વેકેશન.. – શૈલેશ પંડ્યા 6


આજથી વેકેશનનું હસતું રમતું છેલ્લાં દોઢ મહિનાથી ઊછળતું-કૂદતું, ખીલતું ને આંગણને ખીલાવતું ફૂલ હવે કરમાઈ જશે. મામાનું ઘર હવે ખાલી ખાલી લાગશે.. આપણા સૌરાષ્ટ્રમાં તો વેકેશનનો મહિનો એટલે મામાનો મહિનો.. ભાગ્યેજ કો’ક ઘર એવું હશે કે જેના બાળકો વેકેશનમાં મામાને ઘરે ના ગયા હોય..

આજ હવે શાળાના બંધ કમાડ ઉઘાડવાનો દિવસ આવી પહોચ્યો છે. છેલ્લા ઘણા સમયથી નિર્જીવ અને નિશ્ચેતન પડેલી શાળાના ખૂણે ખૂણામાં સંજીવની છંટાશે. બાવા-ઝાળા, કરોળિયા, કીડીઓના રાફડા અને ચકલા-કબુતરના માળાઓ.. આજે બધું સાફ, આળસ મરડીને શાળા હવે ઉઠશે.. જેમ શેષનાગ નિંદરમાંથી જાગે એમ. બારીએથી એક જીવતો કલશોર શાળામાં પ્રવેશશે. વર્ગખંડોમાં પડેલી નિર્જીવતા ઉભી પૂંછડીએ ભાગશે. ધમાંચકરડી, ઘોંઘાટ, કલશોર અને કલબલાટ હવે ફરીથી પોતાનું રાજસિંહાસન સંભાળશે. કોણ ક્યાં જઇ આવ્યું, ક્યાં ફરી આવ્યું એનો હિસાબ મંડાશે. કાળા-પાટિયાની ત્રીસ-પાંત્રીસ દિવસની નિ:શબ્દતા અચાનક જાગી ઉઠશે. નવા નવા સુવિચારોથી ફરી કાળું પાટિયું પોતાની કાયમી ફરજ બજાવવા હાજર. પાણીની ઓરડી ફરીથી સજીવન થશે. ફૂલોના ક્યારા અને વૃક્ષોની નીરવ પોઢેલી શાંતિ હવે કલશોર નું રૂપ ધારણ કરશે. નિર્વસ્ત્ર થયેલા વૃક્ષો હવે નવા કલેવર ધારણ કરી બાળકોને આવકારશે. આજ વર્ગની હરેક પાટલી પર ગુલાબ ખીલશે. ડાળીએ ડાળીએ કલશોર મહેકી ઉઠશે. આંગણું જીવતું થઈ જશે. આજ સરસ્વતીમાંની વિણાનો મધુર નાદ સમગ્ર વાતાવરણને પાવન કરી દેશે. આ પવિત્રતામાં બાળકોનું નિર્દોષ હાસ્ય ઉમેરાશે એટલે પ્રકૃતિ સોળે શણગાર સજી નાચી ઉઠશે. હાથમાં નાનકડું બેગ ને ચહેરે સ્મિત મઢીને આવતું બાળક એટલે પ્રકૃતિના ખોલે ખીલતું ગુલાબ જ જોઈ લોને સાહેબ.. આ દ્રશ્ય ખૂબ મૂલ્યવાન છે.

ટન.. ટન… ટન.. નો ઘંટારવ આજ ગોધુલીએ ગામને પાદર આવેલા શિવાલયે થતા આરતીના ઘંટારવ જેવો ભાસે છે. ગામ આખું સજીવ થઇ આજ શાળાના પટાંગણમાં નાચવા લાગે છે. પક્ષીઓનો કલરવ એનું માધુર્ય વધારે છે. પછી આ બધા મનભાવન ફૂલો એક લાઈનમાં ગોઠવાઈ જશે. ફૂલોની મહેકને કોઈ જાદુગરની જેમ એક પડીકામાં બાંધી દેવામાં આવશે. પુસ્તકોના વજનથી ફૂલને કચડી નાખવાનું સત્ર ચાલુ થશે.

બાળકોની ખીલવાની આઝાદી છીનવી લેવામાં આવશે. ધીમે ધીમે શરુ થશે બાળકને શિક્ષિત કરવાની હોડ. બાળકોને શિસ્તની ફોટા-ફ્રેમમાં જડીને સુંદર મજાની ફુલદાનીઓ બનાવવામાં આવશે. અને પ્રવેશોત્સવમાં આવેલા અધિકારીઓની સામે રજુ કરવામાં આવશે. બગીચાના સુંદર ફૂલોને ઘરના કુંડામાં સજાવવામાં આવશે. ભરપુર ભરપુર જે જીવાતું એ હવે શિસ્તમાં જીવાશે.

મન મૂકીને હસતું કૂદતું પતંગિયું હવે નક્કી કરેલા ફૂલ પર જ બેસી શકશે. અને નક્કી કરેલા સમય માટે જ મધુરસનું આચમન કરી શકશે. અસ્ખલિત અને અવિરત વહેતું ઝરણું હવે ડાયાગ્રામ પ્રમાણે વહેશે.. નકશાની નદીની જેમ જ તો.. બધાજ ઝરણાઓને એક સીધી લીટીમાં જ વહેવાની ફરજ પાડવામાં આવશે.

બાળકની આંખના વિસ્મયનું સ્થાન હવે ડર લેશે. શિક્ષણની કાંટાળી કેડી પર એનું પ્રથમ ચરણ મંડાશે. એને પોતાનું બાળપણ હવે ત્યાગી દેવાનું રહેશે. એના બધાજ પ્રશ્નોના જવાબ હવે માત્ર પુસ્તકના પાનાં પર અંકિત જોવા મળશે. સૂડી વચ્ચે જેમ સોપારી ગોઠવાઈ જાય તેમ શિક્ષણ અને શિક્ષક વચ્ચે આવા સુંદર અને નિર્દોષ ગુલાબો ગોઠવાઈ જશે.. અને શિક્ષણની વેદી પર શૈશવનું સમર્પણ કરવામાં આવશે અને વાલીઓ હરખે હરખે એ વધાવી લેશે.

ધીમે ધીમે વર્ગખંડોમાં શરુ થશે બાળકને શિક્ષિત કરવાની હોડ… હોડ જામે છે… બાળક પડે છે.. રડે… કોઈ જોઈ શકતું નથી. બાળકની સંવેદનાઓ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. બાળકને શિક્ષિત કરવાની હોડમાં બાળકની અંદરની ચેતનાઓ વિસરાઈ જાય છે. બાળકનું સ્મિત અદ્રશ્ય છે. પ્રોજેક્ટ, હોમ-વર્ક, એસાઈમેન્ટ, આર્ટ અને ક્રાફ્ટ બાળકને કાચી ઉમરે મોટો બનાવીને જ જંપે છે.

બાળકને સમજવા કરતા બાળકને સમજાવવાની હોડ જામે છે. ઉચી ઉચી ડીગ્રી ધારક મોટીવેશનલ ગુરુઓ બાળકને દોડાવે છે. રેસના ઘોડાની જેમ.. ફૂલને કેમ ખીલવું – ક્યારે ખીલવું, પંખીને કેમ ઉડવું – ક્યાં ઉડવું, કેટલું ઉડવું, ઝરણાએ ક્યાં વહેવું – કેમ વહેવું, વાદળોએ ક્યાં વરસવું – કેટલું વરસવું એ બધી જ ટ્રેનીંગ આ નિષ્ણાતો બાળકને આપે છે. અનેકવિધ સેમિનારો યોજવામાં આવે છે. બાળકના મનમાં ઉપસ્થિત થતા પ્રશ્નોનું ગળું ઘોંટી દેવામાં આ ગુરુઓ ખૂબ નિષ્ણાંત છે. બાળકની આંખોમાં રહેલા વિસ્મયને આ લોકો ક્યારે અને કેમ લૂંટી લે છે એ ખુદ આ બાળક પણ સમજી શકતું નથી.

પછી શરુ થાય છે વાલી મિટીંગનો દોર… વાલી મિટીંગમાં શાળાની સિદ્ધિઓનો જયજયકાર કરવામાં આવે છે… રેસના ઘોડાઓ દોડતા દેખાડવામાં આવે છે. સાથે સાથે બાળકોને શિક્ષિત કરવાનું એક ચોક્કસ ભાડું પણ ઉઘરાવવામાં આવે છે. અધિકારીઓ શાળાનું મૂલ્યાંકન કરે છે ને પછી શાળાના બાળકોને ઇનામની વહેંચણી કરવામાં આવે છે.. બાળકે શું મેળવ્યું કે શું ગુમાવ્યું એ કોઈ પૂછવાવાળુ કોઈ નથી. ગોખી રાખેલી કવિતાઓનો મારો ચલાવી શિક્ષણના બાબુઓને રાજી કરી દેવામાં આવે છે. શાળાની સફળતાઓના મોટા મોટા બોર્ડસ અને હોર્ડીન્ગ્સ ચારે તરફ મુકવામાં આવે છે. પંખીની પાંખો કાપીને પછી એને કહેવામાં આવે છે કે હવે મુક્ત ગગનમાં વિહાર કરો… sky is the limit… પણ પાંખ વિનાના થયેલા આ પંખીની વેદના સમજવા કોઈ ગુરુ કે નિષ્ણાંત બાળકના મનની અંદર ક્યારેય ડોકિયું કરતા જ નથી. ન તો બાળક ઉડી શકે છે કે ન તો બાળક વિહરી શકે છે. બાળકને સ્વતંત્ર કલ્પનાઓ કરવાની તદન મનાઈ છે અહીં.. કારણ કે આ શાળા એ કડક શિસ્તમાં માને છે. પછી શિક્ષિત થયાની ડીગ્રી આપવામાં આવે છે. શિક્ષિતમાંથી દિક્ષિત કરવાની કોઈ દરકાર કરતુ જ નથી. અહી પાયાનું શિક્ષણ જ ગોખાવીને આપવાની રમત ચાલુ થાય છે જે આગળ જતા બાળકની યાદશક્તિ અને સમજણશક્તિને ઊંડા કુવામાં પધરાવીને જ જંપે છે..

અને ફરીથી પાછું આવે છે વેકેશન…..બાળકને પાછું હસતું-રમતું-કૂદતું કરવા.. ફરી ફૂલો ખીલે છે..કલ્પનાઓનું વહાણ સર્જનના શઢ લગાવીને વાયરા સામે લડવા તોયાર થઇ જાય છે..બાળક ફરી પાછું બાળક થઇ જાય છે. ઝરણાઓ મૂળ સ્વરૂપ ધારણ કરે છે.. રંગબેરંગી પતંગિયાઓ આંગણાને મેઘધનુષ્ય બનાવીને જ જંપે છે. પણ હા અહી પણ કેટલાક વાલીઓ છે કે જે છેવટ સુધી લડી લે છે..બાળકના વેકેશન પર તરાપ મારીને જ છોડે છે..હોબીક્લાસ જેવું રૂપકડું નામ આપી બાળકને dancing, singing, drawing અને martial arts જેવા કોર્સ કરાવવા રીતસર હડી કાઢે છે. બાળકનું બાળપણ અને વેકેશન છીનવી લેવા તલપાપડ બનતા આ વાલીની નાતમાં જો તમે આવતા હો તો ચેતજો.. તમે બાળકને અન્યાય કરો છો.. એની સર્જકતાને વાસ્તવમાં કુંઠિત કરો છો. વેકેશન એનો હક્ક છે. આપણે પણ વર્ષમાં એકાદ વખત થાકીએ ત્યારે આરામ ઝંખીએ છીએ. વર્ષ આખાના માનસિક પરિશ્રમ પછી મળતી શાંતિ એટલે વેકેશન… એ શાંતિને હણશો નહીં.. કવિશ્રી કૃષ્ણ દવેની એક કાવ્યપંક્તિ, મને જે ખૂબ ગમે છે એ મૂકું છું..

“આ સઘળા ફૂલોને કહી દો કે યુનીફોર્મમાં આવે
પતંગિયાને પણ કહી દો કે સાથે દફતર લાવે..
આ ઝરણાઓને સમજાવો કે સીધી લીટી દોરે
કોયલને પણ કહી દો કે ના ટહુકે ભરબપ્પોરે ….”

કેટલી સાહજિક રીતે કહેવાયેલી આ વાત આજની આ શિક્ષણ પ્રણાલીને સંપૂર્ણ સમજાવી જાય છે.

તો આવો આજ આ વેકેશનના પ્રથમ દિવસે આપણે પણ સંકલ્પ કરીએ કે બાળકને બે ચાર ચોપડી ભણાવીને એને આપણા જેવા ના બનાવીએ..પણ એની અંદર રહેલી માનવતાને જગાડીએ, સર્જકતાને નિખારીએ.. વેકેશનનું મૂલ્ય સમજીએ અને બાળકને એના શૈશવ માણવાના અધિકારોનું ભાવપૂર્વક જતન કરીએ અને બીજા પાસે કરાવીએ…

માતૃદેવો ભવ… પિતૃદેવો ભવ… ગુરુઃદેવો ભવ… એમ બાળ દેવો ભવ.. એવું નવું સૂત્ર સાર્થક કરીએ..

– શૈલેશ પંડ્યા, જામનગર. ૯૮૯૮૦૧૬૫૨૪


આપનો પ્રતિભાવ આપો....

6 thoughts on “વેકેશન.. – શૈલેશ પંડ્યા