દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૫) – નીલમ દોશી 8


પ્રકરણ ૫ વિદાય લેતું વરસ..

“હું આંખ મીંચુ ત્યાં સ્મરણોનું ભરતકામ
અંધારનું એક પોત, ને ઘટનાઓના બુટ્ટા.”

Dost Mane Maaf Karish ne

ઇતિ અને અનિકેત હવે આઠમા ધોરણમાં આવ્યા હતા. ઇતિને ભારતનાટયમ્ શીખવાની ખૂબ હોંશ હતી. પરંતુ એક તો ડાન્સીંગ કલાસ તેના ઘરથી ખાસ્સા દૂર… અને ઇતિનો સમય સાંજનો. તેથી તેને એકલી કેમ મોકલવી? તેને તેડવા મૂકવા જઇ શકે તેવું ઘરમાં કોઇ હતું નહીં. પરંતુ રામના હનુમાનની જેમ અનિકેત હાજર હતો જ ને? ઇતિને તેડવા મૂકવાનું કામ સહજ રીતે જ તેના ભાગમાં આવ્યું.

ઇતિનો ડાંસીંગ કલાસ એક કલાક ચાલે. કલાસની બાજુમાં જ એક બગીચો હતો. કલાસ ચાલે તેટલી વાર અનિકેત બગીચાની બેંચ પર બેઠાં બેઠાં પોતાની સ્કેચબુકમાં અનેક ચિત્રો દોરે. આમ પણ અનિકેતનું ડ્રોઇંગ ખૂબ સરસ હતું. જાતજાતના સ્કેચ નાનપણથી તે બનાવ્યા કરતો. ઇતિના કાર્ટુન બનાવી તેને ચીડવવાનું તો અનિકેતનું હમેશનું મનગમતું કામ હતું. અને અહીં આમ પણ ઇતિની પ્રતીક્ષા કરવા સિવાય બીજું કશું કરવાનું નહોતું. એકલા બેસીને કંટાળો ન આવે તે માટે તે જાતજાતના ચિત્રો દોર્યા કરતો. સાંજના સુંદર વાતાવરણના અનેકરંગી ચિત્રો તેની બુકમાં આકાર લેવા લાગ્યા. કલ્પનાશીલ તો તે હતો જ. અને હવે અનાયાસે આવી મળેલ આ એક કલાકના એકાંતે તેની કલ્પનાને વેગ આપ્યો. તે આસપાસ નિરીક્ષણ કરતો રહેતો અને તેના હાથની પેંન્સીલ ફર્યા કરતી. અનેક રેખાઓ ઉપસતી રહેતી. ઇતિની પણ વિવિધ મુદ્રાઓ તેમાં ઉપસતી. સાંજને સમયે બહારથી આવીને પોતાના માળામાં લપાઇ જતાં પંખીઓ, વૃક્ષોની વિવિધ છટાઓ, કે આસમાનમાં ખીલતી અનેકરંગી સંધ્યાના રંગો કે મુક્ત રીતે વિહરતા કાળા ધોળા વાદળોના વિવિધ આકારો વગેરે તેની સ્કેચબુકમાં સ્થાન પામતાં રહેતાં.

ઇતિના કલાસ પૂરા થાય અને ઇતિ બહાર આવે ત્યારે તેનો પહેલો પ્રશ્ન એ જ હોય,
“અનિ, આજે શું દોર્યું? બતાવ તો.”
“આજે ખાસ કશું નહીં.” કહી અનિકેત બુક સંતાડવાનો ખોટો પ્રયત્ન કરે. એમ સીધી રીતે બતાવી દે તો મજા કેમ આવે? એ તો ઇતિ ગુસ્સે થાય.. પોતે થોડી રકઝક કરે, પછી ઇતિ તેના હાથમાંથી ઝૂંટવીને બુક ખોલે, સાચી ખોટી ટીકા કે વખાણ કરે.. એ તો જેવો ઇતિનો મૂડ.. અને અનિકેતને તેની બધી મહેનત વસૂલ લાગે. ઇતિ કયારેક પ્રશંસા કરે તો કયારેક કડક વિવેચકની માફક ટીકા પણ કરે.

આજે અનિકેતે ઇતિ ડાંસ કરતી હોય તેનો એક સુન્દર સ્કેચ કર્યો હતો. અને ઇતિને હમણાં બતાવવાની ઇચ્છા તેને નહોતી. તેથી ઇતિના બહાર નીકળવાનો સમય થયો ત્યારે નોટબુક થેલામાં મૂકી આંખો બંધ કરી તે ચૂપચાપ બેસી ગયો. તેને ખબર હતી બહાર આવતાની સાથે જ ઇતિ ચહેકવાની. અને આવી બધી વાતોમાં ઇતિને પટાવવી કંઇ સહેલી વાત તો નહોતી જ. ઇતિની જાસૂસ જેવી પૂછપરછમાંથી છટકવું કંઇ આસાન નહોતું જ.

“અનિ, આજે શું દોર્યું?” બહાર નીકળતાની સાથે જ ઇતિનો પહેલો સવાલ હોવાનો જ. અને પોતે ખોટું બોલે એ પકડી પાડતાં ઇતિને જરાયે વાર ન જ લાગે. ઇતિ પાસે ખોટું બોલવું કંઇ સહેલું થોડું હતું? પરંતુ આજે ઇતિ બહાર નીકળી ત્યારે કદાચ જુદા મૂડમાં હતી કે પછી કોઇ અવઢવમાં હતી. આજે બહાર આવીને તેણે અનિકેતને કશું પૂછયું નહીં..

“અનિ, ચાલ..” કહી તે સીધી ચાલવા લાગી. પાછળ બીજી છોકરીઓ પણ કંઇક હસતી હસતી બહાર નીકળી. અનિકેત સામે જોઇ બધીએ કંઇક મશ્કરી કરી હોય તેવું લાગ્યું. જોકે અનિકેતને તો આવી કોઇ પરવા કયાં હતી? પરંતુ ઇતિને મજા નહોતી આવી.. અને અનિકેતને કંઇ કહે તો શું પરિણામ આવે તેનાથી તે અજાણ નહોતી. વરસો પહેલાં બિલકુલ નાદાન વયે.. પણ ઇતિની મશ્કરી કરનારને તેણે છોડયો નહોતો. તો આજે તો… અને તેથી અનિકેતને કોઇ વાતની જાણ ન થવી જોઇએ. બહાર નીકળતી છોકરીઓની અવગણના કરી તેણે ઝડપથી ચાલવા માંડયું. આજે અનિકેતને પણ એટલું જ જોઇતું હતું. તે પણ મૌન રહીને તેની સાથે ચાલવા લાગ્યો. આજે આખો રસ્તો ચૂપચાપ જ કપાયો. અનિકેત પોતાના વિચારોમાં મગ્ન હતો અને ઇતિ પોતાના ખયાલોમાં ખોવાયેલ જ રહી. આજે ન ઇતિએ કશું પૂછયું ન અનિકેતે કોઇ વાત કરી.

આસપાસના વૃક્ષોને, પંખીઓને કે પશ્વિમ આકાશમાંથી ઉતરતી આવતી સંધ્યાને પણ આજે આ બંનેને મૌન જોઇને આશ્ચર્ય થયું. તેઓ તો આ બંનેની મસ્તીના રોજના સાથીદાર. સંધ્યારાણીને આજે જરાયે મજા ન આવી. તેણે કશું બોલ્યા સિવાય ચૂપચાપ જલદીથી ચાલતી પકડી. બંનેના ટહુકા વિના રસ્તો આખો જાણે અણોહરો બની ગયો. આમ પણ આ રસ્તે ખાસ અવરજવર રહેતી નહીં. ઇતિ આજે મૂડમાં નહોતી. અને અનિકેતને પોતાની ડ્રોઇંગબુક આજે ઇતિથી સંતાડવી હતી.તેથી તે તેની ચિંતામાં હતો. તેથી ઇતિના બદલાયેલ મૂડની તેને જાણ ન થઇ. ઘેર પહોંચ્યા ત્યાં સુધી બંને મૌન જ રહ્યા.

અનેક વસંત અને પાનખરની આવનજાવન ચાલુ રહી. સસલા જેવો સમય ભાગતો રહ્યો. કિશોરાવસ્થાની મુગ્ધતાનો અદ્રશ્ય સંચાર ધીમે ધીમે ઇતિ, અનિકેતના તન, મનમાં છવાતો જતો હતો. કુદરતના નિયમોમાં અપવાદ નથી હોતા. પરંતુ સાવ નાનપણથી શરૂ થયેલ આ સથવારો ફકત તે બંને માટે જ નહીં પરંતુ તેમના કુટુંબ માટે પણ એટલો સહજ અને સ્વાભાવિક બની ચૂકયો હતો કે તેમાં બીજા કોઇ વિચારને ક્ષણવાર માટે પણ અવકાશ નહોતો. ઇતિ અને અનિકેત તો સાથે જ હોય ને? અને અનિકેત સાથે હોય પછી ઇતિની ચિંતા કરવાની કોઇને હોય જ નહીં. એ સત્ય બહુ સહજતાથી સ્વીકારી લેવામાં આવ્યું હતું. સરસ મજાના દિવસો સરસ રીતે દોડયે જતાં હતાં.

ઇતિ નૃત્યમાં નિપુણ હતી. અનિકેત તેના વખાણ કરતાં થાકતો નહીં. “ઇતિ, તું મોટી થઇને ડાન્સ કરવા દેશ અને પરદેશમાં જઇશ.. તારા સ્ટેજ પ્રોગ્રામો થશે.. ઇતિની વાહ વાહ થશે… અને હું તારો પી.એ. બનીશ. મારા સિવાય એ બધું મેનેજ કોણ કરવાનું હતું?”

“હા, અનિ.. તારા સિવાય….” કોઇ ઊંડી ગુફામાંથી દબાયેલ એક અસ્ફૂટ સ્વર સંભળાયો કે શું? ઇતિ અતીતમાં હતી કે વર્તમાનમાં? આ કયો સંધિકાળ હતો?

દ્રશ્યો પલટાતા રહ્યા. જાણે બગડી ગયેલ ટેપમાં રીવાઇન્ડ, ફોરવર્ડની પ્રક્રિયા આપોઆપ ચાલી રહી હતી.

સમયની સાથે ઇતિ અને અનિકેત વિકસતા રહ્યા. ઇતિના ડાન્સીંગ કલાસ પૂરા થયા હતા અને હવે આરંગેત્રમની ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. કલ્પનાની પાંખે તે અને અનિ દેશ અને પરદેશની ગલીઓમાં ઘૂમતા રહેતા. ઇતિના શો યોજાતા અને અનિકેત તેનો પડછાયો હતો.. તેનો શ્વાસ.. તેનો આત્મા હતો. અને બધું કેટલું સહજ… સ્વાભાવિક… કોઇ આયાસ વિનાનું હતું. જાણે બીજો કોઇ વિકલ્પ.. બીજો કોઇ અવકાશ.. બીજા કોઇ વિચારની ગુંજાઇશ જ નહોતી. કોઇ સગપણ વિનાના.. નામ વિનાના સંબંધો મહોરી રહ્યા હતાં. જેની સુવાસથી બે આત્મા મઘમઘ થઇ રહ્યા હતા.

બારમું ધોરણ પૂરું થયું. અને ઇતિનું આરંગેત્રમ યોજાયું. આરંગેત્રમની આગલી રાત્રે… “ઇતિ, એક દિવસ તું મહાન કલાકાર થઇશ. તારી વાહ વાહ દેશ અને પરદેશમાં થશે.”

“મને તો સારા ઘરની છોકરીઓ ડાન્સ કરે એ જરાયે ન ગમે…” જીવનમાં આ કયા શબ્દોની ભેળસેળ થઇ રહી હતી..?

અનિકેતની વાતો ઇતિ પરમ શ્રદ્ધાથી સાંભળતી અને સ્વીકારતી રહેતી. અનિકેતની કોઇ વાતમાં તેને કયારેય અવિશ્વાસ આવી જ ન શકે. અનિ કહે છે તેમ થાય જ.. કોઇ શંકાને સ્થાન કયાં હતું?

ઇતિની મહેનત અને અનિકેતની આસ્થા, અને દોડાદોડી રંગ લાવી. આરંગેત્રમનું ખૂબ ભવ્ય આયોજન થયું. અને તેવી જ ભવ્ય સફળતા. અને ઇતિથી વધુ ખુશખુશાલ અનિકેત. અનિકેતે ઇતિને એક સરસ મજાની મ્યુઝિકલ ઘડિયાળ ભેટ આપી. “આપણો સંબંધ આ ઘડિયાળના કાંટાથી પર… સમયથી પર હશે.” એવું કશું બોલ્યા સિવાય. શબ્દોની જરૂર કયાં હતી ? શબ્દો તો બિચારા સાવ વામણા….. !

ઘડિયાળ…! ઇતિની નજર પોતાના કાંડા પર પડી. સરસ મજાની રોલેક્ષ ઘડિયાળ ગયા વરસે જ અરૂપે તેને ભેટ આપી હતી. અનિની ઘડિયાળ તો ચૂપચાપ પડી હતી… ઇતિની બેગના કોઇ એક ખૂણામાં અનિકેતની જેમ જ.

સમય બધો કયાં દોડી ગયો હતો…! કાશ! સમયથી પર જઇ શકાયું હોત..! પણ…. અશકય… અસંભવ લાગતી હોય તેવી વાતો જીવનમાં બનતી જ રહે છે ને? તેનો ખ્યાલ મુગ્ધાવસ્થામાં ન આવે તે સહજ હતું.

જેમ સૂર્યનું ઊગવું એક સનાતન સત્ય હતું… સ્વભાવિક હતું. તેમ ઇતિ અને અનિકેતને તેમનો સાથ એક પણ શબ્દ ઉચ્ચાર્યા વિના સહજ લાગતો હતો. જાણે પથ્થરની લકીર પર કોતરાયેલ એક નામ..! અનિકેત પંજાબી હતો કે ઇતિ ગુજરાતી હતી… એવા કોઇ ભેદભાવની તો ક્યારેય જાણ પણ કયાં થવા પામી હતી?

યૌવનાવસ્થામાં પ્રવેશતા આ તરૂણો હવે કોલેજમાં આવ્યા હતા. તેમના સાથમાં, વર્તનમાં કોઇ ફરક નહોતો પડયો. બંનેની સાહજિકતા એવી જ રહેવા પામી હતી. અને દિવસો દોડતાં રહેતાં હતાં. દરેક સવાર સોનેરી અને રાત રૂપેરી..

કોલેજના દિવસો એટલે દરેકની જિંદગીનો અણમોલ સમય. આંખોમાં શમણા ઉઘડવાની વેળા.. ભાવિના સપનાં, દિલને ઝકઝોરતી અદીઠ લાગણીઓ.. એક થનગનાટ. ઉત્સાહ અને રોમાંચ. કશુંક કરવાની ઝંખના, મનગમતા સાથીદારની જાણ્યે અજાણ્યે થતી રહેતી તલાશ, દિલમાં પ્રગટતો રેશમી એહસાસ… આ સઘળા તત્વો કોલેજ જીવનને યાદગાર બનાવે છે. અને ભવિષ્યની સુમધુર.. ખાટીમીઠી સ્મૃતિઓ તરીકે સચવાઇ રહે છે. ઘણીવાર જીવનસંધ્યાએ ફરી એકવાર સ્મૃતિઓનો એ ખજાનો ‘સિમસિમ ખૂલ જા’ ની માફક ખૂલતો રહે છે.

શૈશવથી શરૂ થયેલ ઇતિ, અનિકેતનો સંગાથ એવો જ લીલોછમ્મ રહ્યો હતો. આમ પણ બંને એક જ કોલેજમાં હતાં. શૈશવના મસ્તી તોફાન હજુ કયારેક પ્રગટતાં રહેતાં.

તે દિવસે કબીરવડના સાન્નિધ્યમાં.. નર્મદાને કિનારે યુવક યુવતીઓનો મેળો જામ્યો હતો, પરીક્ષા પછીનો રવિવાર હતો તેથી કેટલી બધી કોલેજની બસો નર્મદાના કિનારે આવી પહોંચી હતી. કબીરવડ એ પિકનીક માટેનું આ તરફનું સૌથી નજીકનું, વિશાળ અને રળિયામણું સ્થળ હતું. યૌવનના ઉત્સાહ અને રંગીનીથી વાતાવરણ છલકતું હતું. કોઇ નર્મદામાં નાહવાનો લહાવો લેતા હતા. કોઇ વડલાની વિશાળ છત્રછાયામાં આરામ ફરમાવતા હતા. કોઇ અમસ્તા અમસ્તા ટહેલતાં હતાં. કોઇ મંદિરમાં દર્શન કરતા હતા. કોઇ પંખીઓના કલરવને માણતા હતા. તો કોઇ ઇતિહાસના શોખીન કબીરવડના ઇતિહાસની વાતો જાણવામાં મશગૂલ હતા. અંતાક્ષરીના ચાહકોએ અહીં પણ ગીતોની રમઝટ જમાવી હતી. કયાંક પ્રેમીપંખીડાને તક મળતા એકાંત શોધી પારેવાની જેમ ઘૂ..ઘૂ કરી રહ્યા હતા. પસંદ અપની અપની.. ખયાલ અપના અપના…

ઇતિ અને અનિકેત મૌન બની નર્મદાના પાણીમાં પગ બોળી ઊભા હતા. શબ્દો નહોતા છતાં વાતો નહોતા કરતા તેમ કેમ કહી શકાય? અચાનક અનિકેત બોલ્યો, “ઇતિ, જો આ નાનકડી માછલી બરાબર તારા જેવી જ દેખાય છે ને?”

“હું કંઇ માછલી જેવી છું?” કૃત્રિમ ગુસ્સાથી માનૂની બોલી ઉઠી.

“ના રે, મેં એમ કયાં કહ્યું? તું કંઇ માછલી જેવી થોડી છે? એ તો માછલી તારા જેવી છે.”

“અને તું મગરમચ્છ જેવો.. જા..” કહેતી ઇતિ છણકો કરી અનિકેતને ગુસ્સે કરવાના ઇરાદાથી પાણીમાં આગળ જવા લાગી. બે મિનિટ તો અનિકેત એ ગુસ્સાને માણી રહ્યો અને મૌન રહ્યો. અને પોતે ત્યાં જ ઉભો રહ્યો… પરંતુ આગળ પાણીનો ફોર્સ વધારે હતો. તેથી ગભરાઇને તેણે બૂમ પાડી,
“ઇતિ, પાછી ફર… ત્યાં પાણી વધારે છે..”

પણ આજે ઇતિ ન જાણે કયા મૂડમાં હતી? અનિકેતની બૂમ તેણે સાંભળી તો ખરી.. પણ રોકાવાને બદલે કે પાછા વળવાને બદલે રીસે ભરાયેલ મહારાણીની માફક તે તો આગળ ને આગળ વધતી રહી… અને પાછળ ફરીને અનિકેતને અંગૂઠો બતાવતી રહી.. અનિકેતનો શ્વાસ થંભી ગયો હતો.

એક ક્ષણ… અને તે પાણીમાં દોડયો. ઝડપથી ઇતિને પક્ડી લીધી. અને કશું બોલ્યા સિવાય કે ઇતિ કશું સમજે તે પહેલા તેણે ઇતિને એક લાફો લગાવી દીધો. ઇતિ સ્તબ્ધ. અનિએ તેને માર્યું? તેણે તેની સામે જોયું. પરંતુ અનિકેત તો ભરપૂર ગુસ્સામાં હતો. ઇતિ સામે નજર પણ નાખ્યા સિવાય તે ઇતિનો હાથ ખેંચી તેને પાણીની બહાર લઇ આવ્યો. અને ત્યાં જ કિનારે બેસી પડયો. અનિકેતના ચહેરા સામે જોઇ ઇતિ કશું બોલી શકી નહીં.

થોડીવાર બંને મૌન બેસી રહ્યા. પછી ધીમેથી અનિકેતે પૂછયું, “ઇતિ, બહુ લાગી ગયું?”

ઇતિએ અનિકેત સામે જોયું. ધીમેથી નકારમાં ગરદન હલાવી… બંનેની આંખમાં અસ્ત થતાં સૂરજની લાલિમાનું પ્રતિબિંબ ઉભરતું હતું. પવનની મંદ લહેરખી આવીને ધીમે ધીમે ઇતિના વાળની લટને અછડતો સ્પર્શ કરી, ભાગી જતી હતી. જાણે કોઇ સુંદર યુવતીની છેડતી કરીને સરી જતી ન હોય!

અને એ લાલિમા આ ક્ષણે પણ ઇતિના ચહેરા પર ચમકી રહી હતી. આ ક્ષણે પણ અનિકેતનો ગુસ્સાથી લાલઘૂમ થયેલ ચહેરો તેની નજર સમક્ષ તરવરી રહ્યો હતો. તેની બંધ કીકીઓમાં આ કયો પ્રકાશ પથરાતો હતો? કયારેક કોઇ કોઇ સંબંધ સંજોગોની દીવાલોમાં ચણાઇ ગયેલ લાગતો હોય છતાં દીવાલના પોલાણમાં એના પડઘા.. એનો સળવળાટ દ્રશ્ય કે અદ્રશ્ય રીતે હાજર જ રહે છે. એ સંબંધો કાળને પણ અતિક્રમી જતાં હોય છે. સમયની સાથે એ ઝાંખા પડવાને બદલે એ દિલના અતલ ઉંડાણમાં સચવાઇને પડી રહે છે.

અને ફિલ્મની રીલ રીવાઇન્ડ થતી રહી. એક પછી એક દરિયાના મોજા ઊછળતા હતા કે શું? આ કઇ ભરતી આજે અણધારી.. સાવ અણધારી ઇતિના મનોઆકાશમાં ઉછાળા મારતી હતી? દીવાલના પોલાણમાં વરસોથી અકબંધ રહેલા પડઘા આજે બહાર આવવા કેમ ઉછાળા મારી રહ્યા હતા? ફિનીકસ પક્ષીની માફક રાખમાંથી આજે વરસો સજીવન થતા હતા કે શું?

“અનિકેત” નામની એક ચિનગારી પ્રજવળી હતી અને..

(ક્રમશઃ)

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૫) – નીલમ દોશી

 • kajal

  નીલમબેન, હવે વધુ કેટલી રાહ જોવરાવશો, કયારે નવો ભાગ આવશે? દિવસ આખો ઈતિ અને અનિકેત માંં જાય છે………વળી અરૂપ નિ વિચારધારા અને દરેક ભાગ ની શિર્ષક પંક્તિ તો નવુ વિશ્વ ખોલે છે, ખરેખર બહુ જ સુંદર રચના છે માત્ર માણવી ગમે તેવી જ નહી પણ સ્પર્શી જાય અને અનેક ભાવ વિશ્વનાં સંવેદનો પ્રગટાવે તેવી મસ્ત…………………………………………………..

 • Ravi Dangar

  નમસ્તે મેમ,

  મેમ, આ પહેલા મેં તમારો બાળનાટય સંગ્રહ ”જન્મદિવસની ઉજવણી” પણ વાંચેલ છે. એ બધા નાટકો વાંચવામાં પણ ખૂબ જ મજા પડેલી.

  પરંતુ, તમારી આ નવલકથા ”દોસ્ત, મને માફ કરીશ ને ?” માં તમારી લેખનશૈલી અને ભાષાશૈલી મને ખૂબ જ ગમી. નવલકથાનું કથાનક તો અદ્દભૂત છે જ. પરંતુ, આ કથાનક ને ઉત્તમ બનાવે છે તમારી આ નવલકથાની ભાષાશૈલી. ખૂબ સરસ લખ્યું છે.

  આવું જ લખતા રહો અને ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરતા રહો.

  ખૂબ ખૂબ અભિનંદન

 • kajal

  આ હપ્તા ની આતુરતાથી રાહ જોઈ રહી છુ………………………………. અને કલ્પનો માં નવલ આગળ વધી રહી છે ……….જલદી ભાગ:૬ આવે એની તરસમાં ……….