દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૩) – નીલમ દોશી 3


પ્રકરણ ૧૩ – ઇતિની શૂન્યતા

“ગયો ક્યાં અનાહત નાદ એ? મને ઝંખતો હતો સાદ એ?
હું વિરાટ વિશ્વમાં એકલો, કોઇ ભાવભીનો સ્વર નથી.”

Dost Mane Maaf Karish ne

એક એક ક્ષણ એક યુગ જેવડી બની હતી. સોનાના પિંજરમાં પૂરાયેલ પંખીને અચાનક આકાશની ભાળ મળી હતી. ઉડવા માટેની છટપટાહટ જાગી હતી. પાંખો ફફડાવવાની તૈયારી…. પણ…. ત્યાં જ અચાનક પાંખો જ કપાણી… પંખી બેબાકળુ…. શું થયું તે સમજાયું નહીં… હવે સામે અનંત આસમાન તો હજુ મોજુદ હતું. પણ… કોણે કાપી પાંખો? પક્ષીને સમજાય કે નહીં.. પરંતુ ઇતિની નજર સમક્ષ તો પાંખોનો કાપનાર પણ હાજર જ.. અને છતાં….

ઇતિ મૌન હતી. અને અરૂપ પાસે બોલવા જેવું કશું બચ્યું નહોતું. એક ક્ષણમાં તે આખ્ખો ઉઘાડી પડી ગયો હતો. કયા ખુલાસાઓ આપે? કેટકેટલા ખુલાસાઓ આપે? છેલ્લા દસ વરસની એક એક ક્ષણનો જાણ્યે, અજાણ્યે તે ગુનેગાર હતો. ઇતિનો ગુનેગાર.

હવે નીચી નજરે અરૂપ મૌન… એકદમ જ મૌન.

ઇતિ મૂઢની જેમ અરૂપ સામે જોઇ રહી. એ નજરનો અસહ્ય તાપ અરૂપને દઝાડી રહ્યો.

બે પાંચ મિનિટ વીતી કે બે પાંચ યુગ? વાતાવરણમાં મૌનનો ભયાનક ઓથાર… સમયક્ષણો સરતી રહી. ઇતિ પરિસ્થિતિને હજુ પૂરી સમજી કે સ્વીકારી નહોતી શકતી કે શું? પોતે આ બધું શું વાંચ્યું કે શું સાંભળ્યું એ સમજણ નહોતી પડતી કે પછી જે વાંચ્યું.. સાંભળ્યું એમાં વિશ્વાસ નહોતો આવતો? કાળદેવતા પણ ગીલ્ટનો ભાવ અનુભવતા હોય તેમ થંભી ગયા હતા કે શું? પોતે આ કયું અકલ્પ્ય રહસ્ય ઉઘાડું કરી નાખ્યું? પોતાની બંધ મુઠ્ઠીમાંથી કઇ પળે આ કઇ વેદનાનો પ્રસવ થયો કે ઇતિ આમ જડ બની ગઇ?

શું બોલવું તે અરૂપને સમજાતું નહોતું. અને શું પૂછવું, શું કહેવું તેની ઇતિને ખબર નહોતી પડતી. બીજી થોડી ક્ષણો આમ જ વીતી. વાતાવરણમાં એક અસહ્ય મૌન ગૂંગળાટ… ભયંકર સ્તબ્ધતા… એક અસહ્ય ગૂંગળામણ.. સન્ન્નાટો.. પવન પણ એકદમ ચૂપ. બહાર બગીચામાં ટપાક દઇને ખરતાં પાંદડાઓનો એક માત્ર અવાજ… કોરી આંખોમાંથી અશ્રુઓ તો ન ખર્યા પરંતુ મનમાંથી કશું જરૂર ખરી રહ્યું હતું. સમયના વાયરાની એક જોરદાર ફૂંક કે ઝંઝાવાત… અને શ્રદ્ધાની ઝળહળ જયોત બૂઝાઇ ગઇ.

અરૂપ નીચુ જોઇ બેસી રહ્યો. અને ઇતિ એકીટશે ત્રાટક કરતી હોય તેમ અરૂપ સામે.. બિલકુલ અજાણ્યા અરૂપ સામે જોતી રહી. વરસોનો આ સાથીદાર આજે પરાયો બની ગયો હતો. આ અરૂપને તે ક્યાં ઓળખતી હતી? એક પળ… અને ઇતિનું આખું વિશ્વ અલોપ. ન વાદળ, ન વરસાદ, ન વીજળી.. ન ગર્જના, કશું જ નહીં. બસ ઘેરો સન્નાટો.. એ એક માત્ર સત્ય… જાણે એ સિવાય દુનિયામાં બીજું કશું હતું જ નહીં.

વિશ્વાસના અગણિત પંખીઓ એકી સાથે ઉડી ગયા હતા. કોઇ કલરવ વિના. એક ઘેરી સ્તબ્ધતા.. મૌનના આ અસહ્ય ઓથાર હેઠળ અરૂપ શું બોલે? શું સફાઇ આપે? આરોપી હાજર હતો.. પિંજર હતું.. પણ કોઇ ફરિયાદી નહોતું. ઇતિની આંખ સામે અરૂપ કઇ રીતે નજર મિલાવે? શું જવાબ આપે ઇતિની આંખના મૂક પ્રશ્નોનો?

ઇતિ સોફા પર ફસડાઇ પડી. અનિ, તેનો અનિ હમેશ માટે અલવિદા કરી ગયો હતો. અંતિમ ક્ષણો સુધી તે ઇતિને ઝંખતો રહ્યો હતો. ઇતિની આંખો સમક્ષ ગાઢ અંધકાર છવાતો હતો. તેની આંખો કોરીધાકોર, બિલકુલ કોરી…! કોઇ દર્દીને એનેસ્થેશિયાનો મોટો ડોઝ અપાઇ જતાં તેનું ચેતાતંત્ર નિષ્ક્રિય… સંવેદનાહીન બની જાય. તેવી રીતે ઇતિનું ચેતાતંત્ર સાવ જ ભાવશૂન્ય….. વેદના અનુભવવા જેટલી સભાનતા ય અલોપ. કોઇ સંવેદના નહીં… નિતાંત શૂન્યતા. દૂર દૂર સુધી નિબીડ અંધકાર… પ્રકાશનું જાણે કદી અસ્તિત્વ હતું જ નહીં. આ વેદના અનિકેતની વિદાયની હતી કે અરૂપની આ અપરિચિત ઓળખાણની?

પવનની એક લહેરખીની સાથે અંગારા પરની રાખ ઉડી જાય અને એક કારમું સત્ય સાવ અનાવૃત થઇ ઉઠે… એ જ રીતે એક જ પળમાં સહન ન થઇ શકે તેવા બે સત્યો અતિ ભાવુક ઇતિ સામે ઉઘડયા હતા. જેનો તાપ ઝિલવો ઇતિ માટે આસાન કેમ બની શકે? કયું સત્ય વધારે ગૂંગળાવી રહ્યું હતું? તે વિચાર કરવાની ક્ષમતા કયાં? અનિકેતને તો કુદરતે છીનવી લીધો હતો. પરંતુ…. અરૂપ? અરૂપનું આ સ્વરૂપ? તેનો આ પરિચય? અત્યાર સુધી તે અંધારાને અજવાસ માની અટવાતી રહી હતી?

તેણે કયાં ભૂલ કરી હતી? સપનામાં યે અરૂપનું આ સ્વરૂપ તે વિચારી શકે તેમ નહોતી. કયારેક અરૂપની કોઇ વાત ન ગમતી ત્યારે પણ એક ક્ષણ માટે ય અરૂપમાં કોઇ અવિશ્વાસ, કોઇ શંકા નહોતી ઉઠી. આમ પણ કોઇ માટે શંકા કરવાનું ઇતિ માટે શકય જ નહોતું. આંખો બંધ કરી તે વિશ્વાસ મૂકી શકતી. અને આજે? એક ક્ષણમાં બધું કડડભૂસ? સઘળા દરવાજાઓ બંધ… દિશાઓ મૂંગીમંતર…!

ઇતિ હમણાં આક્રન્દ કરી ઉઠશે એવું માનતો અરૂપ તેની આ સ્થિતિ જોઇ ડરી ગયો. તેના મનમાં ભયના ભીના ભીના વાદળો ઘેરાયા.. ઇતિની આંખોમાં તો અઢળક વાદ્ળો.. કોરાકટ્ટ વાદળો…

‘ઇતિ,’ ઉંડી ગુફામાંથી આવતો હોય તેમ અરૂપનો ઘેરો અવાજ માંડમાંડ બહાર નીકળ્યો. શું બોલવું તેની ગતાગમ આજે અરૂપને પણ નહોતી પડતી. તે કોઇ ખુલાસો આપવા ગયો. પણ કોને ખુલાસો આપે? ઇતિ બહેરી બની હતી. કાનથી જ નહીં, તેની પંચેદ્રિયો બહેરી બની હતી. સમુદ્રના તરંગો પર સવાર થઇ હસતી ખેલતી માછલી અચાનક કિનારાની રેતીમાં ફેંકાય જાય અને બેબાકળી બની છટપટી ઉઠે એ સમજી શકાય. પરંતુ ઇતિના નસીબમાં તો છટપટાહટનું એ સુખ પણ ક્યાં? પ્રાણનું પંખી આકુળવ્યાકુળ…. અણુએ અણુમાં અદ્રશ્ય તરફડાટ… જળ થંભી ગયા હતા. જીવન થંભી ગયું હતું. ઇતિએ તો જીવનમાં કયારેય બીજી કોઇ એષણાઓ, ઇચ્છાઓ પણ કયાં રાખી હતી? જે સંજોગો સામે આવ્યા તેનો બિલકુલ સહજતાથી સ્વીકાર કરતી આવી હતી. કોઇ આગ્રહ, દુરાગ્રહ વિના. અને છતાં? તેના સમર્પણમાં કયાં ખામી હતી?

ઇતિની કોરીધાકોર આંખો સામે જોતાં અરૂપે બે ચાર વાર ઇતિને બોલાવવાના પ્રયત્નો કરી જોયા. પણ કોઇ પ્રત્યાઘાત ન સાંપડતા અરૂપ હવે ખરેખર ડરી ગયો.

‘ઇતિ.. ઇતિ.. પ્લીઝ.. મારે કોઇ ખુલાસાઓ નથી કરવા. હું ગુનેગાર છું. તારો અને અનિકેત બંનેનો ગુનેગાર. હું અનિકેતની ઇર્ષ્યા કરતો હતો. કોઇ કારણ વિનાની ઇર્ષ્યા. અનિ પાસેથી મેં તને ઝૂંટવી લીધી હતી. અનિકેત તારી વાતો કરતો રહ્યો. અને હું તને તેની પાસેથી ખૂંચવી લેવાના મનસૂબા મનોમન ઘડતો રહ્યો હતો. જેની અનિકેતને કલ્પના સુધ્ધાં નહોતી. અનિએ મોકલેલ સન્દેશ કે તેણે તારા માટે મોકલેલ ગીફટને, પેલી ઢીંગલીને મેં મારી બનાવી દીધી.. એક અનધિકાર ચેષ્ટાથી, દગાથી કોઇના વિશ્વાસનો ભંગ કરીને, મિત્રતા શબ્દને કલંક લગાડીને હું તારી અને અનિકેત વચ્ચે આવી ગયો. તારા જીવનમાં દાખલ થઇ ગયો. અને આટલા વરસો અનિકેતને હટાવવાના સભાન પ્રયત્નો કરતો રહ્યો. મારા સબકોંશીયસ માઇન્ડમાં તને ગુમાવી બેસવાનો એક ભય, સતત ડર… અને તેના પરિણામરૂપે તને અનિકેતથી દૂર રાખવાના વામણા પ્રયત્ન! ઇતિ, તારા વિના હું જીવી શકું તેમ નહોતો. અને તેથી તને ગુમાવી બેસવાના સતત ડર, ખોટા ડરના ઓથાર નીચે હું અનેક ભૂલો કરતો રહ્યો. કદાચ અનિકેતને સાથે રાખીને હું તને પૂર્ણપણે પામી શકયો હોત. સમજાય છે ઇતિ, એ અત્યારે સમજાય છે. આ ક્ષણે એ સત્ય મારી સમક્ષ ઉઘડી રહ્યું છે. હું જાણુ છું કે હવે આ બધાનો કોઇ અર્થ નથી ઇતિ, તારી માફી માગવાને પણ હું લાયક નથી. પણ ઇતિ, તને હું ખરેખર પ્રેમ કરું છું. ખૂબ પ્રેમ કરું છું. કદાચ પ્રેમનો સાચો અર્થ સમજયા વિનાનો પ્રેમ.’

અરૂપ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડયો. તે વલોપાત કરતો રહ્યો. પાગલની જેમ એકલો એકલો હૈયુ ઠાલવતો રહ્યો. શું બોલતો હતો તેનું પણ તેને ભાન રહ્યું નહોતું. વરસોથી અંદર સંઘરેલ ઉભરો આજે અચાનક ઉછળી ઉછળીને પોતાની જાતે જ બહાર આવવા મથી રહ્યો હતો. વારંવાર તે માફી માગતો રહ્યો. સજા માગતો રહ્યો. પણ… તે કોને કહેતો હતો? ઇતિને તો કયાં કશું સ્પર્શી શકતું હતું? બધિર પંચેદ્રિયો સુધી અરૂપનો વલોપાત કેમ પહોંચે? ઇતિ જાણે પથ્થરની મૂર્તિ.. નિર્જીવ… પ્રાણવિહીન…

યુગો એમ જ પસાર થઇ ગયા. અરૂપ એકીટશે ઇતિ સામે મીટ માંડી રહ્યો. હમણાં કોઇ ભાવ ઇતિની આંખોમાં ઉભરશે… ઇતિ રડી ઉઠશે.. પણ… પણ ઇતિમાં ચેતનનો કોઇ સંચાર ન ફરકી શકયો.

અરૂપની આંખો અનરાધાર વહેતી રહી. અંતે તે થાકયો. તેણે આંસુ લૂછયા. આ પાપનું પ્રાયશ્વિત ફકત આંસુથી નહીં થાય. તેણે હોમાવું પડશે. આહુતિ આપવી પડશે. જે કંઇ કરવું પડશે તે કરશે. એક દ્રઢ નિર્ધાર તેના પ્રાણમાં ઉગ્યો.

તે ઉઠયો. એકાદ ક્ષણ ઇતિ સામે જોયું. પછી ધીમેથી ઇતિનો હાથ પકડી ઉભી કરી અને ઉપર લઇ ગયો. ઇતિ તો જાણે ચાવી દીધેલી પૂતળી..! અને પૂતળીને કોઇ વિરોધ થોડો હોય શકે? ઇતિ ઊભી થઇ. અરૂપ હાથમાં પાણીનો ગ્લાસ લઇ આવ્યો. એકાદ ક્ષણ ઇતિ ગ્લાસ સામે જોઇ રહી. અરૂપે નાના બાળકની માફક તેને પાણી પીવડાવ્યું. પછી તેને હળવેથી પલંગમાં સૂવડાવીને ચાદર ઓઢાડી. ઇતિની નિર્જીવતાથી તે અંદર સુધી હલબલી ગયો હતો.

બહાર ખરતા પર્ણોનો સરસર અવાજ રાત્રિની નીરવતાને ભેંકાર બનાવી રહ્યો હતો. અરૂપ ખુલ્લી આંખે, વ્યથિત હ્રદયે બારી બહાર જોતો રહ્યો. કદાચ આજે, આ ક્ષણે તે પ્રેમનો અર્થ પામ્યો હતો. પણ મોડો… ખૂબ મોડો.

સઘળું ગુમાવી દીધા પછી જ અમુક સત્યો માનવી સમક્ષ ઉજાગર થતા હશે?

કયાંક દૂરથી રેડિયાનો અવાજ અરૂપના કાને અથડાઇ રહ્યો હતો.. ”જિંદગીકે સફરમેં ગુઝર જાતે હૈ જો મુકામ.. વો ફિર નહી આતે… ફિર નહી આતે…” સુનામી કે ધરતીકંપ જેવા કુદરતી તોફાન રહે છે તો એકાદ બે મિનિટ જ. પરંતુ તેની આફટર ઇફેકટથી ઘણીવાર વરસો સુધી મુક્ત થઇ શકાતું નથી.. પોતાના જીવનમાં આવેલ આ ધરતીકંપની અસરમાંથી કયારેય મુકત થઇ શકાશે ખરું? આ ધરતીકંપ કુદરતી ક્યાં હતો? આ તો પોતે જાતે જ સર્જેલ હતો. પરિણામના કોઇ ભાન વિના સર્જેલ આ ધરતીકંપે આજે તેને આ કયા મૉડ પર લાવી મૂકી દીધો હતો? આ કઇ ઉથલપાથલ, કયો ખળભળાટ તેના પ્રાણમાં જાગ્યો હતો? સદાનો સ્વસ્થ અરૂપ આજે છેક અંદર સુધી હલબલી ઉઠયો હતો. પોતે આ શું કરી રહ્યો હતો કે કર્યું હતું એવી કોઇ સભાનતા અત્યાર સુધી નહોતી જાગી. ઇતિ માટે તેને ખૂબ પ્રેમ હતો. અને રખે એ પ્રેમ ઝૂંટવાઇ જાય તો? અંદરના એ અજ્ઞાત ભયની સામે તે અભાનપણે ઝ્ઝૂમી રહ્યો હતો કે શું? પ્રેમનો સાચો અર્થ બંધન નહીં મુક્તિ છે એ સત્ય વિસરાઇ ગયું હતું. અને આજે એ ભાન થયું ત્યારે? ત્યારે ઘણુ મોડું થઇ ગયું હતું.

અરૂપના મનમાં વિચારોની ઉથલપાથલ મચી રહી.

શાંત ગતિએ વહેતા પાણીમાં વમળો.. ભયંકર વમળો રચાયા હતા. અને હવે એમાંથી બહાર નીકલવાના સઘળા રસ્તાઓ બંધ..

’ભૂલ નથી કરી‘ એમ કહી માનવી છટકી શકે છે. પરંતુ ભૂલના પરિણામોથી કેમ છટકી શકાય? એ તો ઇચ્છા કે અનિચ્છાએ ભોગવ્યે જ છૂટકો. હવે શું કરવું? કંઇ સૂઝતું નહોતું. કોઇ દિશા દેખાતી નહોતી. ઇતિને ગુમાવી બેસવાની અસલામતીની ભાવનાથી પીડાઇને પોતે ન કરવાનું કરી બેઠો હતો. જૂઠનો સહારો લઇ ઇતિને અનિકેત પાસેથી ઝૂંટવી લીધી હતી. અનિકેતે ઇતિ માટે આપેલી ઢીંગલી પોતાના નામે આપી પોતે અનિકેતને કયારેય મળ્યો નથી એવું કહી એક દોસ્તનો વિશ્વાસઘાત કર્યો હતો. અને પછી પણ ઇતિના હૈયામાંથી અનિકેતને દૂર કરવાના સતત પ્રયત્નો…! કેટલો પાપી હતો પોતે! મરતાં અનિકેતને પણ એકવાર ઇતિ મળી ન શકે માટે તેને અંધારામાં રાખી દૂર લઇ ગયો. પોતે આ શું કરી બેઠો? આટલો ડરપોક હતો પોતે? એક મરતા માનવીનો પણ ડર લાગ્યો? મૃત્યુને આરે ઉભેલ માનવીની નાનકડી અંતિમ ઇચ્છા સુધ્ધાં પૂરી ન કરી શક્યો? આવો ક્રૂર તો તે કયારેય નહોતો. અરૂપ પોતાની જાતને કોસતો બેસી રહ્યો. આજે બધું દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. દીવાના એ ઉજાસમાં ઘોર અંધકાર….

કોઇ સંબંધને જીવનમાંથી પ્રયત્ક્ષ રીતે દૂર કરી શકાય પરંતુ દિલના ઉંડાણમાંથી એને તદન અદ્ર્શ્ય નહીં જ કરી શકાય. સૂર્ય દરિયામાં ડૂબી ગયા પછી પણ કયાંક તો એ ઉગ્યો જ હોય છે. ત્યારે યે તેના કિરણો કોઇ ભૂમિને અજવાળી જ રહ્યા હોય છે. એ કયારેય સંપૂર્ણપણે અસ્ત થઇ શકે નહીં. સૂકી દેખાતી નદીની અંદર કેટલીયે સદીઓ સચવાઇને અકબંધ પડી હોય છે. જે કાળની અસરથી લુપ્ત હોય છે. કોઇની હાજરી ન દેખાય એટલે એ ગેરહાજર જ છે એવું માની લેવું એ એક ભ્રમ જ હોઇ શકે. સત્ય નહીં. શારીરિક રીતે તમે કોઇને દૂર રાખી શકો. પણ જે સંબંધો મનમાં સચવાયેલ છે તેને કોઇ કેમ મિટાવી શકે?

આજે બધું નજર સામે ઉઘડતું જતું હતું. એક પછી એક દ્રશ્યો નજર સમક્ષ આવતા જતા હતા. પોતે કેટલો વામણો નીકળ્યો હતો તેનું ભાન આ ક્ષણે થતું હતું. અનેક નવી ક્ષિતિજો આજે સૂતા સૂતા, બંધ આંખે અરૂપના મનમાં ઉઘડી રહી હતી. ક્યારેય ન જોઇ શકાયેલ કેટલીયે વાતો આ નિબિડ અંધકારમાં સ્પષ્ટ થતી જતી હતી. ઇતિની નાની નાની ઇચ્છાઓને અનિકેત સાથે સાંકળીને તેની કરેલી અવગણનાઓ અને ઇતિનું સમર્પણ. આ બધા પાપનું પ્રાયશ્વિત હવે કેમેય થઇ શકે તેમ નહોતું. અનિકેત આ દુનિયા છોડીને ચાલી ગયો હતો. નહીંતર પોતે જાતે ઇતિને…

કાશ! કાળને રીવર્સ ગીયર હોત તો?

ઇતિની ખુશી માટે આજે તે ગમે તે કરવા તૈયાર હતો. ઇતિની આ અવસ્થા તેના માટે અસહ્ય હતી. ઇતિ તેના સ્વભાવ મુજબ કશું જ નહીં પૂછે, કશું નહીં બોલે, એનાથી તે કયાં અજાણ હતો? અને તે જ એના દુ:ખનું સૌથી મોટુ કારણ બની રહેવાનું હતું તે સત્ય આ પળે તેને સમજાયું હતું. ઇતિના મૌનનો આ ઓથાર કેમ જીરવાશે?

અરૂપની નજર બાજુમાં સૂતેલ ઇતિના ચહેરા પર મંડરાતી રહી. ઇતિ જાગતી હતી કે સૂતી હતી? એ સમજાય તેમ નહોતું. ઇતિ ચૂપ હતી… બસ એટલું જ સમજાયું હતું. અસહ્ય આઘાતની, વેદનાની લિપિ તેના અણુ અણુમાં કોતરાયેલી તે જોઇ શકતો હતો. પણ એનો કોઇ ઉપાય દૂર દૂર સુધી નહોતો દેખાતો..

બહાર રાત્રિનો અંધકાર ઘેરો બનતો જતો હતો. કયાંક દૂરથી શિયાળવાનો અવાજ તેને ભયંકર, બિહામણો બનાવતો હતો. તારાઓ સાવ ફિક્કા.. ચન્દ્ર તેજ વિનાનો. સૌ તેની દયા ખાતા હતા કે શું?

કાલે ભાવિના ગર્ભમાંથી કઇ અજ્ઞાત ક્ષણોનો પ્રસવ થશે?


આપનો પ્રતિભાવ આપો....

3 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧૩) – નીલમ દોશી