અક્ષરનાદના વિશ્વભરમાં વસતા સર્વે વાચકમિત્રો, સતત સહકાર અને પ્રોત્સાહન આપતા વડીલ સર્જકમિત્રો તથા ઉત્સાહસભર નવોદિત સર્જકમિત્રો અને ‘સર્જન’ વોટ્સએપ ગ્રૂપ તથા સામયિકના વિશાળ અક્ષરમય પરિવારને નવા વર્ષના સાલમુબારક, આ નવું વર્ષ આપ સર્વેને તથા આપના પરિવારજનોને સફળતા, જ્ઞાન, ઐશ્વર્ય, સંતોષ, સાહસ, હિંમત, ધગશ અને ઉત્સાહ આપે એવી ઈશ્વરને પ્રાર્થના. સાહિત્ય સાથેની આપણી આ સફર સતત અને સહજ રહે એવી ઈચ્છા ઈશ્વરના શ્રીચરણોમાં અર્પણ..
મોજમાં રેવું મોજમાં રેવું મોજમાં રેવું રે,
અગમ અગોચર અલખધણીની ખોજમાં રેવું રે…
તખ્તદાન રોહડિયા ‘દાન અલગારી’ની ઉપરોક્ત રચના મારી મનપસંદ છે, જેમાં એક કડી છે.. ‘રામ કૃપા એને રોજ દીવાળી રંગના ટાણાં રે..’
ગત વર્ષે તૂટેલા પગને લીધે પથારી પર અસહજ અને સતત બંધન અવસ્થામાં વીતાવેલી દિવાળીએ મને આ પર્વની ખરી દ્રષ્ટિ આપી. મિત્રો અને સંબંધીઓને મળવાનો, ઉલ્લાસનો, ઉત્સવનો અને ઉજાણીનો માહોલ તો ખરો જ, પણ એ અકસ્માતે મને પ્રિયજનોનું અને મિત્રોનું મહત્વ પોતાની રીતે સમજાવ્યું. આપણા નજીકના, આપણા શુભેચ્છકો અને પરિવારજનોની સાથેની આ કિમતી ક્ષણો, ઉલ્લાસનો આ સમય આપણને ખરાબ સમયમાં સતત હિંમત અને શક્તિ આપે છે. આપ સર્વેને આ ઉલ્લાસ જીવનભર આમ જ મળતો રહે અને ઈશકૃપા વરસતી રહે, રામકૃપા અને રોજ દિવાળી મળે એ અભ્યર્થના..
ગત વર્ષે માઈક્રોફિક્શનના ક્ષેત્રમાં આપણી ભાષામાં અમે ૨૦૧૦થી શરૂ કરેલી યાત્રાને એક અનોખી ઉર્જા અને પ્રેરણા મળી. દ્વિતિય માઈક્રોફિક્શન સ્પર્ધા બાદ શરૂ થયેલ વોટ્સએપ ગ્રૂપ સર્જન આજે પ્રકાશન માધ્યમો સુધી પહોંચી શક્યું છે. અનેક પ્રસ્થાપિત સાહિત્યકાર મિત્રોએ તેની નોંધ લીધી છે અને માઈક્રોફિક્શનને આપણી ભાષાના એક સાહિત્ય સ્વરૂપ તરીકે પ્રસ્થાપિત કરવાનો અમારો પ્રયાસ નિશ્ચિત ગતિ સાથે આગળ વધી રહ્યો છે એ આજે ખૂબ સંતોષ અને આનંદની વાત છે. સર્જન ગ્રૂપના ઉત્સાહી અને ખંતીલા મિત્રોના સહકારનું જ આ પરિણામ છે કે આટલા ટૂંકા સમયમાં અમે આગવી છાપ ઉપસાવી શક્યા. ગ્રૂપની સૌથી મોટી મૂડી એ છે કે ઉંમરમાં ખૂબ મોટો ફરક હોવા છતાં અહીં બધા ખૂબ પરિપક્વ છે, અનેરા ઉત્સાહી છે અને સૌથી અગત્યની વાત.. સતત સર્જનરત છે. પોતાની સર્જનાત્મકતામાં સતત સુધાર કરવા અને એકબીજાના પ્રતિભાવોથી આગળ ધપવા માંગતા આ સર્વે મિત્રો અમારું પીઠબળ છે. તેમના મારા પરના આ વિશ્વાસ અને ઉત્સાહને સાદર પ્રણામ. આજના સમયમાં આર્થિક ફાયદો ન હોવા છતાં કોઈ આટલો સમય સર્જનની આવી પ્રવૃત્તિને આપી શકે એ વાત પોતે જ આશ્ચર્ય પમાડે છે. જીવનના અનેક ક્ષેત્રોમાં અનેક પ્રકારના લોકો મળે છે, પણ નામ કે ઉપાર્જનના કોઈ પણ મોહ વગરના સર્જનના આ મિત્રો ખરેખર ઈશ્વરની અમૂલ્ય ભેટ છે. ગત વર્ષે મળેલી અને એકસાથે ચાલી નીકળેલી આ ટોળી આ વર્ષે પુસ્તકાકારે અમર થાય, શોર્ટફિલ્મ સ્વરૂપમાં પ્રસ્તુત થાય કે અનેક પ્રિન્ટ માધ્યમોમાં પ્રસ્તુત થાય, પણ એ બધાથી ઉપર આ બધાય સર્જકોનો એકબીજા પ્રત્યેનો આદર અને સ્નેહ સતત વધતો રહે એ જ ઈશ્વરના શ્રીચરણોમાં પ્રાર્થના..
સર્જન સામયિકનો ત્રીજો અંક ગઈકાલે રાત્રે પ્રસ્તુત કર્યો જે અહીં ક્લિક કરીને ડાઊનલોડ કરી શકાશે., હજુ ઘણુંય સમાવવાનું હોવા છતાં સમયના અભાવે એ રહી ગયું, પણ છતાંય સ્ત્રીશક્તિને સમર્પિત પ્રકાશ, ઉલ્લાસ અને આનંદનો આ સર્જનોત્સવ ખૂબ મજેદાર બન્યો છે અને વાચકમિત્રોને ખૂબ ગમશે એવી અપેક્ષા છે.
હિન્દી અને ગુજરાતી ફિલ્મો – નાટકો – શ્રેણીઓના ખ્યાતનામ અભિનેતા મેહુલભાઈ બુચની કલમે આ અંકનો ગેસ્ટ આર્ટિકલ અંકની શોભા વધારે છે, તેમના વિચારો અને દીર્ઘદ્રષ્ટિ કાબિલેદાદ છે. તમિલ ફિલ્મોના લેખિકા-દિગ્દર્શિકા, માઈક્રોફિક્શન લેખિકા અને ડિજીટલ ગ્રાફિકનવલ રચનારા નઁદિનીજીની અનોખી, પ્રેરણાદાયક, નવોદિતો માટે ઉપયોગી અને રસપ્રદ મુલાકાત પ્રસ્તુત કરી છે તો સાથે આપણી પોતાની ભાષાના શિરમોર લેખિકા ઈલાબેન આરબ મહેતા પાસેથી વાર્તાલેખન અને નવોદિતો માટે સર્જનને લગતી અનેક મહત્વની બાબતો પ્રસ્તુત કરી છે. સર્જન લેખકોની અનેક ધારદાર અને નારીશક્તિના વિવિધ સ્વરૂપોને, નારીજાતિની વિવિધ લાગણીઓ અને વ્યથાઓને પ્રસ્તુત કરતી માઈક્રોફિક્શન વાર્તાઓ આ અંકનો પ્રાણ છે. મુખપૃષ્ઠ પર અમારા ગ્રૂપની પોતાની સર્જક મીરા જોશીનો ફોટો તો દ્વિતિય મુખપૃષ્ઠ પર અમારા વડીલ સર્જક મિનાક્ષીબેનના પૌત્રી રાશી ગાંધી અમારા દરેક પ્રકારની સજ્જતાના આગવા પ્રતીક છે. આ બે બહેનોએ અમારા અંકની શોભાને નાવીન્ય અને પોતીકાપણું બક્ષ્યું છે. એકોહમ બહુસ્યામનું અમારું સર્જનસૂત્ર અહીં દરેક પાને સાર્થક થાય છે.
ખૂબ વ્યસ્ત સમય, સામાજિક બંધનો અને વ્યવસાય સાથેની અનેક જવાબદારીઓ મનગમતા સર્જનાત્મક કાર્યો કરતા ઘણી વખત અને મહદંશે રોકે છે, પણ એમાંથી જેટલો સમય મળે એટલો સાહિત્યના ખોળે, સદવિચાર, સદવાંચન અને નૂતન લેખનના કાર્યોમાં જ રહે એવી ઈશ્વરને આ વર્ષે નતમસ્તક પ્રાર્થના. જીવનમાં અણગમતી પ્રવૃત્તિઓ કરવાનો જેટલો કંટાળો છે એટલો જ આનંદ એ પ્રવૃત્તિઓમાંથી મનગમતું કરવાનો સમય ચોરી લેવાનો પણ છે જ.
ફરી એક વાર સર્વે વાચકમિત્રો, સર્જકમિત્રો, સહયોગીઓ, પ્રકાશકો અને વડીલોનો આભાર, સર્વેને નૂતનવર્ષાભિનંદન..
– જીજ્ઞેશ અધ્યારૂ, સંપાદક
JA sir, aje aa article read kari saki.. thank you for giving me a opportunity to do something for “Sarjan”.
Second Last line is truely right..! Sarjan group j evu che ke ketli pn difficulty vacche lakhvu game j che..!
સરસ અંક …
સૌ લેખક /લેખિકા one અભિનંદન
જીગ્નેશભાઈ, આપની મહેનતને ખરેખર દિલથી સલામ. આપને, અક્ષરનાદ અને સર્જન ટોળકીના તમામ સભ્યો ને સાલ-મુબારક.
આ૫નો આભાર. અભ
જીગ્નેશભાઈ અને સર્વે સંકળાયેલા લેખક, વાચક અને સ્નેહીઓને અભિનંદન 🙂
વહાલા જીજ્ઞેશભાઈ,
આપને તથા ‘અક્ષરનાદ’ પરીવારને નુતન વર્ષની દીલી શુભેચ્છાઓ…
..ગોવીન્દ અને મણી મારુ..
ખૂબ સુંદર અંક ।
સાહેબ,કીપ ઇટ અપ ॥
ખરેખર ખૂબ સરસ કામગીરી થઈ રહી છે.કરતા રહો.
નવા વરસના સાલમુબારક.. અક્ષરનાદની શબ્દસેવાને શત શત પ્રણામ.. સર્જનના તમામ સર્જકોને સલામ.