કાશ્મીરની સમસ્યાની ભીતરમાં – પી. કે. દાવડા 20


બ્રિટનની એટલી સરકારે હિન્દુસ્તાનને આઝાદી આપવાનો નિર્ણય લીધા પછી, એની પુર્વ તૈયારી રૂપે ઓગસ્ટ ૧૯૪૬ માં વાઈસરોય લોર્ડ વેવલના વડપણ નીચે સંપૂર્ણપણે હિન્દુસ્તનીઓનું પ્રધાનમંડળ નિમ્યું. એ પ્રધાનમંડળમાં જવાહરલાલ નહેરૂ, લીયાકાતઅલીખાન, વલ્લભભાઈ પટેલ, આઈ. આઈ. ચુંદરીગર, ડો. રાજેન્દ્ર પ્રસાદ, અબ્દુર રબ નસ્તાર, મૌલાના આઝાદ, સી. રાજગોપાલાચારી, ડો. જહોન મથાઈ, ગઝનફરઅલી ખાન, સરદાર બલદેવસિંગ, જગજીવનરામ, સી. એચ. ભાભા. અને જોગેન્દ્રનાથ મંડલ મંત્રીઓ હતા. કુલ ૧૪ પ્રધાનોમાંથી ચાર મુસ્લીમ હતા.

૨૧ મી ફેબ્રુઆરી ૧૯૪૭ ના લોર્ડ વેવલની જગ્યાએ લોર્ડ માઉન્ટબેટને ગવર્નર જનરલ અને વાઈસરોયનો હોદ્દો સંભાળ્યો.

આઝાદીના એક બે વર્ષ અગાઉ પણ ગાંધીજી, નહેરૂ કે બીજા કોઈ ટોચના નેતાઓએ આ રજવાડાઓનું શું કરવું એનો ગંભીરતાથી વિચાર કર્યો ન હતો. સામાન્ય ચર્ચામાં રજવાડાઓએ પણ પ્રજાતંત્ર સ્થાપવું જોઈએ, એવી વાતો થતી. આઝાદીની વાત અંકે થઈ ગઈ ત્યારે અંગ્રેજોએ કહ્યું, અમે રજવાડાઓને ત્રણ પર્યાય આપ્યા છે, (૧) સંપુર્ણ સ્વાયત્તતા (૨) અંગ્રેજો સાથે જેવી સંધી છે એવી સંધી હિન્દુસ્તાન અથવા પાકીસ્તાન સાથે કરે (૩) હિન્દુસ્તાન અથવા પાકિસ્તાનમાં સંપૂર્ણ રીતે વિલય.
હિન્દુસ્તાન અને પાકીસ્તાનની સીમાઓ નક્કી કરવા સિરીલ રેડક્લીફની આગેવાનીમાં ૮મી જુલાઈ, ૧૯૪૭ ના એક કમીશન નીમવામાં આવ્યું. કમીશને સરકાર પાસે તે સમયે જે આંકડા હતા, એના ઉપરથી મુસ્લીમ બહુમતિવાળ જીલ્લા, જે એક બીજાને અડીને હોય, અને બીજી કેટલીક ભોગોલિક વાતો ધ્યાનમાં રાખીને, સીમાઓ નક્કી કરવાની હતી. ખૂબ જ ઓછો સમય હોવાથી, કમીશને એનાથી શક્ય હતું એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ પાકીસ્તાનની સીમાઓ આંકી. ખરેખર તો ૧૪ મી ઓગસ્ટે પાકીસ્તાને સ્વતંત્રતા જાહેર કરી અને ૧૫ મી ઓગસ્ટે ભારતે સ્વતંત્રતા જાહેર કરી, ત્યાં સુધી કમીશનનું કામ માંડ માંડ પુરૂં થયું. ૧૬ મી ઓગસ્ટે કમીશને નક્કી કરેલી સીમાઓની જાહેરાત લોર્ડ માઉન્ટબેટને કરી. આ જાહેરાતથી બન્ને પક્ષને અસંતોષ થયો હતો.

આઝાદી મળ્યાને થોડા વરસ પહેલાથી કાશ્મીરના નેતા શેખ અબ્દુલ્લા અને જ્વાહરલાલ નહેરૂ વચ્ચે સારી મિત્રતા અને વિચારોનું સામ્ય હતું. નહેરૂને મહારાજા હરિસિંઘ પ્રત્યે અણગમો હતો, કારણ કે એમણે શેખ અબ્દુલ્લાને કેદ કરેલા. નહેરૂને કાશ્મીર પ્રત્યે લગાવ પણ ખૂબ હતો. સામાન્ય નિયમ પ્રમાણે જોઈએ તો શ્રીનગર સહિત કાશ્મીર ખીણનો વિસ્તાર મુસ્લીમ બહુમતિવાળો હોવાથી પાકિસ્તાનનો એના ઉપર હક્ક સિધ્ધ થાય એમ હતું. ભારતે આ જ દલીલ જુનાગઢ માટે આગળ કરી હતી. પણ મહારાજા હરિસિંઘ તો સ્વતંત્ર રહેવા ઇચ્છતા હતા. આવા સંજોગોમાં નહેરૂએ વી. કે. કૃષ્ણમેનનની મારફત માઉન્ટબેટન ઉપર દબાણ કર્યું કે તમે જાતે જઈને મહારાજાને સમજાવો. માઉન્ટબેટનમાટે આ શક્ય ન હતું, એટલે એમણે ૨૬મી જુને ગાંધીજીને સમજાવ્યા કે તમે જાવ, અને ઘટતું કરો. ગાંધીજી ગયા તો ખરા પણ મહારાજાના મહેમાન બનવાને બદલે નેશનલ કોનફરન્સ (શેખ અબ્ધુલ્લાની પાર્ટી)ના મહેમાન બન્યા. વાટાઘાટ દરમ્યાન હરિસિંઘે કોઈપણ સ્પષ્ટ ફેસલો ન કર્યો, એટલે વાટાઘાટનું કંઈ પરિણામ ન નીકળ્યું.

દરમ્યાનમાં નહેરૂએ જોયું કે કાશ્મીરમાં દાખલ થવાના જે ત્રણ રસ્તા હતા, એ ત્રણે પાકિસ્તાનના હિસ્સામાં જાય એમ હતા. નહેરૂએ માઉન્ટ્બેટન ઉપર ખૂબ દબાણ કરી, તાવી નદીને સીમા બનાવી, ગુરદાસપુર થઇને જતો રસ્તો ભારતમાં આવે એવું કરાવી લીધું. નિયમ મુજબ આ બરાબર ન હતું. પાકીસ્તાને જ્યારે આ જાણયું ત્યારે એમણે આને ઘોર અન્યાયી નિર્ણય ગણાવેલું. કમીશને રાવી નદીને સીમા બનાવી આ શક્ય કરી બતાવ્યું હતું.

કાશ્મીર અંગે એક આશ્ચર્યની વાત એ છે કે સરદાર પટેલ અને વી. પી. મેનન બધા રજવાડા સાથે અનેક પ્રકારની વાટાઘાટો અને વિલય માટે એમના ઉપર દબાણ કરી રહ્યા હતા, ત્યારે એમણે કાશ્મીર સાથે કોઈ વાટાઘાટ કરી ન હતી. એવું માનવામાં આવે છે કે મુશ્લીમ બહુમતિવાળો સરહદી પ્રદેશ, ભારતમાં ભેળવી, ભવિષ્ય માટે ઉપાધી વહોરવાના વલ્લભભાઈ ઇચ્છુક ન હતા. વલ્લભભાઈ ધારત તો ૧૫ ઓગસ્ટ પહેલા જ હરિસિંધ ઉપર દબાણલાવી આ કામ પતાવી શક્યા હોત.
માઉન્ટબેટને જ્યારે વલ્લભભાઈને રજવાડાઓનું ખાતું સંભાળવા કહ્યું ત્યારે સરદારે કહ્યું, “મને ફળોનો આખો કરંડિયો આપો તો લઉં.”

માઉન્ટબેટને પૂછ્યું, “આખો કરંડિયો એટલે શું?”

સરદારે કહ્યું, “૫૬૫ એપલ ધરાવતું. જો એમાં બે ત્રણ પણ ઓછા હોય તો મને મંજૂર નથી.”

માઉન્ટબેટને કહ્યું, “આ વાત હું સંપુર્ણપણે સ્વીકારી શકું નહિં. હું મારાથી બનતું કરીશ. જો હું તમને ૫૬૦ એપલની ટોકરી આપું તો તમને ચાલશે?”

સરદાર સમજી ગયા, એમણે કહ્યું, “કદાચ ચાલે.”

આમાં ચારપાંચ રાજ્યો એમનું પણ ન માને એવો ઈશારો હતો, કાશ્મીર એમાંનું એક હતું.

૨૨ મી ઓકટોબર ૧૯૪૭ ના પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. હુમલામાં ૩૦૦ ટ્રક્સમાં ભરાઈને ૫૦૦૦ હજાર હથીયારબંધ કબાલીઓ અને સૈનિકો હતા. યોજના એવી હતી કે ૨૬ મી ઓકટોબર, ૧૯૪૭ ના ઈદના દિવસ સુધીમાં લડાઈ જીતી, શ્રીનગરની મુખ્ય મસ્જીદમાં ઝીણાંની હાજરીમાં ઇદ ઉજવવી. આ શક્ય પણ થાત જો શિસ્ત વગરના પાકીસ્તાની હુમલાખોરો, સર કરેલા ક્ષેત્રોમાં લુંટફાટ અને બળાત્કાર જેવા બનાવોમાં વધારે પડતા સમયનો વ્યય ન કર્યો હોત.

મહારાજા હરિસિંહને હુમલાની ગંભીરતા ૨૪ મી ઓક્ટોબરે સમજાઈ. એમણે ભારત સરકારને મદદ માટે સંદેશો મોકલ્યો. એ સમયે માઉન્ટબેટન નહેરૂને ઘરે એક સત્તાવાર ડીનરમાં હાજર હતા. નહેરૂએ એમને જાણ કરી. ૨૫ મી ઓકટોબરે સવારના ૧૧ વાગે ડીફેન્સ કમીટીની મીટીંગ બોલાવાઈ. કમીટીએ નિર્ણય લઈ, વી.પી. મેનન અને લશ્કરના અધિકારીઓને શ્રીનગર જઈ હકીકતનો અભ્યાસ કરવાનું કહ્યું. શ્રીનગર પહોંચીને, પરિસ્થિતિ જોઈ, મેનને મહારાજાને જમ્મુ ચાલ્યા જવાની સલાહ આપી, મહારાજાએ તરત પોતાની માલમત્તા લઈ, ગાડીઓનો મોટો કાફલો લઈ, જમ્મુ જતા રહ્યા. ૨૬મી ઓકટોબરની વહેલી પરોઢે મેનન શ્રીનગર એરપોર્ટ ઉપરથી દિલ્હી પહોંચ્યા.

દિલ્હી પહોંચી મેનને માઉન્ટબેટન, નેહરૂ અને વલ્લ્ભભાઈને રીપોર્ટ આપ્યો. માઉન્ટબેટન ભારતના ગવર્નર જનરલ હતા, એમણે કહ્યું, આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે કાશ્મીર જો ભારતનો હિસ્સો હોય, તો જ આપણે સૈન્ય મોકલી શકીએ. ઉપરાંત મુસ્લીમ બહુમતિવાળો પ્રદેશ છે, તો પછીથી પ્રજામત પણ લેવો જોઈએ. નહેરૂ અને સરદાર બન્ને સમ્મત થયા.

મેનન પાછા જમ્મુ ગયા અને મહારાજાની વિલયનામામાં સહી લઈ આવ્યા. સરદાર પટેલ દિલ્હી એરપોર્ટ ઉપર મેનનની વાટ જોતા હતા, અને બન્ને ત્યાંથી સીધા ડિફેન્સ સમિતીની બેઠકમાં ગયા. સમિતીએ કરારનામું અને પછીથી પ્રજામત લેવાની બાંહેધરીની નોંધ લઈ, બીજી સવારે જ, હવાઈ માર્ગે સૈન્ય મોકલવાની સમ્મતિ આપી.

આ સમયે ભારત અને પાકિસ્તાન, બન્નેની સેનાઓમાં ટોચના અધિકારીઓ અંગ્રેજ હતા, અને એ બધા જ માઉન્ટબેટનની શેહમાં હતા.

દુનિયાભરના યુધ્ધના ઇતિહાસમાં ક્યારે પણ, કોઈપણ જાતની પુર્વ યોજના કે તૈયારી વગર, હવાઈ માર્ગે સેનાને યુધ્ધના મેદાનમાં મોકલવાનો દાખલો એ સમય સુધી નોંધાયો ન હતો. રોયલ ઈન્ડિયા એર ફોર્સ અને પેસેંજર વિમાનો મળી ૧૦૦ વિમાનોનો કાફલો રાતોરાત તૈયાર કરવામાં આવ્યો. સૈનિકો અને સામગ્રીને હવાઈ પટીઓ પણ પહોંચાડવામાં આવ્યા. પાયલોટો માટે શ્રીનગરનો હવાઈ અડ્ડો અજાણ્યો હતો, છતાં બધું થઈ રહ્યું, અને વહેલી સવારે એક પછી એક વિમાનોએ ઉડાણ ભરી.
ઓપરેશન JAK (જમ્મુ એન્ડ કાશ્મીર) શરૂ થઈ ગયું. ૨૭ ઓકટોબર, ૧૯૪૭ ની વહેલી સવારે, ભારતીય સેના શ્રીનગર પહોંચી ગઈ. આવું થશે એવું તો પાકિસ્તાને સપનામાં પણ નહિં ધાર્યું હોય. ઝીણાએ ગુસ્સે થઈ, પાકિસ્તાની સેના અને હવાઈદળને સામનો કરવા હુકમ કર્યો. ગોરા અમલદારોએ એ હુકમ માનવાની ના પાડી દીધી. જો એ વખતે પાકિસ્તાનની સેના ભૂમિ માર્ગે અને હવાઈ માર્ગે પહોંચી ગઈ હોત તો ભારત માટે મોટી મુશ્કેલી ઊભી થાત. ૨૮ ઓકટોબરે એક ઉચ્ચ પાકીસ્તાની અધિકારીએ માઉન્ટબેટન સાથે વાત કરી, ઝીણાને માઉન્ટબેટનના વિચારો જણાવી દીધા.

૮મી નવેમ્બર સુધીમાં તો ભારતીય સેનાએ બારામુલ્લા સહીત ઘણા વિસ્તારમાંથી પાકિસ્તાનીઓને ખદેડી દીધા. સંપૂર્ણ કાશ્મીર ઉપર ભારતિય સેનાનો કબજો થઈ જાત, પણ કમનશીબે સેના પાસે પેટ્રોલનો પુરવઠો ખતમ થઈ ગયો, અને સપ્લાય લાઈન જળવાઈ ન શકી. આનો લાભ લઈ, પીછેહઠ કરતી પાકીસ્તાની સેનાએ મહત્વના પુલ ઉડાડી દીધા, જેથી ભારતીય સેનાની આગેકૂચ ધીમી પડી ગઈ. વળી શિયાળૉ બેસી જતાં બરફીલા રસ્તાઓએ આગેકૂચ ધીમી પાડી દીધી, પણ લડાઈ ચાલુ રહી.
૧૯૪૮ ના મે મહિનામાં પાકિસ્તાનનું લશ્કર ખુલ્લે ખુલ્લું લડાઈમાં જોડાઈ ગયું. દરમ્યાનમાં માઉન્ટબેટનની દરમ્યાનગિરીથી બન્ને દેશો વચ્ચે વાતચીત થતી રહી. માઉન્ટબેટનની સલાહથી, નહેરૂ આ ઝગડાને યુનોમાં લઈ ગયા, જો કે વલ્લભભાઈએ આનો વિરોધ કરેલો. ૧૩ મી ઓગસ્ટ ૧૯૪૮ ના યુનોએ યુધ્ધવિરામ કરાવ્યો અને એની શરતોને ૫મી જાન્યુઆરી ૧૯૪૯ ઠરાવ દ્વારા મહોર લગાવી. તે સમયે આસરે બેતૃતિયાંસ કાશ્મીર ભારતના કબ્જામાં આવી ગયેલું. યુધ્ધવિરામ રેખા નક્કી કરવામાં આવી જે પાછળથી અંકુશરેખા બની, જે વત્તેઓછે અંશે આજસુધી સાબૂત રહી છે.

એ સમયે વલ્લભભાઈએ ગુજરાતના એક નેતા સાથે વાત કરતાં કહેલું, “જવાહર ઉનો ઉનો કરે છે, પણ ટાઢો થઈ જશે.” એમની આ વાત કેટલી સાચી પડી?

આ કાશ્મીરની પહેલી લડાઈમાં ભારતના ૧૫૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા અને ૩૫૦૦ સૈનિકો ઘવાયા હતા, જ્યારે પાકીસ્તાનના ૬૦૦૦ સૈનિકો મૃત્યુ પામ્યા અને ૧૪૦૦૦ સૈનિકો ઘવાયા હતા.

– પી. કે. દાવડા


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “કાશ્મીરની સમસ્યાની ભીતરમાં – પી. કે. દાવડા

 • Vinod Patel

  ભારત આઝાદ થયું ત્યારથી કાશ્મીર નો પ્રશ્ન ભારત માટે એક માથાનો દુખાવો રહ્યો છે . પ્રશ્નને બિન જરૂરી રીતે યુ.નો. માં લઇ જઈને નહેરુએ જે ભૂલ કરી હતી એના લીધે કાશ્મીરનું કોકડું વધુ ગૂંચવાયું હતું.સારું થયું કે વલ્લભભાઈ પટેલે દુરન્દેશી વાપરી ઝડપી પગલાં લેવાથી ૨/૩ કાશ્મીર પાકિસ્તાનના કબજામાં જતું બચી ગયું .

  કાશ્મીરના આ પ્રશ્ન અંગે અધ્યયન કરી દાવડાજીએ વાચકોને સારી માહિતી પૂરી પાડી છે એ માટે એમણે ધન્યવાદ ઘટે છે.

 • ભરત પંડ્યા

  ભઐ તે દિવસોનેી વાત તો જવાદો આજે પન જન્મત લૈએ તો કોન જેીતે તે નક્કે જકહેવાય તેમ નથેી.તે દરે જ તે પગલુ લેવામા આવ્તુ નથેી.

 • ભરત પંડ્યા

  આ પરથી એમ લાગે કે ભારતનોકાશ્મીર પરનો દ્દાવો માનીયે છીયે એટલો સબળ નથી. યુનો પાસે તે સવાલ લઇ જવો કેટલો વ્યાજબી હતો તે હવે વિચારવું યોગ્ય નથી, વ્યર્થ ચ્હે., જે થવાનું હતું તે થઇ ગયું ,તેનો સ્વિકાર જ કરવો રહ્યો.કર્યા શિવાય છુટકો નથી.હવે જે તે વખતે યુનો એ યુદ્ધવિરામ ની મુક્કેલી શરતો અને યુદ્ધવિરામ રેખાનો આજે પણ અમલ કરવો જ રહ્યો.વિલય નામાની શરતો નો દાવડાભાઈ ઝાઝો ઉલ્લેખ નથી કર્યો પણ ૩૭૦ પણ તે શરતો નો ભાગ છે. જેને ભારત સરકારે માન્યતા આપી છે માટે તેને નાબુદ કરવી અઘરી અને કરીયે તો આખુ વિલયનામુ રદ થઇ જાય. આમ તે કરવું હિતાવહ નથેી .સરદારનું મંતવ્ય નહેરુથી જુદું હતું તે વાત જગજાહેર છે પરંતુ કમનસીબે તેમનાં મંતવ્ય અધિકૃત રીતે માન્ય રાખવામાં આવ્યા ન હતા. ઇતિહાસ મા આમ કર્યું હોત તો આમ થાત એવું ચાલે નહિ.જે થયું તે થયું.સમયને પાછો ધકેલી શકાતો નથી.ઇન્દિરાજી એ કાશ્મીરની સમસ્યાનો સામનો સમજી ને કર્યો હતો અમુલ લોકપ્રિય પગલા તેમણે સમજી વિચારીને લીધા નોતા.ક્યારેક લાગે કે ભારતની પ્રજાને ચુંટણી જીતવા ન પુરા થાય તેવા વચન આપી દેવામાં આવ્યા છે.દાવડા ભાઈ નાં લેખ થી અમુક વાતો સ્પષ્ટ થઇ છે.

 • S.H.MUDIYAWALA

  લેખ એકંદરે માહિતી સભર હોવા છતાં “જો” અને તો” વચ્ચે ખૂબ મોટો ફરક હોય છે. લેખ સત્ય હકીકત ની નજીક હોયતો પણ જે તે સમયે રજુ થયેલ વિકલ્પ નો કોઇપણ જાતનો અમલ થાય તે પહેલાં જ પાકિસ્તાન દ્વારા જંગ શરૂ કરાયું માટે આવા સંજોગોમાં કમ સે કમ ” જંગ મા જીતેલા ” કાશ્મીર ના ભાગ પૂરતો કોઇપણ વિવાદ પાકિસ્તાન દ્વારા કરાય તે ન્યાયપૂર્વક નથી જ એવુ સ્પષ્ટ જણાઇ આવેછે.

  • S.H.MUDIYAWALA

   “૨૨ મી ઓકટોબર ૧૯૪૭ ના પાકિસ્તાને કાશ્મીર ઉપર આક્રમણ કર્યું. હુમલામાં ૩૦૦ ટ્રક્સમાં ભરાઈને ૫૦૦૦ હજાર હથીયારબંધ કબાલીઓ અને સૈનિકો હતા. યોજના એવી હતી કે ૨૬ મી ઓકટોબર, ૧૯૪૭ ના ઈદના દિવસ સુધીમાં લડાઈ જીતી, શ્રીનગરની મુખ્ય મસ્જીદમાં ઝીણાંની હાજરીમાં ઇદ ઉજવવી. આ શક્ય પણ થાત જો શિસ્ત વગરના પાકીસ્તાની હુમલાખોરો, સર કરેલા ક્ષેત્રોમાં લુંટફાટ અને બળાત્કાર જેવા બનાવોમાં વધારે પડતા સમયનો વ્યય ન કર્યો હોત.”

   આ લેખ માં ઉપર જણાવેલ પેરાગ્રાફ ને આધારે જ કમેન્ટ કરેલી છે

 • Pravin Shastri

  ખુબ સરસ માહિતી સભર લેખ. દાવડાજીના દરેક લેખ પાછળ એમની રિસર્ચ જહેમત જણાઈ આવે છે.

 • shirish dave

  ધર્મને આધારે દેશના ભાગલા પડ્યા હોય તેવો કોઈ દસ્તાવેજમાં ઉલ્લેખ નથી. પ્રદેશના સ્થાનિક લોકોની ઈચ્છા પ્રમાણે ભાગલા પાડવાના હતા. બલુચીસ્તાન અને પખ્તુનીસ્તાનના લોકોને ભારત સાથે રહેવું હતું પણ તેમને કેમ સમાવાયા નહીં તેનું સમાધાન થતું નથી. જો કે એવા ઉલ્લેખો મળે છે કે નહેરુએ તે વિસ્તારો ભારત સાથે સરહદથી જોડાયા ન હતા તેથી સાથે લેવાની ના પાડેલી. પણ જો આવું હોય તો પૂર્વ પાકિસ્તાન કેવી રીતે બની શકે તેનો ઉત્તર મળતો નથી.
  જો દેશના ભાગલા ધર્મના આધારે પડ્યા હોય તો ૧૯૪૬માં ચૂંટણીઓ કરાવવાની જરુર જ નહતી. ૧૯૪૧ ની જનગણનાના આધારે જ દેશના ભાગલા પાડી દેવામાં આવ્યા હોત.
  કશ્મિર એક રજવાડું ન હતું. જમ્મુ અને કાશ્મિર એ રીતે એક રજવાડુ હતું. જમ્મુ, કાશ્મિર અને લડાખ અને સીયાચીનનો સમાવેશ થતો હતો. જો જનાધાર લેવામાં આવ્યો હોત તો પણ કાશ્મિર ભારત સાથે જ જોડાવાનું પસંદ કરત.

 • Chiman Patel

  મારી જેમ આ હકિકતોથી વંચિત હશે એ આજે જાણશે. આ લેખ લખી આપે ઘણાને આ વિષયમાં જાણકારી કર્યા. રાજકીય રમતો નો અંત કદી આવશે?

 • Harnish Jani

  આપે આ લેખ માટે કયા લેખો કે પુસ્તકોને આધાર તરીકે વાપર્યા છે. કાશ્મીરમાં ભારતીય લશ્કર ઉતારવામાં સરદાર આગળ હતા. આજ સુધીમાં જુદા જુદા મત મતાંતરોવાળા અસંખ્ય લેખો લખાયા છે તેમાં આ પણ જોડાશે. આપના પ્રયત્નને સલામ

 • સુભાષ પટેલ

  એટલી સરકારે હિંદુસ્તાનને આઝાદી આપવાનું નક્કી કર્યા પછી ઓગષ્ટ ૧૯૪૬માં હિંદુસ્તાની પ્રધાનમંડળ નિમાયું પણ ભાગલા પાડવાનું કોણે અને કેવી રીતે કર્યું એ તો આ લેખથી ખબર જ ન પડી. પરમ પૂજ્ય ગાંધીજી ભાગલાની વિરૂદ્ધ હતા એવું ક્યાંક વાંચ્યું હતું. સાચું ખોટું રામ જાણે.

 • Nikhil Vekariya

  માહિતિ સભર લેખ ….
  ઘની બધી બાબતો આજે જાણવા મળી જેવીકે, અંગ્રેજોની અને આપણા નેતાઓની ભુમિકા, અંકુશ રેખા કઇ રિતે અસ્તિત્વમા આવી વગેરે.

  આભાર દાવડાભાઈ ….

 • gopalkhetani

  મરવું કા મારવું.. આ બે વિકલ્પમાંજ નિર્ણય મળે.. બાકી બધે તમને “કશ્મીર” જ મળે. આભાર દાવડાજી. આ પ્રકારના લેખ આપવા બદલ જે.એ.ભાઈનો પણ આભાર.