પદ્યરચનાઓ.. – સ્મિતા ત્રિવેદી, ભૂમી માછી, જનક ઝીંઝુવાડીયા 2


નિશાળ છું

જિંદગીની જ ભાષા સમજી શકાઈ નહીં,
આમ તો ખુદ આખેઆખી નિશાળ છું.

દર્દને ગાયા વિના જ રોયા કર્યું,
બુધ્ધિથી જ આમ કેવી આળપંપાળ છું.

ચહેરા પર આ કેવા ચહેરા પહેર્યા છે!
ખુદમાં ખુદથી જ એક પછી એક પાળ છું.

હસો નહીં મારી સામે આમ આવી રીતે,
સ્વપ્નમાં ય લાગે જાણે હોવાનું કોઇ આળ છું.

થાક લાગે કાંધને ય હવે તો પાંપણનો પણ,
દર્પણ પણ ચીસે, હું જ મારો કાળ છું.

ક્ષણોને કંઇક એવી રીતે ગૂંથી છે મેં,
મારી જ જાળમાં રચાયેલી જંજાળ છું..

– સ્મિતા ત્રિવેદી

ઓળઘોળ છું

એક પળે લાગે સાવ જ અસ્પર્શિત છું,
ને બીજી પળે લાગે કે સાવ જ ઓળઘોળ છું.

રણ આખેઆખું પી ગયા પછી,
ઝાંઝવાના દરિયે સાવ જ તરબોળ છું.

હવે ના પાથરો આમ, ચાદર મારી ઉપર,
હું ય તમારી જેમ માટીની એક ખોળ છું.

આ તો બધું ચાલે સમેસૂતર એની મેળે,
વિફરું ઘડીકમાં તો અગન પેઠે લાલચોળ છું.

– સ્મિતા ત્રિવેદી

એક સ્ત્રી ની કવિતા

એક સ્ત્રી-
ઘર માંથી બહાર નીકળતી વખતે
અરીસા માં હજાર વખત ચહેરો જુએ !
વાળ ઓળ્યા કરે વારેઘડીએ !
આગળ-પાછળ વળી વળી ને
ધ્યાન થી જુએ કે કંઇ હાંસીપાત્ર – ખરાબ તો નથી લાગતુ ને?
સાડી નો પાલવ કે દુપટ્ટો થોડી થોડી વારે સરખો કર્યા કરે!
‘બ્રા’ ની પટ્ટી ચેક કરે ક ક્યાંક એ ડોકિયુ તો નથી કરતી ને?
રખે ને એ કોઇ બીજા પુરૂષ ને જોઇ લે
કે કોઇ પુરૂષ એને જ જોઇ લે..!
આટલુ બધુ કર્યા પછી પણ..
ભીડ ભરેલા રસ્તા માં એ સંકોચાઇ ને ચાલે!
કે શાક-માર્કેટ માં કે પછી રેલ્વેસ્ટેશન પર
એના ઢંકાયેલા અંગો પર કોઇ નો હાથ ના અડી જાય!
રખે ને એ અભડાઇ જાય!
અને ભુલેચુકેય કોઇ નો અણગમતો સ્પર્શ થઇ જાય ક્યાંક તો…
ગુસ્સા થી આંખો કાઢતી વિચારે કે જો હમણા
એને ત્રીજુ નેત્ર હોત તો ક્યારનોય
પેલા ને ભસ્મ કરી દેત!
પછી ભલે ને ઘર માં એનો ‘Official Permitted’
પતિ દરરોજ રાત્રે એની મરજી વિરુધ્ધ એને અભડાવતો હોય!
અને એની જાત ચૂંથતો હોય..!

– ભૂમી માછી

માટીમાં કોણ કરે કામ
માટીના થઈએ તો જ થાય નામ
માટીમાં કોણ કરે કામ.

એક એક બોર ચાખવું પડે,
તો જ શબરી ને મલકાય રામ
માટીના થઈએ તો જ થાય નામ

મીરાં છે મોતી તો રાધા છે જ્યોતિ,
બંને ઘેર હરખાય શ્યામ.
માટીના થઈએ તો જ થાય નામ

મુઠ્ઠીમાં લઇ માટી જાતને ત્યાં દાટી.
હરિવર ને અહી જ પ્રણામ
ઓમ થઇ ઓમનું લઈએ નામ.
માટીના થઈએ તો જ થાય નામ

– જનક ઝીંંઝુવાડીયા

નીરખી નીરખીને હું થઇ ન્યાલ જો
હરિવર વરસે આભેથી એનું વ્હાલ જો
નીરખી નીરખીને હું થઇ ન્યાલ જો

હું એક મારા કાજે રોતી ને હસતી,
એને જગ આખાનો ખ્યાલ જો.
હરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.

ખેડીને ખેડું બેઠો, છે એ કેટલો છેટો,
ઘડીમાં ભીંજાય ધરતી એની કમાલ જો.
હરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.

એ તો સુતો ચારે માસ તોય છે વિશ્વાસ,
લહેરાય ખેતરે એનો ફાલ જો.
હરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.

કરશે કુંવરબાઈનું એ જ મામેરું,
કહેતા નરસૈયાના કિરતાલ જો.
હરિવર વરસે આભેથી એનું વ્હાલ જો.

– જનક ઝીંંઝુવાડીયા

આજે પ્રસ્તુત છે ત્રણ પદ્યસર્જકોની રચનાઓ.. ડૉ. સ્મિતા દિવ્યેશ ત્રિવેદી, (ઍસો. પ્રોફેસર, એસ.એમ.એન.કે. દલાલ એજ્યુકેશન કૉલેજ ફૉર વિમેન, એલિસબ્રિજ, અમદાવાદ) ભૂમી માછી અને જનક ઝીંઝુવાડીયાનો તેમની પદ્યરચનાઓ અક્ષરનાદને પાઠવવા અને પ્રસ્તુત કરવાની તક આપવા બદલ ખૂબ આભાર.


આપનો પ્રતિભાવ આપો....

2 thoughts on “પદ્યરચનાઓ.. – સ્મિતા ત્રિવેદી, ભૂમી માછી, જનક ઝીંઝુવાડીયા

  • Jacob Davis

    સ્મિતાા ત્રિવેદીની ગઝલોના વિચાર સારા છે, પણ છંદ નથી જે કેળવવા વિનંતી. ભુમિબેનના અછાંદસમાં ઉત્તમ વિચારો રજુ થયા છે, પણ શરૂઆત અછાંદસથી ના કરો તો સારું. જનક ઝીંઝુવાડીયાએ પણ ગીતમાં લય જાળવ્યો છે, પણ વિચારના સ્તરે કંઇ નથી. કંઇક ચમત્કૃતિ સર્જાય એવું કરો.