દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧) – નીલમ દોશી 8


પ્રકરણ – ૧ અનિકેત આવ્યો છે.

“ભયસૂચક થઇ આ સપાટી સ્મરણોની
કયાંક બહુ વરસાદ જેવું લાગે છે.”

Dost Mane Maaf Karish neઇતિ હતી જ એવી. ઉડતાં પતંગિયા કે ચંચળ હરિણી જેવી. આ ક્ષણે તે ઘરના બગીચામાં એક સસલાની પાછળ દોડી રહી હતી. આગળ ચંચળ સસલું અને તેની પાછળ અતિ ચંચળ ઇતિ..અંતે થાકીને પરસેવે રેબઝેબ બની ઇતિ બગીચાના હીંચકા પર બેસી ગઇ. તુરત પેલું સસલું પણ ઇતિના પગ પાસે લપાઇ ગયું. બે ચાર મિનિટ પછી અચાનક ઇતિ પર હેત ઉભરાઇ આવ્યું હોય તેમ ઠેકડો મારીને ઇતિના ખોળામાં ચડી ગયું. ઇતિ તેને સ્નેહથી પંપાળી રહી.

ઇતિની સવારની શરૂઆત હમેશા કંઇક આ રીતે જ થાય.

પંખીઓ ચાંચમાં કોમળ તેજકિરણો ચૂગીને બગીચામાં ઠાલવવાનું શરૂ કરે, પ્રભાતને ભાવભીનું નોતરું આપી કલબલ કરી મૂકે… અને એ ઝાકળભીના નોતરાને માન આપી જાસૂદના ફૂલ જેવી સવાર પંખીના ટહુકે ટહુકે ઉઘડવાની શરૂઆત કરે ત્યાં ઇતિ બગીચામાં આવી જ પહોંચી હોય. આવીને સૌ પ્રથમ કામ તુલસીકયારે દીવો કરી, પાણી રેડી ભાવથી વંદન કરવાનું. અને પછી બગીચાના દરેક ફૂલ પાસે જઇ તેમના વ્યક્તિગત ખબર અંતર પૂછવાનું શરૂ થાય. પ્રભાતના પ્રથમ કિરણોને હાથે અનાવરણ પામતી કળીઓ તો જાણે ઇતિના, મુખ્ય મહેમાનના આગમનની પ્રતીક્ષામાં જ હોય તેમ ઇતિના પગલાની સાથે જ ખીલી ઉઠે. આમ તો આ હમેશનું દ્રશ્ય… રોજિંદી ઘટના. પરંતુ આ બધું જાણે પહેલીવાર જોતી હોય તેમ ઇતિની આંખોમાં નર્યું વિસ્મય છલકી રહે. ઇતિનો હાથ ઉઘડતી કળી પર મૃદુતાથી પ્રસરી રહે. તેના સ્નેહસ્પર્શથી કળીઓ વધારે હસી ઉઠતી કે પછી કળીઓની ખુશ્બુથી ઇતિ વધારે પ્રસન્ન થઇ ઉઠતી.. એ કહેવું મુશ્કેલ હતું. આ થોડી ક્ષણોમાં ઇતિ જાણે આખ્ખા ચોવીસ કલાકનું ભાથું ભરી લેતી. ઝાંખા અંધકાર અને ઝાંખા ઉજાસનું અદભૂત સામંજસ્ય રચાતું. અને ઇતિના ચહેરા પર એક દિવ્ય આભા પ્રસરતી.

ઇતિ બધા ફૂલોની ખબરઅંતર પૂછી લે ત્યાં તો ધોળા ધોળા રૂના ઢગલા જેવું એક નાનકડું સસલું દોડીને ઇતિને મળવા આવી પહોંચતું. અને પછી શરૂ થતી ઇતિ અને સસલાની જુગલબન્દી. બંનેની એક બીજાની પાછળ દોડ શરૂ થાય. ઇતિ તેને થોડું પંપાળે.. કશુંક ખવડાવે પછી જ તે ત્યાંથી વિદાય લે.

આ નવો બંગલો બન્યાને બે વરસ થયાં હતાં. શહેરથી દૂર હોવાને લીધે આસપાસ બહું વસ્તી નહોતી. આ સસલું ન જાણે કયાંથી અહીં આવી ચડતું. શરૂઆતમાં એકાદ બે વાર ડરતું ડરતું આવેલ પણ પછી તો ઇતિનું પાક્કું દોસ્ત બની ગયેલું. ઇતિને તો અહીંનું એકાંત બહું વહાલું લાગતું. સરસ મજાનો બગીચો, વાયરા સંગે સદા ડોલતો રહેતો આસોપાલવ, ભરઉનાળે મહોરી ઉઠતો લાલચટક ગુલમહોર, પીળોઘમરક ગરમાળૉ, કે લીલીપીળી લીંબોડીથી લચી પડતો લીમડો..અને બીજા પણ નાના મોટા અનેક વૃક્ષો, તેની શાખે શાખે ટહુકતાં પંખીઓ. નાનકડી ચકલી સુધ્ધાંનો સાદ ઇતિ સાંભળી શકે. બધા પંખીઓની રોજ સવાર સાંજ ઇતિ હાજરી લેતી. ઉગમણે ઓવારેથી નાચતી આવતી ઉષારાણીનું રૂમઝૂમ આગમન થાય અને સાથે સાથે ઇતિના પગ પણ જાણે થિરકી ઉઠે.. જો કે

‘સારા ઘરની સ્ત્રીઓથી નચાય નહીં.’

અરૂપની એ વાત સાથે સહમત તો ઇતિથી નહોતું થવાતું. પરંતુ વિરોધ કરતાં તો તે શીખી જ કયાં હતી? તેથી ઉષારાણી સાથે ઇતિ નાચતી તો નહીં પરંતુ હીંચકાને એક અદભૂત લયથી ઠેસ જરૂર લાગી જતી. હીંચકાની ગતિ સાથે ઇતિરાણીના મનની ગતિ પણ ચાલુ રહેતી. હીંચકા પર મૂકાવેલ નાની નાની ઘૂઘરીઓ રણઝણીને તેમાં તાલ પૂરાવતી રહેતી.

બગીચામાં બે ચાર મોરલાં તેની ઢેલરાણી સાથે આવવાનું કદી ચૂકે નહીં. કયારેક મુડ આવી જાય તો નર્તન પણ કરી રહે. સતત ચહેકતો રહેતો પોપટ અને કાળી પણ કામણગારી મેના તો ઇતિના આ બગીચાના નિત્યના રહેવાસી. કાબરની કલબલ તો અહીં સદાબહાર. પોતાની પીળી ચાંચથી કશુંક સતત વીણતી જાય અને આમતેમ જોતી જાય. નાનકડી ચકલીઓનો તો પાર નહીં. ઝાડે ઝાડે ફરતી જાય અને ચીં ચીં થી બગીચો ગજવતી જાય. ભોળિયા, ગભરું પારેવાઓને પણ ઇતિનો બિલકુલ ડર ન લાગે. એક નાનકડી ખિસકોલી અહીં ઇતિ સાથે રોજ રમવા આવે. ઇતિ તેને જોઇને નાના બાળકની ચંચળતાથી ગાઇ ઉઠે..

‘તું અહીંયા રમવા આવ, મજાની ખિસકોલી.. તું દોડ તને દઉં દાવ.. મજાની ખિસકોલી..”

ઇતિ તેની સામે એક મીઠું હાસ્ય વેરે એટલે ન્યાલ થઇ ગઇ હોય તેમ દોડીને તે બાજુમાં ઉભેલ ગુલમહોરના ઝાડ પર ચડી જાય. ગુલમહોર પોતાની ડાળીઓ ઝૂકાવી જલદી જલદી તેને પોતાના લાલ પાલવમાં સમાવી લે.

આવી સંગીતમય સવારને ઇતિ મનભરીને માણી લે ત્યાં અરૂપનો ઉઠવાનો અવાજ આવે અને ઇતિ બધાને જલદી જલદી આવજો કહી અંદર દોડે. અરૂપનું કામ બધું વ્યવસ્થિત. ઇતિ વિના તેને એક ક્ષણ પણ ચાલે નહીં. ઇતિની આ પ્રભાતચર્યા અરૂપના મતે તો એક પાગલપન જ હતી. પરંતુ ઇતિ હતી જ એવી. બધા જેવી છતાં બધાથી અલગ..અને એ અલગતાનો અરૂપ દીવાનો હતો. ઇતિની સરળતા, મુગ્ધતા તેને ઘણીવાર સમજાતી નહીં પરંતુ આકર્ષી જરૂર રહેતી. ત્રીસ વરસની ઇતિમાં સોળ વરસની ચંચળતા, મુગ્ધતા હજુ અકબંધ હતી. નાની નાની વાતમાં તે ખિલખિલાટ હસી ઉઠતી. અને કયારેક કોઇ વાત ન ગમે તો એક મૌન ઓઢીને રહી જતી. પરંતુ ત્યારે તેની મોટી, વિશાળ, પાણીદાર આંખોમાં કોઇ અકલ ઉદાસી તરવરી રહેતી. જો કે અતિ સરળ ઇતિ વધારે વાર ઉદાસ ન રહી શકતી.

હા, કયારેક કોઇ સાંજે હજુ અરૂપ આવ્યો ન હોય અને તે એકલી બગીચામાં હીંચકા પર બેઠી હોય, પંખીઓ આવીને ઇતિ સાથે થોડી ગુફતગૂ કરી પોતાના બચ્ચાની સંભાળમાં ગૂંથાયા હોય, વૃક્ષને પાંદડે પાંદડે દીવાઓ ઝિલમિલાતા હોય તે સમયે કોઇની યાદ આવીને ઇતિની આંખોને ઝરૂખે જરૂર બેસી જતી પણ જાણ્યે અજાણ્યે ઇતિથી તેની અવગણના જ થતી રહેતી. કયારેક કોઇ પ્રાર્થનાના સૂર તેના મોંમાંથી સરી રહેતા. અને સમૂહમાં સાંધ્યઆરતી થતી રહેતી. વૃક્ષો, પંખીઓ, વહેતો વાયરો કે બીડાતા સૂર્યમુખી, મહેકતો મોગરો, ખરતો પારિજાત કે હીંચકાને વળગીને ખીલતી રાતરાણી સૌ તેમાં પોતાનો સાદ પૂરાવતા રહેતા..અને ઇતિની એકલતાના સાથીદાર બની તે ક્ષણોને મીઠા એકાંતમાં પલટાવી નાખતા. બગીચાનો આ રણકતો હીંચકો ઇતિનું અતિ પ્રિય સ્થળ..ઇતિ મોટે ભાગે ત્યાં જ બેસેલી જોવા મળે. ઘણીવાર ભરબપોરે પણ મધુમાલતીની વિશાળ ઘટા નીચે તે હાથમાં કોઇ પુસ્તક લઇ બેસી હોય. સવાર અને સાંજ તો ઇતિની હાજરી અચૂકપણે ત્યાં હોય જ.

આવી સુંદર સવાર માણ્યા બાદ ઇતિની બપોર થોડી અકળાવનાર બની રહેતી. આવડા વિશાળ બંગલામાં એકલાં એકલાં શું કરવું તે ઇતિને કયારેય સમજાતું નહીં. બપોરે ઉંઘવાની તેને આદત નહોતી. કોઇ કલબમાં કે કોઇ કીટ્ટી પાર્ટીમાં જવાનું તેને કયારેય ગમ્યું નહોતું. વાંચી વાંચીને તે કેટલું વાંચે? સવાર અને સાંજ તો બગીચા અને હીંચકાને સથવારે સરસ મજાની પસાર થઇ જતી. પરંતુ બપોરનો સમય કયારેય જલદી ખૂટતો નહીં.

આજે પણ એવી જ, ધીમી ગતિના સમાચાર જેવી એક બપોર હતી. રોજની જેમ જ સૂર્ય પોતાના તેજ કિરણોથી વૃક્ષોને હંફાવી રહ્યો હતો. ઇતિ ઘરની અંદરના હીંચકા પર બેસી રીમોટની સ્વીચો આમતેમ ફેરવી રહી હતી. ઇતિની અકળામણ પારખી લેવા છતાં ઘડિયાળનો કાંટો જલદી ફરવાનું નામ નહોતો લેતો. સંધ્યારાણીના આગમનને હજુ વાર હતી. શું કરવું તે ઇતિને સમજાતું નહોતું. અરૂપને કહેશે તો અરૂપ તુરત કહેશે,

‘અરે, ગાડી છે, ડ્રાઇવર છે, શહેરમાં આટલી કલબો છે, સંસ્થાઓ છે.. જ્યાં મન થાય ત્યાં જતી હો તો..’ પરંતુ ઇતિને એવું કશું ગમતું જ નહોતું. અને પોતાને જે ગમતું હતું તે અરૂપને નહોતું ગમતું. અને અરૂપને ન ગમે તે ઇતિ કેમ કરે? કંટાળેલી ઇતિ ટી.વી.ની સ્વીચ બંધ કરવા જતી હતી ત્યાં ફોન રણકયો. થોડા કંટાળાથી ઇતિએ ફોન ઉંચકયો.આ બળબળતી બપોરે વળી કોણે તેને યાદ કરી? ત્યાં ફોનમાંથી મમ્મીનો અવાજ રેલાયો, ‘ઇતિ બેટા, કેમ છો?’

ઇતિ તુરત લીલીછમ્મ..

મમ્મીના ‘કેમ છો?’ નો ઇતિ કોઇ જવાબ આપે તે પહેલાં જ..

‘બેટા, અનિકેત આવ્યો છે. અને તને બહું યાદ કરે છે. બને તો એકવાર તુરત આવી જા..’

અને વાત આગળ ચાલે, કે ઇતિ કશું પૂછે તે પહેલાં ફોન કપાઇ ગયો.

“અનિકેત?”

ઇતિની આંગળીઓ તુરત અધીરતાથી ફોનના ડાયલ પર ફરી રહી. પણ…. ફોન રિસાઇ ગયો હોય તેમ ફરીથી લાગ્યો જ નહીં. વારંવારના પ્રયત્નો નિષ્ફળ જવાથી ઇતિ ધૂંધવાઇને આંખ બંધ કરીને બેઠી રહી.

જેને પસાર થઇ ગયેલી ક્ષણો માનીને બેઠી હતી.. એ ક્ષણો અંદર આટલી હદે..

કોઇ પંખીની જેમ પાંખો ફફડાવતી યાદો.. ક્યાંકથી એક સાદ.. અને ઇતિનું જીવન એક ઝાટકે દસ વરસ પાછળ ઠેલાઇ ગયું. સ્મૃતિઓનું ઘેઘૂર વન આજે ય આટલું લીલુછમ્મ હતું? અને પોતાને પેલા કસ્તુરી મૃગની માફક તેની જાણ પણ નહોતી? અસ્તિત્વમાં રાતરાણી, પારિજાત કે મોગરાની સઘળી સુગંધ એકસામટી કયાંથી ઉતરી આવી? કોઇ ઝાકળભીની ગંધ મનના પટારામાં સચવાઇને પડી હતી? અને આજે.. એક સાદે..! સમયની કઇ છીપમાં આ સંબંધ સચવાઇને અકબંધ પડયો હતો ? બળબળતી આ બપોરે વરસાદ વિના મેઘધનુષી રંગો કયા આકાશમાં ઉગી નીકળ્યા?

મુગ્ધાવસ્થાના મોંસૂઝણામાં ફૂટેલ કૂંપળો ઘેઘૂર વૃક્ષ બનીને અંદર કોઇ ખૂણામાં સચવાયેલ હતી? કેટલાક સંબંધોની સુવાસ, કુમાશ, મુગ્ધતા અને રોમાંચ કાળના સ્પર્શથી પણ વણબોટાયેલ રહેતા હોય છે? અને તે અજ્ઞાત હતી.. આ બધાથી..? મનની સામે કરેલ કિલ્લેબંદી એક કાંગરો ખરતાં જ..

ઇતિના મનની ક્ષિતિજે તેજના ટશિયા ફૂટી નીકળ્યા. ફોનમાંથી રેલાતા મમ્મીના શબ્દો તેના મનમાં પડઘાતા રહ્યા. ‘અનિકેત તને યાદ કરે છે..’

‘અનિકેત’ હ્રદયના અજ્ઞાત ખૂણામાં થીજી ગયેલ એક નામ..! એ ઉચ્ચાર સાથે જ અસ્તિત્વમાં પીઠીવરણું પ્રભાત ઉઘડી રહ્યું. ચહેરા પર ઉષાની લાલાશ… એક ઉજાસ..! અને એ ઉજાસમાં ઉઘડયા કદી ન વિસરાયેલ એ સદાબહાર દ્રશ્યો..

સાત વરસની ઇતિ આ વરસે તેની બહેનપણીઓની જેમ પ્રથમ વાર ગૌરીવ્રત રહી હતી. વ્રત હોવાથી આજુબાજુની તેના જેવડી બધી છોકરીઓ સાથે મળીને રોજ સાંજે કંઇક નવી નવી રમતો રમ્યા કરતી. આજે આભાની મમ્મી પોતાની દીકરીની સાથે બધી છોકરીઓને ગીત ગવડાવતા હતા અને એકશન શીખવાડતા હતા. છોકરીઓ ઉમંગે છલકતી નાચતી હતી..

‘હો મારા આંગણામાં… નાચે મોર…
કે મોરને પૂછે ઢેલ.. કે ઢેલને પૂછે મોર..
કોણ આવ્યો તો ચોર?’

થોડે દૂર ચૂપચાપ ઉભેલ અનિકેતને જોઇ ઇતિને જાણે ચાનક ચડી હતી.. તેણે મસ્તીથી લલકાર્યું હતું
’અનિકેત આવ્યો ‘તો ચોર..’

બધી છોકરીઓએ તેને હસીને ઝિલી લીધું હતું. અને તેમના મુકત,ચંચળ હાસ્યથી વાતાવરણ ગૂંજી રહ્યું. અનિકેત રિસાઇ ગયો હતો. આમ પણ આ પાંચ દિવસથી તે થોડો એકલો પડી ગયો હતો. તે પણ ઇતિ જેવડો જ હતો. પરંતુ પોતે છોકરો હતો અને છોકરાથી આ વ્રત ન કરાય..! એમ બધાં કહેતાં હતાં.

‘કેમ ન કરાય?’ એવા તેના પ્રશ્નનો જવાબ આપવાને બદલે તેની અને ઇતિની મમ્મી કેટલું હસતા હતા! અનિકેત ગુસ્સે થઇને ત્યાંથી દોડી ગયો હતો. પોતે છોકરી હોત તો..? એવો વિચાર પણ તેના બાળમનમાં …

અનિકેત દોડી ગયો હતો.. દોડી ગયો હતો.. જાણે એકની એક ટેપ બંધ આંખો સામે રીવાઇન્ડ થઇ રહી હતી. કયાં? કેમ? ઇતિ પરસેવે રેબઝેબ..! બંધ આંખોમાં દેખાતા આ પ્રશ્નો કોઇ જોઇ તો નથી જતું ને? અનાયાસે ઇતિની પાંપણો જોશથી બીડાઇ ગઇ. પણ એ દિવસો હવે ક્યાં? હવે એવો કોઇ ડર રાખવાની જરૂર જ નથી. હવે તો ખુલ્લી આંખમાં દેખાતી વાતો… પ્રશ્નો પણ કોઇ ક્યાં જોઇ શકે છે?

અને ફ્રેમમાં બીજું દ્રશ્ય “હાજિર હૂં..” કરતાં દોડીને પોતાની હાજરી પૂરાવવા ગોઠવાઇ ગયું.

વ્રતને બીજે દિવસે બધી છોકરીઓની સાથે ઇતિ પણ મહેંદી મૂકાવતી હતી. ચંચળ, નિર્દોષ બાલિકાઓના કિલકિલાટથી વાતાવરણ પ્રસન્નતાથી છલકતું હતું. બધી છોકરીઓ પોતાના હાથમાં મૂકાતી મહેંદી જોવાને બદલે બીજાનો હાથ જોવામાં જ મશગૂલ હતી. બીજાના હાથમાં કેવી ડીઝાઇન મૂકાય છે તે જોવામાં તેમને વધારે રસ હતો. અનિકેત પણ હમેશની માફક તે ટોળીમાં હાજર તો હતો. પરંતુ તે એક જ છોકરો હોવાથી એકલો પડી ગયો હતો. અને પોતે કંઇક બોલે એટલે આ તોફાની ટોળી તેની મસ્તી કરવામાં જરાયે પાછળ પડે તેમ નહોતી જ. અને ઇતિ તો એમાં સૌથી પહેલા જ હોય. તે જાણતો હોવાથી તે ચૂપચાપ એક તરફ બેસીને જોઇ રહ્યો હતો. આ પાંચ દિવસ જલદી પૂરા થાય તો સારું. હમણાં પોતાનો કોઇ ભાવ પણ નથી પૂછતું.

‘અનિકેત, તારે મહેંદી મૂકવી છે?’

‘હું કંઇ છોકરી નથી… એવા નખરા અમે ન કરીએ…’

જોકે નાનકડા અનિકેતને મન તો બહુ થતું હતું. પોતાના હાથ પણ મહેંદીથી લાલ બનીને કેવા સરસ લાગે…! પરંતુ સાથે સાથે તે એ પણ જાણતો હતો કે જો પોતે ભૂલથી પણ હા પાડી તો આ છોકરીઓ તેની મજાક કરવામાં કશું બાકી નહીં જ રાખે. અને તેથી ઠાવકા થઇને ના પાડવામાં જ પોતાની ભલાઇ છે. તે સમજતો અનિકેત થોડો ઉદાસ બની ગયો.

ઇતિના હાથની મહેંદી મૂકાઇ ગઇ. અને તે દોડીને અનિકેતને બતાવવા આવી. અનિકેતનો ઉદાસ ચહેરો ઇતિને ન જ ગમે.

’અનિ, જો તો મારી મહેંદી.. કેવી મૂકાણી છે.!’ ઇતિએ પોતાના નાનકડા હાથ આગળ કર્યા.

ઇતિના હાથ આ ક્ષણે પણ લંબાયા. તેની આંખ ખૂલી ગઇ. પોતાના કોરાકટ્ટ હાથ સામે ક્ષણવાર તાકી રહી. પણ… હાથમાં મહેંદી ય નહોતી અને સામે અનિકેત પણ કયાં હતો? તેની નજર આસપાસ ફરી વળી.. ના, અનિકેત કયાંય નહોતો જ. તેણે ફરીથી આંખો બંધ કરી. શું કરતો હશે અનિકેત અત્યારે? ઇતિના મનમાં પ્રશ્ન જાગ્યો. પણ તેનો જવાબ વિચારે તે પહેલાં પેલી ટેપ આગળ ચાલી.

નાનકડો અનિકેત પૂરી ગંભીરતાથી મહેંદી જોઇ રહ્યો હતો. જરા મોં બગાડી તેણે કહ્યું હતું.. ‘ઠીક છે. કંઇ એવી બધી સરસ નથી. મને તો લાગે છે કે તારા કરતાં આસ્થાની મહેંદી વધારે સારી મૂકાણી છે.’

ઇતિને ચીડવવાનો એક પણ મોકો અનિકેત ન જ છોડે. ઇતિએ મોં બગાડયું. ‘જા, તને તો કંઇ પૂછવું જ ન જોઇએ..’

‘કેમ સાચી વાત કહી એટલે ન ગમીને ? હું તો જે સાચું લાગે તે જ કહું.’ મોં ગંભીર રાખી અનિકેતે કહ્યું.

ઇતિ હવે તેને કેમ છોડે? તેણે મહેંદીવાળો હાથ અનિકેતના ગાલે અડાડયો. અનિકેતે ઇતિનો હાથ પકડી લીધો અને મહેંદી લીપાઇ રહી. તેનો હાથ પણ મહેંદીથી ખરડાયો. અને ઇતિના હાથની ડીઝાઇન લીપાઇ ગઇ. ઇતિ ગુસ્સે થઇને અનિકેતને મારવા દોડી. પણ અનિકેત એમ કયાં હાથમાં આવે તેમ હતો? ત્યારે કે આજે પણ..?

આટલા વરસોથી કયાં હાથમાં આવતો હતો? આજે પણ કયાં પકડાયો હતો? હમેશની માફક આજેય છટકી ગયો હતો. જોકે બહારથી ભલે છટકી શકયો હતો. બાકી ઇતિના મનમાંથી કયાં, કેમ છટકી શકે?

ઇતિની અંદરથી નહોતો છટકી શકયો તેની જાણ શું પોતાને છેક આજે થઇ?

કેટકેટલા દ્રશ્યો નજર સમક્ષ ઉઘડતાં હતાં. ! એક પછી એક.. જાણે અતીતના દ્રશ્યોનો સ્લાઇડ શો ચાલુ થયો હતો.

ચાર દિવસોથી છોકરીઓનો કલબલાટ ચાલુ હતો. હવે આજે વ્રતનો છેલ્લો દિવસ હતો. ઇતિને મંદિરે પૂજા કરવા જવાનું હતું. તેની મમ્મી… નીતાબહેનને આગલા દિવસથી થોડું તાવ જેવું હતું. છતાં તેણે ઇતિને તૈયાર કરી. સરસ મજાના મરુન કલરના ચણિયા ચોળી, માથા ઉપર ટીપકીવાળી, ચમકતી ઓઢણી, હાથમાં મેંચીંગ બંગડીઓનો ઝૂડો, પગમાં ખનકતા ઝાંઝર, બે ભમરની વચ્ચે ઝગમગ બિંદી, માથાથી કપાળ સુધી લટકતો નાનકડો ટીકો, ગળામાં શોભી ઉઠતો મરુન નેકલેસ, કાનમાં લટકતાં ઝૂમ્મર અને હાથમાં પૂજાની થાળી.. નાનકડી ઇતિ આખી ઝળહળ ઝળહળ…

દીકરીને શણગારી તો ખરી.. પણ હવે ઇતિની મમ્મીને તાવ સાથે ઠંડી ચડી હતી. ઇતિ સાથે જવું કેમ ? ઘરમાં બીજુ કોઇ નહોતું જે તેની સાથે જઇ શકે.

ત્યાં અનિકેતના મમ્મી… ‘સુલભાબહેન, હવે કેમ છે?’ એમ પૂછવા આવ્યા. નીતાબહેનની હાલત જોઇ બધું સમજી ગયા. તેમણે તુરત ઇતિની મમ્મીને કહ્યું, ’તમે ચિંતા ન કરો…હું ઇતિને લઇને મંદિરે જાઉં છું. તમારી પૂજામાં કોઇ ચોક્ક્સ વિધિ કરાવવાનો હોય તો મને કહો.. મને કદાચ કંઇ ખબર ન પડે.’ પોતે પંજાબી હોવાથી ગુજરાતીના રીતિરિવાજની પોતાને ખાસ ખબર ન હોવાથી કોઇ ભૂલ થાય તો? એમ વિચારી સુલભાબહેન ઇતિની મમ્મીને પૂછી રહ્યા.

‘ના, રે સુલભાબહેન, ત્યાં મંદિરે ગોર મહારાજ હશે જ. એ કહે તેમ કરવાનું છે. મારાથી તો જવાય તેમ લાગતું નથી. અને તેના પપ્પા..’ વચ્ચે જ સુલભાબહેન બોલ્યા, ‘તમે શાંતિથી આરામ કરો. ઇતિ મારી પણ દીકરી જ છે ને? એ બહાને અમે મા દીકરો પણ મંદિરે દર્શન કરી આવીશું.’ અને સુલભાબહેન નાનકડા ઇતિ અને અનિકેતને સાથે લઇ મંદિરે ચાલ્યા. રોજની ચંચળ ઇતિ આજે શાંત હતી. અનિકેત ઇતિની મસ્તી કરવાનું ચૂકયો નહોતો.

‘ઇતિ, આજે તું તારી પેલી ઢીંગલી છે ને… તેના જેવી લાગે છે.’

ઇતિએ અનિકેત સામે જોયું. પરંતુ કશું બોલી નહીં. અનિકેતને ચાનક ચડી. તેણે ઇતિને વધારે ચીડવી. ‘સાડી પહેરી છે તેમાં રોફ મારે છે! કંઇ બોલતી કેમ નથી..?’

‘મારી સાડી ઢીલી થઇ ગઇ છે. મારાથી સરખું ચલાતું નથી.’ એક હાથે સાડી પકડી ધીમે ધીમે ચાલતી ઇતિ રડમસ અવાજે બોલી ઉઠી.

અનિકેત ખડખડાટ હસી પડયો. ઇતિ મોઢુ ફૂલાવી ચાલતી રહી. સુલભાબહેન પુત્રને ખીજાયા અને ઇતિને પ્રેમથી કહ્યું, ‘બેટા, હમણાં મંદિરે પહોંચી તને સરખી કરી આપું હોં.’

ઇતિએ અનિકેત સામે જોઇ જીભડો કાઢયો. અનિકેતે ઇતિ સામે હાથ ઉગામ્યો. જવાબમાં ઇતિએ પોતાને અંગૂઠો બતાવ્યો. અને પછી હમેશની માફક બંને ખડખડાટ હસી પડયા.

આ ક્ષણે પણ ઇતિનો અંગૂઠો બંધ આંખે અનાયાસે ઉંચો થઇ ગયો. જાણે અનિકેતને ડીંગો બતાવી રહી. મોઢા પર એક સુરખિ છવાઇ, એક મંદ મુસ્કાન, બંધ આંખોમાં એક પ્રતિબિંબ.. અને…

ગોર મહારાજ એકી સાથે કેટલીયે છોકરીઓને પૂજા કરાવતા હતા. ઇતિ પણ તેમાં સામેલ થઇ હતી. અનિકેત અને તેની મમ્મી બાજુમાં ઉભા હતા. સાત વરસનો અનિકેત રસપૂર્વક.. કૂતુહલથી બધું નીરખી રહ્યો હતો.

નાનકડી ઇતિ પરમ શ્રદ્ધાથી ગોર મહારાજ કહે તે મુજબ નાગરવેલના લીલાછમ્મ પાન પાથરી તેમાં એક પછી એક વસ્તુ ગોઠવતી જતી હતી. તો ઘડીકમાં એક હાથે ઓઢણીનો છેડો સરખી કરતી જતી હતી. જવારાને નાગલા વીંટાળ્યા.. કંકુ ચોખાથી વધાવ્યા. અંતે મહારાજે આરતી કરાવી.

દીવાના પ્રકાશમાં નાનકડી કુમારિકાઓના અદીઠ ઓરતા ઝગમગી ઉઠયા. ઇતિની આંખો ચમકી રહી. નિર્દોષ બાલિકાઓના ચહેરા પર એક આભા છવાઇ ગઇ હતી. પરમ આસ્થાથી ઇતિ આંખો બંધ કરી શંકર ભગવાનને વન્દી રહી હતી. અનિકેત કશું સમજયા વિના તેની સામે જોઇ રહ્યો હતો. તેનાથી પણ અનાયાસે હાથ જોડાઇ ગયા હતા.

આરતી પૂરી થતાં ઇતિ પૂરી શ્રદ્ધાથી અને ગંભીરતાથી સૌ છોકરીઓ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી રહી હતી. પગમાં રૂમઝૂમ ઝાંઝર ખનકી રહ્યા હતા.

જાણે એક નાનકડી દુલ્હન ચોરીના ચાર ફેરા ફરી રહી હતી. સુલભાબહેને અનિકેતને પણ ભગવાનને પગે લાગવાનું કહ્યું. બંને બાળકોને સાથે પગે લાગતા જોઇ સુલભાબહેને પણ આંખો બંધ કરી.. તેમની બંધ આંખોમાં ભવિષ્યનું કોઇ શમણુ ઉભરી આવ્યું હતું કે શું? તેમણે ઇતિને માથે વહાલથી હાથે ફેરવ્યો. ઇતિ આંખો ખોલી આન્ટી સામે જોઇ રહી.

આજે આ ક્ષણે પણ ઇતિ આન્ટીને અને તેમની બંધ આંખોમાં શમાયેલ શમણાંને જોઇ શકતી હતી.. અને આજે તો ઓળખી પણ શકતી હતી.

આજે આ સમજનું ભાન અચાનક આવવાથી ઇતિની આંખો ખૂલી ગઇ.. ન સમજાતી અનેક વાતો.. ન સમજાતા અનેક દ્રશ્યો આજે કેમ..? એક વ્યાકુળતા.. અને ઇતિએ ગભરાઇને ફરીથી જોશથી આંખો બંધ કરી.

દર્શન કરીને સુલભાબહેન બંને બાળકોને લઇને મંદિરની બેન્ચ પર બેઠા હતા. કેટલાયે બાળકો મંદિરના કમ્પાઉન્ડમાં રમતાં હતાં. અનિકેતે પણ પ્રસ્તાવ મૂકયો, ‘ઇતિ, ચાલ, તું મને પકડવા આવ. તે દિવસનો તારો દાવ દેવાનો બાકી છે. યાદ છે ને?’

‘ના, હોં.. સાડી પહેરીને મારાથી ન દોડાય. અને એટલે હું તો હારી જ જાઉં ને?’

સાત વરસની ઇતિ તેના જેવડા જ અનિકેતને કહી રહી હતી. અનિકેત વારંવાર પોતાનો દાવ આપવાનું કહી રહ્યો હતો. પરંતુ પોતે સાડી પહેરેલ હોવાથી દોડી શકે તેમ નહોતી. તેથી બોલી ઉઠી, ‘ના હોં.. આજે નહીં..’

બેંચ પર બેઠા બેઠા પગ હલાવતાં.. ઝાંઝર રણકાવતાં ઇતિ બોલી ઉઠી હતી. અનિકેત ઇતિના ઝાંઝરનો રણકાર સાંભળી રહ્યો હતો. ઇતિના પગ અજાણતા આ ક્ષણે હલી ઉઠ્યા. પણ.. ઝાંઝર કયાં હતાં તે રણકે?

ઇતિની આંખો ફરીથી ખૂલી ગઇ. વર્તમાન અને અતીત આમ ભેળસેળ કેમ થતા હતા?

ઇતિ અભાનપણે ઊભી થઇ અને બે ડગલાં ચાલી.. કદાચ હવે ઝાંઝર રણકશે..! પણ.. પણ ખાલી પગ થોડા રણકવાના હતા? અને અરૂપને તો ઝાંઝર ગામડિયા જેવા લાગતા હતા..!

અરૂપ..! આ નામ જીવનમાં કયાંથી.. ક્યારે આવી ગયું?

(ક્રમશઃ)

કલાગુર્જરી મુંંબઈનો પુરસ્કાર મેળવનાર, નીલમબેન દોશીની સુંંદર નવલકથા ‘દોસ્ત, મને માફ કરીશ ને?’ દર રવિવારે અક્ષરનાદ પર હપ્તાવાર પ્રસ્તુત થશે. નવલકથામાં મુખ્ય ત્રણ પાત્ર છે. ઇતિ, અનિકેત અને અરૂપ.. ઇતિ ગુજરાતી છે તો અનિકેતનો પરિવાર પંજાબી છે. બંને પડોશી છે. ઇતિ અને અનિકેત શૈશવથી સાથે રમે છે, લડે છે, તોફાન મસ્તી અને ધમાલ કરતા રહે છે. ઇતિના લગ્ન અમેરિકામાં રહેતા અનિકેતના જ એક દોસ્ત તાલેવંત એવા અરૂપ સાથે થાય છે. લગ્ન પછી અરૂપ દેશમાં જ રોકાઇ જાય છે. ઇતિ શૈશવના અનેક પ્રસંગો અરૂપને કહેતી રહે છે.. જેમાં દરેક વખતે અનિકેત હાજર છે. અરૂપ.. એક પુરૂષ એ સહન નથી કરી શકતો.. ઇતિને તે ખૂબ પ્રેમ કરે છે. પણ પ્રેમનો સાચો અર્થ એ હજુ પામ્યો નથી.. ઇતિના હ્રદયને સમજયા પછી નીલમબહેને તેના પાત્રનું જે પારદર્શી ઉર્ધ્વીકરણ કર્યું છે તે સહજ કાવ્યાનુભૂતિ કરાવી જાય છે.


આપનો પ્રતિભાવ આપો....

8 thoughts on “દોસ્ત, મને માફ કરીશ ને? (નવલકથા ભાગ ૧) – નીલમ દોશી