મેરે દો અનમોલ રતન : ‘ભાખરી ને થેપલા..’ – ગોપાલ ખેતાણી 29


“મળી જાય સવારે જો થેપલા કાં ભાખરી, સમજો પામી ગયા તમોને ‘શ્રીહરિ’ !”

અતિશયોક્તિ અલંકાર વાપર્યો છે પણ ઘણુ કરીને કાઠિયાવાડમા તો આ સમાન્ય જ પણ આવશ્યક બાબત છે. અહા! સવાર સવારમાં તાવડીએથી ગરમાગરમ ભાખરી ઉતરતી હોય ને ચમચી કે તાવેથાથી ભાત પાડી ભાખરી પર મઘમઘતુ ઘી રેડવામા આવે ને પછી અથાણા, ગોળ, દૂધ કે ચા સાથે જે રંગત જામે! ભાઈ ભાઈ!!

૨-૩ ભાખરી પેટમા પધરાવીને ખેડૂત, મજૂર, વેપારી, નોકરીયાત, વિદ્યાર્થી સવારે રોજીંદા કામે નિકળે પછી બપોર સુધી પેટ સામે ન જોવુ પડે એવો ‘ધરવ’ થઈ ગયો હોય.

ભાખરીનું કામ-કાજ બટેટા જેવુ છે. જેમ બટેટું બધા શાક જોડે ભળી જાય તેમ ભાખરી પણ બધા જોડે ભળી જાય. ભાખરી-શાક, ભાખરી ને છુંદો, ભાખરી ને ખાટુ અથાણું, ભાખરી ને ચા – દૂધ અને હા, મારું ભાવતુ ભોજન, એટલે ભાખરી ને કેરીનો રસ. મારા મોઢામાં તો લખતા-લખતા યે પાણી આવવા માંડ્યુ.

હવે વાત થેપલાની. દરેક સફરમા હમસફર એવા થેપલા.

ઘઉંના, મેથીના, બાજરાના, ઘઉં-બાજરાના.. અહાહા! નાગ-પાંચમ, રાંધણ છઠ, ટાઢી સાતમના દિવસે તો થેપલાનો મહિમા અનેરો જ હોય છે. અહીં યક્ષપ્રશ્ન એ છે કે થેપલા ગરમા ગરમ વધારે ભાવે કે બીજા દિવસે ઠંડા વધારે ભાવે?

થેપલા અને સૂકીભાજીનો પ્રેમ અતૂટ છે તેમ છતા થેપલાયે દરેક અથાણા, આથેલા મરચા અને ચા સંગ અનેરો સ્વાદ આપે છે. હવે તો થેપલા બજારમા પેકીંગમા મળવા લાગ્યા છે આથેલા મરચાને સંગ. ગુજરાતીઓ સફરમા નીકળ્યા હોય અને તેમની જોડે થેપલા ન હોય એવુ જવલ્લેજ બને. હું કોન્વેન્ટમા ભણતો ત્યારે મારી મમ્મી મને નાસ્તા-બોક્સમા ભાખરી અને છુંદો આપતી. રિસેસ પડે અને મિત્રો ભેગા થઇ સાથે નાસ્તો કરવા બેસીએ. મારા જેવા ભાખરીયા બોક્સ ઓછા જોવા મળતા કોન્વેન્ટ કલ્ચરને લીધે, પણ મિત્રોને ભાખરી-છુંદામા અનેરો રસ પડતો ને મનેય થોડી વેજ સેન્ડવીચ, બ્રેડ જામ અને એવુ બધુ ચાખવા મળતું પણ મનમા તો એક જ ગીત ગૂંજતું..

“ભાખરીની જોડ સખી
નહીં જડે રે લોલ..”

સ્કૂલથી લઈને કૉલેજ સુધી મમ્મીએ ભાખરી બનાવી જ આપી છે. પપ્પાને દુકાન હોય, સવારમા ભાખરીનો ગરમ નાસ્તો કર્યો હોય તો પછી જમવા તેઓ ૨ વાગ્યે આવતા. હું દિવાળી પર ફટાકડા વેંચવા દુકાને જતો. કાળી-ચૌદશ અને દિવાળી, આ બે દિવસ તો અમે ભાખરી “દબાવી” ને નીકળ્યા હોઈએ તો જમવા રાત્રે જ ઘરે આવતા. (હા, સમય મળ્યે દુકાને થોડો નાસ્તો કરી લેતા… ભુખ્યા પેટે એમ ભજન થોડા થાય?)

હાલ, નોકરી કરુ છુ ત્યારે ભાખરી પ્રેમને મારી અર્ધાંગીની જાણે છે, સમજે છે અને તે જ એ “પ્રેમ” ને સવાર સવારમા પીરસે પણ છે. થેપલા એ અત્યાર સુધી મને ઘણો સાથ આપ્યો છે. હું ડિપ્લોમા કરતો ત્યારે જ્યારે પણ ઘરેથી આવતા ત્યારે બધા મિત્રો ઘરેથી થેપલા લઇ આવતા. અમે ૨ દિવસ તો બધાના ઘરના થેપલાને ન્યાય આપી ને જ “ગાડું” ચલાવતા. થેપલા પૂરા થાય પછી જ ટિફીન કે મેસ પર જવાનુ શરુ થતુ. આમ અમે ગામે ગામના થેપલા ચાખેલા અને માણેલા.

મને એવુ લાગે છે કે આ “બર્ગર”, “પીત્ઝા” અને “સેન્ડવિચ્યા” લોકો “ભાખરી-થેપલા” તરફ વળે તો કેટલાયે રોગો તેમના શરીરમા ન પ્રવેશે! આશા છે ટુંક સમયમા પતંજલી ભાખરી અને થેપલા બજારમા મળતા થઈ જશે. ત્યાં સુધી તમેય ભાખરી-થેપલાનો આનંદ ઉઠાવો. અને હા, આવતા ઉનાળે એક વાર ભાખરી-રસ નો આનંદ ઉઠાવી જોશો અને મને યાદ કરજો.

– ગોપાલ ખેતાણી


આપનો પ્રતિભાવ આપો....

29 thoughts on “મેરે દો અનમોલ રતન : ‘ભાખરી ને થેપલા..’ – ગોપાલ ખેતાણી