૧.
મુખડું ચાડી કરે છે તાજગી ચાલી ગઈ,
ભાલના ચાંદે ઠરેલી બંદગી ચાલી ગઈ.
વરવધુ થઇ જે દિલો આનંદથી હિલ્લોળતાં,
એક પળમાં તો બધી આવારગી ચાલી ગઈ.
રંગ મેંદીનો હજી પાકો હથેળી પર હતો
ક્યાં હવે એની શિકાયત? જિંદગી ચાલી ગઈ.
જે બની સંગીત કાનોમાં હતી કિલ્લોલતી,
વાત સૌ એના સજનની ખાનગી ચાલી ગઈ.
ધ્વજ ઓઢેલી શહીદીનો ટહૂકો ત્યાં થયો,
“હું ગયો પણ ના નથી દીવાનગી ચાલી ગઈ.
પીઠ પાછળ વાર કરનારા હવે બચશે નહીં,
આખરે નાપાકની મરદાનગી ચાલી ગઈ.”
૨.
માનવ બનવાને કાજે ભઈ થા ઊભો તું,
દાનવ હણવાને કાજે ભઈ થા ઊભો તું.
બેસીને વાતો તો ભૈલા ખૂબ કરી તેં
કામો કરવાને કાજે ભઈ થા ઊભો તું.
જોને દાવાનળ સળગે છે ચારેબાજુ,
જળને ધરવાને કાજે ભઈ થા ઊભો તું.
‘આ મારું આ તારુ’એ નાતાઓ તોડ્યા,
‘હું’ થી લડવાને કાજે ભઈ થા ઊભો તું.
વાતો કાંડાના કૌવતની તો તેં કીધી
જંગે ચડવાને કાજે ભઈ થા ઊભો તું.
જીવનની નૌકાને રાખી સામા પવને
સાગર તરવાને કાજે ભઈ થા ઊભો તું.
જીવન છે દેવું ને આવકમાં છે મીંડું
દેવું ભરવાને કાજે ભઈ થા ઊભો તું.
૩.
હું ફરેબી જિંદગી ટાળ્યા કરું,
સાંભળેલી વાતને ગાળ્યા કરું.
વ્હેમનું આ જગમહીં ઓસડ નથી,
પાઠ શીખેલા બધા પાળ્યા કરું.
લાભ આવે કે પછી હાનિ ભલે,
ચોતરફ આનંદ નિહાળ્યા કરું.
ઝૂંપડીઓમાં અમીરી ઉછરે,
એ કુટુંબી જિંદગી ભાળ્યા કરું.
જે કહે ‘કુટુંબ સઘળી છે ધરા’,
તેમના સંબંધ પંપાળ્યા કરું.
રક્તના સંબંધથી પણ છે વધુ,
એમના પર હેત ઓગાળ્યા કરું.
– ગુણવંત વૈદ્ય
શ્રી ગુણવંત વૈદ્યની ત્રણ ગઝલરચનાઓ આજે પ્રસ્તુત કરી છે. અક્ષરનાદને આ રચનાઓ પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ તેમનો ખૂબ આભાર અને શુભકામનાઓ.
Thanks for sharing my gazals Jigneshbhai
ultimate… first one just superbb
Thanks Gopalbhai