આજ દિવાળી, કાલ દિવાળી – ગોપાલ ખેતાણી 20


“દિવાળી” – આ શબ્દ કાને પડતાં જ રંગબેરંગી આભાનું મનોવિશ્વ દરેકના મનમાં આકાર પામે છે. એ કલ્પના આબાલ-વૃદ્ધ, ગરીબ-તવંગર વચ્ચેના ભેદભાવ નથી જોતી.

અત્યારે દિવાળી એટલે ઓનલાઈન બજારોના સેલની જાહેરાતોથી ધમધમતું બજાર. અત્યારે દિવાળી એટલે શોપીંગ મોલમાં જ ઉઠાવાતો આનંદ. દિવાળી એટલે રજાઓ છે તો ઘરને તાળા મારી બહાર નીકળી જવાની તક. ઘરે હોય તો મહેમાન આવશે ને?!! કોણ નાસ્તા બનાવવાની અને પરોણાગત કરવાની લપ કરે. રજા આવી છે તો બહાર ફરી લઈએ, નિરાંત તો ખરી.

ઉપર જણાવેલ “દિવાળી” બધે પ્રસરી નથી, પણ ધીમે ધીમે પગ-પેસારો કરી જ રહી છે.

વાતો નિરાશા જનક લાગે છે ? ચાલો તો થોડો આનંદ કરીએ. તમને ભુતકાળમાં ડુબકી મરાવીએ.

‘અનુપમ વસ્તુ ભંડાર’, ગુંદાવાડી, રાજકોટ. સમયકાળઃ ઇ.સ. ૧૯૯૫-૨૦૦૫

આ અમારી દુકાન, આમ તો બુક-સ્ટેશનરીની, પણ પપ્પા જોડે ફટાકડા વેચવાનું કાયમી લાઈસન્સ હોઈ દિવાળી પર ફટાકડાં વેચતા. દુકાન મેઈન બજારથી થોડી દૂર. મારા પપ્પાને આજુબાજુમાં રહેતા છોકરાઓ “અનુપમ”ના નામેથી ઓળખે, તેમને એમ કે “અનુપમ વસ્તુ ભંડાર” તેમના નામ પરથી હશે. આ છોકરાઓની ઉંમર અત્યારે ૩૦-૩૫ વર્ષ હશે. દસમથી દુકાન પર ફટાકડાં ગોઠવાઈ જાય અને હું પણ હોંશથી દુકાન પર જાઉ ફટાકડા વેચવા. (લોહાણાના લોહીમાં જ વેપાર વણેલો હોય એટલે નવાઈ નહીં!) આજુબાજુ રહેણાક વિસ્તાર એટલે નાના ટાબરીયાઓ વારંવાર દુકાન પાસેથી નીકળે અને ફટાકડાંના રંગીન પોસ્ટરોને નિહાળી પોતાના કલ્પનાના રંગો પણ પૂરે. પપ્પા ઘણા ટાબરીયાઓને ઓળખતાં પણ હોય કારણકે બુક-સ્ટેશનરીના આ જ કાયમી અને વિશ્વાસુ ઘરાક હોય. દર બે-ત્રણ દિવસે પેન્સીલ, રબર (ચેક-રબર કે છેક રબર.. આવા શબ્દ ત્યાં જ સંભળાય) વગેરે લેવા આવે.

ફટાકડાઓના પેકેટ ખોલતા કોઈ ફુલજર પેકેટમાંથી નિકળી પડતી અથવા શંભુ (અનાર, દાડમ) કે જમીન ચક્કરની ઉપરની જરી ઉખડી જતી તો તેને મારા પપ્પા એકબાજુ મુકી દેતા.

કાળીચૌદસના દિવસે એક ટાબરીયો પાંચનો સિક્કો લઈ દુકાને દોડતો આવી એક્દમ હરખાઈને બોલ્યો “અનુપમ, પાંત ના ફતાકીયા!”. આટલું કહીને સિક્કો ટેબલ પર મુકી, ટેબલ પર જ પોતાની બે કોણીઓ ટેકવી, હથેળીને ગાલ પર રાખીને ટગર ટગર ફટાકડા સામે જોતો હતો. મારા પપ્પાએ જમીન ચક્કરના ખાલી ખોખામાં પેલી છુટી પડેલી ફુલજર, વરખ નિકડેલી જમીન ચક્કર, શંભુ ને એવું બધું નાખી લગભગ પંદર રુપીયાના(ઘટના ૨૦૦૦ની સાલ) ફટાકડાં આપી દિધા. પેલો ટાબરીયો તો જે હરખાય.. જે હરખાઈ! પપ્પા મારી આંખોમાં સવાલ વાંચી ગયા. તેઓ બોલ્યા, “તેના પપ્પા બાજુના સાબુના કારખાનામાં મજૂર છે, આ ટાબરીયાને ય દિવાળી તો ઉજવવી હોય ને! અને હા પૈસા એટલે લીધા કે તેના અણસમજુ મનમાં એવો ભાવ રહે કે વસ્તુ મફત મળતી નથી!”.

કોઈ ભિખારણ નાના બચ્ચા સાથે માગવા આવે તો તેને પણ પપ્પા કોઈક એક ફટાકડાની વસ્તુ પકડાવે. એ બચ્ચાના મોં પર રેલાતું સ્મિત અને ભિખારણ માનુ મુખ પણ જોવા જેવુ હોય. અહીયા મારા પપ્પાની દાનવૃત્તિ કે ભીખ આપવાની વૃત્તિને ઉત્તેજન આપવાની વાત નથી પણ તમે થોડું તો બીજા માટે કરી શકો જેથી એ લોકો પણ તહેવાર ઉજવી શકે એ ભાવનાની વાત છે.

અત્યારે તમે સો રુપીયાની નોટ લઈને ફટાક્ડાની દુકાને જાવ અને કહો કે ફટાકડા આપો તો વેપારી તમને હસી કાઢે. પણ ત્યારે એવુ નહોતુ. વીસ રુપીયા કે ત્રીસ રુપીયામાં પણ છુટ્ટા ફટાકડા અમે વેચતા. મુળ ઉદ્દેશ્ય વેપાર કરતા કરતા આનંદ કમાવવાનો હતો. અને ત્યારે અમે એક જ નહી, બધાં વેપારીઓ તેવુ વિચારતાં.

તહેવાર ઉજવતી વખતે પૈસાની ચિંતા ના રહેતી કારણકે પોતાના બજેટમાં દિવાળી કેમ ઉજવવી એ આવડતું અને બજેટ પ્રમાણે તમારી દિવાળી વ્યવસ્થીત ઉજવાતી પણ ખરી.

બજાર અને રહેણાંક વિસ્તારનો નજારો આજથી પંદર વર્ષ પહેલાં કેવો હતો?

જૂના કપડાંના બદલાંમા વાસણ વેચતી સ્ત્રીઓ જોવા મળતી. આપણા ઘરની સ્ત્રીઓ હોંશે હોંશે એ વાસણો “એક્ષચેન્જ ઓફર”માં લેતી અને પાડોશીઓ જોડે “ગ્રૂપ ડિસ્કશન” થતું.

પાથરણાં પાથરીને બેસતા અને રેકડીઓવાળા પાસેથી રંગોળી માટેના રંગો અને ચૉક ખરીદાતા. સાથે સાથે માટીના દિવડાઓ પણ લેવામાં આવતાં. ઇલેક્ટ્રીક લાઈટની રોશની જોવા તો લોકો બજારમાં જતાં. લારીઓ અને દુકાનોમાંથી કપડા, જુતા અને ચપ્પલ ખરીદાતા. સ્ત્રીઓ પોતાના ઘરેથી જરુરી સામગ્રી લઈ બેકરીએ જઈને નાન-ખટાઈ બનાવડાવતી. અને સમયનાં હોય તો નાન-ખટાઈ ત્યાંથી જ ખરીદાતી.

ઘર માટે તોરણ લેવાતાં, કપ-રકાબી લેવાતાં. સુશોભનનો સામાન વેચવા નીકળતી લારીઓ પાસે પણ સ્ત્રીઓની ભીડ ઉભરાતી. ચાદર અને ગાલિચા વેંચતા ફેરીયાઓની બુમો શેરીઓ ગજવતી.

રેકડીઓમાં ઈનામ લઈને નીકળતાં બુઢ્ઢા ચાચા મને હજુયે યાદ છે. પચાસ પૈસા આપીને તમારે રેકડીમાંથી એક કલરવાળી ગડી કરેલી ચિઠ્ઠી ઉપાડવાની.. એ ખોલીને તેમાં જે લખેલુ હોય તે “ઈનામ” તમારુ. ઇનામમાં લવીંગીયા ટેટા મળે, બપોરીયાની બાકસ મળે, જમીન ચક્કર મળે… આવુ ઘણુ બધું અચરજ એ ઇનામમાં હોય.

દિવાળીના દિવસે આસોપાલવના તોરણ વેચતા ફેરીયાઓ પાસે લાઈન લાગતી. નવા વર્ષની વહેલી સવારે સબરસ (મીઠું) વેચતા ફેરીયાઓની રાહ જોતી સ્ત્રીઓ ત્યારે જ સાલમુબારકનાં અભિનંદન આપી એક બીજાના ઘરે આવવાનું આમંત્રણ આપતી.

સવારે બાલુડાઓ નિત્ય કર્મ પતાવી વડીલોને પગે લાગી “આશીર્વાદ” (લક્ષ્મીજીનાં પણ) મેળવી રાજી થતાં. પરિવારના સભ્યો મંદીરોમાં દેવદર્શન માટે જતાં. આવતા જતા બધા નવા વર્ષની શુભેચ્છા આપતાં હરખાઈ ઉઠતાં. મંદિરોની આસપાસ યાચકોને યથાશક્તી દાન-દક્ષીણા અપાતાં. પક્ષીઓને ચણ નખાતું.

ઉપર જે દિવાળી-દર્શન કરાવ્યું છે તેમાં તમે ઝીણવટ ભરી નજરે જોશો તો કેટલાયે ગરીબોના કોડીયાંમાં આપણે તેલ પુરવાં નિમિત્ત થતાં. કોડીયા વેચતાં ડોશીમાંથી લઈને સબરસ વેંચતાં ફેરીયા સુધી બધાની દિવાળી હોંશે ઉજવાઈ જતી.

પણ આજે મોલ અને ઓનલાઈન ખરીદીના ચક્કરમાં આપણે જ આપણા બાંધવોને તહેવારની ઉજવણીથી વંચીત નથી રાખતાં?!

પહેલાં લારી કે ફેરીયાઓ પાસેથી વસ્તુ ખરીદવામાં છોછ નહોતો. હવે આ નજર કેમ બદલાઈ ગઈ છે?

હા, તમે વસ્તુની ગુણવત્તાની વાતો કરશો પણ કેટલીક વસ્તુઓમાં ગુણવત્તાનો સવાલ જ નથી આવતો. (કોડીયા, તોરણ, રંગોળી વગેરે) આ વસ્તુઓનુ વેચાણ ગરીબોની જીવાદોરી છે. તમારા થકી જ એ લોકો દિવાળી ઉજવી શક્શે. તેમની દુઆઓમાં તમે છો?

યાદ રાખજો, આ બાબતમાં ડાર્વિનનો ઉત્ક્રાંતીવાદ ન લાવતા પણ એ નજરમાં રાખજો કે તમે વ્યવસ્થા અસંતુલિત કરી તો કુદરત પોતાની મેળે જ તેને સંતુલિત કરી શકે છે.

નાની બાબતોમાં ખુશીઓ શોધતાં શીખો અને ખાસ તો બીજાની ખુશીઓમાં પણ ખુશ થતાં શીખો. આ બાબત તમારાં બાળકોને પણ અત્યારથી સમજાવો. દિવાળી એ શ્રેષ્ઠ તક છે.

આ દિવાળી તમે દિલથી બધાને ધ્યાનમાં રાખીને ઉજવી હશે. નાના-મોટાં કોઈનુ દિલ ના દુભાય તેનું ધ્યાન રાખ્યું હશે.. સુરક્ષીત અને સ્વચ્છ દિવાળી ઉજવી હશે એવી અપેક્ષા.

આજ મુબારક કાલ મુબારક,
આપને નવું સાલ મુબારક.

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

20 thoughts on “આજ દિવાળી, કાલ દિવાળી – ગોપાલ ખેતાણી

 • Lata kanuga

  વાંચીએ ભૂતકાળમાં સરી ગઈ. એ વખતે નાની નાની ચીજોની તૈયારીઓ તહેવાર આવે એ પહેલાથી શરુ થતી. એ નાના નાના આનંદની મજા કંઈ ઓર જ રહેતી, જે હવે માણવા નથી મળતી. છતે પૈસે.

 • gopalkhetani

  કૌશલ, મિરા, દિવ્યેશ, નલીનજી, સરલાજી આપ સૌનો સુંદર પ્રતિભાવ બદલ દિલથી આભાર. પ્રતિભાવ જ નવું સર્જન કરવા પ્રેરે છે. અક્ષરનાદ વાંચતા રહો. જય જય ગરવી ગુજરાત.

 • Sarla Sutaria

  વાહ… ખરેખર સાચી દીવાળી એને જ કહેવાય જેમાં સૌ આનંદ કરી શકે. તમે ખૂબ સચોટ રીતે તહેવારની ઊજળી અને વરવી બાજુ ઉજાગર કરી… લેખન શૈલી પણ મજેદાર … ગમ્યું વાંચવાનું…

 • Nalin Mehta

  Sitting in the USA I dreamt of my childhood Diwali celebration in Ahmedabad of 1952 to 1960
  Well narrated.
  Congratulation for article

 • Divyesh v. Sodvadiya (DVS)

  ખૂબ સરસ… દિવાળીનાં દિવસોની યાદ… એક જૂના સમયની દિવાળી અનેે આજની સત્યતા સરસ રીતે વર્ણવી. અભિનંદન…

 • gopalkhetani

  ખુબ ખુબ આભાર બિરેન, શાલીન, રવિ, અંકિતા, ખુશ્બુ તથા પ્રશાંત. આપે આ લેખ વાંચ્યો અને સુંદર પ્રતિભાવો આપ્યા તે માટે ધન્યવાદ. અક્ષરનાદ વાંચતા રહો અને હા , સર્જનનો દિવાળી માઈક્રોફ્રિક્શન અંક (અંક ન્ં ૩) ડાઉનલોડ કર્યો કે નહીં?

 • Prashant Dave

  Excellent article. Nostalgic !!
  It drive to my childhood memories.
  You inspired me to write down my experience too.

  Keep it up and continue your creative writing.

 • GOPAL KHETANI

  સંજયભાઈ, અજયભાઈ, હિમતલાલ અને મોનાજી. ખુબ ખુબ આભાર. આશા છે આપની દિવાળી ખુશીઓથી ભરેલી રહી હશે સાલમુબારક.

  • Kaushal Joshi

   બહુ જ સરસ લખાણ લખો છો, ગોપાલભાઈ. બસ આજ રીતે તમારા શબ્દોરૂપી સંબંધને દરેકના જીવનમાં એક અલૌકિક અને અદ્વિતીય અહેસાસ કરવો એ જ અમારાસૌની શુભકામના છે. ખુબ ખુબ આભાર…..

 • himmatlal aataa

  બાજપાઈ ની દિવાળી કવિતા વાંચી અને મારા મનમાં દિવાળી ઉત્પન્ન થઇ . તમારો આભાર અક્ષરનાદ

 • સંજય ગુંદલાવકર

  વાહ.. ગોપાલભાઈ.. તમે દિવાળી-દર્શનની વરવી અને કડવી સચ્ચાઈનું ખૂબ જ સરસ આલેખન કર્યું છે. અભિનંદન.