ત્રણ પદ્યરચનાઓ.. – હર્ષિદા દિપકભાઈ ત્રિવેદી 5


૧. ઈટ્ટા કિટ્ટા

ઈટ્ટા કિટ્ટા એક ઘડીના આવો પાછા મળીએ,
જીવતરનાં આ ગીત મધુરાં પ્રેમેથી ગણગણીએ,
ચાલો માણસ માણસ રમીએ..

કિરણ નાનું અડ્ક્યું ત્યાં તો
ઝાકળ ઊડી જાય
અંધારું ઓગળતા જાણે
મબલખ દીવા થાય
ટમટમ થાતી જ્યોત સરીખા એય ને ઝળહળીએ,
ચાલો માણસ માણસ રમીએ.

ભેદ ભરમની વાતો ઝીકી
ગોટાળો નવ કરીએ
તારી મારી સમજણ સાચી
વાતોમાં વિહરીએ
ફુલ ફોરમની વાતો કરતા એકબીજામાં ભળીએ,
ચાલો માણસ માણસ રમીએ.

જ્યાંથી આવ્યા ત્યાં જ જવાના
એ જ જગા આહલાદક
નહીં સૂરજ નહીં ચંદ્ર તારકો
સતનું એવું થાનક
અંધારે પણ તરલીયાની જેમ અમે ટમટમિએ,
ચાલો માણસ માણસ રમીયે.

૨. વરસાદી સપનું

સપનામાં બાઈ હું તો એવી મૂંઝાણી કે યાદોમાં ન્હાતું પરભાત,
નિંદરની સોંસરવા ઝબકીને જોયું તો શોણલાં સરીખી થઇ જાત.

લીલુડાં કમખામાં ગહેંકે છે મોર
જાણે ધરતીને દેતો કંઈ સાદ,
ઓલી’પા ઘૂઘરિયે ઘમકે ઉન્માદ
જાણે આછેરો આવે છે નાદ,
માલીપા મનડુંયે મ્હેકીં ઉઠયું ને પછી ઉગી હથેળીમાં ભાત,
સપનામાં બાઈ હું તો એવી મુંજાણી કે – યાદોમાં નહાતું પરભાત.

પાદરેથી પડઘાતું હૈયામાં અથડાતું
યૌવનનું કેવું આ ગીત,
અધખુલ્લી આંખોને ઊગે છે પંખો
સાવ નોખું પડતું આ સંગીત,
હેલ્લારે ચડ્યું છે મનનું આકાશ સુરજના અશ્વો લઇ સાત,
સપનામાં બાઈ હું તો એવી મુંજાણી કે – યાદોમાં નહાતું પરભાત.

૩. પ્રીતનો દરિયો

પ્રીતતો વ્હાલમ વહેતો દરિયો
હેત છલોછલ કહેતો દરિયો

ખુબ ધીરેથી પથરાતો પણ
નાજૂક નમણો રે’તો દરિયો

વનરાવનનાં મારગ જેવો
ફૂલડાંથી ફોરમતો દરિયો

ટહૂકે ટહૂકે પથરાતો ને
ગીત મધુરું ગાતો દરિયો

બિંદુમાંથી તેજ – લિસોટો..
ભીતરમાં થઈ જાતો દરિયો

– હર્ષિદા દિપકભાઈ ત્રિવેદી

રાજકોટના હર્ષિદા દિપકભાઈ ત્રિવેદીની અક્ષરનાદ પર આ પ્રથમ ત્રણ પદ્યરચનાઓ છે. સર્જનના આ અનોખા અક્ષરનાદી વિશ્વમાં તેમનું સ્વાગત છે. તેમની કલમને શુભકામનાઓ.. તેમનો સંંપર્ક તેમના ઈ-મેલ સરનામે harshida21@gmail.com પર કરી શકાય છે.


આપનો પ્રતિભાવ આપો....

5 thoughts on “ત્રણ પદ્યરચનાઓ.. – હર્ષિદા દિપકભાઈ ત્રિવેદી

  • jadav nareshbhai

    ખુબજ સુઁદર રચના – હર્શિદાબેન

    મારેી સ્વરચના
    : કવિતા : તા. ૨૦/૭/૨૦૧૬
    વરસાદથી ભીંજાઈએ ……
    ચાલને તું ને હું થોડુ થોડુ પલળીએ
    ને કોરા કોરા હૈયે જરા વરસાદથી ભીંજાઈએ
    ચાલને તું ને હું …………………………………
    જોને પેલો અષાઢી મેઘ
    કેવો ફુલ્યો ફાલ્યો છે વાદળછાયા ફુલોથી
    ને આજ જામે છે પ્રેમનો બાગ જાણે લીલેરા ગુલ્મ્હોરથી
    ચાલને ભીના ભીના વરસતા , ગુલ્મ્હોરની
    ભીની ભીની ખૂશ્બુ માણવા રે જઈએ
    ચાલને તું ને હું …………………………………
    આજ ફોરા પડે છે રે એના મઘમઘતા મોતી સમા
    ખીલી ઊઠી છે ધરતી રાણી જાણે લીલેરી ઓઢણી ઓઢી
    જાણે દેખાય છે એ રૂડીરૂપાળી નવલી નકોર પ્રિયતમા
    ચાલને એના સુંદર મુખડાને નિહાળવા રે જઈએ
    ચાલને તું ને હું …………………………………
    લીલેરા રે ખેતરે ,કરે પેલા અષાઢી મોરલીયા
    ભીના ભીના રે ટહુકાર
    આજ જાણે એના કંઠેથી વરસે છે રે મલ્હાર
    ચાલને તું ને હું એના સુરીલા સૂરમાં તરબોળ થવા રે જઈએ
    ચાલને તું ને હું …………………………………

    કવિ : જાન
    જાદવ નરેશ
    મલેકપુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

    અછાંદશ : રચના તા. ૧૯/૦૭/૨૦૧૬


    રાત –દિવસ
    ધરતી –આભ
    તારા – સિતારા
    ચંદ્ર –સુર્ય
    સરવર – તરૂવર – સમન્દર
    પર્વત – ઝરણાં
    આ બધુંજ તો
    એને બનાવ્યું છે
    છે બોલ માનવ જરા
    આ બધાને
    બનાવવામાં તારો કોઈ ફાળો ?
    તો શાને
    આ બધાને નફરત કરે છે
    ઉખાડી ફેંકે છે
    થાય તો
    આ બધાનું જતન કર
    કા પ્રેમ કર
    બાકી આ બધાને જરાય
    હાની તો ના જ કર ?

    કવિ : જાન
    જાદવ નરેશ
    મલેકપુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

    અછાંદશ રચના
    આ વરસાદ … તા.૧૪/૦૭/૨૦૧૬

    સાવ કોરૂ કોરૂ હૈયુ હોય
    તો ય ભીંજવે આ વરસાદ …….
    ને સાવ
    હોય ઘાસ કોરૂ ધાકોર
    તોય લીલોતરી ખિલવે આ વરસાદ….
    હોય પાસ
    પાસ છત્રી તોય ધોધમાર
    કેવો નવડાવી દે આ વરસાદ …….
    હોય નહી કોઈ વસંત મોસમની
    તોય કોરા કોરા હૈયે
    ભીના ભીના પ્રેમથી
    તરબોળ કરાવી દે આ વરસાદ ……
    ને સાવ સુકુભઠ રણની જેમ
    તપતી…… તરસતી સરિતાને
    છલકાવી દે આ વરસાદ ….
    વરસે ઝરમર …. ઝરમર …
    ક્યાંક ધોધમાર ….અનરાધાર તોય
    કેવો ઠંડો ઠંડો , ભીનો ભીનો
    મૂશળધાર મિજાજ બતાવી દે આ વરસાદ …
    એટલે જ તો છે, આ ઘેબરીયો વરસાદ
    ઊની ઊની રોટલી , કારેલાંનું શાક
    ખવડાવી દે આ વરસાદ …..

    કવિ : જાન
    જાદવ નરેશ
    મલેકપુર (વડ)
    મો.નં.૯૯૨૪૬૧૦૧૨૪

  • Rajnikant Vyas

    ખૂબ સુંદર રચનાઓ, હર્ષિદાબેન!
    આવી સરસ રચનાઓ આપતાં રહો.

  • દુષ્યંત દલાલ

    હષિઁદા બેન,
    સૌ પ્રથમ વખત રચના અક્ષરનાદ ઉપર આવી તે માટે ખાસ ખાસ અભિનંદન ..
    સુંદર રચના અને હૃદયમાં સ્થાન પ્રાપ્ત થઇ ગઇ.
    વારંવાર રજુઆત કરો તેવી આશા.
    દુષ્યંત દલાલ