે છે?

‘ઇતિ, અનિકેત પ્રત્યેનો તારો પ્રેમ હું અનુભવી શક્તો હતો પણ સ્વીકારી નહોતો શક્તો. પ્રેમનું એક જ સ્વરૂપ નથી હોતું તે સત્ય સમજી નહોતો શક્તો. તને ખબર છે ઇતિ, તને અનિકેતથી દૂર રાખવા માટે હું કેવા કેવા પેંતરા કર્યા કરતો હતો.. હું મૂરખ.. સાવ મૂરખ હતો.. હું અનિકેતની ઇર્ષ્યા કરતો હતો. શૈશવના તમારા નિર્વ્યાજ સ્નેહને સમજી શકવાની અક્કલ મારામાં કયાં હતી? ઇતિ, તારા અરૂપને તું માફ નહીં કરે? તેં મને આટલો પ્રેમ આપ્યો. પણ તારા પ્રેમને હું લાયક નહોતો. ઇતિ, મારી ભૂલ મને સમજાય છે. તારા અતીત સાથે સંકળાયેલી દરેક વાતથી તને દૂર રાખવાના પ્રયત્નો હું કર્યા કરતો.‘

અરૂપ ઇતિ આગળ પોતાની જાતને કોસ્યા કરતો. પણ ઇતિ તો જાણે બહેરી… સાવ બહેરી..! આજે ઇતિના પ્રેમને તે સમજી શક્યો હતો, સ્વીકારી શકયો હતો. પ્રેમના અનેક સ્વરૂપો હોય છે.. અનિકેત પ્રત્યેનો પ્રેમ એ અરૂપ માટેની બેવફાઇ નહોતી કે અરૂપ પ્રત્યેના પ્રેમની કચાશ નહોતી. ઇતિના સ્નેહમાં કયાંય ખોટ નહોતી. પોતે મનોમન વિચારતો રહ્યો હતો કે અનિકેતથી દૂર રાખીને તે ઇતિને મેળવી શકશે.. કેવા મોટા અને ખોટા ભ્રમમાં તે હતો!

પરંતુ કેટલાક સત્યો માટે બહું મોડું થઇ જતું હોય છે. ‘પોઇન્ટ ઓફ નો રીટર્ન‘ પર પહોંચ્યા પછી કોઇ વાતનો અર્થ નથી રહેતો એનો અહેસાસ અરૂપ કરી રહ્યો હતો. આગળ જવાતું નહોતું. અને પાછળ જવાની કોઇ ગુંજાઇશ નહોતી રહી. શું કરવું? હથોડાની જેમ અરૂપના મગજમાં આ એક જ વિચાર અથડાતો રહેતો. જે થઇ ગયું હતું તે ન થયું કેમ કરી શકાય? અનિકેત, મારા દોસ્ત, એકવાર એકવાર આવ.. હું તારો ગુનેગાર છું.. હું હારી ગયો છું અનિકેત, હારી ગયો છું. કોઇ વ્યક્તિને ઝૂંટવીને મેળવી તો શકાય પણ પામી ન શકાય. દોસ્ત, સમજાય છે, આજે મને સમજાય છે. અરૂપ પશ્વાતાપના પાવક અગ્નિમાં જલતો રહેતો. પણ નકામું હતું.. બધું નકામું…. સાવ અર્થહીન..

પણ એમ હિમત હાર્યે પણ કામ ચાલે તેમ નહોતું. ઇતિની હાલત માટે તે જ જવાબદાર હતો અને ઇતિની આ હાલત તે જોઇ શકતો નહોતો. શું કરે તે? શું કરી શકે?

પ્રશ્નનો ઉતર કોણ આપે તેને? શું હમેશા આમ જ..? તેના પાપનું કોઇ પ્રાયશ્વિત નહીં હોય?


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૪) – નીલમ દોશી